Thursday, January 9, 2014

નિર્ભયાઃ સ્ત્રીની પીડાનું તખ્તા પર મંચન

૧૬ ડિસેમ્બર ૨૦૧૨ની રાત્રે દિલ્હીની એક બસમાં એક યુવતીને પીંખી નાંખવામાં આવે છે અને પછી નરાધમોની પિશાચી કરતૂતને કારણે પેલી યુવતીનું સિંગાપોર ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થાય છે. આ સાથે જ આખા દેશમાં ઠેર ઠેર દેખાવો અને પ્રદર્શનો થયાં અને દેશની સંસદે મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનાઓના કાયદાઓમાં ધરખમ ફેરફાર કરી નાંખ્યા. આ આખી ઘટના દેશ અને દુનિયાના અનેક સંવેદનશીલ લોકોને હચમચાવી ગઈ, જેમાં અભિનેત્રી પૂર્ણા જગન્નાથન અને જોહાનિસબર્ગની નાટ્યકાર યેલ ફાર્બરનો પણ સમાવેશ થાય છે.

આ ઘટના બન્યા પછી એક તરફ દેશના લાખો લોકો પોતાનો રોષ પ્રકટ કરવા હાથમાં મીણબત્તી અને લઈને રસ્તા પર ઊતરી આવ્યા હતાં. તો આ બંને સ્ત્રીઓ મીણબત્તી સુધી જ સી‌િમત નહીં રહીને કંઈક નવું કરવાની યોજનાઓ બનાવી રહી હતી. આખરે તેમની આ યોજના ‘નિર્ભયા’ નામના નાટકનું રૂપ લે છે અને દિલ્હીની પી‌િડતા સહિતની અનેક સ્ત્રીઓની વ્યથાની મંચ પર હૃદયદ્રાવક રજૂઆત થાય છે.
‘નિર્ભયા’ નાટક દેશમાં ભજવાય એ પહેલા અનેક વખત એટલેકે લગભગ ૩૫થી વધુ વખત વિદેશની ધરતી પર ભજવાઈ ચૂક્યું છે. અને હવે થોડા જ દિવસોમાં તે દેશના વિવિધ શહેરોમાં પણ ભજવાશે. આ નાટકનો વિષય તો અત્યંત સંવેદનશીલ છે જ પરંતુ તેની સર્જન પ્રક્રિયા પણ એટલી જ રસપ્રદ છે. આ નાટકમાં માત્ર દિલ્હીની પીડિતા (નિર્ભયા)ની જ વાત નથી પરંતુ અન્ય પણ અનેક સ્ત્રીઓની વાત છે, જેમણે બાળપણથી લઈને યુવાની સુધીમાં અનેક વખત કોઈની હવસના શિકાર બનવું પડ્યું હોય. નાટકમાં રજૂ કરવામાં આવેલી તમામ કથાઓ સત્ય ઘટના પર આધા‌િરત છે, જેમાં કલ્પનાના કોઈ પણ રંગોને ભર્યા વિના કે તેને મઠાર્યા વિના યથાવત રજૂ કરવામાં આવી છે.

નાટકની સર્જન પ્રકિયા વિશે વાત કરીએ તો નાટ્યકાર યેલ ફાર્બરે તેમના લેપટોપ પર ૧૬ ડિસેમ્બરની ઘટના વિશે વાંચ્યુ ત્યારે હવસખોરોએ પી‌િડતા સાથે આચરેલા કુકર્મ વિશે વાંચીને દંગ રહી ગયા. આથી તેમણે ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં સ્ત્રીઓ સાથે આચરવામાં આવતા ગુનાઓ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતું સ્ટેટ્સ અપડેટ કર્યું. આ સ્ટેટ્સને દુનિયાભરના લોકોએ લાઈક કર્યું તો ભારતમાં બેઠેલી પૂર્ણા જગન્નાથને પણ યેલનું સ્ટેટ્સ વાંચ્યું. પૂર્ણાને તમે આ પહેલા ‘દિલ્હી બેલી’ ફિલ્મમાં જોઈ ચૂક્યા છો. પૂર્ણાએ થોડાં સમય પહેલા યેલનું ‘અમાજુબા’ નામનું એક નાટક જોયું હતું, જેમાં દક્ષિણ આફ્રિકાના લોકો સાથે આચરવામાં આવતી રંગભેદની નીતિઓ વિશેની વાત કરવામાં આવી હતી. આથી પૂર્ણાને વિચાર આવ્યો કે ત્યારે પણ માણસ સાથે આચરવામાં આવેલી બર્બરતાની વાત હતી અને હમણાં પણ! તો યેલની સાથે મળીને ફરીથી આ વિષય પર એક નાટક તૈયાર કરવામાં આવે તો?

પૂર્ણાએ યેલને તરત જ આ વાત કરી, અને યેલને પણ તેનો આ વિચાર અત્યંત પસંદ આવ્યો. આમ, બંને સ્ત્રીઓએ રોજ ફેસબુક પર ચેટિંગ શરૂ કર્યું અને લાંબી લાંબી ચર્ચાઓ કર્યા બાદ તેમણે ‘નિર્ભયા’નો એક કાચો ઘાટ તૈયાર કર્યો. આખરે ફેસબુક પર નાટકની કાચી સ્ક્રિપ્ટ તૈયાર કર્યા બાદ ગયા ફેબ્રુઆરીમાં યેલ ભારત આવ્યાં અને અહીં તેમણે જાતજાતની સ્ત્રીને મળીને તેમનું રિસર્ચ શરૂ કર્યું. ગયા વર્ષે ભારત સરકારે રજૂ કરેલા આંકડાઓ મુજબ ભારતમાં ૩૫% જેટલા બાળકો બાળપણમાં યૌન ઉત્પીડનનો શિકાર બનતા હોય છે. ઉપરાંત દુનિયામાં દર ત્રણમાંથી એક મહિલા શારી‌િરક અથવા જાતીય શોષણનો શિકાર બનતી હોય છે. એક સંવેદનશીલ સર્જક માટે આવા આંકડા હચમચાવી નાંખનારા હતા.
ત્યાર બાદ યેલ અને પૂર્ણાએ નક્કી કર્યું કે તેમણે માત્ર નિર્ભયાની વાર્તાને જ મંચ પર નથી ઉતારવી પણ નિર્ભયાની સાથે પોતાના સ્વજનોથી પણ પીડા પામેલી હોય એવી સ્ત્રીઓની વાતને લોકો સુધી લઈ જવી છે. આથી તેમણે મહિલાઓ માટે એક વર્કશોપ યોજીને તેમની પાસે તેમની કથનીઓ સાંભળી અને આ બધી વાર્તાઓને પણ નાટકની કથામાં વણી લીધી. નાટકમાં નિર્ભયાની ભૂમિકા જપજીત કૌર નામની અભિનેત્રી ભજવી રહી છે તો એક વાર્તામાં પૂર્ણા પણ અભિનય કરી રહી છે.
નાટકમાં નિર્ભયા ઉપરાંત એક કથા એવી સ્ત્રીની છે, જેને નાનપણમાં માત્ર ૯ વર્ષની ઉંમરે એરફોર્સમાં ઊંચી પદવી પર ઓફિસર એવા તેના નજીકના સગા દ્વારા શારી‌િરક હવસનો શિકાર બનાવવામાં આવી હતી. તો બીજી એક સ્ત્રીને નાનપણથી જ તેના બાપે વારંવાર ભોગવી હતી. આ ઉપરાંત પણ નાટકમાં નાની નાની ઘણી બધી કથાઓ છે. આ કથાઓ ભલે નાની હોય પણ તે આપણા દંભી અને માનસિક રીતે વિકૃત સમાજના ચિતારને બયાં કરે છે. આ નાટકના સૌથી વધુ શૉ યુકેમાં થયાં છે, જ્યાં તેને અત્યંત પસંદ કરવામાં આવ્યું છે. ત્યાંના વિવેચકોના મતે આ નાટકમાં ભલે ભારતની સ્ત્રીઓની કથાઓને દર્શાવાઈ છે પરંતુ આ કથા સમગ્ર વિશ્વની સ્ત્રીઓની છે.

પૂર્ણા જગન્નાથન તેનાં નાટક માટે જણાવે છે કે, ‘હું માત્ર બળાત્કારીઓ પર જ નહીં પરંતુ એ તમામ લોકોથી ખફા છું, જેઓ નિર્ભયાને બસમાંથી ફેંકી દેવાયા પછી પણ મૂકપણે તમાશો જોતા રહ્યા. આપણે ત્યાં સ્ત્રીઓને બાળપણથી જ ચૂપ રહેતા શિખવવામાં આવે છે અને કદાચ આ ચુપકીદીને કારણે જ આપણે આ બધી યાતનાઓ પણ ભોગવવી પડતી હોય છે. આથી આ નાટક દ્વારા અમે એ ચુપકીદીને તોડવાનો પ્રયત્ન કર્યો છે.’ નિર્ભયાનો સૌથી પહેલો શૉ જુલાઇ ૨૦૧૩માં એડિનબર્ગ ખાતે ફ્રિન્જ ફેસ્ટિવલ ખાતે યોજાયો હતો, જ્યાં તેને ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયાં હતાં. હમણાં સુધીમાં થયેલા શૉમાંથી તેઓ ૫૦,૦૦૦ પાઉન્ડ જેટલી રકમ ભેગી કરી ચૂક્યા છે. આ રકમનો ઉપયોગ તેઓ ૨૦૧૪ના વર્ષમાં ભારતમાં કરશે, જ્યાં તેઓ આ નાટક દેશભરના મોટા શહેરો ઉપરાંત દેશની મોટાભાગની કોલેજોમાં જગૃતીના ભાગરૂપે રજૂ કરશે.
‘નિર્ભયા’ના સર્જકોના મત મુજબ આ એક નાટક માત્ર નથી પરંતુ સામાજિક બદલાવ માટેનું પહેલું પગ‌િથયું છે. યેલ કહે છે કે, ‘અમે આ નાટકને દુનિયાભરમાં રજૂ કરવા માગીએ છીએ, જેથી દુનિયાના દરેક સમાજોને આ વિશે માહિતી મળે. લોકોને કદાચ લાગશે કે એક નાટક દ્વારા કઈ રીતે સામાજિક ક્રાંતિ થઈ શકે? પરંતુ સ્ત્રીઓના શારી‌િરક શોષણને મુદ્દે આપણે હવે સજાગ બનવું જ પડશે.’ યેલની વાત ખરેખર સાચી છે કારણકે આ દિશામાં ભલે હજારો કાયદાઓ બને પરંતુ જ્યાં સુધી સમાજ આ મુદ્દે જાગૃત નહીં બને ત્યાં સુધી કોઈ પણ બદલાવો આવી શકવાના નથી.

સ્ત્રીઓના શારીરિક શોષણ સામે કાયદો ઘડાઈ ગયો એટલે પતી ગયું એ જ ઘણું ભૂલભરેલુ છે કારણકે નિર્ભયા કેસ પછી પણ આપણી બળાત્કાર કે જાતીય શોષણની અનેક ઘટનાઓ બહાર આવી છે, જેમાં થોડાં દિવસો સુધી ટોળાઓ દેખાવ કરે અને ફરીથી બધું ત્યાંને ત્યાં રહી જાય છે. યેલના મતે આ પ્રશ્ન માત્ર સ્ત્રીઓનો જ નથી. આ પ્રશ્ન જેટલો સ્ત્રીઓ છે એટલો જ પુરુષોનો પણ છે. આથી પુરુષ જ્યારે આ મુદ્દે સજાગ બનશે ત્યારે જ આ વાતનો નિવેડો આવી શકશે. આખુ નાટક પૂરું થાય છે ત્યાં સુધીમાં કોઈ પણ વર્ગના દર્શકને વ્યાકુળ કરી મૂકે છે. નાટક ભજવાયા પછી એક તરફ મંચ પર નાટક પૂરું થાય છે અને બીજી તરફ દર્શકોની વિચારપ્રકિયા શરૂ થઈ જાય છે.


No comments:

Post a Comment