Friday, November 4, 2011

વાત મેબલ,પારકા,વિકિ અને સોનુનીઃ


 હિમાંશી શેલત મારા પ્રીય વાર્તાકાર;એટલે એમનાં તમામ પુસ્તકો વાંચવાનો મારો ખાસ આગ્રહ!એમનાં લગભગ તમામ પુસ્તકો મળ્યાં પણ એમની બે સ્મરણકથા "વિક્ટર" અને "પ્લેટફોર્મનંબર ચાર" હુ મથીને મરી ગયો પણ ન મળ્યાં એ નજ મળ્યાં.પરંતુ અચાનકજ થોડા દિવસો અગાઉ "ક્રોસવર્ડ" માંથી કોલ આવ્યો કે ભાઇ તમે મહિનાંઓ અગાઉ લખાવેલાં બે પુસ્તકો આવ્યાં છે જે લઇ જાઓ,અને હુ મારતે ઘોડે ત્યાં પહોંચ્યો અને પુસ્તકો ઝબ્બે કરીને પરમ શાંતીનો અનુભવ કર્યો.અને ગણતરીનાં દિવસોમાં વાંચી પણ નાંખ્યા.
  
  મેં આગળ કિધુ એમ મારા પ્રીય વાર્તાકારોમાં પણ હિમાંશી શેલત મોખરે એટલે એમનાં વિશે કે એમનાં પુસ્તકો વિશે લખવાની બેહદ મજા પડે,પણ અહિંતો કથા માંડવી છે માત્ર "વિક્ટર"નીજ.સરસ મજાનું વાંચવા જેવુ અને વસાવવા જેવુ નાનકડુ પુસ્તક.અને એમાંય પ્રાણી પ્રેમીઓએ તો ખાસ!જોકે પુસ્તકની પ્રસતાવનાંમાંજ હિમાંશીબેન ધરાર લખે છે કે "પ્રાણીઓથી ડરતા કે એમની ઉપેક્ષા કરતા,એમના તરફ ટાઢાબોળ રહેતા સમુદાય માટે આ સામગ્રી નથી." એટલે હવે મારે એ વિશે વધુ લખવાની કે અભિપ્રાય આપવાની જરૂર નથી.
  
  પુસ્તક સાવ નાનુ અને એકી બેઠકે વાંચી જવાય એવુ અને એમાય પુસ્તકપ્રેમી અને પ્રાણીપ્રેમી સમુદાયને તો એ વિશેષ પસંદ પડે.જે વાંચતા વાંચતા આપણે સોફેસ્ટીકેશનની આડમાં ભુલી ગયેલાં નિર્ભેળ ધસમસતાં પ્રેમ અને નાનપણમાં આપણેય પ્રાણીઓ સાથે કરેલી ધિંગામસ્તીની યાદ આવે!આ પુસ્તક કોઇ કાલ્પનિક વાર્તાઓનો સંગ્રહ નથી પરંતુ એમાં તો વાત છે એક વ્યકતિની અબોલ પણ સમજુ(નિસ્વાર્થ!!) પ્રાણીઓ સાથે વિતાવેલાં સુવર્ણ સમયની.જે વાચતાં સ્પષ્ટપણે આપણને સમજાસે કે પ્રેમ કરવાનો કે પ્રેમ આપવાનો ઇજારો કંઇ આપણેજ નથી લઇને બેઠા,આપણાંથી કેટલીય વાતે ઊતરતાં પ્રાણીઓ પ્રેમની બાબતમાં
આપણાથી જોજનો આગળ છે.
  પુસ્તકમાં વાતની માંડણી થાય છે લેખીકાનાં ઘરમાં કોઇએ મોકલેલી ઊંચી ઓલાદની ત્રણ બીલાડીઓથી.એકતો પહેલેથી લેખીકાનાં ધરમાં ટીકો,નાની,શાણી,ટપ્પી અને પારકા નામધારી માર્જારટોળી હાજરા હજુર એમાં આ નવી ત્રણનું ઊમેરણ.અને એય પાછી ઊંચા કુળની!!જેને જોતાજ લેખીકા મોહિ પડ્યાં અને નામ રખાયાં મેબલ,રાશેલ અને થિયોડોર જેવાં ઊચી નસલને શોભે એવાં!પણ લેખીકાને ડર એ પેઠો કે ઘરનાં બીજા મોભી બીલાડાંઓ અને આ નવા નબીરાઓને એક બીજા સાથે પરવડશે કે કેમ??પણ લેખીકાનાં ભારે આશ્ચર્ય વચ્ચે તમામ બીલાડીઓએ સંધી સાધી અને એક-મેકમાં ઓતપ્રોત થઇ અને સાથે મળીને રહેવાનાં એક-મેકને કોલ આપ્યાં.(માણસની બાબતમાં કદાચ આવુ થવુ મુશ્કેલીભર્યુ હોત!)
  
  બીલાડીઓ ખુબ સ્વતંત્ર મિજાજી જીવ હોય છે.એ કુતરાઓની જેમ ધસમસતાં પ્રેમથી આપણને વળગી પડતી નથી.તેમજ બીલાડીને પોતાનું એકાંત બહુ વ્હાલુ હોય છે એમાં એને ખલેલ પરવડે નહિં અને પોતાની કેટલીક વાતો સાવ અંગત રાખે.પણ મેબલ સૌ બીલાડીઓમાં અપવાદ નીકળે છે અને અને પોતાની સુવાવડ લેખીકાએ નીયત કરી આપેલા સ્થળે કરે છે.હિમાંશીબેન મેબલને ઘરની દિકરી સમજે છે અને મેબલની પહેલી સુવાવડ વખતે પોતે પણ વ્યાકુળ થાય છે.મેબલને માટે કોઇક કારણસર "મર્સી કિલીંગ" નો આશરો લેવો પડેલો જેમાં તેનાં મૃત્યુનો દિવસ નક્કી કરતાં લેખીકા ભાંગી પડેલા અને એનાં માટે આંસુ સારેલા.મેબલનાં મૃત્યુનો કિસ્સો બેને પુસ્તકમાં અત્યંત કરુણરીતે આલેખયો છે.
       
    પુસ્તકનાં અન્ય પ્રકરણોમાં તેમનાં ઘરની અન્ય બીલાડીઓનાં રમુજ અને કરુણ કિસ્સાઓનું વર્ણન અત્યંત ભાવપુર્ણ આલેખાયુ છે જેમાં ક્યારેક વાચકને ભારે રમુજ તો ક્યારેક વાચકની આંખોનાં ખુણા ભીનાં થાય છે.ટીકાનામના તેમનાં બીલાડાનાં કાકડી પ્રત્યેનાં પોતાનાં પ્રેમ અને અસલ સુરતી લહેકામાં ગાઠીયાં ખાવાની વાત ખુબ રમુજપ્રેરક હોય છે.જ્યારે બીજી તરફ નાનુ નામનો તેમનો એક બીલાડો એક વખત અચાનકજ કોઇ પણ ચેતવણી વિના ઘરેથી ચાલી નિક્ળે છે ત્યારે વ્યાકુળ બનેલા લેખીકા તેને શોધવા ક્યાનાં ક્યા આંટા મારી આવે છે અને દિવસો સુધી નાનકાની કાગડોળે રાહ પણ જુએ છે.અને પારકા નામના માથાભારે અને ઘરમાં ગંદકી ફેલાવનાર બીલાડાંને જ્યારે તાપીને કાંઠે મુકવા ગયેલાં લેખીકા બહુ કઠોર મને ઘરે પરત ફર્યા હતાં.
   
 વચ્ચે લેખીકાનાં તમામ જીવો માટેનો પ્રેમ વિવિધ ઊદાહરણો વડે જોવા મળે છે અને પ્રણીઓ પર થતા જુલમો વિશે તેઓ લખે છે કે"પ્રાણીઓને ત્રાસ આપતા વિજ્ઞાનના પ્રયોગો દ્વારા ખુલ્લાં પડી ગયેલાં માણસનાં સ્વાર્થ અને જડતાથી હું તરફડતી રહી છું."  એક કિસ્સા વડે લેખીકાનાં સમસ્ત પ્રાણીજગત માટેનાં પ્રેમનું દ્ર્ષ્ટાંત મળે છે. જેમાં શ્યામલનામનાં રુઆબદાર ગુછ્છાદાર કાળા આકર્ષક બીલાડાને રમાડીને લેખીકા પોતાના ઘરે ચિત્તા અને દિપડા ન રાખી શકવાના અફસોસને ઓછો કરે છે.લેખીકાનાં પ્રાણીઓ પ્રત્યેનાં અપાર પ્રેમને કારણે ક્યારેક કાચબા તો ક્યારેક તુટેલી પાંખવાળુ પંખી તો ક્યારેક ભુલુ પડેલુ બકરીનું બચ્ચું તેમને ત્યાં આતીથ્ય માણી આવ્યાં છે. 
  
હિમાંશીબેન સુરતની ગજ્જરવાડીમાં રહેતાં ત્યારે તે જમાનામાં ત્યાં ઘણાં વાંદરાઓ ફરતા અને એ વાંદરાઓ સાથે રમવાની અને તેમને ખવડાવવાની લેખીકાને બેહદ મજા પડતી.એવોજ એક વાનરટોળીથી વિખુટો પડેલો વાનર હિમાંશીબેનની કોલેજમાં આવી ચડ્યો.અને હિમાંશીબેનનાં ચાલુ લેકચરમાં એક બેન્ચ ઉપર ગોઠવાયો.એને જોતાજ પ્રાણી પ્રેમી અધ્યાપીકાએ એનુ બાબુરાવ એવુ નામકરણ કર્યુ!!!બસ, પછી તો એની લેખીકા સાથે જામી અને લેખીકાની રોજ કોલેજ આવાની બાબુરાવ રાહ જોવા માંડ્યો.લેખીકા પણ પોતાના પર્સમાં બાબુરાવમાટે શીંગ-ચણા લાવવાનાં ભુલે નહિ.જોકે બાબુરાવ પણ એક દિવસ લેખીકાને આંચકો આપી ઓચીંતોજ ક્યાંક ગુમ થઇ ગયેલો..
   
      એક દિવસ એક દેશી કુતરો ફરતો ફરતો હિમાંશીબેનને બારણે આવી ચડ્યો,આગંતુકને જોઇને યજમાન ખુશ થયાં અને 'આવો,ભલે પધાર્યા' કરી આવકાર આપ્યો અને ભારે આગતા-સ્વાગ્તા કરી.બસ આગતુંકનેતો ત્યાંજ ફાવી ગયુ અને બેનને ત્યાંજ તબું નાખ્યાં.એના લાલ રંગને કારણે નામ પડ્યુ લાલુ.પણ લાલુનુ વર્તન એવુ કે એનો લાલિયોજ કહેવો પડે.રખડતાં લાલિયાને નવા ઠેકાણે માત્ર ખોરાકજ નહિ પણ અઢળક પ્રેમ પણ મળ્યો એટલે લાલિયાભાઇ તો મેડમની આગળ-પાછળ ફરે.રમુજ તો ત્યારે થાય છે જયારે એક દિવસ લાલિયો મેડમની કોલેજ શોધી કાઢે છે અને મેડમનો ક્લાસ ચાલતો હતો ત્યાં પહોચી જઇ મેડમની સાથે સ્ટેજ ઊપર રજવાડીઠાઠથી ગોઠવાય જાય છે.પછીતો લાલિયાભાઇ દરરોજ મેડમ સાથે કોલેજ જવાની જીદ આદરે અને કોલેજમાં મેડમનાં કુતરાનુ બિરુદ પામે છે.અને લાલિયો આ ક્રમ પોતે જીવે ત્યાં સુધી ચાલુ રાખે છે.તેનાં ગયા બાદ કોલેજ જતી વખતે મેડમની નજર અમસ્તીજ પાછળ ફરી વળે છે 'લાલિયો પાછળતો નથી ને??'
     
   સુરતનાં વસવાટ દરમ્યાન લેખીકા પોતાનાં ઘરે એક આલ્સેશિયન કુતરો લાવે છે.જેનાં વિશાળ કદ ને કારણે તેનુ નામ લિયો રાખવામાં આવે છે.જેને પણ લેખીકા સાથે ભારે માયા!!થોડા વર્ષો બાદ લેખીકા અબ્રામા આવી ગયાં ત્યારે બંન્ને પક્ષે વ્યગ્રતા થાય છે.અને લેખીકા લખે છે કે કેટલીય વખત તેઓ લિયો ને કારણેજ સુરત જાય છે, અને ત્યારે લિયોનો પ્રેમ શબ્દમાં મુક્વુ તેમને મુશ્કેલ લાગે છે.તેઓ એમ પણ નોંધે છે કે તેઓ જ્યારે પરત ફરતા ત્યારે લિયોની આંખમાં ઝળઝળીયાં પણ દેખાતા!
     
   સખ્ય(અબ્રામાં)મા આવ્યા બાદ તેમને પહેલો મિત્ર મળે છે જોલી.લેખીકા ફરવા નિકળે છે ત્યાં એક માજાનો કુતરો તેમને મળે છે અને તેનાં મળતાવડા સ્વભાવને કારણે એનુ નામ જોલી પડે છે.જોલી બે-અઢી મહિનાં તેમની સાથે ગાળીને ક્યાંક ગાયબ થઇ જાય છે.પાછળથી ખબર પડે કે જોલી તો કોઇનો પાળેલો કુતરો હતો.એટલે લેખીકા થોડા નિરાશ થાય છે પણ જોલી સમયાંતરે લેખીકાની મુલાકાત લેવા તેમનાં ઘરે આવે છે અને પોતાનાં પ્રેમનો પરીચય કરાવે છે.આ દરમિયાન રામુ-રાજુ-મોતી વગેરે કુતરાઓ પણ લેખીકાનાં જીવનમાં રંગો પુરે છે.
   
   હવે વારો વિક્ટર્નો,જેણે લેખીકાને પોતાનાં ભરપુર પ્રેમનાં ધોધમાં તરબોડ કર્યા.વિક્ટરને જ્યારે હિમાંશીબેન ધરે લાવે છે ત્યારે તેઓ લખે છે કે "સક્ષાત આનંદ અને ઉષ્માએ અમારે ત્યાં ચાર પગે પ્રવેશ કર્યો." તેમજ "વિકીએ અમારા મકાનને ઘરનો દરરજો આપ્યો." શું શબ્દો છે??કોઇ માણસ કોઇ અન્ય જીવને આટલી હદે ચાહી શકે??અહિ નિયતી એક અણધાર્યો પલટો લે છે અને વિકટરનુ એક અકસ્માતમાં મૃત્યુ થાય છે.જે ઘટનાની હિમાંશીબેન ઊપર ઘેરી અસર થાય છે અને તેઓ ઊંડા દુખમાં ગરક થાય છે.કોઇ પ્રાણીનાં મૃત્યુબાદ આવા શોકમાં ગરક થતી મે મારા જીવનમાં પહેલી વ્યક્તિ જોઇ.વિકટરને દફનાવી આવ્યા બાદ લેખીકાની વ્યથા એમનાંજ શબ્દોમાં"એને ભોંયમાં પોઢાડી ઉપર માટી વાળી ત્યારે ભીતર હાહાકાર વ્યાપી ગયો.ખુબ ચાહતો હતો એ મને જુવાનજોધ દિકરો ફાટી પડ્યાની દાહક વ્યથા લઇ ઘેર આવી હતી એ દિવસે."  
    
   અંતે આવ્યો સોનુ.સોનુ પણ લેબ્રાડોર નસલનો કુતરો.જે આમ થોડો શરમાળ પ્રકૃતિનો પણ લેખીકાનો અત્યંત પ્રીય.(હાલમાં સૌથી નજીક પણ)સમજણની બાબતમાં સોનુ માણસને પણ ગાંઠતો નથી એમ લેખીકા માને છે.હિમાંશીબેનનાં અન્યો પ્રાણીઓને તો નહિ પરંતુ સોનુને મળવાનું સૌભાગ્ય મને સાંપડ્યુ છે.અને એય ત્રણ-ત્રણ વાર!!આપણે એમનાં દિવાનખંડમાં વાતો કરતા હોઇએ ત્યારે સોનુ પણ ત્યા આવીને બેસે અને પોતે પણ આપણી વાતમાં સામેલ હોય એમ દરેક વાત ધ્યાનથી સાંભળે.
     
   આમ આ પુસ્તકમાં પ્રાણીમાત્રનો માણસ ઊપરનો પ્રેમ છતો થાય છે જ્યારે આપણે કહેવાતા બુધ્ધીજીવીઓ પ્રાણીઓની અને અન્ય તમામ જીવોની ઘોર ઉપેક્ષા કરીએ છીએ.એક તરફ આપણે પ્રેમ પામવા આંધળી દોડ મુકી છે જ્યારે બીજી તરફ આપણીજ આસપાસ રહેતા અને આપણ સદૈવ પ્રેમ કરવા તત્પર જીવોની નોંધ સુધ્દ્ધા નથી લેતાં.કેટલાય આલીશાન બંગલાઓમાં કુતરા રાખવામાં આવે છે પરંતુ એ માત્ર પોતાનાં માલ-મલીદાની રક્ષા ખાતરજ.જ્યાં બારણે 'કુતરાથી સાવધાન'નું બોર્ડ મારેલુ હોય છે. આ પુસત્કનાં લેખીકાતો ઘરોની બહાર લટકાવેલા એવા પટિયાની પણ વિરુધ્ધ.
  
   અંતે સો વાતની એક વાત."વિકટર" વાંચવા જેવુ અને વસાવા જેવુ પુસ્તક.. જે વાંચતાં-વંચતાં પ્રાણીઓ પ્રત્યેની આપણી સૂગ અને દ્રષ્ટી બદલાશે.અને આપણે જીવવાની ચૂકી ગયેલાં રંગબેરંગી ક્ષણો ફરી જીવવાનુ મન થશે.

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Quite touchy and enigmatic !!!
    Anku yaar mare pan ek dog rakhvo che pan ... kaink jugaad karvo padse ... tari ben ne samjavavi padse !!!

    ReplyDelete
  3. felt the magic of ur writing.... keep it up..

    ReplyDelete