Tuesday, September 3, 2013

કલા બની સામાજિક ક્રાંતિનું માધ્યમ

કલાને કોઇ દાયરામાં બાંધીને સીમિત કરી શકાતી નથી. જો જે-તે કલાનાં મૂળભૂત સિદ્ધાંતો સાથે કોઇ પણ છેડછાડ કર્યા વિના તેમાં કોઇ પણ પ્રયોગ કરવામાં આવે તો તે હંમેશા આવકાર્ય હોવો જોઇએ. પરંતુ કેટલીક વખત કલાનાં કહેવાતા જાણકારો અને કેટલાક જૂનવાણી વિવેચકો આવા પ્રયોગોનો સ્વીકાર નથી કરી શકતા. જોકે કલાને સંપૂર્ણ સમર્પિત અને પોતાની કલાના નશામાં ડૂબેલા રહેતા કલાકારો ક્યારેય આવા જડભરતોની પરવા કરતા નથી! તેઓ તો હંમેશા એ જ કરતા હોય છે જે તેમણે કરવું હોય છે. તાજેતરમાં બિહારની એક યુવતીએ પણ કંઇક આવુ જ કામ કર્યું છે, જેણે ચિત્રકલાના એક પ્રકારમાં નવો ચીલો પાડ્યો છે, જેની સાથે જ તે સામાજિક ઉત્થાન માટે પણ મહેનત કરી રહી છે. તેણે કરેલા પ્રયોગની ક્યાંક વાહવાહી થઇ રહી છે તો ક્યાંક તેનાં પ્રયોગનો વિરોધ પણ થઇ રહ્યો છે. પરંતુ આ બેફિકર કલાકાર યુવતીને કોઇની પડી નથી એને તો બસ એ ભલી અને તેનું કામ ભલુ.

આ વાત છે બિહારનાં સમસ્તિપુરની દલિત યુવતિ માલવિકા રાજની. મોહાલીની એનઆઇએફટીમાંથી ચિત્રકલામાં ગ્રેજ્યુએટ થયેલી આ પેશનેટ કલાકારે બિહારનાં પ્રખ્યાત ચિત્રપ્રકારમધુબનીમાં એક નવો પ્રયોગ કરીને ચિત્રકલાનાં ક્ષેત્રમાં થોડો કાંકરીચાળો કર્યો છે. નવીનમાં તેણે માત્ર એટલું જ ઊમેરણ કર્યુ છે કે તેણે મધુબની ચિત્રોમાં ભગવાન બુદ્ધની જીવનયાત્રાને ચિતરી છે. તેનાં આ પ્રયોગ સાથે જ એવું પહેલી વખત બની રહ્યું છે કે કોઇ કલાકારે મધુબની ચિત્રોની મુખ્યધારાની થીમને બદલે કોઇક નવી થીમ પર ચિત્રો દોર્યા હોય! સામાન્ય રીતે મધુબની ચિત્રોમાં રામાયણ અને મહાભારત કાળની વિવિધ વાર્તાઓનો ઉપરાંત અન્ય કેટલાક હિન્દુ પૌરાણિક પાત્રોને ઓબ્જેક્ટ બનાવીને તેમને ચિતરવામાં આવે છે. આ ઉપરાંત પ્રકૃતિને પણ કેન્દ્રમાં રાખીને ચિત્ર તૈયાર કરવામાં આવતા હોય છે. પરંતુ ભગવાન બુદ્ધનાં ચિત્રો દ્વારા માલવિકાએ પ્રવાહને બીજી તરફ પલટાવાનો પ્રયત્ન કર્યો છે. મધુબની ચિત્રોમાં તેણે બુદ્ધનાં જન્મ પહેલાથી તેમનાંમહાભિનિષ્ક્રમણસુધીની કથાઓને ચિત્રોમાં વણી લીધી છે.

તેણે બુદ્ધ પરનાં મધુબની ચિત્રોની આખી સિરીઝ તૈયાર કરી છે, જેને તેણેધ જર્નીનામ આપ્યું છે. આ સિરીઝનાં તેનાં ચિત્રોમાં તેણે મધુબની ચિત્રોની ટેક્નિક અને તેની શૈલી સાથે કોઇ પણ છેડછાડ કર્યા વિના માત્ર થીમ જ બદલી છે. પરંતુ આટલા નજીવા ફેરફાર માટે પણ કલાજગતમાં તેનો ઠીક ઠીક વિરોધ થઇ રહ્યો છે. તેનાં ચિત્રો માટે કેટલાક જૂનવાણીઓ અને કહેવાતા જાણકારો એવું માને છે કે આ રીતે મધુબની ચિત્રોમાં બુદ્ધની વાર્તાઓનો પ્રયોગ કરવો યોગ્ય નથી. કારણકે તેમાં સદીઓથી હિન્દુ પૌરાણિક પાત્રોને થીમ બનાવીને ચિત્રો તૈયાર કરવામાં આવતા હોય છે. પરંતુ આ બધા વિવેચનો કે વિરોધોની માલવિકાને બહુ પડી નથી. તેનાં મનમાં તો નાનપણથી એક જ સવાલ ઉઠતો કે મધુબની ચિત્રોમાં તેનાં પ્રિય એવા બુદ્ધ કેમ નહીં? આમ, નાનપણમાં તેનાં મનમાં ઉઠેલા સવાલનો જવાબ એટલે તેણે તૈયાર કરેલી  ‘ધ જર્નીચિત્ર સિરીઝ!

થોડાં સમય પહેલાં તેણે પટના આર્ટસ કોલેજમાં તેનાં ચિત્રોનું પ્રદર્શન યોજ્યું હતું. આ દરમિયાન એક યુવાને માલવિકાનાં ચિત્રો જોયાં વિના જ તેને સીધો પ્રર્શ્ન કર્યો કે આ રીતે મધુબની ચિત્રોમાં બુદ્ધનો પ્રયોગ કરવાનો તેણે વિચાર પણ કઇ રીતે કર્યો? આ તો ઠીક તેણે માલવિકા સાથે તોછડી ભાષામાં વાતો કરવા માંડી અને તે તેનાં ચિત્રો વિશે બિભત્સ વાતો કરવા માંડ્યો. તેનાં આવા પ્રતિભાવોને કારણે થોડાં સમય માટે તો માલવિકા ડઘાઇ જ ગઇ હતી. પરંતુ પાછળથી તે આવા પ્રતિભાવોથી ટેવાઇ ગઇ કારણકે જ્યાં મધુબની ચિત્રોનો જન્મ થયો હતો એવા બિહારનાં વિવિધ ઠેકાણે તેનાં આ પ્રયોગનો વિરોધ શરૂ થઇ ગયો હતો. જોકે મુંબઇની જહાંગીર આર્ટ ગેલેરીએ તેનાં આ નવા પ્રયોગને ભારે બિરદાવ્યો હતો, જ્યાં તેમણે માલવિકાનાં બુદ્ધ પરનાં તમામ મધુબની ચિત્રોનું પ્રદર્શન યોજ્યું હતું.

પ્રાદેશિક સ્તરે તેનાં ચિત્રો માટે આટઆટલા ઉહાપોહ પછી પણ આ દલિત યુવતી એકદમ અડગ અને અડીખમ છે. તેનાં મતે તો આ સઘળી રામાયણ વાતનું વતેસર જ છે, આથી ટીકાની પરવા કર્યા વિનાં તે તેનાં કામને આગળ વધારી રહી છે. તેનાં ચિત્રો વિશે તે એવું માને છે કે ભગવાન બુદ્ધનાં જીવનને મધુબનીમાં ઉતારીને તે કોઇ વિરોધ નથી કરી રહી અથવા કંઇ સાબિત કરવાની ખેવના પણ રાખતી. પરંતુ તેને મધુબની ચિત્રો અને ભગવાન બુદ્ધ બન્ને પ્રત્યે આકર્ષણ હોવાથી તેણે આવા પ્રકારનાં ચિત્રો દોરવાનું નક્કી કર્યું.

ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટસ બોર્ડઅને ભારત સરકાર હાલમાં બિહારની મહિલાઓને દર મહિને આવક મળી રહે એ માટે તેમને વિપુલ જથ્થામાં મધુબની ચિત્રો તૈયાર કરવાનું પ્રોત્સાહન આપે છે. પરંતુ સરકારની આ યોજનામાં સમાજનાં અન્ય વર્ગોની સ્ત્રીઓ કરતાં દલિત સ્ત્રીઓ તેનો લાભ ઉઠાવવામાં પાછળ પડી રહી છે. આથી સમસ્તિપુર અને તેની આસપાસનાં વિસ્તારની દલિત મહિલાઓ પણ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરે અને સમાજનાં અન્ય વર્ગોની સ્ત્રીઓની સમકક્ષ ઉભી રહે તે માટે માલવિકા એક ઝુંબેશ ચલાવી રહી છે. આ માટે તે ગામેગામ ફરીને દલિત મહિલાઓને એકત્રિત કરીને તેમને મધુબની પેઇન્ટિંગ્સ વિશેની માહિતીઓ આપે છે અને પોતાનો કિંમતી સમય તેમની પાછળ ખર્ચીને તેમને મધુબની ચિત્રો બનાવતા પણ શીખવે છે. માલવિકા ફેમિનિસ્ટ છે અને દલિત મહિલાઓનાં ઉત્થાન માટે તે સતત પ્રયત્નશીલ રહે છે. તે કહે છે કે, ‘મહિલાઓ આર્થિક રીતે સદ્ધર બને તે માટે હું હંમેશા પ્રયત્નો કરું છું. સમાજનાં અન્ય વર્ગોની મહિલાઓ કરતાં દલિત મહિલાઓ હજુ ઘણી પાછળ છે. દલિત મહિલાઓ તેમનાં જીવનમાં કોઇ પણ પગલું ભરે છે ત્યારે ત્રણ વાતો તેમને સતત પીડે છે જેમાંની એક એ છે કે તેઓ મહિલાઓ છે, બીજી એ કે તેઓ દલિત છે અને ત્રીજી એ કે તેઓ ગરીબ અને અભણ છે.’

હાલમાં બિહાર ખાતે તો એવી પરિસ્થિતિ સર્જાઇ છે કે જ્યારે તેનાં બુદ્ધ પરનાં ચિત્રોનાં પ્રદર્શન યોજવામાં આવે છે ત્યારે તેને વિશેષ રક્ષણ આપવામાં આવે છે. બિહારમાં તેનાં ચિત્રોનાં પ્રદર્શન યોજાઇ રહ્યાં છે તેની  પાછળનું સત્ય એ પણ છે માલવિકાનાં પિતા એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે, નહીંતર જો માલવિકા કોઇ સામાન્ય દલિત છોકરી હોત તો તેનાં માટે પ્રદર્શનો યોજવા મૃગજળ સમું જ બની રહ્યું હોત.


મધુબની પેઇન્ટિંગ વિશે થોડું

મધુબની ચિત્રો મૂળ ભારતીય શૈલીનાં ચિત્રો છે, જેની શરૂઆત રામાયણ કાળમાં બિહારની મિથિલા નગરીથી થઇ હતી. આથી આ ચિત્રોને મિથિલા ચિત્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચિત્રશૈલી માટે એવી વાયકા પ્રચલિત છે કે મહારાજા જનકે રામ અને સીતાનાં લગ્ન ટાણે મિથિલાનાં ચિત્રકારો પાસે વિશેષરૂપે આ નવી શૈલીનાં ચિત્રો તૈયાર કરાવડાવ્યાં હતાં. બિહારમાં મધુબનીનો એક બીજો અર્થમધનું વનપણ થાય છે. પરંપરાગત રીતે બિહારમાં આ ચિત્રો ત્યાંની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. પરંપરાગત રીતે આ ચિત્રો હાથની આંગળીને કે દિવાસળીની કાંડી અથવા ઝાડની નાની ડાળખીને રંગોમાં બોળીને તૈયાર કરવામાં આવતા હતાં. પહેલાનાં સમયમાં ગ્રામીણ બિહારનાં લોકો માત્ર તેમનાં ઝૂંપડાઓની દીવાલો પર મધુબની ચિત્રો દોરતા હતાં. પરંતુ બદલાતા સમયની સાથે અને તેની રસાળ આકર્ષક શૈલીને કારણે હવે આ ચિત્રો કાપડ અને કેનવાસ પર પણ તૈયાર કરવામાં આવે છે.

આ ચિત્રો તૈયાર કરતી વખતે દીવાલ કે કેનવાસ પર તસુભર જગ્યા ખાલી રાખવામાં આવતી નથી. તેમાં ચિત્રની મધ્યમાં મુખ્ય ઓબ્જેક્ટનું ચિત્ર તૈયાર કર્યા બાદ બાકી બચેલી તમામ જગ્યામાં ફુલો અથવા કોઇ પ્રાણી અને પક્ષીનાં ચિત્રો દોરીને તે ખાલી જગ્યાને ભરી દેવામાં આવે છે. મુખ્યત્વે મધુબની ચિત્રો આદિવાસી શૈલીના ચિત્રો હોવાથી તેમાં રંગો માટે કુદરતી રંગો ઉપરાંત લાલ માટી અને મેશનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ ગ્રામીણ બિહારમાં કોઇ ઉત્સવ હોય કે ઘરમાં કોઇ શુભ પ્રસંગ હોય તો ત્યાંની સ્ત્રીઓ દ્વારા રિવાજનાં ભાગરૂપે મધુબની ચિત્રો તૈયાર કરવામાં આવે છે. આજે હવે આપણા આ પારંપરિક ચિત્ર પ્રકારને દેશ અને વિદેશનાં ચિત્રકારો દ્વારા પણ સ્વીકારવામાં આવ્યો છે. તેમની અનોખી શૈલીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની એક અલગ ઓળખાણ બની છે

2 comments: