૧૯૫૩ની સાલમાં મૂળ ગોવાનો
એક યુવાન કોઇપણ જાતનાં આયોજન વિના આઇપીએસની પરીક્ષા આપે છે અને જોગાનુજોગ તે યુવાન
એ વર્ષની પરીક્ષામાં ઘણાં ઊંચા ગુણ મેળવીને આઇપીએસની પરીક્ષા પાસ કરે છે. ગોવાના એ યુવાને આઇપીએસ બનવા માટેનાં ભલે કોઇ આયોજન નહીં
કર્યા હોય, પરંતુ તેની નિયતિએ તેનાં માટે મોટા-મોટા આયોજનો કર્યા
હતા. તેના સમગ્ર કાર્યકાળ દરમિયાન તે યુવાનના માટે મોટી મોટી
જવાબદારીઓ આવે છે. તેના માથે આવેલી તમામ જવાબદારીઓને તે વારાફરતી
ચેકમેટ આપે છે અને દેશનાં અનેક યુવાનોનો ‘રીઅલ હીરો’ બને છે. આજે ભારતભરમાં લોકો તેને ‘સુપર કોપ’નાં નામે ઓળખે છે. આ રીઅલ
‘સુપર કોપ’નું રીઅલ નામ છે જુલિયો રિબેરો!
૧૯૨૯માં જન્મેલાં જુલિયો
રિબેરોને બાળપણથી જ સમાજસેવા સાથે જ ઊંડો અનુબંધ હતો. ૧૯૫૩માં આઇપીએસ બન્યા પછી રિબેરોએ સતત અને હંમેશાં મોટા
સંઘર્ષો અને ઘર્ષણોનો સામનો કરવો પડયો. તેમનાં કાર્યકાળ દરમિયાન
તેમણે ક્યારેક અંધારી આલમ સાથે લડવું પડ્યું તો ક્યારેક રમખાણોનાં કપરા કાળમાં સંઘર્ષ
કરવો પડયો અને આ બધાની સાથોસાથ પોતાની વફાદારી, સત્યપ્રિયતા અને
સિદ્ધાંતોને કારણે વારંવાર સહકર્મીઓ અને રાજકારણીઓ સાથે વિખવાદ થયાં એ વધારાના.
તેમની કારકિર્દીનાં ઉત્તમ કામોમાં તેમના મુંબઇનાં કમિશનર પદ અને પંજાબનાં
ડીજીપીનાં પદ દરમિયાન કરેલાં કાર્યોને લેખવામાં આવે છે.
રિબેરોનાં મુંબઇનાં કાર્યકાળ
તરફ નજર નાંખીએ તો રિબેરો ૧૯૮૨ થી ૧૯૮૫ દરમિયાન મુંબઇ ખાતે પોલીસ કમિશનર તરીકે ફરજ
બજાવી હતી. એ સમયે મુંબઇમાં ગલીએ
ગલીએ ભાઇઓ(ગુંડાઓ) ફૂટી નીકળ્યા હતા અને અંધારી આલમે ભારે માઝા મૂકી હતી. જુલિયો રિબેરોએ પદ ઉપર આવતાં જ અંધારી આલમ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને
પોતાનાં સમગ્ર કાર્યકાળ દરમિયાન તેમની સાથે સીધા જંગમાં ઊતરીને મુંબઇના માથેથી અંધારી
આલમનાં કાળા વાદળો દૂર કર્યાં. તેમનાં મુંબઇનાં કાર્યકાળ દરમિયાન
જ ભારતભરમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોની
ચિનગારી મુંબઇ સુધી પહોંચી હતી, પરંતુ રિબેરોએ રમખાણોનાં કપરા સમયમાં અત્યંત મહત્ત્વની
કામગીરી નિભાવીને મુંબઇને મોટી ખુવારીમાંથી બચાવ્યું હતું.
૧૯૮૦નાં દાયકામાં પંજાબમાં
જ્યારે આતંકવાદ તેની ચરમસીમાએ હતો, ત્યારે રિબેરોને ત્યાં ડીજીપી તરીકે નિયુક્ત કરાયા
હતા. શીખ આતંકવાદીઓની સામે લડત આપવા માટે
રિબેરોએ તેમની પોલીસ ફોજને ‘ગોળીની સામે ગોળી’ના આદેશ આપ્યાં હતાં. શીખ ઉગ્રવાદીઓની સામે કડક વલણ દાખવવાને
કારણે જ શીખ ઉગ્રવાદીઓની આંખમાં ખૂંચતા રિબેરો ઉપર બે વખત જીવલેણ હુમલાઓ થયાં હતાં.
રિબેરો ઉપરનો પહેલો હુમલો ૧૯૮૬નાં ઓક્ટોબરમાં તેમનાં પંજાબનાં કાર્યકાળ
દરમિયાન થયો હતો, જ્યારે બીજો હુમલો ૧૯૯૧નાં ઓગસ્ટમાં રોમાનિયાનાં બુકારેસ્ટ ખાતે થયો
હતો. તેમની ઊપર થયેલા બીજા હુમલા દરમિયાન રિબેરો ભારતનાં રોમાનિયા
ખાતેનાં રાજદૂત હતા.
પોલીસ વડા તરીકેની ફરજ ઉપરાંત
રિબેરોએ પંજાબનાં રાજ્યપાલનાં સલાહકાર તરીકેની તેમજ ભારત સરકારનાં ગૃહમંત્રાલયમાં સ્પેશિયલ
સેક્રેટરીની જવાબદારીઓ પણ નિભાવી હતી. ૧૯૮૭માં તેમની સેવાઓ માટે ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.
તેમની વ્યવહારિક કુનેહને કારણે રિબેરોને ગુજરાતમાં કોમી તોફાનોને ડામવા
માટે બોલાવાયા હતા અને ડીજીપી તરીકે સફળ ભૂમિકા ભજવી હતી. તેમણે
પોતાનાં જીવન અને તમામ કાર્યોને આવરી લેતી ‘બુલેટ ફોર બુલેટઃ
માય લાઇફ એઝ અ પોલીસ ઓફિસર’ નામની આત્મકથા લખી છે. હાલમાં તેઓ મુંબઇમાં નિવૃત્ત પરંતુ પ્રવૃતિઓથી ભરપૂર જીવન ગુજારે છે.
નિવૃત્તિ બાદ તેઓ સમાજને ઉપયોગી થઇ રહે એ માટે એક એનજીઓની સ્થાપના કરીને
તેઓ સમાજસેવાનાં વિવિધ કાર્યો કરી રહ્યાં છે. પોતાના કામને કારણે
જુલિયો રિબેરો અત્યંત થ્રિલિંગ લાઇફ જીવ્યા.
બે-બે વખત જીવલેણ હુમલાઓ થયાં હોવા છતાં તેમજ પોતાનાં સિદ્ધાંતો
અને સત્યપ્રિયતાને કારણે કેટલાંક સાથીઓ અને રાજકારણીઓનાં અળખામણા બન્યા છતાં પણ જુલિયો
રિબેરોએ પોતાનાં સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ કરી હોય એવો એક પણ દાખલો બન્યો નથી.
તેમનાં નિર્ભિક અને કર્તવ્યનિષ્ઠ કાર્યોને કારણે નવી પેઢી જુલિયો રિબેરોને હંમેશાં
રીઅલ હીરો તરીકે ઓળખશે એ વાતમાં કોઇ જ બે મત નથી.
No comments:
Post a Comment