Friday, January 9, 2015

ગાંધીએ જોયેલું ભારત અને આજની સ્થિતિ

આજે  ૯મી જાન્યુઆરીએ ભારતના ઈતિહાસની એક મહત્ત્વની તવારીખને સો વર્ષ પૂરા થઈ રહ્યા છે. ૯ જાન્યુઆરી ૧૯૧૫ના દિવસે મુંબઈના એપોલો બંદર ખાતે દક્ષિણ આફ્રિકાથી મોહનદાસ ગાંધી હંમેશ માટે ભારત આવ્યા હતા. બની શકે છે કે આજકાલ દેશમાં ફેલાયેલી ગાંધી વિરોધી હવાને કારણે કેટલાક લોકો આ વાતને મહત્ત્વની ઘટના ન પણ માને. પરંતુ એ વાત નક્કી છે કે એ દિવસ બાદ ૧૯૪૭ સુધીમાં હિન્દુસ્તાનના સદીઓ જૂના રાજકારણ અને સમાજકારણના ઈતિહાસ- ભૂગોળ સમૂળગા બદલાઈ ગયેલા. જહાલવાદીઓ એક વાતનું હંમેશાં રટણ કરે છે કે ગાંધીના સત્યાગ્રહો કે અહિંસક લડાઈઓને કારણે આપણને સ્વતંત્રતા નથી મળી. એ વાતમાં તથ્ય હોઈ પણ શકે છે કારણ કે વર્ષ ૧૯૧૫ પહેલા અને ત્યાર પછી પણ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અનેક લોકોએ અંગ્રેજી હકુમત સામે બાથ ભીડી હતી. પણ એ વાતનો અસ્વીકાર પણ ન કરી શકાય કે ગાંધીજીના ભારત આવ્યાં પછી દેશમાં એક નવી ચેતનાનો સંચાર થયો અને જાત-ધર્મના કાવાદાવાઓમાં ખૂંપીને ખૂંવાર થઈ ગયેલા ભારતના કરોડો લોકો આઝાદીની ઝંખના કરતા થયાં.

વર્ષ ૧૯૧૫ પહેલા ગાંધીજી અનેક વખત ભારત આવ્યાં અને ભારત આવીને ઠરીઠામ થવાની ઝંખના પણ વર્ષોથી કરતા રહ્યા પરંતુ દક્ષિણ આફ્રિકાના હિન્દુસ્તાનીઓ અને તેમના પ્રશ્નો ગાંધીજીને ભારત આવવા દેતાં ન હતા. આ વખતે ગાંધીને ભારત આવવામાં સફળતા મળી એ પાછળનું  એક કારણ તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા, જેઓ વર્ષ ૧૯૧૨થી ગાંધીજીને ભારત આવીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવવાની સલાહ આપી રહ્યા હતા. ગોખલેએ ગાંધીને બીજી પણ એક મહત્ત્વની સલાહ આપેલી કે ભારત આવ્યાં બાદ ગાંધીએ એક વર્ષ સુધી ભારતના કોઈ પણ રાજકીય-સામાજિક પ્રશ્નોમાં કૂદી પડવું નહીં અને એક વર્ષ સુધી દેશ અને દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિનો અનુભવ કરીને ભારતનો અભ્યાસ કરવો. ગોખલેની સલાહ મુજબ ગાંધીએ એક વર્ષ સુધી ભારતને જાણવાનું-અનુભવવાનું નક્કી કર્યું, જેથી દેશના છેવાડાના માણસના જીવન અને તેની વિટંબણાઓ અનુભવી શકાય. આ માટે તેમણે દેશના વિવિધ શહેરોમાં ફરીને ભારતભ્રમણ કરવાનું નક્કી કર્યું. ભારતયાત્રા દરમિયાન ગાંધી કાઠિયાવાડથી લઈને અમદાવાદ, પૂણે, કોલકાતા, વારાણસી, હરિદ્વાર અને મદ્રાસ જેવા શહેરોમાં રહ્યા. ત્યાં ફર્યા, કેટલાક લોકોને મળ્યાં અને તેમણે જાતજાતના અનુભવો લીધા!

