Wednesday, August 13, 2014

સર્જન વિશે સર્જક ઘણો સભાન હોવો જોઈએ

વીર નર્મદ યુનિવર્સિટીના 'સર્જક સાથે સંવાદ' કાર્યક્રમમાં કવિ


એક કાચી સોપારીનો કટકો રે... એક લીલું લવિંગડીનું પાન... આવજો રે તમે લાવજો રે મારા મોંઘા મહેમાન...કે કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી...અથવા તું મીંઢળ જેવો કઠ્ઠણ... ને હું નમણી નાડાછડી, તું શીલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી.આ બધા ગીતો વિશે જે જાણતા હશે એ બધા આ ગીતોના સર્જક વિનોદ જોશીથી પણ પરિચિત હશે. સાંપ્રત ગુજરાતી પદ્ય સાહિત્યમાં વિનોદ જોશીનું નામ અત્યંત માનપૂર્વક લેવાય છે. તેઓ મહારાજા ક્રિષ્નકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના વડા છે. તેમણે ગુજરાતી સાહિત્યને ઉત્તમ ગીત રચનાઓ ભેટમાં આપી છે. તેમણે ૨૫થી વધુ સર્જનાત્મક અને વિવેચનાત્મક પુસ્તકો આપ્યાં છે. તેઓ કવિ તરીકે જેટલા ઉત્તમ છે એટલા જ ઉત્તમ માણસ પણ છે. અને કવિ છે એટલે તેઓ સંવેદનશીલ પણ છે. ગુજરાત ગાર્ડિયનસાથે તેમણે કરેલી વાતચીતના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે...

શબ્દ સાથે સંબંધ ક્યારે બંધાયો?

શબ્દ સાથે સંબંધ તો મને જ્યારે ભાષા શીખવવામાં આવી ત્યારથી જ બંધાયો હશે. પરંતુ મને એની ખબર ન હતી કે મને ભાષા શીખવાઈ રહી છે. સૌથી મોટું એક સત્ય મને ઘણું પાછળથી સમજાયેલું કે હું જે જાણું છું એ ભાષા મને મારી જાણ બહાર શીખવી દેવામાં આવી છે અને આ સત્ય મને ત્યારે સમજાયું, જ્યારે મારી પાસે એ ભાષા આવી ગઈ હતી. હવે હું આ ભાષાને ઊતરડી શકતો નથી કે છોડી શકતો નથી. ભાષા સાથેનો આવો અજંપો છે એ પણ મારો એક સર્જક તરીકે અજંપો છે. આમ, જ્યારે મને ખબર પડી કે આ ભાષાને તો અર્થ છે અને એ મને કામ આવે એવી છે ત્યારે મારામાં એ સમજણ આવી કે ભાષા સાથે કઈ રીતે કામ પાર પાડી શકાય. બાકી સંબંધ તો ઘણો વહેલો બંધાયો હતો એમ કહી શકાય.

વિનોદ જોશીના જીવનમાં કવિતાનું મહત્ત્વ શું છે?

વિનોદ જોશી કવિતાને સાથે લઈને ચાલે છે. તે કવિતાને ક્યારેય પોતાની પાસે રાખતા નથી. વિનોદ જોશીની કવિતા એ વિનોદ જોશીના જીવનનો ભાગ છે એવું નથી, પરંતુ મારી કવિતા હંમેશાં મારી સમાંતરે ગતિ કરે છે.

તમને ગીત કઈ રીતે સૂઝે છે?

ગીતની બાબતમાં એવું છે કે કોઈ એક શબ્દ વારંવાર મારા મનમાં આંદોલનો ઊભા કરે. એમાં જો કોઈ લય હોય તો એમાં પાછળથી બીજા શબ્દો પણ ઉમેરાતા જાય અને એમ કરતાં-કરતાં એક પંક્તિ રચાય અને આમ ને આમ આખું ગીત પણ તૈયાર થાય, બાકી કોઈ એક ગીત રચવા માટે હું પ્રયત્ન કરું એવું નથી હોતું.

તમને ગીત સૂઝે ત્યારે એક કવિ તરીકે તમને કયા પ્રકારની અનુભૂતિ થાય?

આનંદની અનુભૂતિ તો મને ચોક્કસ જ થાય, પરંતુ આ સાથે મને જ્યારે પણ ગીત સૂઝે છે ત્યારે ભાષાને કઈ રીતે ગીતસહજ બનાવવી એના વિચારો કરતો હોઉં છું. સર્જકના ભીતરમાં ઘણું બધું ચાલતું હોય છે અને તે ઘણી બધી અનુભૂતિઓ કરતો હોય છે, પરંતુ એ બધી જ અનુભૂતિથી લખાય એવું પણ નથી હોતું. આ ઉપરાંત સર્જકની અંદર ચાલતા દ્વંદ્વને તેના સર્જન દ્વારા ક્યારેય પામી શકાતો નથી. કારણ કે સર્જનને ક્યારેય સર્જકનો પરિચય હોતો નથી. મને ઘણી વખત એવું પણ પૂછાતું હોય છે કે તમારા ગીતોમાં મુખ્યત્વે સ્ત્રીભાવ વધુ જોવા મળે છે. ત્યારે હું એવું વિચારું છું કે મને જે જાતિ મળી છે એ મારી ફિઝિકલ રિયાલિટી છે, પરંતુ ભાવને કોઈ જાતિ નથી હોતી. તમે ક્યારેય પીડા કે આનંદની કોઈ જાતિ હોય એ વિશે સાંભળ્યું છે? તો પીડાને કે આનંદ જેવી અનુભૂતિને કોઈ જાતિ ન હોય તો એ સ્ત્રી દ્વારા વ્યક્ત થાય કે પુરુષ દ્વારા વ્યક્ત થાય એનાથી શો ફેર પડે?

આજની આધુનિક કવિતા વિશે તમે શું માનો છો? મોડર્ન ગુજરાતી પોએટ્રીમાં કયા પ્રકારના બદલાવો આવ્યા છે?

બદલાવ તો હંમેશાં આવતા જ રહેવા જોઈએ. પછી એ સાહિત્ય હોય કે આપણું જીવન, આ બધુ સતત પરિવર્તનશીલ હોય તો જ તે અર્થસભર પણ બને છે અને કવિતાની બાબતે વાત કરીએ તો કોઈ પણ કવિતા ક્યારેય અંતિમ હોતી નથી. એ બદલાતી રહેતી હોય તો જ કવિતાનો વિકાસ થતો હોય છે. એટલે બદલાવ અથવા પરિવર્તન જે કહો એ હંમેશાં આવકાર્ય હોવા જોઈએ.

તમને કોઈ પંક્તિ સૂઝે પછી તે એક જ બેઠકે લખાય કે પછી તેને મઠારવાની પ્રક્રિયા લાંબી ચાલે?

કવિતા ઘણી ચંચળ હોય છે એટલે એના વિશે ક્યારેય કશું ન ધારી શકાય. એટલે ક્યારેક એક જ બેઠકે આખી કવિતા લખાઈ જતી હોય છે તો ક્યારેક દિવસો સુધી પણ એકાદ પંક્તિ પડી રહે. મારા કિસ્સામાં તો એવું પણ બન્યું છે કે ક્યારેક કોઈ પંક્તિ વર્ષો સુધી પડી રહે અને બાદમાં તે આખી રચનાનો આકાર લે. આ ઉપરાંત કવિતા ક્યારેય કોઈ વિષયને કેન્દ્રમાં રાખીને લખાતી નથી. એ તો સાવ તરલ હોય છે અને અણધાર્યો જ તેનો આકાર લેતી હોય છે.

કવિ અથવા અન્ય કોઈ પણ સર્જક ભાષાના માધ્યમ દ્વારા પૂરેપૂરો વ્યક્ત થઈ શકે ખરો?

ભાષા દ્વારા જ લાગણી વ્યક્ત થઈ શકે એવું નથી હોતું. કારણ કે ભાષા કુદરતી નથી, એ માનવસર્જીત છે. જો એ કુદરતી હોત તો આપણે જન્મતા જ બોલતા થઈ ગયા હોત. એટલે ઈશ્વરે આપણને અહીં બોલવા માટે મોકલ્યાં જ નથી. હા, એટલું કહી શકાય કે આપણે અહીં ભાવની અભિવ્યક્તિ માટે જરૂર આવ્યા છીએ. કોઈ પણ બાળકને ખબર નથી હોતી કે તેને આનંદ થઈ રહ્યો છે. પરંતુ તેને જ્યારે આનંદની લાગણી થાય ત્યારે તેના ચહેરા પર સ્મિત તો આવે જ છે. આવું જ સ્મિત અમેરિકામાં પણ આવે છે અને જાપાનમાં પણ આવે છે. આ પ્રકૃતિની કે ભાવની અભિવ્યક્તિની જે ભાષા છે એમાં કોઈ તફાવત નથી હોતો. પરંતુ આપણે જે , , ગ...કે , બી, સી, ડી...વાળી ભાષા રચી છે, એમાં જરૂર તફાવત જણાઈ આવે છે. એટલે ભાષામાં જ્યારે આપણે ભાવની અભિવ્યક્તિ કરીએ ત્યારે આપણી પાસે ભાષાનો અર્થ સૌથી પહેલા પ્રકટતો હોય છે. પણ જે ભાષા આપણને અર્થ આપે છે એ ભાષા આપણને ભાવનો પૂરો અર્થ આપી શકતી નથી. આપણે જ્યારે પણ કોઈ કવિતા કે સાહિત્ય વાંચીએ ત્યારે આપણે એમાંથી અર્થ કાઢતા હોઈએ છીએ. પણ આ અર્થ એ સાહિત્યની ઉપલબ્ધિ નથી. અર્થથી આગળ ભાવ હોય છે એમાંથી આપણને સૌંદર્ય મળતું હોય છે. આમ, સાહિત્યની પ્રક્રિયા અર્થ આપવાની પ્રક્રિયા છે જ નહીં, આ પ્રક્રિયા તો અર્થને ઓળંગવાની પ્રક્રિયા છે. આમ ભાષા એ માત્ર ઓપ્ટિકલ છે. ભાષા દ્વારા તમારે જો ભાવ પામવો હોય તો તમારે ભાષાને નિવારી દેવી પડે. પણ ભાષા એ અનિવાર્ય અને સ્વીકારવું જ પડે એવું માધ્યમ છે.

તમે વિનોદ જોશીને કઈ રીતે ડિફાઈન કરો છો?

એક પતિ તરીકે, પિતા તરીકે, શિક્ષક તરીકે કે કવિ તરીકે એમ જુદા જુદા આયામોમાં હું પોતાને જોતો હોઉં છું અને આ તમામ આયામોને અને ભૂમિકાઓને એકબીજા સાથે કોઈ ને કોઈક સંબંધ હોય જ છે. લોકો મને કવિ કે શિક્ષક તરીકે ઓળખતા હોય છે. પરંતુ મને લોકો માત્ર વિનોદ જોશી તરીકે જ ઓળખે અથવા એક વ્યક્તિ તરીકે ઓળખે એ મને ઘણું ગમે.

તમારા ગીતો લોકપ્રિય થયાં એ પાછળ ગુજરાતી સુગમ સંગીતનો કેટલો ફાળો?

ઘણો ફાળો. ગુજરાતી સુગમ સંગીતના ઘણા સંગીતકારોએ મારા ગીતોને સ્વરબદ્ધ કર્યા તેમજ અનેક ગાયકોએ આ ગીતોને ગાયા પણ છે. પરંતુ એ બધી રચનાઓમાંથી જેટલી રચનાઓ લોકમુખે ટકી રહી એ ગીતોની સફળતાનો યશ તેમને ચોક્કસ જ મળે.

સર્જકનો તેના સર્જન સાથેનો અનુબંધ કેવો હોવો જોઈએ?

મને હંમેશાં એવું લાગ્યું છે કે એક સર્જક તરીકે આપણે એક પાટા પરથી બીજા પાટા પર જવું જોઈએ. હવે હું કોઈ ગીત લખું તો એ ગીત વિનોદ જોશી જેવું જ ગીત થવાનું એટલે એ એકવિધતા તોડીને મારે કંઈક નવું કરવું જોઈએ, જે મેં હજુ સુધી નથી કર્યું. હું જ મારું પુનરાવર્તન કર્યા કરું તો મને એવું લાગે કે હવે મારે આ ગીત લખવાની જરૂર નથી. મેં વર્ષો પહેલા ડિસ્કવરી પર એક ડૉક્યુમેન્ટરી જોયેલી એ મને યાદ આવે છે. એક વીંછણ ઘણા બધા બચ્ચાંને જન્મ આપે છે અને જન્મતાવેંત એ બચ્ચાં વીંછણની પીઠ પર ચઢી જાય. અહીં બધા જ બચ્ચાં માતાની પીઠ પર ચઢવાનો પ્રયત્ન કરે પણ એ બધા ઉપર ચઢવામાં સફળ થતાં નથી. એમાંના કેટલાક મરેલા જન્મેલા હોય અથવા કેટલાક અપંગ પણ હોય. પરંતુ એ બધામાં જે બળવાન હોય તેઓ વીંછણની પીઠ પર ચઢવામાં સફળતા મેળવતા હોય છે. પછી વીંછણ મરેલા બચ્ચાને ખાઈ જાય છે. પછી એ પેલા અપંગ બચ્ચાઓને પણ ખાઈ જાય. થોડા સમય પછી એ તેની પીઠ ધ્રુજાવે એટલે તેની પીઠ પરથી કેટલાક બચ્ચા ખરી પડે એટલે વીંછી તેમને પણ ખાઈ જાય. આ પછી પણ વીંછણ એક વાર તેની પીઠ ધ્રુજાવે અને આમાં જો કોઈ ખરે તો તેને ખાઈ જાય, નહીંતર પેલા બાકી બચેલા બચ્ચાંને લઈને એના દરમાં ધૂસી જાય.

વીંછીના પ્રસવ વિશેની આવી ડૉક્યુમેન્ટરી જોઈને મને વિચાર આવ્યો કે આ ખરેખર એક સર્જકધર્મ છે. દરેક સર્જકને તેના સંતાનોને એટલેકે તેમની રચનાઓને પરખવાની શક્તિ હોય એ જ સર્જક કે તેનું સર્જન ટકી શકે છે. આમ પક્વ સર્જન કોને કહેવાય એ વિશે સર્જક ઘણો સભાન હોવો જોઈએ. આવા સર્જકને ક્રૂર નહીં પરંતુ સાચો સર્જક કહી શકાય. સર્જકનો તેના સર્જન સાથે આવો અનુબંધ હોવો જોઈએ.

સોશિયલ મીડિયા આવ્યું પછી ગુજરાતી પદ્ય સાહિત્યને ફાયદો થયો હોય એવું તમને લાગે છે? સોશિયલ મીડિયા આવ્યું પછી શીધ્ર કવિઓનો પણ રાફડો ફાટી નીકળ્યો છે. માત્ર પ્રાસ ગોઠવીને કાચી કવિતા કરતા કવિઓને તમે શું કહેશો?

ભાષા સાથે ક્રીડા કરવાનો દરેકને અધિકાર છે અને એ ઘણી સારી વાત છે કે લોકો આવા માધ્યમોને કારણે પદ્યમાં રસ લેતા થયાં છે. પરંતુ એ ક્રીડા કવિતાની ઊંચાઈએ પહોંચવી જોઈએ. આવું કંઈક થાય તો એનો આપોઆપ મહિમા થતો હોય છે. એટલે કોઈને પણ શબ્દના ક્ષેત્રમાં પ્રવેશતા રોકી ન શકાય પરંતુ તેમને એ જરૂર ચીંધી શકાય કે આ ક્ષેત્રની ઊંચાઈ શું છે. પણ એ વાત પણ એટલી જ સાચી છે કે જે રીતે માધ્યમોનો ઉપયોગ થવો જોઈએ એ રીતે તેનો ઊપયોગ કરવાની સભાનતા આપણામાં આવી નથી. પણ મને આશા ચોક્કસ બંધાઈ છે કે આજકાલ વિકસેલા આ નવા માધ્યમો આપણી ભાષા તેમજ સાહિત્યને જરૂર ઉપયોગી થશે.

આજે બધા ઉપકરણો આવ્યા પછી એટલું ચોક્કસ કહી શકાય કે આપણી બુદ્ધિની ધાર ઘસાઈ છે. આપણા પૂર્વજો પાસે ભાવોનું જગત ઘણું સમૃદ્ધ હતું. એટલે આમ તો આપણે તેમના કરતા થોડા વધારે તૈયાર થયા છીએ એમ કહી શકાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણે આપણું જે મૂળ સ્વરૂપ છે એને ગુમાવતા રહ્યા છીએ.

ગુજરાતી પદ્યસાહિત્યનું ભવિષ્ય તમને કેવું લાગે છે?


કોઈ પણ પ્રકારનું ભવિષ્ય ભાખી શકે એવી કોઈની તૈયારી હોતી નથી. ભાષા હંમેશાં બદલાતો વિભાવ છે. ભાષા ક્યારેય અટકતી નથી, એ સતત પરિવર્તન પામતી હોય છે અને બદલાતા ભાષા પરિવર્તનોમાં સાહિત્ય પણ બદલાતું જતું હોય છે. એટલે ભાષા અથવા સાહિત્યમાં જે બદલાવો થાય એને આવકારવાના જ હોય.

1 comment: