Thursday, August 1, 2013

પરદેશી પંખીનો ભારતીય ટહુકો

ઝુમ્પા લાહિરી
હમણાં થોડાં દિવસો પહેલાં જ સાહિત્ય જગતનું ઘણું મોટુ ઇનામ ગણાતા મેન બુકર પ્રાઇઝની ૨૦૧૩ માટેની અંતિમ યાદીની જાહેરાત કરવામાં આવી. બુકર પ્રાઇઝની આ યાદીમાં કુલ ૧૩ નવલકથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તેર નવલકથાઓમાંની એક નવલકથા છેધ લોલેન્ડ’, જેનાં માટે હાલમાં સાહિત્ય જગતમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ પુસ્તક અન્ય બાર પુસ્તકો ઉપર ભારે પડશે. આપણાં માટે હરખાવા જેવી વાત એ છે કે આ નવલકથાનાં લેખિકા ભારતીય મૂળનાં છે અને તેમનું નામ છે ઝુમ્પા લાહિરી! અગાઉ પુલિત્ઝર એવોર્ડ મેળવી ચૂકેલાં ઝુમ્પાના દરેક પુસ્તકમાં એવા ભારતીયોની વાત હોય છે, જે વિશ્વ માનવીની જેમ વિચારવા અને જીવવા ટેવાયેલા હોય છે પણ તેમની ઊંડી લાગણીઓના મૂળિયા હંમેશા ભારત સાથે જોડાયેલા રહે છે. પોતાનું વતન છોડીને વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોની સંવેદના, મૂંઝવણોની ધારદાર અભિવ્યક્તિ એ ઝુમ્પાનું સૌથી મોટું જમા પાસું છે.

ઝુમ્પા લાહેરીનો જન્મ ૧૯૬૭માં લંડન ખાતે થયો હતો. મૂળ બંગાળી એવા તેમનાં પિતાએ ઝુમ્પા ત્રણ વર્ષની હતી ત્યારે અમેરિકા જઇને વસવાટ કરવાનું નક્કી કર્યુ. અમેરિકામાં જ ઉછરેલી અને ભણી-ગણીને મોટી થયેલી ઝુમ્પાનાં લેખનમાં સતત ભારત અને ભારતીયો પ્રત્યેની સંવેદના ડોકિયુ કરતી રહી એની પાછળનું મુખ્ય કારણ ઝુમ્પાની મા છે. કારણકે તેમનાં  મા ઝુમ્પા ભારત અને બંગાળનાં સાંસ્કૃતિક વારસાથી અને આપણાં મૂલ્યોથી પરિચિત થાય અને અમેરિકાનાં ઉછરી રહેલી ઝુમ્પા અમેરિકાનાં ઉડાઉ કલ્ચરમાં અટવાઇ નહીં જાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતાં. અંગ્રેજી સાહિત્યમાં બી.એ અને ત્યાર બાદ ક્રિએટીવ રાઈટિંગ અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ અને બાદમાં પીએચ.ડી કરી ચૂકેલી ઝુમ્પા હાલમાં તેનાં મૂળ અમેરિકન પતિ અને બે બાળકો સાથે અમેરિકામાં રહે છે.
તેમણે સાહિત્ય સર્જનનાં ક્ષેત્રમાં ૧૯૯૯ની સાલમાં તેમનાં વાર્તા સંગ્રહ ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝથી દસ્તક દીધા. શરૂઆતમાં તેમનાં આ વાર્તા સંગ્રહ માટે વિવિધ પ્રકાશકોએ નનૈયો ભણ્યો હતો. પરંતુ આખરે ૧૯૯૯માં એક પ્રકાશકે તેમનો આ વાર્તા સંગ્રહ પ્રકાશિત કર્યો. ‘ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝમાં કુલ નવ વાર્તાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ તમામ વાર્તાઓમાં ભારતમાંના અને ભારત છોડીને વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોની મનોવેદના ઝીલવામાં આવી છે.

ઝુમ્પાની 'ધ નેમશેઇક'
તેમણે વાર્તાસંગ્રહની નવ વાર્તાઓમાં ભારત બહાર વસેલા ભારતીયોની ભૂંસાઇ જતી ઓળખ, વિદેશમાં સ્થળાંતર દરમિયાન અને બાદમાં ઉદભવતી મુશ્કેલીઓ અને સાંસ્કૃતિક તફાવતો જેવાં વિષયોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તમામ વાર્તાઓમાં તેમણે વિદેશમાં સ્થાયી થયેલી પહેલી પેઢીની બીજી પેઢી માટેની ચિંતાઓને વાચા આપવાનો પ્રયત્ન કર્યો હતો.

ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝપ્રકાશિત થયાનાં બીજા જ વર્ષે એટલે કે ૨૦૦૦ની સાલમાં તેને ફિકશન માટેનું પુલિત્ઝર પ્રાઇઝ એનાયત થયુ હતું. અમેરિકા અને અમેરિકા બહાર આ પુસ્તકની કુલ ૧૫ મિલિયન કોપીઓ વેચાઇ હતી. અમેરિકાનાં વિવેચકોએ ઝુમ્પાનાં આ વાર્તા સંગ્રહનાં ખોબલે ખોબલે વખાણ કર્યા હતાં. જોકે ભારતમાં તેનાં પુસ્તકને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યા હતાં.

ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝપછી ૨૦૦૩માં ઝુમ્પાએ તેમની પહેલી નવલકથાધ નેમશેઇકઆપી હતી. ‘ધ નેમશેઇકમાં પણ તેમનાં આગલા વાર્તાસંગ્રહની જેમજ કલકત્તાથી બોસ્ટન જઇને વસેલા એક ભારતીય પરિવારની વાત કરવામાં આવી છે. ‘ધ નેમશેઇકનાં પ્રારંભિક તબક્કામાં  અમેરિકા આવીને વસેલા અશોક અને અસિમાને નવા માહોલ અને નવી સંસ્કૃતિને સ્વીકારતા અને તેમાં ઢળી જતા પડતી તકલીફોની વાત છે તો પાછળનાં ભાગમાં તેમનાં સંતાનોનો ભારતીય મૂલ્યોથી ઉછેર કરવાની તેમની ઝંખના અને અમેરિકામાં ઉછરેલા અને ભારતીય સંસ્કૃતિથી અજાણ તેમના સંતાનો સાથેનાં મતભેદોની વાત છે. શરૂઆતમાંધ નેમશેઇકઅમેરિકાનાં પ્રતિષ્ઠિત સામયિકધ ન્યૂયોર્કરમાં લધુનવલનાં સ્વરૂપે છપાઇ હતી. પરંતુ બાદમાં ઝુમ્પાએ તેમાં થોડાં સુધારાઓ કરી તેને નવલકથાનાં સ્વરૂપે પ્રકટ કરી હતી. પાછળથી આ નવલકથા ઉપરથી મીરા નાયરેધ નેમશેઇકનામની જ ફિલ્મ બનાવી હતી.
ઇન્ટરપ્રીટર ઓફ મેલેડીઝઅનેધ નેમશેઇકમાં ઝુમ્પાએ અમેરિકા અથવા વિદેશમાં અન્ય કોઇ દેશમાં જઇને વસેલી પહેલી પેઢીનાં વિસ્થાપન દરમિયાનનાં પ્રશ્નો અને વસવાટકાળની મુશ્કેલીઓની વાતનું આલેખન કર્યુ છે. તો ૨૦૦૮માં ઝુમ્પા ફરી એકઅનએકસ્ટમ્ડ અર્થનામનો વાર્તા સંગ્રહ લઇને આવે છે, જેમાં ઝુમ્પાએ અમેરિકામાં જઇને વસેલા ભારતીયોની બીજી અને ત્રીજી પેઢી ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. તેમનાં  આ વાર્તા સંગ્રહમાં કુલ આઠ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘અનએકસ્ટમ્ડ અર્થમાં ભારતીય મા-બાપ અને અમેરિકાનાં તેમનાં મિત્રો વચ્ચે ઝોલા ખાતી અને બીજી પેઢીની વાત કરવામાં આવી છે. આ વાર્તા સંગ્રહનાં પાત્રો ઝુમ્પાનાં અન્ય પાત્રોની જેમ મૂલ્યોનું સ્થાપન અને તેની માવજત અંગેની વાતો નથી કરતા. અહીં તમામ પાત્રો તેમનાં મા-બાપનાં સંસ્કારો અને ભારતીય ઢભનાં ઉછેરની જીદ વચ્ચે તેમનાં વિવિધ સંબંધોનાં માપદંડ, પ્રેમ અને કરિયર અંગેની માથાકૂટમાં પડ્યા છે.

હાલમાં બુકર માટે નોમિનેટ થયેલું ઝુમ્પાનું પુસ્તક
તો આ વર્ષનાં બુકરપ્રાઇઝ માટે નામાંકિત થયેલી ઝુમ્પાની નવી નવલકથાધ લોલેન્ડમાં પણ તેમણે ભારતીય પાત્રોને અને તેમનાં સંઘર્ષને વણી લેતી કથા આલેખી છે. ‘ધ લોલેન્ડમાં પણ ઝુમ્પાનાં પાત્રો ભારત અને અમેરિકા વચ્ચે ઝોલા ખાય છે. તેમની આ નવલકથામાં ઉદયન અને સુભાષ નામનાં બે ભાઇઓની વાત છે જેઓ લગભગ એક સરખા દેખાઇ છે. કલકત્તામાં તેમનાં બાળપણનાં દિવસોમાં કેટલાય લોકો તેમને ઓળખવામાં ગોથું ખાઇ જતાં. પરંતુ આ બંને ભાઇઓનાં દેખાવમાં જેટલી સામ્યતા હતી એટલી સામ્યતા તેમનાં ભવિષ્યમાં નથી. ૧૯૬૦નાં સમયગાળામાં ઉદયન નકલવાદી પ્રવૃતિઓ સાથે સંકળાય છે તો સુભાષ તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અમેરિકાની વાટ પકડે છે. બદલાતા સમય સાથે બંને ભાઇઓનાં નસીબ પણ બદલાય છે અને એ સમયે બંને ભાઇઓ સિક્કાની બે બાજુ બની જાય છે. આમ બે ભાઇઓનાં જુદાં નસીબ અને તેમની ટ્રેજેડીઓ સાથે ઝુમ્પાએ ધ લોલેન્ડમાં ૧૯૬૦નાં દશકના ભારત અને ભારતની પરિસ્થિતિઓનું અદભુત વર્ણન કર્યુ છે.
તેમનાં પહેલા પુસ્તકથી જ ઝુમ્પા વાચકો અને વિવેચકોનું ધ્યાન તેમની તરફ દોરવામાં સફળ રહ્યાં હતાં. અમેરિકામાં કેટલાંક વિવેચકોને તેમની લેખનશૈલીમાં અનિતા દેસાઇનો પડઘો પડતો જણાય છે. જોકે ભારતનાં કેટલાક વિવેચકો ઝુમ્પાનાં સાહિત્યનું મૂલ્યાંકન કંઇક અલગ રીતે કરે છે. તેઓ ઝુમ્પાની વાર્તાઓ વિશે એમ માને છે કે તેમની વાર્તાઓમાં ભારતીયતાનું  ચિત્રણ નકારાત્મક રીતે કરવામાં આવે છે. બાકી, વિવેચકોનાં મતને બાજુએ રાખીએ તો ભારતનાં વાચકોએ ઝુમ્પાની વાર્તાઓને ઘણાં પ્રેમથી આવકારી છે.


બુકર પ્રાઇઝ અને ભારતીયો


બુકર પ્રાઇઝને સાહિત્ય જગતનું ઘણું મોટુ ઇનામ ગણવામાં આવે છે. ૧૯૬૯થી દર વર્ષે એનાયત થતું આ માનવંતુ પુરસ્કાર હમણાં સુધીમાં છ મૂળ ભારતીયોને એનાયત થયો છે. બુકર પ્રાઇઝ વિજેતા ભારતીયોની આ યાદીમાં વી.એસ.નયપોલ, રૂથ પ્રાવર ઝાબવાલા, સલમાન રશ્દી, અરુંધતી રોય, કિરણ દેસાઇ અને અરવિંદ અડિગાનો સમાવેશ થાય છે. જોકે વી.એસ નયપોલ અને રૂથ પ્રાવર ઝાબવાલાને ભારતીય ગણવા કે નહીં એ અંગે વારંવાર ચર્ચાઓ થઇ છે. સલમાન રશ્દીને ૧૯૮૧માં તેમનાં પુસ્તકમિડનાઇટ્સ ચીલ્ડ્રનમાટે બુકર પ્રાઇઝ એનાયત થયું હતું જ્યારે બાકીનાં ત્રણ લેખકોનાં બુકર પ્રાઇઝ માટે એક અજબ જોગાનુજોગ સર્જાયો છે. અરુંધતી રોયને ૧૯૯૭માં તેમનાં પુસ્તકધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સમાટે, ૨૦૦૬માં કિરણ દેસાઇનેધ ઇનહેરિટ્ન્સ ઓફ લોસમાટે અને અરવિંદ અડિગાને ૨૦૦૮માંધ વ્હાઇટ ટાઇગરમાટે બુકર પ્રાઇઝ એનાયત થયું હતું. આ ત્રણેય વાર્તાકારોનાં કિસ્સામાં એવું બન્યુ છે કે આ ત્રણેયનાં પ્રથમ પુસ્તકો બુકર પ્રાઇઝ જીતવામાં સફળ રહ્યાં હતાં

No comments:

Post a Comment