Friday, January 9, 2015

ગાંધીએ જોયેલું ભારત અને આજની સ્થિતિ

આજે  ૯મી જાન્યુઆરીએ ભારતના ઈતિહાસની એક મહત્ત્વની તવારીખને સો વર્ષ પૂરા થઈ રહ્યા છે. ૯ જાન્યુઆરી ૧૯૧૫ના દિવસે મુંબઈના એપોલો બંદર ખાતે દક્ષિણ આફ્રિકાથી મોહનદાસ ગાંધી હંમેશ માટે ભારત આવ્યા હતા. બની શકે છે કે આજકાલ દેશમાં ફેલાયેલી ગાંધી વિરોધી હવાને કારણે કેટલાક લોકો આ વાતને મહત્ત્વની ઘટના ન પણ માને. પરંતુ એ વાત નક્કી છે કે એ દિવસ બાદ ૧૯૪૭ સુધીમાં હિન્દુસ્તાનના સદીઓ જૂના રાજકારણ અને સમાજકારણના ઈતિહાસ- ભૂગોળ સમૂળગા બદલાઈ ગયેલા. જહાલવાદીઓ એક વાતનું હંમેશાં રટણ કરે છે કે ગાંધીના સત્યાગ્રહો કે અહિંસક લડાઈઓને કારણે આપણને સ્વતંત્રતા નથી મળી. એ વાતમાં તથ્ય હોઈ પણ શકે છે કારણ કે વર્ષ ૧૯૧૫ પહેલા અને ત્યાર પછી પણ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અનેક લોકોએ અંગ્રેજી હકુમત સામે બાથ ભીડી હતી. પણ એ વાતનો અસ્વીકાર પણ ન કરી શકાય કે ગાંધીજીના ભારત આવ્યાં પછી દેશમાં એક નવી ચેતનાનો સંચાર થયો અને જાત-ધર્મના કાવાદાવાઓમાં ખૂંપીને ખૂંવાર થઈ ગયેલા ભારતના કરોડો લોકો આઝાદીની ઝંખના કરતા થયાં.

વર્ષ ૧૯૧૫ પહેલા ગાંધીજી અનેક વખત ભારત આવ્યાં અને ભારત આવીને ઠરીઠામ થવાની ઝંખના પણ વર્ષોથી કરતા રહ્યા પરંતુ દક્ષિણ આફ્રિકાના હિન્દુસ્તાનીઓ અને તેમના પ્રશ્નો ગાંધીજીને ભારત આવવા દેતાં ન હતા. આ વખતે ગાંધીને ભારત આવવામાં સફળતા મળી એ પાછળનું  એક કારણ તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા, જેઓ વર્ષ ૧૯૧૨થી ગાંધીજીને ભારત આવીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવવાની સલાહ આપી રહ્યા હતા. ગોખલેએ ગાંધીને બીજી પણ એક મહત્ત્વની સલાહ આપેલી કે ભારત આવ્યાં બાદ ગાંધીએ એક વર્ષ સુધી ભારતના કોઈ પણ રાજકીય-સામાજિક પ્રશ્નોમાં કૂદી પડવું નહીં અને એક વર્ષ સુધી દેશ અને દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિનો અનુભવ કરીને ભારતનો અભ્યાસ કરવો. ગોખલેની સલાહ મુજબ ગાંધીએ એક વર્ષ સુધી ભારતને જાણવાનું-અનુભવવાનું નક્કી કર્યું, જેથી દેશના છેવાડાના માણસના જીવન અને તેની વિટંબણાઓ અનુભવી શકાય. આ માટે તેમણે દેશના વિવિધ શહેરોમાં ફરીને ભારતભ્રમણ કરવાનું નક્કી કર્યું. ભારતયાત્રા દરમિયાન ગાંધી કાઠિયાવાડથી લઈને અમદાવાદ, પૂણે, કોલકાતા, વારાણસી, હરિદ્વાર અને મદ્રાસ જેવા શહેરોમાં રહ્યા. ત્યાં ફર્યા, કેટલાક લોકોને મળ્યાં અને તેમણે જાતજાતના અનુભવો લીધા!

ગાંધીએ ભારત આવ્યાં બાદ શું શું કર્યું એ વિશેની વાતો અહીં અસ્થાને છે. આપણે માત્ર એક વર્ષ દરમિયાન ગાંધીના ભારતભ્રમણ અને એ ભ્રમણ દરમિયાન ગાંધીએ જોયેલા ભારત વિશે વાતો કરીશું. જાન્યુઆરી ૧૯૧૫માં ગાંધી પોતાની યાત્રા શરૂ કરે એ પહેલા મુંબઈથી પૂણે જાય છે અને ત્યાં ગોપાલકૃષ્ણ ગોખલેને મળીને કાઠિયાવાડ તરફ રવાના થાય છે. અહીં નોંધવું રહ્યું કે પોતાની જાતને બૌદ્ધિકમાં ખપાવવાની મથામણ કરતા આજના કેટલાક ધવલકેશી સામાજિક ચિંતકોની જેમ એસી ચેમ્બરમાં બેસીને ઝુંપડપટ્ટીમાં વસતા લોકોનું જીવન ઉપર લાવવાની ચિંતામાં ગળાડૂબ રહેવા કરતા ગાંધીએ છેવાડાના માણસની પીડા જાણવા બિલકુલ એમના જેવું જીવન જીવવાનું પસંદ કરી રેલવેના થર્ડ ક્લાસમાં મુસાફરીઓ કરવાનું શરૂ કર્યું.

ચિક્કાર માણસોથી ખદબદતા રેલવેના થર્ડ ક્લાસની અનેક મુસાફરીઓ દરમિયાન તેમણે નોંધ્યું છે કે અંગ્રેજી અમલદારોની હેરાનગતિ ઉપરાંત ભારતના લોકો પણ ઓછા ઊતરે એવા નથી. થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા મુસાફરો અન્ય મુસાફરો સાથે ઉદ્ધતાઈથી વર્તે છે અને માત્ર પોતાનો જ સ્વાર્થ શોધે છે. આ ઉપરાંત તેમણે એમ પણ નોંધ્યું છે કે તમાકુ ખાઈને લોકો ડબ્બામાં કે બારીમાંથી ગમે ત્યાં થૂકે છે અને તેમની આસપાસ ગંદકી પોષે છે! આજે સો વર્ષ પછી થર્ડ ક્લાસના ડબ્બાને અનારક્ષિત જેવું અલંકૃત નામ ભલે મળ્યું હોય પરંતુ રેલવેના જનરલ ડબ્બા કે રેલવે પ્લેટફોર્મની પરિસ્થિતિ ગંદકીની બાબતે હજુ પણ એવી જ છે. અને રેલવેમાં જ શું કામ દેશમાં અત્ર-તત્ર-સર્વત્ર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે, જેના માટે વિવિધ સરકારોની સાથે નાગરિક તરીકે આપણે પણ એટલા જ જવાબદાર છીએ. પરંતુ આપણી તકલીફ એ છે કે આપણે ક્યારેય કશું સ્વીકારવું નથી અને સ્વચ્છતા સંબંધિત તમામ જવાબદારીઓ સરકારને માથે થોપીને છૂટી જવું છે!

વર્ષ ૧૯૧૪માં મોહનદાસ ગાંધી અને કસ્તુરબા
કાઠિયાવાડમાં થોડા દિવસના રોકાણ બાદ ગાંધીજી શાંતિનિકેતન તરફ રવાના થાય છે. દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમના કેટલાક અંતેવાસીઓ પણ ગાંધીજી સાથે ભારત આવી ગયા હતા, જે બધાને મગનલાલ ગાંધી સાથે બંગાળમાં શાંતિનિકેતનમાં રાખવામાં આવ્યાં હતા. ગાંધીજી જ્યારે શાંતિનિકેતન પહોંચ્યાં ત્યારે કવિવર પ્રવાસે હતા એટલે ત્યારે ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરની મુલાકાત થઈ શકી ન હતી. પરંતુ કવિવર સી. એફ. એન્ડ્રુઝ સાથે પત્રોના માધ્યમથી ગાંધીજીના પહોંચ્યાંના સમાચાર મેળવતા રહેતા. સી. એફ. એન્ડ્રુઝને લખાયેલા આવા જ એક પત્રમાં ટાગોરે પહેલી વખત ગાંધીજી માટે મહાત્માનું સંબોધન કરીને વર્ષ ૧૯૧૫થી જ ગાંધીજીને મહાત્મા કહેવાનો ચીલો પણ ચાતરેલો!

શાંતિનિકેતનની એ મુલાકાત દરમિયાન ગાંધીજી પહેલવહેલી વાર કાકા કાલેલકરને મળ્યાં હતા, જેમનો સંગાથ પછી તેમને આજીવન સાંપડ્યો હતો. જોકે શાંતિનિકેતન પહોંચ્યાને તેમને માંડ ત્રણ-ચાર દિવસ થયાં ત્યાં તેમના નામે એક ભૂંડા સમાચાર આપતો તાર આવ્યો, જેમાં ગોખલેના અવસાનના સમાચાર આપવામાં આવ્યાં હતા. આ કારણે તેઓ ગોખલેને શ્રદ્ધાંજલિ આપવા ફરી પૂણે જવા રવાના થયાં, જે યાત્રા દરમિયાન પણ તેમણે ભારત અને ભારતમાં વસતા સામાન્યજનનો અભ્યાસ ચાલુ રાખ્યો! ગોખલેની સલાહથી ભારત આવેલા ગાંધીજીને સ્વદેશ આવીને હજુ માંડ મહિનો પણ નહીં થયો ત્યાં ગોખલેનું અવસાન થયાના સમાચાર ગાંધીને હચમચાવી જાય એ સ્વાભાવિક છે પરંતુ એ જ ગાંધી સ્થિતપ્રજ્ઞના લક્ષણોથી સુપેરે પરિચિત હતા એટલે શોકમગ્ન થઈને નાહક સમય વેડફવા કરતા તેઓ ફરીથી કામે વળગ્યાં અને કોલકતાની ટ્રેન પકડી ફરી શાંતિનિકેતન પહોંચ્યાં.

એ દિવસ હતો ૬ માર્ચ ૧૯૧૫નો જ્યારે કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીની શાંતિનિકેતનમાં મુલાકાત થાય છે. આ દિવસે ગાંધીજી શાંતિનિકેતનના વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરે છે. આ વાતચીતમાં ગાંધીજીએ વિદ્યાર્થીઓએ પણ પાયખાનાની સ્વચ્છતામાં યોગદાન આપવું જોઈએ એવું મંતવ્ય રજૂ કર્યું હતું. જોકે એ બાબતે ટાગોરનું માનવું એમ હતું કે વિદ્યાર્થીઓની સૌથી પહેલી જવાબદારી ભણતર જ હોવી જોઈએ! એક રીતે જોવા જઈએ તો આ કિસ્સામાં ગાંધી અને ટાગોર એકમત નથી થતાં. પરંતુ આ બંને હસ્તીઓએ તેમના અહંને આડે આવવા નથી દીધો અને મતભેદને કારણે મનભેદ ન થવો જોઈએ એનું ઉદાહરણ પૂરું પાડ્યું.

