Saturday, September 28, 2013

ધ ગુડ રોડનાં રોડમાં રોડાં કેમ?

ધ ગુડ રોડ’. ગયા સપ્તાહે આ ફિલ્મ ૨૦૧૪માં યોજાનારા ઓસ્કાર ફિલ્મમહોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી તેની જાહેરાતો થતાં જ ગુજરાતભરમાં હલચલ મચી ગઈ. ગુજરાત આખામાં આ વિશે ચર્ચાઓ થઈ ગઈ કે આ ફિલ્મ ઓસ્કારમાં જવા માટે કેટલી પાત્રતા ધરાવે છે?, અથવા તેમાં ગુજરાતનું અવળુ ચિત્રણ થઇ રહ્યું છે અથવા તેમાં એડિટિંગ કે સંવાદોના ઠેકાણા નથી ને બ્લા..બ્લાબ્લાએડિંટિંગ કે સંવાદોના ઠેકાણા નથી એ વાતમાં એક અર્થ એવો પણ થઈ શકે કે ફિલ્મ વિવેચકોની વાત સાચી છે અને તો આપણી ઓસ્કારની ફિલ્મ સિલેકશન કમિટીને ફિલ્મો વિશે ઝાઝું જ્ઞાન નથી! આ નિર્ણય હવે વાચકોએ જ કરવો રહ્યો. રહી વાત ગુજરાતના ચિત્રણની તો ભલા, આ એક કાલ્પનિક ફિલ્મ હતી. કાલ્પનિક વાર્તાઓ અને બીજી કેટલીય કાલ્પનિક ફિલ્મો કે જેને વાસ્તવિકતા સાથે દૂર દૂર સુધી સંબંધ ન હોય એવી તમામ ફિલ્મો ભારે ટેસથી જોઈને માણનારોઓને એ તમામ ફિલ્મો અને નવલકથાઓ પચી ગઈ અને આ ફિલ્મ જોયા પછી કેમ ખાટા ઓડકાર આવે છે?

અને આમ પણ ઓસ્કારમાં જે  ફિલ્મો ગઈ છે તેમાં ભારતની ગરીબી અને ભારતના લોકોનું પેટિયું રળવાના વિવિધ નુસ્ખાઓ નથી દર્શાવાયા? દુનિયા આખીમાં આમેય ભારત વિશેની છાપ બહુ સારી કહી શકાય એવી નથી. એટલેસ્તો ગયા ૧૬ ડિસેમ્બરની ઘટના બાદ વિદેશીઓ ભારત ફરવા આવતા પણ ગભરાય છે. એટલે એ વિશે ફિલ્મ બહાર નહી મોકલવાથી કોઇ ધરખમ સુધારા નથી થઇ જવાનાં. એ માટે આપણી સમાજ વ્યવસ્થા અને સૂગ ચઢે એવી માનસિકતામાં ધરખમ સુધારાઓ આણવા પડશે. ‘ધ ગુડ રોડફિલ્મની વાર્તા વિશે તો છેલ્લાં એક અઠવાડિયામાં માધ્યમોમાં ઘણું બધુ લખાઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં ત્રણ વાર્તાઓની એકબીજા સાથે ગૂંથણી કરવામાં આવી છે. જેમાં એક વાર્તામાં એક મધ્યમ વર્ગીય પરિવાર ગુજરાતમાં વેકેશન માટે આવે છે ત્યારે એક ધાબા પર તેમનું બાળક ખોવાઇ જાય છે તો બીજી એક વર્તામાં પૂનમ નામની એક ૧૧ વર્ષની છોકરીની કથા છે તો ત્રીજી વાતમાં પપ્પુ નામનાં એક ટ્રક ડ્રાઇવરની વાત કરવામાં આવી છે.



જ્ઞાન કોરિયા
ગુજરાત ગાર્ડિયને જ્યારે ધ ગુડ રોડના ડિરેક્ટર જ્ઞાન કોરિયાને આ ફિલ્મ વિશે ગુજરાતમાં વકરેલા વિવાદ અંગે પૂછ્યું તો તેમણે આ અંગે કોઇ પણ પ્રતિભાવ આપવાની મનાઇ કરી હતી. તેમણે સ્પષ્ટપણે માત્ર એટલું જણાવ્યું હતું કે તેમનું કામ ફિલ્મ બનાવવાનું હતું, જેમાં તેમણે તેમનાથી બનતુ કર્યું છે. બાકી વિવાદો સાથે તેમને કોઇ લેવાદેવા નથી. જોકે તેમણે ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, ‘આ માત્ર ગુજરાતી ફિલ્મ નથી, પણ ગુજરાતની પૃષ્ઠભુમિનું કથાકેન્દ્ર ધરાવતી એક યુનિવર્સલ ફિલ્મ છે. ઉપરાંત આ એક ફિકશન સ્ટોરી છે જેના પાત્રો ગુજરાતી છે. આથી તે તમામ લોકો ગુજરાતી બોલે છે. આ ફિલ્મ ઓસ્કારમાં જાય એ અમારા માટે જ નહીં, પરંતુ આખા ગુજરાત અને દેશ માટે ગર્વની વાત હોવી જોઇએ.’

નિર્દેશક જ્ઞાનની ફિલ્મધ ગુડ રોડમાં મુખ્ય કલાકારો ઉપરાંતના ઘણા એકટર ગુજરાતી છે. જેમાંના એક પ્રિયંક ઉપાધ્યાય પણ છે. અભિનેતા તરિકેની પોતાની પહેલી જ ફિલ્મ ઓસ્કારમાં જઇ રહી છે એ માટે અમદાવાદનાં અભિનેતા પ્રિયંક ઉપાધ્યાય અત્યંત ખુશ છે. પ્રિયંક ધ ગુડ રોડમાં ટ્રક ક્લિનર તરીકેની ભૂમિકા ભજવી રહ્યાં છે. પ્રિયંકે આ ફિલ્મ માટે ઓડિશન ચાલી રહ્યાં છે એવું સાંભળતા જ કોઇ પણ અભિનેતાની જેમ પ્રિયંક પણ અમદાવાદ ખાતે ઓડિશન આપવા ગયો અને સિલેક્ટ થઇ ગયો. સિલેકશન બાદ બીજું બધું બાજુએ રાખીને પ્રિયંકે પોતે અભિનય કેટલો ઉત્તમ કરી શકે એ ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. આજે પણ જ્યારે આ ફિલ્મની ઓસ્કારમાં એન્ટ્રીને કારણે જે વાતો થઇ રહી છે એ તરફ પણ બહું ધ્યાન આપતા નથી. પ્રિયંકગુજરાત ગાર્ડિયનને જણાવે છે કે, ‘આપણે ત્યાં દરેક વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આથી લોકોધ ગુડ રોડનેવખોડી રહ્યાં છે એ અંગે મને કોઈ દુઃખ નથી. ફિલ્મ જોનાર દરેક વ્યક્તિને તેનો ફિલ્મ વિશે પ્રતિભાવ આપવાનો પૂરેપૂરો અધિકાર છે. પણ તમામ લોકોએ એ વાત પણ સ્વીકારવી જોઇએ કે આ એક કાલ્પનિક વાત છે.’

