Wednesday, April 23, 2014

શોખ બડી ચિઝ હૈ!

બોલિવુડમાં કેટલાક અભિનેતા એવા હોય છે જેમને માત્ર ને માત્ર તેમના અભિનયને કારણે લોકો અત્યંત પસંદ કરતા હોય છે. આ યાદીમાં ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, ઇરફાન ખાન અને નવાઝુદ્દિન સિદ્દીકી જેવા અભિનેતાઓના નામ સામેલ છે. અભિનેતા મનોજ બાજપેઈ પણ આજ નામોમાંનું એક છે, જેની પાસે ન તો ઓમ પુરી જેવો જાદુઇ અવાજ હતો કે ન નસીરુદ્દીન શાહની જેમ નાટકોનો બહોળો અનુભવ હતો. તો આજકાલની ફિલ્મોમાં જે એલિમેન્ટ પર કલાકારને પસંદ કરવામાં આવે એવું બોડી સ્ટેટ્સ કે દેખાવનો તો પ્રશ્ન જ ન હતો! પણ છતાં મનોજ વાજપેઈ તેના અભિનયના શોખને કારણે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો અને તેના કામના જોરે ઈન્ડસ્ટ્રીમાં સારી એવી નામના પણ મેળવી.

૨૩ એપ્રિલ ૧૯૬૯ના રોજ બિહારના ચંપારણ નજીકના બેલવા ગામે જન્મેલો મનોજ બાજપાઈ એક સામાન્ય ખેડૂતનો દીકરો છે. પોતાના પાંચ ભાઈ બહેનો સાથે મિશનરી શાળામાં ભણી મોટા થયેલા મનોજને અભિનયનો ચસ્કો ક્યારથી લાગ્યો એની ચોક્કસ ખબર નથી. પરંતુ બાળપણમાં જોયેલી ‘ઝંઝીર’ ફિલ્મે તેના પર ઘણી ઊંડી અસર કરી હતી. આથી કદાચ ફિલ્મોમાં તેના અભિનય માટેના મૂળિયાં ત્યાંથી જ રોપાયા હશે. ‘ઝંઝીર’ પછી તેણે ઉપરાછાપરી ઘણી બધી ફિલ્મો જોઈ નાખી અને છાપામાં બોલિવુડના અભિનેતાઓ વિશે છપાતા વિવિધ સમાચારો અને ગપસપ અત્યંત રસપૂર્વક વાંચી જતો. એવામાં એક વાર નસીરુદ્દીન શાહનો એક ઈન્ટરવ્યૂ તેના વાંચવામાં આવ્યો, જેમાં નસીરુદ્દીને દિલ્હીની પ્રખ્યાત અભિનય શાળા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(એનએસડી) વિશે વાત કરી હતી. તેને આ પહેલા એવો કશો ખ્યાલ ન હતો કે દેશમાં અભિનય શિખવવા માટે પણ તાલીમ અપાય છે. નસીરની વાત વાંચીને તેને પણ દિલ્હી જઈને એનએસડીમાં એડમિશન લેવાની ધૂન લાગી. પણ આ માટે તેણે તેના પિતાને મનાવવા અત્યંત જરૂરી હતા, કારણકે તેના પિતા અભિનય માટે બહુ સારો અભિપ્રાય ધરાવતા ન હતા.

જોકે જેમ તેમ કરીને તેણે તેના પિતાને મનાવી લીધા અને ખભે સપના બાંધી તેણે દિલ્હી જતી ગાડી પકડી. દિલ્હી આવીને તરત જ તેણે એનએસડીમાં એડમિશન લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા પરંતુ પહેલા પ્રયત્નમાં તેને ધારી સફળતા ન મળી અને તેને ત્યાંથી જાકારો મળ્યો. આ જ વાતનું પુનરાવર્તન બીજી, ત્રીજી અને ચોથી વાર પણ થયું. એટલેકે દિલ્હીની પ્રખ્યાત એક્ટિંગ સ્કૂલ એનએસડીએ મનોજ વાજપેઈને ચાર વખત રિજેક્ટ કર્યો હતો. બીજી તરફ તેણે દિલ્હી યુનિવર્સિટીમાં ઈતિહાસના વિષય સાથે સ્નાતકનું ભણતર શરૂ કરી દીધું અને ખર્ચને પહોંચી વળવા તેણે દિલ્હીની સલામ બાળક ટ્રસ્ટમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું હતું. આ રીતે દિલ્હીમાં ત્રણેક વર્ષ વધુ રહી શકાય તેવી તેણે ગોઠવણ કરી નાખી હતી. આ દરમિયાન તેણે બેરી જ્હોનની સાથે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું અને તેની ઈમેગો એક્ટિંગ સ્કૂલમાં અભિનયની તાલીમ લેવાનું શરૂ કર્યું. બેરી જ્હોન સાથે કામ કરવું તેને માટે લાભદાયી સાબિત થયું કારણકે આ દરમિયાન તેને દિલ્હીના નાટ્ય જગતમાં એક કલાકાર તરીકે સારી એવી ખ્યાતિ મળી રહી હતી અને બીજી તરફ દિગ્દર્શક શેખર કપુરની તેના પર નજર પડી અને તેમણે મનોજને તેમની આગામી ફિલ્મ ‘બેન્ડિટ ક્વિન’ માટે સાઈન કરી લીધો. આખરે વર્ષ ૧૯૯૪માં ‘બેન્ડિટ ક્વિન’માં ડાકુ માનસિંઘના રોલમાં તેણે બોલિવુડમાં પદાર્પણ કર્યું અને બોલિવુડને એક ઉત્તમ અભિનેતા મળ્યો.

હવે તે ફિલ્મોમાં કામ કરવાના સપના જોવા માંડયો હતો અને તે દિલ્હી છોડીને મુંબઈ આવી ગયો. પરંતુ આ મુંબઈ હતું. અહીંની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના જેવા અનેક કલાકારો રોજ ડઝનની સંખ્યામાં મુંબઈ ઠલવાતા અને દિગ્દર્શકોના દાદર ઘસીને નિષ્ફળતા પામી ઘરભેગા થઈ જતા હતા. પરંતુ મનોજ હારી કે થાકી જાય એમાનો ન હતો. તેણે ખરા અર્થમાં સ્ટ્રગલ કરી અને ફિલ્મોમાં કોઈ નાનકડું કામ મળી જાય એ માટે અહીંથી ત્યાં રખડપટ્ટી કરી. આ દરમિયાન વર્ષ ૧૯૯૫માં દૂરદર્શનની ‘સ્વાભિમાન’ નામની ધારાવાહિકમાં તેને એક ભૂમિકા મળી. આ જ સિરિયલને કારણે તે સમયે ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી રહેલા બે અભિનેતા આશુતોષ રાણા અને રોહિત રોયને પણ સારી એવી નામના મળી હતી.

એવામાં એક વાર તેને ખબર પડી કે રામગોપાલ વર્મા ‘દૌડ’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આથી મારતે ઘોડે તે રામગોપાલ વર્માને મળવા ગયો અને દૌડમાં તેને કોઈક નાનકડી ભૂમિકા આપે એવી આજીજી કરી. પણ રામુને જ્યારે ખબર પડી કે તેની પાસે નાનકડો રોલ માગી રહેલો આ કલાકાર ‘બેન્ડિટ ક્વિન’નો ડાકુ માનસિંઘ છે ત્યારે રામુએ તેને કહ્યું કે,  ‘તને હું દૌડમાં નાનકડો રોલ આપવા કરતા મારી નવી ફિલ્મ ‘સત્યા’ના ભીખુ મહાત્રે નામના પાત્ર માટે સાઈન કરવાનું વધુ પસંદ કરીશ.’ પરંતુ એ સમયે મનોજ ભારે આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેને પૈસાની તાતી જરૂરિયાત હતી આથી તેણે ‘દૌડ’માં જ એક રોલ માગી જ લીધો અને વર્ષ ૧૯૯૬માં તે ‘દૌડ’માં પુષ્કરના રોલમાં બીજી વખતે મોટા પડદે દેખાયો.
હમણાં સુધી ‘દ્રોહકાલ’, ‘દસ્તક’ અને ‘તમન્ના’ જેવી ફિલ્મોમાં તેણે નાની મોટી ભૂમિકાઓ ભજવી હતી. પરંતુ તેને હજુ પ્રસિદ્ધિ મળી ન હતી. પરંતુ ૧૯૯૮માં ‘સત્યા’ આવી પછી ભીખુ મહાત્રેનું તેનું પાત્ર અત્યંત વખણાયું અને આ સાથે જ મનોજ બાજપાઈને બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા તરીકેની ગ્લેમરસ ઓળખ મળી. આ રોલને કારણે તેના એવોર્ડસનું ખાતુ પણ ખુલ્યું અને તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો નેશનલ એવોર્ડ, તે વર્ષનો ફિલ્મફેર એવોર્ડ, ઝી સીને એવોર્ડ અને સ્ટાર સ્ક્રીન એવોર્ડ પણ પ્રાપ્ત થયો. આ પછી તેની ફિલ્મી કારકિર્દી પાટે ચઢી ગઈ. સત્યા પછી શૂલ(૧૯૯૯), કૌન(૧૯૯૯), અક્સ(૨૦૦૧), ઝુબેદા(૨૦૦૧) અને રોડ(૨૦૦૨) જેવી અનેક ફિલ્મોમાં તેના અભિનયને દર્શકો અને ફિલ્મ વિવેચકો દ્વારા અત્યંત પસંદ કરવામાં આવ્યો.

આ બધી ફિલ્મોને કારણે તેને હમણાં સુધી અનેક એવોર્ડસ મળી ચૂક્યા હતા. પરંતુ ૨૦૦૩માં અમૃતા પ્રીતમની નવલકથા પરથી બનેલી ‘પિંજર’ ફિલ્મે ફરીથી તેને રાષ્ટ્રીય એવોર્ડ અપાવ્યો. વિભાજનના સમય પર બનેલી આ ફિલ્મમાં તેણે રશીદ નામના મુસ્લિમ યુવાનની ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી પણ વીર ઝારા(૨૦૦૪), 1971(૨૦૦૭), આરક્ષણ(૨૦૧૧) અને રાજનીતિ (૨૦૧૧) જેવી ફિલ્મોમાં પણ તેની અભિનયની ગાડી પૂરપાટ દોડી.

‘સત્યા’ ફિલ્મ કરતી વખતે ફિલ્મના સ્ક્રિપ્ટ રાઈટર અનુરાગ કશ્યપ સાથે તેની મિત્રતા થઈ. તેમની આ મિત્રતા આગળ જતા ઘણાં ઊતાર ચઢાવમાંથી પસાર થવાની હતી. કારણકે ‘સત્યા’ પછી તેમના સંબંધ એટલા બધા ગાઢ થઈ ગયા હતા કે તેઓ લગભગ મોટા ભાગનો સમય એકસાથે જ વિતાવતા અને રાત્રે એકબીજાના ઘરે સૂઈ રહેતા. પરંતુ કોઈક વાતે તેમની વચ્ચે ગેરસમજ થઈ અને તેઓ એક દાયકા સુધી એકબીજાથી દૂર રહ્યા. આખરે ૨૦૧૨માં અનુરાગ કશ્યપે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેણે તેમના અબોલા તોડવાની પહેલ કરી અને મનોજ વાજપેઈને વાઈન પીવાનું આમંત્રણ આપ્યું. તેમની આ મિટિંગમાં અનુરાગે મનોજને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ની વાત કરી અને તેને સરદાર ખાનની ભૂમિકા ભજવવા માટે તૈયાર કર્યો. સરદાર ખાનનું પાત્ર દેશમાં કેટલું વખણાયું એ વિશે કંઈ કહેવાની અહીં જરૂર નથી.

ત્યાર પછી પણ મનોજે ચક્રવ્યુહ, સ્પેશિયલ26, શૂટ આઉટ એટ વડાલા અને શૂટ આઉટ એટ વડાલામાં લોકોને તેના અભિનયના જલવા બતાવ્યા છે. અભિનેતા બનવાના નિર્ણય કર્યા પછી મનોજ બાજપેઈએ જીવનની દરેક તડકી છાંયડી જોઈ છે. મુંબઈ આવ્યા પછી શરૂઆતના સમયમાં એક તરફ એ કામ શોધવા માટે અહીંથી ત્યાં ભટકતો હતો ત્યારે તેની પહેલી પત્નીએ પણ તેનાથી છૂટાછેડા લીધા હતા. તે આર્થિક અને પારિવારિક મુશ્કેલીઓનો એકસાથે સામનો કરી રહ્યો હતો પરંતુ તે ભાંગ્યો નહીં અને પોતાના નિયત લક્ષ્ય પર અણનમ રહ્યો. કદાચ આવા જ બધા કારણોસર તેના અભિનયમાં પરિપક્વતા આવી હશે! આજે તે તેની અભિનેત્રી પત્ની નેહા અને નાનકડી દીકરી આવા સાથે અત્યંત ખુશ છે. તે કહે છે કે તેના જીવનમાં હવે ત્રણ જ સપના રહ્યા છે.  એક તેની દીકરીને સારામાં સારુ શિક્ષણ આપવું, બીજું તેના ભાઇ-બહેનને આર્થિક મદદ કરીને માતા-પિતાને તેની સાથે રહેવા લઈ આવવું અને ત્રીજું જીવનના પાછલા વર્ષોમાં તેના વતન જઈ એક નાનકડા ઘરમાં મૂળભૂત સગવડોભર્યું સાદુ જીવન જીવવુ!  હાલમાં તો તે તેની ‘અંજાન’, ‘ટ્રાફિક’ અને ‘તેવર’ નામની ફિલ્મોના શૂટિંગમાં અત્યંત વ્યસ્ત છે.

Friday, April 18, 2014

સોશિયલ મીડિયાનો નવો ટ્રેન્ડઃ મેમેલોકસભાની ૨૦૦૯ની ચૂંટણી અને આ વર્ષની ચૂંટણી વચ્ચે સૌથી મોટો ફરક એ છે કે ત્યારે દેશના લોકોના હાથમાં સાદા અથવા બહુ ઓછી સુવિધા ધરાવતા સેલફોન હતા, પણ આ વખતે લોકોના હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે. ત્યારે ચોરે ચોતરે બેસીને ફેસ ટુ ફેસ રાજકારણની ચર્ચા થતી ત્યારે આજે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને ફેસબુક વૉલ પર કે વ્હોટ્સએપ ગ્રુપ્સમાં કોઈ મુદ્દા પર દલીલ કે ચર્ચા કરી શકાય છે અને પોતાની દલીલને વજનદાર બનાવવા માટે ફોટોગ્રાફ્સ, વીડિયો અને ડૉક્યુમેન્ટ્સ પણ શેર કરી શકાય છે. ઈનશોર્ટ દરેક હાથમાં સ્માર્ટફોન હોવાથી લોકો પહેલા કરતા વધુ સ્માર્ટ થયાં છે અને સોશિયલ મીડિયાની ચારેકોર વાહવાહી છે.

દેશના રાજકારણમાં, બોલિવુડમાં અથવા રમતજગતમાં જરા સરખી કાંકરી ખરે અને સોશિયલ મીડિયામાં ગણતરીની મિનિટોમાં હોહા મચી જાય. ખેર, સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા બંને છે, પણ એ ચર્ચા અહીં અસ્થાને છે. આજે તો માત્ર ‘મેમે’ની જ વાત. કારણકે આજે અત્ર-તત્ર-સર્વત્ર બસ ‘મેમે’ જ ‘મેમે’ છવાયેલા છે!

દેશમાં ‘મોદી વેવ’ છે કે નથી એ ચર્ચા જેટલી બીજી કોમ્પ્લિકેટેડ ચર્ચા એ પણ છે કે હાલમાં સોશિયલ મીડિયા પર કયો વેવ કે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કારણકે લોકો એકાદ ટ્રેન્ડથી પરિચિત થાય ન થાય ત્યાં બીજા કોઈ નવા ટ્રેન્ડે તેમના મોબાઈલ સ્ક્રીન પર દસ્તક દઈ દીધા હોય છે. હજુ થોડાં દિવસો પહેલા વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સેલ્ફીની બોલબાલા હતી, ત્યાં આજકાલ મેમે પૂરબહારમાં છે. તમને એ પ્રશ્ન થઈ રહ્યો હશે કે ‘મેમે’ વળી કઈ નવી બલા છે, અમે તો તેમને જોયાં જ નહીં? પણ આપણે સૌ એનાથી સારી રીતે પરિચિત છીએ, પરંતુ આપણામાંથી બહુ ઓછાને એની ખબર હશે કે મારી મોબાઇલ ગેલેરીમાં ઓટોસેવ થઈ ગયેલા આ ફોટોગ્રાફ્સને મેમે કહેવામાં આવે છે. તમે જોયું હશે કે આજકાલ ફેસબુક પર લોકો કમેન્ટ બોક્સમાં કેટલાક હાસ્યાસ્પદ ફોટો મૂકતા હોય છે, જેમકે કોઈક વ્યક્તિએ ફેસબુકે અપડેટ કરેલું સ્ટેટ્સ બીજા વ્યક્તિને પસંદ નહીં આવે તો તે પેલાં સ્ટેટસના કમેન્ટ બોક્ષમાં શત્રુઘ્‍નસિંહાનો ફોટો અપલોડ કરશે જેની ઉપર ‘ખામોશ’ લખ્યું હશે. આ ઉપરાંત તમે અભિનેતા આલોકનાથના ફોટા પર ‘સંસ્કારી’ અથવા ‘કન્યાદાન’વાળું કોઈ હાસ્યાસ્પદ વાક્ય જોયું હશે. જે તમને પસંદ આવ્યા બાદ વિના કોઈ વિલંબ તમે બીજા કોઈને શેર પણ કર્યું હશે. આવા ફની ફોટોગ્રાફ્સ કે વીડિયોને મેમે કહેવામાં આવે છે.

વ્હોટ્સ એપ પર ઘણું ચગેલુ અબકી બાર મોદી સરકારનું મેમે
એક જગ્યાએ સોશિયલ મીડિયાના મેમે માટે કંઈક આવી વ્યાખ્યા કરવામાં આવી છે, ‘કોઈ પણ વીડિયો, હેઝટેગ, ફોટો કે ગીતને અમુક પ્રકારના શબ્દો સાથે કોઈ બીજા અર્થમાં રજૂ કરાય તો તેને મેમે કહેવામાં આવે છે. આમ તો મેમે શબ્દનો પ્રયોગ સૌથી પહેલી વખત ૧૯૭૬માં રિચર્ડ ડોકિંગ્સે તેમના ‘ધ સેલ્ફિશ જિન’ નામના પુસ્તકમાં કર્યો હતો. ત્યાર પછી વર્ષો સુધી જુદા જુદા સંદર્ભોમાં તેનો ઉપયોગ થતો રહ્યો અને વર્ષ ૧૯૯૬માં તે ઇન્ટરનેટ આલમમાં આવી પહોંચ્યો. જોકે ઈન્ટરનેટ પર તેનો અર્થ બદલાઈ ગયો અને ડોકિંગ્સ સાહેબનો કાલ્પનિક મેમે કોઈ વાત અથવા વિચારને આકર્ષકતાથી રજૂ કરવા માટેનું એક ટુલ બની ગયો. ભારતની વાત કરીએ તો દેશની કોઈક જાણીતી હસ્તીની ઠેકડી ઉડાવવાથી લઈને રાજકીય પક્ષોના પ્રચારમાં મેમેનો મહત્તમ ઉપયોગ થાય છે.

ગયા સપ્‍તાહમાં જ ભારત ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં શ્રીલંકા સામે હારી ગયું ત્યારે લોકોએ દોષનો ટોપલો યુવરાજ સિંઘ પર ઢોળ્યો અને માત્ર તે મેચના તેના પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને કેટલાક કહેવાતા ક્રિયેટિવ ડિંગલીખોરોએ યુવરાજના મેમે તૈયાર કરી નાંખ્યા. હજુ તો મેચ પૂરી થાય એ પહેલા વ્હોટ્સએપ અને ફેસબુક પર યુવરાજના નામે અસંખ્ય મેમે ફરતા હતા. માત્રને માત્ર આ ‘મેમે’ના ત્રાસને કારણે સોમવારે સવારે એટલે કે ફાઇનલ મેચના બીજા દિવસે કેટલાક લોકોએ ફેસબુક પર લાંબા લચાક સ્ટેટસ અપડેટ કરવા પડ્યા કે ભાઈ આ જ ખેલાડીએ ભૂતકાળમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા એ ભૂલી ગયાં કે શું? યુવરાજ પરના વ્યંગ ઉપરાંત અભિનેતા આલોકનાથ પરના જોક્સ અથવા સની લિયોન કે ચૂંટણીમાં ઊભા રહેવાની રાખી સાવંતની જાહેરાત પછી તેના ફોટોગ્રાફ્સ સાથેના વિટ્ટી વાઇરલ્સ પણ ઘણાં લોકપ્રિય થયાં છે. લોકોના ઈનબોક્સ સુધી આટલી આસાનીથી પહોંચી શકાતું હોય તો એ લાભ ખાટી લેવામાં રાજકીય પક્ષોએ પણ એડીચોટીની મહેનત કરી છે.

જોકે રાજકીય પક્ષોએ હંગામી ધોરણે ઊભા કરેલા આઇટી સેલમાંથી આ મેમે વાઇરલ થાય છે કે પછી વિવિધ પક્ષોના અાંધળા સમર્થકો પણ આવા મેમે તૈયાર કરતા હોય છે, એ સંશોધનનો વિષય છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી અને અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધા પછી તેમના નામે અઢળક મેમે વાયરલ થયા હતા. હાલમાં રાજકારણના મેમેમાં ‘અબકી બાર મોદી સરકાર’ અત્યંત હિટ રહ્યું છે, જેમાં લોકો ‘અબકી બાર..’ સાથે જાતજાતના વાક્યો કે ગીતોનો પ્રાસ બેસાડી રહ્યા છે. દા.ત. ‘દેખા હે પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર.. અબકી બાર મોદી સરકાર.’ અથવા ‘પાનીપૂરી હે દસકી ચાર, અબકી બાર મોદી સરકાર’ વાહ!

વ્લાદીમિર પુતિન પરનું એક મેમે
જોકે, દેશ બહારના કેટલાક મેમે પર અછડતી નજર કરીએ તો વિદેશમાં બરાક ઓબામા, વ્લાદીમિર પુતિન, ડેવિડ કેમેરોન અને ઈંગ્લેન્ડના રાણી જેવા લોકો મેમે માટે હોટ ફેવરિટ છે. યુક્રેનની કટોકટી વખતે યુરોપ અને અમેરિકાએ પુતિન વિરોધી મેમે સોશિયલ મીડિયામાં લીક કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો મલેશિયાનું MH 370 લાપતા થયું પછી આવા ગંભીર વિષયો પર પણ લોકોએ મેમે તૈયાર કર્યા હતા. જોકે આપણા અને વિદેશના મેમેમાં ફરક એટલો જ છે કે તેમના મેમે ખરા અર્થમાં ક્રિયેટિવ હોય છે, જ્યારે આપણે ત્યાં અમુકને બાદ કરતા મોટા ભાગના મેમેમાં સ્તર જળવાતું નથી અને લોકો નિમ્‍ન સ્તરની ભાષા વાપરતા હોય છે.
જો મેમેમાં વ્યંગનો યોગ્ય ઉપયોગ કરાય તો આજના સમયમાં તે વિરોધ કરવાનું અત્યંત અસરકારક માધ્યમ છે. આજે તેના વધારે પડતા ચલણને કારણે પ્લેસ્ટોર પર મેમે બનાવતી કેટલીક એપ પણ છે તો કેટલીક વેબસાઇટ્સ પર પણ આસાનીથી મેમે તૈયાર કરી શકાય છે. તો હવે સેલ્ફી તો આપણે ઘણાં પાડ્યા અને લોકોની લાઇક્સ પણ બહુ લીધી, હવે મેમેનો સમય આવ્યો છે. ચાલો તમે પણ મેમે તૈયાર કરતી એકાદ એપ ડાઉનલોડ કરો અને મેમે તૈયાર કરીને વ્હોટ્સએપ કે ફેસબુક પર ફરતું કરી દો. અલબત્ત શિષ્ટાચારના કેટલાક નિયમો જાળવવાનું ના ભૂલતા! ■

Thursday, April 10, 2014

હો રાજ મને લાગ્યો કવિતાનો રંગ!

