Tuesday, February 25, 2014

નેતાઓનું ડ્રેસિંગઃ ઈમેજ અને ઈમ્પેક્ટનો સવાલ છે!

ગાંધી સાહિત્યનો અભ્યાસ કરનારા કે ગાંધીજી વિશે થોડી ઘણી પણ માહિતી ધરાવનારા લોકોને એટલી માહિતી હશે જ કે ઈંગ્લેન્ડમાં બેરિસ્ટરનું શિક્ષણ લેવા ગયા પછી તેઓ પૂરેપૂરા અંગ્રેજી રંગે રંગાયેલા અને તેઓ અદ્લ અંગ્રેજો જેવા જ કપડાં પહેરવાનો શોખ ધરાવતા હતા. પરંતુ ૧૯૧૪માં ભારત આવ્યા પછી તેમણે દેશની ગરીબી જોઈને અને ગરીબો સાથે આસાનીથી સંવાદ સાધી શકાય એ હેતુથી અંગ્રેજી લિબાસ ફગાવી દઈને શરીર પર નામ માત્ર ખાદીનું ધોતિયું પહેરવાનું શરૂ કર્યું. જોકે આ ૧૯૧૪ની વાત હતી, આજે ૨૦૧૪માં પણ ‘લોકનેતા’ઓ ખાદી પહેરવાનું પસંદ કરે છે. જોકે, સો વર્ષના ગાળામાં ખાદી અપનાવવાના હેતુઓમાં જમીન આસમાનનો ફરક છે. ત્યારે લોકનેતાઓ માટે ખાદી એક ‘વિચાર’ હતો પણ આજના રાજકારણમાં ખાદી એ ‘ઈમેજ’નો વિષય છે. આ ઈમેજ ઊભી કરવા આજના રાજકારણીઓ માટેનું હાથવગું સાધન છે ડ્રેસિંગ સ્ટેટમેન્ટ, જેનો પૂરેપૂરો લાભ લઈને અનેક નેતાઓ પોતાની અલગ ઈમેજ એટલે કે છબિ ઉપસાવવામાં સફળ પણ રહ્યા છે.

આમ તો ડ્રેસિંગ અને સ્ટાઈલ સ્ટેટમેન્ટનો ટ્રેન્ડ દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ જ શરૂ કરી દીધેલો. પચાસના દાયકામાં નહેરુને જોઈને દેશભરના લોકોમાં ‘નહેરુ બંડી’ની ફેશને જોર પકડ્યું હતું અને અનેક રંગીન લોકો એ બંડીમાં ગુલાબ ખોસીને પણ ફરતા થઈ ગયેલા. ત્યાર પછી ઈન્દિરા ગાંધી ખાદીની હેન્ડલુમ સાડી અને હાથમાં ચામડાના પટ્ટાનું ઘડિયાળ લઈને આવ્યા. ઈન્દિરા ગાંધી પછી પણ હેન્ડલુમ સાડીની ફેશન ગાંધી પરિવારની બીજી (સોનિયા ગાંધી) અને ત્રીજી (પ્રિયંકા ગાંધી) પેઢીએ જાળવી રાખી છે. સીધી ચૂંટણી નહીં લડીને માત્ર ચૂંટણી પ્રચાર દરમિયાન જ સક્રિય થઈ જતા પ્રિયંકા ગાંધી તો હજુ પણ પોતાનો દેખાવ પોતાના દાદી જેવો જ રાખવાનો પ્રયત્ન કરે છે. રાજકારણમાં શું રંધાઈ રહ્યું છે એ બાજુએ રાખીને હાલના નેતાઓના ડ્રેસિંગ અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ વિશે થોડું નિરીક્ષણ કરીએ તો આપણે ત્યાં બે પ્રકારના નેતા પ્રવર્તે છે. પહેલો પ્રકાર છે સોફિસ્ટિકેટેડ રહેનારા નેતાઓ કે જેમાં મોદીથી લઈને સોનિયા અને સુષ્મા સ્વરાજથી લઈને સચિન પાઈલટનો સમાવેશ કરી શકાય. તો બીજો વર્ગ છે અત્યંત કાળજીપૂર્વક સાદગીનો ખ્યાલ રાખીને કપડાં કે અન્ય એસેસરીઝનો વપરાશ કરતા નેતાઓનો છે. આ નેતાઓમાં આમ આદમીના લગભગ તમામ નેતા ઉપરાંત કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓને મૂકી શકાય.

