બા,આજે તને ગયાંને મહિનો થયો.
હવે તું સૌનાં દિલો-દિમાગ માંથી નિકળી ગઈ!
જેનાં ચ્હેરા ઊપર હંમેશા-
હાસ્ય વિસામો કરતું
એવી તું હવે એક મહિનાથી
હસતે મોઢે દિવાલ ઊપર લટકે છે!!
આમેય તે અમારા માટે
બધું હસતે મોઢેજ વેંઠયું હતુંને!
જોકે મને હજુય સપનાંમાં
તારુ બોખુ મોઢું દેખાય છે.
અને રાત્રે સેકન્ડશીપ માંથી આવુ ત્યારે
"ભાઇ આવી ગયો...?"
એમ પણ સંભળાય છે.
બે'ક દિવસ પહેલાં તારી જણસની
વ્હેચણી અંગેની મિટિંગ હતી.
તારી બધી જણસ મારા ભાગે આવી બા!
કોઇએ કંઇ ન લીધું.
ન ભાઇઓએ કે ન બહેનોએ.
બધાં કહે છે "અમને કંઇજ જરૂર નથી-
અમે સધ્ધર છીએ,તું રાખ આ બધું.
તને કામ આવશે."
બા,આજે મને મારી ગરીબીનો ગર્વ થયો.
તું ભલે સદેહે નથી,પણ યાદ રૂપે તો
મારી પાસે રહી!!
એય આખે-આખી,ભાગ વગરની.
તારી યાદોનું હું અંત સુધી જતન કરીશ.
તારી જેમજ....