Showing posts with label રાજકારણ. Show all posts
Showing posts with label રાજકારણ. Show all posts

Friday, April 18, 2014

સોશિયલ મીડિયાનો નવો ટ્રેન્ડઃ મેમે



લોકસભાની ૨૦૦૯ની ચૂંટણી અને આ વર્ષની ચૂંટણી વચ્ચે સૌથી મોટો ફરક એ છે કે ત્યારે દેશના લોકોના હાથમાં સાદા અથવા બહુ ઓછી સુવિધા ધરાવતા સેલફોન હતા, પણ આ વખતે લોકોના હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે. ત્યારે ચોરે ચોતરે બેસીને ફેસ ટુ ફેસ રાજકારણની ચર્ચા થતી ત્યારે આજે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને ફેસબુક વૉલ પર કે વ્હોટ્સએપ ગ્રુપ્સમાં કોઈ મુદ્દા પર દલીલ કે ચર્ચા કરી શકાય છે અને પોતાની દલીલને વજનદાર બનાવવા માટે ફોટોગ્રાફ્સ, વીડિયો અને ડૉક્યુમેન્ટ્સ પણ શેર કરી શકાય છે. ઈનશોર્ટ દરેક હાથમાં સ્માર્ટફોન હોવાથી લોકો પહેલા કરતા વધુ સ્માર્ટ થયાં છે અને સોશિયલ મીડિયાની ચારેકોર વાહવાહી છે.

દેશના રાજકારણમાં, બોલિવુડમાં અથવા રમતજગતમાં જરા સરખી કાંકરી ખરે અને સોશિયલ મીડિયામાં ગણતરીની મિનિટોમાં હોહા મચી જાય. ખેર, સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા બંને છે, પણ એ ચર્ચા અહીં અસ્થાને છે. આજે તો માત્ર ‘મેમે’ની જ વાત. કારણકે આજે અત્ર-તત્ર-સર્વત્ર બસ ‘મેમે’ જ ‘મેમે’ છવાયેલા છે!

દેશમાં ‘મોદી વેવ’ છે કે નથી એ ચર્ચા જેટલી બીજી કોમ્પ્લિકેટેડ ચર્ચા એ પણ છે કે હાલમાં સોશિયલ મીડિયા પર કયો વેવ કે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કારણકે લોકો એકાદ ટ્રેન્ડથી પરિચિત થાય ન થાય ત્યાં બીજા કોઈ નવા ટ્રેન્ડે તેમના મોબાઈલ સ્ક્રીન પર દસ્તક દઈ દીધા હોય છે. હજુ થોડાં દિવસો પહેલા વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સેલ્ફીની બોલબાલા હતી, ત્યાં આજકાલ મેમે પૂરબહારમાં છે. તમને એ પ્રશ્ન થઈ રહ્યો હશે કે ‘મેમે’ વળી કઈ નવી બલા છે, અમે તો તેમને જોયાં જ નહીં? પણ આપણે સૌ એનાથી સારી રીતે પરિચિત છીએ, પરંતુ આપણામાંથી બહુ ઓછાને એની ખબર હશે કે મારી મોબાઇલ ગેલેરીમાં ઓટોસેવ થઈ ગયેલા આ ફોટોગ્રાફ્સને મેમે કહેવામાં આવે છે. તમે જોયું હશે કે આજકાલ ફેસબુક પર લોકો કમેન્ટ બોક્સમાં કેટલાક હાસ્યાસ્પદ ફોટો મૂકતા હોય છે, જેમકે કોઈક વ્યક્તિએ ફેસબુકે અપડેટ કરેલું સ્ટેટ્સ બીજા વ્યક્તિને પસંદ નહીં આવે તો તે પેલાં સ્ટેટસના કમેન્ટ બોક્ષમાં શત્રુઘ્‍નસિંહાનો ફોટો અપલોડ કરશે જેની ઉપર ‘ખામોશ’ લખ્યું હશે. આ ઉપરાંત તમે અભિનેતા આલોકનાથના ફોટા પર ‘સંસ્કારી’ અથવા ‘કન્યાદાન’વાળું કોઈ હાસ્યાસ્પદ વાક્ય જોયું હશે. જે તમને પસંદ આવ્યા બાદ વિના કોઈ વિલંબ તમે બીજા કોઈને શેર પણ કર્યું હશે. આવા ફની ફોટોગ્રાફ્સ કે વીડિયોને મેમે કહેવામાં આવે છે.

વ્હોટ્સ એપ પર ઘણું ચગેલુ અબકી બાર મોદી સરકારનું મેમે
એક જગ્યાએ સોશિયલ મીડિયાના મેમે માટે કંઈક આવી વ્યાખ્યા કરવામાં આવી છે, ‘કોઈ પણ વીડિયો, હેઝટેગ, ફોટો કે ગીતને અમુક પ્રકારના શબ્દો સાથે કોઈ બીજા અર્થમાં રજૂ કરાય તો તેને મેમે કહેવામાં આવે છે. આમ તો મેમે શબ્દનો પ્રયોગ સૌથી પહેલી વખત ૧૯૭૬માં રિચર્ડ ડોકિંગ્સે તેમના ‘ધ સેલ્ફિશ જિન’ નામના પુસ્તકમાં કર્યો હતો. ત્યાર પછી વર્ષો સુધી જુદા જુદા સંદર્ભોમાં તેનો ઉપયોગ થતો રહ્યો અને વર્ષ ૧૯૯૬માં તે ઇન્ટરનેટ આલમમાં આવી પહોંચ્યો. જોકે ઈન્ટરનેટ પર તેનો અર્થ બદલાઈ ગયો અને ડોકિંગ્સ સાહેબનો કાલ્પનિક મેમે કોઈ વાત અથવા વિચારને આકર્ષકતાથી રજૂ કરવા માટેનું એક ટુલ બની ગયો. ભારતની વાત કરીએ તો દેશની કોઈક જાણીતી હસ્તીની ઠેકડી ઉડાવવાથી લઈને રાજકીય પક્ષોના પ્રચારમાં મેમેનો મહત્તમ ઉપયોગ થાય છે.

ગયા સપ્‍તાહમાં જ ભારત ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં શ્રીલંકા સામે હારી ગયું ત્યારે લોકોએ દોષનો ટોપલો યુવરાજ સિંઘ પર ઢોળ્યો અને માત્ર તે મેચના તેના પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને કેટલાક કહેવાતા ક્રિયેટિવ ડિંગલીખોરોએ યુવરાજના મેમે તૈયાર કરી નાંખ્યા. હજુ તો મેચ પૂરી થાય એ પહેલા વ્હોટ્સએપ અને ફેસબુક પર યુવરાજના નામે અસંખ્ય મેમે ફરતા હતા. માત્રને માત્ર આ ‘મેમે’ના ત્રાસને કારણે સોમવારે સવારે એટલે કે ફાઇનલ મેચના બીજા દિવસે કેટલાક લોકોએ ફેસબુક પર લાંબા લચાક સ્ટેટસ અપડેટ કરવા પડ્યા કે ભાઈ આ જ ખેલાડીએ ભૂતકાળમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા એ ભૂલી ગયાં કે શું? યુવરાજ પરના વ્યંગ ઉપરાંત અભિનેતા આલોકનાથ પરના જોક્સ અથવા સની લિયોન કે ચૂંટણીમાં ઊભા રહેવાની રાખી સાવંતની જાહેરાત પછી તેના ફોટોગ્રાફ્સ સાથેના વિટ્ટી વાઇરલ્સ પણ ઘણાં લોકપ્રિય થયાં છે. લોકોના ઈનબોક્સ સુધી આટલી આસાનીથી પહોંચી શકાતું હોય તો એ લાભ ખાટી લેવામાં રાજકીય પક્ષોએ પણ એડીચોટીની મહેનત કરી છે.

જોકે રાજકીય પક્ષોએ હંગામી ધોરણે ઊભા કરેલા આઇટી સેલમાંથી આ મેમે વાઇરલ થાય છે કે પછી વિવિધ પક્ષોના અાંધળા સમર્થકો પણ આવા મેમે તૈયાર કરતા હોય છે, એ સંશોધનનો વિષય છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી અને અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધા પછી તેમના નામે અઢળક મેમે વાયરલ થયા હતા. હાલમાં રાજકારણના મેમેમાં ‘અબકી બાર મોદી સરકાર’ અત્યંત હિટ રહ્યું છે, જેમાં લોકો ‘અબકી બાર..’ સાથે જાતજાતના વાક્યો કે ગીતોનો પ્રાસ બેસાડી રહ્યા છે. દા.ત. ‘દેખા હે પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર.. અબકી બાર મોદી સરકાર.’ અથવા ‘પાનીપૂરી હે દસકી ચાર, અબકી બાર મોદી સરકાર’ વાહ!

વ્લાદીમિર પુતિન પરનું એક મેમે
જોકે, દેશ બહારના કેટલાક મેમે પર અછડતી નજર કરીએ તો વિદેશમાં બરાક ઓબામા, વ્લાદીમિર પુતિન, ડેવિડ કેમેરોન અને ઈંગ્લેન્ડના રાણી જેવા લોકો મેમે માટે હોટ ફેવરિટ છે. યુક્રેનની કટોકટી વખતે યુરોપ અને અમેરિકાએ પુતિન વિરોધી મેમે સોશિયલ મીડિયામાં લીક કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો મલેશિયાનું MH 370 લાપતા થયું પછી આવા ગંભીર વિષયો પર પણ લોકોએ મેમે તૈયાર કર્યા હતા. જોકે આપણા અને વિદેશના મેમેમાં ફરક એટલો જ છે કે તેમના મેમે ખરા અર્થમાં ક્રિયેટિવ હોય છે, જ્યારે આપણે ત્યાં અમુકને બાદ કરતા મોટા ભાગના મેમેમાં સ્તર જળવાતું નથી અને લોકો નિમ્‍ન સ્તરની ભાષા વાપરતા હોય છે.
જો મેમેમાં વ્યંગનો યોગ્ય ઉપયોગ કરાય તો આજના સમયમાં તે વિરોધ કરવાનું અત્યંત અસરકારક માધ્યમ છે. આજે તેના વધારે પડતા ચલણને કારણે પ્લેસ્ટોર પર મેમે બનાવતી કેટલીક એપ પણ છે તો કેટલીક વેબસાઇટ્સ પર પણ આસાનીથી મેમે તૈયાર કરી શકાય છે. તો હવે સેલ્ફી તો આપણે ઘણાં પાડ્યા અને લોકોની લાઇક્સ પણ બહુ લીધી, હવે મેમેનો સમય આવ્યો છે. ચાલો તમે પણ મેમે તૈયાર કરતી એકાદ એપ ડાઉનલોડ કરો અને મેમે તૈયાર કરીને વ્હોટ્સએપ કે ફેસબુક પર ફરતું કરી દો. અલબત્ત શિષ્ટાચારના કેટલાક નિયમો જાળવવાનું ના ભૂલતા! ■

Tuesday, February 25, 2014

નેતાઓનું ડ્રેસિંગઃ ઈમેજ અને ઈમ્પેક્ટનો સવાલ છે!

ગાંધી સાહિત્યનો અભ્યાસ કરનારા કે ગાંધીજી વિશે થોડી ઘણી પણ માહિતી ધરાવનારા લોકોને એટલી માહિતી હશે જ કે ઈંગ્લેન્ડમાં બેરિસ્ટરનું શિક્ષણ લેવા ગયા પછી તેઓ પૂરેપૂરા અંગ્રેજી રંગે રંગાયેલા અને તેઓ અદ્લ અંગ્રેજો જેવા જ કપડાં પહેરવાનો શોખ ધરાવતા હતા. પરંતુ ૧૯૧૪માં ભારત આવ્યા પછી તેમણે દેશની ગરીબી જોઈને અને ગરીબો સાથે આસાનીથી સંવાદ સાધી શકાય એ હેતુથી અંગ્રેજી લિબાસ ફગાવી દઈને શરીર પર નામ માત્ર ખાદીનું ધોતિયું પહેરવાનું શરૂ કર્યું. જોકે આ ૧૯૧૪ની વાત હતી, આજે ૨૦૧૪માં પણ ‘લોકનેતા’ઓ ખાદી પહેરવાનું પસંદ કરે છે. જોકે, સો વર્ષના ગાળામાં ખાદી અપનાવવાના હેતુઓમાં જમીન આસમાનનો ફરક છે. ત્યારે લોકનેતાઓ માટે ખાદી એક ‘વિચાર’ હતો પણ આજના રાજકારણમાં ખાદી એ ‘ઈમેજ’નો વિષય છે. આ ઈમેજ ઊભી કરવા આજના રાજકારણીઓ માટેનું હાથવગું સાધન છે ડ્રેસિંગ સ્ટેટમેન્ટ, જેનો પૂરેપૂરો લાભ લઈને અનેક નેતાઓ પોતાની અલગ ઈમેજ એટલે કે છબિ ઉપસાવવામાં સફળ પણ રહ્યા છે.

આમ તો ડ્રેસિંગ અને સ્ટાઈલ સ્ટેટમેન્ટનો ટ્રેન્ડ દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ જ શરૂ કરી દીધેલો. પચાસના દાયકામાં નહેરુને જોઈને દેશભરના લોકોમાં ‘નહેરુ બંડી’ની ફેશને જોર પકડ્યું હતું અને અનેક રંગીન લોકો એ બંડીમાં ગુલાબ ખોસીને પણ ફરતા થઈ ગયેલા. ત્યાર પછી ઈન્દિરા ગાંધી ખાદીની હેન્ડલુમ સાડી અને હાથમાં ચામડાના પટ્ટાનું ઘડિયાળ લઈને આવ્યા. ઈન્દિરા ગાંધી પછી પણ હેન્ડલુમ સાડીની ફેશન ગાંધી પરિવારની બીજી (સોનિયા ગાંધી) અને ત્રીજી (પ્રિયંકા ગાંધી) પેઢીએ જાળવી રાખી છે. સીધી ચૂંટણી નહીં લડીને માત્ર ચૂંટણી પ્રચાર દરમિયાન જ સક્રિય થઈ જતા પ્રિયંકા ગાંધી તો હજુ પણ પોતાનો દેખાવ પોતાના દાદી જેવો જ રાખવાનો પ્રયત્ન કરે છે. રાજકારણમાં શું રંધાઈ રહ્યું છે એ બાજુએ રાખીને હાલના નેતાઓના ડ્રેસિંગ અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ વિશે થોડું નિરીક્ષણ કરીએ તો આપણે ત્યાં બે પ્રકારના નેતા પ્રવર્તે છે. પહેલો પ્રકાર છે સોફિસ્ટિકેટેડ રહેનારા નેતાઓ કે જેમાં મોદીથી લઈને સોનિયા અને સુષ્મા સ્વરાજથી લઈને સચિન પાઈલટનો સમાવેશ કરી શકાય. તો બીજો વર્ગ છે અત્યંત કાળજીપૂર્વક સાદગીનો ખ્યાલ રાખીને કપડાં કે અન્ય એસેસરીઝનો વપરાશ કરતા નેતાઓનો છે. આ નેતાઓમાં આમ આદમીના લગભગ તમામ નેતા ઉપરાંત કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓને મૂકી શકાય.

 ઘર આંગણેથી શરૂ કરીએ તો નરેન્દ્ર મોદી ૨૦૦૧માં સક્રિય રાજકારણમાં દાખલ થયાં ત્યારપછી તેઓ વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર થયાં ત્યાં સુધીના વર્ષોમાં તેઓ પોતાની સફેદ દાઢીને બાદ કરતા હેરસ્ટાઈલ સહિતના પ્રયોગો કરતા રહ્યાં છે. હવે તો ટૂંકી બાંયના પ્લેન ખાદી કુર્તા અને અને રિમલેસ ચશ્મા પણ દેશમાં ‘મોદી બ્રાન્ડ’ તરીકે ઓળખાય છે. લગભગ સિત્તેરનો દાયકો એવો હતો જ્યારે મોટાભાગના રાજકારણીઓ ખાદીમાં જોવા મળતા. એ સમયે ખાદી અને રાજકારણીઓ એકબીજાના પર્યાય બની ગયેલા. આ જ કારણે આજની તારીખે પણ સ્કૂલોમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હોય ત્યારે બાળકો નેતા બને ત્યારે ખાદીના કપડાં જ ધારણ કરે છે. પણ અત્યારે સચીન પાયલટ, જ્યોતિરાદિત્ય સિંધિયા કે મિલિંદ દેવરા જેવા અનેક યુવા નેતાઓ ખાદીના બદલે લિનનના કુર્તા કે બ્રાન્ડેડ ફેબ્રિકના બંધ ગલા પેટર્નના સૂટ પહેરે છે. વળી, આ બધા યુવા નેતાઓ મોંઘીદાટ ઘડિયાળો, મોંઘી બોલપેનો કે હાથમાં લેટેસ્ટ ગેજેટ્સ સાથે નજરે ચડે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓ ભલે નેતૃત્વ કરવામાં અસફળ હોય પણ તેમની આવી સ્ટાઈલ સ્ટેટમેન્ટથી તેઓ યુવા મતદારોને આકર્ષવાના પ્રયાસ કરે છે.

આદ આદમી પાર્ટીના નેતાઓ તરફ એક નજર કરીએ તો ‘આપ’ના નેતાઓની સાદગીને સિમ્બોલિક સાદગી કહી શકાય. ‘મેં હું આમ આદમી’ અને ‘મુજે ચાહિયે પૂર્ણ સ્વરાજ’ લખેલી ટોપીઓ ઉપરાંત આપના નેતાઓએ આ શિયાળામાં મફલરનો વ્યાપક ઉપયોગ કર્યો છે. ઉત્તર ભારતમાં મફલર ‘ગમછા’ તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ શ્રેષ્ઠી વર્ગથી લઈને આમ આદમી સુધીના સૌ કોઈ કરે છે. અરવિંદ કેજરીવાલ અને ત્યારબાદ શૂટ એન્ડ ટાઈમાં ફરતા પત્રકાર આશુતોષે પણ ગમછાને અપનાવ્યા બાદ આ વર્ષે દેશભરમાં યુવાનો મફલરમાં નજરે ચઢ્યા. પહેરવેશની બાબતે રાજકારણીઓનો એક વર્ગ એવો પણ છે, જે પોતાના પ્રદેશ મુજબના પહેરવેશમાં નજરે ચઢે છે. આ યાદીમાં ભાજપના પ્રવક્તા અને હંમેશા દક્ષિણની કાંજીવરમ સાડીમાં જ નજરે ચઢતા નિર્મલા સિતારામન કે પી. ચિદમ્બરમ કે એ.કે એન્ટની જેવા નેતાઓનો સમાવેશ કરી શકાય છે. કાશ્મીરમાં ફારુક અબદુલ્લા કાશ્મીરી ટોપી પહેરે છે. એવી જ રીતે, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંઘ અને પ્રેમકુમાર ધુમલ જેવા નેતાઓ પહાડી વિસ્તારોમાં પહેરાતી ટોપી પહેરે છે.

વળી, રાજકારણીઓ ચૂંટણી વખતે જે પ્રદેશ કે રાજ્યમાં ચૂંટણીપ્રચાર માટે જાય ત્યાં એ પ્રદેશનો પહેરવેશ ધારણ કરીને સ્થાનિકો સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરે છે. રાજકારણમાં આ ટ્રેન્ડની શરૂઆત ઈન્દિરા ગાંધીએ કરી હતી. અત્યારે આ ટ્રેન્ડ અપનાવવામાં નરેન્દ્ર મોદી અવ્વલ છે. કેમ નહીં? આખરે તેમને આખા દેશના નેતા બનવું છે. ગુજરાત બહાર તો ઠીક પણ તેઓ ગુજરાતમાં પણ સભા સંબોધવા જાય ત્યારે મંચ પર જે તે વિસ્તારની ખાસિયત મુજબના ફેંટા કે હાથમાં કડા કે કોટી પહેરતા હોય છે. સદ્ભાવના મિશન વખતે આ બાબત સૌથી વધુ જોવા મળી હતી. આ વખતે રાજસ્થાનના ચૂંટણી પ્રચાર દરમિયાન વસુંધરા રાજેએ પણ આ નુસખો અજમાવી જોયો હતો. રાજપૂતોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં વસુંધરા રાજે એક રાજપૂતાણીને છાજે એવી રીતે જ લોકો સામે આવે છે. આ ઉપરાંત વિધાનસભા કે લોકસભામાં ચૂંટાતા નેતાઓ શપથગ્રહણ વખતે પોતાના પ્રદેશની ઓળખ સમો પહેરવેશ પહેરીને આવતા હોય છે.

વિશ્વ કે દેશના રાજકારણમાં નેતાઓના આંતરિક વિચારો કેવા છે એની સાથે જ તેમનો બાહ્ય દેખાવ કેવો છે એ પણ ઘણું જ મહત્ત્વનું છે. તેમના કપડાં ઉપરાંત તેમની હેર સ્ટાઈલ કે તેમના હાથમાંનું ઘડિયાળ કે કેટલીકવાર તો ચશ્માની ફ્રેમ પણ જનમાનસમાં તેમની ચોક્કસ ઈમેજ બનાવવામાં મદદરૂપ થતી હોય છે. પશ્ચિમ બંગાળના મમતા બેનરજી કે ગોવાના મનોહર પારિકર જેવા કેટલાક નેતાઓએ સાદગીને અપનાવીને પોતાની આગવી ઈમેજ ઊભી કરી છે. કેટલાક નેતાઓ તો પ્રોફેશનલ ઈમેજ ગુરુની સલાહ મુજબ પોતાની આગવી ઓળખ બનાવતા હોય છે. જોકે, આ ઈમેજ ગુરુઓ બાહ્ય દેખાવ જ નહીં પણ મંત્રીના ભાષણો, પ્રચાર-પ્રસાર વગેરે બાબતમાં સલાહ આપતા હોય છે. આ કારણે જ કેટલાક નેતાઓ જનમાનસમાં પ્રભાવ ઊભો કરવામાં સફળ પણ થયા છે, તો કેટલાકના અખતરા હજુ પણ ચાલુ છે!