Showing posts with label આર્ટ. Show all posts
Showing posts with label આર્ટ. Show all posts

Tuesday, September 3, 2013

કલા બની સામાજિક ક્રાંતિનું માધ્યમ

કલાને કોઇ દાયરામાં બાંધીને સીમિત કરી શકાતી નથી. જો જે-તે કલાનાં મૂળભૂત સિદ્ધાંતો સાથે કોઇ પણ છેડછાડ કર્યા વિના તેમાં કોઇ પણ પ્રયોગ કરવામાં આવે તો તે હંમેશા આવકાર્ય હોવો જોઇએ. પરંતુ કેટલીક વખત કલાનાં કહેવાતા જાણકારો અને કેટલાક જૂનવાણી વિવેચકો આવા પ્રયોગોનો સ્વીકાર નથી કરી શકતા. જોકે કલાને સંપૂર્ણ સમર્પિત અને પોતાની કલાના નશામાં ડૂબેલા રહેતા કલાકારો ક્યારેય આવા જડભરતોની પરવા કરતા નથી! તેઓ તો હંમેશા એ જ કરતા હોય છે જે તેમણે કરવું હોય છે. તાજેતરમાં બિહારની એક યુવતીએ પણ કંઇક આવુ જ કામ કર્યું છે, જેણે ચિત્રકલાના એક પ્રકારમાં નવો ચીલો પાડ્યો છે, જેની સાથે જ તે સામાજિક ઉત્થાન માટે પણ મહેનત કરી રહી છે. તેણે કરેલા પ્રયોગની ક્યાંક વાહવાહી થઇ રહી છે તો ક્યાંક તેનાં પ્રયોગનો વિરોધ પણ થઇ રહ્યો છે. પરંતુ આ બેફિકર કલાકાર યુવતીને કોઇની પડી નથી એને તો બસ એ ભલી અને તેનું કામ ભલુ.

આ વાત છે બિહારનાં સમસ્તિપુરની દલિત યુવતિ માલવિકા રાજની. મોહાલીની એનઆઇએફટીમાંથી ચિત્રકલામાં ગ્રેજ્યુએટ થયેલી આ પેશનેટ કલાકારે બિહારનાં પ્રખ્યાત ચિત્રપ્રકાર ‘મધુબની’માં એક નવો પ્રયોગ કરીને ચિત્રકલાનાં ક્ષેત્રમાં થોડો કાંકરીચાળો કર્યો છે. નવીનમાં તેણે માત્ર એટલું જ ઊમેરણ કર્યુ છે કે તેણે મધુબની ચિત્રોમાં ભગવાન બુદ્ધની જીવનયાત્રાને ચિતરી છે. તેનાં આ પ્રયોગ સાથે જ એવું પહેલી વખત બની રહ્યું છે કે કોઇ કલાકારે મધુબની ચિત્રોની મુખ્યધારાની થીમને બદલે કોઇક નવી થીમ પર ચિત્રો દોર્યા હોય! સામાન્ય રીતે મધુબની ચિત્રોમાં રામાયણ અને મહાભારત કાળની વિવિધ વાર્તાઓનો ઉપરાંત અન્ય કેટલાક હિન્દુ પૌરાણિક પાત્રોને ઓબ્જેક્ટ બનાવીને તેમને ચિતરવામાં આવે છે. આ ઉપરાંત પ્રકૃતિને પણ કેન્દ્રમાં રાખીને ચિત્ર તૈયાર કરવામાં આવતા હોય છે. પરંતુ ભગવાન બુદ્ધનાં ચિત્રો દ્વારા માલવિકાએ પ્રવાહને બીજી તરફ પલટાવાનો પ્રયત્ન કર્યો છે. મધુબની ચિત્રોમાં તેણે બુદ્ધનાં જન્મ પહેલાથી તેમનાં ‘મહાભિનિષ્ક્રમણ’ સુધીની કથાઓને ચિત્રોમાં વણી લીધી છે.

તેણે બુદ્ધ પરનાં મધુબની ચિત્રોની આખી સિરીઝ તૈયાર કરી છે, જેને તેણે ‘ધ જર્ની’ નામ આપ્યું છે. આ સિરીઝનાં તેનાં ચિત્રોમાં તેણે મધુબની ચિત્રોની ટેક્નિક અને તેની શૈલી સાથે કોઇ પણ છેડછાડ કર્યા વિના માત્ર થીમ જ બદલી છે. પરંતુ આટલા નજીવા ફેરફાર માટે પણ કલાજગતમાં તેનો ઠીક ઠીક વિરોધ થઇ રહ્યો છે. તેનાં ચિત્રો માટે કેટલાક જૂનવાણીઓ અને કહેવાતા જાણકારો એવું માને છે કે આ રીતે મધુબની ચિત્રોમાં બુદ્ધની વાર્તાઓનો પ્રયોગ કરવો યોગ્ય નથી. કારણકે તેમાં સદીઓથી હિન્દુ પૌરાણિક પાત્રોને થીમ બનાવીને ચિત્રો તૈયાર કરવામાં આવતા હોય છે. પરંતુ આ બધા વિવેચનો કે વિરોધોની માલવિકાને બહુ પડી નથી. તેનાં મનમાં તો નાનપણથી એક જ સવાલ ઉઠતો કે મધુબની ચિત્રોમાં તેનાં પ્રિય એવા બુદ્ધ કેમ નહીં? આમ, નાનપણમાં તેનાં મનમાં ઉઠેલા સવાલનો જવાબ એટલે તેણે તૈયાર કરેલી  ‘ધ જર્ની’ ચિત્ર સિરીઝ!

થોડાં સમય પહેલાં તેણે પટના આર્ટસ કોલેજમાં તેનાં ચિત્રોનું પ્રદર્શન યોજ્યું હતું. આ દરમિયાન એક યુવાને માલવિકાનાં ચિત્રો જોયાં વિના જ તેને સીધો પ્રર્શ્ન કર્યો કે આ રીતે મધુબની ચિત્રોમાં બુદ્ધનો પ્રયોગ કરવાનો તેણે વિચાર પણ કઇ રીતે કર્યો? આ તો ઠીક તેણે માલવિકા સાથે તોછડી ભાષામાં વાતો કરવા માંડી અને તે તેનાં ચિત્રો વિશે બિભત્સ વાતો કરવા માંડ્યો. તેનાં આવા પ્રતિભાવોને કારણે થોડાં સમય માટે તો માલવિકા ડઘાઇ જ ગઇ હતી. પરંતુ પાછળથી તે આવા પ્રતિભાવોથી ટેવાઇ ગઇ કારણકે જ્યાં મધુબની ચિત્રોનો જન્મ થયો હતો એવા બિહારનાં વિવિધ ઠેકાણે તેનાં આ પ્રયોગનો વિરોધ શરૂ થઇ ગયો હતો. જોકે મુંબઇની જહાંગીર આર્ટ ગેલેરીએ તેનાં આ નવા પ્રયોગને ભારે બિરદાવ્યો હતો, જ્યાં તેમણે માલવિકાનાં બુદ્ધ પરનાં તમામ મધુબની ચિત્રોનું પ્રદર્શન યોજ્યું હતું.

પ્રાદેશિક સ્તરે તેનાં ચિત્રો માટે આટઆટલા ઉહાપોહ પછી પણ આ દલિત યુવતી એકદમ અડગ અને અડીખમ છે. તેનાં મતે તો આ સઘળી રામાયણ વાતનું વતેસર જ છે, આથી ટીકાની પરવા કર્યા વિનાં તે તેનાં કામને આગળ વધારી રહી છે. તેનાં ચિત્રો વિશે તે એવું માને છે કે ભગવાન બુદ્ધનાં જીવનને મધુબનીમાં ઉતારીને તે કોઇ વિરોધ નથી કરી રહી અથવા કંઇ સાબિત કરવાની ખેવના પણ રાખતી. પરંતુ તેને મધુબની ચિત્રો અને ભગવાન બુદ્ધ બન્ને પ્રત્યે આકર્ષણ હોવાથી તેણે આવા પ્રકારનાં ચિત્રો દોરવાનું નક્કી કર્યું.

‘ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટસ બોર્ડ’ અને ભારત સરકાર હાલમાં બિહારની મહિલાઓને દર મહિને આવક મળી રહે એ માટે તેમને વિપુલ જથ્થામાં મધુબની ચિત્રો તૈયાર કરવાનું પ્રોત્સાહન આપે છે. પરંતુ સરકારની આ યોજનામાં સમાજનાં અન્ય વર્ગોની સ્ત્રીઓ કરતાં દલિત સ્ત્રીઓ તેનો લાભ ઉઠાવવામાં પાછળ પડી રહી છે. આથી સમસ્તિપુર અને તેની આસપાસનાં વિસ્તારની દલિત મહિલાઓ પણ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરે અને સમાજનાં અન્ય વર્ગોની સ્ત્રીઓની સમકક્ષ ઉભી રહે તે માટે માલવિકા એક ઝુંબેશ ચલાવી રહી છે. આ માટે તે ગામેગામ ફરીને દલિત મહિલાઓને એકત્રિત કરીને તેમને મધુબની પેઇન્ટિંગ્સ વિશેની માહિતીઓ આપે છે અને પોતાનો કિંમતી સમય તેમની પાછળ ખર્ચીને તેમને મધુબની ચિત્રો બનાવતા પણ શીખવે છે. માલવિકા ફેમિનિસ્ટ છે અને દલિત મહિલાઓનાં ઉત્થાન માટે તે સતત પ્રયત્નશીલ રહે છે. તે કહે છે કે, ‘મહિલાઓ આર્થિક રીતે સદ્ધર બને તે માટે હું હંમેશા પ્રયત્નો કરું છું. સમાજનાં અન્ય વર્ગોની મહિલાઓ કરતાં દલિત મહિલાઓ હજુ ઘણી પાછળ છે. દલિત મહિલાઓ તેમનાં જીવનમાં કોઇ પણ પગલું ભરે છે ત્યારે ત્રણ વાતો તેમને સતત પીડે છે જેમાંની એક એ છે કે તેઓ મહિલાઓ છે, બીજી એ કે તેઓ દલિત છે અને ત્રીજી એ કે તેઓ ગરીબ અને અભણ છે.’

હાલમાં બિહાર ખાતે તો એવી પરિસ્થિતિ સર્જાઇ છે કે જ્યારે તેનાં બુદ્ધ પરનાં ચિત્રોનાં પ્રદર્શન યોજવામાં આવે છે ત્યારે તેને વિશેષ રક્ષણ આપવામાં આવે છે. બિહારમાં તેનાં ચિત્રોનાં પ્રદર્શન યોજાઇ રહ્યાં છે તેની  પાછળનું સત્ય એ પણ છે માલવિકાનાં પિતા એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે, નહીંતર જો માલવિકા કોઇ સામાન્ય દલિત છોકરી હોત તો તેનાં માટે પ્રદર્શનો યોજવા મૃગજળ સમું જ બની રહ્યું હોત.


મધુબની પેઇન્ટિંગ વિશે થોડું

મધુબની ચિત્રો મૂળ ભારતીય શૈલીનાં ચિત્રો છે, જેની શરૂઆત રામાયણ કાળમાં બિહારની મિથિલા નગરીથી થઇ હતી. આથી આ ચિત્રોને મિથિલા ચિત્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચિત્રશૈલી માટે એવી વાયકા પ્રચલિત છે કે મહારાજા જનકે રામ અને સીતાનાં લગ્ન ટાણે મિથિલાનાં ચિત્રકારો પાસે વિશેષરૂપે આ નવી શૈલીનાં ચિત્રો તૈયાર કરાવડાવ્યાં હતાં. બિહારમાં મધુબનીનો એક બીજો અર્થ ‘મધનું વન’ પણ થાય છે. પરંપરાગત રીતે બિહારમાં આ ચિત્રો ત્યાંની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. પરંપરાગત રીતે આ ચિત્રો હાથની આંગળીને કે દિવાસળીની કાંડી અથવા ઝાડની નાની ડાળખીને રંગોમાં બોળીને તૈયાર કરવામાં આવતા હતાં. પહેલાનાં સમયમાં ગ્રામીણ બિહારનાં લોકો માત્ર તેમનાં ઝૂંપડાઓની દીવાલો પર મધુબની ચિત્રો દોરતા હતાં. પરંતુ બદલાતા સમયની સાથે અને તેની રસાળ આકર્ષક શૈલીને કારણે હવે આ ચિત્રો કાપડ અને કેનવાસ પર પણ તૈયાર કરવામાં આવે છે.