ગાંધીએ ભારત આવ્યાં બાદ શું શું કર્યું એ વિશેની વાતો અહીં અસ્થાને છે. આપણે માત્ર એક વર્ષ દરમિયાન ગાંધીના ભારતભ્રમણ અને એ ભ્રમણ દરમિયાન ગાંધીએ જોયેલા ભારત વિશે વાતો કરીશું. જાન્યુઆરી ૧૯૧૫માં ગાંધી પોતાની યાત્રા શરૂ કરે એ પહેલા મુંબઈથી પૂણે જાય છે અને ત્યાં ગોપાલકૃષ્ણ ગોખલેને મળીને કાઠિયાવાડ તરફ રવાના થાય છે. અહીં નોંધવું રહ્યું કે પોતાની જાતને બૌદ્ધિકમાં ખપાવવાની મથામણ કરતા આજના કેટલાક ધવલકેશી સામાજિક ચિંતકોની જેમ એસી ચેમ્બરમાં બેસીને ઝુંપડપટ્ટીમાં વસતા લોકોનું જીવન ઉપર લાવવાની ચિંતામાં ગળાડૂબ રહેવા કરતા ગાંધીએ છેવાડાના માણસની પીડા જાણવા બિલકુલ એમના જેવું જીવન જીવવાનું પસંદ કરી રેલવેના થર્ડ ક્લાસમાં મુસાફરીઓ કરવાનું શરૂ કર્યું.

ચિક્કાર માણસોથી ખદબદતા રેલવેના થર્ડ ક્લાસની અનેક મુસાફરીઓ દરમિયાન તેમણે નોંધ્યું છે કે અંગ્રેજી અમલદારોની હેરાનગતિ ઉપરાંત ભારતના લોકો પણ ઓછા ઊતરે એવા નથી. થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા મુસાફરો અન્ય મુસાફરો સાથે ઉદ્ધતાઈથી વર્તે છે અને માત્ર પોતાનો જ સ્વાર્થ શોધે છે. આ ઉપરાંત તેમણે એમ પણ નોંધ્યું છે કે તમાકુ ખાઈને લોકો ડબ્બામાં કે બારીમાંથી ગમે ત્યાં થૂકે છે અને તેમની આસપાસ ગંદકી પોષે છે! આજે સો વર્ષ પછી થર્ડ ક્લાસના ડબ્બાને અનારક્ષિત જેવું અલંકૃત નામ ભલે મળ્યું હોય પરંતુ રેલવેના જનરલ ડબ્બા કે રેલવે પ્લેટફોર્મની પરિસ્થિતિ ગંદકીની બાબતે હજુ પણ એવી જ છે. અને રેલવેમાં જ શું કામ દેશમાં અત્ર-તત્ર-સર્વત્ર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે, જેના માટે વિવિધ સરકારોની સાથે નાગરિક તરીકે આપણે પણ એટલા જ જવાબદાર છીએ. પરંતુ આપણી તકલીફ એ છે કે આપણે ક્યારેય કશું સ્વીકારવું નથી અને સ્વચ્છતા સંબંધિત તમામ જવાબદારીઓ સરકારને માથે થોપીને છૂટી જવું છે!

વર્ષ ૧૯૧૪માં મોહનદાસ ગાંધી અને કસ્તુરબા
કાઠિયાવાડમાં થોડા દિવસના રોકાણ બાદ ગાંધીજી શાંતિનિકેતન તરફ રવાના થાય છે. દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમના કેટલાક અંતેવાસીઓ પણ ગાંધીજી સાથે ભારત આવી ગયા હતા, જે બધાને મગનલાલ ગાંધી સાથે બંગાળમાં શાંતિનિકેતનમાં રાખવામાં આવ્યાં હતા. ગાંધીજી જ્યારે શાંતિનિકેતન પહોંચ્યાં ત્યારે કવિવર પ્રવાસે હતા એટલે ત્યારે ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરની મુલાકાત થઈ શકી ન હતી. પરંતુ કવિવર સી. એફ. એન્ડ્રુઝ સાથે પત્રોના માધ્યમથી ગાંધીજીના પહોંચ્યાંના સમાચાર મેળવતા રહેતા. સી. એફ. એન્ડ્રુઝને લખાયેલા આવા જ એક પત્રમાં ટાગોરે પહેલી વખત ગાંધીજી માટે મહાત્માનું સંબોધન કરીને વર્ષ ૧૯૧૫થી જ ગાંધીજીને મહાત્મા કહેવાનો ચીલો પણ ચાતરેલો!

શાંતિનિકેતનની એ મુલાકાત દરમિયાન ગાંધીજી પહેલવહેલી વાર કાકા કાલેલકરને મળ્યાં હતા, જેમનો સંગાથ પછી તેમને આજીવન સાંપડ્યો હતો. જોકે શાંતિનિકેતન પહોંચ્યાને તેમને માંડ ત્રણ-ચાર દિવસ થયાં ત્યાં તેમના નામે એક ભૂંડા સમાચાર આપતો તાર આવ્યો, જેમાં ગોખલેના અવસાનના સમાચાર આપવામાં આવ્યાં હતા. આ કારણે તેઓ ગોખલેને શ્રદ્ધાંજલિ આપવા ફરી પૂણે જવા રવાના થયાં, જે યાત્રા દરમિયાન પણ તેમણે ભારત અને ભારતમાં વસતા સામાન્યજનનો અભ્યાસ ચાલુ રાખ્યો! ગોખલેની સલાહથી ભારત આવેલા ગાંધીજીને સ્વદેશ આવીને હજુ માંડ મહિનો પણ નહીં થયો ત્યાં ગોખલેનું અવસાન થયાના સમાચાર ગાંધીને હચમચાવી જાય એ સ્વાભાવિક છે પરંતુ એ જ ગાંધી સ્થિતપ્રજ્ઞના લક્ષણોથી સુપેરે પરિચિત હતા એટલે શોકમગ્ન થઈને નાહક સમય વેડફવા કરતા તેઓ ફરીથી કામે વળગ્યાં અને કોલકતાની ટ્રેન પકડી ફરી શાંતિનિકેતન પહોંચ્યાં.

એ દિવસ હતો ૬ માર્ચ ૧૯૧૫નો જ્યારે કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીની શાંતિનિકેતનમાં મુલાકાત થાય છે. આ દિવસે ગાંધીજી શાંતિનિકેતનના વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરે છે. આ વાતચીતમાં ગાંધીજીએ વિદ્યાર્થીઓએ પણ પાયખાનાની સ્વચ્છતામાં યોગદાન આપવું જોઈએ એવું મંતવ્ય રજૂ કર્યું હતું. જોકે એ બાબતે ટાગોરનું માનવું એમ હતું કે વિદ્યાર્થીઓની સૌથી પહેલી જવાબદારી ભણતર જ હોવી જોઈએ! એક રીતે જોવા જઈએ તો આ કિસ્સામાં ગાંધી અને ટાગોર એકમત નથી થતાં. પરંતુ આ બંને હસ્તીઓએ તેમના અહંને આડે આવવા નથી દીધો અને મતભેદને કારણે મનભેદ ન થવો જોઈએ એનું ઉદાહરણ પૂરું પાડ્યું.

માર્ચ ૧૯૧૫માં વારાણસી થઈ હરિદ્વારમાં યોજાઈ રહેલા કુંભમેળામાં જવાનું આયોજન કરે છે. વચ્ચે તેઓ રંગુનની પણ એક મુલાકાત લઈ આવે છે. માર્ચ પછીનું ગાંધીનું ભારત ભ્રમણ ધર્મ વિશેના તેમના ખ્યાલો પર વધુ પ્રકાશ પાડે છે. વારાણસીના વિશ્વનાથ મંદિર અને હરિદ્વારના કુંભની મુલાકાતોના અનુભવ વિશે ગાંધીએ તેમની આત્મકથામાં સ્પષ્ટ શબ્દોમાં જે વર્ણન કર્યું છે એ પરથી એવું કહી શકાય કે જો ‘સત્યના પ્રયોગો’ હમણાના વર્ષોમાં પ્રકાશિત થઈ હોત અને ગાંધીજી હજુ જીવિત હોત તો તસ્લીમા નસરીન કે સલમાન રશ્દીની માફક તેમણે પણ દેશવટો ભોગવવો પડ્યો હોત. અને બહું નહીં તો સિક્કાની બીજી બાજુનો ક્યારેય વિચાર નહીં કરતા જડ અંતિમવાદીઓ અને ધર્મનો વેપાર કરતા લોકોએ ગાંધી વિરુદ્ધ સરઘસો કાઢીને ફેસબુક, ટ્વિટર પર #boycot_ghandhiનું ટ્રેન્ડિંગ તો જરૂર કર્યું હોત!
દક્ષિણ આફ્રિકામાં ગોપાલકૃષ્ણ ગોખલે સાથે ગાંધી

વર્ષ ૧૯૧૫માં હરિદ્વારમાં કુંભમેળો ભરાયો હતો છતાં એમને ત્યાં જઈને ગંગા સ્નાન કરવાની બહું અબળખા ન હતી. તેઓ હરિદ્વાર માત્ર મુનશીરામજી મહારાજને મળવા જ ગયા હતા. હરિદ્વાર પહોંચીને તેમણે ત્યાંની એકએક ગલીઓમાં ભ્રમણ શરૂ કર્યું અને કોઈ સંશોધકની છટાથી લોકોની ધર્મભાવનાનો અભ્યાસ કરવા લાગ્યાં. હરિદ્વારની રખડપટ્ટી વિશે તેમણે આત્મકથામાં નોંધ્યું છે એ મુજબ તેમને કુંભમેળામાં લોકોની ધર્મભાવના કરતા તેમનું બેબાકળાપણું, તેમની ચંચળતા, પાખંડ અને અવ્યવસ્થા વધુ જોવા મળી. સાધુઓ માટે તો એમણે ત્યાં સુધી લખ્યું છે કે આ સાધુઓનો જન્મ માત્ર માલપૂડા અને ખીર ખાવા જ થયો હોય એવું એમને લાગે છે! ગાંધીજીને અમુક સાધુઓ અને કહેવાતા ધર્મરક્ષકો દ્વારા ચલાવાતા પાખંડોની  અત્યંત ચીડ હતી. સાથે જ એ વાતનું દુખ પણ હતું કે આવા મુઠ્ઠીભર પાખંડીઓ સત્તર લાખ લોકોની શ્રદ્ધા સાથે ખેલ ખેલી રહ્યા છે. ધર્મને નામે પાખંડ આજે પણ આપણે ત્યાં હાજરાહજુર છે અને અનેક હાઈપ્રોફાઈલ બાવાઓ સ્ત્રીઓના શિયળ લૂંટવાના કે અન્ય કોઈ આરોપસર કેટલાક વર્ષોથી જેલવાસ ભોગવી રહ્યા છે. તો કેટલાક તેમની રાજકીય વગનો લાભ લઈને છૂટા ફરે છે.

વર્ષ ૧૯૧૫ની યાત્રાના અનુભવ બાદ ગાંધી ધર્મોની વિશિષ્ટ ઓળખ આપતી કેટલીક બાહ્ય બાબતો વિશે પણ ખૂલીને લખે છે. હરિદ્વારથી તેઓ લક્ષમણ ઝુલા જોવા ૠષિકેશ જાય છે અને અહીં જનોઈ પહેરવાની બાબતે તેઓ એક સાધુ સાથે દલીલ પર ઊતરી જાય છે. સાધુ ગાંધીજીને એમ કહેવા મથે છે કે હિન્દુ તરીકે તેમણે જનોઈ પહેરવી જરૂરી છે. પરંતુ ગાંધીજીને ગળે એ દલીલ નથી ઉતરતી કે જ્યારે હિન્દુ ધર્મના અન્ય વર્ણના લોકો જનોઈ ન પહેરવા છતાં હિન્દુ તરીકે ઓળખાય છે તો તેમણે હિન્દુ તરીકે ઓળખાવા જનોઈ શું કામ પહેરવી? અહીં ગાંધીજી આપણા સમાજમાં પ્રવર્તમાન વર્ણવ્યસ્થા તરફ આંગણી ચીંધી રહ્યા છે.ગાંધી અને ટાગોર એક સભામાં

હરિદ્વારથી તેઓ મદ્રાસ (ચેન્નઈ) માટે રવાના થાય છે અને ભારતના ઉત્તર છેડાથી છેક દક્ષિણ છેડા સુધીની યાત્રા કરીને ૧૭મી એપ્રિલે મદ્રાસ પહોંચે છે. મદ્રાસમાં તેઓ સામાન્ય લોકોને મળીને દક્ષિણ ભારતના પ્રશ્નો અને ત્યાંની મુશ્કેલીઓ જાણવાનો પ્રયત્ન કરે છે. અહીંથી ગાંધી બેંગ્લુરુ થઈને  ૧૧મી મેના રોજ અમદાવાદ પહોંચે છે અને ત્યાં કોચરબમાં તેમના પહેલા આશ્રમની સ્થાપના કરે છે. ગાંધીની યાત્રા અહીં જ અટકતી નથી, અહીં પછી પણ આ યાત્રા ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ સુધી અવિરત ચાલતી જ રહે છે. પરંતુ ૧૯૧૫ના વર્ષ દરમિયાન ગાંધીએ જે અનુભવ લીધા એ અનુભવો ઘણા મહત્ત્વના હતા કારણ કે એમાં જ ગાંધીના ભવિષ્યના સત્યાગ્રહો અને આંદોલનોનો ગર્ભ બંધાયો હતો. સ્વદેશી આંદોલન હોય કે અસહકારની ચળવળ હોય, એ તમામ ચળવળોના મૂળિયાં આ એક વર્ષના પ્રવાસમાં જ ક્યાંક જોડાયેલા છે. ગાંધી કેટલા યોગ્ય હતા કે આજે તેઓ કેટલા પ્રસ્તુત છે એ બીજી ચર્ચાનો વિષય છે પરંતુ ગાંધી ભારતના ઈતિહાસનું એક અભિન્ન અને ક્યારેય અવગણી નહીં શકાય એવું અંગ છે એનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. ■

No comments:

Post a Comment