Wednesday, September 25, 2013

પોતાનાં ખેલમાં માહેર ‘ખેલંદો’



ખેલંદોનો એક સીન
ડિટેક્ટીવ નવલથાઓનાં લેખક નિલેશ ગણાત્રા. તેની પત્નીનું મુકેશ મોદી નામનાં પુરુષ સાથે અફેર ચાલતું હોય છે. નવલકથાકાર પતિને તેની પત્નીનાં આ અફેર વિશે જાણ થતાં જ તેનું મગજ કામે લાગી જાય છે કે આખરે તેની પત્નીને તેનામાં એવું તે શું ખૂટતુ લાગતું હતું કે તેણે આ રીતે પરપરુષ પાસે જવુ પડયું? એક દિવસ લેખક તેની પત્નીનાં પ્રેમીને ઘરે બોલાવે છે અને ભેદી કથાઓની ગૂંથણી કરવામાં માહેર તેનાં મગજને કામે લગાડીને પેલાં પુરષને જાતજાતનાં પ્રશ્ન પૂછવાનાં શરૂ કરી દે છે. આખાય વાર્તાલાપમાં લેખક એક જ વાતનો તાગ મેળવવાની મથામણ કરતો રહે છે કે આખરે તેની પત્નીને તેમાં શું ખૂટતું લાગ્યું? આટલું વાંચીને તમને એક વાતનો તાગ મળી જ ગયો હશે કે આ કોઇ સસ્પેન્સ થ્રિલર વાર્તા અથવા નાટકની વાત ચાલી રહી છે અને વાત ખરેખર એવી જ છે. આ આખી વાર્તા છેખેલંદોનામનાં નાટકની, જેનું સર્જન મધુ રાયે કર્યું હતું.

તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકાની ૪૨મી નાટ્ય સ્પર્ધાનું સમાપન થયું, જેમાંખેલંદોપ્રથમ ક્રમે રહ્યું હતું. મધુ રાયની વાર્તા હોય એટલે તે બેશક ઉત્તમ જ હોવાની પરંતુ આ નાટકમાં ઇન્ટરેસ્ટિંગ બાબત એ હતી કેખેલંદોની વાર્તાનાં લેખક જેટલાં અનુભવી હતાં એટલા જ બિનઅનુભવી હતાં તેનાં ડિરેક્ટર! બીજી તરફ નાટકનાં કલાકારો પણ મોટા ગજાના કહી શકાય એવાં. પણ વાત ફરીથીકેપ્ટન ઓફ ધ શિપપર જ આવીને ઉભી રહે છે કે આવા મોટા લેખકનું નાટક અને મોટા કલાકારો સામે નાટ્ય દિગ્દર્શનના અનુભવમાં તેનો પાનો ટૂંકો પડી શકે એવી આશંકા પણ જન્મે! અને દિગ્દર્શકની ઉંમર પણ કેટલી? તો કહે ૨૧ વર્ષ. અરે, જ્યારેખેલંદોનાં ડિરેક્શનની વાત ડિરેક્ટર આગળ રજૂ કરવામાં આવી હતી ત્યારે ખુદ ડિરેક્ટર પણ થોડો અચકાયેલો, કે આવડી મોટી જવાબદારી હું નિભાવી શકીશ ખરો? પણ ડિરેક્ટરે તેમની આ જવાબદારી બખૂબી નિભાવી. અને એટલું જ નહીં મહાનગરપાલિકાની આ વર્ષની નાટ્ય સ્પર્ધામાં બેસ્ટ ડિરેક્ટરનો ખિતાબ પણ પોતાને નામે કરી લીધો! ‘ખેલંદોનાં ડિરેક્ટર છે, તથાગત શુક્લા. તથાગતે પહેલી જ વખત ડિરેક્શન પર તેમનો હાથ અજમાવ્યો હતો. બેસ્ટ ડિરેક્ટરનો ખિતાબ પોતાને નામ કરીને તથાગતે એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. જોકે તથાગતને ગળથૂથીમાં જ નાટકની પૃષ્ઠભૂમિ મળી છે એ વાત અલગ છે!

