Tuesday, August 27, 2013

કહાનજી નામનો એક અનંત વિષય

 
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ
ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે,
 કયાં કયાં નામ એમાં રાખું ?
                               -કૃષ્ણ દવે
કૃષ્ણ, શ્યામ, કાનજી, કાનુડો, નટવર, ગિરિરીધર કે પછી મુરલીધર. એને ઇશ્વર કહો તો ઇશ્વર, માણસ કહો તો માણસ અને મિત્ર કહો તો મિત્ર! હજારો વર્ષો પહેલા થઇ ગયેલા આ વ્યક્તિત્વને તમારે જે ઉપમા આપવી હોય એ આપો અને તમારે એને જે વ્યાખ્યામાં બાંધવું હોય એમાં બાંધો. આ વ્યક્તિત્વ એવું છે કે એ તમે એનાં માટે બનાવેલા કોઇ પણ બીબામાં એકદમ બંધબેસતો આકાર ધારણ કરી લેશે. એનાં પ્રત્યે તમે એક વખત હાથ લંબાવશો તો એ તમને હ્રદયસરસા ચાંપી લેશે. તે પૃથ્વીનાં કુલ ગુરુત્વાકર્ષણ કરતાંય વધુ આકર્ષણબળ ધરાવે છે. એ સમયથી એકદમ પર છે, તે કોઇ પણ સમયમાં એકદમ સાંપ્રત અને પોતીકો લાગશે. એટલેજ કદાચ કોઇ પણ સદીનાં, કોઇ પણ કાળનાં અને કોઇ પણ ક્ષેત્રનાં સર્જકને આ વ્યક્તિત્વ ભારે આકર્ષતું રહ્યું છે.

ચિત્રકાર એક વખત તેનાં ચિત્રમાં, કોઇ નાટ્યકાર તેનાં નાટકમાં, સંગીતકાર તેનાં સંગીતમાં તો કોઇ સાહિત્યકાર તેનાં સાહિત્યમાં એક વખત કૃષ્ણ ઉપર કામ કરવાની મનસા રાખે જ છે. કોઇ પણ ક્ષેત્રનો સંવેદનશીલ સર્જક વિરાટ વ્યક્તિત્વ ધરાવતા આ વિશ્વમાનવને પોતાના સર્જનમાં વણ્યા વિના રહી શક્યો નથી એનું કારણ શું છે? આપણા પુરાણોમાં કૃષ્ણ સિવાય પણ રાધા, દ્રૌપદી, કર્ણ, રામ, સીતા કે મંદોદરી જેવા બીજા અઢળક પાત્રો છે જેનાં કામ અને નામનો કલામાં સમન્વય કરી શકાય, અને છાશવારે તેમનો વિવિધ કલાઓમાં ઉલ્લેખ થયો પણ છે. પરંતુ કૃષ્ણનો ચાર્મ સૌથી અલગ અને અનોખો છે જે દરેક યુગનાં સર્જકોને વહાલો લાગ્યો છે. ગીતાની તેની સંભવામિ યુગે યુગેની વાત સર્જકોએ જ તો સાચી ઠેરવી છે.

બીજું બધુ બાજુએ રાખીને માત્ર સાહિત્યની જ વાત કરીએ અને એમાં પણ આપણે ગુજરાતી સાહિત્ય પૂરતા જ મર્યાદિત રહીએ (મર્યાદા શબ્દ સાથે આ પાત્રને કોઇ લેવાદેવા નથી તો પણ!) તો મધ્યકાલીન સાહિત્યથી લઇને અર્વાચીન સાહિત્યનાં કોઇ પણ યુગમાં કૃષ્ણ નામના વિષય ઉપર નહીં લખાયુ હોય એવું બન્યું નથી. નરસિંહથી લઇને સુરેશ દલાલ સુધી અને મીરાથી લઇને કાજલ ઓઝા-વૈદ્ય સુધીનાં તમામ સર્જકોએ તેમની કલમ કૃષ્ણ નામની શાહીમાં બોળીને ભાવકોને તેમાં તરબોળ કર્યા છે. કોઇએ તેની રચનામાં તેને ગોપીઓની સાથે રાસ રમાડ્યા છે તો કોઇએ શામળા શેઠને હાથ હૂંડી પહોંચાડી છે તો કોઇ તેની ઉપર આંધળો વિશ્વાસ રાખીને ઝેરનાં પ્યાલા ગટગટાવી ગયું છે. કોઇએ તેને ગોકુળમાં ફરી પગ મૂકવાની ધરાર ના પાડી દીધી છે તો કોઇએ તેને રોજ સવારે તેની મોર્નિંગ વોક ઉપર લઇ જવાની કે કોફી ટેબલ પર તેની સાથે બેસીને હૂંફાળી કોફી પીવાની વાત કરી છે. આહા! કેટ કેટલી વિવિધતા અને કેટ કેટલી કલ્પના, અને એ તમામમાં પેલું સનાતન પાત્ર એકદમ સમરસ અને એકરૂપ. ક્યારેય કોઇ ભાવકને તે વાંચી કે સાંભળીને કંટાળો આવ્યો હોય એવો દાખલો હેલોજન લઇને નીકળશો તોય નહીં જડે.

કૃષ્ણ નામનો આ સબજેક્ટ જ ઓલવેઝ એવરગ્રીન છે. આપણી માતૃભાષામાં જ તમને એવા કેટલાય લેખકો જડી આવશે જેમણે કૃષ્ણ નામના વિષય ઉપર ડઝનબંધ પુસ્તકો કે થોકબંધ કવિતાઓ રચી હશે. અને આટઆટલું લખાયા છતાં શરત સાથે કહી શકાય કે એ તમામમાં એક કૃષ્ણના નામની સામ્યતા સિવાય બીજું કોઇ જ સામ્ય જોવા નહીં મળે. આ વ્યક્તિતવ ઉપરનાં તમામ લેખનમાં એક બીજી સામ્યતા એ જોવા મળશે કે તમામ સર્જકોએ તેનેતુંકારથી સંબોધ્યો છે. કારણકે દરેક સર્જકને તે નજીકનો અથવા પોતાનો સોલમેટ લાગ્યો છે. એની સાથે માત્ર સર્જક જ નહીં ભાવક પણ પોતાને ફાવે એવી છૂટછાટો લઇ શકે છે.

તે હંમેશાં સામાન્ય માણસની જેમ જીવ્યો છે. સર્જકોનાં તેની તરફનાં આકર્ષણની પાછળનું કારણ જ તેનું સામાન્યપણુ છે. તે સાહિત્યનાં પદ્ય હોય કે ગદ્ય તમામ પ્રકારોમાં એ સ્વીકારાયો તેની પાછળનું મુખ્ય પરિબળ એ છે કે આ વ્યક્તિ જ્યાં સુધી ધરતી પર જીવીયો ત્યાં સુધી તેણે બધી પરિસ્થિતિઓનો સ્વીકાર કર્યો છે. એણે ક્યારેય એનું ઇશ્વરત્વ સાબિત કરવાનો પ્રયત્નો નથી કર્યાં. એટલે જે કોઇ સર્જક જ્યારે એની વાત કરે છે ત્યારે માણસ થઇને જીવેલા ઇશ્વરની વાત એમ કહીને પોતાની વાત માંડે છે. સર્જકોનો પ્રિય વિષય બનવા પાછળની કૃષ્ણની બીજી એક ખાસિયત એ છે કે આ વ્યક્તિએ જીવ માત્રને પ્રેમ કર્યો છે, કણે કણને પ્રેમ કર્યો છે અને જણે જણને પ્રેમ કર્યો છે.

માધવનું તો નામ માત્ર કોઇ કૃતિને ક્લાસિક બનાવવા માટે કાફી છે. એટલે જ તો હરીન્દ્ર દવેનીમાધવ ક્યાંય નથીમાં માધવ નહીં હોવા છતાં શબ્દે શબ્દે એની પ્રતિતી થાય છે. આખી નવલકથામાં નારદ કૄષ્ણનાં પદચિન્હો ઉપર ચાલીને કૃષ્ણને પામવાનો પ્રયત્ન કરે છે પરંતુ છેક છેલ્લા શબ્દ સુધી નારદની કૃષ્ણ મિલાપની ઝંખના અધૂરી રહી જાય છે. નારદની આખીય યાત્રા દરમિયાન કૃષ્ણ ભલે તેમને મળતા નથી પરંતુ ભાવકને કૃષ્ણનાં જન્મથી મૃત્યુ સુધીની તમામ ઘટનાનો સાક્ષી બનીને તેમાં પરોવાઇ જાય છે. હરીન્દ્ર દવેએ આ ઉપરાંત પણ કૃષ્ણ ઉપર ઘણું લખીને વાચકોને અને આપણાં સાહિત્યને એક અલગ કૃષ્ણની ભેટ આપી છે.

તો નવી પેઢીની લેખિકા કાજલ ઓઝા-વૈદ્ય કૃષ્ણાયનમાં તેનાં કૃષ્ણને અન્યોથી સાવ અલગ રીતે રજૂ કરે છે. અહીં તેમને કોઇ ઇશ્વર કે મહામાનવ તરીકે નહીં દર્શાવાતા એક સામાન્ય માણસ તરીકે આલેખવામાં આવે છે. આ એ જ માણસ છે જેનાં જીવનનાં જુદાં-જુદાં તબક્કાઓમાં આવેલી જુદી જુદી સ્ત્રીઓ સાથેનો તેનો સંબંધ અને વ્યવહાર દર્શાવાયો છે. અહીં વાર્તાનો નાયક પ્રેમ કરે છે, ઠોકરો ખાય છે, ભૂલો કરે છે અને ઉદાસ પણ થાય છે. આખીય વાતમાં તમને એવું લાગે કે તમે કૃષ્ણની સાથે ફરવા નીકળ્યા છો અને કૃષ્ણ તમારી સાથે ધીમે ધીમે તેની જિંદગીની કેટલીક વાતો શેર કરતો હોય. વાંચતા વાંચતા તમને ક્યારેય એવું નહીં લાગે કે તમે કોઇ માયથોલોજીની વાતો વાંચી રહ્યાં છો. જ્યારે વિષય જ આટલો હળવો હોય ત્યારે તેનો વાચક હળવાશ જ અનુભવેને!

બીજી તરફ આપણાં કવિ સુરેશ દલાલ અને તેમની કૃષ્ણપ્રિતિ જગજાહેર છે. ગુજરાતી સાહિત્યમાં સુ.દ તરીકે ઓળખાતા આ કવિ તેમનું મોટાભાગનું સર્જન કૃષ્ણની આસપાસ કરે છે અને કવિતા ચાહકોને કૃષ્ણના સાગરમાં ડૂબકી મરાવીને તરબોળ કરી દે છે. કૃષ્ણને મોરપીંછની રજાઇ ઓઢાડીને પોઢાડી દેનાર આ કવિ કૃષ્ણજન્મદિને જ મૃત્યુ પામે છે એ વાત પણ કંઇ નાનીસૂની નથી. સુરેશ દલાલ ઉપરાંત પણ આપણે ત્યાં કેટલાય કવિઓ છે જેમણે કાનજી ઉપર તેમની કલમ ચલાવી છે. અને એ બધા કાવ્યો ગુજરાતભરમાં એટલા બધા વાંચાયા છે અને ગવાયા છે કે તમામ કાવ્યો લોકગીતોની કક્ષાએ પહોંચી ગયા છે. જેમકે પ્રિયકાંત મણિયારનું આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે!’


ખરા અર્થમાં જોઇએ તો કૃષ્ણ એ તૃપ્તિ નથી એ તૃષ્ણા છે. એટલે જ તો જે વ્યક્તિ ઉપર હજારો સેંકડો વર્ષોથી આટલુ બધું લખાઇ ચૂક્યુ છે, છતાં આજે પણ તેની ઉપર લખાતો એક એક શબ્દ નવો લાગે છે. નરસૈંયાથી શરૂ થયેલી કાનજીની સાહિત્યિક યાત્રા હમણાં સુધીમાં કોણ જાણે કેટલાય પડાવો પાર કરી ગઇ છે છતાંય કૃષ્ણ નામનો આ વિષય વણખેડ્યો અને વણબોટ્યો જ રહ્યો છે એમ કહીએ તો પણ ચાલે અને એટલે જ હજુ પણ ભવિષ્યમાં તેની ઉપર જેટલું ખાશે એ સઘળુ નવું અને અદભુત લાગશે.

3 comments: