Saturday, July 20, 2013

આર્ટ ઓલ નાઇટઃ કાલાકારોનો કુંભ જામે છે અહીં

આપણે ત્યાં મુંબઇનો કાલાઘોડા કલામહોત્સવ ઘણો પ્રખ્યાત છે. કલાનાં વિવિધ પ્રકારોનો સમાવેશ કરી એક અઠવાડિયા સુધી આ કલામહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. એ ઉપરાંત દેશ-વિદેશમાં ઘણાં કલામહોત્સવો ઉજવાય જેની દિવસો સુધી ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાનાં ટ્રેનટોન ખાતે  પણ આર્ટ ઓલ નાઇટનામનો વિશિષ્ટ કલામહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં દર વર્ષે હજારો લોકો હાજરી આપે છે. આ વર્ષે ૧૫ અને ૧૬ જુન દરમિયાન સાતમોઆર્ટ ઓલ નાઇટકલામહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં આશરે ૩૦૦૦૦ જેટલાં લોકોએ હાજરી આપી હતી. આ કલામહોત્સવને ટ્રેનટોન શહેરની ૫૦,૦૦૦ સ્કે.ફુટની એક જુની ફેક્ટરીમાં ઉજવવામાં આવે છે.

આ કલામહોત્સવની ઘણી ખાસીયતો છે, જેમાંની એક ખાસીયત એ છે કે આ કલામહોત્સવ માત્ર ચોવીસ કલાક માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ તે શનીવારે બપોરે ત્રણ વાગ્યાથી રવીવારે બપોરે ત્રણ સુધી ચાલ્યો હતો. ચોવીસ કલાક દરમ્યાન ચાલતાં આ કલામહોત્સવમાં ચિત્રકળા, મ્યૂઝીક, અરેબીક કેલિગ્રાફી અને ફિલ્મકળા જેવાં કલાનાં વિવિધ વિષયોને આવરી લેવામાં આવે છે, જ્યાં નામી કલાકારો ઉપરાંત કલાવિવેચકો, ઉભરતા કલાકારો અને કલા રસિકો મોટી સંખ્યામાં હાજરી આપે છે.
આર્ટ ઓલ નાઇટએવો કલામહોત્સવ છે જેમાં તમામ કલાકારોને એક સરખા ગણવામાં આવે છે. અહીં નવોદિતો અને નામીઓ વચ્ચે કોઇ ભેદ રાખવામાં આવતો નથી. પાંચ વર્ષનાં નાના બાળકથી લઇને સીત્તેર વર્ષનાં પીઢ કલાકારો અહીં પોતાની કલાનું પ્રદર્શન કરે છે. અમેરિકાનાં ઊગતા કલાકારોમાં આ કલામહોત્સવ અત્યંત પ્રીય છે કારણકે એવા કેટલાય કલાકારો છે જેમને આ કલામહોત્સવ વડે સારી એવી ખ્યાતી મળી હોય.

આ માટેઆર્ટ ઓલ નાઇટની પ્લાનિંગ કમીટીનાં ચેરમેન જોસેફ કુઝેમકા જણાવે છે કે, ‘એવાં કેટલાય લોકો છે જેમનાંમાં અદભૂત સર્જનાત્મકતા રહેલી હોય છે. પરંતુ વિટંબણા એ છે કે એમાનાં તમામને યોગ્ય પ્લેટફોર્મ મળતું નથી. ‘આર્ટ ઓલ નાઇટની પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આ કલામહોત્સવનાં માધ્યમથી આવા કલાકારોને અત્યંત મોટા પાયે તેમની સર્જનાત્મકતા દર્શાવવાની તક મળે.’

અહીં એક વિભાગમાં ચિત્રકારો અને શિલ્પકારોની કૃતિઓ પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવે છે. આ પ્રદર્શનમાં કોઇ પણ ભેદ રાખ્યા વગર નાના-મોટા તમામ કલાકારોની કૃતિઓ પ્રદર્શીત કરવામાં આવે છે. કલામહોત્સવનો આ વિભાગ એવો છે જેને નિહાળવ માટે સૌથી વધુ લોકો આવે છે. અહીં પ્રદર્શીત તમામ કૃતિઓ પર કલાકારની માહિતીઓ ટેગ કરવામાં આવી હોય છે. આથી જો કોઇ  વ્યક્તિને આ પ્રદર્શનમાંની કૃતી પસંદ પડે તો ટેગ ઉપરથી કલકારનો સંપર્ક કરીને મહોત્સવ પછી એ કૃતિને ખરીદી શકે છે. સાત વર્ષનાં ગાળામાં એવુ કેટલીય વખત બન્યુ છે કે કેટલાક કલાકારોની કૃતિઓ જે ક્યાંય નહીં વેચાઇ હોય એઆર્ટ ઓલ નાઇટમાં ઘણી આસાનીથી વેચાઇ હોય.

પ્રદર્શન ઉપરાંતઆર્ટ ઓલ નાઇટમાં ચિત્રકળા અને શિલ્પકળાનાં લાઇવ પર્ફોર્મન્સ પણ થાય છે. આ લાઇવ પર્ફોમન્સમાં કલાકારો ચોવીસ કલાકનાં આ મહોત્સવ દરમિયાન કોઇ પણ વિષય ઉપર પોતાનું ચિત્ર અથવા શિલ્પ તૈયાર કરે છે. ચિત્રકળા અને શિલ્પ કળા ઉપરાંત અહીં ફિલ્મકળાને પણ ઘણું પ્રાધાન્ય આપવામાં આવે છે. આ મહોત્સવ દરમિયાન અમેરિકાનાં નામી ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકર્સ અને ફિલ્મ વિવેચકો એક વર્કશોપ કરી નવોદિતો અને ફિલ્મ રસિકોને ફિલ્મમેકિંગ અંગેની તાલીમ આપે છે. આ સાથે જ અહીં એક ફિલ્મ ફેસ્ટીવલનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અમેરિકાનાં ફિલ્મ દિગ્દર્શક જેફ સ્ટેવર્ટે મહોત્સવનાં મુલાકાતીઓને ઇન્ડિપેન્ડટ ફિલ્મમેકિંગ અંગેનો ખ્યાલ આપ્યો હતો. સાથે જ ફિલ્મમેકિંગનાં વર્કશોપ દરમિયાનનાવ યુ આર સેટ ફોર લાઇફનામની ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ રજુ કરાઇ હતી.

બીજી તરફ આ કલામહોત્સવ દરમિયાન કોઇ પણ એક થીમ ઉપર ભીંતચીત્રો દોરવામાં આવે છે. કલાકારોની એક ટૂકડી ચોવીસ કલાકનાં ગાળામાં કોઇ પણ એક થીમ ઉપર અદભૂત ભીંતચિત્રો તૈયાર કરે છે. જોસેફ કુઝેમકાનાં મતે આર્ટ ઓલ નાઇટનાં ભીંતચીત્રો તેમનાં મૂલાકાતીઓને સૌથી વધુ આકર્ષે છે. આ વર્ષેઆર્ટ ઓલ નાઇટનાં  ભીંતચીત્રો માટે અમેરિકાનાં પ્રસિધ્ધ કવીએડ્ગર એલન પોને થીમ તરીકે રાખવામાં આવ્યાં હતાં, જેમાં આ વર્ષે ત્યાંનાં સ્થાનિક કલાકાર ડેવ ક્લામા અને વિલ કાસોની આગેવાનીમાં એડ્ગર એલન પોને કેન્દ્રમાં રાખીને ભીંત ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત આ મહોત્સવમાં લેખન, કાવ્યપઠન અને અભિનય માટેનો વિભાગ પણ રાખવામાં આવે છે. દરમિયાન નવોદિત કવીઓ અને અભિનેતાઓ પોતાની રચનાઓનું પઠન કરે છે અને અભિનય કરે છે. સાથે જ અહીં નવા લેખકોને વર્કશોપ વડે લખવાની તાલીમ પણ આપવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન મોટી માત્રામાં સાહિત્ય રસિકો ભેગા થાય છે જેઓ ઉભરતા કવીઓ અને કલાકારોને દાદ આપી તેમનાં ઉત્સાહમાં વધારો કરે છે.

આ મહોત્સવની ઉજવણી ઇન્ડોર અને આઉટડોર એમ બે વિભાગમાં કરવામાં આવે છે. ઇનડોર વિભાગમાં ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે જ્યારે આઉટડોર વિભાગમાં ત્રણ જુદાં-જુદાં મંચ ઉપર ડાન્સ અને મ્યૂઝિકનાં વિવિધ પરફોર્મન્સ થાય છે. ચોવીસ કલાકનાં આ મહોત્સવમાં ડાન્સ અને મ્યૂઝિકનાં અલગ અલગ પ્રકારોની રજૂઆત કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવમાં ૫૦ જેટલાં બેન્ડ વારાફરતી પરફોર્મન્સ આપશે. યુવાનોને આ આઉટડોર પરફોર્મન્સ સૌથી વધુ પસંદ આવે છે.
તો બીજી તરફ આઉટડોર વિભાગમાં આકર્ષણનું મોટુ કેન્દ્ર છે આ મહોત્સવનું ફૂડ ફેસ્ટિવલ! ‘આર્ટ ઓલ નાઇટદરમિયાન કલા રસિકોની સાથોસાથ ખાવાનાં રસિયાઓ પણ ભેગા થાય છે. આઉટડોર વિભાગમાં રાખવામાં આવતી આ ફૂડ કોર્ટમાં જાતજાતનાં વ્યંજનો અને વાનગીઓ પિરસવામાં આવે છે. આ વર્ષે મહોત્સવની ફૂડ કોર્ટમાં અમેરિકન ફૂડની સાથે મેક્સિકન, મેડિટરેનિયન, જમૈકન અને ઇટાલીયન વ્યંજનોએ મૂલાકાતીઓનાં દીલ જીતી લીધા હતાં

આર્ટ ઓલ નાઇટનો જો બીજો અર્થ કાઢવો હોય તો ધમાલ ઓલ નાઇટ એવો અર્થ પણ થઇ શકે, જ્યાં લોકો ચોવીસ કલાક દરમિયાન ભરપૂર માત્રામાં જલસો કરી આનંદ મેળવે છે. ‘આર્ટ ઓલ નાઇટકલાનાં લગભગ તમામ ક્ષેત્રોને આવરી લે છે. સાથે જ તે અબાલ-વૃદ્ધ સૌને આવરી લે છે. જ્યાં કોઇ પણ ઉંમરનાં લોકો ભેગા મળીને પોતાની કળાનું પ્રદર્શન ઉપરાંત કલા વિષયક ચર્ચાઓ કરી શકે છે. સાત વર્ષોની અદભૂત સફળતા બાદ હવે અમેરિકાનાં ટ્રેનટોન ખાતે ઉજવાતો આ કલામહોત્સવ એક મોટી બ્રાન્ડ બની ગયો છે. કલામહોત્સવની ઉજવણીની તારીખો જાહેર થતાં જ હવે અમેરિકાનાં કલાકારો અને કલારસિકો તેમાં હાજરી આપવા માટે થનગની ઉઠે છે.


આમ ચોવીસ કલાક માટે ઉજવાતા આ કલા મહોત્સવમાં વિવિધ કલાઓનો અદભૂત સમન્વય જોવા મળે છે, જ્યાં ખુબ જ મોટી સંખ્યામાં માણસોનો મેળાવડો જામે છે. નવા કલાકારો માટે આ કલામહોત્સવ ખરા અર્થમાં એક યોગ્ય પ્લેટફોર્મ બની રહે છે જેનાં માધ્યમથી કેટલાય કલાકારોની અંદર ધરબાયેલી કલાને વાચા અને સરાહના મળી છે અને તેમને કલાકાર તરીકેની એક આગવી ઓળખ પણ મળી છે.

1 comment: