Tuesday, June 14, 2011

પાંચ હાઇકુ


રોજ સવારે
સુરજ ધરતીને
કેમ છે કહે


ડુબતો સુર્ય
નારીના લલાટનાં
ચાંદલા જેવો


નાનુ શહેર
કોચલામાં પુરાતુ
સાંજની વેળે


કવિતા જાણે
જીવનનો પર્યાય
કવિ માટેતો


કરીને પ્રેમ
રોજ જાણે રિચાર્જ
થાય માણસ

Wednesday, May 4, 2011

ત્રણ બ્રેક-અપ કાવ્યો


વસવસો

એ દિવસે
હું રોજની જેમજ
૯.૪૫ની ઇન્ટરસીટીનાં પાસ હોલ્ડરમાં
મારી પ્રીય બારી પાસે બેઠો હતો.
અને એણે ફોન કરીને
મને શબ્દોનો તમાચો મારેલો.
-હવે બધુ પુરુ
હું આપણા થોડા મહિનાઓના સંબંધને કારણે
મારા વીસ વરસનાં લોહિનાં સંબંધોને દાવ ઉપર ન લગાવી શકું.-
અને પછી
ફોન લાઇન કટ થઇ ગયેલી.
હું આભો બનીને સાંભળતોજ રહિ ગયો,
કંઇ રિએકટ પણ ન કરી શક્યો!!
માણસની નાલાયકી વેઠવાનો
પહેલોજ પ્રસંગ હતો મારે માટે તો!
પણ હું લોકોથી ઘેરાયેલો હતો.
બધું નોર્મલ છે એવો અભિનય મારે કરવો પડ્યો,
સાચ્ચે, મને ત્યારે
સ્ત્રી ન હોવાનો વસવસો થયો.




ગાંઠ

પછી તો
કોઇ સ્ત્રીનાં
ગર્ભાશયમાં થયેલી ગાંઠ જેવો
થઇ ગયો હતો સંબંધ આપણો!
સાવ નકામો-વજનદાર અને પીડાદાયી.
પછી? પછી શું??
બધી ગાંઠોની જેમ
એને પણ કાઢી નાંખીને,
ફેંકી દેવામાં આવ્યો.
જડમૂળ માંથી!!
પણ હજુય
બધી ગાંઠોની જેમ
અંદર હળવાશ નથી અનુભવાતી
પણ
વજન અને વેદનાં બંન્નેનું પ્રમાણ વધ્યું છે!




????

વધુ પડતી મોંઘવારી
અને ઓછા પગાર
તેમજ
વધી ગયેલાં દેવાને કારણે
પોતાનું ગુજરાન ન ચલાવી શકનાર
પેલાં હિરાનાં કારીગરની જેમ,
આપણે પણ
આપણી સંબંધ-લીલા સંકેલી લીધી.
પણ આ વિસર્જનને
કહેવુ શું?
આત્મહત્યા કે હત્યા??



Thursday, April 14, 2011

અછાંદશ


નવજાત શીશુની
નાળ કાપી નાંખવામાં આવે
એમ
આપણે કાપી નાંખ્યો હતો
સંબંધ આપણો.
તું બધુ ભુલી શ્ક્યો અને ફગાવી પણ શ્ક્યો!
પણ,
મારામાં હજુય કંઇક જીવે છે
શરીર ઊપર રહિ ગયેલાં કોઇ લીલા કોશની જેમ!
જેમાં મને રહિ રહિ ને ખરજ આવે છે
અને
હું
ખોતરું છું બધુ રહિ રહિને.
અને ઉખેળુ છું બધા પોપળા.
અને થાઉં છું દુઃખી
આખરે
વિનાં વાંકે ભોગવવાની અને વેઠવાની આદત
અમને હાથવગી હોય છે.
સદીઓથી અમે એમજ તો કર્યુ છે!!!

Saturday, March 5, 2011

પાંચ હાઇકુઃ થીમ-"બા"


બા આખેઆખો
પરીઓની વાર્તાનો
ખજાનો જાણે



ડુમો બાઝે જો
ગળે તો સરી પડે
બા આંખ માંથી



સાંભળુ હજુ
હાલરડું ક્યારેક
બાનું ઊંઘમાં


રાહ બનીને
ડોકાતી બા ક્યારેક
મારી આંખમાં


મૃત્યુ પામી બા
બાળપણનો મારા
સુર્યાસ્ત થયો
        

Friday, March 4, 2011

છોકરો ઝુલે હિંચકે

છોકરો ઝુલે હિંચકે અને મનમાં
           એક છોકરી ઝોલા ખાય,
મૂછનેતો ફૂટ્યાં હજુ બે-ચાર ત્યાં
         જવાનીનો ઉત્સવ ઊજવાય!
જુલમ કરી મન પરોવે ચોપડીમાં
         પણ જીવ છોકરીમાં અટવાય.
માળા એ જપે રોજ એનાં નામની
        ને એના નામનાજ કિર્તન થાય.
કરે એ કલ્પનાંઓ જાત-જાતની,
        મનમાં રોજ નવુ નાટક ભજવાય.
આસ્થા બંધાઇ એને તો કૄષ્નમાં
        રાધા મિલનની માનતા મનાય.
ર.પાની એ વાંચે રોજ કવિતા
        અને મનમાં ને મનમાં હરખાય.

Monday, February 21, 2011

બાને....


હવે
તારા ઓરડામાં
પગ મૂકુ છું ત્યારે
કોઇ વિશિષ્ટ ગંધ આવતી નથી,
તારી દવાની શીશીઓ-ટીપોઇ-પલંગ
અને તારુ કબાટ
કંઇ રહ્યુ નથી ત્યાં હવે તારુ!
જાણે
બધુજ તારી ચિતાનાં તાપમાં
ઓગળીને નષ્ટ થઇ ગયુ!!
પણ કોણ જાણે કેમ??
તું હજુ પણ ઓગળતી નથી
મારા મન માંથી....

Monday, February 7, 2011

બે અછાંદસો


પાણીપૂરીની લારી ઉપર
કોઇક ભિક્ષુક
એમજ
ખાવાનાની માંગણી કરે
જેમ
આપણે ઇશ્વર પાસે
સુખ-સ્વાસ્થય અને શાંતિ માંગીએ
પણ
આપણુ માંગેલુ એ પ્રાર્થના કહેવાય
અને
એનું માંગેલુ
ભીખ???!!!

*************



લગનનાં વરઘોડામાં
માથે
ઝુમ્મર લઇ ફરતી ઓરત
રાત્રે
વરઘોડો પુરો થયે
ઘેર આવી
ત્યારે
એનુ બાળક
સાંજે બાપનો માર ખાઇને રડીને
ભુખ્યાં પેટે
અંધારામાં
ઢુંઢીયું વાળીને સૂતુ હતું.......