Sunday, December 14, 2014

અભિનેતા ન હોત તો હું સારો ક્રિકેટર હોત!

જેમણે ‘બાએ મારી બાઉન્ડ્રી’ કે ‘બા રિટાયર થાય છે’ જેવા નાટકો જોયા હોય એ લોકો સનત વ્યાસના નામથી અજાણ નહીં  હોય. અનેક નાટકો અને ‘એક મહેલ હો સપનો કા’ જેવી ટેલિવિઝન સિરિયલમાં પોતાની ઉત્તમ અભિનય ક્ષમતા પુરવાર કરનાર સનત વ્યાસ આપણી રંગભૂમિ પર છેલ્લા ચાર દાયકાથી કાર્યરત છે. અભિનયની સાથે તેઓ અવાજની જાદુગરીમાં પણ તેમની મહારત છે, તેમણે અનેક ટેલિવિઝન એડ માટે તેમનો વોઈસ ઓવર આપ્યો છે. તેમણે હમણાં સુધીમાં ‘પત્તાંની જોડ’, ‘જંતર મંતર’, ‘સગપણના ફૂલ’, ‘ઝીરો બની ગયો હીરો’ તેમજ ‘અમારુ સરનામું તમે’ જેવા મબલખ નાટકોમાં અભિનય કર્યો છે. હાલમાં તેઓ ઈટીવી ગુજરાતી પર પ્રસારિત થતી સિરિયલ ‘તારી આંખનો અફીણી’માં અભિનય કરી રહ્યા છે.  તેમની મુલાકાત માટે ‘ગુજરાત ગાર્ડિયન’ની ટીમ આ સિરિયલના લોકેશન પર એટલે કે મુંબઈના મઢ આઈલેન્ડ પહોંચી હતી, જ્યાં તેમણે અમારી સાથે અનેક અંતરંગ વાતો કરી હતી. એ મુલાકાતના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે

તમારામાં અભિનયના બીજ ક્યારથી રોપાયાં અને તમે અભિનય તરફ ક્યારે વળ્યાં?

મારી કથા શરૂ કરું એ પહેલા મને કહી દેવા દો કે મારો ઉછેર અમદાવાદ અને રાજકોટમાં થયો હતો. નાટકોનો શોખ મને બાળપણથી જ હતો એટલે હું સ્કૂલના વાર્ષિક મહોત્સવોમાં ભાગ લેતો. આ ઉપરાંત આકાશવાણી પર રેડિયો નાટકની સ્પર્ધાઓ યોજાતી, એટલે હું એમાં પણ ભાગ લેતો. જોકે ત્યારે મારા માટે એ બધી ઈતર પ્રવૃત્તિઓ હતી. ત્યારે હું એ નહોતો જાણતો કે હું આખે આખો નાટકો તરફ જ ઢળીશ અથવા નાટકો કે અભિનય મારા જીવનનો અભિન્ન અંગ બની જશે! બીજું એ કે મારા પિતા આકાશવાણી સાથે સંકળાયેલા હતા એટલે હું નાનો હતો ત્યારે મારા ઘરે અનેક કલાકારોની અવરજવર રહેતી. એટલે કદાચ તેમની વાતો અને એ બધા સંસ્કારોના બીજ જાણ્યે અજાણ્યે મારામાં રોપાયા હશે, જે બધુ આજે મને ખપમાં આવી રહ્યું છે એવું મારું માનવું છે.

તો કારકિર્દી તરીકે નાટકોની શરૂઆત ક્યારે કરી?

હું એક વાત સ્પષ્ટપણે કહીશ કે હું જે નાટકો કરું છું એ નાટકોને વ્યાવસાયિક નાટક જરૂર કહી શકાય. પરંતુ નાટક કે અભિનયને મેં ક્યારેય વ્યવસાય તરીકે ક્યારેય સ્વીકાર્યા નથી. નાનપણનો મારો શોખ મને આ ક્ષેત્રમાં લઈ આવ્યો અને  વર્ષ ૧૯૭૪થી આજ સુધી હું સતત રંગભૂમિ સાથે સંકળાયેલો રહ્યો છું.

તમે અભિનયને કયા દૃષ્ટિકોણથી જુઓ છો?

અભિનય દરેક માણસમાં વત્તેઓછે અંશે રહેલો જ હોય છે. આપણે રોજ કોઈ ને કોઈ રીતે અભિનય કરતા જ હોઈએ છીએ. પણ કલાકારો અને સામાન્ય માણસોમાં ફરફ એટલો કે કલાકારોને રોજિંદા જીવન ઉપરાંત મંચ પર પણ અભિનય કરવાની તક મળતી હોય છે! અભિનય વિશે મારી અંગત માન્યતા એવી છે કે આ ક્ષેત્રમાં તમને સમાજને અને આપણા રોજિંદા જીવનને વધુ ઝીણવટથી અને જરા જુદા દૃષ્ટિકોણથી મૂલવવાની તક મળે છે. કારણ કે નાટકની વાર્તાઓ આમ ભલે કાલ્પનિક અથવા મૌલિક ગણાતી હોય, પણ એ વાર્તાના મૂળિયાં ક્યાંકને ક્યાંક વાસ્તવિકતા સાથે સંબંધ ધરાવતા જ હોય છે. એટલે આસપાસના માહોલનો અભ્યાસ નહીં કરો ત્યાં સુધી તમે તમારા પાત્રને જીવંત બનાવી શકતા નથી.

આજની રંગભૂમિ વિશે તમે શું અભિપ્રાય ધરાવો છો?

આજે આપણે જે રંગભૂમિને જોઈ રહ્યા છીએ એ રંગભૂમિએ પાછલા કેટલાક વર્ષોમાં ઘણા પરિવર્તનો સ્વીકાર્યા છે અને આપણી રંગભૂમિએ ઘણી પ્રગતિ પણ કરી છે. મુંબઈની રંગભૂમિ વિશે હું એટલું જરૂર કહીશ કે અહીં પહેલા જેટલા પ્રયોગાત્મક કે વિષય વૈવિધ્ય ધરાવતા નાટકો થતાં નથી. હવે કોમેડી તરફ વધુ ધ્યાન અપાઈ રહ્યું છે. આજે તો નાટકમાં દર પંદરમી મિનિટે હાસ્ય કેમ ઊભું કરવું એના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. બીજી તરફ વિવિધ જ્ઞાતિઓના મંડળો અને કેટલીક ક્લબો ઊભી થઈ છે, જેઓ નિયમિતપણે નાટકોના શૉ યોજતા રહે છે. હું આવા મંડળોને બાધ નથી માનતો, પરંતુ એટલું જરૂર કહીશ કે આ કારણે કેટલેક અંશે અમારી આઝાદી છીનવાઈ ગઈ છે. કારણ કે આ લોકોના આવવાથી અમે અમને ગમતા વિષયો અમારી રીતે રજૂ કરી શકતા નથી. અલબત્ત, પરિસ્થિતિ થોડે ઘણે અંશે બદલાઈ છે અને કેટલાક લોકો ફરીથી સમાંતર અથવા પ્રયોગાત્મક કહી શકાય એવું કામ કરી રહ્યા છે, જેને અમારા કલાકારો માટે આનંદની જ વાત કહી શકાય.

અભિનયની ખરી કસોટી ક્યાં- મંચ પર કે કેમેરાની સામે?

મારે માટે તો બંને જગ્યાએ. હમણાં સુધી અનેક કલાકારોએ આ વાત કરી જ હશે કે મંચ પર કલાકારોને રીટેક લેવાનો ચાન્સ મળતો નથી એટલે અહીં તમારે સતત સતર્ક રહેવું પડે છે, જ્યારે કેમેરાની સામે તમારે કટકે કટકે કામ કરવા પડે છે. મંચ પર દર્શકો તમને એક જ એંગલથી જોઈ શકે છે. નાટકના માધ્યમમાં સાઉન્ડ અને લાઈટનું ઘણું પ્રભુત્વ હોય છે, જેમાં તમારે તમારા અભિનય વડે દર્શકોના મનમાં એક ચિત્ર ઊભું કરવાનું હોય છે.  જ્યારે કેમેરાની સામે તમે અભિનય કરો ત્યારે જુદી જુદી રીતે તમારા વિવિધ એંગલને કેમેરામાં કેદ કરવામાં આવતા હોય છે. આથી તમારે નાની નાની વસ્તુઓ અને ઝીણા ઝીણા હાવભાવ પર ઘણું ધ્યાન આપવું પડતું હોય છે. એટલે હું માનું છું કે જેમ જુદા જુદા માધ્યમોની માગ જુદી જુદી હોય એમ એ તમામ માધ્યોના પડકારો પણ જુદા જુદા હોય છે. મુખ્ય વાત એ છે કે કલાકારે બધી કસોટીઓમાંથી પસાર થઈને તેમજ બધા પડકારોથી ઉપર ઊઠીને તેની અભિનય ક્ષમતાને પુરવાર કરવાની હોય છે.

આપણી રંગભૂમિની બોક્સ ઓફિસ પર ક્યારેય ભીડ નથી જામતી. પણ બીજી તરફ જ્ઞાતિ-મંડળોના નાટકો હાઉસફુલ જાય છે. ગુજરાતી પ્રજાની આવી માનસિકતા વિશે તમે શું કહેશો?

આપણી રંગભૂમિ આમ પણ પહેલેથી જ થોડી ડામાડોળ ચાલતી રહી છે. એટલેકે રંગભૂમિનો એકસરખો તબક્કો ક્યારેય ચાલ્યો નથી. એનું કારણ એ છે કે આ લાઈવ આર્ટ છે, અને લાઈવ આર્ટ વિશે લોકોમાં એવી છાપ છે કે તે થોડું ખર્ચાળ છે. એટલે આ કારણે પણ અહીં ભીડ ન જામતી હોય! જ્ઞાતિ-મંડળોના શૉ હાઉસફુલ જાય છે એની પાછળનું એક કારણ એ પણ છે કે અમે જ તેમને આ માટેની સગવડ કરી આપી છે. કારણ કે કેટલીક વખત લોકો અમારી પાસે આવીને અમને કહે કે અમારે તમારા નાટકો જોવા છે પરંતુ કોઈક કારણસર અમે એ જોઈ નથી શકતા. આથી અમે તેમને રસ્તો કરી આપ્યો કે અમે અમુક રૂપિયાની ટિકિટ તમને અમુક રૂપિયામાં આપી દઈશું. અથવા અમે તેમને આખેઆખા શૉ ખરીદી લેવાની પણ ઓફર આપીએ કે, ‘ભાઈ, અમારો અમુક ખર્ચો બાદ કરતા આખો શૉ તમારો!’ એટલે આ રીતે આવા મંડળો ઊભા થયા, અને મંડળોને પ્રોત્સાહન મળતા તેમણે પોતાની જ્ઞાતિ અથવા પોતાના મિત્રો માટેનું મનોરંજન શરૂ કર્યું.

આ રીતે મનોરંજન તો શરૂ થયું જ પણ સાથે નાટકોમાં ધીમે ધીમે તેમનો હસ્તક્ષેપ પણ વધતો ગયો. તેઓ અમને આવીને કહે કે. ‘યાર તમે આટલુ બધુ સિરિયસ કરો છો, પરંતુ અમે તો નોકરીએથી થાકીને આવીએ. એટલે અમને આવું સિરિયસ ન ખપે. અમને કંઈક મનોરંજક આપો!’ એટલે અમે ધીમે ધીમે તેમને ગમતી વાર્તા કે તેમને ગમતું મનોરંજન આપવા માંડ્યા. આમ, રંગભૂમિએ જ તેમને આ સુવિધા કરી આપી, જેને હું અમારો વાંક માનું છું.

ગુજરાતી નાટકોની વાર્તાઓમાં હવે વિવિધતા લાવવી જોઈએ એવું નથી લાગતું? કોમેડીનું પ્રભુત્વ હજુ ક્યાં સુધી?

મેં આગળ કહ્યું એમ રંગભૂમિ પર બદલાવો તો આવતા જ રહ્યા છે. અને ભવિષ્યમાં પણ અહીં બદલાવો આવતા રહેશે અને આપણે સમયાંતરે નવું નવું સ્વીકારતા પણ રહીશું. એટલે અહીં પણ વિવિધતા તો આવશે જ. આપણે હમણાં ટેલિવિઝન અને ફિલ્મોમાં જોઈ રહ્યા છીએ કે અહીં હવે નાના બજેટની સારી ફિલ્મો કે ટેલિવિઝન સિરીઝનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત સમાજના જુદા જુદા તબક્કાઓ અને આપણા સમાજમાં જીવી ગયેલી વ્યક્તિઓના જીવન પર પણ કામ થઈ રહ્યું છે. આ બધું નાટકોમાં પણ કરી શકાય. અને રંગભૂમિ માટે આ બધું કંઈ નવું નથી. અહીં પહેલા આવું બધું થતું જ હતું. ફરક માત્ર એટલો જ છે કે આપણે એ તરફથી થોડા વિમુખ થયા છીએ. એટલે આપણે એ તરફ પાછા ફરવાનું છે. જોકે હાલમાં કેટલાક લોકો ફરીથી કંઈક નવીન કરી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે આપણે ઘણા જલદી એ દિશામાં પાછા ફરીશું અને અમને અમારું ગમતું કામ કરવા મળશે.
પદમારાણી સાથે સનત વ્યાસ

તમારા ભજવેલા નાટકોમાં તમારું પ્રિય નાટક કયું?

આમ તો હું પ્રિય-પ્રિયના મોહમાં નથી પડતો. કારણ કે મને તો મારા બહુ નહીં ચાલેલા નાટકો પણ ખૂબ ગમ્યાં છે! વર્ષ ૧૯૭૭માં અમે ‘અભિનામ’ નામનું એક મ્યુઝિકલ નાટક કર્યું હતું, જેમાં અમે રાજા અકબરના અને સંગીતકાર તાનસેનના બે બગાવતી દીકરાઓની વાત આલેખી હતી. નાટકની વાર્તામાં રાજા અકબર અને તાનસેનના અભિમાનને તેમના દીકરાઓએ કઈ રીતે તોડ્યું એ વિશેની વાત છે.  રાજા અકબરને તેના સામ્રાજ્યનું અને કેટલીક રૂઢિઓનું ભારે અભિમાન હતું પરંતુ તેના જ દીકરાએ પ્રેમમાં પડીને તેના અભિમાનને ચકનાચૂર કરેલું તો તાનસેનને એવું અભિમાન હતું કે સંગીતનું તેના જેવું જ્ઞાન કોઈને નથી. પરંતુ તાનસેનના દીકરાનો તેના પિતાના સંગીત વિશે એવો અભિપ્રાય હતો કે તાનસેનનું સંગીત માત્ર દરબાર પૂરતું જ સીમિત છે, જેની મજા સામાન્ય લોકો લઈ શકતા નથી! આમ આ રીતે તેણે પણ તાનસેનની સામે બગાવત કરી તેનું અભિમાન તોડેલું. એ નાટકમાં અજીત મર્ચન્ટે મ્યુઝિક આપેલું અને દેશના મોટા વાદ્યકારો અને ગાયકોએ તેમાં કામ કરેલું. તે નાટકના સંવાદોમાં અમારે ઉર્દૂસભર ગુજરાતી બોલવાનું હતું, ઉપરાંત અમારે અમારા હાવભાવ પણ થોડા અલગ રીતે પ્રદર્શિત કરવાના હતા. બટ સમ હાઉ એ નાટક નહીં ચાલ્યું પરંતુ એક કલાકાર તરીકે એ નાટક કરીને મને અત્યંત સંતોષ થયેલો. આ ઉપરાંત નાટ્યકાર શૈલેષ દવે સાથે મેં ‘નોંધપોથી’ નામનું એક નાટક કરેલું એ નાટક અને ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત ‘ત્રેવીસ કલાક, બાવન મિનિટ’ નામનું મારું એક નાટક મને ઘણું પ્રિય છે.



ક્યાંક વાંચવામાં આવ્યું છે કે ગયા વર્ષે ઉત્તરાખંડમાં ઘટેલી ઘટનામાંથી બચી આવ્યા છો...

હા, હું મારી પત્ની સાથે કેદારનાથની યાત્રાએ ગયો હતો. લગભગ સાતમી જૂને જ્યારે અમે મંદિરે પહોંચ્યાં ત્યારે મંદિરના પૂજારીએ અમને કહ્યું કે, ‘આપ દોનો અકેલે આયે હો?’ તો મેં કહ્યું કે, ‘હા.’ એટલે એમણે અમને તરત કહ્યું કે, ‘આપ દર્શન કરકે જલદી સે નીકલ જાઈએ. ક્યુંકી મોસમ કા કુછ ભરોસા નહીં હૈ.’ તેમની સૂચનાથી અમે ઝડપભેર પૂજાવિધિ પતાવીને વિલંબ કર્યા વિના નીચે ઉતરી ગયા. અમે જેવા નીચે ઉતર્યા એવો તરત વરસાદ શરૂ થયો અને એ વરસાદનું જે જોર હતું બોસ! એનું વર્ણન પણ નહીં કરી શકાય એવો એ વરસાદ હતો. અમે જે હોટલમાં રોકાયેલા એ હોટલ બે નદીઓની વચ્ચે હતી અને વરસાદ શરૂ થયો એના થોડા જ કલાકોમાં નદીઓ તો જાણે રણચંડી બની! એય, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી! જોકે અમારી હોટલના પહેલા માર્ગમાં કંઈક આવી ગયેલું, જેને કારણે અમારી હોટલની નીચેની જમીન ધોવાઈ જતા બચી ગયેલી. એક રાતના ઉજાગરા પછી અમે ગમે એમ કરીને હોટલમાંથી બહાર નીકળ્યાં અને ગમે એમ કરીને એ વિસ્તારમાંથી બહાર નીકળ્યાં. અમે સહીસલામત બહાર આવ્યા એ બદલ ત્યાંની સ્થાનિક પ્રજાનો પણ આભાર માનવો જ રહ્યો. કારણ કે પોતાનું સઘળુ પાણીમાં વહી ગયું હોવા છતાં એ લોકોએ પ્રવાસીઓ પ્રત્યે જે ખેલદિલી બતાવી એ કાબિલેદાદ હતી.

એ દિવસોમાં મને કુદરતનું રૌદ્ર સ્વરૂપ પ્રત્યક્ષ રીતે જોવા મળ્યું. ત્યાં સુધી મેં કુદરતને અને પહાડોને અત્યંત શાંત સ્વરૂપમાં જ જોયેલા. ત્યાર સુધી મેં નદીઓને શાંત સ્વરૂપે ખળખળ વહેતા જોયેલી. પણ ત્યારે મેં નદીના એક અલગ જ રૂપના દર્શન કર્યા. તે સમયે વહેલી નદીના વહેણનો અવાજ હજુય મને ક્યારેક સંભળાય છે! પરંતુ હું કુદરતને ચાહુ છું અને મને તેનામાં પહેલા જેટલી જ શ્રદ્ધા છે એટલે હું ફરી ફરીને ત્યાં જવાનું પસંદ કરીશ.
ઈટીવી પર પ્રસારિત થતી 'તારી આંખનો અફીણી' સિરિયલના સેટ પર...

અભિનય કરો એ પહેલા તમે ક્યા પ્રકારની તૈયારીઓ કરો છો?

એક એક્ટર તરીકે હું મારા અભિનય માટે અત્યંત સજાગ છું. હું હંમેશાં એક વાતનું ધ્યાન રાખુ છું કે મારાથી એક વાર થઈ ગયેલી ભૂલનું હું બીજી વખત પુનરાવર્તન નહીં કરું. આ માટે કલાકાર તરીકે તમારું કેટલીક બાબતો તરફ ધ્યાન જવું જોઈએ અથવા તમારા અભિનય માટે તમારો એટલો અભ્યાસ હોવો જોઈએ. મારા કોઈ નાટકનો દસમો શૉ હોય કે પચાસમો શૉ હોય, પરંતુ હું દર વખતે એ નાટક પહેલી વખત ભજવી રહ્યો છું એવું માનીને જ મારો અભિનય કરું છું. હું માનું છું કે કલાકારે તેના અભિનયને લઈને ક્યારેય ઓવરકોન્ફિડન્ટ રહેવું જોઈએ નહીં. ‘ચાલો ભાઈ આપણે તો નીવડેલા છીએ ને!’ જો અભિનેતા આવું કંઈક વિચારવા ગયો તો કલાકાર તરીકેના તેના વિકાસ પર પૂર્ણવિરામ લાગી જાય છે. કોઈ પણ કલાકારને આ તબક્કે પહોંચવાની લાલસા જાગતી જ હોય છે. પરંતુ હું હંમેશાં મારા મનમાં એક વાત રાખુ છું કે હું હજુ નવો નિશાળીયો જ છું. હું મારા પ્રેક્ષકોની કમેન્ટ્સને પણ ઘણી ગંભીરતાથી લઉં છું. પ્રેક્ષકો તરફથી મારા અભિનયને લઈને મને જે સૂચનો આવે છે એના પર હું તુરંત જ કામ કરવાનું શરૂ કરી દઉં છું.

