Saturday, August 3, 2013

રીઅલ ‘સુપર કોપ’: જુલિયો રિબેરો

૧૯૫૩ની સાલમાં મૂળ ગોવાનો એક યુવાન કોઇપણ જાતનાં આયોજન વિના આઇપીએસની પરીક્ષા આપે છે અને જોગાનુજોગ તે યુવાન એ વર્ષની પરીક્ષામાં ઘણાં ઊંચા ગુણ મેળવીને આઇપીએસની પરીક્ષા પાસ કરે છે. ગોવાના એ યુવાને આઇપીએસ બનવા માટેનાં ભલે કોઇ આયોજન નહીં કર્યા હોય, પરંતુ તેની નિયતિએ તેનાં માટે મોટા-મોટા આયોજનો કર્યા હતા. તેના સમગ્ર કાર્યકાળ દરમિયાન તે યુવાનના માટે મોટી મોટી જવાબદારીઓ આવે છે. તેના માથે આવેલી તમામ જવાબદારીઓને તે વારાફરતી ચેકમેટ આપે છે અને દેશનાં અનેક યુવાનોનો ‘રીઅલ હીરો’ બને છે. આજે ભારતભરમાં લોકો તેને ‘સુપર કોપ’નાં નામે ઓળખે છે. આ રીઅલ ‘સુપર કોપ’નું રીઅલ નામ છે જુલિયો રિબેરો!

૧૯૨૯માં જન્મેલાં જુલિયો રિબેરોને બાળપણથી જ સમાજસેવા સાથે જ ઊંડો અનુબંધ હતો. ૧૯૫૩માં આઇપીએસ બન્યા પછી રિબેરોએ સતત અને હંમેશાં મોટા સંઘર્ષો અને ઘર્ષણોનો સામનો કરવો પડયો. તેમનાં કાર્યકાળ દરમિયાન તેમણે ક્યારેક અંધારી આલમ સાથે લડવું પડ્યું તો ક્યારેક રમખાણોનાં કપરા કાળમાં સંઘર્ષ કરવો પડયો અને આ બધાની સાથોસાથ પોતાની વફાદારી, સત્યપ્રિયતા અને સિદ્ધાંતોને કારણે વારંવાર સહકર્મીઓ અને રાજકારણીઓ સાથે વિખવાદ થયાં એ વધારાના. તેમની કારકિર્દીનાં ઉત્તમ કામોમાં તેમના મુંબઇનાં કમિશનર પદ અને પંજાબનાં ડીજીપીનાં પદ દરમિયાન કરેલાં કાર્યોને લેખવામાં આવે છે.

રિબેરોનાં મુંબઇનાં કાર્યકાળ તરફ નજર નાંખીએ તો રિબેરો ૧૯૮૨ થી ૧૯૮૫ દરમિયાન મુંબઇ ખાતે પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી હતી. એ સમયે મુંબઇમાં ગલીએ ગલીએ ભાઇઓ(ગુંડાઓ) ફૂટી નીકળ્યા હતા અને અંધારી આલમે ભારે માઝા મૂકી હતી. જુલિયો રિબેરોએ પદ ઉપર આવતાં જ અંધારી આલમ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પોતાનાં સમગ્ર કાર્યકાળ દરમિયાન તેમની સાથે સીધા જંગમાં ઊતરીને મુંબઇના માથેથી અંધારી આલમનાં કાળા વાદળો દૂર કર્યાં. તેમનાં મુંબઇનાં કાર્યકાળ દરમિયાન જ ભારતભરમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોની ચિનગારી મુંબઇ સુધી પહોંચી હતી, પરંતુ રિબેરોએ રમખાણોનાં કપરા સમયમાં અત્યંત મહત્ત્વની કામગીરી નિભાવીને મુંબઇને મોટી ખુવારીમાંથી બચાવ્યું હતું.

૧૯૮૦નાં દાયકામાં પંજાબમાં જ્યારે આતંકવાદ તેની ચરમસીમાએ હતો, ત્યારે રિબેરોને ત્યાં ડીજીપી તરીકે નિયુક્ત કરાયા હતા. શીખ આતંકવાદીઓની સામે લડત આપવા માટે રિબેરોએ તેમની પોલીસ ફોજને ‘ગોળીની સામે ગોળી’ના આદેશ આપ્યાં હતાં. શીખ ઉગ્રવાદીઓની સામે કડક વલણ દાખવવાને કારણે જ શીખ ઉગ્રવાદીઓની આંખમાં ખૂંચતા રિબેરો ઉપર બે વખત જીવલેણ હુમલાઓ થયાં હતાં. રિબેરો ઉપરનો પહેલો હુમલો ૧૯૮૬નાં ઓક્ટોબરમાં તેમનાં પંજાબનાં કાર્યકાળ દરમિયાન થયો હતો, જ્યારે બીજો હુમલો ૧૯૯૧નાં ઓગસ્ટમાં રોમાનિયાનાં બુકારેસ્ટ ખાતે થયો હતો. તેમની ઊપર થયેલા બીજા હુમલા દરમિયાન રિબેરો ભારતનાં રોમાનિયા ખાતેનાં રાજદૂત હતા.

પોલીસ વડા તરીકેની ફરજ ઉપરાંત રિબેરોએ પંજાબનાં રાજ્યપાલનાં સલાહકાર તરીકેની તેમજ ભારત સરકારનાં ગૃહમંત્રાલયમાં સ્પેશિયલ સેક્રેટરીની જવાબદારીઓ પણ નિભાવી હતી. ૧૯૮૭માં તેમની સેવાઓ માટે ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમની વ્યવહારિક કુનેહને કારણે રિબેરોને ગુજરાતમાં કોમી તોફાનોને ડામવા માટે બોલાવાયા હતા અને ડીજીપી તરીકે સફળ ભૂમિકા ભજવી હતી. તેમણે પોતાનાં જીવન અને તમામ કાર્યોને આવરી લેતી ‘બુલેટ ફોર બુલેટઃ માય લાઇફ એઝ અ પોલીસ ઓફિસર’ નામની આત્મકથા લખી છે. હાલમાં તેઓ મુંબઇમાં નિવૃત્ત પરંતુ પ્રવૃતિઓથી ભરપૂર જીવન ગુજારે છે. નિવૃત્તિ બાદ તેઓ સમાજને ઉપયોગી થઇ રહે એ માટે એક એનજીઓની સ્થાપના કરીને તેઓ સમાજસેવાનાં વિવિધ કાર્યો કરી રહ્યાં છે. પોતાના કામને કારણે જુલિયો રિબેરો અત્યંત થ્રિલિંગ લાઇફ જીવ્યા.

