Friday, July 26, 2013

મન્ટો આપણી રંગભૂમિ પર

મેરી કહાનીઓ કી હિરોઈન ચક્કી પીસને વાલી ઔરત નહીં હો સકતી, જો દિનમેં કામ કરકે રાત કો થક કે સો જાયે. મેરી હિરોઈન ચકલે કી એક તકયાઇ રંડી હો સકતી હે, જો રાત કો જાગતી હૈ ઓર દિન કો સોતે હુએ કભી કભી યે ડરાવનાં ખ્વાબ દેખકર ઊઠ બેઠતી હૈ કી બુઢાપા ઉસકે દરવાજે પર દસ્તક દેને આ રહા હૈ.’

ઉપર લખાયેલા શબ્દો અભદ્ર લાગી શકે એવા છે. પરંતુ, અમદાવાદનાં એક નાટ્યગૃહમાં આ શબ્દો જ્યારે એક કલાકારનાં મોઢેથી બોલાય છે ત્યારે હોલમાં બેઠેલાં તમામ પ્રેક્ષકો તાળીઓનાં ગડગડાટ સાથે આફરીન પોકારી ઊઠે છે. આ ઉપરાંત પણ તે પાત્ર મંચ ઉપરથી એકથી એક ચઢિયાતા ડાયલોગ ઉછાળે છે અને લોકોનાં દિલ જીતી લે છે. સાહિત્ય કે વાંચન સાથે સંકળાયેલા લોકો મંચ ઉપરનાં એ પાત્રથી સુપેરે પરિચિત હતાં, પણ જે જુવાનિયાઓ તે પાત્રથી અપરિચિત હતા એ લોકો પણ તે પાત્રનાં ફેન થઈ ગયાં. અમદાવાદમાં ભજવાઈ રહેલું એ નાટક હતુંચલતા ફિરતા બમ્બઇઅને ઉપરનો ડાયલોગ બોલનારું પાત્ર હતું સઆદત હસન મન્ટોનું!

સઆદત હસન મન્ટો! તેને મન્ટો કહીએ તો પણ ચાલે. કારણકે મન્ટો તરીકે ઓળખાવુ તેને અંગત રીતે ઘણૂ પસંદ હતું. સાહિત્ય સાથે સંકળાયેલા લોકો તેનાં નામથી જરાય અજાણ નથી. ભારત અને પાકિસ્તાન એમ બંન્ને દેશમાં જીવી ગયેલો આ વાર્તાકાર તદ્દ્ન બેફિકરાઇથી જીવન જીવ્યો, જેટલી બેફિકરાઇથી એ જીવ્યો એટલી જ બેફિકરાઇથી એણે લખ્યું! તેણે હંમેશા જે અનુભવ્યુ એ જ લખ્યુ. લોકો ને કેવુ લાગશે તેની તેણે ક્યારેય પરવા કરી ન હતી. તે અભદ્ર્ર લખે છે એવો આરોપ તેનાં સમકાલીનોએ તેની ઉપર અસંખ્ય વખત મૂક્યો.‘ઠંડા ગોસ્ત’, ‘તોબા ટેક સિંઘઅનેબાબુ ગોપીનાથ જેવી વાર્તાઓ માટે તેની ઉપર નવ વખત કેસ ચાલ્યા હતા. પણ એક પણ વખત મન્ટો અભદ્ર લખે છે એવું પુરવાર થઇ શકયુ ન હતું. આજે મન્ટો સદેહે હાજર નથી પણ તેની વાર્તાઓ અને તેનું વ્યક્તિત્વ હજુ પણ યુવા પેઢીમાં કૌતુક જગાવે છે.

મન્ટોનાં નામને કૌતુક શબ્દ સાથે હંમેશા સંબંઘ રહ્યો છે. કારણકે જ્યારે પણ કોઇએ તેની વાર્તાઓ અથવા તેનાં વિશે વાંચ્યુ છે તેને હંમેશા મન્ટો વિશે કૌતુક થયુ છે. તેનીથંડા ગોસ્તવાર્તાએ એક ગુજરાતી યુવાનને તેની મોહજાળમાં બરાબરનો ફસાવ્યો. અભિનય બેન્કર નામનાં તે યુવાને મંટોની થંડા ગોસ્ટવાંચી અને તેની વાર્તા ઉપરથી એક મોનોલોગ તૈયાર કરીને અમદાવાદનાં પ્રેક્ષકો સમક્ષ ભજવ્યો. આવી રીતે અભિનય બેન્કરે મન્ટોને અમદાવાદનાં પ્રેક્ષકો સમક્ષ પહેલી વખત રજુ કર્યો અને અમદાવાદનાં પ્રેક્ષકોને અભિનયનો અભિનય અને મન્ટો બંન્ને ઘણા પસંદ પડ્યા. બસ ત્યારથી અભિનય બેન્કરનાં મનમાં મન્ટો વસી ગયા અને મન્ટોને હજુ વ્યાપક રીતે મંચ ઉપર લાવવો એ અંગેની મથામણ તેનાં મનમાં શરુ થઇ ગઇ. થંડા ગોસ્ટ પછી અભિનયે મન્ટોની વાર્તાતોબા ટેક સિંઘઉપર એક નાટક કર્યુ પણ તેનાંથી અભિનયને ધરવ નહીં થયો અને તેણે તેનું રિસર્ચ આગળ ઘપાવ્યુ. આખરે ઊંડા વાંચન અને મિત્રો સાથે ગહન ચર્ચા બાદ અભિનયનાં મનમાં મન્ટોનાં એક નાટકે આકાર લીધો અને તે નાટક એટલેચલતા ફિરતા બમ્બઇ’.

લાંબાં વિચારને અંતેચલતા ફિરતા બમ્બઇમાટે મન્ટોની ત્રણ વાર્તાઓને પસંદ કરવામાં આવી. પસંદ કરાયેલી વાર્તાઓ હતીદસ રુપયે’, ‘સીરાજઅનેહતક’. લેખની શરૂઆતમાં લખાયેલાં મન્ટોનાં ડાયલોગ મુજબ આ ત્રણેય વાર્તાઓની નાયિકા (હિરોઇન!) ત્રણ જુદી-જુદી ઉંમરની રૂપજીવીનીઓ હોય છે. આ ત્રણેય રૂપજીવીનીઓ કોઇને કોઇ કારણસર દેહવ્યાપારનાં ધંધા સાથે સંકડાયેલી હોય છે. આ ત્રણેય સ્ત્રીઓની પોતીકી એક વ્યથા અને ચિંતા હોય છે. જ્યાં નાટકમાં તરુણાઅવસ્થા માંથી યુવાનીમાં પ્રવેશી રહેલી તરુણીની નિર્દોષતા, વીસીમાં પ્રવેશી ચૂકેલી યુવાન રૂપજીવીનીની પ્રમાણીકતા અને અલ્લડતા અને જેની ત્રીસીની ઉંમર પતવા આવી હોય એવી પોતાનાં અસ્તિત્વ અને રોજગારી માટે ચિંતિત સ્ત્રીની મનોવ્યથા દર્શાવવાનો પ્રયત્ન થયો છે.

ત્રણેય વાર્તાઓમાં રૂપજીવીનીઓનાં જીવનની વસ્તવિકતાનું આલેખન અત્યંત કલાકારી પૂર્વક કરવામાં આવ્યુ છે. નાટક દરમિયાન વારફરતી રજુ થતી વાર્તાઓમાં દરેક સ્ત્રીની ઉંમર મુજબ તેનાં ભાવવિશ્વમાં ઉદભવતા સ્પંદનોને અને તેમની લાગણીઓ ઘણી બારીકાઇથી સ્પર્શવાનો પ્રયત્ન થયો છે. સાથે જ ત્રણેય સ્ત્રીઓની નિર્દોષતા, તેમનાં સિદ્ધાંતો, તેમનાં સંબંધોનાં માપદંડો , તેમનો સ્વમાની મિજાજ અને ભદ્ર કહેવાતા સમાજની બેરહમીની વાતોનાં પડ વિવિધ રંગો અને અભિવ્યક્તિઓ દ્વારા નાટકમાં દર્શાવવામાં આવે છે. નાટકનાં સંવાદો અને ડાયલોગ એવા મજબુત છે કે અલગ અલગ સિચ્યૂએશન વખતે તેનાં પ્રેક્ષકોને ગલગલીયા કરાવી જાય છે તો ક્યારેક ઘણાં ભાવુક કરી જાય છે.

મન્ટોની આ ત્રણેય વાર્તાઓમાં દર્શાવેલાં સમય ખંડને મંચ ઉપર ખૂબજ આકર્ષક રીતે દર્શાવાયો છે. વિવિધ લાઇટ્સ કોસચ્યૂમસ અને જુનાં હિન્દી ગીતોને સહારે આઝાદી પહેલાનુંબમ્બઇઅને તે સમયનો રેડલાઇટ એરિયા આબેહુબ જીવીત કરવામાં આવ્યા હતાં. સાથે જ ચાલુ નાટકે મંચ ઉપર વરસાદ પડ્યો હોય એવું ગુજરાતી રંગભૂમિનાં ઇતિહાસમાં પહેલી વખત બન્યુ હતું. ત્રણ વાર્તાઓનો સમાવેશ કરતાં નેવુ મિનિટનાં આ નાટકમાં  ત્રીસ કલાકારો વારાફરતી અભિનય કર્યો હતો, જ્યાં તેમણે સીટીઓ અને તાડીઓનાં લયથી નાટકમાં સંગીત પણ આપ્યુ હતું.

નાટકોનાં કલાકારોની વાત કરીએ તો ત્રણેય વાર્તાઓમાં ત્રણ જુદી જુદી ઉંમરની સ્ત્રીઓની વાત છે આથી ડિરેક્ટર અભિનયે ત્રણેય પાત્રોની પસંદગી ખૂબજ સાવચેતી પૂર્વક કરી હતી. આ માટે અભિનયે ખાસ આગ્રહ કર્યો હતો કે મૂળ વાર્તાની નાયિકા જે ઉંમરની હોય તે જ ઉંમરની સ્ત્રીને જે-તે રોલ માટે કાસ્ટ કરવી. આમ, ‘દસ રુપયેવાર્તા માટે ચૌદ વર્ષની ઊંમરની નાયિકાનાં રોલ માટે એ જ ઉંમરની તરૂણી તર્જનીને કાસ્ટ કરવામાં આવી હતી. તર્જનીએ તેનો રોલ ભારે દમદારીથી નિભાવ્યો હતો જેનાં ભારે વખાણ થયા હતાં જ્યારેસીરાજવાર્તા માટે કેલી ધ્રુવ અનેહતકમાટેબ્રીન્દા ત્રિવેદીને કાસ્ટ કરવામાં આવ્યા હતાં. મન્ટો માટે અંકિત ચંદ્રશેખર નામના કલાકારને કાસ્ટ કરવામાં આવ્યો હતો. અંકિતે મન્ટોનાં પાત્રમાં પોતાનાં અદભૂત અભિનયનાં રંગો પૂરીને જાણે મન્ટોને મંચ ઉપર જીવીત કર્યો હતો. મન્ટોની બેફિકરાઇ અને તેનાં ઉર્દુ ઉચ્ચારણો મન્ટોની જ અદામાં રજુ કરીને અંકિતે પ્રેક્ષકોનાં દિલ જીતી લીધા હતાં. મન્ટોનાં જ રોલ માટે ફરીથી અંકિત ચંદ્રશેખરને દુરદર્શનું આમંત્રણ પણ મળ્યુ છે.

આ નાટકનું લેખક અને ડિરેકશન અભિનય બેન્કરે કર્યુ છે. ગુજરાતી રંગભૂમિ પર મન્ટોને લાવવાનું શ્રેય અભિનય બેંકરને જાય છે, જેણે ગુજરાતની યુવા પેઢીને અનોખા અંદાજમાં મન્ટોનો પરિચય કરાવ્યો છે એમ કહીએ તો કોઇ અતિશિયોક્તિ નથી. ગુજરાત ગાર્ડિયન સાથેની વાતચીતમાં અભિનયે જણાવ્યુ હતુ કે હજુ સુધી અમદાવાદમાંચલતા ફિરતા બમ્બઇનાં પાંચ શૉ થયાં છે, જે તમામ શૉ હાઉસફુલ રહ્યાં હતાં. નોંધવા જેવી બાબત એ છે કે આ તમામ શૉમાં કોમપ્લીમેન્ટરી ટીકિટ વહેચવામાં આવી ન હતી અને અમદાવાદીઓએ પૈસા ખર્ચીને આ નાટક જોયુ હતુ.” અભિનય બેંકરે અમદાવાદનાં પ્રેક્ષકો આગળ મન્ટોને એવી રીતે રજુ કર્યા કેચલતા ફિરતા બમ્બઇજોઇને આવ્યાં પછી કેટલાય પ્રેક્ષકોએ મન્ટોનાં પુસ્તકોનાં ઓર્ડર કરી તેની વાર્તાઓ વાંચી છે. તેનાં યુવા પ્રેક્ષકો આ નાટક જોઇને હવે મન્ટોનાં ફેન થઇ ગયા છે. આખીર મન્ટોકી શકશિયત હી એસી થી કિ જો ઉસે જાને વો બન જાતે હે ઉસકે દિવાને!

અભિનય બેંકર વિશે થોડું
અભિનય બેંકર ગુજરાતી રંગભૂમિનો એક ઉજ્જવળ ચહેરો છે. તે એક કલાકાર છે, લેખક છે, ડિરેક્ટર છે અને કાસ્ટિંગ ડિરેકટર પણ છે. ગુજરાતી રંહભૂમીથી પરિચીત લોકો અભિનય બેંકરનાં નામથી અપરિચીત નહીં જ હોય.

નટ સમ્રાટનામનાં મોનોલોગથી અમસ્તી જ શરૂ થઇ ગયેલી તેની અભિનય યાત્રાએ અભિનય બેંકરને નાટકોનાં ગળાડુબ પ્રેમમાં પાડી દિધો હતો. પછી તો અભિનયે અભિનયની સાથો સાથ લેખન અને દિગ્દર્શનમાં પણ પોતાનાં ઓજશ પાથર્યા. મૂળે નાટકનો જીવ એટલે બીકોમ પતાવીને નાટક શિખવા માટે ગુજરાત યુનિવર્સિટીમાંથીપર્ફોર્મિંગ આર્ટકર્યુ. પર્ફોર્મિંગ આર્ટનાં સાત વર્ષનાં ગાળામાં અભિનયએ નાટકનું અતઃ થી ઇતી સુધીનું તમામ કામ કર્યુ.

તમે અભિનયનેકેવી રીતે જઇશફિલ્મમાં રાહિલનાં પાત્રમાં જોયો હશે. હાલમાં તેવેલકમ ઝીંદગીઅનેકસ્તુર બાજેવાં સુપર હિટ નાટકોમાં અભિનય કરે છે. અભિનયે ગુજરાતી રંગભૂમિમાં એક-બે પડકાર જનક પ્રયોગો કર્યા છે. છતાં અંગત રીતે અભિનય કમર્શિયલ કે પ્રયોગો જેવાં શબ્દોમાં માનતો નથી. તેનાં મતે તો કોઇ પણ નાટકની પ્રત,તેનો કન્ટેન્ટ, સંવાદો અને કલાકારો મજબૂત હોય એટલે નાટક હિટ. તે પરફોર્મન્સને વધુ મહત્વ આપે છે. તમારુ પર્ફોર્મન્સ જો સારુ હોય તો ચીપ કે પ્રયોગ વચ્ચે કોઇ ભેદ રહેતો નથી એવુ તે સપષ્ટ પણે માને છે.

હાલમાં અભિનય અમદાવાદમાં એક એક્ટિંગ એકેડમી ચલાવે છે અને ૪૫ જેટલાં વિદ્યાર્થીઓને તે નાટક શિખવે છે. તેનાં ૪૫ વિદ્યાર્થીઓને સમાવી શકે એવું એક નાટક બનાવવાની તેની પ્રબળ ઇચ્છા છે. મન્ટોની જેમજ ઉર્દુની પ્રખ્યાત લેખીકા ઇસ્મત ચૂગતાઇ ઉપર તેમજ એક પ્રખ્યાત ગુજરાતી લોકગીત ઉપર નાટક કરવાનું પણ તેનું આયોજન છે. અભિનય બેંકર સખત વાંચે છે અને વિવિધ કવિતાઓ અને જીવનચરિત્રો ઉપરથી પ્રેરણા લઇ નાટકો તૈયાર કરવા તેને ખુબ ગમે છે. અભિનય સો ટચનો કલાકાર છે

2 comments: