રાત પડે અને વિચારો એનો ભરડો લે,અજગરની જેમ એને ભીંસમાં લે.અલાઊદિનનાં જાદુઇ ચિરાગ માંથી ધુમાડો નિકળે અને પછી જીન નિકળે એમ એક પછી એક વિચારો એનાં મનમાં ઉદભવે!!વાત એકજ પણ વિચારો અનેક!આખરે શું બીના બની હશે?અને સાચી વાત શું?અમસ્તોજ કોઇનો પગ લપસી જાય?અને પચાસ-સાઠ લોકોમાં માત્ર એની સાથેજ આવુ થાય?
મારે એનાં રુમની સરખી તપાસ કરાવવી જોઇતી હતી.કદાચ કોઇ સ્યુસાઈડનોટ લખી હોય અને ટેબલનાં ડ્રોઅરમાં કે કોઇ પુસ્તકમાં એ કાગળ મૂકયું હોય? પણ ત્યારે એવું વિચારવાની મારી કોઇ હાલત હતીજ કયાં?જુવાન જોધ દિકરી મૃત્યુ પામે તો એનાં મા-બાપ કંઇ હોશ-હવાસમાં હોય???કે દિકરીનું શબ પડ્યું હોય અને મા-બાપ તપાસની માથાઝીંકમાં પડે?? હવે તો ધણુ મોડુ થઇ ગયું.હવે તો એની રુમમાં એની જગ્યાએ કોઇક બીજી એના જેવીજ છોકરી આવી ગઇ હશે.
થોડા વિચારો બાદ એનુ મન ફરી બીજી દિશામાં ફંટાઇ જાય અને બીજા તર્કોમાં પડે.એનું ખૂનતો થયુ નહિ હોય ને?કોઇએ પાછળથી ધક્કો મારી દિધો હશે અને આખી વાતને અકસ્માતમાં ખપાવી દિધી હશે.કોઇએ વેર વાળ્યું હશે આગળ પાછળનું.આમેય છોકરી પણ બહુ આઝાદ પહેલેથી,નાનપણથી બરખા દત્ત જેવી જર્નાલિસ્ટ થવાનાં સપના જોતી.સ્ત્રી શોષણ અને સ્ત્રી સશકિતકરણ જ વાતો હર હંમેશ, અને એટલેજ ઊપરવટ થઇને ગઇ જર્નાલિઝમ કરવાં.કયાંક કંઇ કાળુ-ધોળુ ભાળ્યું હશે અને એને ઊઘાડુ પાડવાની ચાનક ચડી હશે જેમાં એનું કોઇએ ઢીમ ઢાળી દિધું.રાક્ષસોને તો બધુ પરવડે,એમાં એક મુઠ્ઠીભર હાડકાની છોકરીને પતાવવાની એટલેતો ડાબા હાથનો ખેલ!
ના પાડી હતી મે પરેશને.એકની એક દિકરી છે,આટલે દુર નથી મોકલવી.આમેય એનો સ્વભાવ ઊગ્ર,રસ્તામાં કોઇ માણસ કુતરાને ફટકારે તો એની સાથે લડવા બેસે એવી.વેચાતી બબાલ માથે લેવાની એને ટેવ.એમાં આટલે દુર મોકલાય? ગ્રેજ્યુએટતો થઇ,હજુ કેટલુ ભણાવવાની?ક્યાંય નથી મોકલવી છાતી ઊપરજ રાખવી છે.
...પણ મારી વાતમાં સમજે એ બીજા;આ બાપ-દિકરી નહિ!લઇ આવ્યાં એડમિશન અને પોટલાં બાંધીને નિક્ળ્યાં બરખા દત્ત બનવાં...
આપઘાત કર્યો હશે એણે??પણ એ કંઇ એવી પોકળ ન હતી કે સામે ચાલીને મોતને શરણે જાય.નિડર હતી મારી દિકરી!સમસ્યાની સામે લડત આપીને એનાં તળીયાં સુધી એ પહોંચતી.એમ અડધે રસ્તે નમતુ ના જોખે.પણ કદાચ આપઘાત કર્યોય હોય તો?છોકરી આમ હતી સાવ અલ્લડ પણ આમ ખુબ સંવેદનશીલ.કંઇક એવુ બન્યુય હોય જે જીરવી ન શકી હોય.પણ એવી કઇ વાત હોઇ શકે જે આવી નિડર છોકરીને આપઘાત કરવા પ્રેરે??
ક્યાંક કોઇ લફડુ?પ્રેમભંગ કે જુવાનીનાં જોશમાં લેવાય ગયેલુ કોઇ આડુ-અવળું પગલુ?? છીં છીં મારુ સંતાન આવુ તો નજ કરે.મારા એવા સંસ્કારજ નહિને!અને કદાચ એવુ કંઇ થયુ પણ હોય તો એતો સાવ ખુલ્લી બાજી રમનારી છોકરી!ઢાંક પીછોળા એને આવડેજ નહિ.અને આવી કોઇ બાબત તો એને મન કોઇ નજીવી વાત,એમાં કંઇ એ મોત વહાલું કરે નહિ.
એનાં મરવાનાં બે દિવસ અગાઊજ એનો ફોન આવેલો.ત્યારે એમની વચ્ચે થએલી વાત એણે ફરી એનાં મગજમાં દોહરાવી જોઇ.ક્યાંક કોઇ કારણ મળે???
'ડેડા મારુ નેશનલ ન્યુઝચેનલમાં પ્લેસમેંટ થઇ ગયુ છેએએએ....'ત્યારે એ પરેશની બાજુમાંજ બેઠેલી.અને દિકરી ખુબ ખુશ જંણાતી હતી.
'એમ??!!કોંગો...કોંગો...આખરે તારી જીત થઇ,તે કરી બતાવ્યું.મારી દિકરી હવે રિપોર્ટિગ કરશે અને એ પણ નેશનલ ન્યુઝચેનલ ઊપર......વાહ..વાહ..આનંદો.' બંન્ને બાપ-દિકરી ઊછાળા મારતા હતાં.એને પણ ખુશી થઇ.
'યાહ ડેડા..'
'બેટા એક વાર બોલી બતાવને.. જો તારે રિપોર્ટ કરવાનો હોય તો તુ કેવી રીતે કરે??'
"આજ ફિર દહેજકી આડ મેં એક યુવતીકો જલાયા ગયા..આખીર ક્યું? સરકાર ઇસ દિશામેં કોઇ ઠોસ કદંબ ક્યુ નહિ ઊઠા રહિ?? ક્યાં સભી કાયદે પન્નો પરહિ રહેગેં? આખીર કબ-તક ચલેગા યે સબ?ઓર કિતની ઓર જાને જાયેગી યે દહેજકિ આગમેં દેખનાં રહા..ગુજરાતસે નંદિની પરેશ ભટ્ટ કીં રિપોર્ટ."
'અરે વાહ મેરી જાન વાહ..કહેવા પડે જા..લે વાત કર તારી ભવા સાથે.' અને પરેશે એને ફોન આપેલો. એની દિકરી એને ભવા કહેતી.નાની હતી ત્યારે પરેશ એને ભાવના કહેતો તે સાંભળતી અને એનુ સાંભળી સાંભળીને એંણે એનુ ભવા કરી નાંખેલુ.
'હેય ભવા,મજામાં?'
'એકદમ મજામં.. તારુ કેમ?'
'હુ તો એકદમ ખુશ ભવા... આખરે હુ સફળ થઇ'
'હા બેટા,એને માટે તને ખુબ-ખુબ અભિનંદન.અને સાથો સાથ મંગલ ભવિષ્યની શુભકામનાંઓ.'
'થેંક્યુ ભવા.અને હા સાંભળ પરમ દિવસે અમે કોલેજમાંથી ટુરમાં જઇએ છીએ,માઊન્ટઆબુ જઇએ છીએ અમે બધા.હવે કોલેજની આ લાસ્ટ ટુર પછી પરિક્ષાઓ હશે અને પછી કોણ કયાં હોય એનો કોઇ પત્તો નહિ,એટલે પરિક્ષા પહેલાંજ જવાનુ નક્કિ કર્યુ.અને પછી રિડિંગ વેકેશન છે એટલે ત્યાંથી સીધી ઘરેજ આવીશ.'
'હા વાંધો નહિ... અને સાંભળ, તું..'
'અરે ભવા આપણે પછી વાત કરીશું,મારે થોડું કામ છે.હુ તને પછી ફોન કરું,પ્લીઝ બાય...' અને લાઇન કટ.
અરે!ખરી છે આ છોકરી તો!વાવાઝોડુ જેવું આવે અને ઘડિમાં નિકળી જાય.મારી વાત પણ આખી ન સાંભળી.એવુ એ ત્યારે બબડેલી.
....તો એની વાત ઊપરથી તો એવુ કશું જણાતું ન હતું કે એ જરાય દુખી હોય કે વિચલીત હોય.એ તો હંમેશની જેમજ હતી,તાજગી અને તરવરાટથી ભરેલી છલોછલ!માણસ જો કોઇ આપત્તિમાં હોય તો એનાં અવાજમાં થોડી નરમાશ હોય.પણ એની વાતોમાં તો એવુ કંઇજ જણાતું ન હતુ.તો આપઘાતનું તો એવુ કોઇ કારણ જણાતુ નથી.
અને બે દિવસ પછીતો પરેશ ઊપર એની કોલેજમાંથી ફોન આવેલો કે તમારી દિકરીનું ભેખડ ઊપરથી પગ લપસી જવાને કારણે મોત થયુ છે.અને અમે તાબતોડ પહોચેંલાં.
તો આખરે સાચુ શું??? અકસ્માત-આપઘાત કે ખુન??? જાણવુ તો જોઇતુજ હતું.પૈસો નાંખતે તો માલુમ પડતે.તપાસ સરખી કરાવવી જોઇતી હતી, પણ પરેશે ઢીલ છોડેલી.
-હવે શું ભાવના?? દિકરી તો ગઇ જ ને??? તપાસ કરાવવાથી આવશે પા્છી?
અને પછી વાત પર પડદો પડી ગયેલો.
પણ સાલુ આખરે બનેલુ શું?? ફરી એજ વિચાર!એ થોડી સળવળી;પથારીમાં પડખુ ફેરવ્યું.આંખોને સજ્જડ બંધ કરી અને ઊંઘવાનો પ્રયત્ન કર્યો.પણ પેલો "આખરે બનેલુ શું?" નો વિચાર એનો પીછો છોડતો ન હતો.
એ પથારી માંથી ઊભી થઇ,ડ્રોઇંગરુમ માંથી ટીવીનો ઝાંખો પ્રકાશ આવતો હતો.પરેશ બીજા દિવસની સવાર મોડી થાય એટલા માટે મોડે સુધી ટીવી જોતો.એણે લાઇટ ઓન કરી અને કબાટમાંથી એક ગોળી કાઢી અને પાણી સાથે ગળે ઊતારી.ફરી લાઇટ ઓફ કરીને પથારીમાં પડી અને અને એનાં વિચારોને આવતી કાલ સુધી આરામ આપ્યો.
Nice 1 !!! next time write sumtg cheerful !!!
ReplyDeleteits really a heart touching...!!!!
ReplyDelete