Wednesday, April 23, 2014

શોખ બડી ચિઝ હૈ!

બોલિવુડમાં કેટલાક અભિનેતા એવા હોય છે જેમને માત્ર ને માત્ર તેમના અભિનયને કારણે લોકો અત્યંત પસંદ કરતા હોય છે. આ યાદીમાં ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, ઇરફાન ખાન અને નવાઝુદ્દિન સિદ્દીકી જેવા અભિનેતાઓના નામ સામેલ છે. અભિનેતા મનોજ બાજપેઈ પણ આજ નામોમાંનું એક છે, જેની પાસે ન તો ઓમ પુરી જેવો જાદુઇ અવાજ હતો કે ન નસીરુદ્દીન શાહની જેમ નાટકોનો બહોળો અનુભવ હતો. તો આજકાલની ફિલ્મોમાં જે એલિમેન્ટ પર કલાકારને પસંદ કરવામાં આવે એવું બોડી સ્ટેટ્સ કે દેખાવનો તો પ્રશ્ન જ ન હતો! પણ છતાં મનોજ વાજપેઈ તેના અભિનયના શોખને કારણે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો અને તેના કામના જોરે ઈન્ડસ્ટ્રીમાં સારી એવી નામના પણ મેળવી.

૨૩ એપ્રિલ ૧૯૬૯ના રોજ બિહારના ચંપારણ નજીકના બેલવા ગામે જન્મેલો મનોજ બાજપાઈ એક સામાન્ય ખેડૂતનો દીકરો છે. પોતાના પાંચ ભાઈ બહેનો સાથે મિશનરી શાળામાં ભણી મોટા થયેલા મનોજને અભિનયનો ચસ્કો ક્યારથી લાગ્યો એની ચોક્કસ ખબર નથી. પરંતુ બાળપણમાં જોયેલી ‘ઝંઝીર’ ફિલ્મે તેના પર ઘણી ઊંડી અસર કરી હતી. આથી કદાચ ફિલ્મોમાં તેના અભિનય માટેના મૂળિયાં ત્યાંથી જ રોપાયા હશે. ‘ઝંઝીર’ પછી તેણે ઉપરાછાપરી ઘણી બધી ફિલ્મો જોઈ નાખી અને છાપામાં બોલિવુડના અભિનેતાઓ વિશે છપાતા વિવિધ સમાચારો અને ગપસપ અત્યંત રસપૂર્વક વાંચી જતો. એવામાં એક વાર નસીરુદ્દીન શાહનો એક ઈન્ટરવ્યૂ તેના વાંચવામાં આવ્યો, જેમાં નસીરુદ્દીને દિલ્હીની પ્રખ્યાત અભિનય શાળા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(એનએસડી) વિશે વાત કરી હતી. તેને આ પહેલા એવો કશો ખ્યાલ ન હતો કે દેશમાં અભિનય શિખવવા માટે પણ તાલીમ અપાય છે. નસીરની વાત વાંચીને તેને પણ દિલ્હી જઈને એનએસડીમાં એડમિશન લેવાની ધૂન લાગી. પણ આ માટે તેણે તેના પિતાને મનાવવા અત્યંત જરૂરી હતા, કારણકે તેના પિતા અભિનય માટે બહુ સારો અભિપ્રાય ધરાવતા ન હતા.

જોકે જેમ તેમ કરીને તેણે તેના પિતાને મનાવી લીધા અને ખભે સપના બાંધી તેણે દિલ્હી જતી ગાડી પકડી. દિલ્હી આવીને તરત જ તેણે એનએસડીમાં એડમિશન લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા પરંતુ પહેલા પ્રયત્નમાં તેને ધારી સફળતા ન મળી અને તેને ત્યાંથી જાકારો મળ્યો. આ જ વાતનું પુનરાવર્તન બીજી, ત્રીજી અને ચોથી વાર પણ થયું. એટલેકે દિલ્હીની પ્રખ્યાત એક્ટિંગ સ્કૂલ એનએસડીએ મનોજ વાજપેઈને ચાર વખત રિજેક્ટ કર્યો હતો. બીજી તરફ તેણે દિલ્હી યુનિવર્સિટીમાં ઈતિહાસના વિષય સાથે સ્નાતકનું ભણતર શરૂ કરી દીધું અને ખર્ચને પહોંચી વળવા તેણે દિલ્હીની સલામ બાળક ટ્રસ્ટમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું હતું. આ રીતે દિલ્હીમાં ત્રણેક વર્ષ વધુ રહી શકાય તેવી તેણે ગોઠવણ કરી નાખી હતી. આ દરમિયાન તેણે બેરી જ્હોનની સાથે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું અને તેની ઈમેગો એક્ટિંગ સ્કૂલમાં અભિનયની તાલીમ લેવાનું શરૂ કર્યું. બેરી જ્હોન સાથે કામ કરવું તેને માટે લાભદાયી સાબિત થયું કારણકે આ દરમિયાન તેને દિલ્હીના નાટ્ય જગતમાં એક કલાકાર તરીકે સારી એવી ખ્યાતિ મળી રહી હતી અને બીજી તરફ દિગ્દર્શક શેખર કપુરની તેના પર નજર પડી અને તેમણે મનોજને તેમની આગામી ફિલ્મ ‘બેન્ડિટ ક્વિન’ માટે સાઈન કરી લીધો. આખરે વર્ષ ૧૯૯૪માં ‘બેન્ડિટ ક્વિન’માં ડાકુ માનસિંઘના રોલમાં તેણે બોલિવુડમાં પદાર્પણ કર્યું અને બોલિવુડને એક ઉત્તમ અભિનેતા મળ્યો.

હવે તે ફિલ્મોમાં કામ કરવાના સપના જોવા માંડયો હતો અને તે દિલ્હી છોડીને મુંબઈ આવી ગયો. પરંતુ આ મુંબઈ હતું. અહીંની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના જેવા અનેક કલાકારો રોજ ડઝનની સંખ્યામાં મુંબઈ ઠલવાતા અને દિગ્દર્શકોના દાદર ઘસીને નિષ્ફળતા પામી ઘરભેગા થઈ જતા હતા. પરંતુ મનોજ હારી કે થાકી જાય એમાનો ન હતો. તેણે ખરા અર્થમાં સ્ટ્રગલ કરી અને ફિલ્મોમાં કોઈ નાનકડું કામ મળી જાય એ માટે અહીંથી ત્યાં રખડપટ્ટી કરી. આ દરમિયાન વર્ષ ૧૯૯૫માં દૂરદર્શનની ‘સ્વાભિમાન’ નામની ધારાવાહિકમાં તેને એક ભૂમિકા મળી. આ જ સિરિયલને કારણે તે સમયે ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી રહેલા બે અભિનેતા આશુતોષ રાણા અને રોહિત રોયને પણ સારી એવી નામના મળી હતી.

એવામાં એક વાર તેને ખબર પડી કે રામગોપાલ વર્મા ‘દૌડ’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આથી મારતે ઘોડે તે રામગોપાલ વર્માને મળવા ગયો અને દૌડમાં તેને કોઈક નાનકડી ભૂમિકા આપે એવી આજીજી કરી. પણ રામુને જ્યારે ખબર પડી કે તેની પાસે નાનકડો રોલ માગી રહેલો આ કલાકાર ‘બેન્ડિટ ક્વિન’નો ડાકુ માનસિંઘ છે ત્યારે રામુએ તેને કહ્યું કે,  ‘તને હું દૌડમાં નાનકડો રોલ આપવા કરતા મારી નવી ફિલ્મ ‘સત્યા’ના ભીખુ મહાત્રે નામના પાત્ર માટે સાઈન કરવાનું વધુ પસંદ કરીશ.’ પરંતુ એ સમયે મનોજ ભારે આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેને પૈસાની તાતી જરૂરિયાત હતી આથી તેણે ‘દૌડ’માં જ એક રોલ માગી જ લીધો અને વર્ષ ૧૯૯૬માં તે ‘દૌડ’માં પુષ્કરના રોલમાં બીજી વખતે મોટા પડદે દેખાયો.
હમણાં સુધી ‘દ્રોહકાલ’, ‘દસ્તક’ અને ‘તમન્ના’ જેવી ફિલ્મોમાં તેણે નાની મોટી ભૂમિકાઓ ભજવી હતી. પરંતુ તેને હજુ પ્રસિદ્ધિ મળી ન હતી. પરંતુ ૧૯૯૮માં ‘સત્યા’ આવી પછી ભીખુ મહાત્રેનું તેનું પાત્ર અત્યંત વખણાયું અને આ સાથે જ મનોજ બાજપાઈને બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા તરીકેની ગ્લેમરસ ઓળખ મળી. આ રોલને કારણે તેના એવોર્ડસનું ખાતુ પણ ખુલ્યું અને તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો નેશનલ એવોર્ડ, તે વર્ષનો ફિલ્મફેર એવોર્ડ, ઝી સીને એવોર્ડ અને સ્ટાર સ્ક્રીન એવોર્ડ પણ પ્રાપ્ત થયો. આ પછી તેની ફિલ્મી કારકિર્દી પાટે ચઢી ગઈ. સત્યા પછી શૂલ(૧૯૯૯), કૌન(૧૯૯૯), અક્સ(૨૦૦૧), ઝુબેદા(૨૦૦૧) અને રોડ(૨૦૦૨) જેવી અનેક ફિલ્મોમાં તેના અભિનયને દર્શકો અને ફિલ્મ વિવેચકો દ્વારા અત્યંત પસંદ કરવામાં આવ્યો.

આ બધી ફિલ્મોને કારણે તેને હમણાં સુધી અનેક એવોર્ડસ મળી ચૂક્યા હતા. પરંતુ ૨૦૦૩માં અમૃતા પ્રીતમની નવલકથા પરથી બનેલી ‘પિંજર’ ફિલ્મે ફરીથી તેને રાષ્ટ્રીય એવોર્ડ અપાવ્યો. વિભાજનના સમય પર બનેલી આ ફિલ્મમાં તેણે રશીદ નામના મુસ્લિમ યુવાનની ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી પણ વીર ઝારા(૨૦૦૪), 1971(૨૦૦૭), આરક્ષણ(૨૦૧૧) અને રાજનીતિ (૨૦૧૧) જેવી ફિલ્મોમાં પણ તેની અભિનયની ગાડી પૂરપાટ દોડી.

‘સત્યા’ ફિલ્મ કરતી વખતે ફિલ્મના સ્ક્રિપ્ટ રાઈટર અનુરાગ કશ્યપ સાથે તેની મિત્રતા થઈ. તેમની આ મિત્રતા આગળ જતા ઘણાં ઊતાર ચઢાવમાંથી પસાર થવાની હતી. કારણકે ‘સત્યા’ પછી તેમના સંબંધ એટલા બધા ગાઢ થઈ ગયા હતા કે તેઓ લગભગ મોટા ભાગનો સમય એકસાથે જ વિતાવતા અને રાત્રે એકબીજાના ઘરે સૂઈ રહેતા. પરંતુ કોઈક વાતે તેમની વચ્ચે ગેરસમજ થઈ અને તેઓ એક દાયકા સુધી એકબીજાથી દૂર રહ્યા. આખરે ૨૦૧૨માં અનુરાગ કશ્યપે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેણે તેમના અબોલા તોડવાની પહેલ કરી અને મનોજ વાજપેઈને વાઈન પીવાનું આમંત્રણ આપ્યું. તેમની આ મિટિંગમાં અનુરાગે મનોજને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ની વાત કરી અને તેને સરદાર ખાનની ભૂમિકા ભજવવા માટે તૈયાર કર્યો. સરદાર ખાનનું પાત્ર દેશમાં કેટલું વખણાયું એ વિશે કંઈ કહેવાની અહીં જરૂર નથી.

ત્યાર પછી પણ મનોજે ચક્રવ્યુહ, સ્પેશિયલ26, શૂટ આઉટ એટ વડાલા અને શૂટ આઉટ એટ વડાલામાં લોકોને તેના અભિનયના જલવા બતાવ્યા છે. અભિનેતા બનવાના નિર્ણય કર્યા પછી મનોજ બાજપેઈએ જીવનની દરેક તડકી છાંયડી જોઈ છે. મુંબઈ આવ્યા પછી શરૂઆતના સમયમાં એક તરફ એ કામ શોધવા માટે અહીંથી ત્યાં ભટકતો હતો ત્યારે તેની પહેલી પત્નીએ પણ તેનાથી છૂટાછેડા લીધા હતા. તે આર્થિક અને પારિવારિક મુશ્કેલીઓનો એકસાથે સામનો કરી રહ્યો હતો પરંતુ તે ભાંગ્યો નહીં અને પોતાના નિયત લક્ષ્ય પર અણનમ રહ્યો. કદાચ આવા જ બધા કારણોસર તેના અભિનયમાં પરિપક્વતા આવી હશે! આજે તે તેની અભિનેત્રી પત્ની નેહા અને નાનકડી દીકરી આવા સાથે અત્યંત ખુશ છે. તે કહે છે કે તેના જીવનમાં હવે ત્રણ જ સપના રહ્યા છે.  એક તેની દીકરીને સારામાં સારુ શિક્ષણ આપવું, બીજું તેના ભાઇ-બહેનને આર્થિક મદદ કરીને માતા-પિતાને તેની સાથે રહેવા લઈ આવવું અને ત્રીજું જીવનના પાછલા વર્ષોમાં તેના વતન જઈ એક નાનકડા ઘરમાં મૂળભૂત સગવડોભર્યું સાદુ જીવન જીવવુ!  હાલમાં તો તે તેની ‘અંજાન’, ‘ટ્રાફિક’ અને ‘તેવર’ નામની ફિલ્મોના શૂટિંગમાં અત્યંત વ્યસ્ત છે.

No comments:

Post a Comment