બે-બે વખત જીવલેણ હુમલાઓ થયાં હોવા છતાં તેમજ પોતાનાં સિદ્ધાંતો અને સત્યપ્રિયતાને કારણે કેટલાંક સાથીઓ અને રાજકારણીઓનાં અળખામણા બન્યા છતાં પણ જુલિયો રિબેરોએ પોતાનાં સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ કરી હોય એવો એક પણ દાખલો બન્યો નથી. તેમનાં નિર્ભિક અને કર્તવ્યનિષ્ઠ  કાર્યોને કારણે નવી પેઢી જુલિયો રિબેરોને હંમેશાં રીઅલ હીરો તરીકે ઓળખશે એ વાતમાં કોઇ જ બે મત નથી.

Thursday, August 1, 2013

પરદેશી પંખીનો ભારતીય ટહુકો

ઝુમ્પા લાહિરી
હમણાં થોડાં દિવસો પહેલાં જ સાહિત્ય જગતનું ઘણું મોટુ ઇનામ ગણાતા મેન બુકર પ્રાઇઝની ૨૦૧૩ માટેની અંતિમ યાદીની જાહેરાત કરવામાં આવી. બુકર પ્રાઇઝની આ યાદીમાં કુલ ૧૩ નવલકથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તેર નવલકથાઓમાંની એક નવલકથા છે ‘ધ લોલેન્ડ’, જેનાં માટે હાલમાં સાહિત્ય જગતમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ પુસ્તક અન્ય બાર પુસ્તકો ઉપર ભારે પડશે. આપણાં માટે હરખાવા જેવી વાત એ છે કે આ નવલકથાનાં લેખિકા ભારતીય મૂળનાં છે અને તેમનું નામ છે ઝુમ્પા લાહિરી! અગાઉ પુલિત્ઝર એવોર્ડ મેળવી ચૂકેલાં ઝુમ્પાના દરેક પુસ્તકમાં એવા ભારતીયોની વાત હોય છે, જે વિશ્વ માનવીની જેમ વિચારવા અને જીવવા ટેવાયેલા હોય છે પણ તેમની ઊંડી લાગણીઓના મૂળિયા હંમેશા ભારત સાથે જોડાયેલા રહે છે. પોતાનું વતન છોડીને વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોની સંવેદના, મૂંઝવણોની ધારદાર અભિવ્યક્તિ એ ઝુમ્પાનું સૌથી મોટું જમા પાસું છે.

ઝુમ્પા લાહેરીનો જન્મ ૧૯૬૭માં લંડન ખાતે થયો હતો. મૂળ બંગાળી એવા તેમનાં પિતાએ ઝુમ્પા ત્રણ વર્ષની હતી ત્યારે અમેરિકા જઇને વસવાટ કરવાનું નક્કી કર્યુ. અમેરિકામાં જ ઉછરેલી અને ભણી-ગણીને મોટી થયેલી ઝુમ્પાનાં લેખનમાં સતત ભારત અને ભારતીયો પ્રત્યેની સંવેદના ડોકિયુ કરતી રહી એની પાછળનું મુખ્ય કારણ ઝુમ્પાની મા છે. કારણકે તેમનાં  મા ઝુમ્પા ભારત અને બંગાળનાં સાંસ્કૃતિક વારસાથી અને આપણાં મૂલ્યોથી પરિચિત થાય અને અમેરિકાનાં ઉછરી રહેલી ઝુમ્પા અમેરિકાનાં ઉડાઉ કલ્ચરમાં અટવાઇ નહીં જાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતાં. અંગ્રેજી સાહિત્યમાં બી.એ અને ત્યાર બાદ ક્રિએટીવ રાઈટિંગ અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ અને બાદમાં પીએચ.ડી કરી ચૂકેલી ઝુમ્પા હાલમાં તેનાં મૂળ અમેરિકન પતિ અને બે બાળકો સાથે અમેરિકામાં રહે છે.
તેમણે સાહિત્ય સર્જનનાં ક્ષેત્રમાં ૧૯૯૯ની સાલમાં તેમનાં વાર્તા સંગ્રહ ‘ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝ’થી દસ્તક દીધા. શરૂઆતમાં તેમનાં આ વાર્તા સંગ્રહ માટે વિવિધ પ્રકાશકોએ નનૈયો ભણ્યો હતો. પરંતુ આખરે ૧૯૯૯માં એક પ્રકાશકે તેમનો આ વાર્તા સંગ્રહ પ્રકાશિત કર્યો. ‘ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝ’માં કુલ નવ વાર્તાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ તમામ વાર્તાઓમાં ભારતમાંના અને ભારત છોડીને વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોની મનોવેદના ઝીલવામાં આવી છે.

ઝુમ્પાની 'ધ નેમશેઇક'
તેમણે વાર્તાસંગ્રહની નવ વાર્તાઓમાં ભારત બહાર વસેલા ભારતીયોની ભૂંસાઇ જતી ઓળખ, વિદેશમાં સ્થળાંતર દરમિયાન અને બાદમાં ઉદભવતી મુશ્કેલીઓ અને સાંસ્કૃતિક તફાવતો જેવાં વિષયોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તમામ વાર્તાઓમાં તેમણે વિદેશમાં સ્થાયી થયેલી પહેલી પેઢીની બીજી પેઢી માટેની ચિંતાઓને વાચા આપવાનો પ્રયત્ન કર્યો હતો.

‘ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝ’ પ્રકાશિત થયાનાં બીજા જ વર્ષે એટલે કે ૨૦૦૦ની સાલમાં તેને ફિકશન માટેનું પુલિત્ઝર પ્રાઇઝ એનાયત થયુ હતું. અમેરિકા અને અમેરિકા બહાર આ પુસ્તકની કુલ ૧૫ મિલિયન કોપીઓ વેચાઇ હતી. અમેરિકાનાં વિવેચકોએ ઝુમ્પાનાં આ વાર્તા સંગ્રહનાં ખોબલે ખોબલે વખાણ કર્યા હતાં. જોકે ભારતમાં તેનાં પુસ્તકને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યા હતાં.

‘ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝ’ પછી ૨૦૦૩માં ઝુમ્પાએ તેમની પહેલી નવલકથા ‘ધ નેમશેઇક’ આપી હતી. ‘ધ નેમશેઇક’ માં પણ તેમનાં આગલા વાર્તાસંગ્રહની જેમજ કલકત્તાથી બોસ્ટન જઇને વસેલા એક ભારતીય પરિવારની વાત કરવામાં આવી છે. ‘ધ નેમશેઇક’નાં પ્રારંભિક તબક્કામાં  અમેરિકા આવીને વસેલા અશોક અને અસિમાને નવા માહોલ અને નવી સંસ્કૃતિને સ્વીકારતા અને તેમાં ઢળી જતા પડતી તકલીફોની વાત છે તો પાછળનાં ભાગમાં તેમનાં સંતાનોનો ભારતીય મૂલ્યોથી ઉછેર કરવાની તેમની ઝંખના અને અમેરિકામાં ઉછરેલા અને ભારતીય સંસ્કૃતિથી અજાણ તેમના સંતાનો સાથેનાં મતભેદોની વાત છે. શરૂઆતમાં ‘ધ નેમશેઇક’ અમેરિકાનાં પ્રતિષ્ઠિત સામયિક ‘ધ ન્યૂયોર્કર’માં લધુનવલનાં સ્વરૂપે છપાઇ હતી. પરંતુ બાદમાં ઝુમ્પાએ તેમાં થોડાં સુધારાઓ કરી તેને નવલકથાનાં સ્વરૂપે પ્રકટ કરી હતી. પાછળથી આ નવલકથા ઉપરથી મીરા નાયરે ‘ધ નેમશેઇક’ નામની જ ફિલ્મ બનાવી હતી.
‘ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝ’ અને ‘ધ નેમશેઇક’માં ઝુમ્પાએ અમેરિકા અથવા વિદેશમાં અન્ય કોઇ દેશમાં જઇને વસેલી પહેલી પેઢીનાં વિસ્થાપન દરમિયાનનાં પ્રશ્નો અને વસવાટકાળની મુશ્કેલીઓની વાતનું આલેખન કર્યુ છે. તો ૨૦૦૮માં ઝુમ્પા ફરી એક ‘અનએકસ્ટમ્ડ અર્થ’ નામનો વાર્તા સંગ્રહ લઇને આવે છે, જેમાં ઝુમ્પાએ અમેરિકામાં જઇને વસેલા ભારતીયોની બીજી અને ત્રીજી પેઢી ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. તેમનાં  આ વાર્તા સંગ્રહમાં કુલ આઠ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘અનએકસ્ટમ્ડ અર્થ’ માં ભારતીય મા-બાપ અને અમેરિકાનાં તેમનાં મિત્રો વચ્ચે ઝોલા ખાતી અને બીજી પેઢીની વાત કરવામાં આવી છે. આ વાર્તા સંગ્રહનાં પાત્રો ઝુમ્પાનાં અન્ય પાત્રોની જેમ મૂલ્યોનું સ્થાપન અને તેની માવજત અંગેની વાતો નથી કરતા. અહીં તમામ પાત્રો તેમનાં મા-બાપનાં સંસ્કારો અને ભારતીય ઢભનાં ઉછેરની જીદ વચ્ચે તેમનાં વિવિધ સંબંધોનાં માપદંડ, પ્રેમ અને કરિયર અંગેની માથાકૂટમાં પડ્યા છે.

હાલમાં બુકર માટે નોમિનેટ થયેલું ઝુમ્પાનું પુસ્તક
તો આ વર્ષનાં બુકરપ્રાઇઝ માટે નામાંકિત થયેલી ઝુમ્પાની નવી નવલકથા ‘ધ લોલેન્ડ’માં પણ તેમણે ભારતીય પાત્રોને અને તેમનાં સંઘર્ષને વણી લેતી કથા આલેખી છે. ‘ધ લોલેન્ડ’માં પણ ઝુમ્પાનાં પાત્રો ભારત અને અમેરિકા વચ્ચે ઝોલા ખાય છે. તેમની આ નવલકથામાં ઉદયન અને સુભાષ નામનાં બે ભાઇઓની વાત છે જેઓ લગભગ એક સરખા દેખાઇ છે. કલકત્તામાં તેમનાં બાળપણનાં દિવસોમાં કેટલાય લોકો તેમને ઓળખવામાં ગોથું ખાઇ જતાં. પરંતુ આ બંને ભાઇઓનાં દેખાવમાં જેટલી સામ્યતા હતી એટલી સામ્યતા તેમનાં ભવિષ્યમાં નથી. ૧૯૬૦નાં સમયગાળામાં ઉદયન નકલવાદી પ્રવૃતિઓ સાથે સંકળાય છે તો સુભાષ તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અમેરિકાની વાટ પકડે છે. બદલાતા સમય સાથે બંને ભાઇઓનાં નસીબ પણ બદલાય છે અને એ સમયે બંને ભાઇઓ સિક્કાની બે બાજુ બની જાય છે. આમ બે ભાઇઓનાં જુદાં નસીબ અને તેમની ટ્રેજેડીઓ સાથે ઝુમ્પાએ ‘ધ લોલેન્ડ’માં ૧૯૬૦નાં દશકના ભારત અને ભારતની પરિસ્થિતિઓનું અદભુત વર્ણન કર્યુ છે.
તેમનાં પહેલા પુસ્તકથી જ ઝુમ્પા વાચકો અને વિવેચકોનું ધ્યાન તેમની તરફ દોરવામાં સફળ રહ્યાં હતાં. અમેરિકામાં કેટલાંક વિવેચકોને તેમની લેખનશૈલીમાં અનિતા દેસાઇનો પડઘો પડતો જણાય છે. જોકે ભારતનાં કેટલાક વિવેચકો ઝુમ્પાનાં સાહિત્યનું મૂલ્યાંકન કંઇક અલગ રીતે કરે છે. તેઓ ઝુમ્પાની વાર્તાઓ વિશે એમ માને છે કે તેમની વાર્તાઓમાં ભારતીયતાનું  ચિત્રણ નકારાત્મક રીતે કરવામાં આવે છે. બાકી, વિવેચકોનાં મતને બાજુએ રાખીએ તો ભારતનાં વાચકોએ ઝુમ્પાની વાર્તાઓને ઘણાં પ્રેમથી આવકારી છે.


