Friday, January 3, 2014

નવું વર્ષ, નવા ક્ષેત્રો અને નવી તકો

વર્ષ ૨૦૧૪ના શરૂઆતી મહિનાઓ દરમિયાન યોજાનારી કેન્દ્રની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદી જેવા ચહેરાઓને કારણે સત્તાનું ધ્રુવીકરણ થશે કે નહીં એ જોવું અત્યંત ઉત્સાહજનક રહેશે. બીજી તરફ, આ નેતાઓ જે મતદારવર્ગમાં સૌથી લોકપ્રિય છે એવા યુવાનો માટે પણ ઉત્સુકતાઓનું અને અનેક તકોનું વર્ષ સાબિત થશે. આ કોઈ ભવિષ્યવેત્તાએ ભાખેલુ ભવિષ્ય નથી પણ સંશોધકો અને અભ્યાસુઓએ તેમના અભ્યાસ બાદ રજૂ કરેલા તારણો છે, જે મુજબ ૨૦૧૪-૨૦૧૫ ભારતના યુવાનો માટે અનેક તકો અને ઉજ્જવળ કારકિર્દી માટેના વર્ષ સાબિત થશે.

તાજેતરમાં જ રજૂ કરાયેલા આંકડા મુજબ ભારતમાં ૨૦૧૪માં એન્જિનિયરિંગ, આઈટી, બાયોટેક્નોલોજી, ફાર્મા ઈન્ડસ્ટ્રી, આંત્રપ્રિન્યોરશિપ, શિક્ષણ, હેલ્થકેર, હોસ્પિટાલિટી, એફએમસીજી, રિટેઇલ સેક્ટર, એગ્રિબિઝનેસ અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર જેવાં ક્ષેત્રોમાં યુવાનો માટે અદભૂત તકો ઊભી થઈ રહી છે. એ તો ઠીક ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવાં કેટલાક નવા ક્ષેત્રો પણ ભારતમાં દસ્તક દઈ રહ્યા છે. આ કારણે ૨૦૧૫ સુધીમાં દુનિયાભરમાં નોકરીની અનેક તકો ઊભી થશે, માત્ર ભારતમાં જ ૨૦ લાખ જેટલી નોકરીઓ પ્રતિભાવાન યુવાનો માટે રાહ જોઈને બેઠી છે. અભ્યાસ મુજબ ક્લાઉડ કમ્પ્યૂટિંગ, અન્ય નવી  શોધો અને એન્ટ્રપ્રિન્યરશિપને કારણે મોટા ભાગની કંપનીઓ ક્લાઉડ કમ્પ્યૂટિંગના ક્ષેત્ર તરફ પોતાનો ઝુકાવ ધરાવી રહી છે આથી આ ક્ષેત્રોમાં તકો ઊભી થવા જઈ રહી છે.

સંશોધનો તો એમ પણ જણાવે છે કે કોમ્યુનિકેશન, મીડિયા, ઉત્પાદન અને બેંકિંગ જેવાં ક્ષેત્રોમાં ૨૦ લાખ જેટલી નોકરીની તકો છે. આ આંકડાઓમાં છોકરાઓ કરતા છોકરીઓ સારું પ્રદર્શન કરી જશે કારણકે, ૩૩ ટકા છોકરાઓની સામે છોકરીઓ માટેની તકો ૪૨ ટકા સુધીની છે. ઉપરના સર્વ સામાન્ય ક્ષેત્રો ઉપરાંત ઈન્ફોર્મેશન સિક્યુરિટી એનાલિસ્ટ, પેટ્રોલિયમ એન્જિનિઅરિંગ, દુભાષિયા, અનુવાદક, સોફ્ટવેર અને વેબસાઈટ ડેવલપર, માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ અને ઈવેન્ટ પ્લાનર જેવાં આપણે ત્યાં ઝડપથી વિકસી રહેલા ક્ષેત્રોમાં પણ ૨૦૧૪માં ઊંચા પગારની સૌથી વધુ નોકરીની તકો ઊભી થઈ રહી છે. હાલમાં ભારતમાં સોફ્ટવેર ઈન્ડસ્ટ્રી પણ ઝડપભેર વિકસી રહી છે. આ ઉપરાંત યુરોપ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સર્જાઈ રહેલી ઉથલપાથલોને પગલે સિમેન્સ અને જીઈ જેવી મલ્ટિનેશનલ કંપનીઓ પણ ભારતમાં તેમના પ્લાન્ટ શરૂ કરવાનું વિચારી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પંકાયેલી હેલ્થ એન્ડ સેફ્ટી રિક્રૂટમેન્ટ સ્પેશિયાલિસ્ટ કંપની ‘એલન એન્ડ યોર્ક’ પણ એમ જણાવી રહી છે કે આગામી વર્ષોમાં ભારતમાં  હેલ્થ એન્ડ સેફ્ટીના ક્ષેત્ર ઉપરાંત રિસ્ક એન્ડ સેફ્ટી, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડસ્ટ્રી તેમજ કેમિકલ અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં પણ યુવાનો માટે મોટી માત્રામાં નવી દિશાઓ ઉઘડશે. 

આ બાબતે હમણાં સુધીમાં નાસકોમ (NASSCOM), એસોચેમ (ASSOCHAM), ક્રિસિલ(CRISIL) અને માફોઈ (MAFOI) જેવી અગ્રણી રિસર્ચ કંપનીઓએ સંશોધનો કર્યાં છે. આ તમામ સંશોધનોમાં બધા એકસૂરે જણાવી રહ્યાં છે કે ભારતમાં હેલ્થકેર, એગ્રિબિઝનેસ, ટેલિકોમ ઉપરાંત અન્ય આઈટી ક્ષેત્રો, એનર્જી, ટુરિઝમ અને ટ્રાંસપોર્ટ, અને બેંકિંગ જેવાં ક્ષેત્રોમાં ૨૦૨૦ સુધીમાં અસાધરણ ઉછાળ આવશે. દરમિયાન જાણકારો તો એમ પણ જણાવી રહ્યાં છે કે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી બાદ તરત જ બેંકિંગ અને બાંધકામ, વીમા જેવાં ક્ષેત્રોમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળશે. આપણે હમણાં સુધી કેટલા ક્ષેત્રોમાં નવી તકોની સંભાવનાઓ છે એ વિશે જોયું પણ હવે એ જોઈશું કે ભારતમાં આ બધી સંભાવનાઓ ઊભી થવાના કારણો કયા છે. આપણે આગળ જોયું કે આપણે ત્યાં એનર્જી સેક્ટરમાં ઘણી તકો છે કારણકે ઓઈલ, ગેસ અને કોલસાના ઉત્પાદનમાં આપણે વિશ્વમાં પાંચમાં ક્રમે આવીએ છીએ. હાલમાં આ ક્ષેત્રમાં ઉત્તમ કામ કરી શકે એવાં કુશળ કર્મચારીઓની અત્યંત જરૂરત ઊભી થઈ છે. ઉપરાંત આ ક્ષેત્રમાં જ્યારથી ખાનગી અને જાહેર સાહસ કરતી કંપની વચ્ચે સ્પર્ધાઓ શરૂ થઈ ત્યારથી જાહેર સાહસ કંપનીઓને કામદારોની ભારે ખેંચ વર્તાઈ રહી છે, આથી તેમણે તેમની એચઆર પોલિસીઓમાં પણ ધરખમ ફેરફારો કરવા પડ્યા છે, જે તમામ નવી પોલિસીઓ કર્મચારીઓની તરફેણમાં છે.

જોકે ૨૦૧૪ના ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ક્ષેત્ર માટે થોડાં માઠા સમાચાર છે. કારણકે આ ક્ષેત્રના વૃદ્ધિદરમાં થોડો ઘટાડો જોવા મળવાની શક્યતા છે. પરંતુ આ છતાં પણ બંદરો, હાઈવે અને એરપોર્ટ જેવી કેટલીક સુવિધાઓમાં થઈ રહેલી પ્રગતિને કારણે આ ક્ષેત્રમાં પણ સાવ નિરાશ થઈ જવા જેવું નથી. તો એન્જિનિઅરિંગના ક્ષેત્રનું આઉટસોર્સિંગ માર્કેટ ૨૦૨૦ સુધીમાં ૧૫૦થી ૨૧૫ બિલિયન ડૉલર પહોંચી જશે. આમાં ભારતની વાત કરીએ તો આપણે પણ પ્રોજેક્ટ એન્જિનિયરિંગમાં ૧૪ થી ૨૫ ટકા સુધીનો હિસ્સો ધરાવીએ છીએ. આમ, ૨૦૨૦ સુધીમાં આપણે ત્યાં આઈટી અને તેની અન્ય શાખાઓ બાદ એન્જિનિયરિંગનું ક્ષેત્ર સૌથી મોટું ક્ષેત્ર સાબિત થશે.

ફાર્મા ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો ૨૦૧૫ સુધીમાં માત્ર ભારતની ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીનું ટર્નઓવર ૨૦ બિલિયન ડૉલર સુધી જશે. આમ, દેશમાં સામાન્ય દવાઓના માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે. ફાર્મા સેક્ટરમાં આજે જાણકાર અને સારી આવડત ધરાવતા માણસોની અત્યંત અછત છે આથી આનો સીધો લાભ નવી પેઢીને જ મળશે. રિટેલ સેક્ટરમાં આપણે વૈશ્વિક સ્તર પર પાંચમાં ક્રમે આવીએ છીએ. ઉપરાંત ભારતના લોકોની જીવનશૈલીમાં આવી રહેલા ધરખમ બદલાવનો સીધો લાભ પણ રિટેલ સેક્ટરને જ થશે. હજુ ગયાં વર્ષે જ ઘણાં વિવાદો બાદ આપણે ત્યાં રિટેલ ક્ષેત્રમાં એફડીઆઈ આવ્યું. એફડીઆઈને કારણે પણ પહેલા અને બીજા વર્ગના શહેરોમાં આ ક્ષેત્રમાં મેનપાવરની અત્યંત જરૂર ઊભી થશે. જોકે એફડીઆઈનો રસ્તો હજુ જોઈએ એટલો સાફ નથી કારણકે અનેક રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. પણ વહેલા મોડા આ ક્ષેત્રમાં ઘણી મોટી માત્રામાં રોજગારીની તકો ઊભી થશે એ વાતમાં કોઈ બે મત નથી.

વિશ્વમાં ટેલિકોમ સેક્ટરમાં ભારત ચીન અને અમેરિકા પછી ત્રીજા ક્રમે આવે છે. આ ક્ષેત્ર માટે એવું કહેવાઈ રહ્યું છે કે ૨૦૧૫ સુધીમાં વિશ્વના મોબાઈલ ધારકોમાં આપણો ૬%થી વધુ હિસ્સો હશે. દેશમાં 4G ઉપરાંતની કેટલીક સુવિધા પાઈપલાઈનમાં જ છે. આથી ટેલિકોમ કંપનીઓ વચ્ચેની હોડ ઉપરાંત નવી ટેકનોલોજીને કારણે આ ક્ષેત્રમાં પણ આઈટી અને કોમ્યુનિકેશન ગ્રેજ્યુએટ્સ માટે અનેક નવી તક છે. જાણકારોના મતે ૨૦૧૪ના વર્ષમાં બેંકિંગ ક્ષેત્રમાં ઉતારચઢાવ ઉતાર ચાલુ રહેશે. આગામી વર્ષે અનેક વિદેશી પ્રાઈવેટ બેંકો ભારતમાં પોતાની શાખાઓ ખોલી શકે છે. પણ બેંકિંગ સાથે સંકળાયેલા કેટલાક ક્ષેત્રો જેવાં કે બ્રોકિંગ, ઈન્વેસ્ટમેન્ટ અને વીમા સંબંધિત ક્ષેત્રોમાં હજુ આગામી વર્ષે જોઈએ એટલી વૃદ્ધિની અપેક્ષાઓ રાખવામાં આવી રહી નથી. આપણે ત્યાં હજુ હમણાં જ પ્રકાશમાં આવેલા ટ્રેનિંગ, કન્સલટન્સી, હોસ્પિટાલિટી અને ટ્રાવેલ સંબધિત ક્ષેત્રો પણ ઘણાં જ ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છે. આથી આવા ક્ષેત્રોમાં પણ યુવાનો ઘણી સારી કમાણી કરીને તેમનું કેરિઅર બનાવી શકે છે.

આમ, આવનારું આ વર્ષ દેશના યુવાનો માટે ઘણાં સારા સમાચાર લઈને આવી રહ્યું છે. વિવિધ સર્વે મુજબ આ વર્ષે આપણા દેશમાં વિવિધ ક્ષેત્રોની રોજગારીઓમાં ૫૮% જેટલો વધારો થશે. આ વધારા પાછળ યુરોપની મંદીનો ઘણો મોટો ફાળો માનવામાં આવી રહ્યો છે, જેને કારણે યુરોપ સહિતની વિશ્વભરની કંપનીઓની નજર ભારત પર મંડરાઈ રહી છે. 

1 comment: