Tuesday, August 27, 2013

કહાનજી નામનો એક અનંત વિષય

 
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ
ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે,
 કયાં કયાં નામ એમાં રાખું ?
                               -કૃષ્ણ દવે
કૃષ્ણ, શ્યામ, કાનજી, કાનુડો, નટવર, ગિરિરીધર કે પછી મુરલીધર. એને ઇશ્વર કહો તો ઇશ્વર, માણસ કહો તો માણસ અને મિત્ર કહો તો મિત્ર! હજારો વર્ષો પહેલા થઇ ગયેલા આ વ્યક્તિત્વને તમારે જે ઉપમા આપવી હોય એ આપો અને તમારે એને જે વ્યાખ્યામાં બાંધવું હોય એમાં બાંધો. આ વ્યક્તિત્વ એવું છે કે એ તમે એનાં માટે બનાવેલા કોઇ પણ બીબામાં એકદમ બંધબેસતો આકાર ધારણ કરી લેશે. એનાં પ્રત્યે તમે એક વખત હાથ લંબાવશો તો એ તમને હ્રદયસરસા ચાંપી લેશે. તે પૃથ્વીનાં કુલ ગુરુત્વાકર્ષણ કરતાંય વધુ આકર્ષણબળ ધરાવે છે. એ સમયથી એકદમ પર છે, તે કોઇ પણ સમયમાં એકદમ સાંપ્રત અને પોતીકો લાગશે. એટલેજ કદાચ કોઇ પણ સદીનાં, કોઇ પણ કાળનાં અને કોઇ પણ ક્ષેત્રનાં સર્જકને આ વ્યક્તિત્વ ભારે આકર્ષતું રહ્યું છે.

ચિત્રકાર એક વખત તેનાં ચિત્રમાં, કોઇ નાટ્યકાર તેનાં નાટકમાં, સંગીતકાર તેનાં સંગીતમાં તો કોઇ સાહિત્યકાર તેનાં સાહિત્યમાં એક વખત કૃષ્ણ ઉપર કામ કરવાની મનસા રાખે જ છે. કોઇ પણ ક્ષેત્રનો સંવેદનશીલ સર્જક વિરાટ વ્યક્તિત્વ ધરાવતા આ વિશ્વમાનવને પોતાના સર્જનમાં વણ્યા વિના રહી શક્યો નથી એનું કારણ શું છે? આપણા પુરાણોમાં કૃષ્ણ સિવાય પણ રાધા, દ્રૌપદી, કર્ણ, રામ, સીતા કે મંદોદરી જેવા બીજા અઢળક પાત્રો છે જેનાં કામ અને નામનો કલામાં સમન્વય કરી શકાય, અને છાશવારે તેમનો વિવિધ કલાઓમાં ઉલ્લેખ થયો પણ છે. પરંતુ કૃષ્ણનો ચાર્મ સૌથી અલગ અને અનોખો છે જે દરેક યુગનાં સર્જકોને વહાલો લાગ્યો છે. ગીતાની તેની સંભવામિ યુગે યુગેની વાત સર્જકોએ જ તો સાચી ઠેરવી છે.

બીજું બધુ બાજુએ રાખીને માત્ર સાહિત્યની જ વાત કરીએ અને એમાં પણ આપણે ગુજરાતી સાહિત્ય પૂરતા જ મર્યાદિત રહીએ (મર્યાદા શબ્દ સાથે આ પાત્રને કોઇ લેવાદેવા નથી તો પણ!) તો મધ્યકાલીન સાહિત્યથી લઇને અર્વાચીન સાહિત્યનાં કોઇ પણ યુગમાં કૃષ્ણ નામના વિષય ઉપર નહીં લખાયુ હોય એવું બન્યું નથી. નરસિંહથી લઇને સુરેશ દલાલ સુધી અને મીરાથી લઇને કાજલ ઓઝા-વૈદ્ય સુધીનાં તમામ સર્જકોએ તેમની કલમ કૃષ્ણ નામની શાહીમાં બોળીને ભાવકોને તેમાં તરબોળ કર્યા છે. કોઇએ તેની રચનામાં તેને ગોપીઓની સાથે રાસ રમાડ્યા છે તો કોઇએ શામળા શેઠને હાથ હૂંડી પહોંચાડી છે તો કોઇ તેની ઉપર આંધળો વિશ્વાસ રાખીને ઝેરનાં પ્યાલા ગટગટાવી ગયું છે. કોઇએ તેને ગોકુળમાં ફરી પગ મૂકવાની ધરાર ના પાડી દીધી છે તો કોઇએ તેને રોજ સવારે તેની મોર્નિંગ વોક ઉપર લઇ જવાની કે કોફી ટેબલ પર તેની સાથે બેસીને હૂંફાળી કોફી પીવાની વાત કરી છે. આહા! કેટ કેટલી વિવિધતા અને કેટ કેટલી કલ્પના, અને એ તમામમાં પેલું સનાતન પાત્ર એકદમ સમરસ અને એકરૂપ. ક્યારેય કોઇ ભાવકને તે વાંચી કે સાંભળીને કંટાળો આવ્યો હોય એવો દાખલો હેલોજન લઇને નીકળશો તોય નહીં જડે.

કૃષ્ણ નામનો આ સબજેક્ટ જ ઓલવેઝ એવરગ્રીન છે. આપણી માતૃભાષામાં જ તમને એવા કેટલાય લેખકો જડી આવશે જેમણે કૃષ્ણ નામના વિષય ઉપર ડઝનબંધ પુસ્તકો કે થોકબંધ કવિતાઓ રચી હશે. અને આટઆટલું લખાયા છતાં શરત સાથે કહી શકાય કે એ તમામમાં એક કૃષ્ણના નામની સામ્યતા સિવાય બીજું કોઇ જ સામ્ય જોવા નહીં મળે. આ વ્યક્તિતવ ઉપરનાં તમામ લેખનમાં એક બીજી સામ્યતા એ જોવા મળશે કે તમામ સર્જકોએ તેનેતુંકારથી સંબોધ્યો છે. કારણકે દરેક સર્જકને તે નજીકનો અથવા પોતાનો સોલમેટ લાગ્યો છે. એની સાથે માત્ર સર્જક જ નહીં ભાવક પણ પોતાને ફાવે એવી છૂટછાટો લઇ શકે છે.

તે હંમેશાં સામાન્ય માણસની જેમ જીવ્યો છે. સર્જકોનાં તેની તરફનાં આકર્ષણની પાછળનું કારણ જ તેનું સામાન્યપણુ છે. તે સાહિત્યનાં પદ્ય હોય કે ગદ્ય તમામ પ્રકારોમાં એ સ્વીકારાયો તેની પાછળનું મુખ્ય પરિબળ એ છે કે આ વ્યક્તિ જ્યાં સુધી ધરતી પર જીવીયો ત્યાં સુધી તેણે બધી પરિસ્થિતિઓનો સ્વીકાર કર્યો છે. એણે ક્યારેય એનું ઇશ્વરત્વ સાબિત કરવાનો પ્રયત્નો નથી કર્યાં. એટલે જે કોઇ સર્જક જ્યારે એની વાત કરે છે ત્યારે માણસ થઇને જીવેલા ઇશ્વરની વાત એમ કહીને પોતાની વાત માંડે છે. સર્જકોનો પ્રિય વિષય બનવા પાછળની કૃષ્ણની બીજી એક ખાસિયત એ છે કે આ વ્યક્તિએ જીવ માત્રને પ્રેમ કર્યો છે, કણે કણને પ્રેમ કર્યો છે અને જણે જણને પ્રેમ કર્યો છે.

માધવનું તો નામ માત્ર કોઇ કૃતિને ક્લાસિક બનાવવા માટે કાફી છે. એટલે જ તો હરીન્દ્ર દવેનીમાધવ ક્યાંય નથીમાં માધવ નહીં હોવા છતાં શબ્દે શબ્દે એની પ્રતિતી થાય છે. આખી નવલકથામાં નારદ કૄષ્ણનાં પદચિન્હો ઉપર ચાલીને કૃષ્ણને પામવાનો પ્રયત્ન કરે છે પરંતુ છેક છેલ્લા શબ્દ સુધી નારદની કૃષ્ણ મિલાપની ઝંખના અધૂરી રહી જાય છે. નારદની આખીય યાત્રા દરમિયાન કૃષ્ણ ભલે તેમને મળતા નથી પરંતુ ભાવકને કૃષ્ણનાં જન્મથી મૃત્યુ સુધીની તમામ ઘટનાનો સાક્ષી બનીને તેમાં પરોવાઇ જાય છે. હરીન્દ્ર દવેએ આ ઉપરાંત પણ કૃષ્ણ ઉપર ઘણું લખીને વાચકોને અને આપણાં સાહિત્યને એક અલગ કૃષ્ણની ભેટ આપી છે.

તો નવી પેઢીની લેખિકા કાજલ ઓઝા-વૈદ્ય કૃષ્ણાયનમાં તેનાં કૃષ્ણને અન્યોથી સાવ અલગ રીતે રજૂ કરે છે. અહીં તેમને કોઇ ઇશ્વર કે મહામાનવ તરીકે નહીં દર્શાવાતા એક સામાન્ય માણસ તરીકે આલેખવામાં આવે છે. આ એ જ માણસ છે જેનાં જીવનનાં જુદાં-જુદાં તબક્કાઓમાં આવેલી જુદી જુદી સ્ત્રીઓ સાથેનો તેનો સંબંધ અને વ્યવહાર દર્શાવાયો છે. અહીં વાર્તાનો નાયક પ્રેમ કરે છે, ઠોકરો ખાય છે, ભૂલો કરે છે અને ઉદાસ પણ થાય છે. આખીય વાતમાં તમને એવું લાગે કે તમે કૃષ્ણની સાથે ફરવા નીકળ્યા છો અને કૃષ્ણ તમારી સાથે ધીમે ધીમે તેની જિંદગીની કેટલીક વાતો શેર કરતો હોય. વાંચતા વાંચતા તમને ક્યારેય એવું નહીં લાગે કે તમે કોઇ માયથોલોજીની વાતો વાંચી રહ્યાં છો. જ્યારે વિષય જ આટલો હળવો હોય ત્યારે તેનો વાચક હળવાશ જ અનુભવેને!

બીજી તરફ આપણાં કવિ સુરેશ દલાલ અને તેમની કૃષ્ણપ્રિતિ જગજાહેર છે. ગુજરાતી સાહિત્યમાં સુ.દ તરીકે ઓળખાતા આ કવિ તેમનું મોટાભાગનું સર્જન કૃષ્ણની આસપાસ કરે છે અને કવિતા ચાહકોને કૃષ્ણના સાગરમાં ડૂબકી મરાવીને તરબોળ કરી દે છે. કૃષ્ણને મોરપીંછની રજાઇ ઓઢાડીને પોઢાડી દેનાર આ કવિ કૃષ્ણજન્મદિને જ મૃત્યુ પામે છે એ વાત પણ કંઇ નાનીસૂની નથી. સુરેશ દલાલ ઉપરાંત પણ આપણે ત્યાં કેટલાય કવિઓ છે જેમણે કાનજી ઉપર તેમની કલમ ચલાવી છે. અને એ બધા કાવ્યો ગુજરાતભરમાં એટલા બધા વાંચાયા છે અને ગવાયા છે કે તમામ કાવ્યો લોકગીતોની કક્ષાએ પહોંચી ગયા છે. જેમકે પ્રિયકાંત મણિયારનું આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે!’


ખરા અર્થમાં જોઇએ તો કૃષ્ણ એ તૃપ્તિ નથી એ તૃષ્ણા છે. એટલે જ તો જે વ્યક્તિ ઉપર હજારો સેંકડો વર્ષોથી આટલુ બધું લખાઇ ચૂક્યુ છે, છતાં આજે પણ તેની ઉપર લખાતો એક એક શબ્દ નવો લાગે છે. નરસૈંયાથી શરૂ થયેલી કાનજીની સાહિત્યિક યાત્રા હમણાં સુધીમાં કોણ જાણે કેટલાય પડાવો પાર કરી ગઇ છે છતાંય કૃષ્ણ નામનો આ વિષય વણખેડ્યો અને વણબોટ્યો જ રહ્યો છે એમ કહીએ તો પણ ચાલે અને એટલે જ હજુ પણ ભવિષ્યમાં તેની ઉપર જેટલું ખાશે એ સઘળુ નવું અને અદભુત લાગશે.

Saturday, August 3, 2013

રીઅલ ‘સુપર કોપ’: જુલિયો રિબેરો

૧૯૫૩ની સાલમાં મૂળ ગોવાનો એક યુવાન કોઇપણ જાતનાં આયોજન વિના આઇપીએસની પરીક્ષા આપે છે અને જોગાનુજોગ તે યુવાન એ વર્ષની પરીક્ષામાં ઘણાં ઊંચા ગુણ મેળવીને આઇપીએસની પરીક્ષા પાસ કરે છે. ગોવાના એ યુવાને આઇપીએસ બનવા માટેનાં ભલે કોઇ આયોજન નહીં કર્યા હોય, પરંતુ તેની નિયતિએ તેનાં માટે મોટા-મોટા આયોજનો કર્યા હતા. તેના સમગ્ર કાર્યકાળ દરમિયાન તે યુવાનના માટે મોટી મોટી જવાબદારીઓ આવે છે. તેના માથે આવેલી તમામ જવાબદારીઓને તે વારાફરતી ચેકમેટ આપે છે અને દેશનાં અનેક યુવાનોનો રીઅલ હીરોબને છે. આજે ભારતભરમાં લોકો તેનેસુપર કોપનાં નામે ઓળખે છે. આ રીઅલસુપર કોપનું રીઅલ નામ છે જુલિયો રિબેરો!

૧૯૨૯માં જન્મેલાં જુલિયો રિબેરોને બાળપણથી જ સમાજસેવા સાથે જ ઊંડો અનુબંધ હતો. ૧૯૫૩માં આઇપીએસ બન્યા પછી રિબેરોએ સતત અને હંમેશાં મોટા સંઘર્ષો અને ઘર્ષણોનો સામનો કરવો પડયો. તેમનાં કાર્યકાળ દરમિયાન તેમણે ક્યારેક અંધારી આલમ સાથે લડવું પડ્યું તો ક્યારેક રમખાણોનાં કપરા કાળમાં સંઘર્ષ કરવો પડયો અને આ બધાની સાથોસાથ પોતાની વફાદારી, સત્યપ્રિયતા અને સિદ્ધાંતોને કારણે વારંવાર સહકર્મીઓ અને રાજકારણીઓ સાથે વિખવાદ થયાં એ વધારાના. તેમની કારકિર્દીનાં ઉત્તમ કામોમાં તેમના મુંબઇનાં કમિશનર પદ અને પંજાબનાં ડીજીપીનાં પદ દરમિયાન કરેલાં કાર્યોને લેખવામાં આવે છે.

રિબેરોનાં મુંબઇનાં કાર્યકાળ તરફ નજર નાંખીએ તો રિબેરો ૧૯૮૨ થી ૧૯૮૫ દરમિયાન મુંબઇ ખાતે પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી હતી. એ સમયે મુંબઇમાં ગલીએ ગલીએ ભાઇઓ(ગુંડાઓ) ફૂટી નીકળ્યા હતા અને અંધારી આલમે ભારે માઝા મૂકી હતી. જુલિયો રિબેરોએ પદ ઉપર આવતાં જ અંધારી આલમ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પોતાનાં સમગ્ર કાર્યકાળ દરમિયાન તેમની સાથે સીધા જંગમાં ઊતરીને મુંબઇના માથેથી અંધારી આલમનાં કાળા વાદળો દૂર કર્યાં. તેમનાં મુંબઇનાં કાર્યકાળ દરમિયાન જ ભારતભરમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોની ચિનગારી મુંબઇ સુધી પહોંચી હતી, પરંતુ રિબેરોએ રમખાણોનાં કપરા સમયમાં અત્યંત મહત્ત્વની કામગીરી નિભાવીને મુંબઇને મોટી ખુવારીમાંથી બચાવ્યું હતું.

૧૯૮૦નાં દાયકામાં પંજાબમાં જ્યારે આતંકવાદ તેની ચરમસીમાએ હતો, ત્યારે રિબેરોને ત્યાં ડીજીપી તરીકે નિયુક્ત કરાયા હતા. શીખ આતંકવાદીઓની સામે લડત આપવા માટે રિબેરોએ તેમની પોલીસ ફોજનેગોળીની સામે ગોળીના આદેશ આપ્યાં હતાં. શીખ ઉગ્રવાદીઓની સામે કડક વલણ દાખવવાને કારણે જ શીખ ઉગ્રવાદીઓની આંખમાં ખૂંચતા રિબેરો ઉપર બે વખત જીવલેણ હુમલાઓ થયાં હતાં. રિબેરો ઉપરનો પહેલો હુમલો ૧૯૮૬નાં ઓક્ટોબરમાં તેમનાં પંજાબનાં કાર્યકાળ દરમિયાન થયો હતો, જ્યારે બીજો હુમલો ૧૯૯૧નાં ઓગસ્ટમાં રોમાનિયાનાં બુકારેસ્ટ ખાતે થયો હતો. તેમની ઊપર થયેલા બીજા હુમલા દરમિયાન રિબેરો ભારતનાં રોમાનિયા ખાતેનાં રાજદૂત હતા.

પોલીસ વડા તરીકેની ફરજ ઉપરાંત રિબેરોએ પંજાબનાં રાજ્યપાલનાં સલાહકાર તરીકેની તેમજ ભારત સરકારનાં ગૃહમંત્રાલયમાં સ્પેશિયલ સેક્રેટરીની જવાબદારીઓ પણ નિભાવી હતી. ૧૯૮૭માં તેમની સેવાઓ માટે ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમની વ્યવહારિક કુનેહને કારણે રિબેરોને ગુજરાતમાં કોમી તોફાનોને ડામવા માટે બોલાવાયા હતા અને ડીજીપી તરીકે સફળ ભૂમિકા ભજવી હતી. તેમણે પોતાનાં જીવન અને તમામ કાર્યોને આવરી લેતીબુલેટ ફોર બુલેટઃ માય લાઇફ એઝ અ પોલીસ ઓફિસરનામની આત્મકથા લખી છે. હાલમાં તેઓ મુંબઇમાં નિવૃત્ત પરંતુ પ્રવૃતિઓથી ભરપૂર જીવન ગુજારે છે. નિવૃત્તિ બાદ તેઓ સમાજને ઉપયોગી થઇ રહે એ માટે એક એનજીઓની સ્થાપના કરીને તેઓ સમાજસેવાનાં વિવિધ કાર્યો કરી રહ્યાં છે. પોતાના કામને કારણે જુલિયો રિબેરો અત્યંત થ્રિલિંગ લાઇફ જીવ્યા.

બે-બે વખત જીવલેણ હુમલાઓ થયાં હોવા છતાં તેમજ પોતાનાં સિદ્ધાંતો અને સત્યપ્રિયતાને કારણે કેટલાંક સાથીઓ અને રાજકારણીઓનાં અળખામણા બન્યા છતાં પણ જુલિયો રિબેરોએ પોતાનાં સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ કરી હોય એવો એક પણ દાખલો બન્યો નથી. તેમનાં નિર્ભિક અને કર્તવ્યનિષ્ઠ  કાર્યોને કારણે નવી પેઢી જુલિયો રિબેરોને હંમેશાં રીઅલ હીરો તરીકે ઓળખશે એ વાતમાં કોઇ જ બે મત નથી.

Thursday, August 1, 2013

પરદેશી પંખીનો ભારતીય ટહુકો

ઝુમ્પા લાહિરી
હમણાં થોડાં દિવસો પહેલાં જ સાહિત્ય જગતનું ઘણું મોટુ ઇનામ ગણાતા મેન બુકર પ્રાઇઝની ૨૦૧૩ માટેની અંતિમ યાદીની જાહેરાત કરવામાં આવી. બુકર પ્રાઇઝની આ યાદીમાં કુલ ૧૩ નવલકથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તેર નવલકથાઓમાંની એક નવલકથા છેધ લોલેન્ડ’, જેનાં માટે હાલમાં સાહિત્ય જગતમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ પુસ્તક અન્ય બાર પુસ્તકો ઉપર ભારે પડશે. આપણાં માટે હરખાવા જેવી વાત એ છે કે આ નવલકથાનાં લેખિકા ભારતીય મૂળનાં છે અને તેમનું નામ છે ઝુમ્પા લાહિરી! અગાઉ પુલિત્ઝર એવોર્ડ મેળવી ચૂકેલાં ઝુમ્પાના દરેક પુસ્તકમાં એવા ભારતીયોની વાત હોય છે, જે વિશ્વ માનવીની જેમ વિચારવા અને જીવવા ટેવાયેલા હોય છે પણ તેમની ઊંડી લાગણીઓના મૂળિયા હંમેશા ભારત સાથે જોડાયેલા રહે છે. પોતાનું વતન છોડીને વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોની સંવેદના, મૂંઝવણોની ધારદાર અભિવ્યક્તિ એ ઝુમ્પાનું સૌથી મોટું જમા પાસું છે.

ઝુમ્પા લાહેરીનો જન્મ ૧૯૬૭માં લંડન ખાતે થયો હતો. મૂળ બંગાળી એવા તેમનાં પિતાએ ઝુમ્પા ત્રણ વર્ષની હતી ત્યારે અમેરિકા જઇને વસવાટ કરવાનું નક્કી કર્યુ. અમેરિકામાં જ ઉછરેલી અને ભણી-ગણીને મોટી થયેલી ઝુમ્પાનાં લેખનમાં સતત ભારત અને ભારતીયો પ્રત્યેની સંવેદના ડોકિયુ કરતી રહી એની પાછળનું મુખ્ય કારણ ઝુમ્પાની મા છે. કારણકે તેમનાં  મા ઝુમ્પા ભારત અને બંગાળનાં સાંસ્કૃતિક વારસાથી અને આપણાં મૂલ્યોથી પરિચિત થાય અને અમેરિકાનાં ઉછરી રહેલી ઝુમ્પા અમેરિકાનાં ઉડાઉ કલ્ચરમાં અટવાઇ નહીં જાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતાં. અંગ્રેજી સાહિત્યમાં બી.એ અને ત્યાર બાદ ક્રિએટીવ રાઈટિંગ અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ અને બાદમાં પીએચ.ડી કરી ચૂકેલી ઝુમ્પા હાલમાં તેનાં મૂળ અમેરિકન પતિ અને બે બાળકો સાથે અમેરિકામાં રહે છે.
તેમણે સાહિત્ય સર્જનનાં ક્ષેત્રમાં ૧૯૯૯ની સાલમાં તેમનાં વાર્તા સંગ્રહ ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝથી દસ્તક દીધા. શરૂઆતમાં તેમનાં આ વાર્તા સંગ્રહ માટે વિવિધ પ્રકાશકોએ નનૈયો ભણ્યો હતો. પરંતુ આખરે ૧૯૯૯માં એક પ્રકાશકે તેમનો આ વાર્તા સંગ્રહ પ્રકાશિત કર્યો. ‘ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝમાં કુલ નવ વાર્તાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ તમામ વાર્તાઓમાં ભારતમાંના અને ભારત છોડીને વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોની મનોવેદના ઝીલવામાં આવી છે.

ઝુમ્પાની 'ધ નેમશેઇક'
તેમણે વાર્તાસંગ્રહની નવ વાર્તાઓમાં ભારત બહાર વસેલા ભારતીયોની ભૂંસાઇ જતી ઓળખ, વિદેશમાં સ્થળાંતર દરમિયાન અને બાદમાં ઉદભવતી મુશ્કેલીઓ અને સાંસ્કૃતિક તફાવતો જેવાં વિષયોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તમામ વાર્તાઓમાં તેમણે વિદેશમાં સ્થાયી થયેલી પહેલી પેઢીની બીજી પેઢી માટેની ચિંતાઓને વાચા આપવાનો પ્રયત્ન કર્યો હતો.

ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝપ્રકાશિત થયાનાં બીજા જ વર્ષે એટલે કે ૨૦૦૦ની સાલમાં તેને ફિકશન માટેનું પુલિત્ઝર પ્રાઇઝ એનાયત થયુ હતું. અમેરિકા અને અમેરિકા બહાર આ પુસ્તકની કુલ ૧૫ મિલિયન કોપીઓ વેચાઇ હતી. અમેરિકાનાં વિવેચકોએ ઝુમ્પાનાં આ વાર્તા સંગ્રહનાં ખોબલે ખોબલે વખાણ કર્યા હતાં. જોકે ભારતમાં તેનાં પુસ્તકને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યા હતાં.

ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝપછી ૨૦૦૩માં ઝુમ્પાએ તેમની પહેલી નવલકથાધ નેમશેઇકઆપી હતી. ‘ધ નેમશેઇકમાં પણ તેમનાં આગલા વાર્તાસંગ્રહની જેમજ કલકત્તાથી બોસ્ટન જઇને વસેલા એક ભારતીય પરિવારની વાત કરવામાં આવી છે. ‘ધ નેમશેઇકનાં પ્રારંભિક તબક્કામાં  અમેરિકા આવીને વસેલા અશોક અને અસિમાને નવા માહોલ અને નવી સંસ્કૃતિને સ્વીકારતા અને તેમાં ઢળી જતા પડતી તકલીફોની વાત છે તો પાછળનાં ભાગમાં તેમનાં સંતાનોનો ભારતીય મૂલ્યોથી ઉછેર કરવાની તેમની ઝંખના અને અમેરિકામાં ઉછરેલા અને ભારતીય સંસ્કૃતિથી અજાણ તેમના સંતાનો સાથેનાં મતભેદોની વાત છે. શરૂઆતમાંધ નેમશેઇકઅમેરિકાનાં પ્રતિષ્ઠિત સામયિકધ ન્યૂયોર્કરમાં લધુનવલનાં સ્વરૂપે છપાઇ હતી. પરંતુ બાદમાં ઝુમ્પાએ તેમાં થોડાં સુધારાઓ કરી તેને નવલકથાનાં સ્વરૂપે પ્રકટ કરી હતી. પાછળથી આ નવલકથા ઉપરથી મીરા નાયરેધ નેમશેઇકનામની જ ફિલ્મ બનાવી હતી.
ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝઅનેધ નેમશેઇકમાં ઝુમ્પાએ અમેરિકા અથવા વિદેશમાં અન્ય કોઇ દેશમાં જઇને વસેલી પહેલી પેઢીનાં વિસ્થાપન દરમિયાનનાં પ્રશ્નો અને વસવાટકાળની મુશ્કેલીઓની વાતનું આલેખન કર્યુ છે. તો ૨૦૦૮માં ઝુમ્પા ફરી એકઅનએકસ્ટમ્ડ અર્થનામનો વાર્તા સંગ્રહ લઇને આવે છે, જેમાં ઝુમ્પાએ અમેરિકામાં જઇને વસેલા ભારતીયોની બીજી અને ત્રીજી પેઢી ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. તેમનાં  આ વાર્તા સંગ્રહમાં કુલ આઠ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘અનએકસ્ટમ્ડ અર્થમાં ભારતીય મા-બાપ અને અમેરિકાનાં તેમનાં મિત્રો વચ્ચે ઝોલા ખાતી અને બીજી પેઢીની વાત કરવામાં આવી છે. આ વાર્તા સંગ્રહનાં પાત્રો ઝુમ્પાનાં અન્ય પાત્રોની જેમ મૂલ્યોનું સ્થાપન અને તેની માવજત અંગેની વાતો નથી કરતા. અહીં તમામ પાત્રો તેમનાં મા-બાપનાં સંસ્કારો અને ભારતીય ઢભનાં ઉછેરની જીદ વચ્ચે તેમનાં વિવિધ સંબંધોનાં માપદંડ, પ્રેમ અને કરિયર અંગેની માથાકૂટમાં પડ્યા છે.

હાલમાં બુકર માટે નોમિનેટ થયેલું ઝુમ્પાનું પુસ્તક
તો આ વર્ષનાં બુકરપ્રાઇઝ માટે નામાંકિત થયેલી ઝુમ્પાની નવી નવલકથાધ લોલેન્ડમાં પણ તેમણે ભારતીય પાત્રોને અને તેમનાં સંઘર્ષને વણી લેતી કથા આલેખી છે. ‘ધ લોલેન્ડમાં પણ ઝુમ્પાનાં પાત્રો ભારત અને અમેરિકા વચ્ચે ઝોલા ખાય છે. તેમની આ નવલકથામાં ઉદયન અને સુભાષ નામનાં બે ભાઇઓની વાત છે જેઓ લગભગ એક સરખા દેખાઇ છે. કલકત્તામાં તેમનાં બાળપણનાં દિવસોમાં કેટલાય લોકો તેમને ઓળખવામાં ગોથું ખાઇ જતાં. પરંતુ આ બંને ભાઇઓનાં દેખાવમાં જેટલી સામ્યતા હતી એટલી સામ્યતા તેમનાં ભવિષ્યમાં નથી. ૧૯૬૦નાં સમયગાળામાં ઉદયન નકલવાદી પ્રવૃતિઓ સાથે સંકળાય છે તો સુભાષ તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અમેરિકાની વાટ પકડે છે. બદલાતા સમય સાથે બંને ભાઇઓનાં નસીબ પણ બદલાય છે અને એ સમયે બંને ભાઇઓ સિક્કાની બે બાજુ બની જાય છે. આમ બે ભાઇઓનાં જુદાં નસીબ અને તેમની ટ્રેજેડીઓ સાથે ઝુમ્પાએ ધ લોલેન્ડમાં ૧૯૬૦નાં દશકના ભારત અને ભારતની પરિસ્થિતિઓનું અદભુત વર્ણન કર્યુ છે.
તેમનાં પહેલા પુસ્તકથી જ ઝુમ્પા વાચકો અને વિવેચકોનું ધ્યાન તેમની તરફ દોરવામાં સફળ રહ્યાં હતાં. અમેરિકામાં કેટલાંક વિવેચકોને તેમની લેખનશૈલીમાં અનિતા દેસાઇનો પડઘો પડતો જણાય છે. જોકે ભારતનાં કેટલાક વિવેચકો ઝુમ્પાનાં સાહિત્યનું મૂલ્યાંકન કંઇક અલગ રીતે કરે છે. તેઓ ઝુમ્પાની વાર્તાઓ વિશે એમ માને છે કે તેમની વાર્તાઓમાં ભારતીયતાનું  ચિત્રણ નકારાત્મક રીતે કરવામાં આવે છે. બાકી, વિવેચકોનાં મતને બાજુએ રાખીએ તો ભારતનાં વાચકોએ ઝુમ્પાની વાર્તાઓને ઘણાં પ્રેમથી આવકારી છે.


બુકર પ્રાઇઝ અને ભારતીયો


બુકર પ્રાઇઝને સાહિત્ય જગતનું ઘણું મોટુ ઇનામ ગણવામાં આવે છે. ૧૯૬૯થી દર વર્ષે એનાયત થતું આ માનવંતુ પુરસ્કાર હમણાં સુધીમાં છ મૂળ ભારતીયોને એનાયત થયો છે. બુકર પ્રાઇઝ વિજેતા ભારતીયોની આ યાદીમાં વી.એસ.નયપોલ, રૂથ પ્રાવર ઝાબવાલા, સલમાન રશ્દી, અરુંધતી રોય, કિરણ દેસાઇ અને અરવિંદ અડિગાનો સમાવેશ થાય છે. જોકે વી.એસ નયપોલ અને રૂથ પ્રાવર ઝાબવાલાને ભારતીય ગણવા કે નહીં એ અંગે વારંવાર ચર્ચાઓ થઇ છે. સલમાન રશ્દીને ૧૯૮૧માં તેમનાં પુસ્તકમિડનાઇટ્સ ચીલ્ડ્રનમાટે બુકર પ્રાઇઝ એનાયત થયું હતું જ્યારે બાકીનાં ત્રણ લેખકોનાં બુકર પ્રાઇઝ માટે એક અજબ જોગાનુજોગ સર્જાયો છે. અરુંધતી રોયને ૧૯૯૭માં તેમનાં પુસ્તકધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સમાટે, ૨૦૦૬માં કિરણ દેસાઇનેધ ઇનહેરિટ્ન્સ ઓફ લોસમાટે અને અરવિંદ અડિગાને ૨૦૦૮માંધ વ્હાઇટ ટાઇગરમાટે બુકર પ્રાઇઝ એનાયત થયું હતું. આ ત્રણેય વાર્તાકારોનાં કિસ્સામાં એવું બન્યુ છે કે આ ત્રણેયનાં પ્રથમ પુસ્તકો બુકર પ્રાઇઝ જીતવામાં સફળ રહ્યાં હતાં