વર્ષ ૧૯૬૧માં દિગ્દર્શક નીતિન બોઝ દિલીપ કુમાર સાથે ‘ગંગાજમના’ ફિલ્મ બનાવી રહ્યા હતા અને આ ફિલ્મમાં તેમને જમનાના રોલ માટે એક બાળકલાકારની જરૂર હતી. ત્યારે આજની જેમ ટેલેન્ટ હન્ટ કે રિયાલિટી શૉ તો હતા નહીં, ઉપરથી ફિલ્મોમાં કામ કરવું પણ સારી વાત નહીં ગણાતી એટલે બાળકલાકારો ઝટ જડતા નહીં. આથી ફિલ્મ દિગ્દર્શકોએ તેમની ફિલ્મ માટે બાળકલાકારો શોધવા માટે રીતસર ગલી ગલીએ ભટકવું પડતું. આમ દિલીપ સાહેબ અને નીતિન બોઝ પણ તેમની બાળ જમનાને શોધવા માટે મુંબઈના વિવિધ પરાંમાં નીકળ્યાં. દરમિયાન એક વિસ્તારમાં થોડાં બાળકો રમી રહ્યા એટલે દિલીપકુમારે તેમને કોક અને વેફરની લાલચ આપીને તેમને નજીક બોલાવ્યાં. એ બધામાં નવ વર્ષની એક દેખાવડી અને શરમાળ છોકરી બીજા બાળકોથી અલગ બેઠી હતી એટલે દિલીપ કુમારની નજર તેનાં પર પડી. તેને પાસે બોલાવીને દિલીપકુમારે ફિલ્મમાં કામ કરવા માટે પૂછ્યું અને તેણે ફટ દઈને હા પાડી દીધી. તેની સાથે જ તે બાળકીની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ. આજે તે બાળકી પીઢ અભિનેત્રી થઈ છે, તેનું નામ છે અરુણા ઈરાની!
અરુણા ઈરાનીનો જન્મ ૩ મે ૧૯૫૨ના રોજ હિન્દુ માતા અને પારસી પિતાને ત્યાં થયો હતો. પિતાના આઠ સંતાનોમાં અરુણા સૌથી મોટી દીકરી હતી. મુંબઈમાં નાટ્યમંડળી ચલાવતા તેના પિતા ફરદુન ઈરાનીને પહેલા સંતાનમાં દીકરી આવી તેનો ખટકો ઘણાં લાંબા સમય સુધી રહ્યો હતો. પરંતુ પાછળથી આ જ દીકરીએ પિતાને ઘણું સુખ આપ્યું હતું. પોતાના વ્યવસાયને કારણે ફરદુન ઈરાનીના ઘરમાં હંમેશાં આર્થિક ભીંસ રહેતી, જેથી ડૉક્ટર બનવા માગતી અરુણાએ છઠ્ઠા ધોરણથી ભણતરને અલવિદા કહી દેવું પડ્યું હતું. ‘ગંગાજમના’ ફિલ્મને કારણે અરુણાને નાની ઉંમરે તેની મંજિલ જડી ગઈ હતી, પરંતુ તે જે રસ્તે જઈ રહી હતી એ ઘણાં કપરા ચઢાણમાંથી પસાર થતો હતો. પહેલી ફિલ્મ કર્યા પછી તેને ‘અનપઢ’, ‘જહાંનારા’ અને ‘પારસમણી’ જેવી ફિલ્મોમાં કામ મળ્યું પરંતુ બે ત્રણ વર્ષો બાદ તે ન તો બાળકી હતી કે ન યુવતી! આ કારણે તેની ઉંમરને અનુરૂપ રોલ મળવાના બંધ થયાં અને અરુણાનો સ્ટ્રગલનો દોર શરૂ થયો.
સિત્તેરના દાયકાની શરૂઆતમાં અરુણા પાસે લગભગ કોઈ કામ ન હતું આથી તેના પિતાએ તેને પોતાની નાટ્યમંડળીની અભિનેત્રીના સંવાદો ગોખવાનું કહ્યું, જેથી કોઈ અભિનેત્રી નહીં હોય ત્યારે તેને સ્થાને અરુણાને તેની ભૂમિકા આપી શકાય. એવામાં એકવાર એક બીમાર અભિનેત્રીની જગ્યાએ તેણે અભિનય કરવો પડયો અને તે નાટક જોવા માટે પૌરાણિક ફિલ્મોના મશહૂર દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રી પણ બેઠા હતા. અરુણાનો અભિનય જોઈને તેઓ ઘણાં પ્રભાવિત થયાં અને તેમણે અરુણાને તેમની ફિલ્મોમાં બ્રેક આપ્યો. જોકે હજુ સુધી તેણે કોઈ વખાણવાલાયક કામ કર્યું ન હતું. પરંતુ વર્ષ ૧૯૭૧માં આવેલી ફિલ્મ ‘કારવાં’માં તેણે ભજવેલા નિશાના પાત્રને કારણે ફિલ્મ વિવેચકોનું તેની તરફ ધ્યાન ખેંચાયું. આ ફિલ્મ માટે તે પહેલી વખત ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ પણ થઈ હતી. ત્યાર પછી તે મહેમૂદના સંપર્કમાં આવી અને તેને વર્ષ ૧૯૭૨ની હિટ રહેલી ‘બોમ્બે ટુ ગોવા’ અને ‘ગરમ મસાલા’ જેવી ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી. ‘બોમ્બે ટુ ગોવા’ને કારણે જ તેને અમિતાભ બચ્ચનની પહેલી હિરોઈન બન્યાનું બિરુદ પણ મળ્યું! આ ફિલ્મો કર્યા પછી તેની આર્થિક પરિસ્થિતિ ઘણે અંશે સુધરી હતી અને તેને એમ હતું કે તે દસકાની અન્ય અભિનેત્રીઓની જેમ નિર્માતાઓ તેની પાસે પણ દોડતા આવશે. પરંતુ એવું કંઈ થયું નહીં અને અરુણાએ ફિલ્મોમાં સારું કામ મેળવવા માટે ફરીથી મથામણ કરવી પડી.
આ વર્ષોમાં એક સમય તો એવો પણ આવ્યો હતો કે તેની બચત પૂરી થવા આવી હતી અને તેની પાસે માત્ર ૪૦૦૦ રૂપિયા બચ્યાં હતા. બીજી તરફ બહોળા પરિવારની જવાબદારી દિવસે ને દિવસે વધતી જતી હતી. વખાના માર્યા હવે તે કોઈ પણ પ્રકારનું કામ કરવા તૈયાર હતી એવામાં તેને ‘આંઢળા મારતો ડોળા’ નામની મરાઠી ફિલ્મમાં લાવણી નૃત્ય કરવાની તક મળી અને બોલિવુડમાં મુખ્ય અભિનેત્રી તરીકે સ્થાપિત થઈ ગયેલી આ અભિનેત્રીએ પૈસાને ખાતર માત્ર નૃત્ય કરવાની હામી ભરી. આ નૃત્ય માટે તેને ૨૫૦૦ રૂપિયા આપવામાં આવ્યાં હતા! આ માટે અરુણા એક જગ્યાએ નોંધે છે કે, ‘ઘણાં લાંબા સમય પછી મને પૈસા મળ્યાં હતા.’ હવે બોલિવુડમાં તેની ઇમેજ નૃત્યાંગના તરીકે ઉભરી રહી હતી. તેણે આવક ચાલુ રહે એ માટે ‘બોબી’ સહિત કેટલીક ફિલ્મોમાં નૃત્યો કર્યા. તે જણાવે છે કે આ કપરા સમય દરમિયાન તેને જે કામ મળે એ સ્વીકારવા માટે તે તૈયાર હતી.
એંસીના દાયકામાં નૃત્યો ઉપરાંત તે કેટલીક ફિલ્મોમાં સહાયક અભિનેત્રીના નાના મોટા કામ કરતી રહી. આ દરમિયાન વર્ષ ૧૯૮૫માં આવેલી ફિલ્મ ‘પેટ, પ્યાર ઔર પાપ’માં જાનકીના પાત્ર માટે તેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મ ફેર પણ એનાયત થયો. આ વર્ષોમાં એ તેની ઉંમરની ત્રીસીમાં આવી ચૂકી હતી અને ઉંમરને કારણે ફરીથી તેને કામ મળવામાં મુશ્કેલી શરૂ થઈ. કારણકે એક તરફ તેને મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા આપવા માટે કોઈ તૈયાર ન હતું, તો તેની ઉંમરને કારણે એ ન તો નૃત્ય કરી શકતી હતી કે ન માતાની ભૂમિકા ભજવી શકતી હતી. આ કારણે તેણે ગુજરાતી અને મરાઠી ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો. જોકે પ્રાદેશિક ફિલ્મોમાં અભિનય કરવાનો તેનો નિર્ણય તેને ઘણો ફળ્યો કારણકે અહીં તેણે ઉત્તમ અભિનય કર્યો અને અનેક યાદગાર ફિલ્મો આપી.
બીજી તરફ તેનો નાનો ભાઈ ઈન્દ્ર કુમાર વર્ષ ૧૯૯૨માં અનિલ કપુર અને માધુરી દીક્ષિતને લઈને ‘બેટા’ ફિલ્મ બનાવી રહ્યો હતો. ઈન્દ્રએ ફિલ્મમાં માતાની ભૂમિકા માટે કોઈ અભિનેત્રી શોધવા માટેની જવાબદારી અરુણાને સોંપી, આથી અરુણાએ શર્મિલા ટાગોર, વહિદા રહેમાન અને માલા સિંહા જેવી અભિનેત્રીઓને ‘બેટા’ની લક્ષ્મીદેવીના રોલ માટે પૂછાવી જોયું. પણ આ તમામ અભિનેત્રીઓએ એ પાત્ર માટે ના પાડી. લક્ષ્મીદેવીનું પાત્ર ભજવવાની અરુણાને ઘણી ઇચ્છા હતી પરંતુ તેનો ભાઈ આ માટે તેને ના પાડતો હતો કારણકે રોલ માટે બહેનને સાઈન કરીને તે કોઈ રિસ્ક લેવા માગતો ન હતો! આ રોલ બાબતે ભાઈબહેન વચ્ચે ખટરાગ પણ થયેલો પણ આખરે ઇન્દ્રએ અરુણાને ‘બેટા’માં માનું પાત્ર ભજવવા દીધું અને આ પાત્રને કારણે તેને સહાયક અભિનેત્રીનો બીજો ફિલ્મફેર પણ પ્રાપ્ત થયો. ચાળીસ વર્ષની ઉંમરે તેણે દિગ્દર્શક કુકુ કોહલી સાથે લગ્ન કર્યા હતા.
અરુણાએ અત્યાર સુધીમાં ચારસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. કામની બાબતે તેના જીવનમાં અનેક વખત પ્રશ્નાર્થ ઊભો થયો છે પરંતુ નસીબના રોદણાં રડવા કરતા તેણે જે કામ મળ્યું એ કર્યું અને સતત પ્રવૃત્તિશીલ રહી. છેલ્લાં દોઢેક દાયકાથી તે ટેલિવિઝન પર અભિનય અને નિર્માણક્ષેત્રે પણ ઘણી કાર્યરત છે. વર્ષ ૨૦૧૨માં હિન્દી સિનેમામાં તેના પ્રદાનને ધ્યાનમાં રાખીને ફિલ્મ ફેરે તેને લાઈફટાઈમ એચીવમેન્ટનો એવોર્ડ એનાયત કર્યો હતો. અરુણા સતત કામ કરતા રહેવામાં માને છે. આજકાલ તે કલર્સ ટીવીની ‘સંસ્કાર’ સિરિયલમાં વ્યસ્ત છે.
No comments:
Post a Comment