Tuesday, May 13, 2014

હતા તોફાન જે દરિયે, હવે મારા વહાણે છે

ગુજરાતના ગઝલકારોએ ગઝલ સાહિત્યમાં માતબર સર્જન કર્યું છે પરંતુ વર્ષો સુધી આ ગઝલો કેટલાક મુશાયરાઓ સુધી જ સીમિત રહી હતી. પણ આજે એ ગઝલો ગુજરાત સહિત દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓ ઘણા ઉત્સાહથી સાંભળે છે અને ગાય છે. આ ગઝલોને આટલી બધી પ્રખ્યાત કરવા માટે મનહર ઉધાસ જેવો અને જેટલો ફાળો કોઈએ નથી આપ્યો. તેમના કારણે વર્ષો સુધી લાયબ્રેરીના થોથાઓમાં સચવાયેલી ગુજરાતી ગઝલો કરોડો ગુજરાતીઓના મોબાઈલની પર્સનલ મ્યુઝિક લાયબ્રેરીમાં સંગ્રહિત છે. મનહર ઉધાસના પ્રયત્નોને કારણે જ અમેરિકામાં વસતી ગુજરાતી માતા તેના બાળકને ‘દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે’ ગાઈને સુવડાવે છે અને મુંબઇની લોકલમાં બો‌રિવલીથી ચર્ચગેટ જતો ગુજરાતી યુવાન ‘શાંત ઝરુખે વાટ નીરખતી રૂપની રાણી જોઈ હતી’ સાંભળીને વારંવાર મીઠા ફેન્ટસી સરી જાય છે.

મનહર ઉધાસનો જન્મ ૧૩ મેના રોજ સૌરાષ્ટ્રના જેતપુર ખાતે થયો હતો. મનહર, પંકજ અને નિર્મલ એમ ત્રણ ગાયક અને સંગીતકાર ભાઈઓમાં સૌથી મોટા એવા મનહર ઉધાસ ૧૯૬૦ના દાયકામાં મુંબઈ આવ્યા હતા. જોકે સામાન્ય રીતે જે રીતે લોકો મુંબઈ પહોંચે એ રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈક બનવા માટે નહીં પરંતુ મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી મેળવવા માટે તેઓ મુંબઈ આવ્યા હતા! મુંબઈ પહોંચીને તેમણે કોઈક ટેક્ષ્ટાઈલ કંપનીમાં એન્જિનિયર તરીકે કામ શરૂ પણ કરેલું. પરંતુ તેમની નિય‌િતએ તેમના માટે કંઈક બીજું નક્કી કરી રાખ્યું હતું. એવામાં એક વાર તેમના નજીકના સંબંધી અને ગુજરાતી ફિલ્મોના નિર્માતા નાનુભાઈ ગઢવીએ સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજી સાથે તેમની મુલાકાત કરાવી.


આ મુલાકાત ગાયક તરીકેની તેમની કારકિર્દીમાં મહત્ત્વનો વળાંક સાબિત થઈ. વર્ષ ૧૯૬૯માં ફિલ્મ ‘વિશ્વાસ’ માટે કલ્યાણજી-આણંદજી ‘આપ સે હમકો બિછડે હુએ એક ઝમાના બીત ગયા’ ગીત રેકોર્ડ કરી રહ્યા હતા ત્યારે ગીતના ગાયક મુકેશ શહેરમાં હાજર ન હતા. આથી મનહર ઉધાસ પાસે આ ગીત રેકોર્ડ કરાવીને પાછળથી મુકેશ પાસે ડબ કરશે એવું કલ્યાણજી-આણંદજીએ નક્કી કર્યું. કાર્યક્રમ મુજબ મનહર ઉધાસે ગીત રેકોર્ડ કર્યું. પરંતુ જ્યારે મુકેશે આ ગીત સાંભળ્યું ત્યારે તેમને મનહરનો અવાજ અત્યંત પસંદ આવ્યો અને તેમણે સંગીતકારોને સલાહ આપી કે મનહર ઉધાસે ગાયેલું આ ગીત ફિલ્મમાં જવું જોઈએ. આમ જોગાનુજોગ જ મનહર ઉધાસે બોલિવુડમાં ગાયક તરીકે પ્રવેશ કર્યો.

ત્યાર બાદ તેમણે બોલિવુડના ટોચના સંગીતકારો સાથે ‘પૂરબ ઓર પશ્ચિમ’, ‘રાજા સાહેબ’, ‘ફરેબ’, ‘કાગજ કી નાવ’ અને ‘સાથી’ જેવી ફિલ્મોમાં પાર્શ્વગાયન કર્યું. પરંતુ વર્ષ ૧૯૭૩માં આવેલી ‘અભિમાન’ ફિલ્મમાં લતા મંગેશકર સાથે તેમણે ગાયેલુ ‘લૂંટે કોઈ મન કા નગર’ ગીત અત્યંત હિટ રહ્યું અને આ કારણે તેમની લોકપ્રિયતા ટોચ પર પહોંચી ગઈ. તેમના અને મુકેશના અવાજમાં ઘણી સામ્યતાઓ હોવાને કારણે શરૂઆતમાં લોકો તેમણે ગાયેલા ગીતો મુકેશે ગાયા છે એવું સમજી બેસતા. સિત્તેરના આ દાયકામાં  એક તરફ મુકેશ અને મોહમ્મદ રફી જેવા સ્થાપિત ગાયકોનો બોલિવુડ સંગીત પર દબદબો હતો ત્યારે સંગીતની આછી પાતળી તાલીમ મેળવનાર યુવાન મનહરની કારકિર્દીનો ગ્રાફ સરળતાથી ઉપર ચઢી રહ્યો હતો. ફિલ્મ ‘કુરબાની’નું ‘હમ તુમ્હે ચાહતે હે’ અને ફિલ્મ ‘ઝાંબાઝ’નું ‘હર કિસી કો નહીં મિલતા’ જેવા ગીતો અત્યંત હિટ રહ્યા હતા. પરંતુ વર્ષ ૧૯૮૧માં સુભાષ ઘાઈની ‘હીરો’ ફિલ્મમાં ડેબ્યુ કરી રહેલા જેકી શ્રોફ માટે તેમણે ગાયેલુ ‘મેં તેરા જાનુ’ અને ‘પ્યાર કરને વાલે’ જેવા ગીત તેમની કારકિર્દી માટે માઈલસ્ટોન સાબિત થયાં.

ફિલ્મ ‘હિરો’ પછી તેમણે જેકી શ્રોફ માટે ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા. તેમના માટે એવું પણ કહેવાય છે કે ‘હીરો’ પછી તેઓ સુભાષ ઘાઈ કેમ્પના સદસ્ય બની ગયા હતા. ત્યાર પછી આવેલી ઘાઈની ‘કર્મા’, ‘સૌદાગર’, ‘રામલખન’ અને ‘ખલનાયક’ જેવી ફિલ્મોમાં તેમને ગીત ગાવાનો મોકો મળ્યો હતો. હિન્દી સિનેમાની સાથે તેમણે બંગાળી, ઓરિયા, આસામી, અને પંજાબી જેવી પ્રાદેશિક ભાષાઓમાં પણ ગીતો ગાયા હતા. આ બધા ગીતોનો સરવાળો કરવા જઈએ તો ૩૦૦નો આંકડો અમસ્તોય પાર થઈ જાય! જોકે પાછળથી બદલાતા સમય સાથે બોલિવુડમાં પણ કેટલાક બદલાવ આવ્યા અને તેની સાથે બોલિવુડમાં મનહર ઉધાસને કામ મળવાનું ઘણું ઓછું થઈ ગયું. આ અરસામાં તેમણે ગુજરાતીમાં ગાવાનું શરૂ કરી દીધું હતું અને ‘પ્રીતના સપના’ અને ‘સુરજ ઢળતી સાંજ’ જેવા ગઝલ આલબમ ઘણાં લોકપ્રિય પણ રહ્યા હતા. આથી તેમણે ગુજરાતી ગઝલોમાં તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું.

બોલિવુડની બદલાયેલી પરિસ્થિતિઓને એમણે અત્યંત હકારાત્મકતાથી લીધી હતી. તેમના મતે આજની ફિલ્મોના કોન્સેપ્ટ્સ સાથે તેમનો અવાજ મેચ થઈ શકતો નથી. આથી તેમને ઓફર મળતી બંધ થઈ ગઈ. તેમનું માનવું છે કે આ સિરસ્તો બોલિવુડમાં વર્ષોથી ચાલતો આવ્યો છે, તેમની જગ્યાએ અલ્કા યાજ્ઞિક અને ઉદિત નારાયણ જેવા નવા ગાયકો આવ્યા અને તેમના પછી સોનુ નિગમનો જમાનો આવ્યો! સિમ્પલ લોજિક! મનહર ઉધાસ તેમના નાના ભાઈઓની કારકિર્દીને લઈ પણ અત્યંત ખુશ છે. તેમણે ત્રણેય ભાઈઓએ સંગીતમાં અનન્ય યોગદાન આપ્યું છે તેનો તેમને ઘણો સંતોષ છે.

તેમના કારણે આજે અનેક ગુજરાતી શાયરોની રચના ઘરે ઘરે પહોંચી છે. અત્યંત સૌમ્ય અને ૠજુ સ્વભાવના મનહર ઉધાસ હાલમાં ભારત સહિત વિદેશોમાં અનેક કાર્યક્રમો આપે છે. તેમના ગઝલ આલ્બમના નામ ‘અ’ શબ્દથી શરૂ થાય છે. હમણાં સુધીમાં તેમના વીસેક ગુજરાતી ગઝલોના આલબમ આવી ચૂક્યા છે. કાર્યક્રમ ન હોય ત્યારે પણ તેઓ નિયમિત રિયાઝ કરે છે. તેમના મતે ‘જેમ સમુદ્રમંથન કરવાથી અમૃત મળે એમ નિયમિત રિયાઝ કરવાથી સ્વર વધુ પરિપક્વ અને ધારદાર થાય છે’. 

2 comments:

  1. I did not know that Nanhar Udhase has sung so many famous hindi songs !!!!

    ReplyDelete
    Replies
    1. Hmmmm... Tu Mera Hero He.. was super hit From him........

      Delete