માર્ચ ૧૯૧૫માં વારાણસી થઈ હરિદ્વારમાં યોજાઈ રહેલા કુંભમેળામાં જવાનું આયોજન કરે છે. વચ્ચે તેઓ રંગુનની પણ એક મુલાકાત લઈ આવે છે. માર્ચ પછીનું ગાંધીનું ભારત ભ્રમણ ધર્મ વિશેના તેમના ખ્યાલો પર વધુ પ્રકાશ પાડે છે. વારાણસીના વિશ્વનાથ મંદિર અને હરિદ્વારના કુંભની મુલાકાતોના અનુભવ વિશે ગાંધીએ તેમની આત્મકથામાં સ્પષ્ટ શબ્દોમાં જે વર્ણન કર્યું છે એ પરથી એવું કહી શકાય કે જો ‘સત્યના પ્રયોગો’ હમણાના વર્ષોમાં પ્રકાશિત થઈ હોત અને ગાંધીજી હજુ જીવિત હોત તો તસ્લીમા નસરીન કે સલમાન રશ્દીની માફક તેમણે પણ દેશવટો ભોગવવો પડ્યો હોત. અને બહું નહીં તો સિક્કાની બીજી બાજુનો ક્યારેય વિચાર નહીં કરતા જડ અંતિમવાદીઓ અને ધર્મનો વેપાર કરતા લોકોએ ગાંધી વિરુદ્ધ સરઘસો કાઢીને ફેસબુક, ટ્વિટર પર #boycot_ghandhiનું ટ્રેન્ડિંગ તો જરૂર કર્યું હોત!
દક્ષિણ આફ્રિકામાં ગોપાલકૃષ્ણ ગોખલે સાથે ગાંધી

વર્ષ ૧૯૧૫માં હરિદ્વારમાં કુંભમેળો ભરાયો હતો છતાં એમને ત્યાં જઈને ગંગા સ્નાન કરવાની બહું અબળખા ન હતી. તેઓ હરિદ્વાર માત્ર મુનશીરામજી મહારાજને મળવા જ ગયા હતા. હરિદ્વાર પહોંચીને તેમણે ત્યાંની એકએક ગલીઓમાં ભ્રમણ શરૂ કર્યું અને કોઈ સંશોધકની છટાથી લોકોની ધર્મભાવનાનો અભ્યાસ કરવા લાગ્યાં. હરિદ્વારની રખડપટ્ટી વિશે તેમણે આત્મકથામાં નોંધ્યું છે એ મુજબ તેમને કુંભમેળામાં લોકોની ધર્મભાવના કરતા તેમનું બેબાકળાપણું, તેમની ચંચળતા, પાખંડ અને અવ્યવસ્થા વધુ જોવા મળી. સાધુઓ માટે તો એમણે ત્યાં સુધી લખ્યું છે કે આ સાધુઓનો જન્મ માત્ર માલપૂડા અને ખીર ખાવા જ થયો હોય એવું એમને લાગે છે! ગાંધીજીને અમુક સાધુઓ અને કહેવાતા ધર્મરક્ષકો દ્વારા ચલાવાતા પાખંડોની  અત્યંત ચીડ હતી. સાથે જ એ વાતનું દુખ પણ હતું કે આવા મુઠ્ઠીભર પાખંડીઓ સત્તર લાખ લોકોની શ્રદ્ધા સાથે ખેલ ખેલી રહ્યા છે. ધર્મને નામે પાખંડ આજે પણ આપણે ત્યાં હાજરાહજુર છે અને અનેક હાઈપ્રોફાઈલ બાવાઓ સ્ત્રીઓના શિયળ લૂંટવાના કે અન્ય કોઈ આરોપસર કેટલાક વર્ષોથી જેલવાસ ભોગવી રહ્યા છે. તો કેટલાક તેમની રાજકીય વગનો લાભ લઈને છૂટા ફરે છે.

વર્ષ ૧૯૧૫ની યાત્રાના અનુભવ બાદ ગાંધી ધર્મોની વિશિષ્ટ ઓળખ આપતી કેટલીક બાહ્ય બાબતો વિશે પણ ખૂલીને લખે છે. હરિદ્વારથી તેઓ લક્ષમણ ઝુલા જોવા ૠષિકેશ જાય છે અને અહીં જનોઈ પહેરવાની બાબતે તેઓ એક સાધુ સાથે દલીલ પર ઊતરી જાય છે. સાધુ ગાંધીજીને એમ કહેવા મથે છે કે હિન્દુ તરીકે તેમણે જનોઈ પહેરવી જરૂરી છે. પરંતુ ગાંધીજીને ગળે એ દલીલ નથી ઉતરતી કે જ્યારે હિન્દુ ધર્મના અન્ય વર્ણના લોકો જનોઈ ન પહેરવા છતાં હિન્દુ તરીકે ઓળખાય છે તો તેમણે હિન્દુ તરીકે ઓળખાવા જનોઈ શું કામ પહેરવી? અહીં ગાંધીજી આપણા સમાજમાં પ્રવર્તમાન વર્ણવ્યસ્થા તરફ આંગણી ચીંધી રહ્યા છે.



ગાંધી અને ટાગોર એક સભામાં

હરિદ્વારથી તેઓ મદ્રાસ (ચેન્નઈ) માટે રવાના થાય છે અને ભારતના ઉત્તર છેડાથી છેક દક્ષિણ છેડા સુધીની યાત્રા કરીને ૧૭મી એપ્રિલે મદ્રાસ પહોંચે છે. મદ્રાસમાં તેઓ સામાન્ય લોકોને મળીને દક્ષિણ ભારતના પ્રશ્નો અને ત્યાંની મુશ્કેલીઓ જાણવાનો પ્રયત્ન કરે છે. અહીંથી ગાંધી બેંગ્લુરુ થઈને  ૧૧મી મેના રોજ અમદાવાદ પહોંચે છે અને ત્યાં કોચરબમાં તેમના પહેલા આશ્રમની સ્થાપના કરે છે. ગાંધીની યાત્રા અહીં જ અટકતી નથી, અહીં પછી પણ આ યાત્રા ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ સુધી અવિરત ચાલતી જ રહે છે. પરંતુ ૧૯૧૫ના વર્ષ દરમિયાન ગાંધીએ જે અનુભવ લીધા એ અનુભવો ઘણા મહત્ત્વના હતા કારણ કે એમાં જ ગાંધીના ભવિષ્યના સત્યાગ્રહો અને આંદોલનોનો ગર્ભ બંધાયો હતો. સ્વદેશી આંદોલન હોય કે અસહકારની ચળવળ હોય, એ તમામ ચળવળોના મૂળિયાં આ એક વર્ષના પ્રવાસમાં જ ક્યાંક જોડાયેલા છે. ગાંધી કેટલા યોગ્ય હતા કે આજે તેઓ કેટલા પ્રસ્તુત છે એ બીજી ચર્ચાનો વિષય છે પરંતુ ગાંધી ભારતના ઈતિહાસનું એક અભિન્ન અને ક્યારેય અવગણી નહીં શકાય એવું અંગ છે એનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. ■

Sunday, December 14, 2014

અભિનેતા ન હોત તો હું સારો ક્રિકેટર હોત!

જેમણે ‘બાએ મારી બાઉન્ડ્રી’ કે ‘બા રિટાયર થાય છે’ જેવા નાટકો જોયા હોય એ લોકો સનત વ્યાસના નામથી અજાણ નહીં  હોય. અનેક નાટકો અને ‘એક મહેલ હો સપનો કા’ જેવી ટેલિવિઝન સિરિયલમાં પોતાની ઉત્તમ અભિનય ક્ષમતા પુરવાર કરનાર સનત વ્યાસ આપણી રંગભૂમિ પર છેલ્લા ચાર દાયકાથી કાર્યરત છે. અભિનયની સાથે તેઓ અવાજની જાદુગરીમાં પણ તેમની મહારત છે, તેમણે અનેક ટેલિવિઝન એડ માટે તેમનો વોઈસ ઓવર આપ્યો છે. તેમણે હમણાં સુધીમાં ‘પત્તાંની જોડ’, ‘જંતર મંતર’, ‘સગપણના ફૂલ’, ‘ઝીરો બની ગયો હીરો’ તેમજ ‘અમારુ સરનામું તમે’ જેવા મબલખ નાટકોમાં અભિનય કર્યો છે. હાલમાં તેઓ ઈટીવી ગુજરાતી પર પ્રસારિત થતી સિરિયલ ‘તારી આંખનો અફીણી’માં અભિનય કરી રહ્યા છે.  તેમની મુલાકાત માટે ‘ગુજરાત ગાર્ડિયન’ની ટીમ આ સિરિયલના લોકેશન પર એટલે કે મુંબઈના મઢ આઈલેન્ડ પહોંચી હતી, જ્યાં તેમણે અમારી સાથે અનેક અંતરંગ વાતો કરી હતી. એ મુલાકાતના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે

તમારામાં અભિનયના બીજ ક્યારથી રોપાયાં અને તમે અભિનય તરફ ક્યારે વળ્યાં?

મારી કથા શરૂ કરું એ પહેલા મને કહી દેવા દો કે મારો ઉછેર અમદાવાદ અને રાજકોટમાં થયો હતો. નાટકોનો શોખ મને બાળપણથી જ હતો એટલે હું સ્કૂલના વાર્ષિક મહોત્સવોમાં ભાગ લેતો. આ ઉપરાંત આકાશવાણી પર રેડિયો નાટકની સ્પર્ધાઓ યોજાતી, એટલે હું એમાં પણ ભાગ લેતો. જોકે ત્યારે મારા માટે એ બધી ઈતર પ્રવૃત્તિઓ હતી. ત્યારે હું એ નહોતો જાણતો કે હું આખે આખો નાટકો તરફ જ ઢળીશ અથવા નાટકો કે અભિનય મારા જીવનનો અભિન્ન અંગ બની જશે! બીજું એ કે મારા પિતા આકાશવાણી સાથે સંકળાયેલા હતા એટલે હું નાનો હતો ત્યારે મારા ઘરે અનેક કલાકારોની અવરજવર રહેતી. એટલે કદાચ તેમની વાતો અને એ બધા સંસ્કારોના બીજ જાણ્યે અજાણ્યે મારામાં રોપાયા હશે, જે બધુ આજે મને ખપમાં આવી રહ્યું છે એવું મારું માનવું છે.

તો કારકિર્દી તરીકે નાટકોની શરૂઆત ક્યારે કરી?

હું એક વાત સ્પષ્ટપણે કહીશ કે હું જે નાટકો કરું છું એ નાટકોને વ્યાવસાયિક નાટક જરૂર કહી શકાય. પરંતુ નાટક કે અભિનયને મેં ક્યારેય વ્યવસાય તરીકે ક્યારેય સ્વીકાર્યા નથી. નાનપણનો મારો શોખ મને આ ક્ષેત્રમાં લઈ આવ્યો અને  વર્ષ ૧૯૭૪થી આજ સુધી હું સતત રંગભૂમિ સાથે સંકળાયેલો રહ્યો છું.

તમે અભિનયને કયા દૃષ્ટિકોણથી જુઓ છો?

અભિનય દરેક માણસમાં વત્તેઓછે અંશે રહેલો જ હોય છે. આપણે રોજ કોઈ ને કોઈ રીતે અભિનય કરતા જ હોઈએ છીએ. પણ કલાકારો અને સામાન્ય માણસોમાં ફરફ એટલો કે કલાકારોને રોજિંદા જીવન ઉપરાંત મંચ પર પણ અભિનય કરવાની તક મળતી હોય છે! અભિનય વિશે મારી અંગત માન્યતા એવી છે કે આ ક્ષેત્રમાં તમને સમાજને અને આપણા રોજિંદા જીવનને વધુ ઝીણવટથી અને જરા જુદા દૃષ્ટિકોણથી મૂલવવાની તક મળે છે. કારણ કે નાટકની વાર્તાઓ આમ ભલે કાલ્પનિક અથવા મૌલિક ગણાતી હોય, પણ એ વાર્તાના મૂળિયાં ક્યાંકને ક્યાંક વાસ્તવિકતા સાથે સંબંધ ધરાવતા જ હોય છે. એટલે આસપાસના માહોલનો અભ્યાસ નહીં કરો ત્યાં સુધી તમે તમારા પાત્રને જીવંત બનાવી શકતા નથી.

આજની રંગભૂમિ વિશે તમે શું અભિપ્રાય ધરાવો છો?

આજે આપણે જે રંગભૂમિને જોઈ રહ્યા છીએ એ રંગભૂમિએ પાછલા કેટલાક વર્ષોમાં ઘણા પરિવર્તનો સ્વીકાર્યા છે અને આપણી રંગભૂમિએ ઘણી પ્રગતિ પણ કરી છે. મુંબઈની રંગભૂમિ વિશે હું એટલું જરૂર કહીશ કે અહીં પહેલા જેટલા પ્રયોગાત્મક કે વિષય વૈવિધ્ય ધરાવતા નાટકો થતાં નથી. હવે કોમેડી તરફ વધુ ધ્યાન અપાઈ રહ્યું છે. આજે તો નાટકમાં દર પંદરમી મિનિટે હાસ્ય કેમ ઊભું કરવું એના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. બીજી તરફ વિવિધ જ્ઞાતિઓના મંડળો અને કેટલીક ક્લબો ઊભી થઈ છે, જેઓ નિયમિતપણે નાટકોના શૉ યોજતા રહે છે. હું આવા મંડળોને બાધ નથી માનતો, પરંતુ એટલું જરૂર કહીશ કે આ કારણે કેટલેક અંશે અમારી આઝાદી છીનવાઈ ગઈ છે. કારણ કે આ લોકોના આવવાથી અમે અમને ગમતા વિષયો અમારી રીતે રજૂ કરી શકતા નથી. અલબત્ત, પરિસ્થિતિ થોડે ઘણે અંશે બદલાઈ છે અને કેટલાક લોકો ફરીથી સમાંતર અથવા પ્રયોગાત્મક કહી શકાય એવું કામ કરી રહ્યા છે, જેને અમારા કલાકારો માટે આનંદની જ વાત કહી શકાય.

અભિનયની ખરી કસોટી ક્યાં- મંચ પર કે કેમેરાની સામે?

મારે માટે તો બંને જગ્યાએ. હમણાં સુધી અનેક કલાકારોએ આ વાત કરી જ હશે કે મંચ પર કલાકારોને રીટેક લેવાનો ચાન્સ મળતો નથી એટલે અહીં તમારે સતત સતર્ક રહેવું પડે છે, જ્યારે કેમેરાની સામે તમારે કટકે કટકે કામ કરવા પડે છે. મંચ પર દર્શકો તમને એક જ એંગલથી જોઈ શકે છે. નાટકના માધ્યમમાં સાઉન્ડ અને લાઈટનું ઘણું પ્રભુત્વ હોય છે, જેમાં તમારે તમારા અભિનય વડે દર્શકોના મનમાં એક ચિત્ર ઊભું કરવાનું હોય છે.  જ્યારે કેમેરાની સામે તમે અભિનય કરો ત્યારે જુદી જુદી રીતે તમારા વિવિધ એંગલને કેમેરામાં કેદ કરવામાં આવતા હોય છે. આથી તમારે નાની નાની વસ્તુઓ અને ઝીણા ઝીણા હાવભાવ પર ઘણું ધ્યાન આપવું પડતું હોય છે. એટલે હું માનું છું કે જેમ જુદા જુદા માધ્યમોની માગ જુદી જુદી હોય એમ એ તમામ માધ્યોના પડકારો પણ જુદા જુદા હોય છે. મુખ્ય વાત એ છે કે કલાકારે બધી કસોટીઓમાંથી પસાર થઈને તેમજ બધા પડકારોથી ઉપર ઊઠીને તેની અભિનય ક્ષમતાને પુરવાર કરવાની હોય છે.

આપણી રંગભૂમિની બોક્સ ઓફિસ પર ક્યારેય ભીડ નથી જામતી. પણ બીજી તરફ જ્ઞાતિ-મંડળોના નાટકો હાઉસફુલ જાય છે. ગુજરાતી પ્રજાની આવી માનસિકતા વિશે તમે શું કહેશો?

આપણી રંગભૂમિ આમ પણ પહેલેથી જ થોડી ડામાડોળ ચાલતી રહી છે. એટલેકે રંગભૂમિનો એકસરખો તબક્કો ક્યારેય ચાલ્યો નથી. એનું કારણ એ છે કે આ લાઈવ આર્ટ છે, અને લાઈવ આર્ટ વિશે લોકોમાં એવી છાપ છે કે તે થોડું ખર્ચાળ છે. એટલે આ કારણે પણ અહીં ભીડ ન જામતી હોય! જ્ઞાતિ-મંડળોના શૉ હાઉસફુલ જાય છે એની પાછળનું એક કારણ એ પણ છે કે અમે જ તેમને આ માટેની સગવડ કરી આપી છે. કારણ કે કેટલીક વખત લોકો અમારી પાસે આવીને અમને કહે કે અમારે તમારા નાટકો જોવા છે પરંતુ કોઈક કારણસર અમે એ જોઈ નથી શકતા. આથી અમે તેમને રસ્તો કરી આપ્યો કે અમે અમુક રૂપિયાની ટિકિટ તમને અમુક રૂપિયામાં આપી દઈશું. અથવા અમે તેમને આખેઆખા શૉ ખરીદી લેવાની પણ ઓફર આપીએ કે, ‘ભાઈ, અમારો અમુક ખર્ચો બાદ કરતા આખો શૉ તમારો!’ એટલે આ રીતે આવા મંડળો ઊભા થયા, અને મંડળોને પ્રોત્સાહન મળતા તેમણે પોતાની જ્ઞાતિ અથવા પોતાના મિત્રો માટેનું મનોરંજન શરૂ કર્યું.

આ રીતે મનોરંજન તો શરૂ થયું જ પણ સાથે નાટકોમાં ધીમે ધીમે તેમનો હસ્તક્ષેપ પણ વધતો ગયો. તેઓ અમને આવીને કહે કે. ‘યાર તમે આટલુ બધુ સિરિયસ કરો છો, પરંતુ અમે તો નોકરીએથી થાકીને આવીએ. એટલે અમને આવું સિરિયસ ન ખપે. અમને કંઈક મનોરંજક આપો!’ એટલે અમે ધીમે ધીમે તેમને ગમતી વાર્તા કે તેમને ગમતું મનોરંજન આપવા માંડ્યા. આમ, રંગભૂમિએ જ તેમને આ સુવિધા કરી આપી, જેને હું અમારો વાંક માનું છું.

ગુજરાતી નાટકોની વાર્તાઓમાં હવે વિવિધતા લાવવી જોઈએ એવું નથી લાગતું? કોમેડીનું પ્રભુત્વ હજુ ક્યાં સુધી?

મેં આગળ કહ્યું એમ રંગભૂમિ પર બદલાવો તો આવતા જ રહ્યા છે. અને ભવિષ્યમાં પણ અહીં બદલાવો આવતા રહેશે અને આપણે સમયાંતરે નવું નવું સ્વીકારતા પણ રહીશું. એટલે અહીં પણ વિવિધતા તો આવશે જ. આપણે હમણાં ટેલિવિઝન અને ફિલ્મોમાં જોઈ રહ્યા છીએ કે અહીં હવે નાના બજેટની સારી ફિલ્મો કે ટેલિવિઝન સિરીઝનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત સમાજના જુદા જુદા તબક્કાઓ અને આપણા સમાજમાં જીવી ગયેલી વ્યક્તિઓના જીવન પર પણ કામ થઈ રહ્યું છે. આ બધું નાટકોમાં પણ કરી શકાય. અને રંગભૂમિ માટે આ બધું કંઈ નવું નથી. અહીં પહેલા આવું બધું થતું જ હતું. ફરક માત્ર એટલો જ છે કે આપણે એ તરફથી થોડા વિમુખ થયા છીએ. એટલે આપણે એ તરફ પાછા ફરવાનું છે. જોકે હાલમાં કેટલાક લોકો ફરીથી કંઈક નવીન કરી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે આપણે ઘણા જલદી એ દિશામાં પાછા ફરીશું અને અમને અમારું ગમતું કામ કરવા મળશે.
પદમારાણી સાથે સનત વ્યાસ

તમારા ભજવેલા નાટકોમાં તમારું પ્રિય નાટક કયું?

આમ તો હું પ્રિય-પ્રિયના મોહમાં નથી પડતો. કારણ કે મને તો મારા બહુ નહીં ચાલેલા નાટકો પણ ખૂબ ગમ્યાં છે! વર્ષ ૧૯૭૭માં અમે ‘અભિનામ’ નામનું એક મ્યુઝિકલ નાટક કર્યું હતું, જેમાં અમે રાજા અકબરના અને સંગીતકાર તાનસેનના બે બગાવતી દીકરાઓની વાત આલેખી હતી. નાટકની વાર્તામાં રાજા અકબર અને તાનસેનના અભિમાનને તેમના દીકરાઓએ કઈ રીતે તોડ્યું એ વિશેની વાત છે.  રાજા અકબરને તેના સામ્રાજ્યનું અને કેટલીક રૂઢિઓનું ભારે અભિમાન હતું પરંતુ તેના જ દીકરાએ પ્રેમમાં પડીને તેના અભિમાનને ચકનાચૂર કરેલું તો તાનસેનને એવું અભિમાન હતું કે સંગીતનું તેના જેવું જ્ઞાન કોઈને નથી. પરંતુ તાનસેનના દીકરાનો તેના પિતાના સંગીત વિશે એવો અભિપ્રાય હતો કે તાનસેનનું સંગીત માત્ર દરબાર પૂરતું જ સીમિત છે, જેની મજા સામાન્ય લોકો લઈ શકતા નથી! આમ આ રીતે તેણે પણ તાનસેનની સામે બગાવત કરી તેનું અભિમાન તોડેલું. એ નાટકમાં અજીત મર્ચન્ટે મ્યુઝિક આપેલું અને દેશના મોટા વાદ્યકારો અને ગાયકોએ તેમાં કામ કરેલું. તે નાટકના સંવાદોમાં અમારે ઉર્દૂસભર ગુજરાતી બોલવાનું હતું, ઉપરાંત અમારે અમારા હાવભાવ પણ થોડા અલગ રીતે પ્રદર્શિત કરવાના હતા. બટ સમ હાઉ એ નાટક નહીં ચાલ્યું પરંતુ એક કલાકાર તરીકે એ નાટક કરીને મને અત્યંત સંતોષ થયેલો. આ ઉપરાંત નાટ્યકાર શૈલેષ દવે સાથે મેં ‘નોંધપોથી’ નામનું એક નાટક કરેલું એ નાટક અને ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત ‘ત્રેવીસ કલાક, બાવન મિનિટ’ નામનું મારું એક નાટક મને ઘણું પ્રિય છે.



ક્યાંક વાંચવામાં આવ્યું છે કે ગયા વર્ષે ઉત્તરાખંડમાં ઘટેલી ઘટનામાંથી બચી આવ્યા છો...

હા, હું મારી પત્ની સાથે કેદારનાથની યાત્રાએ ગયો હતો. લગભગ સાતમી જૂને જ્યારે અમે મંદિરે પહોંચ્યાં ત્યારે મંદિરના પૂજારીએ અમને કહ્યું કે, ‘આપ દોનો અકેલે આયે હો?’ તો મેં કહ્યું કે, ‘હા.’ એટલે એમણે અમને તરત કહ્યું કે, ‘આપ દર્શન કરકે જલદી સે નીકલ જાઈએ. ક્યુંકી મોસમ કા કુછ ભરોસા નહીં હૈ.’ તેમની સૂચનાથી અમે ઝડપભેર પૂજાવિધિ પતાવીને વિલંબ કર્યા વિના નીચે ઉતરી ગયા. અમે જેવા નીચે ઉતર્યા એવો તરત વરસાદ શરૂ થયો અને એ વરસાદનું જે જોર હતું બોસ! એનું વર્ણન પણ નહીં કરી શકાય એવો એ વરસાદ હતો. અમે જે હોટલમાં રોકાયેલા એ હોટલ બે નદીઓની વચ્ચે હતી અને વરસાદ શરૂ થયો એના થોડા જ કલાકોમાં નદીઓ તો જાણે રણચંડી બની! એય, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી! જોકે અમારી હોટલના પહેલા માર્ગમાં કંઈક આવી ગયેલું, જેને કારણે અમારી હોટલની નીચેની જમીન ધોવાઈ જતા બચી ગયેલી. એક રાતના ઉજાગરા પછી અમે ગમે એમ કરીને હોટલમાંથી બહાર નીકળ્યાં અને ગમે એમ કરીને એ વિસ્તારમાંથી બહાર નીકળ્યાં. અમે સહીસલામત બહાર આવ્યા એ બદલ ત્યાંની સ્થાનિક પ્રજાનો પણ આભાર માનવો જ રહ્યો. કારણ કે પોતાનું સઘળુ પાણીમાં વહી ગયું હોવા છતાં એ લોકોએ પ્રવાસીઓ પ્રત્યે જે ખેલદિલી બતાવી એ કાબિલેદાદ હતી.

એ દિવસોમાં મને કુદરતનું રૌદ્ર સ્વરૂપ પ્રત્યક્ષ રીતે જોવા મળ્યું. ત્યાં સુધી મેં કુદરતને અને પહાડોને અત્યંત શાંત સ્વરૂપમાં જ જોયેલા. ત્યાર સુધી મેં નદીઓને શાંત સ્વરૂપે ખળખળ વહેતા જોયેલી. પણ ત્યારે મેં નદીના એક અલગ જ રૂપના દર્શન કર્યા. તે સમયે વહેલી નદીના વહેણનો અવાજ હજુય મને ક્યારેક સંભળાય છે! પરંતુ હું કુદરતને ચાહુ છું અને મને તેનામાં પહેલા જેટલી જ શ્રદ્ધા છે એટલે હું ફરી ફરીને ત્યાં જવાનું પસંદ કરીશ.
ઈટીવી પર પ્રસારિત થતી 'તારી આંખનો અફીણી' સિરિયલના સેટ પર...

અભિનય કરો એ પહેલા તમે ક્યા પ્રકારની તૈયારીઓ કરો છો?

એક એક્ટર તરીકે હું મારા અભિનય માટે અત્યંત સજાગ છું. હું હંમેશાં એક વાતનું ધ્યાન રાખુ છું કે મારાથી એક વાર થઈ ગયેલી ભૂલનું હું બીજી વખત પુનરાવર્તન નહીં કરું. આ માટે કલાકાર તરીકે તમારું કેટલીક બાબતો તરફ ધ્યાન જવું જોઈએ અથવા તમારા અભિનય માટે તમારો એટલો અભ્યાસ હોવો જોઈએ. મારા કોઈ નાટકનો દસમો શૉ હોય કે પચાસમો શૉ હોય, પરંતુ હું દર વખતે એ નાટક પહેલી વખત ભજવી રહ્યો છું એવું માનીને જ મારો અભિનય કરું છું. હું માનું છું કે કલાકારે તેના અભિનયને લઈને ક્યારેય ઓવરકોન્ફિડન્ટ રહેવું જોઈએ નહીં. ‘ચાલો ભાઈ આપણે તો નીવડેલા છીએ ને!’ જો અભિનેતા આવું કંઈક વિચારવા ગયો તો કલાકાર તરીકેના તેના વિકાસ પર પૂર્ણવિરામ લાગી જાય છે. કોઈ પણ કલાકારને આ તબક્કે પહોંચવાની લાલસા જાગતી જ હોય છે. પરંતુ હું હંમેશાં મારા મનમાં એક વાત રાખુ છું કે હું હજુ નવો નિશાળીયો જ છું. હું મારા પ્રેક્ષકોની કમેન્ટ્સને પણ ઘણી ગંભીરતાથી લઉં છું. પ્રેક્ષકો તરફથી મારા અભિનયને લઈને મને જે સૂચનો આવે છે એના પર હું તુરંત જ કામ કરવાનું શરૂ કરી દઉં છું.

ભૂતકાળના કોઈ પણ ત્રણ પાત્ર અથવા અભિનેતાઓ સાથે કામ કરવાની તક આપવામાં આવે તો તમે કોને પસંદ કરો? 

પાત્રોમાં સૌથી પહેલા હું મેકબેથને પસંદ કરું. મારું બોડી ફિઝિક એમના જેવું ન હોય તો પણ ગાંધીજીનું પાત્ર ભજવવાની પણ મને ઘણી ઈચ્છા છે. અને ત્રીજુ પાત્ર ઈતિહાસમાં ભૂંડી ભૂમિકા ભજવી ગયેલું કોઈ પણ પાત્ર, જેને ભજવવાનું કામ ખરેખર પડકારજનક હોય!

અભિનેતાઓની વાત કરું તો લોરેન્સ ઓલિવિયર વિશે મેં એવું વાંચેલું કે તેમનું નાટક શરૂ થાય એ પહેલા તેઓ અચૂક રિહર્સલ કરતા, અને જો તેમને રિહર્સલ કરવા ન મળે તો તેઓ તેમનો શૉ કેન્સલ પણ કરી દેતા! અંગત રીતે મને આવા માણસો એટલે ગમે છે કે કારણ કે મને ખુદને પણ રિહર્સલની પ્રક્રિયામાં ખૂબ મજા પડે છે. તો હું તેમની સાથે કામ કરવાનું પસંદ કરું.

તમારા પ્રિય નાટ્યકારો કયાં?

એમ તો જૂની રંગભૂમિ પર અશરફ ખાન કે સુશીલા દેવી જેવા કેટલાય કલાકારો થઈ ગયા છે, જેમના રંગભૂમિમાં પ્રદાન વિશે સાંભળીને એમ થાય કે આ બધા કલાકારો સાથે કામ મળ્યું હોત તો ઘણું સારું થાત. આ ઉપરાંત આજના સમયની વાત કરીએ તો જેમણે મારી કારકિર્દીની શરૂઆત કરાવી એવા નાટ્યકાર વિજય દત્ત, અરવિંદ જોશી અને પ્રવીણ જોશી મને ગમે.  અને મારા સમવયસ્કોની વાત કરું તો
મને સિદ્ધાર્થ (રાંદેરિયા) અને હોમી વાડિયા જેવા કલાકારો ગમે. એક નામ, જે મારું ઓલ ટાઈમ ફેવરિટ છે એ નામ છે સરિતા જોશી!

હાલમાં તમે ક્યાં પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યાા છો?

હાલમાં હું મારા ‘કેરી ઓન કરસન’ નામના એક નાટકની તૈયારી કરી રહ્યો છું. આમ તો આ નાટકના પાંચ-છ શૉઝ થયાં પણ છે પરંતુ હાલમાં અમે તેની સ્ક્રિપ્ટ ઉપરાંત અન્ય કેટલાક પાસાઓ પર ફરીથી કામ કરી રહ્યા છીએ.

તમે નાટક ન કરતા હોત તો શું કરતા હોત?

મારા શાળાના અભ્યાસ દરમિયાન જે રીતે હું નાટકોમાં ભાગ લેતો ,એ રીતે હું રમત-ગમતમાં અને એમાંય ખાસ કરીને ક્રિકેટમાં પણ ઘણો સક્રિય હતો. મારા સાથીઓના મત મુજબ હું ઘણું સારું ક્રિકેટ રમતો. પણ કરમની કઠણાઈ એ હતી કે ત્યારે ન તો સચીન તેન્ડુલકર હતો કે ન વનડે કે આઈપીએલ હતી. ઈનશોર્ટ ક્રિકેટમાં આજે જોવા મળી રહ્યું છે એવું ગ્લેમર ત્યારે જોવા મળતું નહીં. એટલે ત્યારે અમારા વડીલો અમને કહેતા કે, ‘આ શું આખો દા’ડો ધોકા પછાડ પછાડ કરે છે?’ હું પંજાબના જલંધરમાં ડિસ્ટ્રીક્ટ લેવલે પણ ક્રિકેટ રમી આવ્યો છું.

લોકો સનત વ્યાસને કઈ રીતે ઓળખે એવું તમે ઈચ્છો છો?

લોકો મને સારા અભિનેતા અને સારા માણસ તરીકે ઓળખે એવું જ હું ઈચ્છું. એક કલાકારની આનાથી વધુ અબળખા પણ શું હોય? ■

Thursday, December 4, 2014

જંગલને જનસામાન્ય સુધી લઈ આવતા ફોટોગ્રાફર


સૌરભ દેસાઈ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. તેમને ફોટોગ્રાફીની એવી ધૂન છે કે હરપળ તેમના મનમાં ફોટોગ્રાફીના વિચારો આવતા રહે! વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોવાને કારણે તેઓ અડધું વર્ષ જંગલોમાં વીતાવે છે અને કારણે તેઓ પ્રકૃતિની ઘણા નજીક અને પ્રકૃતિ માટે ઘણાં ચિંતિત છે. ફોટોગ્રાફી માટે તેઓ ગુજરાત અને જમ્મુ-કાશ્મીરના જંગલો ખૂંદી વળ્યાં છે. દેશ-વિદેશના ટ્રાવેલ તેમજ વાઈલ્ડ લાઈફ મેગેઝિન્સમાં તેમના ફોટોગ્રાફ્સ સમયાંતરે પબ્લિશ થતાં રહે છે. તેઓ તેમની આવડત તેમના સુધી સીમિત રાખવા માગતા નથી અને એટલે તેઓ જાતજાતના વર્કશોપ્સ અને ફોટોવોકમાં વ્યસ્ત રહીને યુવા ફોટોગ્રાફર્સને પ્રોત્સાહન આપતા રહે છે. ફોટોગ્રાફર તરીકે તેમણે ઘણા ઓછા સમયમાં તેમના નામનો ડંકો વગાડ્યો છે. સુરતમાં તેમણે 50mm નામની એક કંપની શરૂ કરી છે, જેની મુલાકાત લઈનેગુજરાત ગાર્ડિયન તેમની સાથે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીને લગતી અનેક વાતો કરી હતી. આ વાતચીતના કેટલાક રસપ્રદ અંશો અહીં પ્રસ્તુત છે

ફોટોગ્રાફીનો શોખ કઈ રીતે કેળવાયો?

હું ત્રીજા ધોરણમાં હતો ત્યારેનેચર ક્લબ સુરતના માધ્યમથી થોડા દિવસ સુધી ડાંગના જંગલોમાં રહેવા ગયેલો અને ત્યારથી મને જંગલ સાથે ઘરોબો કેળવાઈ ગયેલો. ત્યાર પછી પણ હું એમની સાથે અનેક વખત જંગલોમાં ગયો છું. ત્યાં હું ક્લબના અન્ય સભ્યોને ફોટોગ્રાફી કરતા જોતો અને તેમને જોઈને મને પણ ફોટોગ્રાફી કરવાનું મન થતું. રીતે જંગલ ખૂંદતા ખૂંદતા હું સમજણો પણ થવા માંડ્યો અને ધીમેધીમે ફોટોગ્રાફી તરફ મારું આકર્ષણ વધતું ગયું. ઉંમરે મારો પોતાનો કેમેરા નહીં હોવા છતાં પણ ફોટોગ્રાફીનું મને એવું આકર્ષણ કે મારી રીતે હું ફોટોગ્રાફી શીખતો રહ્યો. પછી તો હું કોલેજમાં આવ્યો અને પાર્ટ ટાઈમ જોબ ને આવું તેવું કરીને મેં નિકોન કંપનીનો એક એસએલઆર લીધો, જે મારા જીવનનો પહેલો કેમેરા હતો. દરમિયાન મને ખ્યાલ આવી ગયેલો કે મને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં વધુ રસ છે એટલે મેં વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું.

તમે ફોટોગ્રાફીની ફોર્મલ તાલીમ લીધી છે?

ના. મેં ક્યારેય ફોટોગ્રાફીની ફોર્મલ ટ્રેનિંગ અથવા વર્કશોપ્સ જેવું કશું નથી કર્યું. પણ મને એવું લાગે છે કે કેમેરાના ટેક્નિકલ પહેલુઓ સમજવા માટે મારો મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ બહુ ખપમાં આવ્યો. અને જ્યાં સુધી વિઝનની વાત છે ત્યાં સુધી દેશ-દુનિયાના નામી ફોટોગ્રાફર્સનું જે કામ પબ્લિશ થયું હોય એવી બુક્સ અને મેગેઝિન્સનો સંગ્રહ કરવાની મને વર્ષો જૂની આદત છે. એટલે તેમનું કામ જોઈને જોઈને હું એમાંથી દૃષ્ટિકોણ કેળવતો થયો કે, હા, રીતે પણ કામ થઈ શકે.

એવું તે કયું આકર્ષણ અથવા પરિબળ છે, જે તમને ફોટો ક્લિક કરવા માટે ઉત્સાહ પૂરો પાડે છે?

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં ત્રણ પ્રકારના લોકો હોય છે. એમાંનો પહેલો પ્રકાર છે કલેક્ટિવ ફોટોગ્રાફીનો. આમાં લોકો તેમના કલેક્શન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે, જેમકે તેઓ પચાસ પક્ષીઓના ફોટોગ્રાફ્સ ક્લિક કરશે અને પછી તેઓ બીજે ધ્યાન દોડાવશે કે હવે કયું પક્ષી બચ્યું છે. ત્યાર પછી સિલેક્ટિવ ફોટોગ્રાફીનો વારો આવે, જેમાં ફોટોગ્રાફર વિચારે કે મારે માત્ર સ્નો લેપર્ડની ફોટોગ્રાફી કરવી છે. એટલે તેના માર્ગમાં આવતી બીજી બધી બાબતોને અવગણશે અને માત્ર સ્નો લેપર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પરંતુ ત્રીજા પ્રકારના જે ફોટોગ્રાફર હોય છે ક્રિએટીવ પ્રકૃતિના ફોટોગ્રાફર્સ હોય છે, જેમને ઝીણી ઝીણી બાબતોમાં રસ પડતો હોય છે. હું માનું છું કે મારી પ્રકૃતિ ક્રિએટીવ ફોટોગ્રાફરની છે, કારણ કે મને ઘાસમાં ફરતા કોઈ નાનકડા જંતુમાં પણ રસ પડે, અને તેને જોઈને મને એમ થાય કે હું આની ફોટોગ્રાફી કરું.

મારી પ્રકૃતિનું પાછળ મારી નોકરી જવાબદાર હતી. કારણ કે નોકરીમાં વ્યસ્ત હોઈએ એટલે સ્વાભાવિક છે કે આપણને જંગલો ખૂંદવાનો સમય નહીં મળે. એટલે ફોટોગ્રાફી કરતી વખતે પ્રાણી કે પક્ષીનો ફોટોગ્રાફ જોઈએ છે એવો અભિગમ તો મારાથી રાખી શકાય! ઉપરાંત મને પ્રાણી માત્રમાં ખૂબ રસ પડે. તેની જીવનશૈલી, તેનું સામાજિક જીવન, તેનું નિવાસસ્થાન કે તેની સાથે સંકળાયેલી અન્ય કોઈ પણ બાબત મને તેની ફોટોગ્રાફી કરવા આકર્ષે. એટલે હું કહીશ કે જે-તે પ્રાણી અને તેની વર્તણૂકની વિઝ્યુઅલ બ્યુટી મને ફોટો ક્લિક કરવા માટે સૌથી વધુ ઉત્સાહ પૂરો પાડે છે.

કોઈ મનગમતી ક્લિક મળી જાય તો તમને કયા પ્રકારનો આનંદ થાય?

સૌરભ દેસાઈ
અરે અદભુત! ઘણી વાર એવું બને કે તમે જંગલમાં આખો દિવસ ફરો અને દિવસમાં બે હજાર જેટલા ફોટોગ્રાફ્સ પાડો. પરંતુ તમારો માંહ્લલો સતત બેચેન રહેતો હોય કેયાર, આજે મજા આવે એવો કોઈ ફોટોગ્રાફ નથી મળ્યો.’ વળી, ઘણી વાર એવું પણ થાય કે હું સવારે સાડા સાતેક વાગ્યે જંગલમાં નીકળું અને શરૂઆતમાં કોઈક એવો ફોટોગ્રાફ મળી જાય કે મને એમ થાય કેયસ, મને આજે જે જોઈતું હતું હતું!’ આવે વખતે એમ થાય કે બસ,હવે હું ટેન્ટમાં જઈને ઊંઘી જાઉં તો પણ વાંધો નહીં.’ જંગલમાં ફોટોગ્રાફી કરતી વખતે મને જ્યારેમોમેન્ટ ઓફ ડેમળી જાય ત્યારે હું મારી જાતને અત્યંત હળવી અનુભવું છું.

તમે એલએન્ડટીની મોભાદાર નોકરી છોડીને અચાનક ફુલ ટાઈમ ફોટોગ્રાફર બનવાનું નક્કી કર્યું ત્યારે તમારે કયા પ્રકારનો સંઘર્ષ કરવો પડેલો?

તમે એલએન્ડટી જેવી કંપનીમાં નોકરી કરતા હો તેમજ મહિને સાઠ હજારની આવક ધરાવતી નોકરી કરતા હો અને એક દિવસ તમે અચાનક ઘરે આવીને કહો કે મારે નોકરી છોડીને ફોટોગ્રાફી કરવી છે, તો સ્વાભાવિક છે કે તમારા ઘરનો માહોલ તંગ થઈ જાય! જોકે મારા કિસ્સમાં થોડું અલગ બનેલું. મારે મારા ઘરના સભ્યો કરતા મારી જાત સાથે વધુ સંઘર્ષ કરવો પડેલો. 2012માં મેં મારી નોકરી છોડી એના દોઢેક વર્ષ પહેલાથી મને થતું હતું કે મારે ફુલટાઈમ ફોટોગ્રાફી કરવી છે. અને જ્યારે મારા મનમાં અંગેની ગડમથલ ચાલતી હતી ત્યારે હું પરણી ચૂક્યો હતો, મારી ઉંમર ત્રીસ વર્ષની હતી અને મારી પત્ની પ્રેગનન્ટ હતી! આવા સમયે મારી સામે એક તરફ સિક્યોર કહી શકાય એવું જીવન હતું તો બીજી તરફ અનિશ્ચિતતાથી ભરેલું ક્ષેત્ર હતું. જે ક્ષેત્ર મારું પેશન હતું!

જોકે દિલમાં એક ધરપત હતી કે નોકરીમાં મારો સાત વર્ષનો અનુભવ છે અને એન્જિનિયરિંગની ડિગ્રી છે, એટલે ક્યાંક ફોટોગ્રાફીમાં સફળ પણ થવાય તો સાવ ભૂખે મરવાનો વારો તો આવે! એટલે મેં સૌથી પહેલા મારી પત્ની સ્વાતિને એની જાણ કરી કે હું આવું કંઈક વિચારી રહ્યો છું. સ્વાતિને જ્યારે મેં નોકરી છોડવાવાળી વાત કરી ત્યારે એણે મારું વાક્ય પૂરું થાય પહેલા મારા વિચારમાં સહમતિ દર્શાવી એટલે મારામાં હિંમત વધી અને મેં મારા પપ્પાને વાતની જાણ કરી. શરૂઆતમાં તેમણે મને બહું ટાઢો પ્રતિભાવ આપ્યો અને મને કહ્યું કે, ‘દીકરા ફોટોગ્રાફીથી મન ભરાય પણ પેટ ભરાય! વળી, તું પાછો વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરે છે એટલે તારો સંઘર્ષ હજુ વધી જશે.’ પરંતુ લાંબા ડિસ્કશન્સ પછી મેં પપ્પાને પણ મનાવી લીધા. પછી તો પપ્પાએ મને સખત સહકાર આપ્યો. કારણ કે મેં અચાનક પગારદાર નોકરી છોડી હતી એટલે શરૂઆતમાં કેટલાક આર્થિક પ્રશ્નો પણ ઉદભવેલા. પરંતુ મારા પપ્પાએ મને મોટિવેટ કર્યો અને એમણે કહ્યું કે, ‘તું તારા ક્ષેત્રમાં પૂરી મહેનત કર. આપણી પાસે બેએક વર્ષ સુધી ઘર ચાલે એટલી મૂડી તો છે!’

અન્ય કોઈ સંતાન આવી વાત કરે તો એના ઘરમાં જરૂર ઘમાસાણ થાય પરંતુ મારા ઘરના સભ્યો વાતથી માહિતગાર હતા કે, હું છેલ્લા પંદર વર્ષથી ફોટોગ્રાફીને સતત વળગી રહ્યો છું એટલે તરત ફોટોગ્રાફી છોડી દઉં એવો નથી. સ્કૂલ-કોલેજના મારા અભ્યાસ દરમિયાન જ્યારે મારા મિત્રો ફિલ્મ જોવા જતા ત્યારે હું ફોટોગ્રાફી કરતો અથવા વેકેશનમાં બધા બાળકો કોઈ એમ્યુઝમેન્ટ પાર્કમાં જવાની જીદ કરે તો હું જંગલની વાટ પકડતો. બીજી તરફ હું કેટલાક રાષ્ટ્રીય કક્ષાના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ સાથે પણ સંપર્કમાં હતો, જેમણે પણ મને ઉત્સાહિત કર્યો. આમ, લાંબા વિચાર બાદ બધુ સમજી વિચારીને, નિષ્ફળતા પણ સાંપડી શકે એવી તૈયારી સાથે મેં ક્ષેત્રમાં ઝંપલાવ્યું. જો મારા મિત્રો અને મારા ઘરના સભ્યો મને સહકાર આપતા તો ચિત્ર કંઈક જુદું હોત!

ફોટોગ્રાફીમાં મોમેન્ટનું મહત્ત્વ શું?

મારા મતે મોમેન્ટ અથવા ક્ષણ પર તમારી આવડત નક્કી થતી હોય છે. મારો એક કિસ્સો કહું તો શરૂઆતમાં હું ફોટોગ્રાફી કરવા ગીર ગયેલો. ત્યારે રોલ વાળા કેમેરાનો જમાનો હતો અને હું મારી સાથે બે રોલ લઈ ગયેલો, જેમાં છત્રીસ ફોટોગ્રાફ્સ પાડી શકાય એવી સુવિધા હતી. એવામાં થોડેક દૂર એક ઝાડીમાં અમને એક સિંહ બેઠેલો દેખાયો અને મેં ઉત્સાહમાં આવીને મેં તેની ફોટોગ્રાફી શરૂ કરી દીધી. મારા પગીએ મને કહ્યું પણ કે, ‘તમે થોડી રાહ જુઓ. ચોક્ક્સ બહાર આવશે.’ પરંતુ મેં એને એવી સલાહ આપી કે, ‘ભાઈ, તો પ્રાણી કહેવાય. એને ઈચ્છા થાય તો બહાર ન પણ આવે. તો શું મારે એની ફોટોગ્રાફી નહીં કરવાની?’ એમ કરીને મેં રોલમાંના અઠયાવીસ જેટલા ફોટોગ્રાફ્સ વાપરી નાંખ્યા!
સૌરભ દેસાઈની પ્રિય અને એવોર્ડ વિનિંગ ક્લિક
પણ પગીની વાત સાચી પડી અને સિંહ ઝાડીઓમાંથી બહાર આવ્યો અને બરાબર અમારી સામે આવીને ધૂળમાં આળોટ્યો અને પછી તેણે પાણી પીધું. તેણે પાણી તો પીધું પરંતુ તેના મોં પર બાઝેલા પાણીને દૂર કરવા તેણે તેની રાજવી શૈલીમાં તેનું મોં ખંખેર્યું અને ફરી એને રસ્તે ચાલતો થયો. સિંહે જ્યારે બધું કર્યું ત્યારે મારી પાસે માત્ર ચાર-પાંચ ફોટોગ્રાફ્સ બાકી રહી ગયેલા એટલે રોલ પતી ગયા બાદ સિંહને જોયા વિના મારી પાસે કોઈ વિકલ્પ હતો! ઉદાહરણ મેં એટલે આપ્યું કે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં કરેક્ટ મોમેન્ટ ઝડપવા માટે તમારી પાસે ધીરજ હોવી અત્યંત જરૂરી છે. અહીં હરખપદુડા થવાની કોઈ જરૂર નથી.

ઘણી વખત એવું પણ બને કે ફોટોગ્રાફર કોઈ પ્રાણીને જુએ એટલે ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેની એકદમ નજીક પહોંચી જાય. કારણે ક્યાં તો પ્રાણી ત્યાંથી ભાગી જશે અથવા કોન્શિયસ થઈ જશે. હવે આપણી વાત કરીએ તો આપણે કોન્શિયસ થઈને ફોટોગ્રાફ્સ પડાવીએ તો આપણા ફોટોગ્રાફ્સ કેવા આવે? નેચરલ આવે? તો પ્રાણીઓના ફોટોગ્રાફ્સ પણ નેચરલ કઈ રીતે આવે? એને એની રોજિંદી ક્રિયા કરતું ઝડપવું હોય તો અત્યંત ધીરજથી એની નજીક જવું પડે અને તેને આપણાથી યુઝ ટુ થવા દેવું પડેત્યાર પછી તમે જે ફોટોગ્રાફ્સ ક્લિક કરશો ચોક્ક્સ અદભુત હશે.

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં જંગલ અને પ્રાણીઓની પ્રકૃતિથી માહિતગાર હોવું પણ અત્યંત જરૂરી છે. કોઈ એસાઈનમેન્ટ માટે નીકળો ત્યારે તમે કયા પ્રકારનું સંશોધન કરો છો?

વાત તો સાચી છે કે તમને પ્રકૃતિનું જ્ઞાન નહીં હોય તો તમે સારા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર નહીં બની શકો. હું હંમેશાં કહેતો હોઉં છું કે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં કેમેરાનું બટન દબાવવું સૌથી છેલ્લું પગથિયું છે. પહેલા તમારે જે-તે પ્રાણી-પક્ષી વિશે વાંચવું પડે અને તેની પ્રકૃતિ કે સ્વભાવથી સુપેરે માહિતગાર થવું પડે. માટે હું વિવિધ વાઈલ્ડ લાઈફ મેગેઝિન્સ તેમજ દેશ-દુનિયાના પક્ષીવિદોના પુસ્તકોનો અભ્યાસ કરતો રહું છું. મારા ઘરે નવરાશના સમયમાં મારા ઘરના અન્ય સભ્યો ટીવી જોતા હોય તો હું મારા વાંચનમાં ગળાડૂબ હોઉં.

ઝરખના સામાજીક જીવન પર તેમણે એક એસાઈન્મેન્ટ કર્યું હતું
થોડા સમય પહેલા મેં હાઈના(ઝરખ) પર એસાઈન્મેન્ટ કર્યું. જે મેગેઝિન માટે મારે કામ કરવાનું હતું મેગેઝિનમાંથી મને એમ કહેવામાં આવેલું કે હાઈનાના સામાજિક જીવન પર હજુ બહું કામ નથી થયું એટલે મારે પ્રાણીના સમાજ જીવન પર એક સ્ટોરી કરવાની હતી. આવા સમયે હું તેમને એમ નહીં કહી શકું કે મારે વિશે વાંચવું પડશે કે ક્યાં જોવા મળે છે વિશે જાણવું પડશે. તે સમયે મને હાઈના વિશેની પ્રારંભિક જાણકારી હોવી અત્યંત જરૂરી છે. હા, ત્યાર પછી મારે થોડું બીજું સંશોધન કરવું પડે વાત અલગ છે, જેમકે ગુજરાતમાં હાઈના કઈ કઈ જગ્યાએ જોવા મળે છે અથવા તેનું સામાજિક જીવન મારે કેમેરામાં કંડારવું હોય તો તેના તમામ નિવાસસ્થાનોમાં કઈ જગ્યા સૌથી શ્રેષ્ઠ રહેશે, વગેરે... મારા સંશોધન દરમિયાન મને ખબર પડી કે હાઈના ઘટાટોપ જંગલોમાં પણ રહે અને ઘાસના મેદાનોમાં પણ રહે છે. પ્રાણી આપણા ડાંગના જંગલમાં પણ જોવા મળે છે. પરંતુ અહીં હું તેની સોશિયલ લાઈફ નહીં ઝીલી શકું કારણકે અહીં ઝાડીઓ વધુ છે. એટલે મારે ઘાસના મેદાનોમાં જવું પડે. આવી બધી જાણકારી મને વિવિધ મેગેઝિન્સ અને બુક્સમાંથી મળે. બીજું કે મોટાભાગના ફોટોગ્રાફર્સ, બર્ડ વોચર્સ કે પ્રકૃતિ પ્રેમીઓ સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય એટલે ક્યારેક પુસ્તકોમાંથી મને કોઈ માહિતી મળે તો હું એમનો સંપર્ક કરું. મારા માટે કોઈ પણ પ્રાણી કે પક્ષીની ફોટોગ્રાફી કરતા પહેલા તેની સાથે સંકળાયેલી તમામ માહિતીથી સજ્જ હોવું અત્યંત જરૂરી છે.

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે જંગલ પ્રત્યે કેટલા પ્રતિબદ્ધ હોવું જોઈએ?

અત્યંત. જંગલ અમારું કાર્યક્ષેત્ર છે એટલે તેની યોગ્ય જાળવણી થાય માટે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકે અમારે પણ અમારું યોગદાન આપવું જોઈએ. મેં મારા જીવનમાં એવા ફોટોગ્રાફર્સ પણ જોયા છે, જેઓ ઘણી વિકૃત પ્રકારની માનસિકતા ધરાવે છે. આવા લોકો એવું વિચારતા હોય છે કે,હું જે પક્ષીનો ફોટો પાડું છું એનો ફોટોગ્રાફ્સ બીજું કોઈ પાડી શકવું જોઈએ!’ એટલે તે વ્યક્તિ ચાલાકી વાપરશે અને તે પક્ષીના માળાને વિખેરી નાંખશે, જેથી તે પક્ષી ત્યાંથી ભાગી જશે અને બીજી વાર ત્યાં માળો નહીં બાંધે! જ્યારે જંગલમાં કામ કરતો અથવા ત્યાંથી નામ-દામ મેળવતો ફોટોગ્રાફર આવું કૃત્ય કરે તો બીજા પાસે તો શું આશા રાખી શકાયજંગલમાં કામ કરીને તમે આનંદ તો મેળવો છો પરંતુ એની કોઈ કાળજી રાખવાની વાત આવે ત્યારે જો પીછેહઠ કરો તો તો એક પ્રકારનો બળાત્કાર કહેવાયને? તમે ત્યાં જઈને કાગળની ડિસ કે પોલિથીનની કોથળીઓ નાંખી આવો તો ચાલેને?

વાઈલ્ડ લાઈફ પ્રિઝર્વ કરવા માટે તમે કોઈ વિશેષ એસાઈનમેન્ટ કર્યું છે ખરું? અથવા તમને કંઈક કરવાની ઈચ્છા?

હા, ઈચ્છા તો ખરી . વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકે અમારે જંગલને સામાન્ય લોકો સુધી લઈ આવવાનું છે. અમારા કામ થકી જંગલમાં નહીં જઈ શકનાર લોકોને પણ જંગલ પ્રત્યે પ્રેમ થવો જોઈએ. અમારા ફોટોગ્રાફ્સ જોઈને તેમને થવું જોઈએ કે પ્રાણીઓને પણ જીવન છે અને તેમને પણ બાળકો હોય છે, બાળકો માટે પ્રાણીઓ પણ આપણી જેમ શિકાર કરવા જાય છે. હું માનું છું કે માણસોમાં જંગલ અને તેમાં રહેતા જીવો પ્રત્યે અનુકંપા જન્માવવાનું કામ અમારું છે. માણસ તેમને ઓળખશે તો તેમને બચાવશેને? આપણું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ લોકોને જંગલમાં ફરવા તો બોલાવે છે પરંતુ સાથે પર્યટકોને તેમની જવાબદારીનું ભાન નથી કરાવતું. સી, વાઈલ્ડ લાઈફ ટુરિઝમ કંઈ વેફર-મુરમુરાનું ટુરિઝમ નથી કે અહીં તમે આવ્યા, ફર્યા અને કચરો કરીને ઘરે ચાલતા થયા. તમે અહીં ફરો એનો વાંધો નથી પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે કે અહીં તમારી હરકતો અહીંના મૂળ માલિકોને પરેશાન કરી શકે છે.
વન વચાળે નિમગ્નતા
વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં પડકાર કયા પ્રકારના હોય છે?

સૌથી મોટો પડકાર તો છે કે અમને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સને કલાકાર તરીકેની ઓળખ નથી મળતી! તમારા માતા-પિતાને કોઈ પૂછે કે, ‘તમારો દીકરો શું કરે છે?’ અને તેઓ કહે કે, ‘તે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે.’ તો તેઓ રીતનો પ્રતિભાવ આપશે કે જાણે અમારા કામનું કોઈ મહત્ત્વ જ ન હોય! ઉપરાંત ફોટોગ્રાફીના અન્ય ક્ષેત્રો કરતા વાઈલ્ડ લાઈફમાં તમારે થોડા મોંઘા સાધનો ખરીદવા પડે. સાધનોની ખરીદીની સાથે તેમની જાળવણી પણ મહત્ત્વની છે. કારણ કે અહીં તમે જંગલમાં રખડતા હો એટલે ગમે ત્યારે વરસાદ પડે કે કાદવ-કિચડ વાળો રસ્તો હોય અથવા કામના સમયે અન્ય કોઈ પણ મુશ્કેલી આવી પડે, જેમાં તમારે તમારા સાધનોને સાચવીને તમારું કામ ચાલું રાખવાનું છે. સૌથી અગત્યની વાત તો છે કે ફિલ્ડમાં તમારું વર્કપ્લેસ કોઈ એરકન્ડિશન્ડ ઓફિસ નહીં પરંતુ અનિશ્ચિતાથી ભરેલું જંગલ છે. મારી વાત કરું તો હું ડાંગમાં કોઈ પક્ષીના ફોટોગ્રાફ્સ લેવા ભલે એક દિવસ માટે જાઉં, પરંતુ આખા દિવસમાં જંગલમાં અનેક જીવજંતુ મને કરડી ગયા હોય અને સાંજે ઘરે પહોંચું પહેલા આખા શરીરે લાલ ચટક ચકામા પડ્યા હોય! એટલે અહીં તમારી સગવડો સચવાતી નથી. અહીં તમારે ઘણી ધીરજ સાથે અત્યંત કપરી પરિસ્થિતિમાં કામ કરવું પડતું હોય છે.

હાલમાં તમે કોઈ મહત્ત્વના પ્રોજેક્ટ પર કામ કરો છો?
હાલમાં અમે પાંચ ફોટોગ્રાફી બુક પર કામ કરી રહ્યા છીએ, જેમાંનું એક પુસ્તક છેબટરફ્લાયઝ ઓફ ગુજરાત’. માટે અમે જુદી જુદી જાતના પતંગિયાની ફોટોગ્રાફી કરી રહ્યા છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે ત્યાં પક્ષીઓ કરતા પતંગિયાની પ્રજાતિ વધુ છે. પતંગિયાની ૪૦૦થી વધુ પ્રજાતિ છે. પક્ષીઓને આપણે કાગડો, કોયલ કે ચકલીનું નામ આપ્યું છે. પરંતુ પતંગિયાને માત્ર પતંગિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અમારા પ્રોજેક્ટમાં અમે ગુજરાતના તમામ પતંગિયાની ફોટોગ્રાફી કરીશું અને તેમના રૂપ-રંગને હિસાબે તેમને ચોક્કસ ગુજરાતી નામ આપીશું. ફોટોગ્રાફીનું કામ પતી ગયા પછી જીવવિજ્ઞાનીઓ તેમજ ગુજરાતી સાહિત્યકારો તેમજ પતંગિયાના જાણકારોની સાથે મળીને અમે તેમને આપણી માતૃભાષામાં નામ આપીશું.

ઉપરાંત સુરત પર પણ એક પુસ્તક કરી રહ્યા છીએ, જેમાં અમારે માત્ર શહેરનું આર્કિટેક્ચર કે માત્ર ટુરિસ્ટ પ્લેસ નહીં. પરંતુ આખા શહેરની તમામ બાબતોને આવરીને અમારે ફોટોગ્રાફ્સના માધ્યમથી શહેરના મિજાજને સપાટી પર લાવવો છે. ચંદીપડવો કે છડી નોમ જેવા અનેક એવા તહેવારો છે, જે માત્ર સુરતમાં ઉજવાય છે. હાલમાં કામ તેની બાલ્યાવસ્થામાં છે પરંતુ અમે પુસ્તકનું નામ ‘0261 The City Of Happyness’ રાખવાનું વિચારી રહ્યા છીએ.

એસાઈનમેન્ટ પર નીકળો ત્યારે જંગલમાં જવાની અને ત્યાં રહેવાની વ્યવસ્થા કયા પ્રકારની હોય?

મોટાભાગના કિસ્સામાં એવું બનતું હોય કે કોઈ પણ એસાઈનમેન્ટ પર જવાનું થાય તો આગોતરા કંઈ નક્કી હોય, બધું અચાનક નક્કી થાય. ઘણીવાર એવું પણ બન્યું છે કે હું સાંજે સાત વાગ્યે ઘરે જઈને મારી પત્નીને કહું કે, ‘કાલે સવારે હું મનાલી જવા નીકળું છું!’ બધામાં સ્વાભાવિક છે કે તમારું રિઝર્વેશન કે એવું બધું તો થાય. અને હું બધામાં માનતો પણ નથી. હવે તો મેં એક થાર(જીપ) વસાવી છે એટલે લદાખ પણ જવાનું હોય તો હું જાતે ડ્રાઈવ કરીને જાઉં છું. જીપમાં ખાવાનું બનાવવાના સામાન થી લઈને કાચા ખાદ્યપદાર્થો અને ફોટોગ્રાફીના સાધનો પેક કરું અને મારે જ્યાં જવાનું હોય દિશામાં મારી જીપ હંકારી મૂકું.

જંગલમાં ખાવાનું શું હોય?

મેગી વળી! આમ તો દૂધનો પાઉડર અને ચોકલેટ્સ પણ અમારી સાથે હોય. પણ મેગી એવી વસ્તુ છે, જે મને બનાવતા આવડે છે અને તે ઝડપથી તૈયાર પણ થઈ જાય છે. એટલે જંગલમાં જઈએ ત્યારે અમારી સાથે મેગીના પડીકા અચૂક સાથે હોય. એક પ્રોજેક્ટ વખતે અમારે ચૌદ દિવસ સુધી સવાર-સાંજ માત્ર મેગી ખાવી પડી હતી!

દક્ષિણ ગુજરાતનું વન્યજીવન કેવું છે?

દક્ષિણ ગુજરાત પાસે સમુદ્ર તેમજ ઘટાટોપ જંગલો હોવા છતાં સૌરાષ્ટ્ર કે કચ્છના પ્રમાણમાં આપણું વન્ય જીવન બહું વખાણવા લાયક નથી. કારણ કે દક્ષિણ ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં શિકાર થાય છે. ડાંગની વાત કરીએ તો ત્યાં આપણને નાના છોકરાના હાથમાં પણ ગિલોલ દેખાશે. તેમના ધ્યાનમાં જે કોઈ પક્ષી આવશે તેને તેઓ મારશે અને ખાઈ જશે. મારા ધ્યાનમાં વાત આવી પછી હું ત્યાં કેટલાક વર્કશોપ રાખું છું અને કેટલાક વિઝ્યુઅલ્સ બતાવીને તેમને માહિતગાર કરું છું કે તમારે પ્રજાતિના પક્ષીઓનો શિકાર નહીં કરવાનો. શિકારને કારણે અહીં વિદેશથી સહેલગાહ માટે આવતા પક્ષીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

જ્યારે સૌરાષ્ટ્ર અથવા ગુજરાતના અન્ય સ્થળોની પ્રજા શાકાહારી છે એટલે ત્યાં શિકારી પ્રવૃત્તિ આપણા કરતા ઓછી થાય છે. આપણે ત્યાં ત્રીજે દિવસે છાપામાં સમાચાર આવે છે કે ફલાણા ગામમાં દીપડો આવ્યો અને લોકોએ તેને પતાવી દીધો અથવા તેને પાંજરે પૂરીને પ્રાણીસંગ્રહાલયને સોંપી દેવાયો. પરંતુ ગીરમાં સિંહ કોઈકના બાળકને ઉપાડી ગયો હોય તો પણ લોકો જંગલખાતાને કાકલૂદી કરે કે પ્રાણીને મારતા નહીં!

તમારા ફોટોગ્રાફનું એડિટિંગ તમે જાતે કરો કે અલગથી એડિટર રાખો છો?

ના, મારા ફોટોગ્રાફ્સનું એડિટિંગ સો નહીં પણ દોઢસો ટકા હું જાતે કરું. અમે એને પ્રોસેસિંગ કહીએ છીએ. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં સૌથી અગત્યનું હોય છે કે અહીં અમારે નેચરાલિટીને જાળવી રાખવાની હોય છે. કોઈ ડિજિટલ આર્ટ નથી કે તમે ફોટોશોપની કળા વાપરો અને કોઈ પ્રાણીના મૂળભૂત રંગ સાથે ચેડાં કરીને તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કરો કે ટ્રાવેલ મેગેઝિનમાં તેને પબ્લિશ કરો. આવી કરામતોથી પેલું પ્રાણી એની વાસ્તવિકતા ગુમાવી બેસે! ફોટોગ્રાફી કરતી વખતે અમે પ્રાણીને જોયું હોય છે એટલે બીજી કોઈ વ્યક્તિ, જેણે પ્રાણીને ક્યારેય જોયું નથી અમારા ફોટાનું પ્રોસેસિંગ કરવા બેસે તો પેલું પ્રાણી તેની કુદરતી વાસ્તવિકતાથી જોજન દૂર ચાલ્યું જાય. એટલે આવું થાય માટે મારા ફોટોગ્રાફ્સનું પ્રોસેસિંગ હું કરું.

દૃષ્ટિકોણક્લબ શું છે? અને એમાં તમે શું કરો છો?

મારા જીવનમાં બે વસ્તુ મારા દિલની ઘણી નજીક છે. એક છે નેચર ક્લબ સુરત અને અને બીજી છે દૃષ્ટિકોણફોટોગ્રાફી ક્લબ! નેચર ક્લબ સુરતે મને ફોટોગ્રાફી ગિફ્ટ કરી તો દૃષ્ટિકોણે અમને કલાકાર તરીકેની ઓળખ અપાવી. દૃષ્ટિકોણ શરૂ કરવા પાછળનો અમારો મુખ્ય હેતુ હતો કે આપણા શહેરમાં ફોટોગ્રાફી કરતા લોકોને કલાકાર તરીકેની ઓળખ મળે. સુરતમાં એવા કેટલાય લોકો હતા, જે એકલપંડે ફોટોગ્રાફી તો કરતા પરંતુ તેને હોબી તરીકે વિકસાવવામાં છોછ અનુભવતા. કારણ કે લોકો ફોટોગ્રાફર્સ માટે વિચિત્ર માનસિકતા ધરાવતા હતા. એટલે દૃષ્ટિકોણના માધ્યમથી અમે બધા ભેગા થયા અને અમે સાથે મળીને ફોટોગ્રાફી કરવાનું શરૂ કરી. દૃષ્ટિકોણમાં અમે ફોટોવોક અને ફોટોટોક શરૂ કર્યું. એટલે કે અમે બધા ગ્રુપમાં ફોટોગ્રાફી તો કરતા પરંતુ સુરતમાં વિવિધ એક્ઝિબિશન અને વર્કશોપ્સનું આયોજન પણ કર્યું. અમે રઘુ રાય, હોમાય વ્યારાવાલા અને ટીમ વોલ્મર જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના ફોટોગ્રાફર્સને સુરત લઈ આવ્યા અને તેમના પ્રદર્શનો અને લેકચર્સ યોજ્યા. અમારે લોકોને પણ બતાવવું હતું કે સુરતમાં માત્ર પૈસો નથી પરંતુ અહીં કલા પણ છે!
ખ્યાતનામ ફોટોગ્રાફર અશ્વિન મહેતાએ અમને એક વાર કહેલું કે તમે બધા છૂટાછવાયા રહીને કામ કરો છોને એટલે તમે બધા બકરીની લીંડી જેવા છો. તમે કોઈને કામમાં આવો એવા નથી. પણ પોદળો થઈને પડશો તો ક્યાં તો લીંપણમાં અથવા છાણામાં, કોઈને પણ કામ તો આવશો! અમને વાત સ્પર્શી ગયેલી અને રીતે અમે સાથે મળીને કામ શરૂ કર્યું. આજે દૃષ્ટિકોણના ૯૦૦૦ જેટલા સભ્યો છે.
દૃષ્ટિકોણ શરૂ કોણે કરેલું?

વર્ષ ૨૦૧૨માં અંકિત માવચી, અમર પટેલ અને અભિષેક પટેલ નામના મારા સાથીઓ સાથે અમે દૃષ્ટિકોણ શરૂ કરેલું. શરૂઆતમાં અમારું એક ધ્યેય હતું કે ગ્રુપમાં પચાસ સભ્યો થાય તો પણ બહું. પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે દૃષ્ટિકોણ દિવસે ને દિવસે વિસ્તરતું ગયું અને ટૂંકા ગાળામાં વટવૃક્ષ બની ગયું. જોકે દૃષ્ટિકોણના વિકાસ પાછળ અમારા ચાર ઉપરાંત મનોજ સિંગાપુરી, નેહા દેસાઈ, ચિતરંજન દેસાઈ, સત્યજીત વડનેરે, ડૉ ભાવિન પટેલ અને જગદીશ ઈટાલિયા જેવા લોકોએ પણ તેમનું અનન્ય યોગદાન આપ્યું છે. અમે ગ્રુપ શરૂ કર્યું ત્યારે અમે ઘણા યુવાન હતા પરંતુ બધા લોકોએ અમને વિવિધ જાણકારી અને માર્ગદર્શન આપ્યું, જેના કારણે અમે અમારી પાંખો વિસ્તારી શક્યા છીએ. આજે દૃષ્ટિકોણને કારણે અનેક યુવાનોને ફોટોગ્રાફીનો રિતસરનો ચસ્કો લાગ્યો છે અને તેઓ બધા અદભુત કહી શકાય એવી ફોટોગ્રાફી કરે છે.

ફોટોગ્રાફીની કળામાં કેમેરાની ગુણવત્તાનું મહત્ત્વ કેટલું?

કેમેરા સારો હોય તો ફોટોગ્રાફ્સ સારા આવે વાત સાચી. પરંતુ સારા કેમેરા હોય તો ફોટોગ્રાફ સારા આવે વાત સાથે હું સહમત નથી. એક બહું સરસ વાર્તા છે કે સ્ટીવ મેકકરીએ જ્યારેઅફઘાન ગર્લનો ફોટોગ્રાફ ક્લિક કર્યો અને પછી તેની વિશ્વભરમાં વાહવાહી થઈ એટલે કોઈક દેશના રાજાએ તેમના માનમાં એક કાર્યક્રમનું આયોજન કરેલું. તેના રાજ્યના મોભાદાર લોકોની હાજરીમાં રાજાએ સ્ટીવ મેકકરીની ઓળખાણ આપતા કહ્યું કે, ‘ સ્ટીવ મેકકરી છે અને તેમની પાસે અદભુત કેમેરા છે.’  આવી ઓળખાણ સાંભળીને સ્ટીવ પહેલા તો કંઈ નહીં બોલ્યાં પરંતુ રાજ્યનું શાહી જમણવાર પત્યું ત્યારે પેલા રાજાએ તેમને પૂછ્યું કે, ‘તમને જમણ કેવું લાગ્યું?’ તો મેકકરીએ તકનો લાભ લઈને રાજાને સંભળાવી દીધું કે, ‘વાહ, તમરા રાજ્યમાં ચૂલા બહું સરસ છે!’ ઉદાહરણ દ્વારા હું શું કહેવા માગુ છું તમે સમજી ગયા હશો.

સારો કેમેરા હોવાથી સારા ફોટોગ્રાફર બની શકાતું હોત તો દુનિયાના તમામ ધનવાન લોકો સારા ફોટોગ્રાફર હોત! રઘુ રાયથી લઈને દુનિયાના કોઈ પણ મોટા ગજાના ફોટોગ્રાફરને તમે જોશો તો એમની પાસે વર્લ્ડના બેસ્ટ કેમેરા નથી. ફોટોગ્રાફીમાં સારો કેમેરા હોવા કરતા સારો દૃષ્ટિકોણ હોવો અત્યંત જરૂરી છે.
ફોટોગ્રાફી ઉપરાંત તમારા કોઈ શોખ?

મને મ્યુઝિક વગાડવાનો શોખ છેહું માઉથ ઓર્ગન અને બોંગો વગાડું છુંહું સારું વગાડું છું એમ તો ન કહું પરંતુ મન હળવું કરવા હું હંમેશાં સંગીતને સહારે જાઊં છું.

કોઈ ગુના હેઠળ તમને એમ સજા સંભળાવવામાં આવે કે, ‘આવતા પાંચ વર્ષ સુધી તમારે કેમેરાને હાથ પણ નથી અડાડવાનો.’ તો શું કરો?
બગાવત  કરું. (ખડખડાટ હાસ્ય સાથેબીજું તો થઈ પણ શું શકે…?

તમને કેમેરાઈવા(દીકરીઅને પત્ની ત્રણમાંથી એકની  પસંદગી કરવાનું કહેવામાં આવે તો તમે કોને પસંદ કરો?

(થોડું વિચારીનેહું કદાચ કેમેરાની પસંદગી કરી શકું પરંતુ ઈવા અને સ્વાતિ મને કેમેરાની સાથે પસંદ કરશે.

યુવા ફોટોગ્રાફર્સને તમે શું કહેવા માગશો?

હું એમને એક સલાહ આપીશ કે તમે વાઈલ્ડ લાઈફ કે અન્ય કોઈ પણ સબજેક્ટની ફોટોગ્રાફી કરો ત્યારે તમારા કારણે સબજેક્ટને હાનિ પહોંચે એનું ધ્યાન રાખજો. ધારોકે તમે ગાડી લઈને જંગલમાં ફોટોગ્રાફી કરવા જાઓ અને રસ્તા પર કોઈક પક્ષીના માળાને કચડી નાંખો યોગ્ય નથી. અથવા તમે પીપલ ફોટોગ્રાફી કરતા હો અને કચ્છ જઈ અથવા કોઈ આદિવાસી વિસ્તારમાં જઈને ત્યાંના લોકોની ફોટોગ્રાફી કરીને ફોટોગ્રાફ્સ ફેસબુક પર મૂકો અને લોકોની વાહવાહી ભલે લૂંટો, પણ ત્યાંના લોકોને અને તેમની લોક સંસ્કૃતિને ઉપર લાવવા માટે તમે કંઈ નહીં કરો તો યોગ્ય નથી. આફટર ઓલ વી આર મિડિયમ! મારા મતે ફોટોગ્રાફરે તેની કલા દ્વારા જતન અને જાગૃતિનું કામ કરવાનું હોય છે.

તમારા પ્રિય ફોટોગ્રાફર્સ કોણ?
ભારતમાં મને ગણેશ શંકર બહું ગમે છે. ઉપરાંત ગુજરાતમાં ભૂષણ પંડ્યા અને સ્નેહલ પટેલ મને ફોટોગ્રાફર્સ તરીકે તો ગમે પરંતુ વ્યક્તિ તરીકે પણ બહું ગમે.

તસવીરોઃ પ્રાણીઓની સૌરભ દેસાઈ, 
સૌરભ દેસાઈનીઃ અંકિત માવચી, હિતેશ બદાણી, સિદ્ધાંત શાહ, હાર્દિક માલવિયા