 ઘર આંગણેથી શરૂ કરીએ તો નરેન્દ્ર મોદી ૨૦૦૧માં સક્રિય રાજકારણમાં દાખલ થયાં ત્યારપછી તેઓ વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર થયાં ત્યાં સુધીના વર્ષોમાં તેઓ પોતાની સફેદ દાઢીને બાદ કરતા હેરસ્ટાઈલ સહિતના પ્રયોગો કરતા રહ્યાં છે. હવે તો ટૂંકી બાંયના પ્લેન ખાદી કુર્તા અને અને રિમલેસ ચશ્મા પણ દેશમાં ‘મોદી બ્રાન્ડ’ તરીકે ઓળખાય છે. લગભગ સિત્તેરનો દાયકો એવો હતો જ્યારે મોટાભાગના રાજકારણીઓ ખાદીમાં જોવા મળતા. એ સમયે ખાદી અને રાજકારણીઓ એકબીજાના પર્યાય બની ગયેલા. આ જ કારણે આજની તારીખે પણ સ્કૂલોમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હોય ત્યારે બાળકો નેતા બને ત્યારે ખાદીના કપડાં જ ધારણ કરે છે. પણ અત્યારે સચીન પાયલટ, જ્યોતિરાદિત્ય સિંધિયા કે મિલિંદ દેવરા જેવા અનેક યુવા નેતાઓ ખાદીના બદલે લિનનના કુર્તા કે બ્રાન્ડેડ ફેબ્રિકના બંધ ગલા પેટર્નના સૂટ પહેરે છે. વળી, આ બધા યુવા નેતાઓ મોંઘીદાટ ઘડિયાળો, મોંઘી બોલપેનો કે હાથમાં લેટેસ્ટ ગેજેટ્સ સાથે નજરે ચડે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓ ભલે નેતૃત્વ કરવામાં અસફળ હોય પણ તેમની આવી સ્ટાઈલ સ્ટેટમેન્ટથી તેઓ યુવા મતદારોને આકર્ષવાના પ્રયાસ કરે છે.

આદ આદમી પાર્ટીના નેતાઓ તરફ એક નજર કરીએ તો ‘આપ’ના નેતાઓની સાદગીને સિમ્બોલિક સાદગી કહી શકાય. ‘મેં હું આમ આદમી’ અને ‘મુજે ચાહિયે પૂર્ણ સ્વરાજ’ લખેલી ટોપીઓ ઉપરાંત આપના નેતાઓએ આ શિયાળામાં મફલરનો વ્યાપક ઉપયોગ કર્યો છે. ઉત્તર ભારતમાં મફલર ‘ગમછા’ તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ શ્રેષ્ઠી વર્ગથી લઈને આમ આદમી સુધીના સૌ કોઈ કરે છે. અરવિંદ કેજરીવાલ અને ત્યારબાદ શૂટ એન્ડ ટાઈમાં ફરતા પત્રકાર આશુતોષે પણ ગમછાને અપનાવ્યા બાદ આ વર્ષે દેશભરમાં યુવાનો મફલરમાં નજરે ચઢ્યા. પહેરવેશની બાબતે રાજકારણીઓનો એક વર્ગ એવો પણ છે, જે પોતાના પ્રદેશ મુજબના પહેરવેશમાં નજરે ચઢે છે. આ યાદીમાં ભાજપના પ્રવક્તા અને હંમેશા દક્ષિણની કાંજીવરમ સાડીમાં જ નજરે ચઢતા નિર્મલા સિતારામન કે પી. ચિદમ્બરમ કે એ.કે એન્ટની જેવા નેતાઓનો સમાવેશ કરી શકાય છે. કાશ્મીરમાં ફારુક અબદુલ્લા કાશ્મીરી ટોપી પહેરે છે. એવી જ રીતે, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંઘ અને પ્રેમકુમાર ધુમલ જેવા નેતાઓ પહાડી વિસ્તારોમાં પહેરાતી ટોપી પહેરે છે.

વળી, રાજકારણીઓ ચૂંટણી વખતે જે પ્રદેશ કે રાજ્યમાં ચૂંટણીપ્રચાર માટે જાય ત્યાં એ પ્રદેશનો પહેરવેશ ધારણ કરીને સ્થાનિકો સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરે છે. રાજકારણમાં આ ટ્રેન્ડની શરૂઆત ઈન્દિરા ગાંધીએ કરી હતી. અત્યારે આ ટ્રેન્ડ અપનાવવામાં નરેન્દ્ર મોદી અવ્વલ છે. કેમ નહીં? આખરે તેમને આખા દેશના નેતા બનવું છે. ગુજરાત બહાર તો ઠીક પણ તેઓ ગુજરાતમાં પણ સભા સંબોધવા જાય ત્યારે મંચ પર જે તે વિસ્તારની ખાસિયત મુજબના ફેંટા કે હાથમાં કડા કે કોટી પહેરતા હોય છે. સદ્ભાવના મિશન વખતે આ બાબત સૌથી વધુ જોવા મળી હતી. આ વખતે રાજસ્થાનના ચૂંટણી પ્રચાર દરમિયાન વસુંધરા રાજેએ પણ આ નુસખો અજમાવી જોયો હતો. રાજપૂતોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં વસુંધરા રાજે એક રાજપૂતાણીને છાજે એવી રીતે જ લોકો સામે આવે છે. આ ઉપરાંત વિધાનસભા કે લોકસભામાં ચૂંટાતા નેતાઓ શપથગ્રહણ વખતે પોતાના પ્રદેશની ઓળખ સમો પહેરવેશ પહેરીને આવતા હોય છે.

વિશ્વ કે દેશના રાજકારણમાં નેતાઓના આંતરિક વિચારો કેવા છે એની સાથે જ તેમનો બાહ્ય દેખાવ કેવો છે એ પણ ઘણું જ મહત્ત્વનું છે. તેમના કપડાં ઉપરાંત તેમની હેર સ્ટાઈલ કે તેમના હાથમાંનું ઘડિયાળ કે કેટલીકવાર તો ચશ્માની ફ્રેમ પણ જનમાનસમાં તેમની ચોક્કસ ઈમેજ બનાવવામાં મદદરૂપ થતી હોય છે. પશ્ચિમ બંગાળના મમતા બેનરજી કે ગોવાના મનોહર પારિકર જેવા કેટલાક નેતાઓએ સાદગીને અપનાવીને પોતાની આગવી ઈમેજ ઊભી કરી છે. કેટલાક નેતાઓ તો પ્રોફેશનલ ઈમેજ ગુરુની સલાહ મુજબ પોતાની આગવી ઓળખ બનાવતા હોય છે. જોકે, આ ઈમેજ ગુરુઓ બાહ્ય દેખાવ જ નહીં પણ મંત્રીના ભાષણો, પ્રચાર-પ્રસાર વગેરે બાબતમાં સલાહ આપતા હોય છે. આ કારણે જ કેટલાક નેતાઓ જનમાનસમાં પ્રભાવ ઊભો કરવામાં સફળ પણ થયા છે, તો કેટલાકના અખતરા હજુ પણ ચાલુ છે! 

Wednesday, February 5, 2014

યે દોસ્તી હમ નહીં છોડેંગે!!

આમેય કૂતરા અને માણસોને સદીઓથી ઘણું સારું બને છે. કૂતરાને એટલે જ માણસનો વફાદાર મિત્ર કહેવાયો છે. ગયા નવેમ્બર મહિનામાં જેસિકા શાયબા નામની એક મહિલા તેના બાળકો માટે એક સાત મહિનાનું ગલૂડિયું લઈને આવી. પોતાની માતાને છોડીને આવ્યા પછી આ ગલૂડિયું થોડાં સમય માટે થોડું ઘણું વ્યથિત હતું પણ તેને જે ઘરમાં રાખવામાં આવ્યું હતું એ ઘરમાં ત્રણ બાળકો હોવાને કારણે ગલૂડિયાને ઘરમાં ફાવી ગયું અને બાળકો સાથે દોસ્તી થઈ ગઈ. પણ એમાંય થિયો નામના આ ગલૂડિયાને બિયુ નામના બાળક સાથે ઘણું ફાવી ગયું અને આ સાથે જ તેમની ઊંઘવાની જુગલબંદી પણ શરૂ થઈ. એક દિવસ બપોરે બિયુ સૂતો હતો ત્યારે થિયો તેની બાજુમાં જઈને સૂઈ ગયો આથી જેસિકાએ તક ઝડપીને એમની તસવીરો લઈને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી. પણ પછી તો આ થિયો અને બિયુનો આ રીતે ઊંઘવાનો નિત્યક્રમ જ થઈ ગયો આથી જેસિકાએ તેમનું એક આખું આલબમ જ તૈયાર કરી નાંખ્યું. તેમની તસવીરો એટલી અદભૂત છે કે થિયો-બિયુની જોડીને એક પુસ્તકના કવર પેજ પર પણ સ્થાન મળ્યું છે. તો આ તસવીરો પરથી જ ‘બેડ ટાઇમ ફોર થિયો એન્ડ બિયુ’ નામનું એક બાળવાર્તાનું પુસ્તક પણ તૈયાર થઈ રહ્યું છે. ■