આ ચિત્રો તૈયાર કરતી વખતે દીવાલ કે કેનવાસ પર તસુભર જગ્યા ખાલી રાખવામાં આવતી નથી. તેમાં ચિત્રની મધ્યમાં મુખ્ય ઓબ્જેક્ટનું ચિત્ર તૈયાર કર્યા બાદ બાકી બચેલી તમામ જગ્યામાં ફુલો અથવા કોઇ પ્રાણી અને પક્ષીનાં ચિત્રો દોરીને તે ખાલી જગ્યાને ભરી દેવામાં આવે છે. મુખ્યત્વે મધુબની ચિત્રો આદિવાસી શૈલીના ચિત્રો હોવાથી તેમાં રંગો માટે કુદરતી રંગો ઉપરાંત લાલ માટી અને મેશનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ ગ્રામીણ બિહારમાં કોઇ ઉત્સવ હોય કે ઘરમાં કોઇ શુભ પ્રસંગ હોય તો ત્યાંની સ્ત્રીઓ દ્વારા રિવાજનાં ભાગરૂપે મધુબની ચિત્રો તૈયાર કરવામાં આવે છે. આજે હવે આપણા આ પારંપરિક ચિત્ર પ્રકારને દેશ અને વિદેશનાં ચિત્રકારો દ્વારા પણ સ્વીકારવામાં આવ્યો છે. તેમની અનોખી શૈલીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની એક અલગ ઓળખાણ બની છે. 

Saturday, July 20, 2013

આર્ટ ઓલ નાઇટઃ કાલાકારોનો કુંભ જામે છે અહીં

આપણે ત્યાં મુંબઇનો કાલાઘોડા કલામહોત્સવ ઘણો પ્રખ્યાત છે. કલાનાં વિવિધ પ્રકારોનો સમાવેશ કરી એક અઠવાડિયા સુધી આ કલામહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. એ ઉપરાંત દેશ-વિદેશમાં ઘણાં કલામહોત્સવો ઉજવાય જેની દિવસો સુધી ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાનાં ટ્રેનટોન ખાતે  પણ ‘આર્ટ ઓલ નાઇટ’ નામનો વિશિષ્ટ કલામહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં દર વર્ષે હજારો લોકો હાજરી આપે છે. આ વર્ષે ૧૫ અને ૧૬ જુન દરમિયાન સાતમો ‘આર્ટ ઓલ નાઇટ’ કલામહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં આશરે ૩૦૦૦૦ જેટલાં લોકોએ હાજરી આપી હતી. આ કલામહોત્સવને ટ્રેનટોન શહેરની ૫૦,૦૦૦ સ્કે.ફુટની એક જુની ફેક્ટરીમાં ઉજવવામાં આવે છે.

આ કલામહોત્સવની ઘણી ખાસીયતો છે, જેમાંની એક ખાસીયત એ છે કે આ કલામહોત્સવ માત્ર ચોવીસ કલાક માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ તે શનીવારે બપોરે ત્રણ વાગ્યાથી રવીવારે બપોરે ત્રણ સુધી ચાલ્યો હતો. ચોવીસ કલાક દરમ્યાન ચાલતાં આ કલામહોત્સવમાં ચિત્રકળા, મ્યૂઝીક, અરેબીક કેલિગ્રાફી અને ફિલ્મકળા જેવાં કલાનાં વિવિધ વિષયોને આવરી લેવામાં આવે છે, જ્યાં નામી કલાકારો ઉપરાંત કલાવિવેચકો, ઉભરતા કલાકારો અને કલા રસિકો મોટી સંખ્યામાં હાજરી આપે છે.
‘આર્ટ ઓલ નાઇટ’ એવો કલામહોત્સવ છે જેમાં તમામ કલાકારોને એક સરખા ગણવામાં આવે છે. અહીં નવોદિતો અને નામીઓ વચ્ચે કોઇ ભેદ રાખવામાં આવતો નથી. પાંચ વર્ષનાં નાના બાળકથી લઇને સીત્તેર વર્ષનાં પીઢ કલાકારો અહીં પોતાની કલાનું પ્રદર્શન કરે છે. અમેરિકાનાં ઊગતા કલાકારોમાં આ કલામહોત્સવ અત્યંત પ્રીય છે કારણકે એવા કેટલાય કલાકારો છે જેમને આ કલામહોત્સવ વડે સારી એવી ખ્યાતી મળી હોય.

આ માટે ‘આર્ટ ઓલ નાઇટ’ની પ્લાનિંગ કમીટીનાં ચેરમેન જોસેફ કુઝેમકા જણાવે છે કે, ‘એવાં કેટલાય લોકો છે જેમનાંમાં અદભૂત સર્જનાત્મકતા રહેલી હોય છે. પરંતુ વિટંબણા એ છે કે એમાનાં તમામને યોગ્ય પ્લેટફોર્મ મળતું નથી. ‘આર્ટ ઓલ નાઇટ’ની પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આ કલામહોત્સવનાં માધ્યમથી આવા કલાકારોને અત્યંત મોટા પાયે તેમની સર્જનાત્મકતા દર્શાવવાની તક મળે.’

અહીં એક વિભાગમાં ચિત્રકારો અને શિલ્પકારોની કૃતિઓ પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવે છે. આ પ્રદર્શનમાં કોઇ પણ ભેદ રાખ્યા વગર નાના-મોટા તમામ કલાકારોની કૃતિઓ પ્રદર્શીત કરવામાં આવે છે. કલામહોત્સવનો આ વિભાગ એવો છે જેને નિહાળવ માટે સૌથી વધુ લોકો આવે છે. અહીં પ્રદર્શીત તમામ કૃતિઓ પર કલાકારની માહિતીઓ ટેગ કરવામાં આવી હોય છે. આથી જો કોઇ  વ્યક્તિને આ પ્રદર્શનમાંની કૃતી પસંદ પડે તો ટેગ ઉપરથી કલકારનો સંપર્ક કરીને મહોત્સવ પછી એ કૃતિને ખરીદી શકે છે. સાત વર્ષનાં ગાળામાં એવુ કેટલીય વખત બન્યુ છે કે કેટલાક કલાકારોની કૃતિઓ જે ક્યાંય નહીં વેચાઇ હોય એ ‘આર્ટ ઓલ નાઇટ’માં ઘણી આસાનીથી વેચાઇ હોય.

પ્રદર્શન ઉપરાંત ‘આર્ટ ઓલ નાઇટ’માં ચિત્રકળા અને શિલ્પકળાનાં લાઇવ પર્ફોર્મન્સ પણ થાય છે. આ લાઇવ પર્ફોમન્સમાં કલાકારો ચોવીસ કલાકનાં આ મહોત્સવ દરમિયાન કોઇ પણ વિષય ઉપર પોતાનું ચિત્ર અથવા શિલ્પ તૈયાર કરે છે. ચિત્રકળા અને શિલ્પ કળા ઉપરાંત અહીં ફિલ્મકળાને પણ ઘણું પ્રાધાન્ય આપવામાં આવે છે. આ મહોત્સવ દરમિયાન અમેરિકાનાં નામી ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકર્સ અને ફિલ્મ વિવેચકો એક વર્કશોપ કરી નવોદિતો અને ફિલ્મ રસિકોને ફિલ્મમેકિંગ અંગેની તાલીમ આપે છે. આ સાથે જ અહીં એક ફિલ્મ ફેસ્ટીવલનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અમેરિકાનાં ફિલ્મ દિગ્દર્શક જેફ સ્ટેવર્ટે મહોત્સવનાં મુલાકાતીઓને ઇન્ડિપેન્ડટ ફિલ્મમેકિંગ અંગેનો ખ્યાલ આપ્યો હતો. સાથે જ ફિલ્મમેકિંગનાં વર્કશોપ દરમિયાન ‘નાવ યુ આર સેટ ફોર લાઇફ’ નામની ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ રજુ કરાઇ હતી.

બીજી તરફ આ કલામહોત્સવ દરમિયાન કોઇ પણ એક થીમ ઉપર ભીંતચીત્રો દોરવામાં આવે છે. કલાકારોની એક ટૂકડી ચોવીસ કલાકનાં ગાળામાં કોઇ પણ એક થીમ ઉપર અદભૂત ભીંતચિત્રો તૈયાર કરે છે. જોસેફ કુઝેમકાનાં મતે ‘આર્ટ ઓલ નાઇટ’નાં ભીંતચીત્રો તેમનાં મૂલાકાતીઓને સૌથી વધુ આકર્ષે છે. આ વર્ષે ‘આર્ટ ઓલ નાઇટ’નાં  ભીંતચીત્રો માટે અમેરિકાનાં પ્રસિધ્ધ કવી ‘એડ્ગર એલન પો’ ને થીમ તરીકે રાખવામાં આવ્યાં હતાં, જેમાં આ વર્ષે ત્યાંનાં સ્થાનિક કલાકાર ડેવ ક્લામા અને વિલ કાસોની આગેવાનીમાં એડ્ગર એલન પોને કેન્દ્રમાં રાખીને ભીંત ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત આ મહોત્સવમાં લેખન, કાવ્યપઠન અને અભિનય માટેનો વિભાગ પણ રાખવામાં આવે છે. દરમિયાન નવોદિત કવીઓ અને અભિનેતાઓ પોતાની રચનાઓનું પઠન કરે છે અને અભિનય કરે છે. સાથે જ અહીં નવા લેખકોને વર્કશોપ વડે લખવાની તાલીમ પણ આપવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન મોટી માત્રામાં સાહિત્ય રસિકો ભેગા થાય છે જેઓ ઉભરતા કવીઓ અને કલાકારોને દાદ આપી તેમનાં ઉત્સાહમાં વધારો કરે છે.

આ મહોત્સવની ઉજવણી ઇન્ડોર અને આઉટડોર એમ બે વિભાગમાં કરવામાં આવે છે. ઇનડોર વિભાગમાં ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે જ્યારે આઉટડોર વિભાગમાં ત્રણ જુદાં-જુદાં મંચ ઉપર ડાન્સ અને મ્યૂઝિકનાં વિવિધ પરફોર્મન્સ થાય છે. ચોવીસ કલાકનાં આ મહોત્સવમાં ડાન્સ અને મ્યૂઝિકનાં અલગ અલગ પ્રકારોની રજૂઆત કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવમાં ૫૦ જેટલાં બેન્ડ વારાફરતી પરફોર્મન્સ આપશે. યુવાનોને આ આઉટડોર પરફોર્મન્સ સૌથી વધુ પસંદ આવે છે.
તો બીજી તરફ આઉટડોર વિભાગમાં આકર્ષણનું મોટુ કેન્દ્ર છે આ મહોત્સવનું ફૂડ ફેસ્ટિવલ! ‘આર્ટ ઓલ નાઇટ’ દરમિયાન કલા રસિકોની સાથોસાથ ખાવાનાં રસિયાઓ પણ ભેગા થાય છે. આઉટડોર વિભાગમાં રાખવામાં આવતી આ ફૂડ કોર્ટમાં જાતજાતનાં વ્યંજનો અને વાનગીઓ પિરસવામાં આવે છે. આ વર્ષે મહોત્સવની ફૂડ કોર્ટમાં અમેરિકન ફૂડની સાથે મેક્સિકન, મેડિટરેનિયન, જમૈકન અને ઇટાલીયન વ્યંજનોએ મૂલાકાતીઓનાં દીલ જીતી લીધા હતાં. 

આર્ટ ઓલ નાઇટનો જો બીજો અર્થ કાઢવો હોય તો ધમાલ ઓલ નાઇટ એવો અર્થ પણ થઇ શકે, જ્યાં લોકો ચોવીસ કલાક દરમિયાન ભરપૂર માત્રામાં જલસો કરી આનંદ મેળવે છે. ‘આર્ટ ઓલ નાઇટ’ કલાનાં લગભગ તમામ ક્ષેત્રોને આવરી લે છે. સાથે જ તે અબાલ-વૃદ્ધ સૌને આવરી લે છે. જ્યાં કોઇ પણ ઉંમરનાં લોકો ભેગા મળીને પોતાની કળાનું પ્રદર્શન ઉપરાંત કલા વિષયક ચર્ચાઓ કરી શકે છે. સાત વર્ષોની અદભૂત સફળતા બાદ હવે અમેરિકાનાં ટ્રેનટોન ખાતે ઉજવાતો આ કલામહોત્સવ એક મોટી બ્રાન્ડ બની ગયો છે. કલામહોત્સવની ઉજવણીની તારીખો જાહેર થતાં જ હવે અમેરિકાનાં કલાકારો અને કલારસિકો તેમાં હાજરી આપવા માટે થનગની ઉઠે છે.


આમ ચોવીસ કલાક માટે ઉજવાતા આ કલા મહોત્સવમાં વિવિધ કલાઓનો અદભૂત સમન્વય જોવા મળે છે, જ્યાં ખુબ જ મોટી સંખ્યામાં માણસોનો મેળાવડો જામે છે. નવા કલાકારો માટે આ કલામહોત્સવ ખરા અર્થમાં એક યોગ્ય પ્લેટફોર્મ બની રહે છે જેનાં માધ્યમથી કેટલાય કલાકારોની અંદર ધરબાયેલી કલાને વાચા અને સરાહના મળી છે અને તેમને કલાકાર તરીકેની એક આગવી ઓળખ પણ મળી છે.