Tuesday, October 7, 2014

એક પુસ્તકનું અભૂતપૂર્વ માર્કેટિંગ, પણ..

બેએક મહિના પહેલા દેશના અગ્રગણ્ય અખબારની તમામ આવૃત્તિમાં લેખક ચેતન ભગતની નવી નવકલથા ‘હાફ ગર્લફ્રેન્ડ’ની ફ્રન્ટ પેજ એડ પ્રકાશિત થઈ અને દેશમાં હોહા મચી ગઈ. દેશમાં પુસ્તક પ્રકાશનની ઘટનામાં આવું પહેલી વખત બની રહ્યું હતું કે કોઈ લેખકના નવા પુસ્તકની જાહેરાત માટે આ રીતની જાહેરાત આપીને લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોય. આને એક વિરલ ઘટના જ કહી શકાય કે આ બાબતને લઈને દેશની વિવિધ ન્યુઝ ચેનલ્સ પર પેનલ ડિસ્કશન્સ થઈ, જેમાં કેટલાકે ચેતનના માર્કેટિંગ વ્યૂહને અત્યંત વખાણ્યો તો કેટલાકે તેને પુસ્તકોનો અથવા સાહિત્યનો વેપાર કહીને તેને વખોડી કાઢ્યો. જોકે તેને વખોડનારા લોકોમાં હાલમાં અંગ્રેજીમાં લખતા અને ચેતન કરતા ઓછા વંચાતા લેખકોની સંખ્યા વધુ હતી.
એટલે એમાં ઈર્ષા અને અસુરક્ષાનો ભાવ હોય એ સ્વાભાવિક છે.

ચેતન ભગતને આ બાબતે ફુલ માર્ક્સ આપવા રહ્યા કે તેના આ પુસ્તકના(પ્રોડક્ટ!) પ્રચાર માટે તેણે ભલભલા માર્કેટિંગ એક્સપર્ટને ચક્કર આવી જાય એવા અખતરા કર્યા. આ માટે ફ્લિપકાર્ટનો પ્રિઓર્ડર વાળો અખતરો સૌથી કારગર નીવડ્યો, જેમાં પુસ્તક બજારમાં લોન્ચ થાય એ પહેલા દેશભરમાં લાખો લોકોએ તેનો પ્રિ ઓર્ડર કર્યો. આ ઉપરાંત ચેતને રોજ જાતજાતની ટ્વિટ્સ કરીને લોકોને ‘હાફ ગર્લફ્રેન્ડ’ માટે ઉત્સુક રાખ્યા એ વધારાના! આમ તો ટ્વિટર પર #halfgirlfriend ના નામથી ટ્રેન્ડિંગ ટોપિક ચાલતો જ હતો પરંતુ પુસ્તક લોન્ચ થવાના એક અઠવાડિયા પહેલા ચેતને આજકાલની ફિલ્મોના પ્રમોશન માટે જે રીતે ગતકડાં કરવામાં આવે એ રીતનું પ્રમોશન કર્યું. ત્રીસમી સપ્ટેમ્બરે સવારે ચેતને ટ્વિટર પર લખ્યું કે, ‘તમે તમારા પ્રિ-ઓર્ડરનો સ્ક્રીન શોટ ટ્વિટ કરો, હું તમારામાંથી કેટલાકને વિશેષ ભેટ આપીશ.’ વળી બપોરે અઢી વાગ્યે ચેતને બીજી ટ્વિટ કરી કે કાલે તમારા હાથમાં પુસ્તક આવે ત્યારે તેને અનબોક્સ કરવાનો વીડિયો શૂટ કરજો અને #unboxHalfgirlfriendનું હેઝટેગ કરીને વીડિયો અપલોડ કરજો, જેમાં કેટલાક વિજેતાઓને ટેબલેટ ભેટ આપવામાં આવશે! આપણા ગુજરાતમાં તો લેખકોને તેમના માટે ટેબલેટ ખરીદી શકાય એટલી રોયલ્ટી નથી મળતી ત્યાં વાચકોને ભેટમાં આપવાની વાત જ કપોળકલ્પિત લાગે!

પણ આ માર્કેટિંગની વાત છે, જેમાંથી અનેક લેખકો અને પ્રકાશકોએ બોધપાઠ લેવા જેવો છે! પુસ્તકો વંચાતા નથી કે લોકો વાંચતા નથીની બૂમરાણ મચાવવા કરતા આવા કોઈક પ્રયોગો કરીને લોકોના ઘર સુધી પહોંચવામાં આવે તો લોકો શું કામ નહીં વાંચે? ચેતને પણ આ જ તો કર્યું. ‘હાફ ગર્લફ્રેન્ડ’ મુંબઈમાં લોન્ચ થાય એ પહેલા પહેલી ઓક્ટોબરની સવારે ચેતને પોતે ડિલિવરી બોય બનીને લોકોને ઘરે ઘરે પુસ્તક પહોંચાડ્યું અને પુસ્તકના લેખકને હાથે જ ડિલિવરી લેતા લોકોના પ્રતિભાવનો વીડિયો તૈયાર કરીને તેને પણ ફેસબુક અને ટ્વિટર પર અપલોડ કર્યો. અલબત્ત, આ પણ એક માર્કેટિંગ વ્યૂહ જ હતો પરંતુ આનાથી પુસ્તકના વેચાણને ઘણો ફાયદો થયો એ પણ સ્વીકારવું જ રહ્યું.

ડિલિવરી બોય બનેલા ચેતન ભગત
ઈનશોર્ટ ‘હાફ ગર્લફ્રેન્ડ’ પુસ્તક લોન્ચ થાય એ પહેલા તેનો જે રીતે પ્રચાર થયો એ વિરલ હતો. અંગ્રેજી ઉપરાંત પ્રાદેશિક ભાષાના અન્ય લેખકો પણ આવા કોઈ અખતરા કરે તો તેમને અને તેમના પુસ્તકને ફાયદો થાય જ થાય એમાં કોઈ બેમત નથી. જોકે ચેતનના પુસ્તકના પ્રમોશન પાછળ અધધધ કહી શકાય એવો ખર્ચો થયો પરંતુ સોશિયલ મીડિયાના આ જમાનામાં જ્યારે તમારા હાથમાં ફેસબુક અને ટ્વિટર હોય ત્યારે એક આનાનો પણ ખર્ચ કર્યા વિના પોતાના પુસ્તકનો પ્રચાર કરી શકાય છે. જો નવી પેઢીને વાચતી કરવી હોય અથવા પોતાનું પુસ્તક લોકો સુધી પહોંચાડવું હોય તો માર્કેટિંગની નવી પદ્ધતિઓ સ્વીકારવી જ પડશે. અને આ માટે લેખકોએ તેમના જૂના ગંભીર સિદ્ધાંતોને કોરાણે મૂકીને પુસ્તક પણ એક પ્રોડક્ટ છે એ સ્વીકારવું પડશે.

ખેર, હવે નવલકથા પર આવીએ તો આ નવલકથા પણ ચેતનની અન્ય નવલકથાઓ જેવી જ છે. અહીં એક છોકરો છે, એક છોકરી છે, લવ છે, ‘સેક્સ’ છે, સપના છે, વિરહ છે અને મિલન છે. જોકે એ ચેતનની યુએસપી છે અને આ વાત તે જાહેરમાં સ્વીકારે પણ છે. આમ થવા પાછળનું એક કારણ એ પણ છે કે ચેતન પાસે ‘ફાઈવ પોઈન્ટ સમવન’થી લઈને ‘રિવોલ્યુશન 2020’ જેવી એકએકથી ચઢિયાતી નવલકથાઓ તેમજ ‘કાઈપો છે’ અને ‘ટુ સ્ટેટ્સ’ જેવી ફિલ્મો મળ્યાં બાદ લોકોની તેની પાસે અપેક્ષા વધી જતી હોય છે.


આ વખતે પણ વાર્તામાં કોલેજ કેમ્પ્સ લવસ્ટોરી અને લવ-હેટ રિલેશનશિપનું જ પ્રભુત્વ રહ્યું. જોકે લેખકે જે રીતે ગ્રામીણ ભારતને તેમજ અંગ્રેજી નહીં બોલી શકતા વર્ગને પોતાનું પુસ્તક અર્પણ કર્યું એ બિરદાવવા લાયક બાબત છે. અહીં બિહારમાં સ્ટેટ લેવલે બાસ્કેટ બોલ રમતા અને અંગ્રેજી નહીં બોલી શકતા માધવ ઝાની તેમજ દિલ્હીના હાયર અપર ક્લાસમાંથી આવતી અને અંગ્રેજી બોલતી જ નહીં પણ અંગ્રેજીમાં જ વિચારતી રિયા સોમાણીની વાત છે. જોકે આ નવલકથા માત્ર લવસ્ટોરી છે એમ કહી શકાય નહીં. કારણ કે અહીં ભારતના એક એવા બુદ્ધિશાળી વર્ગની વાત છે, જે માત્ર ને માત્ર વિદેશી ભાષા ન બોલી કે સમજી શકવાને કારણે જીવનમાં પાછળ પડે છે. અમદાવાદ અને દિલ્હી બાદ ચેતને આ વખતે બિહાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વાર્તામાં ચેતને બિહારની પ્રજાએ ‘અમે બધા ગરીબ છીએ’ની સ્વીકારી લીધેલી માનસિકતાથી લઈને ત્યાંના રસ્તા, વીજળીના ધાંધિયા તેમજ ત્યાંની પ્રખ્યાત વાનગી લિટી ચોખાની રસપ્રદ વાતો આલેખી છે.

આ વર્ણનોને બાદ કરીએ તો માધવ ભણવામાં સામાન્ય વિદ્યાર્થી હોય છે પરંતુ બાસ્કેટ બોલનો સારો ખેલાડી હોવાને કારણે તેને સ્પોર્ટ્સ ક્વોટામાં દિલ્હીની ખ્યાતનામ સેન્ટ સ્ટીફન કોલેજના સોશિયોલોજી વિષયમાં એડમિશન મળી જાય છે. કોલેજના પેહેલા દિવસે તે સ્ટીફનના બાસ્કેટબોલ કોર્ટ પાસે જાય છે, જ્યાં છોકરીઓની એક મેચ જોતાં તેની નજર રિયા પર પડે છે અને તેને રિયાનું આકર્ષણ થઈ જાય છે. વાર્તાના શરૂઆતમાં માધવ અને રિયાની સ્ટીફનના કેમ્પસમાં રખડપટ્ટી, તેમજ રુદ્ર હોસ્ટેલ અને કોલેજ કેન્ટીનની વાતો અને માધવનું રિયા પર મરવું તેમજ તેની સાથે ચુંબન કરવાની ટિપિકલ વાતો જ આલેખવામાં આવી હતી. માધવ રિયાના પ્રેમમાં એટલો બધો રચ્યો પચ્યો રહે છે કે સ્ટીફનમાં ફાંકડું અંગ્રેજી બોલતા વિદ્યાર્થીઓ કે અધ્યાપકો સાથે તેનો ક્યારેય પનારો જ નથી પડતો. ચેતનની બીજી વાર્તાઓની જેમ ‘HGF’માં ક્લાસરૂમ કોમેડી કે કેમ્પસ રેગિંગનો સદંતર અભાવ જોવા મળે છે.

માધવ જ્યારે પણ રિયાને એકાંતમાં મળે છે ત્યારે તેને રિયા સાથે ચુંબન કરવાના જ વિચારો આવતા રહે છે. એવામાં એક વાર માધવ રિયાને ‘...વરના કટ લે’ કહીને તેની માનસિકતાનું પ્રદર્શન કરે છે, જેના કારણે માધવની હાફ ગર્લફ્રેન્ડ રિયા તેની સાથે બ્રેક અપ કરીને મળવાનું બંધ કરી દે છે. ચેતનની આ નોવેલમાં તેમની જેમાં હાથોટી છે અને, જેના માટે તે વખણાય છે એવા હ્યુમરસ વનલાઈનર્સ ઘણા ઓછા છે. જોકે એ પણ નોંધવું રહ્યું કે આ પુસ્તકમાં ગાળનો પ્રયોગ બહુ ઓછો થયો છે. આ વાતનો ઉલ્લેખ એટલે કરવો પડ્યો કે ‘ફાઈવ પોઈન્ટ સમવન’થી ચેતન કહેતો આવ્યો છે કે તે માત્ર લોકો વાંચતા થાય અથવા દેશના યુવાનો અંગ્રેજી વાંચી શકે એ માટે સહેલા અંગ્રેજીમાં લખવાનો પ્રયત્નો કરે છે.

લોકો વાંચી શકે એ માટે હળવી ભાષાનો ઉપયોગ કરવો એ ઘણી સારી વાત છે પરંતુ પુસ્તકના વેચાણ માટે ક્યારેક કેટલાક અંગ્રેજી લેખકો ભાન ભૂલીને આવી વાર્તાઓમાં જરૂરિયાત ન હોવા છતાં સેક્સ કે રોમાન્સના કિસ્સા ઠાંસી ઠાંસીને ભરે છે. જોકે ‘હાફ ગર્લફ્રેન્ડ’માં તો શરૂઆતમાં જ બ્રેકઅપ થઈ જાય છે એટલે માધવ પાસે કોલેજ પતાવીને બિહાર ચાલ્યાં જવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. તો બીજી તરફ રિયા તેના રોહન નામના ફેમિલી ફ્રેન્ડ સાથે પરણીને લંડનભેગી થઈ જાય છે. બિહાર જઈને માધવ તેની માતા સાથે સાતસો વિદ્યાર્થી ધરાવતી તેમની ખખડધજ રોયલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કરે છે. એવામાં એક વાર બિલ ગેટ્સ બિહારની મુલાકાતે આવવાના હોય છે. આથી માધવ અને તેની માતા બિલ ગેટ્સને તેમની શાળામાં બોલાવીને ‘ગેટ્સ ફાઉન્ડેશન’માંથી થોડી આર્થિક સહાય મેળવવાનો પ્રયત્ન કરે છે.

અહીં સુધી નરમ-ગરમ ચાલતી વાર્તામાં બિલ ગેટ્સવાળી વાતથી વાર્તામાં થોડો રોમાંચ આવે છે. કારણ કે બિલ ગેટ્સ શાળાની મુલાકાતે આવતા હોવાથી માધવે અંગ્રેજીમાં એક ભાષણ આપવાનું હોય છે, જેના માટે તે પટનામાં સ્પોકન ઈંગ્લિશનું ટ્યુશન શરૂ કરે છે. પરંતુ પટનામાં માધવની રિયા સાથે મુલાકાત થતાં વાર્તા નાટ્યાત્મક મુલાકાત લે છે. લંડન ગયેલી રિયા રોહન સાથે ડિવોર્સ લઈને ભારત આવી હોય છે અને ક્યાંક માધવ મળી જાય એ આશા સાથે જ તે પટનામાં નોકરી સ્વીકારે છે. બિલ ગેટ્સ જ્યારે માધવની શાળાની મુલાકાતે આવે છે ત્યારે માધવ પોતાની શાળા અને બિહારના ગરીબ બાળકોના ભવિષ્ય વિશે પ્રવચન આપે ત્યારે ચેતનના શબ્દો વાંચીને સંવેદનશીલ વાચકના ગળગળા થવાની પૂરી સંભાવના છે.

તેના પ્રવચનથી પ્રભાવિત થઈને ગેટ્સ ફાઉન્ડેશનમાંથી તેમની શાળાને ભયંકર ફંડ મળે છે. પરંતુ મોકાણ ત્યારે સર્જાય છે, જ્યારે રિયા કેન્સરનું બહાનું કાઢીને અચાનક પટના છોડીને ન્યુયોર્ક ભાગી જાય છે. આ તરફ માધવના મનમાં એમ હોય છે કે કેન્સરના કારણે રિયાનું અવસાન થયું હશે. પરંતુ વાર્તામાં ખુદ ચેતન ભગતની એન્ટ્રી પડતા રિયાની જર્નલ્સમાંથી એવું ખબર પડે છે કે રિયા હજુ જીવે છે અને ન્યુયોર્કમાં જીવે છે. આમ રિયાના લવમાં લોહીછાંટ થઈ ગયેલો માધવ રધવાયો થઈને ન્યુયોર્કની વાટ પકડે છે ત્યાં તેને શોધીને, ભારત લઈ આવીને ઠરીઠામ થાય છે!

‘હાફ ગર્લફ્રેન્ડ’ વાંચતા હોઈએ ત્યારે મનમાં આપોઆપ જ ફિલ્મના દૃશ્યો સર્જાવા માંડે છે. નવલકથામાં આવતા અર્થ વિનાના લાંબા સંવાદો અને કેટલાક વળાંકો ભવિષ્યની ફિલ્મને કેન્દ્રમાં રાખીને જ લખાયા હોય એવું લાગે છે. ખેર, માર્કેટિંગને કારણે પુસ્તકનું અઢળક વેચાણ થયું અને સારી બાબત એ છે માર્કેટિંગથી પ્રભાવિત થઈને ન વાંચતા લોકો પર પુસ્તક ખરીદીને વાંચવાનું શરૂ કર્યું છે. પરંતુ વધુ પડતી ઘટનાઓ અને ટિપિકલ સંવાદોને કારણે આ પુસ્તક ‘ફાઈવ પોઈન્ટ સમવન’, ‘ટુ સ્ટેટ્સ’ અને ‘રિવોલ્યુશન 2020’ની બરોબરી નહીં કરી શક્યું એ વાત પણ એટલી જ સાચી છે. ■