Sunday, May 18, 2014

મલ્ટીટેલેન્ટેડ, મલ્ટીટાસ્કિંગ અલી ઝફર

આપણા મોટેરાઓ હંમેશાં સલાહ આપતા હોય છે કે દસ જગ્યાએ વલખા મારવા કરતા કોઈ પણ એક જ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું, જેથી આપણે તેમાં નિપુણતા મેળવી શકીએ. પરંતુ કેટલીક વ્યક્તિ વડીલોની આ આ સલાહને ધરાર ખોટી પાડતી હોય છે. આવી વ્યક્તિને આપણે મલ્ટીટેલેન્ટેડ કહીએ છીએ અને બોલિવુડ સ્ટાર અલી ઝફર આ કેટેગરીનું બેસ્ટ ઉદાહરણ છે. કારણકે મલ્ટીટેલેન્ટેડ વ્યક્તિ પણ આમ તો એક જ કામમાં સફળતા મેળવી શકે છે, જેના માટે બીજી બધી આવડત હોબી ગણાતી હોય છે. પરંતુ અલી ઝફરે જે  ક્ષેત્ર કે વિષય પર હાથ અજમાવ્યો તેમાં તે માત્ર સફળતા જ પામ્યો છે. તેની હમણાં સુધીની કારકિર્દીને ધ્યાનમાં રાખતા આપણે તેને સફળ ચિત્રકારનું, ગાયકનું, ગીતકારનું, સંગીતકારનું  કે અભિનેતાનું, જે કોઈ લેબલ લગાડવું હોય એ લગાડી શકાય છે.

વર્ષ ૧૯૮૦ની ૧૮મી મેના રોજ પાકિસ્તાનના લાહોર ખાતે જન્મેલો અલી જન્મથી જ ઘણો લકી હતો એમ કહી શકાય. તેના માતા-પિતા પાકિસ્તાનની પંજાબ યુનિવર્સિટીમાં અધ્યાપક હતા. નાનપણમાં અલીએ તેના પિતાને સતત ચિત્રો દોરતા જોયેલા એટલે કલા સાથેનો તેનો નાતો તે ઘણો નાનો હતો ત્યારથી જ બંધાઈ ગયેલો. ભણવામાં હોશિયાર અલીએ નાનપણથી જ ચિત્રકાર બનવાનું સપનું સેવ્યું હતું આથી વર્ષ ૧૯૯૮માં તેણે પાકિસ્તાનની ‘નેશનલ કોલેજ ઓફ આર્ટ’ના ફાઈન આર્ટ ડિપાર્ટમેન્ટમાં એડમિશન લીધું અને ચિત્રકળામાં ઘણાં ઊંચા માર્ક્સ સાથે તે ગ્રેજ્યુએટ થયો. તેને કોલેજના સમયગાળામાં પોપ મ્યુઝિકમાં રસ પડવા માંડેલો આથી તેના કેટલાક મિત્રો સાથે ક્યારેક આપણું પણ મ્યુઝિક આલબમ બહાર આવશે એવું તે સપનું જોતો. પણ તેને ખબર હતી કે મ્યુઝિક આલબમ બહાર પાડવું એ કંઈ ખાવાના ખેલ નથી કારણકે એ માટે અઢળક પૈસાની જરૂર પડતી હોય છે. યોગ્ય પૈસા એકઠા થઈ રહે એ માટે તેણે પાકિસ્તાનની ફાઈવ સ્ટાર હોટેલોમાં લાઈવ પોટ્રેઈટ દોરવાના શરૂ કર્યા અને બીજી તરફ એ ત્યાંની કેટલીક બ્રાન્ડ માટે મોડેલિંગ કરતો. આ દરમિયાન તેણે કેટલીક ટેલિવિઝન સિરિયલમાં પણ કામ કર્યું હતું.

આ બધા કામો કરવાને કારણે તે પાકિસ્તાનના યુવાનોમાં ખાસો લોકપ્રિય થયો અને તેને સેલિબ્રિટી સ્ટેટ્સ પણ મળ્યું. પરંતુ તે માત્ર સંગીતમાં જ રમમાણ હતો અને કોઈ પણ પ્રકારે તેણે તેનું મ્યુઝિક આલ્બમ બહાર પાડવું હતું. આ માટે ગીત તૈયાર કરવા કે સંગીત તૈયાર કરવા જેવી કેટલીક પાયાની તૈયારીઓ પણ તેણે શરૂ કરી દીધી હતી. આથી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરતા જ તેણે આલબમ પર કામ શરૂ કરી દીધું અને ઘણી મહેનત બાદ વર્ષ ૨૦૦૩માં તેણે ‘હુક્કા પાની’ નામનું આલબમ બહાર પાડીને તેનું સપનું સાકાર કર્યું.
‘હુક્કા પાની’નું ‘છન્‍નો’ નામનું ગીત અત્યંત લોકપ્રિય રહ્યું અને આ આલબમને કારણે તેને પાકિસ્તાનની બહાર પણ પણ સારી એવી ખ્યાતિ મળી. (હિમેશ રેશમિયા અને ભપ્પી લાહિડીએ તેના આ આલબમાંથી કેટલીક ટ્યુનની તફડંચી કરી હોવાના આક્ષેપો પણ થયાં છે!) અલી એ પછી પાકિસ્તાનમાં ‘પ્રિન્સ ઓફ પોપ’ તરીકે ઓળખાવા લાગ્યો હતો. વર્ષ ૨૦૦૬માં તેણે તેનો બીજો મ્યુઝિક આલબમ લોન્ચ કર્યો.

‘મસ્તી’ નામના તેના આ આલબમને પણ પહેલા જેટલી જ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. હવે તેણે એક નવો કીમિયો અજમાવ્યો. તેણે તેના આલબમ ‘મસ્તી’ના લોકપ્રિય ગીતોનું વીડિયો વર્ઝન તૈયાર કરવાનું શરૂ કર્યું. આ પ્રયોગમાં તેણે પાકિસ્તાનની કેટલીક અભિનેત્રીઓને લઈને વારાફરતી કેટલાક વીડિયો તૈયાર કરીને માર્કેટમાં મૂક્યાં. તેના આ પ્રયોગ દરમિયાન કેટલાકમાં તે સફળ પણ થયો.  તેના મ્યુઝિક આલબમ્સને કારણે તે ભારતમાં હોટ ફેવરિટ તો હતો જ પણ વર્ષ ૨૦૧૦માં આવેલી તેની પહેલી ફિલ્મ ‘તેરે બિન લાદેન’ને કારણે તેના ચાહકોમાં જબરો ઉછાળ આવ્યો. આ ફિલ્મને કારણે તેણે બોલિવુડમાં પહેલા સફળ પાકિસ્તાની અભિનેતા તરીકેનું સ્થાન મેળવ્યું તો તેના અભિનય અને પર્સનાલિટીને કારણે તેને એકસાથે ૪૦ જેટલી ફિલ્મોની ઓફર આવી. હમણાં સુધી તે સંગીતને જ પ્રાધાન્ય આપતો હતો પરંતુ તેના અભિનયના વખાણ થતાં હવે તે એક્ટિંગને વધુ ગંભીરતાથી લેવા માંડ્યો હતો. તેની પહેલી ફિલ્મ લો બજેટ હતી પણ થોડાં જ સમયમાં તેને કેટરીના કૈફ સાથે યશરાજની ‘મેરે બ્રધર કી દુલ્હન’માં કામ કરવાની તક મળી. જોકે તેની આ ફિલ્મ બોક્સઓફિસ પર ઠીક સાબિત થઈ હતી પરંતુ અહીં પણ તે લોકોનું તેની તરફ ધ્યાન આકર્ષિત કરવામાં સફળ તો રહ્યો જ હતો.

ત્યાર પછી તેણે વર્ષ ૨૦૧૨ની ‘લંડન પેરિસ ન્યુયોર્ક’ ફિલ્મમાં કામ કર્યું, જેમાં તેણે અભિનયની સાથે સંગીતકાર, ગીતકાર અને ગાયક તરીકે પણ કામ કર્યું. છેલ્લે તે ગયા વર્ષે આવેલી દિગ્દર્શક ડેવિડ ધવનની ક્લાસિક રિમેક ‘ચશ્મે બદ‍્‍દુર’માં દેખાયો હતો. ભારતમાં કામ કરીને તે ઘણો ખુશ છે અને તે ભારતના લોકોનો ઘણો આભાર પણ માને છે કારણકે અહીં કોઈએ તેને એ બહારથી કે ખાસ તો પાકિસ્તાનથી આવ્યો છે એવું ક્યારેય લાગવા દીધું નથી. અલી તેના જીવનમાં પૈસાને બહુ મહત્ત્વ આપતો નથી અને તે યુવા કલાકારોને પણ સલાહ આપે છે કે, ‘ક્યારેય પૈસાને કેન્દ્રમાં રાખીને કોઈ કામ નહીં કરવું. મહેનત અને લગનથી પોતાનું ગમતું કામ કરતા રહેશો તો પૈસો અને ખ્યાતિ બંને આપોઆપ આવશે.’  

No comments:

Post a Comment