Tuesday, May 6, 2014

પાઠ્યપુસ્તકમાંથી મંચ સુધી પહોંચેલી વાર્તા





બાળપણમાં ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતા કેટલાક પાઠ કે કવિતા આપણને આજીવન યાદ રહેતા હોય છે. મોટા થયાં પછી ક્ષેત્ર બદલાઈ ગયું હોવા છતાં અને ભાષા-સાહિત્ય સાથે સ્નાન સૂતકનો સંબંધ રહેવા છતાં પાઠો આપણને શું કામ યાદ રહે છે? કારણકે સ્કૂલમાં પાઠો ભણતી વખતે દોસ્તારો સાથે કરેલી ઘિંગામસ્તી અને ક્લાસમાં શિક્ષક આવે પહેલાં હાકોટા પાડીને ગાયેલી કવિતાઓ સાથે સ્કૂલના સમયની કેટલીક મીઠી યાદો સંકળાયેલી હોય છે. શાળામાં ભણતી વખતે આપણે આવા પાઠોને ગંભીરતાથી ભલે નહીં લીધા હોય પરંતુ મોટા થયાં પછી પેલી યાદોને કારણે આપણે તેને વારંવાર યાદ કરતા હોઈએ છીએ. શાળાના પાઠને અહીં યાદ કરવાનું એટલે બન્યું કે વિવિધ પ્રયોગો કરવા માટે જાણીતા આપણા નાટ્યકાર અભિનય બેંકરે શાળામાં ભણવામાં આવેલી કેટલીક વાર્તાઓ સાથે એક પ્રયોગ કર્યો છે, જેને હવે ગુજરાતીના નાટ્યપ્રેમીઓહજી એક વાર્તાને નામે ઓળખે છે.

હજી એક વાર્તાનું લેખન અને દિગ્દર્શન અભિનયે પોતે કર્યું છે. અહીં પાંચ વાર્તાઓને ભેગી કરીને એક નાટક તૈયાર કરવામાં આવ્યું છે. જોકે નાટકની પાંચેય વાર્તાઓને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. બધી વાર્તામાં જો કોઈ સામ્યતા હોય તો વાર્તાઓમાં રહેલું હ્યુમર છે. અગાઉ કેટલાક ગંભીર નાટકો કરી ચૂકેલા નાટ્યકારે વખતે તેમના નાટકને પ્રયત્નપૂર્વક લાઈટ મૂડનું રાખ્યું છે. નાટકની પાંચ વાર્તાઓમાંની બે વાર્તા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવેલી વાર્તાઓ છે. તો બાકીની ત્રણ પણ અન્ય ગુજરાતી લેખકોની વાર્તા કે નિબંધ છે.

હજી એક વાર્તાનું સર્જન કઈ રીતે થયું પાછળ એક રસપ્રદ વાત છે. અભિનય અમદાવાદમાં નાટક સંબંધિત ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. એક વાર કોઈ વર્કશોપ દરમિયાન તેઓ તેમના વિદ્યાર્થીઓ- મિત્રો સાથે બેસીને વાંચનની એક્સરસાઇઝ કરી રહ્યા હતાં ત્યારે તેમને વિચાર આવ્યો કે આપણને ભણવામાં આવેલી બધી વાર્તાઓ પરથી એક નાટક તૈયાર કરવામાં આવે તો કેવું? કોઈ પણ એક વાર્તા પરથી મોટું નાટક તૈયાર કરી શકાય એમ હતું આથી જુદા જુદા લેખકોની વિવિધ કૃતિઓ લેઈને નાટક તૈયાર કરવાનું તેમણે નક્કી કર્યું, જેથી નાટકમાં પણ વિવિધતા જળવાઈ રહે. ત્યાર બાદ તેમણે આઠમા ધોરણથી લઈને બારમા ધોરણ સુધીના ગુજરાતીના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ શરૂ કર્યો અને તબક્કાવાર વાર્તાઓની પસંદગી કરતા ગયા.

જોકેહજી એક વાર્તાની પાંચેય વાર્તાઓ પાઠ્યપુસ્તકોમાંથી લઈ શકાઈ નથી. માટેગુજરાત ગાર્ડિયન અભિનય બેંકરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, ‘મારો મૂળ વિચાર તો બધી વાર્તાઓ પાઠ્યપુસ્તકોમાંથી લેવાનો હતો. પરંતુ કેટલીક વાર્તાઓ એવી હોય છે, જે વાંચતી વખતે ઘણી ઉત્તમ પૂરવાર થાય પરંતુ તેનું નાટ્યરૂપાંતર કરવા જઈએ ત્યારે કેટલીક તકલીફો ઊભી થતી હોય છે. આથી નાટકનું હિત જોઈને મેં પાઠ્યપુસ્તકનું વળગણ છોડી દીધું અને આપણા સાહિત્યમાં લખાયેલી અન્ય કૃતિઓ પર નજર દોડાવી.’ પાઠ્યપુસ્તકમાંથી વાર્તાકાર સરોજ પાઠકનીમારો અસબાબઅને મોતી પ્રકાશનીઝેનીનામની વાર્તાઓ લેવાઈ છે. બાકીની ત્રણ વાર્તાઓમાં હાસ્યલેખક બકુલ ત્રિપાઠીનો નિબંધક્રિકેટના કામણ’, જ્યોતિન્દ્ર દવેનીચોક્કસ અચોક્કસઅનેમુંબઈના ઘાટીનામની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બધી વાર્તાઓની પૃષ્ઠભૂમિ અલગ અલગ છે અને તેમને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. ‘મારો અસબાબમાં લગ્ન પછી પતિ પત્નીની એક બીજા પ્રત્યેની લાગણી અને તેમના સંબંધો વિશેની વાત છે. તોઝેનીમાં કોમવાદથી પર એવા બે બાળપણના મિત્રોની વાત કરવામાં આવી છે. દર્શકોનેમુંબઈના ઘાટીમાં ઘણી મજા પડે કારણકે અહીં મુંબઈમાં વસી ગયેલા એક ગુજરાતીને ઘરઘાટી શોધવામાં કેવી તકલીફ પડે છે અને ઘાટી મળ્યાં પછી તેની સાથે કયાં પ્રકારની લમણાંઝીંક કરવી પડે છે વિશેની અત્યંત હ્યુમરસ વાત મંચ પર આલેખવામાં આવી છે. અભિનયે પાંચેય વાર્તામાં આજના સમયની માગ મુજબ કેટલાક સુધારા વધારા પણ કર્યા છે. મોટા ભાગની વાર્તાઓમાં વાર્તાતત્ત્વ અને મૂળ લેખકોની શૈલી જાળવીને તેમને લગભગ ફરીથી લખવામાં આવી છે. જોકે અભિનય વાર્તાઓના મૂળ લેખકોના વખાણ કરતા થાકતા નથી. તેમના મતે, ‘આપણા સાહિત્યમાં કેટલાક લોકોએ અભૂતપૂર્વ પ્રદાન આપ્યું છે, જેનાં ફળ આજે પણ આપણે ચાખી રહ્યા છીએ.’   

હજી એક વાર્તાગઈ ૨૨મી માર્ચે મુંબઈના એનસીપીએ ખાતે સૌથી પહેલી વખત ભજવાયું હતું. પહેલો શૉ થયો ત્યારે એક તરફ મુંબઈના નાટ્યજગતના દિગ્ગજો બેઠા હતા તો બીજી તરફ માત્ર પ્રયોગ ખાતર તૈયાર કરવામાં આવેલું નાટક પહેલી વખત ભજવાઈ રહ્યું હોવાથી અભિનયને થોડી ચિંતા હતી પરંતુ નાટક જેમ ઉઘડતું ગયું તેમ પરિસ્થિતિ થાળે પડતી ગઈ અને નાટકના અંતમાં લોકોએ ઊભા થઈને નાટકને વધાવી લીધું. ગયા સપ્તાહે અમદાવાદમાં નાટકનું પ્રિમિયર યોજાયું હતું અને ત્યાં પણ નાટકને મુંબઈ જેવી સફળતા મળી હતી. લોકોના સારા પ્રતિભાવ જોયા પછી અભિનય તેમના નાટકને કમર્શિયલ નાટકનું રૂપ આપીને ગુજરાતભરમાં તેનું મંચન કરવાની ઇચ્છા ધરાવે છે.

ગુજરાતી નાટ્યપ્રેમીઓ માટે નાટક અત્યંત ફ્રેશ છે અને પ્રયોગને કારણે તેમને કંઇક નવું જોવા પણ મળશે. અભિનય બેંકરના પાછલા નાટકો જોતાં સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તેઓ ચીલાચાલુ વિષયો પર નાટક તૈયાર કરવા કરતા ખૂબ વાંચી કે વિચારીને કોઈ નવા વિષય પર કામ કરવાનું વધુ પસંદ કરે છે. પહેલા તેમણે અમૃતા પ્રીતમના જીવન પરમેં તુમ્હે ફિર મિલુંગીઅને મન્ટોના જીવન પરચલતા ફિરતા બમ્બઈજેવાં નાટક તૈયાર કર્યાં હતા. ‘ લોકોને માત્ર હલકી કોમેડી ખપે છેએવા ગુજરાતીઓ પર લાગતા રહેલા પાયા વગરના ટોણાને સદંતર ખોટા ઠેરવીને મુંબઈ સહિતના ગુજરાતીઓએ તેમના બંને નાટકો(પ્રયોગો)ને ખૂબ વખાણ્યાં હતા. ‘હજી એક વાર્તાવખતે પણ અભિનયને એવો છુપો ધ્રાસ્કો હતો કે લોકોને ક્યાંક પસંદ આવ્યું તો ભારે થશે. પરંતુ વખતે પણ તેમની ધારણા ખોટી નીવડી અને મુંબઈ- અમદાવાદના દર્શકોએ તેમના પ્રયોગને વધાવી લીધો.  


Saturday, May 3, 2014

હું સતત કામ કરતા રહેવામાં માનું છું


વર્ષ ૧૯૬૧માં દિગ્દર્શક નીતિન બોઝ દિલીપ કુમાર સાથે ‘ગંગાજમના’ ફિલ્મ બનાવી રહ્યા હતા અને આ ફિલ્મમાં તેમને જમનાના રોલ માટે એક બાળકલાકારની જરૂર હતી. ત્યારે આજની જેમ ટેલેન્ટ હન્ટ કે રિયાલિટી શૉ તો હતા નહીં, ઉપરથી ફિલ્મોમાં કામ કરવું પણ સારી વાત નહીં ગણાતી એટલે બાળકલાકારો ઝટ જડતા નહીં. આથી ફિલ્મ દિગ્દર્શકોએ તેમની ફિલ્મ માટે બાળકલાકારો શોધવા માટે રીતસર ગલી ગલીએ ભટકવું પડતું. આમ દિલીપ સાહેબ અને નીતિન બોઝ પણ તેમની બાળ જમનાને શોધવા માટે મુંબઈના વિવિધ પરાંમાં નીકળ્યાં. દરમિયાન એક વિસ્તારમાં થોડાં બાળકો રમી રહ્યા એટલે દિલીપકુમારે તેમને કોક અને વેફરની લાલચ આપીને તેમને નજીક બોલાવ્યાં. એ બધામાં નવ વર્ષની એક દેખાવડી અને શરમાળ છોકરી બીજા બાળકોથી અલગ બેઠી હતી એટલે દિલીપ કુમારની નજર તેનાં પર પડી. તેને પાસે બોલાવીને દિલીપકુમારે ફિલ્મમાં કામ કરવા માટે પૂછ્યું અને તેણે ફટ દઈને હા પાડી દીધી. તેની સાથે જ તે બાળકીની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ. આજે તે બાળકી પીઢ અભિનેત્રી થઈ છે, તેનું નામ છે અરુણા ઈરાની!

અરુણા ઈરાનીનો જન્મ ૩ મે ૧૯૫૨ના રોજ હિન્દુ માતા અને પારસી પિતાને ત્યાં થયો હતો. પિતાના આઠ સંતાનોમાં અરુણા સૌથી મોટી દીકરી હતી. મુંબઈમાં નાટ્યમંડળી ચલાવતા તેના પિતા ફરદુન ઈરાનીને પહેલા સંતાનમાં દીકરી આવી તેનો ખટકો ઘણાં લાંબા સમય સુધી રહ્યો હતો. પરંતુ પાછળથી આ જ દીકરીએ પિતાને ઘણું સુખ આપ્યું હતું. પોતાના વ્યવસાયને કારણે ફરદુન ઈરાનીના ઘરમાં હંમેશાં આર્થિક ભીંસ રહેતી, જેથી ડૉક્ટર બનવા માગતી અરુણાએ છઠ્ઠા ધોરણથી ભણતરને અલવિદા કહી દેવું પડ્યું હતું. ‘ગંગાજમના’ ફિલ્મને કારણે અરુણાને નાની ઉંમરે તેની મંજિલ જડી ગઈ હતી, પરંતુ તે જે રસ્તે જઈ રહી હતી એ ઘણાં કપરા ચઢાણમાંથી પસાર થતો હતો. પહેલી ફિલ્મ કર્યા પછી તેને ‘અનપઢ’, ‘જહાંનારા’ અને ‘પારસમણી’ જેવી ફિલ્મોમાં કામ મળ્યું પરંતુ બે ત્રણ વર્ષો બાદ તે ન તો બાળકી હતી કે ન યુવતી! આ કારણે તેની ઉંમરને અનુરૂપ રોલ મળવાના બંધ થયાં અને અરુણાનો સ્ટ્રગલનો દોર શરૂ થયો.

