મુશ્કેલીના દરિયાની વચ્ચે માણસ ઝોલાં ખાતો હોય અને
નિરાશાનું વાવાઝોડું ગમે તે ક્ષણે જીવનને અસ્ત-વ્યસ્ત કરી નાખશે તેવો ભય સતત
ઝળુંબતો હોય ત્યારે કોઇ નાની અમસ્તી વાત પણ તેને ફરી બેઠા થવા માટે પ્રેરકબળ પૂરું
પાડતી હોય છે. એટલે જ તો આપણે ત્યાં ‘ડૂબતાને
તરણું કાફી’ની કહેવત અવારનવાર બોલાય છે. અહીં એવા જ એક યુવાનની વાત છે, જે જીવનના ઝંઝાવાતમાં અટવાઇ પડ્યો હતો.
મુશ્કેલીઓનો સામનો કરવાના બદલે તેણે ડ્રગ્સના નશા દ્વારા પલાયનવાદી
અભિગમ કેળવ્યો હતો. જો કે ડ્રગ્સનાં કારણે
તેનું જીવન વધુ ગૂંચવાયુ, મુશ્કેલીઓના કળણમાં તે વધુ ને વધુ ફસાતો ગયો. અંધકારમય જીવનમાંથી બહાર નીકળવાના તમામ પ્રયાસો એક પછી એક નિષ્ફળ થઈ રહ્યા
હતા ત્યારે એક દિવસ અચાનક તેના જીવનમાં બિલાડીએ પ્રવેશ કર્યો. બિલાડીનાં આગમન બાદ
તેના જીવનમાં એવું તો પરિવર્તન આવ્યું કે રખડુ અને નશાખોર યુવાન આજે બેસ્ટસેલર પુસ્તક
લખતો થઈ ગયો.
વાત ખરેખર પ્રેરણાત્મક છે. તે યુવાનનું નામ છે જેમ્સ બોવેન અને તેણે જે પુસ્તક લખ્યું છે તે છે
‘અ સ્ટ્રીટ કેટ નેમ્ડ બોબ’! આ પુસ્તક ૨૦૧૦નાં સપ્ટેમ્બરમાં
પ્રકાશિત થયું હતુ. પ્રકાશિત થયાનાં થોડા જ સમયમાં આ પુસ્તકે
ઇંગ્લેન્ડમાં ભારે ધૂમ મચાવી હતી. અત્યાર સુધીમાં માત્ર યુકેમાં
આ પુસ્તકની ૭,૫૦,૦૦૦ કોપી વેચાઇ ગઇ છે અને
વિશ્વની ૨૭ ભાષાઓમાં તેનું ભાષાંતર થયુ છે.
‘અ સ્ટ્રીટ કેટ નેમ્ડ બોબ’ પુસ્તકમાં
જેમ્સ બોવેને કોઇ ફિલોસોફી ન કરતા તેની સંઘર્ષ ગાથા અને તેની બિલાડી સાથેનાં સંભારણાં
રજૂ કર્યા છે. એકદમ સરળ
રીતે અને સચ્ચાઇથી કહેવાયેલી જેમ્સ બોવેનની કથા લોકોને એવી તો સ્પર્શી ગઇ કે પુસ્તક
પ્રકાશિત થવાનાં થોડા જ દિવસોમાં તે પુસ્તક ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર બની ગયું જેની યુરોપનાં
મોટા છાપાઓ પણ નોંધ લીધા વગર ન રહી શક્યા.
પોતાનાં ત્રાસભર્યા જીવનથી કંટાળીને જેમ્સ ડ્રગ્સનાં
રવાડે ચઢી ગયો અને ઘરથી દૂર ભાગીને તે રેઢિયાળ જીવન જીવવા માંડ્યો. આમ લગભગ દસ વર્ષ સુધી જેમ્સ યુકેમાં રખડુ જીવન જીવ્યો અને ઘરવિહોણા લોકો માટે
કામ કરતી સંસ્થાઓનાં સહારે જેવોતેવો ખોરાક મેળવીને તેણે દિવસો કાઢ્યાં. પણ અપૂરતા ખોરાક અને હેરોઇનના સેવનથી તેનું શરીર લથડી પડ્યું અને તે માંદગીમાં
સપડાયો. તેની લથડેલી તબીયતને ઠેકાણે લાવવા માટે તેનું ડ્રગ્સ
છોડવુ ઘણું મહત્ત્વનું હતું આથી તેની સારવાર શરૂ થઇ. આ દરમિયાન
એક દિવસ તેનાં ઘરની બહાર એક બિલાડી આવીને બેઠી. જેમ્સની તેની
ઉપર નજર તો ગઇ પણ એ વખતે તેણે બહુ ધ્યાન ન આપ્યું. પણ જેમ્સે
એ નોંધ્યુ કે પેલી બિલાડી સતત ત્રણ દિવસથી ત્યાં જ બેઠી છે આથી ઉત્સુકતાવશ જેમ્સ તે
બિલાડી પાસે ગયો. ત્યારે તેને માલૂમ પડ્યું કે બિલાડીનાં પગમાં
ઇજાઓ થઇ છે.
આ પુસ્તકમાં કોઇ મોટા મોટા ઉપદેશો અથવા ફિલોસોફી કરવામાં
નથી આવી. તેમાં માત્ર જેમ્સનું બોબ આવ્યા પહેલાનું અને પછીનું
તદ્દ્ન સરળ શૈલીમાં રજૂ કરવામાં આવ્યુ છે. પરંતુ સામાન્ય લોકોને
જેમ્સની કથા પોતીકી લાગી જેથી તેનું પુસ્તક યુરોપ સહિત વિશ્વ આખામાં ભારે વખણાયું અને
ઇન્ટરનેશલ બેસ્ટ સેલર નીવડ્યું.
No comments:
Post a Comment