નરેન્દ્ર મોદીનો કાવ્ય સંગ્રહ
અંતમાં આરંભ અને આરંભમાં અંત,
પાનખરના હૈયામાં ટહૂકે વસંત.
સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય, 
કેસૂડાનો કોના પર ઊછળે પ્રણય?
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત,
પાનખરના હૈયામાં ટહુકે વસંત.

વાહ ક્યા બાત હૈં! ઈર્શાદ ઈર્શાદ... ઉનાળાના ગરમ દિવસોમાં હજુ તાજા જ વીતેલા વસંત વિશેની પંક્તિ વાંચવા મળે તો દિલમાં થોડી ઠંડક તો થઈ જ જાય. ઉપરોક્ત પંક્તિઓ કવિ નરેન્દ્ર મોદીની છે, જે તેમણે ચૂંટણી પ્રચારની દોડાદોડી વચ્ચે ખાસ સમય કાઢીને લખી હતી. આ પંક્તિઓ ઉપરાંત પણ ‘પૃથ્વી આ રમ્ય છે, આંખ આ ધન્ય છે’ જેવી કવિતાઓ ખુદ નરેન્દ્ર મોદીના લાઈમલાઇટમાં આવ્યા પછી ઘણી પ્રકાશમાં આવી હતી. વર્ષ ૨૦૦૭માં ‘આંખ આ ધન્ય છે’ નામનો તેમનો પહેલો કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થયો હતો એ વાત બધા જાણે જ છે. ગુજરાતના મુખ્યપ્રધાન અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉપરાંત પણ આપણા પાસે એવા અનેક નેતાઓ છે જેઓ કવિ છે. રાજકારણ અને કવિતાના મૂળ છેક સરોજીની નાયડુ સુધી પહોંચે છે અથવા તો ત્યાંથી જ રાજકારણ અને કવિતાનો ભેળસેળિયો ટ્રેન્ડ શરૂ થયો છે એમ પણ કહી શકાય.

નરેન્દ્ર મોદી પહેલા ભાજપમાં અટલ બિહારી વાજપેયીનો કવિ તરીકે ભારે વટ હતો. પાકિસ્તાન વિશેના કોઈ વક્તવ્યો હોય કે પછી સંસદમાં વિપક્ષના નેતા તરીકે સરકારને આડે હાથે લેવાની હોય, એ બધામાં વાજપેયી કવિતાનો ઘણો સહારો લેતા. તેમની વક્તૃત્વકળા અત્યંત પ્રભાવશાળી હતી એ એક આડવાત છે પરંતુ કવિતાની વાત આવે ત્યારે તેઓ અત્યંત ભાવવિભોર થઈ જતા અને લોકોને પણ તેમના કાવ્યોના વિવિધ ભાવોમાં છબછબિયા કરાવતા. રાજકારણમાં સક્રિય હતા એ દરમિયાન તેમના ‘મેરી ઇક્યાવન કવિતાએ’, ‘ક્યા ખોયા ક્યા પાયા’, ‘શ્રેષ્ઠ કવિતા’ જેવાં પાંચેક કાવ્યસંગ્રહો પ્રકાશિત થયાં હતા. તે મે ૨૦૦૪ સુધી વડાપ્રધાન હતા અને તે પહેલા મશહુર ગાયક જગજિત સિંઘના કંઠમાં ગવાયેલી તેમની કેટલીક ગઝલોના બે આલ્બમ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. વાજપેયી રાજકારણમાં સક્રિય હતા ત્યારે કેટલાક લોકો ‘તમે રાજકારણમાં આવ્યા એના કરતા માત્ર કવિ જ થયાં હોય તો સાહિત્ય માટે ઘણું સારું થાત.’ એમ કહીને તેમને પાનો ચઢાવતા. અને તેઓ પણ એ વાતનો ભારે હૈયે સ્વીકાર પણ કરતા કે રાજકારણને કારણે કવિ તરીકેના તેમના વિકાસમાં ઘણાં અવરોધો આવ્યા છે!

ભૂતપૂર્વ વડાપ્રધાન વી.પી સિંઘ પણ કવિતાઓ કરવા માટે જાણીતા હતા. જોકે તેમને મંચ પરથી છટાદાર શૈલીમાં રજૂઆત કરવામાં એટલી બધી ફાવટ ન હતી આથી મોટા વર્ગને તેમની કવિતાઓ સાંભળવાનો સીધો લાભ મળ્યો ન હતો. તેમણે લખેલી કેટલીક કવિતાઓ તેમની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.
તૃણમૂળ કોંગ્રેસના વડા મમતા બેનરજી ચિત્રો દોરવામાં માહેર છે એ વાતથી બધા પરિચિત છે પરંતુ છેલ્લાં કેટલાક સમયથી કઠોર નિર્ણયો અને પગલા લેવા માટે જાણીતા પશ્ચિમ બંગાળના આ મુખ્યમંત્રીએ શબ્દ સાથે પણ ઘરોબો કેળવ્યો છે. હવે તેઓ જ્યારે પણ બંગાળની બહાર જાય અથવા કોઈ લાંબી મુસાફરી પર હોય ત્યારે વિરોધીઓ વિશે વિચારીને સમય બગાડવા કરતા તેઓ કવિતાઓ લખવાનું વધુ પસંદ કરે છે. ૨૦૧૩માં કોલકાતાના પ્રખ્યાત ‘કોલકાતા બુક ફેર’માં તેમનો ‘શી નેઈ’ (તે હવે નથી) નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો હતો. આ કાવ્યસંગ્રહમાં તેમણે દિલ્હી ગેંગરેપની પીડિતા ઉપરાંત સમાજમાં શોષણનો શિકાર થતી મહિલાઓને કેન્દ્રમાં રાખીને કેટલાક કાવ્યો લખ્યા હતા. આમ તો મમતાએ રાજકારણ પર અત્યાર સુધીમાં ૨૫ જેટલા પુસ્તકો લખ્યા છે. પરંતુ કવિતાનું તેમનું આ પહેલું પુસ્તક થયું છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તે અત્યાર સુધીમાં આ પુસ્તકની ૧૦,૦૦૦થી વધુ કોપી ખપી ગઈ છે.

નરેન્દ્ર મોદી અને મમતા બેનરજી માટે તો પહેલાથી જ કહેવાતું કે તેમણે ઘણું સાહિત્ય વાંચ્યું છે અને તેઓ સાહિત્ય અને કળામાં રૂચિ ધરાવે છે. પરંતુ કેન્દ્રિય મંત્રી કપિલ સિબલ ઘણાં પાછળથી કવિતા તરફ વળ્યા. ૨૦૧૧ના વર્ષમાં 2જી ગોટાળા અને લોકપાલ કે કાળા નાણાં મુદ્દે અન્ના-રામદેવના આંદોલનો દરમિયાન ઘણાં વગોવાયેલા અને સરકારની શાખ બચાવવાની દોડધામમાં અત્યંત વ્યસ્ત રહેલા સિબલ તે સમયે કારમાં પાછળ બેઠા બેઠા તેમના બ્લેકબેરી મોબાઇલના ટેક્ટ્સ મેસેજમાં કવિતાઓ લખતા અને પોતાની કાવ્ય પિપાસા તૃપ્ત કરતા. પાછળથી તેમણે આ કવિતાઓના બે સંગ્રહો પણ બહાર પાડ્યા હતા. આ તો ઠીક તેમણે અત્યાર સુધીમાં ‘દિલ્હી ગેંગ’ નામની ફિલ્મમાં બે ગીતો પણ લખ્યા હતા! વાત તો એવી પણ ઉડી રહી છે કે તેઓ બોલિવુડની બીજી બે ફિલ્મો માટે પણ ગીત લખી રહ્યા છે.

દક્ષિણ ભારતમાં ડીએમકેના વડા કરુણાનિધિ પણ કવિતા પર હાથ અજમાવી ચૂક્યા છે. કહેવાય છે કે મૂળ તો ફિલ્મોના પટકથા લેખક એવા કરુણાનિધિને તેમના ભત્રીજા દયાનિધિ મારન સાથે ખટપટ થઈ ગયેલી ત્યારે તેમણે ‘વોર સોંગ ઓફ મેમરી’ને નામે એક કવિતા લખી હતી. તો રાજકારણમાં પિતાનો વારસો જાળવનારી તેમની પુત્રી કનિમોઝીએ કવિતાઓ કરવામાં પણ પિતાની બરોબરી કરી છે. કારણકે 2જી ગોટાળામાં જ્યારે તેને તિહાર જેલમાં બંધ કરવામાં આવેલી ત્યારે તેણે પણ દીકરાને લખેલા પત્રોમાં કેટલીક કવિતાઓ લખીને મોકલી હતી. બીજી તરફ 2જીના મુખ્ય સૂત્રધાર ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા તો કવિતાઓ લખવા માટે પહેલેથી જ દક્ષિણમાં ઘણાં પ્રખ્યાત છે!

પોતાના પુસ્તક વિમોચનમાં બાલઠાકરે સાથે આદિત્ય
નવી પેઢીના નેતાઓ પર પણ નજર કરીએ તો અહીં પણ કેટલાક નેતાઓ રાજકીય મંચ પર આવ્યા એ પહેલા કવિતા કરતા થઈ ગયેલા. શિવસેનાની યુવા પાંખના વડા આદિત્ય ઠાકરેએ માત્ર સોળ વર્ષની ઉંમરે ‘My Thoughts in White and Black’ નામનો કાવ્ય સંગ્રહ પ્રકટ કર્યો હતો. તેમાં તેમની હિન્દી, મરાઠી અને અંગ્રેજી કવિતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના મતે તેમનો કવિતા પ્રેમ કંઈ આજ કાલનો નહીં પણ બાળપણથી છે, તેમણે તેમની સૌથી પહેલી કવિતા નવમાં ધોરણમાં લખી હતી. આ ઉપરાંત વરુણ ગાંધીએ પણ થોડા વર્ષો અગાઉ એક કાવ્યસંગ્રહ પ્રકટ કર્યો હતો, જેનું વિમોચન સદ્‍ગત ખુશવંત સિંઘે કર્યું હતું. પણ પાછળથી વરુણે મંચ પરથી ૠજુ હૃદયે કવિતાઓ કરવાને બદલે ભડકાઉ ભાષણો ઠપકાર્યા ત્યારે ખુશવંત સિંઘે તેમનું પુસ્તક વિમોચન કર્યાનો પસ્તાવો પણ જાહેર કર્યો હતો! કુમાર વિશ્વાસના કિસ્સામાં થોડું ઊંધું છે કારણકે આ શાયરે પહેલા લોકોને કવિતાથી ડોલાવ્યા અને બાદમાં તેઓ રાજકારણમાં આવ્યા. અહીં એ ખાસ એ નોંધવાનું છે કે અન્ના હઝારેના આંદોલન વખતે મંચ પરથી કવિતાઓ લલકાર્યા બાદ જ તેમને અરવિંદ કેજરીવાલ સાથે દોસ્તી થઈ અને તેઓ રાજકારણમાં આવ્યા.

રાજકારણ અને કવિતા કે શેર-શાયરીને આમ થોડો નિકટનો સંબંધ છે. કવિ થવાના ધખારા ન ઉપડ્યા હોય એવા નેતાઓ પણ સમયાંતરે વાતાવરણ હળવું કરવા માટે કવિતાઓની મદદ લેતા હોય છે. રાજકીય ભાષણોમાં તો ઠીક પણ દિગ્વિજય સિંઘ જેવા નેતાઓ પોતાને કવિતા કરતા ન આવડે તો ઠીક પણ ટ્વીટર પર કબીરના દોહા કે ગાલિબના શેર ટ્વીટ કરતા રહે છે. આ ઉપરાંત સંસદમાં બજેટ સત્ર વખતે પણ નાણાંપ્રધાન બજેટનું ભાષણ બોલતી વખતે વચ્ચે વચ્ચે શાયરીઓ કે પંક્તિઓ ટાંકીને બ્રેક લઈ લેતા હોય છે. આમ તો આપણા કવિ ઉમાશંકર જોશીથી લઈને જાવેદ અખ્તર સુધીના ઊંચા ગજાના કવિઓ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. પણ આ બધા કવિઓને મુખ્યધારાના રાજકારણીઓ કહી શકાય નહીં. તે જ રીતે મુખ્યધારાના નેતાઓ જે કવિતાઓ રચે છે તેને કવિતા કે સાહિત્ય કહી શકાય કે કેમ તે પ્રશ્ન છે.

હાલમાં આ બધા કવિઓના પુસ્તકો પ્રકાશિત થવા કે જયપુર અને કોલકાતા લિટરેચર ફેસ્ટિવલ જેવા આલા દરજ્જાના સાહિત્યના કાર્યક્રમોમાં આવા કવિઓના સર્જનની ચર્ચા થવા પાછળ માત્ર ને માત્ર તેમની સત્તા અથવા રાજકારણમાં તેમનું કદ જવાબદાર છે તેવી ટીકા સાહિત્યના જાણકારો કરતા હોય તો તેમાં નવાઈ નથી. બાકી તેમની રચનાઓમાં પ્રાસને બાદ કરતા સાહિત્યના બીજા કોઈ ધોરણો જળવાય છે કે કેમ તેવો પ્રશ્ન થઈ શકે છે.  સાહિત્યિક દૃષ્ટિએ તેમના લખાણ કદાચ કાચા હોઈ શકે પણ હાલની પરિસ્થિતિઓ અને સમાજમાં તેમનું વર્ચસ્વ જોતાં ‘બિલાડીને ગળે ઘંટ કોણ ઘંટ બાંધે’વાળી વાત છે. આ બધા જ કવિઓની રચના દમ વગરની છે એમ કહેવાનો અહીં આશય નથી પરંતુ બધા જ કવિઓની રચનાઓ ઉત્તમ છે એવું કહેવું મુશ્કેલ છે. સાહિત્યના મંચો રાજકીય અખાડામાં તબદીલ ન થઈ જાય એનું ધ્યાન રાખવાની જવાબદારી કળા અને સાહિત્યના પ્રેમીઓની છે. ■