બુકર પ્રાઇઝ અને ભારતીયો


બુકર પ્રાઇઝને સાહિત્ય જગતનું ઘણું મોટુ ઇનામ ગણવામાં આવે છે. ૧૯૬૯થી દર વર્ષે એનાયત થતું આ માનવંતુ પુરસ્કાર હમણાં સુધીમાં છ મૂળ ભારતીયોને એનાયત થયો છે. બુકર પ્રાઇઝ વિજેતા ભારતીયોની આ યાદીમાં વી.એસ.નયપોલ, રૂથ પ્રાવર ઝાબવાલા, સલમાન રશ્દી, અરુંધતી રોય, કિરણ દેસાઇ અને અરવિંદ અડિગાનો સમાવેશ થાય છે. જોકે વી.એસ નયપોલ અને રૂથ પ્રાવર ઝાબવાલાને ભારતીય ગણવા કે નહીં એ અંગે વારંવાર ચર્ચાઓ થઇ છે. સલમાન રશ્દીને ૧૯૮૧માં તેમનાં પુસ્તક ‘મિડનાઇટ્સ ચીલ્ડ્રન’ માટે બુકર પ્રાઇઝ એનાયત થયું હતું જ્યારે બાકીનાં ત્રણ લેખકોનાં બુકર પ્રાઇઝ માટે એક અજબ જોગાનુજોગ સર્જાયો છે. અરુંધતી રોયને ૧૯૯૭માં તેમનાં પુસ્તક ‘ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ’ માટે, ૨૦૦૬માં કિરણ દેસાઇને ‘ધ ઇનહેરિટ્ન્સ ઓફ લોસ’ માટે અને અરવિંદ અડિગાને ૨૦૦૮માં ‘ધ વ્હાઇટ ટાઇગર’ માટે બુકર પ્રાઇઝ એનાયત થયું હતું. આ ત્રણેય વાર્તાકારોનાં કિસ્સામાં એવું બન્યુ છે કે આ ત્રણેયનાં પ્રથમ પુસ્તકો બુકર પ્રાઇઝ જીતવામાં સફળ રહ્યાં હતાં. 

Friday, July 26, 2013

મન્ટો આપણી રંગભૂમિ પર

‘મેરી કહાનીઓ કી હિરોઈન ચક્કી પીસને વાલી ઔરત નહીં હો સકતી, જો દિનમેં કામ કરકે રાત કો થક કે સો જાયે. મેરી હિરોઈન ચકલે કી એક તકયાઇ રંડી હો સકતી હે, જો રાત કો જાગતી હૈ ઓર દિન કો સોતે હુએ કભી કભી યે ડરાવનાં ખ્વાબ દેખકર ઊઠ બેઠતી હૈ કી બુઢાપા ઉસકે દરવાજે પર દસ્તક દેને આ રહા હૈ.’

ઉપર લખાયેલા શબ્દો અભદ્ર લાગી શકે એવા છે. પરંતુ, અમદાવાદનાં એક નાટ્યગૃહમાં આ શબ્દો જ્યારે એક કલાકારનાં મોઢેથી બોલાય છે ત્યારે હોલમાં બેઠેલાં તમામ પ્રેક્ષકો તાળીઓનાં ગડગડાટ સાથે આફરીન પોકારી ઊઠે છે. આ ઉપરાંત પણ તે પાત્ર મંચ ઉપરથી એકથી એક ચઢિયાતા ડાયલોગ ઉછાળે છે અને લોકોનાં દિલ જીતી લે છે. સાહિત્ય કે વાંચન સાથે સંકળાયેલા લોકો મંચ ઉપરનાં એ પાત્રથી સુપેરે પરિચિત હતાં, પણ જે જુવાનિયાઓ તે પાત્રથી અપરિચિત હતા એ લોકો પણ તે પાત્રનાં ફેન થઈ ગયાં. અમદાવાદમાં ભજવાઈ રહેલું એ નાટક હતું ‘ચલતા ફિરતા બમ્બઇ’ અને ઉપરનો ડાયલોગ બોલનારું પાત્ર હતું સઆદત હસન મન્ટોનું!

સઆદત હસન મન્ટો! તેને મન્ટો કહીએ તો પણ ચાલે. કારણકે મન્ટો તરીકે ઓળખાવુ તેને અંગત રીતે ઘણૂ પસંદ હતું. સાહિત્ય સાથે સંકળાયેલા લોકો તેનાં નામથી જરાય અજાણ નથી. ભારત અને પાકિસ્તાન એમ બંન્ને દેશમાં જીવી ગયેલો આ વાર્તાકાર તદ્દ્ન બેફિકરાઇથી જીવન જીવ્યો, જેટલી બેફિકરાઇથી એ જીવ્યો એટલી જ બેફિકરાઇથી એણે લખ્યું! તેણે હંમેશા જે અનુભવ્યુ એ જ લખ્યુ. લોકો ને કેવુ લાગશે તેની તેણે ક્યારેય પરવા કરી ન હતી. તે અભદ્ર્ર લખે છે એવો આરોપ તેનાં સમકાલીનોએ તેની ઉપર અસંખ્ય વખત મૂક્યો.‘ઠંડા ગોસ્ત’, ‘તોબા ટેક સિંઘ’ અને ‘બાબુ ગોપીનાથ જેવી વાર્તાઓ માટે તેની ઉપર નવ વખત કેસ ચાલ્યા હતા. પણ એક પણ વખત મન્ટો અભદ્ર લખે છે એવું પુરવાર થઇ શકયુ ન હતું. આજે મન્ટો સદેહે હાજર નથી પણ તેની વાર્તાઓ અને તેનું વ્યક્તિત્વ હજુ પણ યુવા પેઢીમાં કૌતુક જગાવે છે.

મન્ટોનાં નામને કૌતુક શબ્દ સાથે હંમેશા સંબંઘ રહ્યો છે. કારણકે જ્યારે પણ કોઇએ તેની વાર્તાઓ અથવા તેનાં વિશે વાંચ્યુ છે તેને હંમેશા મન્ટો વિશે કૌતુક થયુ છે. તેની ‘થંડા ગોસ્ત’ વાર્તાએ એક ગુજરાતી યુવાનને તેની મોહજાળમાં બરાબરનો ફસાવ્યો. અભિનય બેન્કર નામનાં તે યુવાને મંટોની ‘થંડા ગોસ્ટ’ વાંચી અને તેની વાર્તા ઉપરથી એક મોનોલોગ તૈયાર કરીને અમદાવાદનાં પ્રેક્ષકો સમક્ષ ભજવ્યો. આવી રીતે અભિનય બેન્કરે મન્ટોને અમદાવાદનાં પ્રેક્ષકો સમક્ષ પહેલી વખત રજુ કર્યો અને અમદાવાદનાં પ્રેક્ષકોને અભિનયનો અભિનય અને મન્ટો બંન્ને ઘણા પસંદ પડ્યા. બસ ત્યારથી અભિનય બેન્કરનાં મનમાં મન્ટો વસી ગયા અને મન્ટોને હજુ વ્યાપક રીતે મંચ ઉપર લાવવો એ અંગેની મથામણ તેનાં મનમાં શરુ થઇ ગઇ. થંડા ગોસ્ટ પછી અભિનયે મન્ટોની વાર્તા ‘તોબા ટેક સિંઘ’ ઉપર એક નાટક કર્યુ પણ તેનાંથી અભિનયને ધરવ નહીં થયો અને તેણે તેનું રિસર્ચ આગળ ઘપાવ્યુ. આખરે ઊંડા વાંચન અને મિત્રો સાથે ગહન ચર્ચા બાદ અભિનયનાં મનમાં મન્ટોનાં એક નાટકે આકાર લીધો અને તે નાટક એટલે ‘ચલતા ફિરતા બમ્બઇ’.

લાંબાં વિચારને અંતે ‘ચલતા ફિરતા બમ્બઇ’ માટે મન્ટોની ત્રણ વાર્તાઓને પસંદ કરવામાં આવી. પસંદ કરાયેલી વાર્તાઓ હતી ‘દસ રુપયે’, ‘સીરાજ’ અને ‘હતક’. લેખની શરૂઆતમાં લખાયેલાં મન્ટોનાં ડાયલોગ મુજબ આ ત્રણેય વાર્તાઓની નાયિકા (હિરોઇન!) ત્રણ જુદી-જુદી ઉંમરની રૂપજીવીનીઓ હોય છે. આ ત્રણેય રૂપજીવીનીઓ કોઇને કોઇ કારણસર દેહવ્યાપારનાં ધંધા સાથે સંકડાયેલી હોય છે. આ ત્રણેય સ્ત્રીઓની પોતીકી એક વ્યથા અને ચિંતા હોય છે. જ્યાં નાટકમાં તરુણાઅવસ્થા માંથી યુવાનીમાં પ્રવેશી રહેલી તરુણીની નિર્દોષતા, વીસીમાં પ્રવેશી ચૂકેલી યુવાન રૂપજીવીનીની પ્રમાણીકતા અને અલ્લડતા અને જેની ત્રીસીની ઉંમર પતવા આવી હોય એવી પોતાનાં અસ્તિત્વ અને રોજગારી માટે ચિંતિત સ્ત્રીની મનોવ્યથા દર્શાવવાનો પ્રયત્ન થયો છે.

ત્રણેય વાર્તાઓમાં રૂપજીવીનીઓનાં જીવનની વસ્તવિકતાનું આલેખન અત્યંત કલાકારી પૂર્વક કરવામાં આવ્યુ છે. નાટક દરમિયાન વારફરતી રજુ થતી વાર્તાઓમાં દરેક સ્ત્રીની ઉંમર મુજબ તેનાં ભાવવિશ્વમાં ઉદભવતા સ્પંદનોને અને તેમની લાગણીઓ ઘણી બારીકાઇથી સ્પર્શવાનો પ્રયત્ન થયો છે. સાથે જ ત્રણેય સ્ત્રીઓની નિર્દોષતા, તેમનાં સિદ્ધાંતો, તેમનાં સંબંધોનાં માપદંડો , તેમનો સ્વમાની મિજાજ અને ભદ્ર કહેવાતા સમાજની બેરહમીની વાતોનાં પડ વિવિધ રંગો અને અભિવ્યક્તિઓ દ્વારા નાટકમાં દર્શાવવામાં આવે છે. નાટકનાં સંવાદો અને ડાયલોગ એવા મજબુત છે કે અલગ અલગ સિચ્યૂએશન વખતે તેનાં પ્રેક્ષકોને ગલગલીયા કરાવી જાય છે તો ક્યારેક ઘણાં ભાવુક કરી જાય છે.

મન્ટોની આ ત્રણેય વાર્તાઓમાં દર્શાવેલાં સમય ખંડને મંચ ઉપર ખૂબજ આકર્ષક રીતે દર્શાવાયો છે. વિવિધ લાઇટ્સ કોસચ્યૂમસ અને જુનાં હિન્દી ગીતોને સહારે આઝાદી પહેલાનું ‘બમ્બઇ’ અને તે સમયનો રેડલાઇટ એરિયા આબેહુબ જીવીત કરવામાં આવ્યા હતાં. સાથે જ ચાલુ નાટકે મંચ ઉપર વરસાદ પડ્યો હોય એવું ગુજરાતી રંગભૂમિનાં ઇતિહાસમાં પહેલી વખત બન્યુ હતું. ત્રણ વાર્તાઓનો સમાવેશ કરતાં નેવુ મિનિટનાં આ નાટકમાં  ત્રીસ કલાકારો વારાફરતી અભિનય કર્યો હતો, જ્યાં તેમણે સીટીઓ અને તાડીઓનાં લયથી નાટકમાં સંગીત પણ આપ્યુ હતું.

નાટકોનાં કલાકારોની વાત કરીએ તો ત્રણેય વાર્તાઓમાં ત્રણ જુદી જુદી ઉંમરની સ્ત્રીઓની વાત છે આથી ડિરેક્ટર અભિનયે ત્રણેય પાત્રોની પસંદગી ખૂબજ સાવચેતી પૂર્વક કરી હતી. આ માટે અભિનયે ખાસ આગ્રહ કર્યો હતો કે મૂળ વાર્તાની નાયિકા જે ઉંમરની હોય તે જ ઉંમરની સ્ત્રીને જે-તે રોલ માટે કાસ્ટ કરવી. આમ, ‘દસ રુપયે’ વાર્તા માટે ચૌદ વર્ષની ઊંમરની નાયિકાનાં રોલ માટે એ જ ઉંમરની તરૂણી તર્જનીને કાસ્ટ કરવામાં આવી હતી. તર્જનીએ તેનો રોલ ભારે દમદારીથી નિભાવ્યો હતો જેનાં ભારે વખાણ થયા હતાં જ્યારે ‘સીરાજ’ વાર્તા માટે કેલી ધ્રુવ અને ‘હતક’ માટે ‘બ્રીન્દા ત્રિવેદી’ ને કાસ્ટ કરવામાં આવ્યા હતાં. મન્ટો માટે અંકિત ચંદ્રશેખર નામના કલાકારને કાસ્ટ કરવામાં આવ્યો હતો. અંકિતે મન્ટોનાં પાત્રમાં પોતાનાં અદભૂત અભિનયનાં રંગો પૂરીને જાણે મન્ટોને મંચ ઉપર જીવીત કર્યો હતો. મન્ટોની બેફિકરાઇ અને તેનાં ઉર્દુ ઉચ્ચારણો મન્ટોની જ અદામાં રજુ કરીને અંકિતે પ્રેક્ષકોનાં દિલ જીતી લીધા હતાં. મન્ટોનાં જ રોલ માટે ફરીથી અંકિત ચંદ્રશેખરને દુરદર્શનું આમંત્રણ પણ મળ્યુ છે.

આ નાટકનું લેખક અને ડિરેકશન અભિનય બેન્કરે કર્યુ છે. ગુજરાતી રંગભૂમિ પર મન્ટોને લાવવાનું શ્રેય અભિનય બેંકરને જાય છે, જેણે ગુજરાતની યુવા પેઢીને અનોખા અંદાજમાં મન્ટોનો પરિચય કરાવ્યો છે એમ કહીએ તો કોઇ અતિશિયોક્તિ નથી. ગુજરાત ગાર્ડિયન સાથેની વાતચીતમાં અભિનયે જણાવ્યુ હતુ કે “હજુ સુધી અમદાવાદમાં ‘ચલતા ફિરતા બમ્બઇ’નાં પાંચ શૉ થયાં છે, જે તમામ શૉ હાઉસફુલ રહ્યાં હતાં. નોંધવા જેવી બાબત એ છે કે આ તમામ શૉમાં કોમપ્લીમેન્ટરી ટીકિટ વહેચવામાં આવી ન હતી અને અમદાવાદીઓએ પૈસા ખર્ચીને આ નાટક જોયુ હતુ.” અભિનય બેંકરે અમદાવાદનાં પ્રેક્ષકો આગળ મન્ટોને એવી રીતે રજુ કર્યા કે ‘ચલતા ફિરતા બમ્બઇ’ જોઇને આવ્યાં પછી કેટલાય પ્રેક્ષકોએ મન્ટોનાં પુસ્તકોનાં ઓર્ડર કરી તેની વાર્તાઓ વાંચી છે. તેનાં યુવા પ્રેક્ષકો આ નાટક જોઇને હવે મન્ટોનાં ફેન થઇ ગયા છે. આખીર મન્ટોકી શકશિયત હી એસી થી કિ જો ઉસે જાને વો બન જાતે હે ઉસકે દિવાને!

અભિનય બેંકર વિશે થોડું
અભિનય બેંકર ગુજરાતી રંગભૂમિનો એક ઉજ્જવળ ચહેરો છે. તે એક કલાકાર છે, લેખક છે, ડિરેક્ટર છે અને કાસ્ટિંગ ડિરેકટર પણ છે. ગુજરાતી રંહભૂમીથી પરિચીત લોકો અભિનય બેંકરનાં નામથી અપરિચીત નહીં જ હોય.

‘નટ સમ્રાટ’ નામનાં મોનોલોગથી અમસ્તી જ શરૂ થઇ ગયેલી તેની અભિનય યાત્રાએ અભિનય બેંકરને નાટકોનાં ગળાડુબ પ્રેમમાં પાડી દિધો હતો. પછી તો અભિનયે અભિનયની સાથો સાથ લેખન અને દિગ્દર્શનમાં પણ પોતાનાં ઓજશ પાથર્યા. મૂળે નાટકનો જીવ એટલે બીકોમ પતાવીને નાટક શિખવા માટે ગુજરાત યુનિવર્સિટીમાંથી ‘પર્ફોર્મિંગ આર્ટ’ કર્યુ. પર્ફોર્મિંગ આર્ટનાં સાત વર્ષનાં ગાળામાં અભિનયએ નાટકનું અતઃ થી ઇતી સુધીનું તમામ કામ કર્યુ.

તમે અભિનયને ‘કેવી રીતે જઇશ’ ફિલ્મમાં રાહિલનાં પાત્રમાં જોયો હશે. હાલમાં તે ‘વેલકમ ઝીંદગી’ અને ‘કસ્તુર બા’ જેવાં સુપર હિટ નાટકોમાં અભિનય કરે છે. અભિનયે ગુજરાતી રંગભૂમિમાં એક-બે પડકાર જનક પ્રયોગો કર્યા છે. છતાં અંગત રીતે અભિનય કમર્શિયલ કે પ્રયોગો જેવાં શબ્દોમાં માનતો નથી. તેનાં મતે તો કોઇ પણ નાટકની પ્રત,તેનો કન્ટેન્ટ, સંવાદો અને કલાકારો મજબૂત હોય એટલે નાટક હિટ. તે પરફોર્મન્સને વધુ મહત્વ આપે છે. તમારુ પર્ફોર્મન્સ જો સારુ હોય તો ચીપ કે પ્રયોગ વચ્ચે કોઇ ભેદ રહેતો નથી એવુ તે સપષ્ટ પણે માને છે.

હાલમાં અભિનય અમદાવાદમાં એક એક્ટિંગ એકેડમી ચલાવે છે અને ૪૫ જેટલાં વિદ્યાર્થીઓને તે નાટક શિખવે છે. તેનાં ૪૫ વિદ્યાર્થીઓને સમાવી શકે એવું એક નાટક બનાવવાની તેની પ્રબળ ઇચ્છા છે. મન્ટોની જેમજ ઉર્દુની પ્રખ્યાત લેખીકા ઇસ્મત ચૂગતાઇ ઉપર તેમજ એક પ્રખ્યાત ગુજરાતી લોકગીત ઉપર નાટક કરવાનું પણ તેનું આયોજન છે. અભિનય બેંકર સખત વાંચે છે અને વિવિધ કવિતાઓ અને જીવનચરિત્રો ઉપરથી પ્રેરણા લઇ નાટકો તૈયાર કરવા તેને ખુબ ગમે છે. અભિનય સો ટચનો કલાકાર છે. 

Saturday, July 20, 2013

આર્ટ ઓલ નાઇટઃ કાલાકારોનો કુંભ જામે છે અહીં

આપણે ત્યાં મુંબઇનો કાલાઘોડા કલામહોત્સવ ઘણો પ્રખ્યાત છે. કલાનાં વિવિધ પ્રકારોનો સમાવેશ કરી એક અઠવાડિયા સુધી આ કલામહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. એ ઉપરાંત દેશ-વિદેશમાં ઘણાં કલામહોત્સવો ઉજવાય જેની દિવસો સુધી ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાનાં ટ્રેનટોન ખાતે  પણ ‘આર્ટ ઓલ નાઇટ’ નામનો વિશિષ્ટ કલામહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં દર વર્ષે હજારો લોકો હાજરી આપે છે. આ વર્ષે ૧૫ અને ૧૬ જુન દરમિયાન સાતમો ‘આર્ટ ઓલ નાઇટ’ કલામહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં આશરે ૩૦૦૦૦ જેટલાં લોકોએ હાજરી આપી હતી. આ કલામહોત્સવને ટ્રેનટોન શહેરની ૫૦,૦૦૦ સ્કે.ફુટની એક જુની ફેક્ટરીમાં ઉજવવામાં આવે છે.

આ કલામહોત્સવની ઘણી ખાસીયતો છે, જેમાંની એક ખાસીયત એ છે કે આ કલામહોત્સવ માત્ર ચોવીસ કલાક માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ તે શનીવારે બપોરે ત્રણ વાગ્યાથી રવીવારે બપોરે ત્રણ સુધી ચાલ્યો હતો. ચોવીસ કલાક દરમ્યાન ચાલતાં આ કલામહોત્સવમાં ચિત્રકળા, મ્યૂઝીક, અરેબીક કેલિગ્રાફી અને ફિલ્મકળા જેવાં કલાનાં વિવિધ વિષયોને આવરી લેવામાં આવે છે, જ્યાં નામી કલાકારો ઉપરાંત કલાવિવેચકો, ઉભરતા કલાકારો અને કલા રસિકો મોટી સંખ્યામાં હાજરી આપે છે.
‘આર્ટ ઓલ નાઇટ’ એવો કલામહોત્સવ છે જેમાં તમામ કલાકારોને એક સરખા ગણવામાં આવે છે. અહીં નવોદિતો અને નામીઓ વચ્ચે કોઇ ભેદ રાખવામાં આવતો નથી. પાંચ વર્ષનાં નાના બાળકથી લઇને સીત્તેર વર્ષનાં પીઢ કલાકારો અહીં પોતાની કલાનું પ્રદર્શન કરે છે. અમેરિકાનાં ઊગતા કલાકારોમાં આ કલામહોત્સવ અત્યંત પ્રીય છે કારણકે એવા કેટલાય કલાકારો છે જેમને આ કલામહોત્સવ વડે સારી એવી ખ્યાતી મળી હોય.

આ માટે ‘આર્ટ ઓલ નાઇટ’ની પ્લાનિંગ કમીટીનાં ચેરમેન જોસેફ કુઝેમકા જણાવે છે કે, ‘એવાં કેટલાય લોકો છે જેમનાંમાં અદભૂત સર્જનાત્મકતા રહેલી હોય છે. પરંતુ વિટંબણા એ છે કે એમાનાં તમામને યોગ્ય પ્લેટફોર્મ મળતું નથી. ‘આર્ટ ઓલ નાઇટ’ની પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આ કલામહોત્સવનાં માધ્યમથી આવા કલાકારોને અત્યંત મોટા પાયે તેમની સર્જનાત્મકતા દર્શાવવાની તક મળે.’

અહીં એક વિભાગમાં ચિત્રકારો અને શિલ્પકારોની કૃતિઓ પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવે છે. આ પ્રદર્શનમાં કોઇ પણ ભેદ રાખ્યા વગર નાના-મોટા તમામ કલાકારોની કૃતિઓ પ્રદર્શીત કરવામાં આવે છે. કલામહોત્સવનો આ વિભાગ એવો છે જેને નિહાળવ માટે સૌથી વધુ લોકો આવે છે. અહીં પ્રદર્શીત તમામ કૃતિઓ પર કલાકારની માહિતીઓ ટેગ કરવામાં આવી હોય છે. આથી જો કોઇ  વ્યક્તિને આ પ્રદર્શનમાંની કૃતી પસંદ પડે તો ટેગ ઉપરથી કલકારનો સંપર્ક કરીને મહોત્સવ પછી એ કૃતિને ખરીદી શકે છે. સાત વર્ષનાં ગાળામાં એવુ કેટલીય વખત બન્યુ છે કે કેટલાક કલાકારોની કૃતિઓ જે ક્યાંય નહીં વેચાઇ હોય એ ‘આર્ટ ઓલ નાઇટ’માં ઘણી આસાનીથી વેચાઇ હોય.

પ્રદર્શન ઉપરાંત ‘આર્ટ ઓલ નાઇટ’માં ચિત્રકળા અને શિલ્પકળાનાં લાઇવ પર્ફોર્મન્સ પણ થાય છે. આ લાઇવ પર્ફોમન્સમાં કલાકારો ચોવીસ કલાકનાં આ મહોત્સવ દરમિયાન કોઇ પણ વિષય ઉપર પોતાનું ચિત્ર અથવા શિલ્પ તૈયાર કરે છે. ચિત્રકળા અને શિલ્પ કળા ઉપરાંત અહીં ફિલ્મકળાને પણ ઘણું પ્રાધાન્ય આપવામાં આવે છે. આ મહોત્સવ દરમિયાન અમેરિકાનાં નામી ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકર્સ અને ફિલ્મ વિવેચકો એક વર્કશોપ કરી નવોદિતો અને ફિલ્મ રસિકોને ફિલ્મમેકિંગ અંગેની તાલીમ આપે છે. આ સાથે જ અહીં એક ફિલ્મ ફેસ્ટીવલનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અમેરિકાનાં ફિલ્મ દિગ્દર્શક જેફ સ્ટેવર્ટે મહોત્સવનાં મુલાકાતીઓને ઇન્ડિપેન્ડટ ફિલ્મમેકિંગ અંગેનો ખ્યાલ આપ્યો હતો. સાથે જ ફિલ્મમેકિંગનાં વર્કશોપ દરમિયાન ‘નાવ યુ આર સેટ ફોર લાઇફ’ નામની ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ રજુ કરાઇ હતી.

બીજી તરફ આ કલામહોત્સવ દરમિયાન કોઇ પણ એક થીમ ઉપર ભીંતચીત્રો દોરવામાં આવે છે. કલાકારોની એક ટૂકડી ચોવીસ કલાકનાં ગાળામાં કોઇ પણ એક થીમ ઉપર અદભૂત ભીંતચિત્રો તૈયાર કરે છે. જોસેફ કુઝેમકાનાં મતે ‘આર્ટ ઓલ નાઇટ’નાં ભીંતચીત્રો તેમનાં મૂલાકાતીઓને સૌથી વધુ આકર્ષે છે. આ વર્ષે ‘આર્ટ ઓલ નાઇટ’નાં  ભીંતચીત્રો માટે અમેરિકાનાં પ્રસિધ્ધ કવી ‘એડ્ગર એલન પો’ ને થીમ તરીકે રાખવામાં આવ્યાં હતાં, જેમાં આ વર્ષે ત્યાંનાં સ્થાનિક કલાકાર ડેવ ક્લામા અને વિલ કાસોની આગેવાનીમાં એડ્ગર એલન પોને કેન્દ્રમાં રાખીને ભીંત ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત આ મહોત્સવમાં લેખન, કાવ્યપઠન અને અભિનય માટેનો વિભાગ પણ રાખવામાં આવે છે. દરમિયાન નવોદિત કવીઓ અને અભિનેતાઓ પોતાની રચનાઓનું પઠન કરે છે અને અભિનય કરે છે. સાથે જ અહીં નવા લેખકોને વર્કશોપ વડે લખવાની તાલીમ પણ આપવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન મોટી માત્રામાં સાહિત્ય રસિકો ભેગા થાય છે જેઓ ઉભરતા કવીઓ અને કલાકારોને દાદ આપી તેમનાં ઉત્સાહમાં વધારો કરે છે.

આ મહોત્સવની ઉજવણી ઇન્ડોર અને આઉટડોર એમ બે વિભાગમાં કરવામાં આવે છે. ઇનડોર વિભાગમાં ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે જ્યારે આઉટડોર વિભાગમાં ત્રણ જુદાં-જુદાં મંચ ઉપર ડાન્સ અને મ્યૂઝિકનાં વિવિધ પરફોર્મન્સ થાય છે. ચોવીસ કલાકનાં આ મહોત્સવમાં ડાન્સ અને મ્યૂઝિકનાં અલગ અલગ પ્રકારોની રજૂઆત કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવમાં ૫૦ જેટલાં બેન્ડ વારાફરતી પરફોર્મન્સ આપશે. યુવાનોને આ આઉટડોર પરફોર્મન્સ સૌથી વધુ પસંદ આવે છે.
તો બીજી તરફ આઉટડોર વિભાગમાં આકર્ષણનું મોટુ કેન્દ્ર છે આ મહોત્સવનું ફૂડ ફેસ્ટિવલ! ‘આર્ટ ઓલ નાઇટ’ દરમિયાન કલા રસિકોની સાથોસાથ ખાવાનાં રસિયાઓ પણ ભેગા થાય છે. આઉટડોર વિભાગમાં રાખવામાં આવતી આ ફૂડ કોર્ટમાં જાતજાતનાં વ્યંજનો અને વાનગીઓ પિરસવામાં આવે છે. આ વર્ષે મહોત્સવની ફૂડ કોર્ટમાં અમેરિકન ફૂડની સાથે મેક્સિકન, મેડિટરેનિયન, જમૈકન અને ઇટાલીયન વ્યંજનોએ મૂલાકાતીઓનાં દીલ જીતી લીધા હતાં. 

આર્ટ ઓલ નાઇટનો જો બીજો અર્થ કાઢવો હોય તો ધમાલ ઓલ નાઇટ એવો અર્થ પણ થઇ શકે, જ્યાં લોકો ચોવીસ કલાક દરમિયાન ભરપૂર માત્રામાં જલસો કરી આનંદ મેળવે છે. ‘આર્ટ ઓલ નાઇટ’ કલાનાં લગભગ તમામ ક્ષેત્રોને આવરી લે છે. સાથે જ તે અબાલ-વૃદ્ધ સૌને આવરી લે છે. જ્યાં કોઇ પણ ઉંમરનાં લોકો ભેગા મળીને પોતાની કળાનું પ્રદર્શન ઉપરાંત કલા વિષયક ચર્ચાઓ કરી શકે છે. સાત વર્ષોની અદભૂત સફળતા બાદ હવે અમેરિકાનાં ટ્રેનટોન ખાતે ઉજવાતો આ કલામહોત્સવ એક મોટી બ્રાન્ડ બની ગયો છે. કલામહોત્સવની ઉજવણીની તારીખો જાહેર થતાં જ હવે અમેરિકાનાં કલાકારો અને કલારસિકો તેમાં હાજરી આપવા માટે થનગની ઉઠે છે.


આમ ચોવીસ કલાક માટે ઉજવાતા આ કલા મહોત્સવમાં વિવિધ કલાઓનો અદભૂત સમન્વય જોવા મળે છે, જ્યાં ખુબ જ મોટી સંખ્યામાં માણસોનો મેળાવડો જામે છે. નવા કલાકારો માટે આ કલામહોત્સવ ખરા અર્થમાં એક યોગ્ય પ્લેટફોર્મ બની રહે છે જેનાં માધ્યમથી કેટલાય કલાકારોની અંદર ધરબાયેલી કલાને વાચા અને સરાહના મળી છે અને તેમને કલાકાર તરીકેની એક આગવી ઓળખ પણ મળી છે.

Thursday, October 18, 2012

ટચૂકડી


જોઇએ છે

એક "પાક્કો" દોસ્તાર

મારી એકલતાનાં સાથીયામાં અવનવા રંગો પુરી શકે એવો..

જેનો રંગ ક્યારેય ઝાંખો ન પડતો હોવો જોઇએ...

જે

મારા દિવસની એકલતા 

અને

સાંજની ઉદાસીનતા ભાંગી શકે એવો હોવો જોઇએ....

જેનુ નામ મોબાઇલની સ્ક્રીન કરતા દિલની તકતી ઉપર વધુ વાર બ્લીંક થતુ હોય  એવો..

અને સૌથી ખાસ એ કે મને મારાથી વધુ ઓળખી શકતો હોય એવો..

નોંધઃ દલાલો માફ કરશો.

Thursday, September 13, 2012

એક ભણેલાને
મે
શાળાની દિવાલ સામે ઊભો જોયો..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
પેશાબની ઘારને પણ
શરમ આવીજ હશે
આજે
કદાચ............!!!!!

Monday, June 18, 2012

Surprise


જન્મદિને

મળેલી ધણી Surprise ગીફ્ટસ

અને

મળેલી અઢળક શુભકામનાઓ વચ્ચે

હુ

કયાંક દબાઇ ગયેલા પેલા શબ્દોને શોધવાનો પ્રયત્ન કરુ છુ.

"દિકરા આજે તો તારી બર્થ ડે કેમ???"

અને શોધવાની મથામણ  કરુ છુ

ખાસ મારા માટે જ બહુ કાળજી પુર્વક સાચવી રખાયેલી દસની એક નોટ.

પણ

ઘણી મથામણો છતાં મને માત્ર  હ્તાશાજ હાથ લાગે છે.

બા તું ય ખરી છે

તારા ગયાની Surprise પછી તે મને એક પણ  Surprise  આપી નથી!!