સિત્તેરના દાયકાની શરૂઆતમાં અરુણા પાસે લગભગ કોઈ કામ ન હતું આથી તેના પિતાએ તેને પોતાની નાટ્યમંડળીની અભિનેત્રીના સંવાદો ગોખવાનું કહ્યું, જેથી કોઈ અભિનેત્રી નહીં હોય ત્યારે તેને સ્થાને અરુણાને તેની ભૂમિકા આપી શકાય. એવામાં એકવાર એક બીમાર અભિનેત્રીની જગ્યાએ તેણે અભિનય કરવો પડયો અને તે નાટક જોવા માટે પૌરાણિક ફિલ્મોના મશહૂર દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રી પણ બેઠા હતા. અરુણાનો અભિનય જોઈને તેઓ ઘણાં પ્રભાવિત થયાં અને તેમણે અરુણાને તેમની ફિલ્મોમાં બ્રેક આપ્યો. જોકે હજુ સુધી તેણે કોઈ વખાણવાલાયક કામ કર્યું ન હતું. પરંતુ વર્ષ ૧૯૭૧માં આવેલી ફિલ્મ ‘કારવાં’માં તેણે ભજવેલા નિશાના પાત્રને કારણે ફિલ્મ વિવેચકોનું તેની તરફ ધ્યાન ખેંચાયું. આ ફિલ્મ માટે તે પહેલી વખત ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ પણ થઈ હતી. ત્યાર પછી તે મહેમૂદના સંપર્કમાં આવી અને તેને વર્ષ ૧૯૭૨ની હિટ રહેલી ‘બોમ્બે ટુ ગોવા’ અને ‘ગરમ મસાલા’ જેવી ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી. ‘બોમ્બે ટુ ગોવા’ને કારણે જ તેને અમિતાભ બચ્ચનની પહેલી હિરોઈન બન્યાનું બિરુદ પણ મળ્યું! આ ફિલ્મો કર્યા પછી તેની આર્થિક પરિસ્થિતિ ઘણે અંશે સુધરી હતી અને તેને એમ હતું કે તે દસકાની અન્ય અભિનેત્રીઓની જેમ નિર્માતાઓ તેની પાસે પણ દોડતા આવશે. પરંતુ એવું કંઈ થયું નહીં અને અરુણાએ ફિલ્મોમાં સારું કામ મેળવવા માટે ફરીથી મથામણ કરવી પડી.

આ વર્ષોમાં એક સમય તો એવો પણ આવ્યો હતો કે તેની બચત પૂરી થવા આવી હતી અને તેની પાસે માત્ર ૪૦૦૦ રૂપિયા બચ્યાં હતા. બીજી તરફ બહોળા પરિવારની જવાબદારી દિવસે ને દિવસે વધતી જતી હતી. વખાના માર્યા હવે તે કોઈ પણ પ્રકારનું કામ કરવા તૈયાર હતી એવામાં તેને ‘આંઢળા મારતો ડોળા’ નામની મરાઠી ફિલ્મમાં લાવણી નૃત્ય કરવાની તક મળી અને બોલિવુડમાં મુખ્ય અભિનેત્રી તરીકે સ્થાપિત થઈ ગયેલી આ અભિનેત્રીએ પૈસાને ખાતર માત્ર નૃત્ય કરવાની હામી ભરી. આ નૃત્ય માટે તેને ૨૫૦૦ રૂપિયા આપવામાં આવ્યાં હતા! આ માટે અરુણા એક જગ્યાએ નોંધે છે કે, ‘ઘણાં લાંબા સમય પછી મને પૈસા મળ્યાં હતા.’ હવે બોલિવુડમાં તેની ઇમેજ નૃત્યાંગના તરીકે ઉભરી રહી હતી. તેણે આવક ચાલુ રહે એ માટે ‘બોબી’ સહિત કેટલીક ફિલ્મોમાં નૃત્યો કર્યા. તે જણાવે છે કે આ કપરા સમય દરમિયાન તેને જે કામ મળે એ સ્વીકારવા માટે તે તૈયાર હતી.

એંસીના દાયકામાં નૃત્યો ઉપરાંત તે કેટલીક ફિલ્મોમાં સહાયક અભિનેત્રીના નાના મોટા કામ કરતી રહી. આ દરમિયાન વર્ષ ૧૯૮૫માં આવેલી ફિલ્મ ‘પેટ, પ્યાર ઔર પાપ’માં જાનકીના પાત્ર માટે તેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મ ફેર પણ એનાયત થયો. આ વર્ષોમાં એ તેની ઉંમરની ત્રીસીમાં આવી ચૂકી હતી અને ઉંમરને કારણે ફરીથી તેને કામ મળવામાં મુશ્કેલી શરૂ થઈ. કારણકે એક તરફ તેને મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા આપવા માટે કોઈ તૈયાર ન હતું, તો તેની ઉંમરને કારણે એ ન તો નૃત્ય કરી શકતી હતી કે ન માતાની ભૂમિકા ભજવી શકતી હતી. આ કારણે તેણે ગુજરાતી અને મરાઠી ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો. જોકે પ્રાદેશિક ફિલ્મોમાં અભિનય કરવાનો તેનો નિર્ણય તેને ઘણો ફળ્યો કારણકે અહીં તેણે ઉત્તમ અભિનય કર્યો અને અનેક યાદગાર ફિલ્મો આપી.


બીજી તરફ તેનો નાનો ભાઈ ઈન્દ્ર કુમાર વર્ષ ૧૯૯૨માં અનિલ કપુર અને માધુરી દીક્ષિતને લઈને ‘બેટા’ ફિલ્મ બનાવી રહ્યો હતો. ઈન્દ્રએ ફિલ્મમાં માતાની ભૂમિકા માટે કોઈ અભિનેત્રી શોધવા માટેની જવાબદારી અરુણાને સોંપી, આથી અરુણાએ શર્મિલા ટાગોર, વહિદા રહેમાન અને માલા સિંહા જેવી અભિનેત્રીઓને ‘બેટા’ની લક્ષ્મીદેવીના રોલ માટે પૂછાવી જોયું. પણ આ તમામ અભિનેત્રીઓએ એ પાત્ર માટે ના પાડી. લક્ષ્મીદેવીનું પાત્ર ભજવવાની અરુણાને ઘણી ઇચ્છા હતી પરંતુ તેનો ભાઈ આ માટે તેને ના પાડતો હતો કારણકે રોલ માટે બહેનને સાઈન કરીને તે કોઈ રિસ્ક લેવા માગતો ન હતો! આ રોલ બાબતે ભાઈબહેન વચ્ચે ખટરાગ પણ થયેલો પણ આખરે ઇન્દ્રએ અરુણાને ‘બેટા’માં માનું પાત્ર ભજવવા દીધું અને આ પાત્રને કારણે તેને સહાયક અભિનેત્રીનો બીજો ફિલ્મફેર પણ પ્રાપ્ત થયો. ચાળીસ વર્ષની ઉંમરે તેણે દિગ્દર્શક કુકુ કોહલી સાથે લગ્ન કર્યા હતા.

અરુણાએ અત્યાર સુધીમાં ચારસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. કામની બાબતે તેના જીવનમાં અનેક વખત પ્રશ્નાર્થ ઊભો થયો છે પરંતુ નસીબના રોદણાં રડવા કરતા તેણે જે કામ મળ્યું એ કર્યું અને સતત પ્રવૃત્તિશીલ રહી. છેલ્લાં દોઢેક દાયકાથી તે ટેલિવિઝન પર અભિનય અને નિર્માણક્ષેત્રે પણ ઘણી કાર્યરત છે. વર્ષ ૨૦૧૨માં હિન્દી સિનેમામાં તેના પ્રદાનને ધ્યાનમાં રાખીને ફિલ્મ ફેરે તેને લાઈફટાઈમ એચીવમેન્ટનો એવોર્ડ એનાયત કર્યો હતો. અરુણા સતત કામ કરતા રહેવામાં માને છે. આજકાલ તે કલર્સ ટીવીની ‘સંસ્કાર’ સિરિયલમાં વ્યસ્ત છે.