ભૂતકાળના કોઈ પણ ત્રણ પાત્ર અથવા અભિનેતાઓ સાથે કામ કરવાની તક આપવામાં આવે તો તમે કોને પસંદ કરો? 

પાત્રોમાં સૌથી પહેલા હું મેકબેથને પસંદ કરું. મારું બોડી ફિઝિક એમના જેવું ન હોય તો પણ ગાંધીજીનું પાત્ર ભજવવાની પણ મને ઘણી ઈચ્છા છે. અને ત્રીજુ પાત્ર ઈતિહાસમાં ભૂંડી ભૂમિકા ભજવી ગયેલું કોઈ પણ પાત્ર, જેને ભજવવાનું કામ ખરેખર પડકારજનક હોય!

અભિનેતાઓની વાત કરું તો લોરેન્સ ઓલિવિયર વિશે મેં એવું વાંચેલું કે તેમનું નાટક શરૂ થાય એ પહેલા તેઓ અચૂક રિહર્સલ કરતા, અને જો તેમને રિહર્સલ કરવા ન મળે તો તેઓ તેમનો શૉ કેન્સલ પણ કરી દેતા! અંગત રીતે મને આવા માણસો એટલે ગમે છે કે કારણ કે મને ખુદને પણ રિહર્સલની પ્રક્રિયામાં ખૂબ મજા પડે છે. તો હું તેમની સાથે કામ કરવાનું પસંદ કરું.

તમારા પ્રિય નાટ્યકારો કયાં?

એમ તો જૂની રંગભૂમિ પર અશરફ ખાન કે સુશીલા દેવી જેવા કેટલાય કલાકારો થઈ ગયા છે, જેમના રંગભૂમિમાં પ્રદાન વિશે સાંભળીને એમ થાય કે આ બધા કલાકારો સાથે કામ મળ્યું હોત તો ઘણું સારું થાત. આ ઉપરાંત આજના સમયની વાત કરીએ તો જેમણે મારી કારકિર્દીની શરૂઆત કરાવી એવા નાટ્યકાર વિજય દત્ત, અરવિંદ જોશી અને પ્રવીણ જોશી મને ગમે.  અને મારા સમવયસ્કોની વાત કરું તો
મને સિદ્ધાર્થ (રાંદેરિયા) અને હોમી વાડિયા જેવા કલાકારો ગમે. એક નામ, જે મારું ઓલ ટાઈમ ફેવરિટ છે એ નામ છે સરિતા જોશી!

હાલમાં તમે ક્યાં પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યાા છો?

હાલમાં હું મારા ‘કેરી ઓન કરસન’ નામના એક નાટકની તૈયારી કરી રહ્યો છું. આમ તો આ નાટકના પાંચ-છ શૉઝ થયાં પણ છે પરંતુ હાલમાં અમે તેની સ્ક્રિપ્ટ ઉપરાંત અન્ય કેટલાક પાસાઓ પર ફરીથી કામ કરી રહ્યા છીએ.

તમે નાટક ન કરતા હોત તો શું કરતા હોત?

મારા શાળાના અભ્યાસ દરમિયાન જે રીતે હું નાટકોમાં ભાગ લેતો ,એ રીતે હું રમત-ગમતમાં અને એમાંય ખાસ કરીને ક્રિકેટમાં પણ ઘણો સક્રિય હતો. મારા સાથીઓના મત મુજબ હું ઘણું સારું ક્રિકેટ રમતો. પણ કરમની કઠણાઈ એ હતી કે ત્યારે ન તો સચીન તેન્ડુલકર હતો કે ન વનડે કે આઈપીએલ હતી. ઈનશોર્ટ ક્રિકેટમાં આજે જોવા મળી રહ્યું છે એવું ગ્લેમર ત્યારે જોવા મળતું નહીં. એટલે ત્યારે અમારા વડીલો અમને કહેતા કે, ‘આ શું આખો દા’ડો ધોકા પછાડ પછાડ કરે છે?’ હું પંજાબના જલંધરમાં ડિસ્ટ્રીક્ટ લેવલે પણ ક્રિકેટ રમી આવ્યો છું.

લોકો સનત વ્યાસને કઈ રીતે ઓળખે એવું તમે ઈચ્છો છો?

લોકો મને સારા અભિનેતા અને સારા માણસ તરીકે ઓળખે એવું જ હું ઈચ્છું. એક કલાકારની આનાથી વધુ અબળખા પણ શું હોય? ■

No comments:

Post a Comment