સુરત મહાનગરપાલિકાની આ વર્ષની નાટ્યસ્પર્ધામાં કુલ ૧૫ નાટકો સ્ક્રૂટિનીમાં ભજવાયા હતાં. તેમાંથી ૮ નાટકો સ્પર્ધા માટે સિલેક્ટ થયાં હતાં. આ આઠેય નાટકો સાથે ઉત્તમ કક્ષાનાં કલાકારો અને આગલી હરોળનાં દિગ્દર્શકો સંકળાયેલા હતાં. તથાગત શુક્લા દિગ્દર્શિત આ નાટકને બેસ્ટ ડિરેક્ટર ઉપરાંત પણ બીજા પાંચ એવોર્ડ મળ્યાં છે, જેમાં સર્વશ્રેષ્ઠ ડ્રામા અને સર્વશ્રેષ્ઠ એકટર, શ્રેષ્ઠ એક્ટર ઉપરાંત બેસ્ટ સેટ ડિઝાઇનિંગ અને બેસ્ટ લાઇટિંગનો પણ સમાવેશ થાય છે. ગુજરાત ગાર્ડિયને જ્યારે તથાગતનેખેલંદોની સફળતા માટેનાં અભિનંદન આપ્યા ત્યારે તેમણે અમને જણાવ્યું કે, ‘આ આખું કામ એક ટીમ વર્ક હતું આથી ડિરેક્ટર તરીકે બધીય સફળતાનો શ્રેય મારે માથે ચઢાવવા કરતા હુંખેલંદોની આખી ટીમને આનો શ્રેય આપવાનું વધુ પસંદ કરીશ. મને જ્યારેખેલંદોનાં દિગ્દર્શન માટે જણાવવામાં આવ્યું ત્યારે મેં થોડો ખચકાટ અનુભવ્યો હતો. પરંતુ પપ્પા(કપિલદેવ શુક્લ)ને મેં આ વિશે જ્ણાવ્યું ત્યારે તેમણે મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું. આમ, મારા કરતા પપ્પાનાં વધુ ઉત્સાહને લઇને મેં યા હોમ કરીને દિગ્દર્શનમાં ઝંપલાવ્યુ.’

કેડી એન્ટરટેઇનર્સનાં બેનર હેઠળ તૈયાર થયેલા ખેલંદોની આખી ટીમે સતત અઢી મહિના સુધી આકરી મહેનત કરી હતી. તથાગતનાં જ્ણાવ્યા અનુસાર એક ડિરેક્ટર તરીકે તેમણે આ નાટકની તૈયારીમાં જેટલા એફર્ટસ આપ્યાં છે એટલા જ એફર્ટસ નાટકનાં બે કલાકારો અને પ્રોડ્યુસર ખંજન થુંબર અને ડેનિશ પૂણીવાળાએ પણ આપ્યાં હતાં. અહીં એ વાત તરફ ધ્યાન દોરવુ જ રહ્યું કે આ નાટકમાં માત્ર બે જ કલાકારો (ડેનિસ પૂણીવાલા અને જયેશ મોરે) હોય છે, જેઓએ આખા નાટકની ધુરી પોતાનાં હાથમાં લઇને સતત ૧૨૦ મિનિટ સુધી દર્શકો આગળ રહસ્યનાં તાણાવાણા ગૂંથ્યા અને ઉકેલ્યા હતાં. તો આ નાટકમાં સંગીત આપ્યું હતું મેહુલ સુરતીએ જેમણે થ્રિલર નાટકને અનુલક્ષીને અત્યંત કુશળતાપૂર્વક સંગીત તૈયાર કર્યું હતું.

તથાગત શુક્લા
નાટકની સંપૂર્ણ તૈયારી થઇ ગયાં બાદ તથાગત એ વાતે તો શ્યોર જ હતો કે બોસ આપણી સ્ટોરી એકદમ મજબૂત છે અને અદાકારીમાં પણ આપણો જોટો જડે એમ ન હતો. આથી એક્ટિંગમાં ખેલંદોના કલાકારો બાજી મારી જશે એવી તેમને ખાતરી હતી. પરંતુ બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળશે એ વિશે તેમને સપનેય ખ્યાલ ન હતો. આ વખતે તથાગતે ડિરેક્શન ભલે પહેલી વખત કર્યું હોય પરંતુ તેમનો મંચનો અનુભવ ઘણો જૂનો છે. માત્ર છ મહિનાની ઉંમરથી જ અભિનયની શરૂઆત કરનાર તથાગતે હમણાં સુધીમાં ૨૭ જેટલાં નાટકોમાં અભિનય કરીને લગભગ ૩૨૦ જેટલાં શો કર્યા છે. હાલમાં તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અનેનવરાંધૂપ પ્રોડકશનહેઠળ શોર્ટ ફિલ્મો પણ તૈયાર કરે છે.
સુરતનાં નાટકો વિશે તેઓ એમ માને છે કે સુરતનાં નાટકો હંમેશા શ્રેષ્ઠ જ હોય છે, જે મુંબઇના નાટકોની હારોહાર ઉભી રહેવાની ક્ષમતા ધરાવે છે. સુરતનાં નિર્માતાઓ પણ જો થોડો કોમર્શિયલ એપ્રોચ રાખે તો સુરતના નાટકોનું પણ મુંબઇ અને અમદાવાદનાં નાટકોનાં ખભા સાથે ખભો મેળવીને ઉભા રહી શકે છે. સુરતને નાટકો ગઢ ગણવામાં આવે છે, જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન થોકબંધ નાટકો ભજવાતા હોય છે. આવા સમયે તથાગત જેવી યંગ ટેલેન્ટ જડી આવે એ ઘણી જ ખુશીની વાત છે.

સુરતનાં નાટકોનું સ્તર થોડું નીચુ ગયું છે?                                    
સુરત મહાનગરપાલિકા એક માત્ર એવી મહાનગરપાલિકા છે જે આ રીતે નાટ્ય સ્પર્ધાઓ યોજે છે. આ તો ઠીક પાલિકા દર વર્ષે સ્પર્ધામાં ભાગ લઇ રહેલા તમામ ગ્રુપને ૧૪,૦૦૦ રૂપિયા અને રિહર્સલ્સ કરવા માટે મફત જ્ગ્યા પણ આપે છે. આ વર્ષની ૪૨મી નાટ્ય સ્પર્ધામાં અન્નપૂર્ણા શુક્લાએ પણ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. આ વર્ષની નાટ્ય સ્પર્ધા વિશે પ્રતિભાવ આપતા તેમણે જણાવ્યું હતું કે, ‘ઓવર ઓલ જોવા જઇએ તો આ વર્ષે મને સુરતનાં નાટકોમાં કંઇક ખૂંટતુ જણાયુ હતું. એક જમાનામાં સુરતનાં નાટકોમાં જે રસાકસી જોવા મળતી હતી તે રસાકસી હવે જોવા મળતી નથી.’ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘નાટકો ઓછા હોય તો ચાલે પણ આછા હોય એ તો ન જ ચલાવી લેવાય’. આથી તેમણે સુરતના નાટકોએ સ્તર ઉંચુ લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ એમ જણાવ્યું હતું. તેમણે એક સૂચન પણ કર્યું કે મહાનગરપાલિકાએ સ્પર્ધાની જગ્યાએ હવે નાટ્ય મહોત્સવ જેવું રાખી વર્કશોપ્સ યોજવા જોઇએ જેથી સ્તરમાં કંઇક અંશે સુધારો લાવી શકાય. તેમનાં મતે સ્પર્ધાને કારણે નાટ્યકારોમાં તણાવની સ્થિતિ પેદા થાય છે જેથી તેની સીધી અસર નાટકનાં સ્તર પર થાય છે.



No comments:

Post a Comment