પ્રિયંક ઉપાધ્યાય
કેટલાક લોકો આ ફિલ્મમાં અભદ્ર ભાષા વપરાઈ છે અને બીભત્સ સીન દર્શાવવામાં આવ્યા છે એવી પણ ચર્ચા કરી રહ્યા છે. ઉપરાંત ક્યાંક ક્યાંક એમ પણ ચર્ચા થઈ કે ફિલ્મના પાત્રોએ યોગ્ય લહેકામાં કે પાત્રની માગ મુજબ ગુજરાતી ભાષા બોલી શક્યા નથી. આ માટે એનએફડીસી (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) માટે જેમણે આ ફિલ્મ પ્રોડ્યુઝ કરી છે તેમજ આ ફિલ્મમાં ડીઓપી (ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી)ની ભૂમિકા ભજવી છે એવા અમિતાભ સિંઘે એવું જણાવ્યું હતું કે, ‘અમે એક એમએમ સીનમાં પણ અશ્લીલતા દર્શાવી નથી. ફિલ્મના તમામ પાત્રો તેમના પાત્ર અને પરિવેશ મુજબની જ ભાષા બોલે છે, જે સ્ક્રિપ્ટની માગ છે. ‘ધ ગુડ રોડની સ્ટોરી ડેવલ્પમેન્ટથી લઈને મ્યુઝિક અને એડિટિંગ સુધીની પ્રક્રિયા સાથે સંકળાયેલા અમિતાભ સિંઘ અમને કહે છે કે, ‘જે વ્યક્તિ છેલ્લી ત્રણ પેઢીથી ગુજરાતમાં રહેતું જ નથી એ પાત્ર માત્ર ગુજરાતી હોવાને નાતે અદ્દલ ગુજરાતી લહેકામાં વાત કઈ રીતે કરી શકે? વાસ્તવમાં પણ એવું બને છે ખરું?’

અમિતાભ એવું માને છે કે ગુજરાતી લોકોની વ્યાવહારિક સૂઝ અને સાહિત્ય તેમજ સંસ્કૃતિ અંગેનું જ્ઞાન ઘણું જ ઊંચુ છે. આથી ગુજરાતના લોકોને જ નક્કી કરવા દો કે આ ફિલ્મમાં કંઈ પણ ઉતરતી કક્ષાનું અથવા વિવાદાસ્પદ છે કે નહીં? બાકી, ઘ ગુડ રોડની આખી ટીમે ક્યારેય ગુજરાતને અવળુ ચિતરવાનો કે કોઇનુંય દિલ દુભાવવાનો પ્રયત્ન કયારેય નથી કર્યો. ફિલ્મમાં જે કંઈ પણ દર્શાવાયું છે એ માત્ર ને માત્ર સ્ક્રિપ્ટની માગ હતી.

ખેર, ફિલ્મોને લઈને ઉભા થતા વિવાદો આપણા માટે નવા નથી. ફિલ્મના જાણકારોને અને ફિલ્મ વિવેચકોને આ ફિલ્મ પસંદ ન આવી હોય એવું બની શકે, પણ આટલા મોટા પ્લેટફોર્મ પર ગોબાચારી થયાની કે એનએફડીસી દ્વારા પ્રોડ્યુસ થઇ છે એટલે ઓસ્કારમાં તેનો રસ્તો સાફ થઈ ગયાની વાત થોડી પાયા વિહોણી લાગે છે. નહીંતર ધ લંચબોક્સઓસ્કારમાં જવી જોઇએ એની તરફેણમાં ઉતરી પડેલી લોબીને એ પણ ખ્યાલ તો હશે જ કેધ લંચબોક્સપણ એનએફડીસીનું જ સંતાન છે. છેલ્લા એક અઠવાડિયામાં આ ફિલ્મને લઇને ફિલ્મ વિવેચકોએ ફલાણાનાં ઠેકાણાં નથી ને ઢીકણું બરાબર નથીનો ભારે શોરબકોર મચાવ્યો છે.  


ફિલ્મ જાણકારો તેમની જાણકારી મુજબના પ્રતિભાવો આપે એ ઠીક છે, પણ જે લોકો ફિલ્મ જોયા વિના જ સોશિયલ મિડિયા પર તલવાર કાઢીને બેઠા છે એ લોકોને એક જ સલાહ આપવી કે લોકોના પ્રતિભાવોને પોતાના માનીને ચાલવામાં કોઈ જ માલ નથી. અને રહી વાત સંસ્કૃતિ અને તેના સંરક્ષણ કે બીભત્સતાની તો આ ફિલ્મને વખોડવા ઉપરાંત પણ સમાજમાં બીજી કેટલીક વાતો છે જેમાં ધરખમ સુધારા આણવાના બાકી છે. બાકી ગુજરાતની ફિલ્મો સિનેમા ગૃહો સુધી પણ જઈ શકતી નથી ત્યાં જો કોઇ નવાં જ વિષયવસ્તુ વાળી કોઇ ગુજરાતી ફિલ્મ ઓસ્કાર સુધી પહોંચે તો આ ઓચ્છવની જ વાત છે. ઇતિ અસ્તુ!

Wednesday, September 25, 2013

પોતાનાં ખેલમાં માહેર ‘ખેલંદો’



ખેલંદોનો એક સીન
ડિટેક્ટીવ નવલથાઓનાં લેખક નિલેશ ગણાત્રા. તેની પત્નીનું મુકેશ મોદી નામનાં પુરુષ સાથે અફેર ચાલતું હોય છે. નવલકથાકાર પતિને તેની પત્નીનાં આ અફેર વિશે જાણ થતાં જ તેનું મગજ કામે લાગી જાય છે કે આખરે તેની પત્નીને તેનામાં એવું તે શું ખૂટતુ લાગતું હતું કે તેણે આ રીતે પરપરુષ પાસે જવુ પડયું? એક દિવસ લેખક તેની પત્નીનાં પ્રેમીને ઘરે બોલાવે છે અને ભેદી કથાઓની ગૂંથણી કરવામાં માહેર તેનાં મગજને કામે લગાડીને પેલાં પુરષને જાતજાતનાં પ્રશ્ન પૂછવાનાં શરૂ કરી દે છે. આખાય વાર્તાલાપમાં લેખક એક જ વાતનો તાગ મેળવવાની મથામણ કરતો રહે છે કે આખરે તેની પત્નીને તેમાં શું ખૂટતું લાગ્યું? આટલું વાંચીને તમને એક વાતનો તાગ મળી જ ગયો હશે કે આ કોઇ સસ્પેન્સ થ્રિલર વાર્તા અથવા નાટકની વાત ચાલી રહી છે અને વાત ખરેખર એવી જ છે. આ આખી વાર્તા છેખેલંદોનામનાં નાટકની, જેનું સર્જન મધુ રાયે કર્યું હતું.

તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકાની ૪૨મી નાટ્ય સ્પર્ધાનું સમાપન થયું, જેમાંખેલંદોપ્રથમ ક્રમે રહ્યું હતું. મધુ રાયની વાર્તા હોય એટલે તે બેશક ઉત્તમ જ હોવાની પરંતુ આ નાટકમાં ઇન્ટરેસ્ટિંગ બાબત એ હતી કેખેલંદોની વાર્તાનાં લેખક જેટલાં અનુભવી હતાં એટલા જ બિનઅનુભવી હતાં તેનાં ડિરેક્ટર! બીજી તરફ નાટકનાં કલાકારો પણ મોટા ગજાના કહી શકાય એવાં. પણ વાત ફરીથીકેપ્ટન ઓફ ધ શિપપર જ આવીને ઉભી રહે છે કે આવા મોટા લેખકનું નાટક અને મોટા કલાકારો સામે નાટ્ય દિગ્દર્શનના અનુભવમાં તેનો પાનો ટૂંકો પડી શકે એવી આશંકા પણ જન્મે! અને દિગ્દર્શકની ઉંમર પણ કેટલી? તો કહે ૨૧ વર્ષ. અરે, જ્યારેખેલંદોનાં ડિરેક્શનની વાત ડિરેક્ટર આગળ રજૂ કરવામાં આવી હતી ત્યારે ખુદ ડિરેક્ટર પણ થોડો અચકાયેલો, કે આવડી મોટી જવાબદારી હું નિભાવી શકીશ ખરો? પણ ડિરેક્ટરે તેમની આ જવાબદારી બખૂબી નિભાવી. અને એટલું જ નહીં મહાનગરપાલિકાની આ વર્ષની નાટ્ય સ્પર્ધામાં બેસ્ટ ડિરેક્ટરનો ખિતાબ પણ પોતાને નામે કરી લીધો! ‘ખેલંદોનાં ડિરેક્ટર છે, તથાગત શુક્લા. તથાગતે પહેલી જ વખત ડિરેક્શન પર તેમનો હાથ અજમાવ્યો હતો. બેસ્ટ ડિરેક્ટરનો ખિતાબ પોતાને નામ કરીને તથાગતે એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. જોકે તથાગતને ગળથૂથીમાં જ નાટકની પૃષ્ઠભૂમિ મળી છે એ વાત અલગ છે!

સુરત મહાનગરપાલિકાની આ વર્ષની નાટ્યસ્પર્ધામાં કુલ ૧૫ નાટકો સ્ક્રૂટિનીમાં ભજવાયા હતાં. તેમાંથી ૮ નાટકો સ્પર્ધા માટે સિલેક્ટ થયાં હતાં. આ આઠેય નાટકો સાથે ઉત્તમ કક્ષાનાં કલાકારો અને આગલી હરોળનાં દિગ્દર્શકો સંકળાયેલા હતાં. તથાગત શુક્લા દિગ્દર્શિત આ નાટકને બેસ્ટ ડિરેક્ટર ઉપરાંત પણ બીજા પાંચ એવોર્ડ મળ્યાં છે, જેમાં સર્વશ્રેષ્ઠ ડ્રામા અને સર્વશ્રેષ્ઠ એકટર, શ્રેષ્ઠ એક્ટર ઉપરાંત બેસ્ટ સેટ ડિઝાઇનિંગ અને બેસ્ટ લાઇટિંગનો પણ સમાવેશ થાય છે. ગુજરાત ગાર્ડિયને જ્યારે તથાગતનેખેલંદોની સફળતા માટેનાં અભિનંદન આપ્યા ત્યારે તેમણે અમને જણાવ્યું કે, ‘આ આખું કામ એક ટીમ વર્ક હતું આથી ડિરેક્ટર તરીકે બધીય સફળતાનો શ્રેય મારે માથે ચઢાવવા કરતા હુંખેલંદોની આખી ટીમને આનો શ્રેય આપવાનું વધુ પસંદ કરીશ. મને જ્યારેખેલંદોનાં દિગ્દર્શન માટે જણાવવામાં આવ્યું ત્યારે મેં થોડો ખચકાટ અનુભવ્યો હતો. પરંતુ પપ્પા(કપિલદેવ શુક્લ)ને મેં આ વિશે જ્ણાવ્યું ત્યારે તેમણે મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું. આમ, મારા કરતા પપ્પાનાં વધુ ઉત્સાહને લઇને મેં યા હોમ કરીને દિગ્દર્શનમાં ઝંપલાવ્યુ.’

કેડી એન્ટરટેઇનર્સનાં બેનર હેઠળ તૈયાર થયેલા ખેલંદોની આખી ટીમે સતત અઢી મહિના સુધી આકરી મહેનત કરી હતી. તથાગતનાં જ્ણાવ્યા અનુસાર એક ડિરેક્ટર તરીકે તેમણે આ નાટકની તૈયારીમાં જેટલા એફર્ટસ આપ્યાં છે એટલા જ એફર્ટસ નાટકનાં બે કલાકારો અને પ્રોડ્યુસર ખંજન થુંબર અને ડેનિશ પૂણીવાળાએ પણ આપ્યાં હતાં. અહીં એ વાત તરફ ધ્યાન દોરવુ જ રહ્યું કે આ નાટકમાં માત્ર બે જ કલાકારો (ડેનિસ પૂણીવાલા અને જયેશ મોરે) હોય છે, જેઓએ આખા નાટકની ધુરી પોતાનાં હાથમાં લઇને સતત ૧૨૦ મિનિટ સુધી દર્શકો આગળ રહસ્યનાં તાણાવાણા ગૂંથ્યા અને ઉકેલ્યા હતાં. તો આ નાટકમાં સંગીત આપ્યું હતું મેહુલ સુરતીએ જેમણે થ્રિલર નાટકને અનુલક્ષીને અત્યંત કુશળતાપૂર્વક સંગીત તૈયાર કર્યું હતું.

તથાગત શુક્લા
નાટકની સંપૂર્ણ તૈયારી થઇ ગયાં બાદ તથાગત એ વાતે તો શ્યોર જ હતો કે બોસ આપણી સ્ટોરી એકદમ મજબૂત છે અને અદાકારીમાં પણ આપણો જોટો જડે એમ ન હતો. આથી એક્ટિંગમાં ખેલંદોના કલાકારો બાજી મારી જશે એવી તેમને ખાતરી હતી. પરંતુ બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળશે એ વિશે તેમને સપનેય ખ્યાલ ન હતો. આ વખતે તથાગતે ડિરેક્શન ભલે પહેલી વખત કર્યું હોય પરંતુ તેમનો મંચનો અનુભવ ઘણો જૂનો છે. માત્ર છ મહિનાની ઉંમરથી જ અભિનયની શરૂઆત કરનાર તથાગતે હમણાં સુધીમાં ૨૭ જેટલાં નાટકોમાં અભિનય કરીને લગભગ ૩૨૦ જેટલાં શો કર્યા છે. હાલમાં તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અનેનવરાંધૂપ પ્રોડકશનહેઠળ શોર્ટ ફિલ્મો પણ તૈયાર કરે છે.
સુરતનાં નાટકો વિશે તેઓ એમ માને છે કે સુરતનાં નાટકો હંમેશા શ્રેષ્ઠ જ હોય છે, જે મુંબઇના નાટકોની હારોહાર ઉભી રહેવાની ક્ષમતા ધરાવે છે. સુરતનાં નિર્માતાઓ પણ જો થોડો કોમર્શિયલ એપ્રોચ રાખે તો સુરતના નાટકોનું પણ મુંબઇ અને અમદાવાદનાં નાટકોનાં ખભા સાથે ખભો મેળવીને ઉભા રહી શકે છે. સુરતને નાટકો ગઢ ગણવામાં આવે છે, જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન થોકબંધ નાટકો ભજવાતા હોય છે. આવા સમયે તથાગત જેવી યંગ ટેલેન્ટ જડી આવે એ ઘણી જ ખુશીની વાત છે.

સુરતનાં નાટકોનું સ્તર થોડું નીચુ ગયું છે?                                    
સુરત મહાનગરપાલિકા એક માત્ર એવી મહાનગરપાલિકા છે જે આ રીતે નાટ્ય સ્પર્ધાઓ યોજે છે. આ તો ઠીક પાલિકા દર વર્ષે સ્પર્ધામાં ભાગ લઇ રહેલા તમામ ગ્રુપને ૧૪,૦૦૦ રૂપિયા અને રિહર્સલ્સ કરવા માટે મફત જ્ગ્યા પણ આપે છે. આ વર્ષની ૪૨મી નાટ્ય સ્પર્ધામાં અન્નપૂર્ણા શુક્લાએ પણ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. આ વર્ષની નાટ્ય સ્પર્ધા વિશે પ્રતિભાવ આપતા તેમણે જણાવ્યું હતું કે, ‘ઓવર ઓલ જોવા જઇએ તો આ વર્ષે મને સુરતનાં નાટકોમાં કંઇક ખૂંટતુ જણાયુ હતું. એક જમાનામાં સુરતનાં નાટકોમાં જે રસાકસી જોવા મળતી હતી તે રસાકસી હવે જોવા મળતી નથી.’ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘નાટકો ઓછા હોય તો ચાલે પણ આછા હોય એ તો ન જ ચલાવી લેવાય’. આથી તેમણે સુરતના નાટકોએ સ્તર ઉંચુ લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ એમ જણાવ્યું હતું. તેમણે એક સૂચન પણ કર્યું કે મહાનગરપાલિકાએ સ્પર્ધાની જગ્યાએ હવે નાટ્ય મહોત્સવ જેવું રાખી વર્કશોપ્સ યોજવા જોઇએ જેથી સ્તરમાં કંઇક અંશે સુધારો લાવી શકાય. તેમનાં મતે સ્પર્ધાને કારણે નાટ્યકારોમાં તણાવની સ્થિતિ પેદા થાય છે જેથી તેની સીધી અસર નાટકનાં સ્તર પર થાય છે.



Wednesday, September 18, 2013

બિલાડીએ નશાખોરને સફળ લેખક બનાવ્યો

 મુશ્કેલીના દરિયાની વચ્ચે માણસ ઝોલાં ખાતો હોય અને નિરાશાનું વાવાઝોડું ગમે તે ક્ષણે જીવનને અસ્ત-વ્યસ્ત કરી નાખશે તેવો ભય સતત ઝળુંબતો હોય ત્યારે કોઇ નાની અમસ્તી વાત પણ તેને ફરી બેઠા થવા માટે પ્રેરકબળ પૂરું પાડતી હોય છે. એટલે જ તો આપણે ત્યાંડૂબતાને તરણું કાફીની કહેવત અવારનવાર બોલાય છે. અહીં એવા જ એક યુવાનની વાત છે, જે જીવનના ઝંઝાવાતમાં અટવાઇ પડ્યો હતો. મુશ્કેલીઓનો સામનો કરવાના બદલે તેણે ડ્રગ્સના નશા દ્વારા પલાયનવાદી અભિગમ કેળવ્યો હતો.  જો કે ડ્રગ્સનાં કારણે તેનું જીવન વધુ ગૂંચવાયુ, મુશ્કેલીઓના કળણમાં તે વધુ ને વધુ ફસાતો ગયો. અંધકારમય જીવનમાંથી બહાર નીકળવાના તમામ પ્રયાસો એક પછી એક નિષ્ફળ થઈ રહ્યા હતા ત્યારે એક દિવસ અચાનક તેના જીવનમાં બિલાડીએ પ્રવેશ કર્યો. બિલાડીનાં આગમન બાદ તેના જીવનમાં એવું તો પરિવર્તન આવ્યું કે રખડુ અને નશાખોર યુવાન આજે બેસ્ટસેલર પુસ્તક લખતો થઈ ગયો.

વાત ખરેખર પ્રેરણાત્મક છે. તે યુવાનનું નામ છે જેમ્સ બોવેન અને તેણે જે પુસ્તક લખ્યું છે તે છેઅ સ્ટ્રીટ કેટ નેમ્ડ બોબ’! આ પુસ્તક ૨૦૧૦નાં સપ્ટેમ્બરમાં પ્રકાશિત થયું હતુ. પ્રકાશિત થયાનાં થોડા જ સમયમાં આ પુસ્તકે ઇંગ્લેન્ડમાં ભારે ધૂમ મચાવી હતી. અત્યાર સુધીમાં માત્ર યુકેમાં આ પુસ્તકની ૭,૫૦,૦૦૦ કોપી વેચાઇ ગઇ છે અને વિશ્વની ૨૭ ભાષાઓમાં તેનું ભાષાંતર થયુ છે.

અ સ્ટ્રીટ કેટ નેમ્ડ બોબપુસ્તકમાં જેમ્સ બોવેને કોઇ ફિલોસોફી ન કરતા તેની સંઘર્ષ ગાથા અને તેની બિલાડી સાથેનાં સંભારણાં રજૂ કર્યા છે.  એકદમ સરળ રીતે અને સચ્ચાઇથી કહેવાયેલી જેમ્સ બોવેનની કથા લોકોને એવી તો સ્પર્શી ગઇ કે પુસ્તક પ્રકાશિત થવાનાં થોડા જ દિવસોમાં તે પુસ્તક ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર બની ગયું જેની યુરોપનાં મોટા છાપાઓ પણ નોંધ લીધા વગર ન રહી શક્યા.

જેમ્સ બોવેનની સંઘર્ષગાથાની વાત કરીએ તો તે ડિવોર્સી માતા-પિતાનું સંતાન છે. તેણે તેનું બાળપણ ઓસ્ટ્રેલિયામાં તેની મા અને સાવકા પિતા સાથે વિતાવ્યું હતું. ૧૯૯૭માં તેણે તેની સાવકી બહેન સાથે યુકેમાં સ્થળાંતર કર્યુ અને તેની તેનો કપરો કાળ શરૂ થઇ ગયો. તેનું બાળપણ પણ સારું વીત્યું હતું એમ તો નહીં જ કહી શકાય! યુકે આવતાવેંત જ જેમ્સને તેની સાવકી બહેન સાથે ઘર્ષણ શરૂ થઇ ગયેલું જે સમય જતા ધીમેધીમે વધતું જ ગયું. તરુણ જેમ્સ સાથે તેની સાવકી બહેન ઉદ્ધત વર્તન કરતી અને ન તો યોગ્ય ખોરાક આપતી કે ન પૂરતું પહેરવા-ઓઢવાનુ. શિયાળામાં હાડ થીજાવી દેતી ઠંડીમાં જેમ્સ યોગ્ય ગરમ કપડાંને અભાવે કાતિલ ઠંડી સહન કરીને પડ્યો રહેતો.

પોતાનાં ત્રાસભર્યા જીવનથી કંટાળીને જેમ્સ ડ્રગ્સનાં રવાડે ચઢી ગયો અને ઘરથી દૂર ભાગીને તે રેઢિયાળ જીવન જીવવા માંડ્યો. આમ લગભગ દસ વર્ષ સુધી જેમ્સ યુકેમાં રખડુ જીવન જીવ્યો અને ઘરવિહોણા લોકો માટે કામ કરતી સંસ્થાઓનાં સહારે જેવોતેવો ખોરાક મેળવીને તેણે દિવસો કાઢ્યાં. પણ અપૂરતા ખોરાક અને હેરોઇનના સેવનથી તેનું શરીર લથડી પડ્યું અને તે માંદગીમાં સપડાયો. તેની લથડેલી તબીયતને ઠેકાણે લાવવા માટે તેનું ડ્રગ્સ છોડવુ ઘણું મહત્ત્વનું હતું આથી તેની સારવાર શરૂ થઇ. આ દરમિયાન એક દિવસ તેનાં ઘરની બહાર એક બિલાડી આવીને બેઠી. જેમ્સની તેની ઉપર નજર તો ગઇ પણ એ વખતે તેણે બહુ ધ્યાન ન આપ્યું. પણ જેમ્સે એ નોંધ્યુ કે પેલી બિલાડી સતત ત્રણ દિવસથી ત્યાં જ બેઠી છે આથી ઉત્સુકતાવશ જેમ્સ તે બિલાડી પાસે ગયો. ત્યારે તેને માલૂમ પડ્યું કે બિલાડીનાં પગમાં ઇજાઓ થઇ છે.

જેમ્સને તો જાણે બિલાડીનાં રૂપમાં સમદુખીયું મળી ગયું! તેણે બિલાડીની ઇજાઓની દવા કરવા માંડી અને બિલાડીને પોતાની સાથે રાખી લીધી અને તેનેબોબનામ આપ્યુ. સામાન્ય રીતે બિલાડીઓને મનસ્વી પ્રાણી કહેવામાં આવે છે પરંતુ બોબ અન્ય બિલાડીઓથી સાવ જુદી નીકળી. બોબ તો સતત જેમ્સની સાથે રહેવા માંડી અને જેમ્સ જ્યાં જાય ત્યાં તેની સાથે ને સાથે ફરવા માંડી. આમ બિલાડીનાં સહવાસથી જેમ્સની એકલતા ભાંગી અને એકલપંડે જીવનયાત્રા કરતા જેમ્સને ટકી જવા માટેનું સબળ કારણ મળ્યું. સતત બોબ સાથે રહેવાને કારણે ધીમે ધીમે જેમ્સનું ડ્રગ્સનું સેવન બંધ થયુ અને તેની ગાડી ધીરે ધીરે પાટે ચઢવા માંડી. હવે તે બેકાર બનીને શહેરમાં રખડુની જેમ રખડતો ન હતો બલ્કે અખબાર વેચવા જેવી નાની મોટી નોકરીઓ કરીને પેટીયું રળતો થયો. આ બધા માટે જેમ્સનું માનવું એમ છે કે તેનાં જીવનમાં બોબનો પ્રવેશ થયા પછી જ તેને જીવન સુંદર અને જીવવા જેવું લાગ્યુ. તેની આ કથામાં એક લિટરરી એજન્ટને રસ પડ્યો એટલે તેણે જેમ્સને એક સહાયક લેખકની મદદ આપીને તેની પાસે એક પુસ્તક લખાવડાવ્યું અને તે પુસ્તક એટલે અ સ્ટ્રીટ કેટ નેમ્ડ બોબ’!

આ પુસ્તકમાં કોઇ મોટા મોટા ઉપદેશો અથવા ફિલોસોફી કરવામાં નથી આવી. તેમાં માત્ર જેમ્સનું બોબ આવ્યા પહેલાનું અને પછીનું તદ્દ્ન સરળ શૈલીમાં રજૂ કરવામાં આવ્યુ છે. પરંતુ સામાન્ય લોકોને જેમ્સની કથા પોતીકી લાગી જેથી તેનું પુસ્તક યુરોપ સહિત વિશ્વ આખામાં ભારે વખણાયું અને ઇન્ટરનેશલ બેસ્ટ સેલર નીવડ્યું.



Thursday, September 12, 2013

તખ્તા પર ગુજરાતી લેખક્નો ‘પુનર્જન્મ’


૧૯૫૧નાં ગાળામાં એક ગુજરાતી લેખક ગુજરાતથી માઇલો દૂર મકાનના ભૂતનામની વાર્તાથી પોતાનાં લેખનની શરૂઆત કરે છે, જેની સાથે જ ગુજરાતી કથાસાહિત્યમાં બદલાવનો વાયરો ફૂંકાય છે. કલકત્તાથી શરૂ થયેલી તે લેખન યાત્રા છેક ૨૦૦૬માં અમદાવાદમાં વિરામ લે છે. ૫૫ વર્ષ લાંબી તેમની લેખન યાત્રામાં આ લેખક ગુજરાતી સાહિત્યમાં અને પત્રકારત્વમાં કેટલાય વિવાદો ઉપજાવે છે અને કેટલાંય પરિવર્તનો લાવે છે. તેજાબી મિજાજનાં એ લેખકનાં લેખનમાં હંમેશા તેજાબનાં છાંટા ઉડતા રહે છે, જે તેમનાં વાચકોને તો ઠીક પણ પ્રસંગોપાત તેમનાં દુશ્મનોને જરૂર દઝાડતા રહ્યાં છે. (દુશ્મનો ઉભા કરવા તેની હોબી હતી!) આજે એ લેખકની વિદાય થયાને સાત વર્ષ થયાં છે છતાં તેમનાં વ્યક્તિત્વનો જાદુ ઓસરવાનું નામ નથી લેતું. તેમની પર્સનાલિટીનાં પડઘા હજુય ડુબ્યાં નથી. તે લેખક એટલે ચંદ્રકાંત બક્ષી. યસ, બીજું કોઇ જ નહીં, વન એન્ડ ઓનલી ચંદ્રકાંત બક્ષી!

હમણાં બક્ષીબાબુ ફરીથી ગાજી રહ્યાં છે. અને એ પણ એકદમ નવા જ રૂપમાં! આજીવન લખતા રહેલા બક્ષીબાબુએ હવે ગુજરાતી રંગભૂમિ પર પોતાનો પગપેસારો કર્યો છે. અને દરવખતની જેમ જ અહીં પણ આવતાની સાથે જ તેમણે રંગભૂમિને ગજવી કાઢી છે. બક્ષીની પ્રતિભાને કદાચ ગાજવુ કે ગજાવવું શબ્દ સાથે ઘણું લેણું છે એટલે જ હમણાં છેલ્લાં બે મહિનાથી ગુજરાતી સાહિત્ય અને નાટકોનાં ચાહકોને મોઢે એક જ નામ ચઢેલુ છે. તે નામ એટલેહું ચંદ્રકાંત બક્ષી’! આ નાટકનું લેખન શિશિર રામાવતે કર્યું છે અને દિગ્દર્શન મનોજ શાહે કર્યું છે, તો બક્ષીને મંચ પર જીવતા કરવાનું કાર્ય કર્યું છે પ્રતીક ગાંધી નામના અભિનેતાએ. આઇડિયાઝ અનલિમિટેડના બૅનર હેઠળ તૈયાર થયેલું આ નાટક ૯૫ મિનિટનું ફુલ-લેન્થ નાટક છે. આ નાટકમાં સંગીત બહુ ઓછું છે. થોડાં થોડાં સમયે તેના સેટ બદલાતા નથી તો સીન પણ બહુ ઓછા બદલાય છે. તેમાં મધ્યાંતર અને સહકલાકારો જેવું કશું જ નથી. તો છે શું? પણ એમાં બક્ષી છે. માત્રને માત્ર ચંદ્રકાંત બક્ષી! જેને મ્યુઝિક કે સેટ જેવાં નાટકનાં અનિવાર્ય તત્વોની બહું પડી નથી હોતી.

એકપાત્રીય નાટક હું ચંદ્રકાંત બક્ષીબક્ષીની જીવનયાત્રા દરમિયાન આવેલા વિવિધ પડાવોને આવરી લેવામાં આવ્યા છે. પાલનપુર, કલકત્તા, મુંબઇ અને અમદાવાદ એમ કુલ ચાર શહેરોમાં વહેંચાયેલુ તેમનું જીવન ઉપરાંત તેમની લેખનયાત્રા તોકુત્તીવાર્તા અને સાધના કોલેજ વખતે થયેલાં વિવાદોને પણ તેમાં સમાવી લેવામાં આવ્યાં છે. આ નાટકના લેખક શિશિર રામાવત દ્વારા જો કોઇ એક વાત પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હોય તો એ બક્ષીનો ઇગો છે. કારણકે જે માણસને અહં શબ્દ ઓમકાર જેવો લાગતો હોય એ માણસ પરનાં નાટકમાં અહંકારની વાત ન હોય તો વાત બરાબર નહીં જામે. નાટકનાં લેખક શિશિર રામાવત આ અંગેગુજરાત ગાર્ડિયનને જણાવે છે કે તેમણે આ નાટકનાં લેખન દરમિયાન બક્ષીનાં ઇગોને યોગ્ય ન્યાય આપી શકાય એ માટે ખાસી એવી મહેનત કરી છે. એટલે જ તો નાટકનો પહેલો શબ્દ જ અંહકારથી ભરપૂર એવોહુંરાખવામાં આવ્યો છે. ઇનશોર્ટ બક્ષીનાં જીવનની જેમ જ આ નાટક પણ એકદમ ઘટનાપ્રચુર અને રોમાંચોથી ભરેલું છે.

બક્ષીને પોતાનાં લિટરરી ગોડ માનનાર શિશિર રામાવતને મતે બક્ષી ઉપરનું આ નાટક તૈયાર કરવું તેમના માટે એકદમ સરળ અને સૌથી અઘરું હતું. કારણકે બક્ષીને મળ્યા અને આટલા બધા વાંચ્યા પછી તેમને મંચ ઉપર રજૂ કરવા કોઇ અઘરી વાત ન હતી. પણ આટલા બધા કિસ્સાઓ અને પ્રસંગો વચ્ચે બક્ષીને અને તેમની પ્રતિભાને યોગ્ય રીતે જસ્ટિફાય કરવી તેમનાં માટે ખૂબ અઘરી વાત હતી. વધુમાં તેઓ જણાવે છે કે હું આ નાટકનાં લેખક કરતા આલેખક તરીકે ઓળખાવાનું વધુ પસંદ કરું છું. કારણકે આ નાટકમાં બક્ષીની લાઇફ તો છે જ પણ ભાષા અને સંવાદો પણ બક્ષીના ખુદના જ છે એમ કહીએ તો ચાલે.’

હું ચંદ્રકાંત બક્ષીમોનોલોગ પ્રકારનું મધ્યાંતર વિનાનું નાટક છે. બક્ષીની ભૂમિકા ભજવનાર અભિનેતા પ્રતીક ગાંધી શરૂઆતથી અંત સુધી સતત ૯૦ મિનિટ સુધી બક્ષીની ધારદાર શૈલીમાં તેમનાં પૂરા એટીકેટ્સ અને મેનર્સ સાથે આખું નાટક ભજવે છે અને દર્શકોની જબરી દાદ લઇ જાય છે. બક્ષીને અને પ્રતીક ગાંધીને સુરત સાથે ઘણું કનેક્શન છે. પ્રતીક મૂળ સુરતનો જ છે તોકુત્તીવાર્તાને કારણે બક્ષીનાં અને સુરતનાં સંબંધ પણ જગજાહેર છે. મજાની વાત એ છે કે બક્ષીના પાત્રને બાઅદબ ભજવીને બક્ષીનાં ચાહકોને તેમની યાદ તાજી કરાવનાર પ્રતીકે આજ સુધી બક્ષીને વાંચ્યા નથી કે તેમના કોઇ વીડિયો પણ જોયા નથી. માત્ર શિશિર રામાવત અને મનોજ શાહનાં જણાવ્યાં મુજબ તેણે તેનું પાત્ર તૈયાર કર્યુ અને ભજવ્યું. પ્રતીક ગાંધી ગુજરાત ગાર્ડિયનને જણાવે છે કે બક્ષીનાં પાત્રને યોગ્ય ન્યાય મળી રહે એ માટે જાણીજોઇને તેણે બક્ષીને વાંચ્યા નથી કે તેમના કોઇ વીડિયો જોયા નથી.
પ્રતીકને બક્ષીનું પાત્ર મળ્યું ત્યારે તેને કેવી લાગણી થઇ હતી એ વિશે પૂછતા તે કહે છે કે તે અત્યંત રોમાંચિત થઇ ગયો હતો. કારણકે તેણે ભલે બક્ષીને વાંચ્યા ન હતાં, પણ તેણે બક્ષી વિશે સાંભળ્યુ તો હતું જ. બક્ષીનો રોલ કરતી વખતે એક વખત તો તેને થોડો ગભરાટ પણ થઇ ગયેલો પરંતુ બાદમાં તે તેનાં અભિનય દ્વારા અદ્લ બક્ષીને પરફોર્મ કરવામાં સફળ રહ્યો. મંચ પર બક્ષીનું પાત્ર યોગ્ય રીતે ઉજાગર  કરી શકાય એ માટે શિશિર રામાવત, મનોજ શાહ અને પ્રતીક ગાંધીએ સતત ત્રીસ દિવસ સુધી આકરી મહેનત કરી હતી. જેમાં બક્ષીની બોલવા ચાલવાથી માંડીને કપડા પહેરવાની સ્ટાઇલ જેવી ઝીણામાં ઝીણી બાબતનું અત્યંત ધ્યાન રાખવામાં આવ્યું હતું.

આમ, આકરી તૈયારી બાદ જ્યારે નાટક તૈયાર થઇ ગયું પછી પ્રતીક ગાંધી અને શિશિર રામાવતનાં મનમાં ક્યાંક ક્યાંક ડર હતો કે પ્રચંડ વ્યક્તિત્વ ધરાવતા બક્ષીને મંચ પર રજૂ કરવામાં ક્યાંક ચૂક તો નહીં રહીં ગઇ હોય ને? પરંતુ મુંબઇમાં જ્યારે તેનો પહેલો શૉ થયો ત્યારે પ્રતીકના બક્ષીના રૂપમાં મંચ પર આવતા જ દર્શકો વાહવાહ પોકારી ઉઠ્યા અને નાટકનો છેલ્લો સંવાદ બોલતાની સાથે જ દર્શકોએ ઉભા થઇને બક્ષીને વધાવી લીધા. પ્રતીકના મતે તેને મળેલી આ અભૂતપૂર્વ સફળતાનાનો બધો શ્રેય બક્ષીને જ જાય છે.

હમણાં સુધીમાં આ નાટકનાં કુલ દસ શૉ થયાં છે અને એ તમામ શૉ હાઉસફુલ ગયા છે એ કહેવાની જરૂર નથી. ફેસબુક ઉપર આ નાટકને લઇને કોઇ પણ જાહેરાત થાય છે ત્યારે તે પોસ્ટ પર સેંકડો કોમેન્ટસ આવે છે અને એ બધામાં પ્રધાન સૂર એ જ હોય છે કે બક્ષીને અમારા શહેરમાં ક્યારે લાવો છો? ઉપરાંત જે લોકોએ બક્ષીને જોયા છે અથવા જેમને બક્ષી સાથે સંબંધો હતા એ લોકો આ નાટક જોઇને ભાવવિભોર થઇ ગયા હતાં. નાટક પૂરુ થયાં પછી કેટલાય લોકો બેકસ્ટેજ જઇને પ્રતીકની પીઠ થાબડી આવ્યા છે કે, ‘યાર તે બક્ષીની યાદો તાજી કરાવી દીધી.’ આ તો ઠીક ખુદ ચંદ્રકાંત બક્ષીનાં દીકરી રીવા બક્ષી પણ તેમના પપ્પાનાં પાત્રને મંચ પર જોઇને અત્યંત રોમાંચિત થઇ ગયાં હતાં.


કેટલાક એવા પણ યુવાનો છે જેઓએ બક્ષીને વાંચ્યા નથી કે તેમનાં વિશે સાંભળ્યુ પણ નથી. પણ નાટક જોયા બાદ એમણે હવે બક્ષીના પુસ્તકો અને ખાસ તોબક્ષીનામાની શોધ આદરવી શરૂ કરી દીધી છે. શિશિર રામાવતને મતે તેમણે આ નાટકનાં લેખન દ્વારા પોતાના ગુરુ સમા બક્ષીને અંજલિ આપી છે તો બક્ષીને ભજવ્યા બાદ એક નવી ઓળખાણ પામેલા પ્રતીક ગાંધી બક્ષી અને સુરતને સાથે સાંકળીને કહે છે કે, ‘મારું અત્યારનું જે સુરત છે, બક્ષી એટલા જ ખૂબસૂરત છે.’ બાય ધ વે, આ નાટક થોડાં જ દિવસોમાં સુરત પણ આવે છે!


બક્ષી સાહેબ ઉપરનાં આ આર્ટિકલ બાદ શ્રી શિશિર રામાવતે તાબડતોડ કેટલાંક સૂચનો પણ મોકલ્યાં. તેમનાં આ સૂચનો મને જ નહીં, પરંતુ મારા જેવા અન્ય યુવાપત્રકારોને પણ લેખે લાગે એવાં છે. નવી કલમને આ રીતે પ્રોત્સાહન આપવા બદલ હું તેમનો આભાર માનું છું સાથે જ વચન પણ આપું છું કે આવી ભૂલો ફરી ક્યારેય નહીં થાય!!

Dear Ankit, 

First thing first. I loved your article on "Hu Chanadraknt Bakshi". Thank you very much. Hopefully, your piece should help generating curiosity about the play in your city. 

Now, let's talk editorially. During my journalistic years, I have written and edited so many of  such features. So whenever I read anything in Gujarati, an editor inside me gets activated instantly! Let's completely forget the fact that this piece is about my play. Or I have been quoted in it. Let me give my observations as a neutral person. 

(1) You said you feel certain sense of incompleteness regarding the article. You are article. The article IS incomplete.You missed Manoj Shah's quote! He is the creator of the play, the captain of the ship. When you have taken writer and actor's quotes, the director's version is a must. It would have given balance to the entire piece. Also you had enough space to do so. All you had to do was pick up the phone and call him up. He is such a nice person - you would have loved interacting with him.  

Remember, whenever, you write an elaborate feature like this on a play or a film and talk to various people associated with it, the director's quote is a must. 

(2) Always use respectful expressions for the person you are talking about. For example, in this article, you have written: "Pratik mul Surat no chhe..." Nope. It sounds rude.  It has to be "Pratik mul Surat NA chhe." You are talking about an adult man who is a brilliant actor. You have to use maan-vachak shabd for any person you are writing about. No need to add post-fix of "bhai" (Pratikbhai) or 'bahen' but it has to be "Tame" or "Teo". This of course applies to a lady as well.  "Falguni Pathak Surat aavavani chhe" - wrong, "Falguni Pathak Surat aavavaNA chhe" - right. Yes, if it is a kid or a teenager, "tu" or "tukaro" is okay. 

(3)  Ankit, this are small things, but very important. As an English saying goes, "God lies in the details". A piece with your byline represents your personality. Therefore, the language and expressions you use have to be very, very dignified and classy. Never rude or 'chalu'. (Not that you have used chalu bhasha in this piece.) Even when you are writing a critical piece on some issue, or you are showing your "raudra swaroop" to screw somebody up through your pen, the dignity of the language has to be maintained.  

You pleasantly remind me of days when I was a cub journalist myself. I feel very good when I see young talents like you doing performing so sincerely and beautifully. Mind you, your language and presentation is already up-to-the-mark. But these are chhote-bade points, which should enhance your writings if applied. 

Chalo. Keep writing! All the best!


Tuesday, September 3, 2013

કલા બની સામાજિક ક્રાંતિનું માધ્યમ

કલાને કોઇ દાયરામાં બાંધીને સીમિત કરી શકાતી નથી. જો જે-તે કલાનાં મૂળભૂત સિદ્ધાંતો સાથે કોઇ પણ છેડછાડ કર્યા વિના તેમાં કોઇ પણ પ્રયોગ કરવામાં આવે તો તે હંમેશા આવકાર્ય હોવો જોઇએ. પરંતુ કેટલીક વખત કલાનાં કહેવાતા જાણકારો અને કેટલાક જૂનવાણી વિવેચકો આવા પ્રયોગોનો સ્વીકાર નથી કરી શકતા. જોકે કલાને સંપૂર્ણ સમર્પિત અને પોતાની કલાના નશામાં ડૂબેલા રહેતા કલાકારો ક્યારેય આવા જડભરતોની પરવા કરતા નથી! તેઓ તો હંમેશા એ જ કરતા હોય છે જે તેમણે કરવું હોય છે. તાજેતરમાં બિહારની એક યુવતીએ પણ કંઇક આવુ જ કામ કર્યું છે, જેણે ચિત્રકલાના એક પ્રકારમાં નવો ચીલો પાડ્યો છે, જેની સાથે જ તે સામાજિક ઉત્થાન માટે પણ મહેનત કરી રહી છે. તેણે કરેલા પ્રયોગની ક્યાંક વાહવાહી થઇ રહી છે તો ક્યાંક તેનાં પ્રયોગનો વિરોધ પણ થઇ રહ્યો છે. પરંતુ આ બેફિકર કલાકાર યુવતીને કોઇની પડી નથી એને તો બસ એ ભલી અને તેનું કામ ભલુ.

આ વાત છે બિહારનાં સમસ્તિપુરની દલિત યુવતિ માલવિકા રાજની. મોહાલીની એનઆઇએફટીમાંથી ચિત્રકલામાં ગ્રેજ્યુએટ થયેલી આ પેશનેટ કલાકારે બિહારનાં પ્રખ્યાત ચિત્રપ્રકારમધુબનીમાં એક નવો પ્રયોગ કરીને ચિત્રકલાનાં ક્ષેત્રમાં થોડો કાંકરીચાળો કર્યો છે. નવીનમાં તેણે માત્ર એટલું જ ઊમેરણ કર્યુ છે કે તેણે મધુબની ચિત્રોમાં ભગવાન બુદ્ધની જીવનયાત્રાને ચિતરી છે. તેનાં આ પ્રયોગ સાથે જ એવું પહેલી વખત બની રહ્યું છે કે કોઇ કલાકારે મધુબની ચિત્રોની મુખ્યધારાની થીમને બદલે કોઇક નવી થીમ પર ચિત્રો દોર્યા હોય! સામાન્ય રીતે મધુબની ચિત્રોમાં રામાયણ અને મહાભારત કાળની વિવિધ વાર્તાઓનો ઉપરાંત અન્ય કેટલાક હિન્દુ પૌરાણિક પાત્રોને ઓબ્જેક્ટ બનાવીને તેમને ચિતરવામાં આવે છે. આ ઉપરાંત પ્રકૃતિને પણ કેન્દ્રમાં રાખીને ચિત્ર તૈયાર કરવામાં આવતા હોય છે. પરંતુ ભગવાન બુદ્ધનાં ચિત્રો દ્વારા માલવિકાએ પ્રવાહને બીજી તરફ પલટાવાનો પ્રયત્ન કર્યો છે. મધુબની ચિત્રોમાં તેણે બુદ્ધનાં જન્મ પહેલાથી તેમનાંમહાભિનિષ્ક્રમણસુધીની કથાઓને ચિત્રોમાં વણી લીધી છે.

તેણે બુદ્ધ પરનાં મધુબની ચિત્રોની આખી સિરીઝ તૈયાર કરી છે, જેને તેણેધ જર્નીનામ આપ્યું છે. આ સિરીઝનાં તેનાં ચિત્રોમાં તેણે મધુબની ચિત્રોની ટેક્નિક અને તેની શૈલી સાથે કોઇ પણ છેડછાડ કર્યા વિના માત્ર થીમ જ બદલી છે. પરંતુ આટલા નજીવા ફેરફાર માટે પણ કલાજગતમાં તેનો ઠીક ઠીક વિરોધ થઇ રહ્યો છે. તેનાં ચિત્રો માટે કેટલાક જૂનવાણીઓ અને કહેવાતા જાણકારો એવું માને છે કે આ રીતે મધુબની ચિત્રોમાં બુદ્ધની વાર્તાઓનો પ્રયોગ કરવો યોગ્ય નથી. કારણકે તેમાં સદીઓથી હિન્દુ પૌરાણિક પાત્રોને થીમ બનાવીને ચિત્રો તૈયાર કરવામાં આવતા હોય છે. પરંતુ આ બધા વિવેચનો કે વિરોધોની માલવિકાને બહુ પડી નથી. તેનાં મનમાં તો નાનપણથી એક જ સવાલ ઉઠતો કે મધુબની ચિત્રોમાં તેનાં પ્રિય એવા બુદ્ધ કેમ નહીં? આમ, નાનપણમાં તેનાં મનમાં ઉઠેલા સવાલનો જવાબ એટલે તેણે તૈયાર કરેલી  ‘ધ જર્નીચિત્ર સિરીઝ!

થોડાં સમય પહેલાં તેણે પટના આર્ટસ કોલેજમાં તેનાં ચિત્રોનું પ્રદર્શન યોજ્યું હતું. આ દરમિયાન એક યુવાને માલવિકાનાં ચિત્રો જોયાં વિના જ તેને સીધો પ્રર્શ્ન કર્યો કે આ રીતે મધુબની ચિત્રોમાં બુદ્ધનો પ્રયોગ કરવાનો તેણે વિચાર પણ કઇ રીતે કર્યો? આ તો ઠીક તેણે માલવિકા સાથે તોછડી ભાષામાં વાતો કરવા માંડી અને તે તેનાં ચિત્રો વિશે બિભત્સ વાતો કરવા માંડ્યો. તેનાં આવા પ્રતિભાવોને કારણે થોડાં સમય માટે તો માલવિકા ડઘાઇ જ ગઇ હતી. પરંતુ પાછળથી તે આવા પ્રતિભાવોથી ટેવાઇ ગઇ કારણકે જ્યાં મધુબની ચિત્રોનો જન્મ થયો હતો એવા બિહારનાં વિવિધ ઠેકાણે તેનાં આ પ્રયોગનો વિરોધ શરૂ થઇ ગયો હતો. જોકે મુંબઇની જહાંગીર આર્ટ ગેલેરીએ તેનાં આ નવા પ્રયોગને ભારે બિરદાવ્યો હતો, જ્યાં તેમણે માલવિકાનાં બુદ્ધ પરનાં તમામ મધુબની ચિત્રોનું પ્રદર્શન યોજ્યું હતું.

પ્રાદેશિક સ્તરે તેનાં ચિત્રો માટે આટઆટલા ઉહાપોહ પછી પણ આ દલિત યુવતી એકદમ અડગ અને અડીખમ છે. તેનાં મતે તો આ સઘળી રામાયણ વાતનું વતેસર જ છે, આથી ટીકાની પરવા કર્યા વિનાં તે તેનાં કામને આગળ વધારી રહી છે. તેનાં ચિત્રો વિશે તે એવું માને છે કે ભગવાન બુદ્ધનાં જીવનને મધુબનીમાં ઉતારીને તે કોઇ વિરોધ નથી કરી રહી અથવા કંઇ સાબિત કરવાની ખેવના પણ રાખતી. પરંતુ તેને મધુબની ચિત્રો અને ભગવાન બુદ્ધ બન્ને પ્રત્યે આકર્ષણ હોવાથી તેણે આવા પ્રકારનાં ચિત્રો દોરવાનું નક્કી કર્યું.

ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટસ બોર્ડઅને ભારત સરકાર હાલમાં બિહારની મહિલાઓને દર મહિને આવક મળી રહે એ માટે તેમને વિપુલ જથ્થામાં મધુબની ચિત્રો તૈયાર કરવાનું પ્રોત્સાહન આપે છે. પરંતુ સરકારની આ યોજનામાં સમાજનાં અન્ય વર્ગોની સ્ત્રીઓ કરતાં દલિત સ્ત્રીઓ તેનો લાભ ઉઠાવવામાં પાછળ પડી રહી છે. આથી સમસ્તિપુર અને તેની આસપાસનાં વિસ્તારની દલિત મહિલાઓ પણ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરે અને સમાજનાં અન્ય વર્ગોની સ્ત્રીઓની સમકક્ષ ઉભી રહે તે માટે માલવિકા એક ઝુંબેશ ચલાવી રહી છે. આ માટે તે ગામેગામ ફરીને દલિત મહિલાઓને એકત્રિત કરીને તેમને મધુબની પેઇન્ટિંગ્સ વિશેની માહિતીઓ આપે છે અને પોતાનો કિંમતી સમય તેમની પાછળ ખર્ચીને તેમને મધુબની ચિત્રો બનાવતા પણ શીખવે છે. માલવિકા ફેમિનિસ્ટ છે અને દલિત મહિલાઓનાં ઉત્થાન માટે તે સતત પ્રયત્નશીલ રહે છે. તે કહે છે કે, ‘મહિલાઓ આર્થિક રીતે સદ્ધર બને તે માટે હું હંમેશા પ્રયત્નો કરું છું. સમાજનાં અન્ય વર્ગોની મહિલાઓ કરતાં દલિત મહિલાઓ હજુ ઘણી પાછળ છે. દલિત મહિલાઓ તેમનાં જીવનમાં કોઇ પણ પગલું ભરે છે ત્યારે ત્રણ વાતો તેમને સતત પીડે છે જેમાંની એક એ છે કે તેઓ મહિલાઓ છે, બીજી એ કે તેઓ દલિત છે અને ત્રીજી એ કે તેઓ ગરીબ અને અભણ છે.’

હાલમાં બિહાર ખાતે તો એવી પરિસ્થિતિ સર્જાઇ છે કે જ્યારે તેનાં બુદ્ધ પરનાં ચિત્રોનાં પ્રદર્શન યોજવામાં આવે છે ત્યારે તેને વિશેષ રક્ષણ આપવામાં આવે છે. બિહારમાં તેનાં ચિત્રોનાં પ્રદર્શન યોજાઇ રહ્યાં છે તેની  પાછળનું સત્ય એ પણ છે માલવિકાનાં પિતા એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે, નહીંતર જો માલવિકા કોઇ સામાન્ય દલિત છોકરી હોત તો તેનાં માટે પ્રદર્શનો યોજવા મૃગજળ સમું જ બની રહ્યું હોત.


મધુબની પેઇન્ટિંગ વિશે થોડું

મધુબની ચિત્રો મૂળ ભારતીય શૈલીનાં ચિત્રો છે, જેની શરૂઆત રામાયણ કાળમાં બિહારની મિથિલા નગરીથી થઇ હતી. આથી આ ચિત્રોને મિથિલા ચિત્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચિત્રશૈલી માટે એવી વાયકા પ્રચલિત છે કે મહારાજા જનકે રામ અને સીતાનાં લગ્ન ટાણે મિથિલાનાં ચિત્રકારો પાસે વિશેષરૂપે આ નવી શૈલીનાં ચિત્રો તૈયાર કરાવડાવ્યાં હતાં. બિહારમાં મધુબનીનો એક બીજો અર્થમધનું વનપણ થાય છે. પરંપરાગત રીતે બિહારમાં આ ચિત્રો ત્યાંની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. પરંપરાગત રીતે આ ચિત્રો હાથની આંગળીને કે દિવાસળીની કાંડી અથવા ઝાડની નાની ડાળખીને રંગોમાં બોળીને તૈયાર કરવામાં આવતા હતાં. પહેલાનાં સમયમાં ગ્રામીણ બિહારનાં લોકો માત્ર તેમનાં ઝૂંપડાઓની દીવાલો પર મધુબની ચિત્રો દોરતા હતાં. પરંતુ બદલાતા સમયની સાથે અને તેની રસાળ આકર્ષક શૈલીને કારણે હવે આ ચિત્રો કાપડ અને કેનવાસ પર પણ તૈયાર કરવામાં આવે છે.

આ ચિત્રો તૈયાર કરતી વખતે દીવાલ કે કેનવાસ પર તસુભર જગ્યા ખાલી રાખવામાં આવતી નથી. તેમાં ચિત્રની મધ્યમાં મુખ્ય ઓબ્જેક્ટનું ચિત્ર તૈયાર કર્યા બાદ બાકી બચેલી તમામ જગ્યામાં ફુલો અથવા કોઇ પ્રાણી અને પક્ષીનાં ચિત્રો દોરીને તે ખાલી જગ્યાને ભરી દેવામાં આવે છે. મુખ્યત્વે મધુબની ચિત્રો આદિવાસી શૈલીના ચિત્રો હોવાથી તેમાં રંગો માટે કુદરતી રંગો ઉપરાંત લાલ માટી અને મેશનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ ગ્રામીણ બિહારમાં કોઇ ઉત્સવ હોય કે ઘરમાં કોઇ શુભ પ્રસંગ હોય તો ત્યાંની સ્ત્રીઓ દ્વારા રિવાજનાં ભાગરૂપે મધુબની ચિત્રો તૈયાર કરવામાં આવે છે. આજે હવે આપણા આ પારંપરિક ચિત્ર પ્રકારને દેશ અને વિદેશનાં ચિત્રકારો દ્વારા પણ સ્વીકારવામાં આવ્યો છે. તેમની અનોખી શૈલીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની એક અલગ ઓળખાણ બની છે