આમ બાઘાની જેમ ક્યાં સુધી બેઠો રહીશ?’ મીરાંએ કાચમાં
પોતાનો ચહેરો જોયો, ‘હવે તારે કંઈક કરવું જ પડશે.’ તેણે પલ્લવને
કહ્યું.
‘બટ મોમ આમ અચાનક જ કોઈને કેવી રીતે’ પલ્લવે હાથમાં તેનો
આઈફોન રમાડતા કહ્યું.
‘જો દીકરા આવા મામલામાં ધીરજનું જેટલું મહત્ત્વ છે એટલી જ
સમય-સૂચકતાની પણ જરૂર હોય છે. હવે જો તું મોડું કરીશ તો તારે પસ્તાવાનો વારો આવશે.’ મીરાંનું કાચમાં
જોવાનું ચાલુ જ હતું. કાચમાં તેણે તેના ચહેરાને બે-ત્રણ બાજુએથી ત્રાંસી નજરે
જોયો.
‘બાય ધ વે, સફેદ વાળ મને સૂટ કરે છે ને? મારે આ સિલ્વર-બ્લેકનું કોમ્બો ટ્રાય કરવું છે.
આજ-કાલ ઘણાં બૌદ્ધિકો આવા કાબરચિતરા વાળ રાખે છે.’
‘બૌદ્ધિકો રાખે છે એટલે તારે આવા વાળ રાખવા છે કે તને ગમે છે
એટલે? તુંય ખરી છે, મોમ.’ પલ્લવે મોબાઈલમાં
કેન્ડી ક્રશ રમવાનું શરૂ કરી દીધું હતું. રિડિંગ વેકેશનમાં હોસ્ટેલથી ઘરે આવેલો
પલ્લવ તેના એન્જિનિયરિંગના થોથા વાંચવા કરતા દિવસે વ્હોટ્સ એપ અને ફેસબુક પર
વ્યસ્ત રહેતો અને સાંજે મીરાં સાથે નાટકોના રિહર્સલ પર નીકળી જતો.
‘અફકોર્સ મને ગમે છે એટલે, બીટ્ટુ. જોકે બૌદ્ધિકો આવા વાળમાં વધારે સ્કોલર
લાગે છે એટલે જ મને એ ગમે છે.’ મીરાંએ પલ્લવ તરફ આંખ મિચકારી.
શહેરની જાણીતી લેખિકા અને નાટ્યકાર મીરાં તેના અનોખા ફેશન
સ્ટેટમેન્ટ માટે ઘણી જાણીતી હતી. કુદરતે તેને એવાં આકર્ષક કદ-કાઠી આપ્યાં હતા કે
તેના પર કોઈ પણ ફેશન કે સ્ટાઈલ એકદમ બંધબેસતી. કપાળે ગોળ મોટો ચાંદલો કરતી મીરાં
આમ તો કોટનની સાડી પહેરવાનું ઘણું પસંદ કરતી પરંતુ સાડીના રંગો અને તેના પરની
ડિઝાઈનને મામલે તેની ચોઈસ બીજી સ્ત્રીઓ કરતા ઘણી અલગ રહેતી. ઉપરાંત ક્યારેક તે
લાંબી સ્લીવ કે કોલર વાળી બ્લાઉસ પહેરીને અખતરા કરી લેતી. હાથમાં ચામડાના
પટ્ટાવાળી રાઉન્ડશેપ ઘડિયાળ કે ગળામાં સ્ટોન જ્વેલરી પહેરીને વધુ જાજરમાન દેખાતી.
પહેરવેશ પ્રત્યેની તેની અત્યંત સભાનતાને કારણે જ તે મેટ્રોની લાખોની ભીડમાં અલગ
તરી આવતી.
‘હા, તો આપણે ક્યાં હતા?’ મીરાંએ વાતને પાટે ચઢાવતા કહ્યું.
‘એ જ કે હવે હું શું કરું?’ સોફા પર આળોટ્યાં બાદ પલ્લવ ડ્રોઈંગ રૂમના
હિંચકા પર આવીને બેઠો. વ્હોટ્સ એપ પર કોલેજના ગ્રુપ પર બે-ત્રણ દોસ્તો ચેટિંગ પર
વળગ્યાં હતા આથી તેણે મેસેજ હિસ્ટ્રી ચેક કરી.
‘તારા વતી હું તો રેવાને પ્રપોઝ નહીં જ કરુંને, બીટ્ટુ. આઈ એમ નોટ એ
લેસ્બો એટ ઓલ.’ મીરાં ખડખડાટ હસી
પડી. તેનું આ હાસ્ય પલ્લવને ખૂબ ગમતું. તેના હાસ્યને પલ્લવ મિલિયન ડોલર લાફ કહેતો, પણ જે હાસ્ય પર તે
વારી વારી જતો એ હાસ્ય આજે તેને અકળાવી ગયું.
‘શટ અપ, મા હું તારી મદદ માગી રહ્યો છું અને તું મને મદદ કરવાને
બદલે સ્ટુપિડ જોક સંભળાવી રહી છે. હું ખરેખર ઘણી અવઢવમાં છું, મોમ.’ પલ્લવે નિસાસો નાંખ્યો.
‘પ્રેમને અવઢવ સાથે ઊંડો સંબંધ હોય છે, દીકરા. પણ પ્રેમમાં
સફળ થવું હોય તો અવઢવમાંથી બહાર આવીને થોડાં સ્પષ્ટ થવું જરૂરી છે. અને એ પણ યોગ્ય
સમયે જ. મને લાગે છે કે હવે તારે આ અવઢવમાંથી બહાર આવવું જોઈએ અને રેવાને બધુ
જણાવી દેવું જોઈએ.’ મીરાં થોડું અટકી. હવે તે થોડી ગંભીર લાગી રહી હતી.
‘તને શું લાગે છે? એ તારા માટે કેટલી પોઝિટિવ છે?’
‘પોઝિટિવ તો છે જ. એણે મંજરીને પણ મારા વિશે કહ્યું હતું.
અને પોઝિટિવ ના હોત તો આમ અડધી રાત સુધી મારી સાથે વ્હોટ્સ એપ ચેટ શું કામ કરે?’ પલ્લવે જમીન પર પગ
હલાવીને હિંચકાને થોડી ગતિ આપી.
‘તો પછી ગભરાય છે શું કામ? એક વાર તારા મનની વાત કહી જો. એ કદાચ તારા તરફથી
પહેલની રાહ જોતી હોય એમ પણ બને. લૂક, છોકરીઓ આ બાબતે થોડું અલગ વિચારતી હોય છે. આ બાબત બહુ કોમન
છે. માણસોમાં જ નહીં, પૃથ્વીના તમામ જીવોમાં માદા નર તરફથી સંબંધની પહેલ માટે
અપેક્ષા રાખતી હોય છે.’ અંતે મીરાંએ તેના વાળનો અંબોડો કર્યો અને રસોડા તરફ વળી.
‘તું ચ્હા પીશ?’ કિચન પ્લેટફોર્મની નીચેની ટ્રોલીમાંથી તેણે
ચ્હાની સામગ્રી કાઢવા માંડી.
‘હમ્મમ્...’ પલ્લવ પણ તેની પાછળ આવ્યો અને કિચનના પ્લેટફોર્મ પર બેસી
ગયો. નજીકની છાબડીમાં મૂકેલું બટાકું હાથમાં લઈને તેને ઉછાળતા તે બોલ્યો, ‘મોમ, મને બીજી પણ કેટલીક
ચિંતા થાય છે.’
‘જેમકે?’ મીરાંએ તેની તરફ જોઈને ભવા નચાવ્યાં.
‘જેમકે, ધારોકે અમે રિલેશનશિપમાં રહીએ તો હું એને સંપૂર્ણ લોયલ રહી
શકીશ કે નહીં એની મને ખબર નથી. જીવનમાં કોઈ એક જ માણસને સંપૂર્ણ વફાદાર કઈ રીતે
રહી શકાય, મા? ક્યાંક હું એવું
નહીં કરી શક્યો તો?’
‘એવું કશું હોતું નથી. તને એવું લાગે છે કે ભવિષ્યમાં તું
વાયડો થઈશ? છેલ્લાં એક વર્ષથી
તું રેવા રેવા કરીને મારું માથું ખાય છે. સ્કૂલમાં પણ તારી કોઈ ગર્લફ્રેન્ડ હતી
એવું મને તો યાદ નથી. ગમે ત્યાં વલખા મારતા રહેવું એ તારો સ્વભાવ જ નથી. રેવાને
ચાહે છે છતાં એનેય ક્યાં તું કહી શક્યો છે કે તું એને પ્રેમ કરે છે!’ મીરાંએ ફ્રિઝમાંથી
દૂધ અને આદુ કાઢ્યાં.
ઉકળતા પાણીમાં દૂધ ઉમેરી એણે ફરીથી આગળ ચલાવ્યું, ‘તું આ બાબતે સભાન છે
એ જ આ વાતની ખાતરી આપે છે કે તું રેવા અને તારા સંબંધને લઈને ઘણો ગંભીર છે. બાકી આ
ઉંમરે તારે આ બધુ વિચારવાનું નહીં હોય. તું મારું લોહી છે. રેવાને વચન આપ્યાં પછી
ભવિષ્યમાં તું ક્યારેય કોઈ ખોટું પગલુ નહીં ભરે એની ખાતરી હું તને આપું છું.’ તેણે ઉકળતી ચ્હામાં
છીણેલું આદુ નાંખ્યું.
‘મા હું તારો દીકરો છું એટલો જ પાપાનો પણ છું.’ પાપાનું નામ લઈને
પલ્લવે જાણે ધડાકો કર્યો.
‘તારી પરવરીશ તારા પાપાએ કરી છે કે મેં?’
‘અફકોર્સ તેં જ, મા’
‘તો તારામાં મારું લોહી પણ છે અને મેં આપેલા સંસ્કાર પણ! તું
ક્યારેય કોઈ સ્ત્રીની લાગણી અને તેના વિશ્વાસ સાથે ચેડાં નહીં કરે એની મને ખાતરી
છે. અને તારા પાપા પણ છેક નાખી દેવા જેવા તો નથી જ.’
(ચિત્ર માટે શ્રી નાનૂ ટંડેલનો વિશેષ આભાર) |
ચ્હાના બે મગ ભરીને મીરાં બાલ્કની તરફ ગઈ. પલ્લવ યંત્રવત
તેને અનુસર્યો.
‘મા, તું પાપાને માફ નહીં કરે?’
બંને ખુરશીમાં ગોઠવાયા. બાલ્કનીમાં મીરાંએ માવજતપૂર્વક
કેટલાંક છોડ ઉધેર્યા હતા. તેને બગીચો કરવાનો બહુ શોખ હતો પરંતુ બારસો સ્ક્વેર
ફુટના આ ફ્લેટની બે બાલ્કનીમાં થોડાંક કુંડા મૂકીને તેણે સંતોષ માનવો પડેલો. બે
બાલ્કનીમાંની એક સોસાયટી તરફ પડતી હતી, જેમાંથી હંમેશાં સામેવાળા મકાન અને તેમાં રહેતાં લોકોનાં
દિવેલિયાં મોઢાં દેખાતાં, આથી રસ્તા પર પડતી આ બાલ્કની અને રસ્તા પરનું જીવંત વાતાવરણ
તેને બહુ ગમતા.
‘ના, નહીં કરું. આ જન્મે તો નહીં જ પણ આવતા દસ જન્મે પણ નહીં.’ તેણે ચ્હાનો એક
ઘૂંટડો ભર્યો.
‘શું કામ નહીં?’
‘એ તને નહીં સમજાય. આડેધ ઉંમરે પોતાના અફેરને છુપાવવા માટે
પત્નીને નાટકોવાળી કહીને તેના પર ગમે તેવા આક્ષેપો કરે ત્યાં સુધી તો ઠીક પણ
પોતાના જેવી મુખોટી ધરાવનાર પોતાના બાળક માટે પણ પ્રશ્ન ઉઠાવવો એ કોઈ પણ પુરુષની
નાલાયકીની ચરમસીમા છે. એણે આપણને બેને છોડ્યા એનો મને કોઈ રંજ નથી પણ તારા માટે
એણે કરેલા કેટલાક પ્રશ્નો માટે હું એને ક્યારેય માફ નહીં કરી શકું.’ મીરાએ રસ્તા પર
જોયું. રસ્તાની બંને તરફ ઘટાટોપ ખીલેલા ગુલમહોરને કારણે રસ્તો ઘણો રોમેન્ટિક લાગતો
હતો.
મીરાંની વાત સાંભળીને પલ્લવ થોડો ગંભીર અને ઉદાસ થયો.
‘ચલ છોડ એ બધી વાતો. આમ ઉદાસ નહીં થા. પતિ વગરની પત્ની અને
બાપ વગરનું બાળક ઉદાસ થાય તો લોકો તેમને બિચારામાં ખપાવી દેતાં હોય છે. ઉદાસ
રહેવું એ આપણો સ્વભાવ નથી અને બિચારા કહેવાવું આપણને મંજૂર નથી.’ મીરાંએ હસીને
વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કર્યો.
‘આ તાકાત તું ક્યાંથી લાવે છે, મા?’
‘એની મને ખબર નથી. પરંતુ રેવાને ક્યારે પ્રપોઝ કરે છે એ બોલ.
તને નહીં ફાવતું હોય તો હું વાત કરી જોઉં?’ મીરાંએ ચ્હાનો છેલ્લો ઘૂંટડો ભર્યો.
‘લેટ મી ડીલ વિથ હર, મા એ મારી ગર્લફ્રેન્ડ છે, તો મને જ પ્રપોઝ પણ કરવા દે. નહીંતર એ મને આખી
જિંદગી માવડિયો કહેશે.’ પલ્લ્વે તેનો આઈફોન ચેક કર્યો. વ્હોટ્સ એપ ગ્રુપનું પેલું
ચેટિંગ હજુ ચાલુ જ હતું.
‘હમ્મમ્ હું આશા રાખુ છું કે તું જલ્દીથી આ કામ પતાવશે.
તારામાં તારા પાપાના લક્ષણ નથી તેનો સૌથી મોટો પુરાવો એ જ છે કે એક વર્ષથી તું
જેની સાથે ડેટ કરી રહ્યો છે એને હજુ પ્રપોઝ પણ નથી કરી શક્યો. તારા પાપા આ બાબતે
ઘણાં આગળ હતા.’ માયાએ બંનેના મગ
ઉઠાવ્યા અને બાલ્કનીમાંથી ઊઠીને ઘરમાં ગઈ. પલ્લવે નીચેની તરફ જોયું. અંધારું થવાની
તૈયારીમાં હતું એટલે રસ્તા પરની દુકાનોના હોર્ડિંગ્સની લાઈટો ધીમે ધીમે ચાલુ થઈ
રહી હતી. તેણે તેનો આઈફોન ફરી ચેક કર્યો. બપોર પછી રેવાનો વ્હોટ્સ એપ આવ્યો ન હતો.
વ્હોટ્સ એપ પર તેણે રેવાનું ‘લાસ્ટ સીન’ જોયું તો એ ત્રણને પંચાવનનો સમય બતાવી રહ્યું હતું.