Friday, August 1, 2014

એક ઈચ્છા એવી કે....


રાત્રે આઠ સાડા આઠ વાગ્યે હાથમાં કોફીનો એક છલોછલ મગ લઈને બાલ્કનીના હિંચકે ઝુલવાનો એનો નિત્યક્રમ. ચહલપહલવાળા રસ્તા પર પડતી આ મોટી બાલ્કનીના મોહમાં જ તેણે આ ઘર ખરીદેલું. પુસ્તકોની સંખ્યા ઝાઝી હતી એટલે એક ઓરડામાં પુસ્તકોના ઘોડા કરાવવા સિવાય ઘરમાં ઝાઝુ ફર્નિચર કરાવવાનું હતું નહીં, પણ બાલ્કનીનો આ હિંચકો તૈયાર કરાવતી વખતે મિસ્ત્રી સાથે લાંબી લમણાંઝીંક કરેલી. ફ્લેટ માટે દલાલને પૂછાવેલું ત્યારે પણ મોટી બાલ્કની વાળું જ ઘર જોઈએ છે એવું ભાર પૂર્વક કહેલું. નિરાંતના સમયે હિંચકા પર બેસીના ક્યાંય સુધી વિચારતા રહેવું અને ગરમ કોફીના ઘૂંટડા ભરીને શૂન્યમાં તાકી રહેવાનું એનું આ સપનું છેક કોલેજકાળથી, પણ આવું અમસ્તું સપનું પૂરું થતાંય દાયકા નીકળી ગયાં. કોલેજના કામોમાં વચ્ચેના વર્ષો ક્યાં નીકળી ગયા એનો કોઈ હિસાબ જ ન રહ્યો. વર્ષોને તો જાણે પાંખો ફૂટેલી!

હવે જ્યારે આ વર્ષોની મનોકામના પૂરી થઈ છે ત્યારે બીજું બધુય કોરે મૂકી દીધું અને સાંજના સમયે આ હિંચકા પર બેસીને ઝુલવાનું એટલે ઝુલવાનું જ! સાંજના આ સમયે ગાંધી સ્મૃતિના નાટકો કે ગૌરવ પથ પર આવેલા મલ્ટીપ્લેક્ષમાં નવી રિલીઝ થયેલી ફિલ્મો માટે જાતજાતના આમંત્રણો આવે પણ આ મહેફિલની સામે બધુય પાણી ભરે. આમેય આપણને માણસોની ભીડમાં બહુ ફાવે નહીં. ટોળાને સહન કરવાની આપણી ક્ષમતા વધુમાં વધુ બે કલાક, પછી તો આપણને આપણું ઘર જ દેખાય! આપણે તો એક મગ કડક કોફી અને આ હિંચકો મળ્યો એટલે ભયો ભયો. હિંચકા પર બેસીએ એટલે સૌથી પહેલા આજે વાતાવરણ કેવુંક છે તેનો જરાતરા તાગ મેળવીએ. પછી પગથી જમીન પર થેપી મારતા જવાનું અને હિંચકાને હળવી ગતી આપતા જવાનું. થોડીજ મિનિટોમાં તો જાણે આ લોકમાંથી પરલોકમાં આવી ગયા હોઈએ એવો ગજબનો આનંદ! આ લોકમાં તો સ્વાર્થ, ઈચ્છા અને ભરપૂર લાલસાથી ખદબદ થતાં લોકો પણ પરલોકમાં જ્યાં જુઓ ત્યાં વિચારો જ વિચારો…! પોતાને જે ગમી જાય અને સહેજ પોતીકો લાગે એવો એક વિચાર હાથમાં ઝાલી લેવાનો અને પછી મન થાય ત્યાં સુધી તેને મમળાવતા રહેવાનું! બસ આમ જ વીતે આપણી સાંજો. લોકો કહે છે, સાંજ પડી એકલા એકલા શું કરો છો? કંટાળો નથી આવતો? પણ ભલા, આવા વિચારોની આવી જાહોજલાલી હોય તો એકલતા કેવી? ને કંટાળો કેવો?
……………………………………………………………………………………………………………………………..
“પેલો વ્યાસ આ વખતના ‘વિચાર સત્ર’માં મારી વાર્તાઓના પોપળા ઉખેડતો હતો. મારી કથન રીતીમાં આમ છે અને હું શૈલીવેળામાં ઉતરી જાઉં છું ને ફલાણું ને ઢીંકણું. ભલા, એને ક્યારથી વાર્તાઓની સમજ પડવા માંડી? સાહિત્યના ઠેકા લીધા છે તે? બહું સમજ પડતી હોય તો જાતે શું કામ વાર્તા નથી લખતો? પોતે મૌલિકતાના નામે મીંડુ છે ને વળી લોકની પત્તર ખાંડે છે. હશે મારે કેટલા ટકા? આવા વ્યાસોની મને બહુ પરવા નથી. આપણે તો પોતે જેવું લખવું છે એવું જ લખવાનું. વાચકો ખુશ તો આપણે ખુશ. બાકી જખ મારે બધા!”

“વિચાર સત્રમાં નિલીમા ભટકાઈ ગયેલી. કોલેજમાં ગુજરાતીનું પેપર અમે સાથે ભણાવતા. નસીબદાર છે એ. આમ તો મારી વિદ્યાર્થીની પણ ખરી પરંતુ શિક્ષક તરીકે ઘણાં વર્ષો સુધી સાથે રહ્યા. સ્ટાફમાં એ એક જ તો હતી, જે મને સમજી શકતી હતી. બાકી બધાતો જાણે મારી સાથે બાપે માર્યા વેર હોય એમ ઘૂરકિયાં કાઢતા. એમને મન તો પરણેલા એ બધા સામાજિક અને જવાબદાર લોકો અને અમે બધા સમાજ માટે ભારરૂપ. એમાંના કેટલાક પીઠ પાછળ ખીખિયાટા કાઢતા તો કેટલાકને મારા ભવિષ્યની ચિંતા થઈ આવતી કે, પાછલી ઉંમરે મારું થશે શું? મૂઆંઓ મારી સ્ટાફરૂમમાં બેસીને મારી ચિંતા કરવામાં સમય પસાર કર્યો એના કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે ચિંતા કરી હોત તો? વર્ગખંડમાં ગયા પછી ચોપડીની બહારનું ક્યારેય બોલ્યાં છો કંઈ? બોલે ક્યાંથી એવું બધુ બોલવા માટે તો વાંચન જોઈએ, અને એ બાબતે તો તમારે સાત પેઢીનું છેટું. જોકે નીલિમા નસીબદાર છે કે તેને આટલી નાની ઉંમરે વિભાગની હેડ બનાવી દેવામાં આવી. બાકી મારા વખતે તો ટ્રસ્ટીઓ મેલી રમત જ રમેલા. નહીંતર અહંને સાચવી લેવા મારે વીઆરએસ નહીં લેવું પડત અને ખુશી ખુશી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના પદ પરથી રિટાયર્ડ થાત. ખેર, છોડો એ બધી વાતો, એ વાતો યાદ કરીએ તો નકામા લોહી ઉકાળા જ થાય, બીજુ કશું નહીં.”

“હવે પેલા પ્રકાશક સાથે  ક્યારેય કામ નથી કરવું. ભલેને પછી એ ગુજરાતનો છેલ્લો પ્રકાશક કેમ નહીં હોય! ખરા છે આ લોકો તો! લોકોને જોઈએ એવું લખવાની વાત કરે છે? લોકોને તો બધુય ખપે. તો શું અમારે ગમે એવું ઢસડી નાખવાનું? આવા ગભરું પ્રકાશકોને કારણે જ સાહિત્યમાં બગાડ પેઠો છે. વળી નવી પેઢીના આ લેખકોય ક્યાં ઓછા છે? સસ્તી લોકપ્રિયતા ખાતર તેઓ પણ દાટ વાળવા જ બેઠાં છે.”
“વાહ, આવો પવન રોજ ફૂંકાતો હોય તો કેવી મજા આવે? આ ઉનાળામાં દિવસે તો તડકો રહે જ, પરંતુ રાત્રે પણ વાતાવરણ ગરમ રહે. આવા વાતાવરણમાં કંઈ જ કરવાનું મન નથી થતું. જોકે હવે વરસાદને બહુ વાર નથી. પંદરેક દિવસમાં તો પાકો જ. આ વર્ષે ચૂકી જવાયું પણ આવતા વર્ષે માર્ચ બેસતા જ એ.સી. મૂકાવવું છે. નાહકનું ગરમીમાં સબડવું નથી.”

“કાલે પેલા બુકસ્ટોર વાળાને ફોન જોડવો પડશે. કેટલા દિવસોનો ઓર્ડર આપ્યો હતો. હજુ સુધી પુસ્તકો આવ્યાં નથી. મીરાંનો ફોન આવેલો કે ખાલિદ હુસૈનીની નવી નવલકથા વાંચવા જેવી છે. એટલે તરત જ પુસ્તકવાળાની દુકાને ફોન જોડ્યો. આમ પણ બીજા કેટલાક પુસ્તકો પણ મગાવવાના હતા. મેં ઓર્ડર કર્યા એમાના અડધા તો હતા જ નહીં, કે’તાતા કે મોડામાં મોડા દસ દિવસમાં પુસ્તકો આવી જશે. પણ આ તો પંદર દિવસ થવાં આવ્યાં. આ લોકોને ગ્રાહકોની કોઈ ચિંતા જ નથી. માર્કેટિંગ કરતી વખતે તો કેવી બડી બડી વાતો કરે!”

“ઉપરના ફ્લેટ વાળાને હવે કંઈ કહેવું જ પડશે. કેરી ગાળો તો જાણે એમનો જ આવ્યો હોય એવું લાગે છે. કેરાં ખાય એનો વાંધો નહીં, પણ આમ છાલ-ગોટલા સીધા નીચે શું કામ પધરાવે છે? આવા ગંદવાડમાં પડી રહેવાનું એમને પાલવે જ કેમ? સોસાયટીવાળા પણ કંઈ કહેતા નથી. બધા સરખા જ છે. એક બાજુ આ ગંદવાડ તો બીજી બાજુ પેલા જગધાઓ સવાર થાયને બોલ ટિંચવા નીકળી પડે. કાલે તો આ બારીનો કાચ જેમ તેમ બચ્યો. મૂઆંઓની સ્કૂલ ક્યારે ઉઘડશે કોણ જાણે?”

“આ ચોમાસામાં બે-ત્રણ દિવસ ક્યાંક નીકળી જવું છે. ક્યાંક દૂર જવા કરતા સાપુતારા જ બેસ્ટ રહેશે. થોડી લીલોતરી જોઈશ તો દિલ અને આંખો બંનેને થોડી ઠંડક રહેશે. કોઈને પૂછવું નથી. એ શું બધાને કાલાવાલા કરવાના? બસ સ્ટેન્ડ પરથી રોજ સવારે એક બસ ઉપડે છે. એકાદ દિવસ બેસી જવાનું અને એકાદ રૂમ લઈને એકાદ રાત રહી આવવાનું. નાગલીના પાપડ પણ લેવા છે થોડાં. જુલાઈમાં ગોઠવી નાંખવું છે એકાદ દિવસ.”

“કેટલા થયાં ઘડિયાળમાં? સાડા દસ? ચાલો સૂઈ જઈએ. પણ ઉંઘનું આજકાલ બહુ ઠેકાણું નથી. મળસકે ચારેક વાગ્યે કુદરતી રીતે જ ઊંઘ ઊડી જાય છે. પછી પાંચેક વાગ્યા સુધી પડખા ઘસવાના. કાલે સવારે થોડાં કૂડાં લેવા જવું છે. આ ફ્લેટમાં ઘર જેવું સુખ તો નથી પણ જેટલું રોપી શકાય એટલું રોપવાનું. સીધો તડકો નથી આવતો એટલે ગુલાબ ઉધેરી શકાય એમ નથી. આ મૂઆં મછરાંનો બહું ત્રાસ છે. કેરાંના ગંદવાડને કારણે જ વકર્યા છે આ મછરાં. હજું પંદરેક દિવસ આ ત્રાસ રહેવાનો જ.”

“કૂડાં લેવા જાઉં ત્યારે કોફી લેવાનું યાદ રાખવું પડશે. કોફી સાવ ઘટી ગઈ છે. આ વખતે ‘બ્રુ’ ટ્રાય કરવી છે. જોઈએ તો ખરા કે કેવીક ખુશીઓ શરૂ થાય છે? ચાલો તો થોડુંક ઘોરિયે હવે. કાલે સવારે મોડે સુધી ઉંઘ આવે તો સારું. નહીંતર આ હિંચકાની જેમ પથારીમાં પણ વિચારોના ચકરાવે ચડવાનું. જોકે મને આમ વિચરતા રહેવાનું ગમે છે. આ વિચારોને કારણે જ તો મારી વાર્તાઓની પાત્રસૃષ્ટી આટલી સમૃદ્ધ થઈ છે. કાલે હવે પેલી ટૂંકી વાર્તાનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરીને ‘ભેલપૂરી ડૉટ કોમ’ને  વાર્તા મોકલી આપવી છે. વેબજગત પર આ લોકો પણ ઘણું સારું કામ કરી રહ્યા છે. દુનિયા હવે વેબ તરફ જઈ રહી છે તો આપણે અળગા કેમ રહીએ? ત્યાં પણ સારો એવો વાચક વર્ગ તો છે જ ને? સામયિકોમાં જ છપાવવું છે એવા રૂઢિવાદી હવે આપણે નથી બનવું. જોકે વાર્તા ધારવા જેટલી સારી લખાઈ નથી. થોડીક મઠારવી તો પડશે જ.”

“ચાલ તો મારા વ્હાલા હિંચકા, કાલે ફરી મળીશું. ત્યાં સુધી તું તારી કંપની માણ અને હું મારી માણું.”


“વરસાદ પહેલા હિંચકાને પોલિશ કરાવીને ચકાચક કરાવી દેવા જેવો છે. એનેય બીચારાને કંઈક સજવના અભરખા તો થતાં જ હશે ને!”


આ વાર્તા આ પહેલા આપણા ખ્યાતનામ વેબપોર્ટલ 'ભેળપૂરી ડૉટ કોમ' પર પ્રકાશિત થઈ હતી.

No comments:

Post a Comment