Wednesday, August 13, 2014

સર્જન વિશે સર્જક ઘણો સભાન હોવો જોઈએ

વીર નર્મદ યુનિવર્સિટીના 'સર્જક સાથે સંવાદ' કાર્યક્રમમાં કવિ


એક કાચી સોપારીનો કટકો રે... એક લીલું લવિંગડીનું પાન... આવજો રે તમે લાવજો રે મારા મોંઘા મહેમાન...કે કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી...અથવા તું મીંઢળ જેવો કઠ્ઠણ... ને હું નમણી નાડાછડી, તું શીલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી.આ બધા ગીતો વિશે જે જાણતા હશે એ બધા આ ગીતોના સર્જક વિનોદ જોશીથી પણ પરિચિત હશે. સાંપ્રત ગુજરાતી પદ્ય સાહિત્યમાં વિનોદ જોશીનું નામ અત્યંત માનપૂર્વક લેવાય છે. તેઓ મહારાજા ક્રિષ્નકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના વડા છે. તેમણે ગુજરાતી સાહિત્યને ઉત્તમ ગીત રચનાઓ ભેટમાં આપી છે. તેમણે ૨૫થી વધુ સર્જનાત્મક અને વિવેચનાત્મક પુસ્તકો આપ્યાં છે. તેઓ કવિ તરીકે જેટલા ઉત્તમ છે એટલા જ ઉત્તમ માણસ પણ છે. અને કવિ છે એટલે તેઓ સંવેદનશીલ પણ છે. ગુજરાત ગાર્ડિયનસાથે તેમણે કરેલી વાતચીતના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે...

શબ્દ સાથે સંબંધ ક્યારે બંધાયો?

શબ્દ સાથે સંબંધ તો મને જ્યારે ભાષા શીખવવામાં આવી ત્યારથી જ બંધાયો હશે. પરંતુ મને એની ખબર ન હતી કે મને ભાષા શીખવાઈ રહી છે. સૌથી મોટું એક સત્ય મને ઘણું પાછળથી સમજાયેલું કે હું જે જાણું છું એ ભાષા મને મારી જાણ બહાર શીખવી દેવામાં આવી છે અને આ સત્ય મને ત્યારે સમજાયું, જ્યારે મારી પાસે એ ભાષા આવી ગઈ હતી. હવે હું આ ભાષાને ઊતરડી શકતો નથી કે છોડી શકતો નથી. ભાષા સાથેનો આવો અજંપો છે એ પણ મારો એક સર્જક તરીકે અજંપો છે. આમ, જ્યારે મને ખબર પડી કે આ ભાષાને તો અર્થ છે અને એ મને કામ આવે એવી છે ત્યારે મારામાં એ સમજણ આવી કે ભાષા સાથે કઈ રીતે કામ પાર પાડી શકાય. બાકી સંબંધ તો ઘણો વહેલો બંધાયો હતો એમ કહી શકાય.

વિનોદ જોશીના જીવનમાં કવિતાનું મહત્ત્વ શું છે?

વિનોદ જોશી કવિતાને સાથે લઈને ચાલે છે. તે કવિતાને ક્યારેય પોતાની પાસે રાખતા નથી. વિનોદ જોશીની કવિતા એ વિનોદ જોશીના જીવનનો ભાગ છે એવું નથી, પરંતુ મારી કવિતા હંમેશાં મારી સમાંતરે ગતિ કરે છે.

તમને ગીત કઈ રીતે સૂઝે છે?

ગીતની બાબતમાં એવું છે કે કોઈ એક શબ્દ વારંવાર મારા મનમાં આંદોલનો ઊભા કરે. એમાં જો કોઈ લય હોય તો એમાં પાછળથી બીજા શબ્દો પણ ઉમેરાતા જાય અને એમ કરતાં-કરતાં એક પંક્તિ રચાય અને આમ ને આમ આખું ગીત પણ તૈયાર થાય, બાકી કોઈ એક ગીત રચવા માટે હું પ્રયત્ન કરું એવું નથી હોતું.

તમને ગીત સૂઝે ત્યારે એક કવિ તરીકે તમને કયા પ્રકારની અનુભૂતિ થાય?

આનંદની અનુભૂતિ તો મને ચોક્કસ જ થાય, પરંતુ આ સાથે મને જ્યારે પણ ગીત સૂઝે છે ત્યારે ભાષાને કઈ રીતે ગીતસહજ બનાવવી એના વિચારો કરતો હોઉં છું. સર્જકના ભીતરમાં ઘણું બધું ચાલતું હોય છે અને તે ઘણી બધી અનુભૂતિઓ કરતો હોય છે, પરંતુ એ બધી જ અનુભૂતિથી લખાય એવું પણ નથી હોતું. આ ઉપરાંત સર્જકની અંદર ચાલતા દ્વંદ્વને તેના સર્જન દ્વારા ક્યારેય પામી શકાતો નથી. કારણ કે સર્જનને ક્યારેય સર્જકનો પરિચય હોતો નથી. મને ઘણી વખત એવું પણ પૂછાતું હોય છે કે તમારા ગીતોમાં મુખ્યત્વે સ્ત્રીભાવ વધુ જોવા મળે છે. ત્યારે હું એવું વિચારું છું કે મને જે જાતિ મળી છે એ મારી ફિઝિકલ રિયાલિટી છે, પરંતુ ભાવને કોઈ જાતિ નથી હોતી. તમે ક્યારેય પીડા કે આનંદની કોઈ જાતિ હોય એ વિશે સાંભળ્યું છે? તો પીડાને કે આનંદ જેવી અનુભૂતિને કોઈ જાતિ ન હોય તો એ સ્ત્રી દ્વારા વ્યક્ત થાય કે પુરુષ દ્વારા વ્યક્ત થાય એનાથી શો ફેર પડે?

આજની આધુનિક કવિતા વિશે તમે શું માનો છો? મોડર્ન ગુજરાતી પોએટ્રીમાં કયા પ્રકારના બદલાવો આવ્યા છે?

બદલાવ તો હંમેશાં આવતા જ રહેવા જોઈએ. પછી એ સાહિત્ય હોય કે આપણું જીવન, આ બધુ સતત પરિવર્તનશીલ હોય તો જ તે અર્થસભર પણ બને છે અને કવિતાની બાબતે વાત કરીએ તો કોઈ પણ કવિતા ક્યારેય અંતિમ હોતી નથી. એ બદલાતી રહેતી હોય તો જ કવિતાનો વિકાસ થતો હોય છે. એટલે બદલાવ અથવા પરિવર્તન જે કહો એ હંમેશાં આવકાર્ય હોવા જોઈએ.

તમને કોઈ પંક્તિ સૂઝે પછી તે એક જ બેઠકે લખાય કે પછી તેને મઠારવાની પ્રક્રિયા લાંબી ચાલે?

કવિતા ઘણી ચંચળ હોય છે એટલે એના વિશે ક્યારેય કશું ન ધારી શકાય. એટલે ક્યારેક એક જ બેઠકે આખી કવિતા લખાઈ જતી હોય છે તો ક્યારેક દિવસો સુધી પણ એકાદ પંક્તિ પડી રહે. મારા કિસ્સામાં તો એવું પણ બન્યું છે કે ક્યારેક કોઈ પંક્તિ વર્ષો સુધી પડી રહે અને બાદમાં તે આખી રચનાનો આકાર લે. આ ઉપરાંત કવિતા ક્યારેય કોઈ વિષયને કેન્દ્રમાં રાખીને લખાતી નથી. એ તો સાવ તરલ હોય છે અને અણધાર્યો જ તેનો આકાર લેતી હોય છે.

કવિ અથવા અન્ય કોઈ પણ સર્જક ભાષાના માધ્યમ દ્વારા પૂરેપૂરો વ્યક્ત થઈ શકે ખરો?

ભાષા દ્વારા જ લાગણી વ્યક્ત થઈ શકે એવું નથી હોતું. કારણ કે ભાષા કુદરતી નથી, એ માનવસર્જીત છે. જો એ કુદરતી હોત તો આપણે જન્મતા જ બોલતા થઈ ગયા હોત. એટલે ઈશ્વરે આપણને અહીં બોલવા માટે મોકલ્યાં જ નથી. હા, એટલું કહી શકાય કે આપણે અહીં ભાવની અભિવ્યક્તિ માટે જરૂર આવ્યા છીએ. કોઈ પણ બાળકને ખબર નથી હોતી કે તેને આનંદ થઈ રહ્યો છે. પરંતુ તેને જ્યારે આનંદની લાગણી થાય ત્યારે તેના ચહેરા પર સ્મિત તો આવે જ છે. આવું જ સ્મિત અમેરિકામાં પણ આવે છે અને જાપાનમાં પણ આવે છે. આ પ્રકૃતિની કે ભાવની અભિવ્યક્તિની જે ભાષા છે એમાં કોઈ તફાવત નથી હોતો. પરંતુ આપણે જે , , ગ...કે , બી, સી, ડી...વાળી ભાષા રચી છે, એમાં જરૂર તફાવત જણાઈ આવે છે. એટલે ભાષામાં જ્યારે આપણે ભાવની અભિવ્યક્તિ કરીએ ત્યારે આપણી પાસે ભાષાનો અર્થ સૌથી પહેલા પ્રકટતો હોય છે. પણ જે ભાષા આપણને અર્થ આપે છે એ ભાષા આપણને ભાવનો પૂરો અર્થ આપી શકતી નથી. આપણે જ્યારે પણ કોઈ કવિતા કે સાહિત્ય વાંચીએ ત્યારે આપણે એમાંથી અર્થ કાઢતા હોઈએ છીએ. પણ આ અર્થ એ સાહિત્યની ઉપલબ્ધિ નથી. અર્થથી આગળ ભાવ હોય છે એમાંથી આપણને સૌંદર્ય મળતું હોય છે. આમ, સાહિત્યની પ્રક્રિયા અર્થ આપવાની પ્રક્રિયા છે જ નહીં, આ પ્રક્રિયા તો અર્થને ઓળંગવાની પ્રક્રિયા છે. આમ ભાષા એ માત્ર ઓપ્ટિકલ છે. ભાષા દ્વારા તમારે જો ભાવ પામવો હોય તો તમારે ભાષાને નિવારી દેવી પડે. પણ ભાષા એ અનિવાર્ય અને સ્વીકારવું જ પડે એવું માધ્યમ છે.

તમે વિનોદ જોશીને કઈ રીતે ડિફાઈન કરો છો?

એક પતિ તરીકે, પિતા તરીકે, શિક્ષક તરીકે કે કવિ તરીકે એમ જુદા જુદા આયામોમાં હું પોતાને જોતો હોઉં છું અને આ તમામ આયામોને અને ભૂમિકાઓને એકબીજા સાથે કોઈ ને કોઈક સંબંધ હોય જ છે. લોકો મને કવિ કે શિક્ષક તરીકે ઓળખતા હોય છે. પરંતુ મને લોકો માત્ર વિનોદ જોશી તરીકે જ ઓળખે અથવા એક વ્યક્તિ તરીકે ઓળખે એ મને ઘણું ગમે.

તમારા ગીતો લોકપ્રિય થયાં એ પાછળ ગુજરાતી સુગમ સંગીતનો કેટલો ફાળો?

ઘણો ફાળો. ગુજરાતી સુગમ સંગીતના ઘણા સંગીતકારોએ મારા ગીતોને સ્વરબદ્ધ કર્યા તેમજ અનેક ગાયકોએ આ ગીતોને ગાયા પણ છે. પરંતુ એ બધી રચનાઓમાંથી જેટલી રચનાઓ લોકમુખે ટકી રહી એ ગીતોની સફળતાનો યશ તેમને ચોક્કસ જ મળે.

સર્જકનો તેના સર્જન સાથેનો અનુબંધ કેવો હોવો જોઈએ?

મને હંમેશાં એવું લાગ્યું છે કે એક સર્જક તરીકે આપણે એક પાટા પરથી બીજા પાટા પર જવું જોઈએ. હવે હું કોઈ ગીત લખું તો એ ગીત વિનોદ જોશી જેવું જ ગીત થવાનું એટલે એ એકવિધતા તોડીને મારે કંઈક નવું કરવું જોઈએ, જે મેં હજુ સુધી નથી કર્યું. હું જ મારું પુનરાવર્તન કર્યા કરું તો મને એવું લાગે કે હવે મારે આ ગીત લખવાની જરૂર નથી. મેં વર્ષો પહેલા ડિસ્કવરી પર એક ડૉક્યુમેન્ટરી જોયેલી એ મને યાદ આવે છે. એક વીંછણ ઘણા બધા બચ્ચાંને જન્મ આપે છે અને જન્મતાવેંત એ બચ્ચાં વીંછણની પીઠ પર ચઢી જાય. અહીં બધા જ બચ્ચાં માતાની પીઠ પર ચઢવાનો પ્રયત્ન કરે પણ એ બધા ઉપર ચઢવામાં સફળ થતાં નથી. એમાંના કેટલાક મરેલા જન્મેલા હોય અથવા કેટલાક અપંગ પણ હોય. પરંતુ એ બધામાં જે બળવાન હોય તેઓ વીંછણની પીઠ પર ચઢવામાં સફળતા મેળવતા હોય છે. પછી વીંછણ મરેલા બચ્ચાને ખાઈ જાય છે. પછી એ પેલા અપંગ બચ્ચાઓને પણ ખાઈ જાય. થોડા સમય પછી એ તેની પીઠ ધ્રુજાવે એટલે તેની પીઠ પરથી કેટલાક બચ્ચા ખરી પડે એટલે વીંછી તેમને પણ ખાઈ જાય. આ પછી પણ વીંછણ એક વાર તેની પીઠ ધ્રુજાવે અને આમાં જો કોઈ ખરે તો તેને ખાઈ જાય, નહીંતર પેલા બાકી બચેલા બચ્ચાંને લઈને એના દરમાં ધૂસી જાય.

વીંછીના પ્રસવ વિશેની આવી ડૉક્યુમેન્ટરી જોઈને મને વિચાર આવ્યો કે આ ખરેખર એક સર્જકધર્મ છે. દરેક સર્જકને તેના સંતાનોને એટલેકે તેમની રચનાઓને પરખવાની શક્તિ હોય એ જ સર્જક કે તેનું સર્જન ટકી શકે છે. આમ પક્વ સર્જન કોને કહેવાય એ વિશે સર્જક ઘણો સભાન હોવો જોઈએ. આવા સર્જકને ક્રૂર નહીં પરંતુ સાચો સર્જક કહી શકાય. સર્જકનો તેના સર્જન સાથે આવો અનુબંધ હોવો જોઈએ.

સોશિયલ મીડિયા આવ્યું પછી ગુજરાતી પદ્ય સાહિત્યને ફાયદો થયો હોય એવું તમને લાગે છે? સોશિયલ મીડિયા આવ્યું પછી શીધ્ર કવિઓનો પણ રાફડો ફાટી નીકળ્યો છે. માત્ર પ્રાસ ગોઠવીને કાચી કવિતા કરતા કવિઓને તમે શું કહેશો?

ભાષા સાથે ક્રીડા કરવાનો દરેકને અધિકાર છે અને એ ઘણી સારી વાત છે કે લોકો આવા માધ્યમોને કારણે પદ્યમાં રસ લેતા થયાં છે. પરંતુ એ ક્રીડા કવિતાની ઊંચાઈએ પહોંચવી જોઈએ. આવું કંઈક થાય તો એનો આપોઆપ મહિમા થતો હોય છે. એટલે કોઈને પણ શબ્દના ક્ષેત્રમાં પ્રવેશતા રોકી ન શકાય પરંતુ તેમને એ જરૂર ચીંધી શકાય કે આ ક્ષેત્રની ઊંચાઈ શું છે. પણ એ વાત પણ એટલી જ સાચી છે કે જે રીતે માધ્યમોનો ઉપયોગ થવો જોઈએ એ રીતે તેનો ઊપયોગ કરવાની સભાનતા આપણામાં આવી નથી. પણ મને આશા ચોક્કસ બંધાઈ છે કે આજકાલ વિકસેલા આ નવા માધ્યમો આપણી ભાષા તેમજ સાહિત્યને જરૂર ઉપયોગી થશે.

આજે બધા ઉપકરણો આવ્યા પછી એટલું ચોક્કસ કહી શકાય કે આપણી બુદ્ધિની ધાર ઘસાઈ છે. આપણા પૂર્વજો પાસે ભાવોનું જગત ઘણું સમૃદ્ધ હતું. એટલે આમ તો આપણે તેમના કરતા થોડા વધારે તૈયાર થયા છીએ એમ કહી શકાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણે આપણું જે મૂળ સ્વરૂપ છે એને ગુમાવતા રહ્યા છીએ.

ગુજરાતી પદ્યસાહિત્યનું ભવિષ્ય તમને કેવું લાગે છે?


કોઈ પણ પ્રકારનું ભવિષ્ય ભાખી શકે એવી કોઈની તૈયારી હોતી નથી. ભાષા હંમેશાં બદલાતો વિભાવ છે. ભાષા ક્યારેય અટકતી નથી, એ સતત પરિવર્તન પામતી હોય છે અને બદલાતા ભાષા પરિવર્તનોમાં સાહિત્ય પણ બદલાતું જતું હોય છે. એટલે ભાષા અથવા સાહિત્યમાં જે બદલાવો થાય એને આવકારવાના જ હોય.

Tuesday, August 5, 2014

કાન્તિ ભટ્ટથી પ્રભાવિત થવાની કોઈ જરૂર નથી

ગુજરાતી પત્રકારત્વના ઘણા પ્રકાર છે, જેમાંનો એક પ્રકાર છે ‘કાન્તિ ભટ્ટ ટાઈપ’નું પત્રકારત્વ! અત્યાર સુધીમાં કાન્તિ ભટ્ટે સેંકડો નહીં, પરંતુ હજારોની સંખ્યામાં લેખો લખ્યાં છે. તેમના પુસ્તકોની સંખ્યા બસોને આંટી જાય એટલી છે, જેમાં ‘દિલ તો પાગલ હૈ’, ‘જીવન એક સંઘર્ષ’, ‘સુવર્ણરેખા’, ‘તમારી જાતને વફાદાર તો રોજ દિવાળી’, ‘ચેતનાની ક્ષણે’, ‘સ્વસ્થ રહો, સુખી રહો’, ‘આહ! જિંદગી... વાહ! જિંદગી’, ‘જીવન જીવવાની કળા’, ‘પ્રેરણાદર્શન’ વગેરેનો સમાવેશ થાય છે. હજુ ગયા મહિને જ તેઓ પંચ્યાસી વર્ષના થયાં અને આજે પણ તેઓ દિવસના બેથી વધુ લેખો લખે છે. સ્થિતપ્રજ્ઞ કહી શકાય એવા કાન્તિ ભટ્ટે પત્રકાર તરીકેની તેમની કારકિર્દીમાં દાઉદ ઈબ્રાહિમથી લઈને ઓશો રજનીશ સુધીના વિવિધ ક્ષેત્રોના લોકોના ઈન્ટરવ્યુ તેમજ દિલધડક ઘટનાઓનું સ્પોટ રિપોર્ટિંગ કર્યું છે અને આમ છતાં તેઓ સ્વીકારે છે કે તેમણે જીવનમાં બીજાઓથી કંઈ વિશેષ કર્યું નથી. તેઓ તેમના દરેક અનુભવોને સમાન ગણાવે છે. મુંબઈ જેવા શહેરમાં અલગારી થઈને રહેવું અત્યંત કપરું છે પરંતુ કાન્તિ ભટ્ટ બોરીવલીમાં સાતમે માળે આવેલા તેમના ફ્લેટમાં લેખન અને પત્રકારત્વની ધૂણી ધખાવીને બેઠા છે. આને કદાચ ગુજરાતી પત્રકારત્વનું નસીબ જ કહેવાય કે સાધુ થવા નીકળેલા કાન્તિ ભટ્ટે કોઈક કારણસર વિચાર માંડી વાળ્યો અને પત્રકારત્વમાં આવ્યા. પછી જે થયું તેને ‘રેસ્ટ ઈઝ અ હિસ્ટ્રી’ એવું કહી શકાય. ‘ગુજરાત ગાર્ડિયન’એ તેમની મુલાકાત લીધી ત્યારે તેમણે અમારી સાથે માંડીને વાતો કરી અને તેમના ભૂતકાળને પણ વાગોળ્યો. તેમની સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે:

આટલા વર્ષોના અનુભવ પછી તમે પત્રકારત્વને કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો?

આજના માહિતી અને જ્ઞાનના યુગમાં પત્રકારત્વ એ સૌથી ઉત્તમ ક્ષેત્ર છે. આજે તો બધા હવે પૈસા કમાવવામાં પડ્યા છે. પત્રકારત્વમાં પણ કેટલાક લોકો માત્ર પૈસા કમાવાના આશયથી જ આવે છે. પહેલાના સમયમાં પત્રકારત્વમાં એટલા પૈસા ન હતા ત્યારે તો પત્રકારે ગાંઠના ગોપીચંદન પણ કરવા પડતા પરંતુ હવે તો કોલમિસ્ટોને પણ ઘણા પૈસા મળે છે. ખરેખર પત્રકારત્વ તો એક મિશન હોવું જોઈએ પરંતુ એ બહુ દુઃખદ વાત છે કે આજે કેટલાક પત્રકારો ઉદ્યોગપતિઓ અને સરકારને ખુશ રાખવામાં તેમજ વગદાર લોકોના હિતોની જાળવણી કરવામાં રચ્યાંપચ્યાં રહે છે. આટલા વર્ષોના અનુભવ પછી હું આ તારણ પર પહોંચ્યો છું.

તમે પત્રકારત્વ કેમ પસંદ કર્યું?

તમે આપણા કાઠિયાવાડના લોકોની એક ખૂબી વિશે તો જાણતા જ હશો. કાઠિયાવાડમાં લોકો માતાના પેટમાંથી જ પત્રકારત્વ શીખીને આવતા હોય છે. એકે જાણેલી વાત બીજાને કહેવી એ અમારા સ્વભાવમાં હોય છે. પણ હા, એમાં મારી-તારી પંચાતનો ભાવ નથી હોતો. હું ચાર વર્ષનો હતો ત્યારથી જ પત્રકાર હતો. અમારા ગામની ગ્રામપંચાયતમાં પત્રકાર તરીકે કામ કરતો રહેતો. હું પંદર વર્ષનો હતો ત્યારે તો એક મેગેઝિનનો તંત્રી હતો. આ ઉપરાંત તે સમયે ભાવનગરથી પ્રકાશિત થતા ‘ભાવનગર સમાચાર’માં રિપોર્ટિંગ પણ કરતો અને તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ બધું હું કોઈ પણ જાતના આર્થિક સ્વાર્થ કે વળતરની આશા વિના કરતો. એટલે બીજાઓની તો ખબર નથી પરંતુ હું સો ટકા એવું કહી શકું કે પત્રકારત્વ મારા લોહીમાં જ છે.

પરંતુ વ્યવસાય તરીકે મેં પત્રકારત્વ કેમ પસંદ કર્યું એ પાછળ બહુ રસપ્રદ કથા સંકળાયેલી છે. અહીં એમ પણ કહી શકાય કે હું એક્સિડન્ટલી પત્રકારત્વમાં આવી ગયો. આનો જવાબ ઘણો લાંબો છે એટલે હું તમને વિગતે જણાવીશ. હું મારા કાકાના પૈસે ભણ્યો અને તેમની મદદથી જ હું બીકોમ પણ થયો. પછી તેમણે મલેશિયામાં નવી પેઢી ખોલી એટલે તેમણે મને ત્યાં બોલાવી લીધો. એમના સાત છોકરા હતા અને મને તેમણે આઠમો દીકરો માન્યો, સાચવ્યો પણ ખરો. હું ત્યાં આઠ વર્ષ રહ્યો.

મારી સાથે એવું હતું કે હું જે કામ કરતો એમાં પારંગત થઈ શકતો. તે સમયે એ પેઢીમાં બીજા પણ એક ભાઈ કામ કરતાં હતા અને તેમણે મારું કામ જોયેલું. એટલે એક દિવસ એમણે મને કહ્યું, “કાન્તિ, તું કેટલું ધ્યાન દઈને કામ કરે છે. પણ જો આમ ને આમ કામ કરતો રહીશ તો મરી જઈશ. તું તારો ભાગ માગ.” એટલે મેં કાકા પાસે એક પૈસો ભાગ માગ્યો, રૂપિયામાં એક પૈસાનો ભાગ માગ્યો! પણ એની તો ઘણી અવળી અસર થઈ. જ્યારે હું કાકા સાથે કામ કરવા ગયો ત્યારે હું તેમનો આઠમો દીકરો હતો, પણ જ્યારે મેં ભાગ માગ્યો ત્યારે તેમણે મને ‘જસ્ટ ગેટ આઉટ’ કહીને કાઢી મૂક્યો. મેં મારો બધો અસબાબ લીધો ને ત્યાંથી નીકળીને સીધો અહીં આવી ગયો. મને સમાજ પ્રત્યે રીતસરનો તિરસ્કાર થઈ ગયો. મલેશિયા જતાં પહેલા મેં થોડો સમય ઉરૂલીકાંચનમાં સેવક તરીકે ફરજ બજાવી હતી. ઉરૂલીકાંચનમાં ગાંધીજીનો નિસર્ગોપચાર આશ્રમ હતો અને હું ત્યાં અડસઠ રૂપિયાના પગાર સાથે સેવા કરતો. પછી કાકાએ બોલાવ્યો એટલે મલેશિયા ગયો અને એમણે મને ત્યાંથી કાઢી મૂક્યો એટલે ફરી હું અહીં આમ-તેમ ફરવા લાગ્યો. હું મનથી ઘણો ભાંગી ગયો હતો. એટલે મેં ઋષિકેશ જઈને બાવા બનવા માટે મન બનાવી લીધું હતું. મને હવે જિંદગીમાં રસ નહોતો અને કાકાએ મારા લગ્ન પણ મને પસંદ નહોતી એ છોકરી સાથે કરાવી દીધા હતા, જે મને ડિવોર્સ આપતી નહોતી. પણ મારે આ રીતે જિંદગી જીવવી નહોતી. એટલે મેં શિવાનંદજીને એમની પાસે આવવાની પરવાનગી માગી અને એમણે ‘આજા બચ્ચા’ કહીને મને સ્નેહપૂર્વક આવકાર્યો. વળી, પૈસાનો તો મને ક્યારેય મોહ નહોતો.

આ પિસ્તાળીસ વર્ષ પહેલાની વાત છે. પણ મારી બહેનને આ ખબર પડી ત્યારે તે રડવા લાગી. એ કહે, ‘ભાઈ, તમે શું કામ જાઓ છો? તમે આટલું ભણેલા છો, આટલો અનુભવ છે તો પછી તમારે સાધુ શા માટે થવું છે?’ આમ, બહેનની લાગણીને માન આપીને સાધુ બનવાની ઈચ્છા મેં માંડી વાળી. અને બહેન સાથે રહેવા માંડ્યો. હવે અહીં રહું એટલે મારે કંઈક તો કરવું પડે ને? એટલે જીવરાજાણીકાકા કરીને અમારા એક ઓળખીતા હતા, તેમને મેં કોઈ નોકરી માટેની વાત કરી. તેમણે મને કહ્યું કે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં બાર હજારની એક નોકરી છે. પણ મને એવી નોકરીમાં રસ નહોતો એટલે મેં બેંકની નોકરી માટે ના પાડી દીધી. ત્યાર પછી તેમણે મને કોરાકેન્દ્રમાં મેનેજરની છ હજારના પગારવાળી નોકરી માટે કહ્યું, મેં ત્યાં જઈને જોયું તો ત્યાં ભ્રષ્ટાચાર ખૂબ હતો. એટલે મેં એ નોકરી માટે પણ નનૈયો ભણ્યો. અંતમાં તેમણે મને કહ્યું કે એક નોકરી છે, જેમાં પગાર પેઠે માત્ર એકસો નવ્વાણું રૂપિયા મળશે. મેં પૂછ્યું કઈ? તો તેઓ કહે કે ‘જન્મભૂમિ’માં પત્રકારની નોકરી છે. એટલે મેં તેમને કહ્યું કે મને આમાં રસ છે. આમ, મેં ‘જન્મભૂમિ’માં વ્યાપારના સબએડિટર તરીકે નોકરી શરૂ કરી અને હું આ રીતે પત્રકાર બન્યો.

આ ઉંમરે પણ લખતા રહેવું એને શોખ કહેશો કે હવે લખવું એ એક જરૂરિયાત છે?

 (હવામાં તેમનો હાથ હલાવીને અસલ કાન્તિ ભટ્ટ અંદાજમાં!) હોબી બોબી કશું નહીં. હોબી વળી કેવી?  લખાય છે એટલે લખું છું અને આજે પણ પત્રકારત્વ એ મારા માટે એક ફરજ અથવા મિશન છે. મારા ઘરની સંભાળ રાખવા આવતા આ હેમા બોરિચા સવારે સાડા આઠે આવે અને બપોરે એક વાગ્યે ચાલ્યા જાય. વળી સાંજે પાંચ વાગ્યે આવે અને સાડાસાત વાગ્યે ચાલી જાય. બાકી બધા સમયમાં હું સાવ એકલો. જો લખું નહીં તો કરું શું? બીજું એ કે જે લખું છું એ બધું વંચાય છે અને લોકોના ખપમાં આવે છે. રાજકોટના દિનેશ તિલવા કરીને એક ભાઈ છે, જે મને ઘણી મદદ કરે છે. તેઓ મને નિતનવા પુસ્તકો મોકલે છે, તે બધા હું વાચું અને એમાંથી કંઈક ઉપયોગમાં આવે એમ હોય તો એના પર લેખ લખું. આજે જે હું દૈનિક કટારો લખું છું એને મેં એક ચેલેન્જ તરીકે લીધી છે. રોજ કોઈ છાપામાં નિયમિત લેખો લખવા એ કંઈ ખાવાના ખેલ નથી. પરંતુ મને આમાં મજા આવે છે, એટલે એક પણ દિવસનો ખાડો પાડ્યા વિના હું લેખો લખું છું.
અધધધ પુસ્તકોથી ઊભરાતી કાન્તિ ભટ્ટની લાઈબ્રેરીનો એક ભાગ

એવો કોઈ વિષય ખરો, જેના પર કાન્તિ ભટ્ટે લેખ લખ્યો ન હોય?

(થોડું હસીને) તમે જ મને એવો વિષય બતાવો કે જેના પર મેં નહીં લખ્યું હોય. તમે જોયું હશે કે મેં તમામ વિષયો પર લેખો લખ્યાં છે. હું ૨૦% લેખો હેલ્થ પર લખું, કેટલાક અધ્યાત્મ પર લખું. આ ઉપરાંત વિજ્ઞાન, રાજકારણ, રમતજગત, વૃક્ષો-વનસ્પતિ, ઢોર-ઢાંખર બધા જ વિષયો પર મેં લખ્યું છે. જો મારાથી કોઈ વિષય રહી જાય તો ભગવાન મને માફ નહીં કરે.

તમે લખતી વખતે કોનું ધ્યાન રાખો? વાચકોનું કે તંત્રી-અખબારના હિતોનું?

હું તો તમામ લેખકો-પત્રકારોને એમ જ કહીશ કે ક્યારેય કોઈથી ડરવું નહીં. જે સાચું હોય એ જ લખવું. પણ પછી જડભરતની જેમ એક જ વાતને વળગી રહીને સતત કોઈની નિંદા પણ નહીં કરવી. તેની સારી બાજુઓ પીછાણીને તેને પણ બિરદાવવી. હવે મને ખબર છે કે હું કોઈના વિશે છેક ઘસાતું લખું તો એ મારા તંત્રી નથી જ છાપવાના. એટલે જરૂરિયાત મુજબની ટીકા લખવાની. મેં મારા તંત્રીઓમાં એક ઈમ્પ્રેશન પાડી છે કે કાન્તિ ભટ્ટ કોઈથી પણ ડર્યા વગર લખે છે, જોકે હું એની બડાઈ પણ નથી મારતો. આજ સુધી મારા કોઈ લેખ રિજેક્ટ થયાં હોય એવું બન્યું નથી. આથી મારે આજ સુધી કોઈના હિતોની ચિંતા કરવાની જરૂર પડી નથી. જોકે મને અહીં સ્પષ્ટ કરવા દો કે મેં બીજા બધા લેખો કરતા રાજકારણ પર ઓછા લેખો લખ્યાં છે. રાજકારણની પંચાતમાં હું બહુ નથી પડતો. પણ જ્યારે હું આ વિષય પર લખું છું ત્યારે મારા માટે રાજકારણમાં જે-તે વ્યક્તિનું કદ કેવું છે એ મહત્ત્વનું નથી હોતું. મારા માટે તો વાચક જ મહત્ત્વનો છે અને તેના માટે કઈ જાણકારી મહત્ત્વની છે એનું જ હું ધ્યાન રાખું છું. તાજેતરમાં મેં લખેલા એક લેખમાં મેં રાજનાથ સિંઘના વખાણેય કર્યા. એટલે પરિસ્થિતિને યોગ્ય રીતે મૂલવીને ડર્યા વિના વખાણ અને ટીકા બંને કરવી જોઈએ.

તમારા બે વાર્તાસંગ્રહો પ્રકટ થયાં છે. આ ઉપરાંત તમે નવલકથાનું એક પ્રકરણ પણ લખ્યું. સાહિત્ય વિષયક ઓછું લખવાનું કંઈક વિશેષ કારણ?

કાન્તિ ભટ્ટનું રાઈટિંગ ટેબલ
વાર્તા કે નવલકથા લખવા કે તેના માટે વિચારવા માટે જે સમય જોઈએ, એ મારી પાસે નથી. આ ઉપરાંત હું ગુજરાતના કેટલાક વાર્તાકારોની જેમ નસીબદાર નથી કે તમે લખતા હો ત્યારે તમારી અડખેપડખે તમારી સગવડ સાચવવા માટે બે-ત્રણ લોકો હોય અને સાચું કહું તો રોજિંદા લેખનમાં અને કોલમો સાચવવામાં જે મજા છે એવી મજા બીજા કોઈમાં નથી. મને આવું લખવાથી એક પ્રેરકબળ મળે છે અને ભાઈ, વાર્તા તો ઘેર ગઈ, મને મારી આત્મકથા લખવાનીય ઘણી ઈચ્છા છે. હું અત્યંત ઘટનાપ્રચુર જીવન જીવ્યો છું, એ પણ કોઈ વાર્તાથી કમ નથી. મેં કેટલીય છોકરીઓને પ્રેમ કર્યો, કેટલીય છોકરીને ભગાવી છે. હું દુનિયાના એસી દેશોમાં ફર્યો છું. થાઈલેન્ડના વેશ્યાવાડામાં પણ ફર્યો છું. જીવનનો કોઈ પણ અનુભવ મેં બાકી રાખ્યો નથી. પણ આ બધું લખવા માટે સમય ક્યાંથી લાવું? એટલે હાલમાં તો મને એવું નથી લાગતું કે હું મારી આત્મકથા લખી શકું.

તમારી પાસે એક પબ્લિક લાઈબ્રેરી થાય એટલા બધા પુસ્તકો છે. ભવિષ્યમાં આ બધા પુસ્તકોનો વારસદાર કોણ?

પૈસાની દૃષ્ટિએ જોવા જઈએ તો મારા તમામ પુસ્તકોની કિંમત બે કરોડની આસપાસ થાય. પરંતુ મારે આમાનું કશું વેચવું નથી. મારે આ ઘરને મારી દીકરી શક્તિના નામ પરથી ‘શક્તિ જ્ઞાનમંદિર’ નામ આપવું છે. અહીં કોઈ પણ આવીને બેસી શકશે અને મનફાવે ત્યાં સુધી વાંચી શકશે. (ખડખડાટ હસીને) પરંતુ એક ખાસ ટકોર, કે અહીંથી કંઈ ઊઠાવી નહીં જતા. અનેક પુસ્તકો ઉપરાંત મારી પાસે વિશ્વના આઠ જાતના એનસાઈક્લોપીડિયા છે અને એક હજાર પુસ્તકો થાય એટલા તો મારી પાસે લેખો પડેલા છે. આ બધાનું આર્થિક મૂલ્ય ઘણું છે પરંતુ મેં આગળ કીધું એમ મને પૈસાનો જરાય મોહ નથી. બાકી તો આ હેમાબહેન મારા ઘરનું અને આ બધા પુસ્તકોનું ધ્યાન રાખશે અને મારા લેખો તેમજ રોયલ્ટીમાંથી તેમને પૈસા મળતા રહેશે.

તમે ઈશ્વરનો પણ ઈન્ટરવ્યુ કરવાનું કહેતા હતા. તો ઈશ્વરને મળશો ત્યારે તમારા પ્રશ્નો શું હશે?

હું તેમને પૂછીશ તો ખરો જ કે તમે સાચા છો કે બનાવટી? આ દુનિયા બનાવી જ છે તો માણસને દુ:ખ શું કામ આપ્યું? માણસને દુઃખી કરવામાં તમને એવી તો શું મજા આવે છે? બધાને માત્ર સુખ જ આપ્યું હોત તો? આવું કંઈક જરૂર પૂછીશ.

તમારા પર કોઈનો પ્રભાવ છે ખરો?

નો બડી. આઈ એમ માય ઓન ગુરુ. મારા ઘરમાં મોરારી બાપુનો ફોટો છે પણ તેમની આંખો હિપ્નોટિક છે એટલે મેં આ ફોટો રાખ્યો છે. મને તો ઓશો રજનીશે સામેથી કહેલું કે તું મારો ચેલો બની જા. પણ મેં તેમને ઘસીને ના પાડી દીધેલી કે હું કોઈનો ચેલો નહીં બનું. મારો ગુરુ પણ હું જ અને ચેલો પણ હું જ અને હું તો એમ પણ કહીશ કે કાન્તિ ભટ્ટથી પણ કોઈએ પ્રભાવિત થવાની જરૂર નથી.

ઈતિહાસના કોઈ ત્રણ પાત્રોને મળવાની તક મળે તો કોને મળો?
પત્રકાર તરીકેની મારી કારકિર્દીમાં હું ઘણા લોકોને મળ્યો છું અને દેશ-વિદેશમાં પણ ખૂબ ફર્યો છું. આટલા વર્ષોના બહોળા અનુભવ પછી મેં એટલું તો જોયું કે કોઈ પણ વ્યક્તિ અતિ-અસાધારણ હોતી નથી અને દરેકમાં મર્યાદા હોય છે. એટલે હવે કોઈને મળવાની ઈચ્છા નથી, પણ હા ફરજના ભાગરૂપે મળવાનું થાય તો જરૂર વિચારીશ.

આજના પત્રકારત્વમાં કંઈક ખૂંટતું જણાય છે?

આજે તો બધું જ ખૂટતું જ જણાય છે. હવે પત્રકારત્વમાં કોઈ મિશન નથી રહ્યું અને કેટલાક લોકોએ તેને ધંધો બનાવી દીધું છે. મૂલ્યો અને નીતિમત્તાનો પણ હ્રાસ થઈ રહ્યો છે. હવે પત્રકારત્વમાં ઘણી બધી મર્યાદાઓ આવી ગઈ છે. પરંતુ આટલી મર્યાદા હોવા છતાં ગુજરાતી પત્રકારત્વમાં સારું કામ થઈ રહ્યું છે અને મને એવી આશા છે કે એમાંથી પણ વળી કોઈ ‘કાન્તિ ભટ્ટ’ મળી આવશે.

હવે અંગ્રેજી ભાષાનો પ્રભાવ વધ્યો છે...

(વચ્ચેથી જ અટકાવીને) થોભો, થોભો... તમારો સવાલ મને ખબર છે. આજના સમયમાં અંગ્રેજી અનિવાર્ય છે. તમને અંગ્રેજીનું પાયાનું જ્ઞાન ન હોય તો પ્રાદેશિક ભાષાના પત્રકાર તરીકે ટકી રહેવું અને જાતને સાબિત કરવું મુશ્કેલ છે. લેખન અને ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રમાં આવનાર તમામ યુવાનોને એટલું કહીશ કે તમારું વાચન પુષ્કળ હોવું જોઈએ. તેમાંય અંગ્રેજી પુસ્તકોનું વાચન હોય એ જરૂરી છે. અંગ્રેજી વિશે ઘસાતું બોલતા ભાષાના શિક્ષકો અને અધ્યાપકોને લપડાક મારો, કારણ કે હવે સમય એવો છે કે અંગ્રેજી વિના નહીં ચાલે. સો વર્ષ પહેલાં એવી પરિસ્થિતિ હતી કે ફ્રેન્ચ ભાષા વિના નહીં ચાલતું અને હવે એ જ સ્થિતિ અંગ્રેજી ભાષાની છે.

જીવનમાંથી શું શીખ્યાં? કાન્તિ ભટ્ટ અલગારી છે એમ કહી શકાય?

હું મારી જાતને કોઈ વિશેષ વિશેષણ આપવા માગતો નથી. હું એક સામાન્ય શિક્ષકનો દીકરો, જેને તેના કાકાએ ભણાવ્યો અને તેના સ્વાર્થ માટે વિદેશ બોલાવ્યો. ઉરૂલીકાંચન રહ્યો એ પણ કોઈના સ્વાર્થ માટે જ ગયો. મારા જીવનમાં સૌથી મોટી નિરાશા એ જ હતી કે મને મારી મરજી વિરુદ્ધ પરણાવવામાં આવ્યો. આઈ વોઝ અ લવર ઓફ બ્યુટી. હું નિર્મળ સુંદરતાનો ચાહક રહ્યો છું. જોકે મારે એ કહેવું જોઈએ કે મને મારી ગમતી છોકરી સાથે પરણાવ્યો હોત તો હું તેની સાથે સામાન્ય માણસની જેમ જિંદગી ભોગવીને ક્યારનોય મરી ચૂક્યો હોત. ■

Friday, August 1, 2014

એક ઈચ્છા એવી કે....


રાત્રે આઠ સાડા આઠ વાગ્યે હાથમાં કોફીનો એક છલોછલ મગ લઈને બાલ્કનીના હિંચકે ઝુલવાનો એનો નિત્યક્રમ. ચહલપહલવાળા રસ્તા પર પડતી આ મોટી બાલ્કનીના મોહમાં જ તેણે આ ઘર ખરીદેલું. પુસ્તકોની સંખ્યા ઝાઝી હતી એટલે એક ઓરડામાં પુસ્તકોના ઘોડા કરાવવા સિવાય ઘરમાં ઝાઝુ ફર્નિચર કરાવવાનું હતું નહીં, પણ બાલ્કનીનો આ હિંચકો તૈયાર કરાવતી વખતે મિસ્ત્રી સાથે લાંબી લમણાંઝીંક કરેલી. ફ્લેટ માટે દલાલને પૂછાવેલું ત્યારે પણ મોટી બાલ્કની વાળું જ ઘર જોઈએ છે એવું ભાર પૂર્વક કહેલું. નિરાંતના સમયે હિંચકા પર બેસીના ક્યાંય સુધી વિચારતા રહેવું અને ગરમ કોફીના ઘૂંટડા ભરીને શૂન્યમાં તાકી રહેવાનું એનું આ સપનું છેક કોલેજકાળથી, પણ આવું અમસ્તું સપનું પૂરું થતાંય દાયકા નીકળી ગયાં. કોલેજના કામોમાં વચ્ચેના વર્ષો ક્યાં નીકળી ગયા એનો કોઈ હિસાબ જ ન રહ્યો. વર્ષોને તો જાણે પાંખો ફૂટેલી!

હવે જ્યારે આ વર્ષોની મનોકામના પૂરી થઈ છે ત્યારે બીજું બધુય કોરે મૂકી દીધું અને સાંજના સમયે આ હિંચકા પર બેસીને ઝુલવાનું એટલે ઝુલવાનું જ! સાંજના આ સમયે ગાંધી સ્મૃતિના નાટકો કે ગૌરવ પથ પર આવેલા મલ્ટીપ્લેક્ષમાં નવી રિલીઝ થયેલી ફિલ્મો માટે જાતજાતના આમંત્રણો આવે પણ આ મહેફિલની સામે બધુય પાણી ભરે. આમેય આપણને માણસોની ભીડમાં બહુ ફાવે નહીં. ટોળાને સહન કરવાની આપણી ક્ષમતા વધુમાં વધુ બે કલાક, પછી તો આપણને આપણું ઘર જ દેખાય! આપણે તો એક મગ કડક કોફી અને આ હિંચકો મળ્યો એટલે ભયો ભયો. હિંચકા પર બેસીએ એટલે સૌથી પહેલા આજે વાતાવરણ કેવુંક છે તેનો જરાતરા તાગ મેળવીએ. પછી પગથી જમીન પર થેપી મારતા જવાનું અને હિંચકાને હળવી ગતી આપતા જવાનું. થોડીજ મિનિટોમાં તો જાણે આ લોકમાંથી પરલોકમાં આવી ગયા હોઈએ એવો ગજબનો આનંદ! આ લોકમાં તો સ્વાર્થ, ઈચ્છા અને ભરપૂર લાલસાથી ખદબદ થતાં લોકો પણ પરલોકમાં જ્યાં જુઓ ત્યાં વિચારો જ વિચારો…! પોતાને જે ગમી જાય અને સહેજ પોતીકો લાગે એવો એક વિચાર હાથમાં ઝાલી લેવાનો અને પછી મન થાય ત્યાં સુધી તેને મમળાવતા રહેવાનું! બસ આમ જ વીતે આપણી સાંજો. લોકો કહે છે, સાંજ પડી એકલા એકલા શું કરો છો? કંટાળો નથી આવતો? પણ ભલા, આવા વિચારોની આવી જાહોજલાલી હોય તો એકલતા કેવી? ને કંટાળો કેવો?
……………………………………………………………………………………………………………………………..
“પેલો વ્યાસ આ વખતના ‘વિચાર સત્ર’માં મારી વાર્તાઓના પોપળા ઉખેડતો હતો. મારી કથન રીતીમાં આમ છે અને હું શૈલીવેળામાં ઉતરી જાઉં છું ને ફલાણું ને ઢીંકણું. ભલા, એને ક્યારથી વાર્તાઓની સમજ પડવા માંડી? સાહિત્યના ઠેકા લીધા છે તે? બહું સમજ પડતી હોય તો જાતે શું કામ વાર્તા નથી લખતો? પોતે મૌલિકતાના નામે મીંડુ છે ને વળી લોકની પત્તર ખાંડે છે. હશે મારે કેટલા ટકા? આવા વ્યાસોની મને બહુ પરવા નથી. આપણે તો પોતે જેવું લખવું છે એવું જ લખવાનું. વાચકો ખુશ તો આપણે ખુશ. બાકી જખ મારે બધા!”

“વિચાર સત્રમાં નિલીમા ભટકાઈ ગયેલી. કોલેજમાં ગુજરાતીનું પેપર અમે સાથે ભણાવતા. નસીબદાર છે એ. આમ તો મારી વિદ્યાર્થીની પણ ખરી પરંતુ શિક્ષક તરીકે ઘણાં વર્ષો સુધી સાથે રહ્યા. સ્ટાફમાં એ એક જ તો હતી, જે મને સમજી શકતી હતી. બાકી બધાતો જાણે મારી સાથે બાપે માર્યા વેર હોય એમ ઘૂરકિયાં કાઢતા. એમને મન તો પરણેલા એ બધા સામાજિક અને જવાબદાર લોકો અને અમે બધા સમાજ માટે ભારરૂપ. એમાંના કેટલાક પીઠ પાછળ ખીખિયાટા કાઢતા તો કેટલાકને મારા ભવિષ્યની ચિંતા થઈ આવતી કે, પાછલી ઉંમરે મારું થશે શું? મૂઆંઓ મારી સ્ટાફરૂમમાં બેસીને મારી ચિંતા કરવામાં સમય પસાર કર્યો એના કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે ચિંતા કરી હોત તો? વર્ગખંડમાં ગયા પછી ચોપડીની બહારનું ક્યારેય બોલ્યાં છો કંઈ? બોલે ક્યાંથી એવું બધુ બોલવા માટે તો વાંચન જોઈએ, અને એ બાબતે તો તમારે સાત પેઢીનું છેટું. જોકે નીલિમા નસીબદાર છે કે તેને આટલી નાની ઉંમરે વિભાગની હેડ બનાવી દેવામાં આવી. બાકી મારા વખતે તો ટ્રસ્ટીઓ મેલી રમત જ રમેલા. નહીંતર અહંને સાચવી લેવા મારે વીઆરએસ નહીં લેવું પડત અને ખુશી ખુશી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના પદ પરથી રિટાયર્ડ થાત. ખેર, છોડો એ બધી વાતો, એ વાતો યાદ કરીએ તો નકામા લોહી ઉકાળા જ થાય, બીજુ કશું નહીં.”

“હવે પેલા પ્રકાશક સાથે  ક્યારેય કામ નથી કરવું. ભલેને પછી એ ગુજરાતનો છેલ્લો પ્રકાશક કેમ નહીં હોય! ખરા છે આ લોકો તો! લોકોને જોઈએ એવું લખવાની વાત કરે છે? લોકોને તો બધુય ખપે. તો શું અમારે ગમે એવું ઢસડી નાખવાનું? આવા ગભરું પ્રકાશકોને કારણે જ સાહિત્યમાં બગાડ પેઠો છે. વળી નવી પેઢીના આ લેખકોય ક્યાં ઓછા છે? સસ્તી લોકપ્રિયતા ખાતર તેઓ પણ દાટ વાળવા જ બેઠાં છે.”
“વાહ, આવો પવન રોજ ફૂંકાતો હોય તો કેવી મજા આવે? આ ઉનાળામાં દિવસે તો તડકો રહે જ, પરંતુ રાત્રે પણ વાતાવરણ ગરમ રહે. આવા વાતાવરણમાં કંઈ જ કરવાનું મન નથી થતું. જોકે હવે વરસાદને બહુ વાર નથી. પંદરેક દિવસમાં તો પાકો જ. આ વર્ષે ચૂકી જવાયું પણ આવતા વર્ષે માર્ચ બેસતા જ એ.સી. મૂકાવવું છે. નાહકનું ગરમીમાં સબડવું નથી.”

“કાલે પેલા બુકસ્ટોર વાળાને ફોન જોડવો પડશે. કેટલા દિવસોનો ઓર્ડર આપ્યો હતો. હજુ સુધી પુસ્તકો આવ્યાં નથી. મીરાંનો ફોન આવેલો કે ખાલિદ હુસૈનીની નવી નવલકથા વાંચવા જેવી છે. એટલે તરત જ પુસ્તકવાળાની દુકાને ફોન જોડ્યો. આમ પણ બીજા કેટલાક પુસ્તકો પણ મગાવવાના હતા. મેં ઓર્ડર કર્યા એમાના અડધા તો હતા જ નહીં, કે’તાતા કે મોડામાં મોડા દસ દિવસમાં પુસ્તકો આવી જશે. પણ આ તો પંદર દિવસ થવાં આવ્યાં. આ લોકોને ગ્રાહકોની કોઈ ચિંતા જ નથી. માર્કેટિંગ કરતી વખતે તો કેવી બડી બડી વાતો કરે!”

“ઉપરના ફ્લેટ વાળાને હવે કંઈ કહેવું જ પડશે. કેરી ગાળો તો જાણે એમનો જ આવ્યો હોય એવું લાગે છે. કેરાં ખાય એનો વાંધો નહીં, પણ આમ છાલ-ગોટલા સીધા નીચે શું કામ પધરાવે છે? આવા ગંદવાડમાં પડી રહેવાનું એમને પાલવે જ કેમ? સોસાયટીવાળા પણ કંઈ કહેતા નથી. બધા સરખા જ છે. એક બાજુ આ ગંદવાડ તો બીજી બાજુ પેલા જગધાઓ સવાર થાયને બોલ ટિંચવા નીકળી પડે. કાલે તો આ બારીનો કાચ જેમ તેમ બચ્યો. મૂઆંઓની સ્કૂલ ક્યારે ઉઘડશે કોણ જાણે?”

“આ ચોમાસામાં બે-ત્રણ દિવસ ક્યાંક નીકળી જવું છે. ક્યાંક દૂર જવા કરતા સાપુતારા જ બેસ્ટ રહેશે. થોડી લીલોતરી જોઈશ તો દિલ અને આંખો બંનેને થોડી ઠંડક રહેશે. કોઈને પૂછવું નથી. એ શું બધાને કાલાવાલા કરવાના? બસ સ્ટેન્ડ પરથી રોજ સવારે એક બસ ઉપડે છે. એકાદ દિવસ બેસી જવાનું અને એકાદ રૂમ લઈને એકાદ રાત રહી આવવાનું. નાગલીના પાપડ પણ લેવા છે થોડાં. જુલાઈમાં ગોઠવી નાંખવું છે એકાદ દિવસ.”

“કેટલા થયાં ઘડિયાળમાં? સાડા દસ? ચાલો સૂઈ જઈએ. પણ ઉંઘનું આજકાલ બહુ ઠેકાણું નથી. મળસકે ચારેક વાગ્યે કુદરતી રીતે જ ઊંઘ ઊડી જાય છે. પછી પાંચેક વાગ્યા સુધી પડખા ઘસવાના. કાલે સવારે થોડાં કૂડાં લેવા જવું છે. આ ફ્લેટમાં ઘર જેવું સુખ તો નથી પણ જેટલું રોપી શકાય એટલું રોપવાનું. સીધો તડકો નથી આવતો એટલે ગુલાબ ઉધેરી શકાય એમ નથી. આ મૂઆં મછરાંનો બહું ત્રાસ છે. કેરાંના ગંદવાડને કારણે જ વકર્યા છે આ મછરાં. હજું પંદરેક દિવસ આ ત્રાસ રહેવાનો જ.”

“કૂડાં લેવા જાઉં ત્યારે કોફી લેવાનું યાદ રાખવું પડશે. કોફી સાવ ઘટી ગઈ છે. આ વખતે ‘બ્રુ’ ટ્રાય કરવી છે. જોઈએ તો ખરા કે કેવીક ખુશીઓ શરૂ થાય છે? ચાલો તો થોડુંક ઘોરિયે હવે. કાલે સવારે મોડે સુધી ઉંઘ આવે તો સારું. નહીંતર આ હિંચકાની જેમ પથારીમાં પણ વિચારોના ચકરાવે ચડવાનું. જોકે મને આમ વિચરતા રહેવાનું ગમે છે. આ વિચારોને કારણે જ તો મારી વાર્તાઓની પાત્રસૃષ્ટી આટલી સમૃદ્ધ થઈ છે. કાલે હવે પેલી ટૂંકી વાર્તાનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરીને ‘ભેલપૂરી ડૉટ કોમ’ને  વાર્તા મોકલી આપવી છે. વેબજગત પર આ લોકો પણ ઘણું સારું કામ કરી રહ્યા છે. દુનિયા હવે વેબ તરફ જઈ રહી છે તો આપણે અળગા કેમ રહીએ? ત્યાં પણ સારો એવો વાચક વર્ગ તો છે જ ને? સામયિકોમાં જ છપાવવું છે એવા રૂઢિવાદી હવે આપણે નથી બનવું. જોકે વાર્તા ધારવા જેટલી સારી લખાઈ નથી. થોડીક મઠારવી તો પડશે જ.”

“ચાલ તો મારા વ્હાલા હિંચકા, કાલે ફરી મળીશું. ત્યાં સુધી તું તારી કંપની માણ અને હું મારી માણું.”


“વરસાદ પહેલા હિંચકાને પોલિશ કરાવીને ચકાચક કરાવી દેવા જેવો છે. એનેય બીચારાને કંઈક સજવના અભરખા તો થતાં જ હશે ને!”


આ વાર્તા આ પહેલા આપણા ખ્યાતનામ વેબપોર્ટલ 'ભેળપૂરી ડૉટ કોમ' પર પ્રકાશિત થઈ હતી.