Friday, April 18, 2014

સોશિયલ મીડિયાનો નવો ટ્રેન્ડઃ મેમે



લોકસભાની ૨૦૦૯ની ચૂંટણી અને આ વર્ષની ચૂંટણી વચ્ચે સૌથી મોટો ફરક એ છે કે ત્યારે દેશના લોકોના હાથમાં સાદા અથવા બહુ ઓછી સુવિધા ધરાવતા સેલફોન હતા, પણ આ વખતે લોકોના હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે. ત્યારે ચોરે ચોતરે બેસીને ફેસ ટુ ફેસ રાજકારણની ચર્ચા થતી ત્યારે આજે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને ફેસબુક વૉલ પર કે વ્હોટ્સએપ ગ્રુપ્સમાં કોઈ મુદ્દા પર દલીલ કે ચર્ચા કરી શકાય છે અને પોતાની દલીલને વજનદાર બનાવવા માટે ફોટોગ્રાફ્સ, વીડિયો અને ડૉક્યુમેન્ટ્સ પણ શેર કરી શકાય છે. ઈનશોર્ટ દરેક હાથમાં સ્માર્ટફોન હોવાથી લોકો પહેલા કરતા વધુ સ્માર્ટ થયાં છે અને સોશિયલ મીડિયાની ચારેકોર વાહવાહી છે.

દેશના રાજકારણમાં, બોલિવુડમાં અથવા રમતજગતમાં જરા સરખી કાંકરી ખરે અને સોશિયલ મીડિયામાં ગણતરીની મિનિટોમાં હોહા મચી જાય. ખેર, સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા બંને છે, પણ એ ચર્ચા અહીં અસ્થાને છે. આજે તો માત્ર ‘મેમે’ની જ વાત. કારણકે આજે અત્ર-તત્ર-સર્વત્ર બસ ‘મેમે’ જ ‘મેમે’ છવાયેલા છે!

દેશમાં ‘મોદી વેવ’ છે કે નથી એ ચર્ચા જેટલી બીજી કોમ્પ્લિકેટેડ ચર્ચા એ પણ છે કે હાલમાં સોશિયલ મીડિયા પર કયો વેવ કે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કારણકે લોકો એકાદ ટ્રેન્ડથી પરિચિત થાય ન થાય ત્યાં બીજા કોઈ નવા ટ્રેન્ડે તેમના મોબાઈલ સ્ક્રીન પર દસ્તક દઈ દીધા હોય છે. હજુ થોડાં દિવસો પહેલા વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સેલ્ફીની બોલબાલા હતી, ત્યાં આજકાલ મેમે પૂરબહારમાં છે. તમને એ પ્રશ્ન થઈ રહ્યો હશે કે ‘મેમે’ વળી કઈ નવી બલા છે, અમે તો તેમને જોયાં જ નહીં? પણ આપણે સૌ એનાથી સારી રીતે પરિચિત છીએ, પરંતુ આપણામાંથી બહુ ઓછાને એની ખબર હશે કે મારી મોબાઇલ ગેલેરીમાં ઓટોસેવ થઈ ગયેલા આ ફોટોગ્રાફ્સને મેમે કહેવામાં આવે છે. તમે જોયું હશે કે આજકાલ ફેસબુક પર લોકો કમેન્ટ બોક્સમાં કેટલાક હાસ્યાસ્પદ ફોટો મૂકતા હોય છે, જેમકે કોઈક વ્યક્તિએ ફેસબુકે અપડેટ કરેલું સ્ટેટ્સ બીજા વ્યક્તિને પસંદ નહીં આવે તો તે પેલાં સ્ટેટસના કમેન્ટ બોક્ષમાં શત્રુઘ્‍નસિંહાનો ફોટો અપલોડ કરશે જેની ઉપર ‘ખામોશ’ લખ્યું હશે. આ ઉપરાંત તમે અભિનેતા આલોકનાથના ફોટા પર ‘સંસ્કારી’ અથવા ‘કન્યાદાન’વાળું કોઈ હાસ્યાસ્પદ વાક્ય જોયું હશે. જે તમને પસંદ આવ્યા બાદ વિના કોઈ વિલંબ તમે બીજા કોઈને શેર પણ કર્યું હશે. આવા ફની ફોટોગ્રાફ્સ કે વીડિયોને મેમે કહેવામાં આવે છે.

વ્હોટ્સ એપ પર ઘણું ચગેલુ અબકી બાર મોદી સરકારનું મેમે
એક જગ્યાએ સોશિયલ મીડિયાના મેમે માટે કંઈક આવી વ્યાખ્યા કરવામાં આવી છે, ‘કોઈ પણ વીડિયો, હેઝટેગ, ફોટો કે ગીતને અમુક પ્રકારના શબ્દો સાથે કોઈ બીજા અર્થમાં રજૂ કરાય તો તેને મેમે કહેવામાં આવે છે. આમ તો મેમે શબ્દનો પ્રયોગ સૌથી પહેલી વખત ૧૯૭૬માં રિચર્ડ ડોકિંગ્સે તેમના ‘ધ સેલ્ફિશ જિન’ નામના પુસ્તકમાં કર્યો હતો. ત્યાર પછી વર્ષો સુધી જુદા જુદા સંદર્ભોમાં તેનો ઉપયોગ થતો રહ્યો અને વર્ષ ૧૯૯૬માં તે ઇન્ટરનેટ આલમમાં આવી પહોંચ્યો. જોકે ઈન્ટરનેટ પર તેનો અર્થ બદલાઈ ગયો અને ડોકિંગ્સ સાહેબનો કાલ્પનિક મેમે કોઈ વાત અથવા વિચારને આકર્ષકતાથી રજૂ કરવા માટેનું એક ટુલ બની ગયો. ભારતની વાત કરીએ તો દેશની કોઈક જાણીતી હસ્તીની ઠેકડી ઉડાવવાથી લઈને રાજકીય પક્ષોના પ્રચારમાં મેમેનો મહત્તમ ઉપયોગ થાય છે.

ગયા સપ્‍તાહમાં જ ભારત ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં શ્રીલંકા સામે હારી ગયું ત્યારે લોકોએ દોષનો ટોપલો યુવરાજ સિંઘ પર ઢોળ્યો અને માત્ર તે મેચના તેના પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને કેટલાક કહેવાતા ક્રિયેટિવ ડિંગલીખોરોએ યુવરાજના મેમે તૈયાર કરી નાંખ્યા. હજુ તો મેચ પૂરી થાય એ પહેલા વ્હોટ્સએપ અને ફેસબુક પર યુવરાજના નામે અસંખ્ય મેમે ફરતા હતા. માત્રને માત્ર આ ‘મેમે’ના ત્રાસને કારણે સોમવારે સવારે એટલે કે ફાઇનલ મેચના બીજા દિવસે કેટલાક લોકોએ ફેસબુક પર લાંબા લચાક સ્ટેટસ અપડેટ કરવા પડ્યા કે ભાઈ આ જ ખેલાડીએ ભૂતકાળમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા એ ભૂલી ગયાં કે શું? યુવરાજ પરના વ્યંગ ઉપરાંત અભિનેતા આલોકનાથ પરના જોક્સ અથવા સની લિયોન કે ચૂંટણીમાં ઊભા રહેવાની રાખી સાવંતની જાહેરાત પછી તેના ફોટોગ્રાફ્સ સાથેના વિટ્ટી વાઇરલ્સ પણ ઘણાં લોકપ્રિય થયાં છે. લોકોના ઈનબોક્સ સુધી આટલી આસાનીથી પહોંચી શકાતું હોય તો એ લાભ ખાટી લેવામાં રાજકીય પક્ષોએ પણ એડીચોટીની મહેનત કરી છે.

જોકે રાજકીય પક્ષોએ હંગામી ધોરણે ઊભા કરેલા આઇટી સેલમાંથી આ મેમે વાઇરલ થાય છે કે પછી વિવિધ પક્ષોના અાંધળા સમર્થકો પણ આવા મેમે તૈયાર કરતા હોય છે, એ સંશોધનનો વિષય છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી અને અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધા પછી તેમના નામે અઢળક મેમે વાયરલ થયા હતા. હાલમાં રાજકારણના મેમેમાં ‘અબકી બાર મોદી સરકાર’ અત્યંત હિટ રહ્યું છે, જેમાં લોકો ‘અબકી બાર..’ સાથે જાતજાતના વાક્યો કે ગીતોનો પ્રાસ બેસાડી રહ્યા છે. દા.ત. ‘દેખા હે પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર.. અબકી બાર મોદી સરકાર.’ અથવા ‘પાનીપૂરી હે દસકી ચાર, અબકી બાર મોદી સરકાર’ વાહ!

વ્લાદીમિર પુતિન પરનું એક મેમે
જોકે, દેશ બહારના કેટલાક મેમે પર અછડતી નજર કરીએ તો વિદેશમાં બરાક ઓબામા, વ્લાદીમિર પુતિન, ડેવિડ કેમેરોન અને ઈંગ્લેન્ડના રાણી જેવા લોકો મેમે માટે હોટ ફેવરિટ છે. યુક્રેનની કટોકટી વખતે યુરોપ અને અમેરિકાએ પુતિન વિરોધી મેમે સોશિયલ મીડિયામાં લીક કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો મલેશિયાનું MH 370 લાપતા થયું પછી આવા ગંભીર વિષયો પર પણ લોકોએ મેમે તૈયાર કર્યા હતા. જોકે આપણા અને વિદેશના મેમેમાં ફરક એટલો જ છે કે તેમના મેમે ખરા અર્થમાં ક્રિયેટિવ હોય છે, જ્યારે આપણે ત્યાં અમુકને બાદ કરતા મોટા ભાગના મેમેમાં સ્તર જળવાતું નથી અને લોકો નિમ્‍ન સ્તરની ભાષા વાપરતા હોય છે.
જો મેમેમાં વ્યંગનો યોગ્ય ઉપયોગ કરાય તો આજના સમયમાં તે વિરોધ કરવાનું અત્યંત અસરકારક માધ્યમ છે. આજે તેના વધારે પડતા ચલણને કારણે પ્લેસ્ટોર પર મેમે બનાવતી કેટલીક એપ પણ છે તો કેટલીક વેબસાઇટ્સ પર પણ આસાનીથી મેમે તૈયાર કરી શકાય છે. તો હવે સેલ્ફી તો આપણે ઘણાં પાડ્યા અને લોકોની લાઇક્સ પણ બહુ લીધી, હવે મેમેનો સમય આવ્યો છે. ચાલો તમે પણ મેમે તૈયાર કરતી એકાદ એપ ડાઉનલોડ કરો અને મેમે તૈયાર કરીને વ્હોટ્સએપ કે ફેસબુક પર ફરતું કરી દો. અલબત્ત શિષ્ટાચારના કેટલાક નિયમો જાળવવાનું ના ભૂલતા! ■

No comments:

Post a Comment