નરેન્દ્ર મોદીનો કાવ્ય સંગ્રહ |
પાનખરના હૈયામાં ટહૂકે વસંત.
સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય,
કેસૂડાનો કોના પર ઊછળે પ્રણય?
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત,
પાનખરના હૈયામાં ટહુકે વસંત.
વાહ ક્યા બાત હૈં! ઈર્શાદ ઈર્શાદ... ઉનાળાના ગરમ દિવસોમાં હજુ તાજા જ વીતેલા વસંત વિશેની પંક્તિ વાંચવા મળે તો દિલમાં થોડી ઠંડક તો થઈ જ જાય. ઉપરોક્ત પંક્તિઓ કવિ નરેન્દ્ર મોદીની છે, જે તેમણે ચૂંટણી પ્રચારની દોડાદોડી વચ્ચે ખાસ સમય કાઢીને લખી હતી. આ પંક્તિઓ ઉપરાંત પણ ‘પૃથ્વી આ રમ્ય છે, આંખ આ ધન્ય છે’ જેવી કવિતાઓ ખુદ નરેન્દ્ર મોદીના લાઈમલાઇટમાં આવ્યા પછી ઘણી પ્રકાશમાં આવી હતી. વર્ષ ૨૦૦૭માં ‘આંખ આ ધન્ય છે’ નામનો તેમનો પહેલો કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થયો હતો એ વાત બધા જાણે જ છે. ગુજરાતના મુખ્યપ્રધાન અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉપરાંત પણ આપણા પાસે એવા અનેક નેતાઓ છે જેઓ કવિ છે. રાજકારણ અને કવિતાના મૂળ છેક સરોજીની નાયડુ સુધી પહોંચે છે અથવા તો ત્યાંથી જ રાજકારણ અને કવિતાનો ભેળસેળિયો ટ્રેન્ડ શરૂ થયો છે એમ પણ કહી શકાય.
નરેન્દ્ર મોદી પહેલા ભાજપમાં અટલ બિહારી વાજપેયીનો કવિ તરીકે ભારે વટ હતો. પાકિસ્તાન વિશેના કોઈ વક્તવ્યો હોય કે પછી સંસદમાં વિપક્ષના નેતા તરીકે સરકારને આડે હાથે લેવાની હોય, એ બધામાં વાજપેયી કવિતાનો ઘણો સહારો લેતા. તેમની વક્તૃત્વકળા અત્યંત પ્રભાવશાળી હતી એ એક આડવાત છે પરંતુ કવિતાની વાત આવે ત્યારે તેઓ અત્યંત ભાવવિભોર થઈ જતા અને લોકોને પણ તેમના કાવ્યોના વિવિધ ભાવોમાં છબછબિયા કરાવતા. રાજકારણમાં સક્રિય હતા એ દરમિયાન તેમના ‘મેરી ઇક્યાવન કવિતાએ’, ‘ક્યા ખોયા ક્યા પાયા’, ‘શ્રેષ્ઠ કવિતા’ જેવાં પાંચેક કાવ્યસંગ્રહો પ્રકાશિત થયાં હતા. તે મે ૨૦૦૪ સુધી વડાપ્રધાન હતા અને તે પહેલા મશહુર ગાયક જગજિત સિંઘના કંઠમાં ગવાયેલી તેમની કેટલીક ગઝલોના બે આલ્બમ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. વાજપેયી રાજકારણમાં સક્રિય હતા ત્યારે કેટલાક લોકો ‘તમે રાજકારણમાં આવ્યા એના કરતા માત્ર કવિ જ થયાં હોય તો સાહિત્ય માટે ઘણું સારું થાત.’ એમ કહીને તેમને પાનો ચઢાવતા. અને તેઓ પણ એ વાતનો ભારે હૈયે સ્વીકાર પણ કરતા કે રાજકારણને કારણે કવિ તરીકેના તેમના વિકાસમાં ઘણાં અવરોધો આવ્યા છે!
ભૂતપૂર્વ વડાપ્રધાન વી.પી સિંઘ પણ કવિતાઓ કરવા માટે જાણીતા હતા. જોકે તેમને મંચ પરથી છટાદાર શૈલીમાં રજૂઆત કરવામાં એટલી બધી ફાવટ ન હતી આથી મોટા વર્ગને તેમની કવિતાઓ સાંભળવાનો સીધો લાભ મળ્યો ન હતો. તેમણે લખેલી કેટલીક કવિતાઓ તેમની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.
તૃણમૂળ કોંગ્રેસના વડા મમતા બેનરજી ચિત્રો દોરવામાં માહેર છે એ વાતથી બધા પરિચિત છે પરંતુ છેલ્લાં કેટલાક સમયથી કઠોર નિર્ણયો અને પગલા લેવા માટે જાણીતા પશ્ચિમ બંગાળના આ મુખ્યમંત્રીએ શબ્દ સાથે પણ ઘરોબો કેળવ્યો છે. હવે તેઓ જ્યારે પણ બંગાળની બહાર જાય અથવા કોઈ લાંબી મુસાફરી પર હોય ત્યારે વિરોધીઓ વિશે વિચારીને સમય બગાડવા કરતા તેઓ કવિતાઓ લખવાનું વધુ પસંદ કરે છે. ૨૦૧૩માં કોલકાતાના પ્રખ્યાત ‘કોલકાતા બુક ફેર’માં તેમનો ‘શી નેઈ’ (તે હવે નથી) નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો હતો. આ કાવ્યસંગ્રહમાં તેમણે દિલ્હી ગેંગરેપની પીડિતા ઉપરાંત સમાજમાં શોષણનો શિકાર થતી મહિલાઓને કેન્દ્રમાં રાખીને કેટલાક કાવ્યો લખ્યા હતા. આમ તો મમતાએ રાજકારણ પર અત્યાર સુધીમાં ૨૫ જેટલા પુસ્તકો લખ્યા છે. પરંતુ કવિતાનું તેમનું આ પહેલું પુસ્તક થયું છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તે અત્યાર સુધીમાં આ પુસ્તકની ૧૦,૦૦૦થી વધુ કોપી ખપી ગઈ છે.
નરેન્દ્ર મોદી અને મમતા બેનરજી માટે તો પહેલાથી જ કહેવાતું કે તેમણે ઘણું સાહિત્ય વાંચ્યું છે અને તેઓ સાહિત્ય અને કળામાં રૂચિ ધરાવે છે. પરંતુ કેન્દ્રિય મંત્રી કપિલ સિબલ ઘણાં પાછળથી કવિતા તરફ વળ્યા. ૨૦૧૧ના વર્ષમાં 2જી ગોટાળા અને લોકપાલ કે કાળા નાણાં મુદ્દે અન્ના-રામદેવના આંદોલનો દરમિયાન ઘણાં વગોવાયેલા અને સરકારની શાખ બચાવવાની દોડધામમાં અત્યંત વ્યસ્ત રહેલા સિબલ તે સમયે કારમાં પાછળ બેઠા બેઠા તેમના બ્લેકબેરી મોબાઇલના ટેક્ટ્સ મેસેજમાં કવિતાઓ લખતા અને પોતાની કાવ્ય પિપાસા તૃપ્ત કરતા. પાછળથી તેમણે આ કવિતાઓના બે સંગ્રહો પણ બહાર પાડ્યા હતા. આ તો ઠીક તેમણે અત્યાર સુધીમાં ‘દિલ્હી ગેંગ’ નામની ફિલ્મમાં બે ગીતો પણ લખ્યા હતા! વાત તો એવી પણ ઉડી રહી છે કે તેઓ બોલિવુડની બીજી બે ફિલ્મો માટે પણ ગીત લખી રહ્યા છે.
દક્ષિણ ભારતમાં ડીએમકેના વડા કરુણાનિધિ પણ કવિતા પર હાથ અજમાવી ચૂક્યા છે. કહેવાય છે કે મૂળ તો ફિલ્મોના પટકથા લેખક એવા કરુણાનિધિને તેમના ભત્રીજા દયાનિધિ મારન સાથે ખટપટ થઈ ગયેલી ત્યારે તેમણે ‘વોર સોંગ ઓફ મેમરી’ને નામે એક કવિતા લખી હતી. તો રાજકારણમાં પિતાનો વારસો જાળવનારી તેમની પુત્રી કનિમોઝીએ કવિતાઓ કરવામાં પણ પિતાની બરોબરી કરી છે. કારણકે 2જી ગોટાળામાં જ્યારે તેને તિહાર જેલમાં બંધ કરવામાં આવેલી ત્યારે તેણે પણ દીકરાને લખેલા પત્રોમાં કેટલીક કવિતાઓ લખીને મોકલી હતી. બીજી તરફ 2જીના મુખ્ય સૂત્રધાર ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા તો કવિતાઓ લખવા માટે પહેલેથી જ દક્ષિણમાં ઘણાં પ્રખ્યાત છે!
પોતાના પુસ્તક વિમોચનમાં બાલઠાકરે સાથે આદિત્ય |
રાજકારણ અને કવિતા કે શેર-શાયરીને આમ થોડો નિકટનો સંબંધ છે. કવિ થવાના ધખારા ન ઉપડ્યા હોય એવા નેતાઓ પણ સમયાંતરે વાતાવરણ હળવું કરવા માટે કવિતાઓની મદદ લેતા હોય છે. રાજકીય ભાષણોમાં તો ઠીક પણ દિગ્વિજય સિંઘ જેવા નેતાઓ પોતાને કવિતા કરતા ન આવડે તો ઠીક પણ ટ્વીટર પર કબીરના દોહા કે ગાલિબના શેર ટ્વીટ કરતા રહે છે. આ ઉપરાંત સંસદમાં બજેટ સત્ર વખતે પણ નાણાંપ્રધાન બજેટનું ભાષણ બોલતી વખતે વચ્ચે વચ્ચે શાયરીઓ કે પંક્તિઓ ટાંકીને બ્રેક લઈ લેતા હોય છે. આમ તો આપણા કવિ ઉમાશંકર જોશીથી લઈને જાવેદ અખ્તર સુધીના ઊંચા ગજાના કવિઓ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. પણ આ બધા કવિઓને મુખ્યધારાના રાજકારણીઓ કહી શકાય નહીં. તે જ રીતે મુખ્યધારાના નેતાઓ જે કવિતાઓ રચે છે તેને કવિતા કે સાહિત્ય કહી શકાય કે કેમ તે પ્રશ્ન છે.
હાલમાં આ બધા કવિઓના પુસ્તકો પ્રકાશિત થવા કે જયપુર અને કોલકાતા લિટરેચર ફેસ્ટિવલ જેવા આલા દરજ્જાના સાહિત્યના કાર્યક્રમોમાં આવા કવિઓના સર્જનની ચર્ચા થવા પાછળ માત્ર ને માત્ર તેમની સત્તા અથવા રાજકારણમાં તેમનું કદ જવાબદાર છે તેવી ટીકા સાહિત્યના જાણકારો કરતા હોય તો તેમાં નવાઈ નથી. બાકી તેમની રચનાઓમાં પ્રાસને બાદ કરતા સાહિત્યના બીજા કોઈ ધોરણો જળવાય છે કે કેમ તેવો પ્રશ્ન થઈ શકે છે. સાહિત્યિક દૃષ્ટિએ તેમના લખાણ કદાચ કાચા હોઈ શકે પણ હાલની પરિસ્થિતિઓ અને સમાજમાં તેમનું વર્ચસ્વ જોતાં ‘બિલાડીને ગળે ઘંટ કોણ ઘંટ બાંધે’વાળી વાત છે. આ બધા જ કવિઓની રચના દમ વગરની છે એમ કહેવાનો અહીં આશય નથી પરંતુ બધા જ કવિઓની રચનાઓ ઉત્તમ છે એવું કહેવું મુશ્કેલ છે. સાહિત્યના મંચો રાજકીય અખાડામાં તબદીલ ન થઈ જાય એનું ધ્યાન રાખવાની જવાબદારી કળા અને સાહિત્યના પ્રેમીઓની છે. ■
No comments:
Post a Comment