ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને ઉત્કર્ષ મઝુમદાર |
નાટકની દુનિયામાં પ્રવેશ ક્યારે થયો? પહેલું પરફોર્મન્સ ક્યારે આપ્યું?
હું મારા શાળાજીવનથી જ નાટ્યક્ષેત્ર સાથે સંકળાયેલો છું. મેં ધીરુબહેન પટેલ લિખિત ‘અંડેરી ગંડેરી ટીપરી’ નામનું બાળનાટક સૌથી પહેલું ભજવેલું. આ એક મ્યુઝિકલ પ્લે હતું, જેના અમે તે જમાનામાં ૨૫ શૉ કરેલા. આ ઉપરાંત સ્કૂલમાં મારો એક પારસી મિત્ર હતો, જેની સાથે અમે ટીચર્સ ડેના દિવસે પારસી સ્કીટ કરતા. તે સમયે પારસી નાટકો કરવાની મને ખૂબ મજા આવતી કારણકે એક તો પારસી નાટક રમૂજી હોય એટલે તમને રિસ્પોન્સ સારો મળે. અને બીજું એ કે અમે પેલા પારસી મિત્રને ત્યાં રિહર્સલ કરતા એટલે તેને ત્યાં નિતનવું પારસી ખાવાનું મળે એ વધારાનું! આમ, મારી અભિનય યાત્રા શરૂ થઈ.
હું કોલેજમાં આવ્યો ત્યારે મીનળ પટેલ મને ચંદ્રકાન્ત ઠક્કર પાસે લઈ ગયા. ચંદ્રકાન્તભાઈ એ વખતે આબિદ સુરતીનું ‘હિપ્પી હિપ્પી હૂરરે’ તૈયાર કરી રહ્યા હતા, જેમાં તેમણે મને પસંદ કર્યો. વર્ષ ૧૯૭૦માં ભજવાયેલું આ નાટક મારું પહેલું પ્રોફેશનલ નાટક હતું. સામાન્ય રીતે એવું થતું હોય છે કે, બધા કલાકારો પહેલા ઈન્ટર કોલેજીયેટમાં આવે અને પછી પ્રોફેશનલમાં આવે. પરંતુ મારા કિસ્સામાં ઊંધું થયું, હું પ્રોફેશનલ નાટકોમાં પહેલા આવ્યો!
કોલેજ કાળની વાત કરું તો હું ઝેવિયર્સમાં ભણતો, તેઓ સ્પર્ધામાં ગુજરાતી નાટકો કરતા નહીં. પરંતુ મારે ગુજરાતી નાટકો કરવા હતા. એ દરમિયાન પ્રવીણ સોલંકી મારી મદદે આવ્યા, જેમણે મને મફતમાં નાટક તો આપ્યું જ પરંતુ તેને ડિરેક્ટ પણ કર્યું. પરંતુ એ નાટક દરમિયાન થયું એવું કે અમારી અભિનેત્રી યોગ્ય સમયે મંચ પર આવી શકી નહીં. આથી અમારું નાટક બેસી ગયું અને લોકોએ હુરિયો બોલાવાનું શરૂ કરી દીધું. આવું જ કંઈક મારા બીજા નાટક સાથે પણ થયું. આ કારણે ગુજરાતી નાટકોની ઈન્ટર કોલેજીયેટમાં મારું કશું જામતું ન હતું. એક તરફ હું ઝેવિયર્સના હિન્દી નાટકોમાં સારી નામના મેળવી રહ્યો હતો. ફારુખ શેખના દિગ્દર્શન હેઠળ મેં ‘કાયાકલ્પ’ નામનું નાટક કરેલું તેમજ અમારા એક પ્રોફેસર જગદંબાપ્રસાદ દીક્ષિતે હિન્દીમાં તૈયાર કરેલા ‘વેઈટિંગ ફોર ગોદો’માં પણ મેં નામના મેળવેલી. પરંતુ તમે વિદ્યાર્થી હો ત્યારે તમને એવી ઈચ્છા હોય કે ઈન્ટર કોલેજીયેટમાં તમારો વટ પડવો જોઈએ.
'ઈમેજ' પબ્લિકેશનના કાર્યક્રમમાં ઉત્કર્ષ મઝુમદાર |
સત્યદેવ દુબે અને સિતાંશુ યશશ્ચંદ્ર સાથે તમે શરૂઆતમાં સારું કામ કર્યું છે. એ વિશે કંઈક જણાવો.
વર્ષ ૧૯૭૩માં હું ગિરિશ દેસાઈ સાથે ‘નોખી માટી, નોખા માનવી’ નામનું એક પ્રોફેશનલ નાટક કરી રહ્યો હતો. એક દિવસ ગિરિશભાઈ મને સત્યદેવ દુબે પાસે લઈ ગયા. તે સમયે દુબે ‘સખારામ બાઈન્ડર’ નામનું એક ગુજરાતી નાટક કરી રહ્યા હતા, પાછળથી હું એ નાટકના પ્રોડક્શન સાથે પણ સંકળાયો. એવામાં એક વાર દુબેસર મારી પાસે આવ્યાં અને મને કહે, ‘યુ આર ડુઈંગ માય નેક્સ્ટ પ્લે.’ દુબે આજે તો નાટકોની દુનિયાનું માઈલસ્ટોન નામ છે જ પરંતુ ત્યારે પણ તેઓ સારી એવી ખ્યાતિ ધરાવતા. આમ, મને તેમણે સામેથી તક આપી અને મેં એમની સાથે ‘અચ્છા, એક બાર ઓર’ નામનું નાટક કર્યું, જેમાં ચિત્રા પાલેકર અને અમરીશ પુરી પણ હતા. આ પછી મેં સત્યદેવ દુબે સાથે હિન્દીમાં અનેક નાટકો કર્યા.
મેં આગળ કહ્યું એમ માત્ર આંતરકોલેજ નાટ્યસ્પર્ધા માટે મેં જુનિયર કોલેજમાં એક વર્ષ રિપીટ કરેલું. તે વર્ષે નાટક ભજવવા માટે હું ફરીથી પ્રવીણ સોલંકી પાસે ગયો. પ્રવીણભાઈએ મને અરવિંદ ઠક્કર પાસે મોકલ્યો, જેમણે મને આયર્નેસનું ‘ધ લેસન’ નાટકનું પુસ્તક આપ્યું. હું એ નાટક વાંચી ગયો પરંતુ અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી હોવા છતાં મને એ નાટક સમજાયું નહીં. નાટકના શબ્દો મને સમજાય પરંતુ તેનો ગૂઢાર્થ હું સમજી શક્યો નહીં. પણ મને એટલી ખબર હતી કે આ નાટકમાં કંઈક વિશેષ તો છે જ એટલે મેં આ નાટક કરવું જ છે એવી ગાંઠ વાળી. અરવિંદ ઠક્કર મને કહે છે તું આનું રૂપાંતર કોની પાસે કરાવશે? એટલે મેં કહ્યું મારા ધ્યાનમાં એક માણસ છે. અને તે માણસ એટલે સિતાંશુ યશશ્ચંદ્ર! સિતાંશુભાઈ મારા સગામાં પણ થાય એટલે હું તેમની પાસે ગયો અને નાટકના રૂપાંતર વિશે વાત કરી. તેઓ કહે, ‘હું તને રૂપાંતર કરી તો આપું પરંતુ મેં આજ સુધી કોઈ નાટક લખ્યું જ નથી.’ મેં કહ્યું, ‘તો હવે શરૂ કરો.’ પણ તેઓ એકના બે ના થાય. એટલે મેં કહ્યું ભલે, તો હું હજુ ત્રણ વ્યક્તિ પાસે જઈશ. સિતાંશુ યશશ્ચંદ્ર, એસ. વાય મહેતા અને સિતાંશુ મહેતા! એટલે તેઓ હસી પડ્યાં અને નાટકનું ગુજરાતી રૂપાંતર કરવા તૈયાર થયાં. તમે માનશો નહીં પણ સિતાંશુભાઈએ એ નાટકનું એવું અદભુત રૂપાંતરણ કર્યું કે તમને એમ જ લાગે કે આ નાટક મૌલિક જ છે! તે નાટક એટલે આયર્નેસનું ‘ધ લેસન’, જે તે સમયે બહું ગાજેલું અને અમે ઈતિહાસ સર્જેલો. મારા પછી તો આ નાટક અનેક નામી લોકોએ ભજવ્યું પણ શરૂઆત મેં કરેલી. આમ સિતાંશુને નાટકો લખતા પણ મેં કરેલા.
ત્યારબાદ સિતાંશુભાઈએ ‘આ માણસ મદ્રાસી લાગે છે’ નામનું એક મૌલિક નાટક લખ્યું. સત્યદેવ દુબે અમને કહે કે આપણે આ નાટક કરવું જ છે. એ નાટકમાં તેમણે મને સહદિગ્દર્શક તરીકે પસંદ કર્યો. આવી રીતે દુબેજીએ મને દિગ્દર્શક તરીકે પણ તૈયાર કર્યો. કારણકે નવાનિશાળીયા જેવા મને તેમણે નાટકના સેટથી સીન ગોઠવવા જેવી કેટલીક મહત્ત્વની જવાબદારી સોંપવા માંડી. આવા કામ કરતી વખતે હું જરા પણ ખચકાઉં તો તેઓ મને ઉત્સાહ આપતા અને કેટલીક બાબતો મને મારી રીતે કરીને મને શીખવા દેતા.
તમે દૂરદર્શન સાથે પણ સંકળાયેલા હતા. ત્યાં તમે કયા પ્રકારના કામ કર્યા?
મેં ઝેવિયર્સમાંથી જ ડિપ્લોમા ઈન માસકોમ્યુનિકેશનનો કોર્સ કર્યો અને તરત દૂરદર્શનમાં જોડાયો. વર્ષ ૧૯૯૧ સુધી મેં દૂરદર્શનમાં મુંબઈ, અમદાવાદ અને રાજકોટ કેન્દ્ર પર વિવિધ જવાબદારીઓ સંભાળી. મેં ‘આવો મારી સાથે’નું સંચાલન પણ કર્યું. અહીં મેં દાદાભાઇ નવરોજી પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર કરેલી. તમને જાણીને આશ્ચર્ય થશે કે મારી પહેલા દાદાભાઈ નવરોજી પર કોઈએ ફિલ્મ કે ડૉક્યુમેન્ટરી જેવું કંઈ બનાવેલું નહીં એટલે બધી માહિતી મેળવવા મારે અઢળક સંશોધન કરવું પડેલું. મારું એ કામ અત્યંત વખણાયેલું અને દૂરદર્શનના નેશનલ નેટવર્ક પરથી તે ફિલ્મ પ્રસારિત કરવામાં આવેલી. નીનુ (મઝુમદાર) કાકા સાથે પણ કેટલાક કાર્યક્રમો કરેલા. આ ઉપરાંત નેશનલ પ્રોગ્રામ ઓફ ડાન્સ પણ કર્યા છે, જે દિલ્હીથી પ્રસારિત થતાં. જોકે પાછળથી મેં નાટકો અને અન્ય કેટલીક પ્રવૃત્તિઓ માટે દૂરદર્શનની અતિસુરક્ષિત નોકરી છોડી દીધી. નોકરી છોડતી વખતે મનમાં ભવિષ્યની ચિંતા હતી પરંતુ એમાં મને મારી પત્નીએ ખૂબ સાથ આપ્યો. તેમણે મને મારું ગમતું કામ કરવા માટે ઘણો પ્રોત્સાહિત કર્યો. હું એક પંજાબી સ્ત્રીને પરણ્યો છું, જેમનું નામ નિશ્ચિંત છે. નિશ્ચિંતને પરણીને હું ખરેખર નિશ્ચિંત થયો છું!
આ બધા વચ્ચે તમે કોલમો પણ લખતા રહ્યાા છો. લેખનની શરૂઆત ક્યારે કરી?
આમ તો મારી પ્રકૃતિ થોડી આળસુ. પરંતુ મારા કઝિન સોનલ શુક્લ -જેઓ છાપામાં લોકપ્રિય કોલમો લખતા હતા- તેઓ મને કહેતા રહેતા કે ઉત્કર્ષ તું પણ કંઈક લખ. પણ હું ‘હા હા લખીશુંને,’ એમ કહીને લખવાનું ટાળ્યાં કરતો. પણ એક દિવસ તેમણે મને ફોન કરીને કહ્યું કે, ‘ઉત્કર્ષ જન્મભૂમિમાં ‘આહ મુંબઈ, વાહ મુંબઈ’ નામની આપણી કોલમ ચાલુ થઈ ગઈ છે.’ મેં જોયું તો એમાં ઉત્કર્ષ મઝુમદાર- સોનલ મઝુમદારની બાયલાઈન હતી. મેં સોનલબેનને કહ્યું કે, ‘આવું ન ચાલે, મેં તો કંઈ લખ્યું જ નથી. પછી બાયલાઈન કેવી?’ તો સોનલબેન કહે, ‘એવું હોય તો હવેથી તું લખવાનું કર!’ આમ મારું લખવાનું શરૂ થયું. ક્યારેક મને લાગે છે કે સત્યદેવ દુબે અને સોનલ શુક્લ જેવા લોકોએ મારી ઘણી ચિંતા કરી અને તેમણે મારી પ્રગતિ માટે ઘણું કર્યું!
એ કોલમ વખતે મેં લખવાનું નક્કી તો કર્યું પરંતુ ત્રણ દિવસ સુધી કશું લખી જ ન શક્યો. હું ભારે વિમાસણમાં પડ્યો કે મને તો ગર્વ
હતો કે હું બહું સારું લખી શકું છું કે હું ભાષા બહું સરસ જાણું છું પરંતુ લખવા બેઠો ત્યારે લેખના શ્રીગણેશ ક્યાંથી કરવા એની જ કોઈ ગમ પડે નહીં. આ ઘટના પછી મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયા અને મારો બધો અહમ ઓગળી ગયો. પરંતુ હું મથ્યો અને ગમે એમ કરીને લખવાનું શરૂ કર્યું. આ રીતે હું કોલમિસ્ટ બન્યો. ત્યારબાદ મેં ‘મુંબઈ સમાચાર’માં પણ વર્ષો સુધી લખ્યું છે. હાલમાં હું ‘ભેળપૂરી’ નામની એક સિન્ડિકેટ કોલમ લખું છું, જેમાં હું તમામ વિષયો પર લેખો લખું છું.
એવો કોઈ વિષય અથવા વ્યક્તિ ખરી કે જેના તરફ તમને સતત આકર્ષણ રહ્યું હોય?
મને નરસિંહ મહેતા અને કબીરનું ઘણું આકર્ષણ રહ્યું છે. તેમણે સંસાર અસાર છે એવું ક્યારેય નથી કહ્યું અને સંસારમાં રહીને બધા પડકારો સ્વીકાર્યા અને કામ કરતા રહ્યા. તેઓ ક્યારેય સંસારિક જવાબદારીથી ભાગ્યા નહીં. અને એ સમયે રાજસત્તા, ધર્મસત્તા અને સમાજસત્તા સામે બંડ પોકારવું એ કાચાપોચાનું કામ નથી. એટલે મારા મનમાં સતત ચાલતું કે નરસિંહને લઈને કશુંક કરવું જોઈએ. એટલે મેં સિતાંશુભાઈનો એ માટે એપ્રોચ કર્યો. એવામાં પૃથ્વી થિયેટરમાં ‘મ્યુઝિકલ ફેસ્ટિવલ’નું આયોજન થયું હતું આથી મેં સિતાંશુભાઈને કહ્યું કે આમાં આપણે નાટક કરવું જ છે. એટલે સિતાંશુભાઈએ મને એક ડ્રાફ્ટ લખીને મોકલ્યો, જે મને ગમ્યો નહીં. એટલે એમણે બીજો ડ્રાફ્ટ લખ્યો. બીજો ડ્રાફ્ટ વાંચીને હું તો ખુશખુશાલ થઈ ગયો કારણકે સિતાંશુભાઈએ આખું નાટક ઝૂલણાં છંદમાં લખ્યું હતું. જોકે આ નાટકમાં અભિનેતા તરીકે મારી કપરી પરીક્ષા થઈ, કારણકે નાટક છંદમાં લખાયેલું હતું એટલે મારે એકેએક શબ્દ બરાબર યાદ રાખવાનો હતો. બીજા નાટકોમાં તો તમે ક્યાંક ભૂલી જાઓ તો ઓગણીસ વીસ કરી શકો, પરંતુ આમાં એવું કરવા ગયા તો નાટકનું આખું બંધારણ અને તેનો લય તૂટી જાય. પણ મેં એ ચેલેન્જ પણ સ્વીકારી. ‘જાગીને જોઉં તો નરસૈયો, એક મ્યુઝિકલ ગાથા’ નામનું એ નાટક ખૂબ વખણાયું હતું.
તમને લંડનથી પણ એક નાટક ભજવવા માટે વિશેષ આમંત્રણ મળેલું...
૨૦૧૨માં જ્યારે લંડનમાં ઓલમ્પિક્સ ચાલી રહ્યા હતા ત્યારે ‘ગ્લોબ થિયેટર’ના કેટલાક લોકોએ ત્યાં કલ્ચરલ ઓલમ્પિક્સનું કરવાનું વિચાર્યું. આ હેઠળ તેમણે નક્કી કર્યું કે શેક્સપિયરના સાડત્રીસ નાટકો છે એ તમામ નાટકો ભજવીએ. આ માટે તેમણે દરેક દેશોને તેમની રાષ્ટ્રીય ભાષામાં શેક્સપિયરનું નાટક ભજવવાનું આમંત્રણ આપ્યું. પરંતુ આમાં તેમણે એક અપવાદ કર્યો અને હિન્દુસ્તાનમાંથી બે ભાષામાં નાટકો લીધા જેમાં એક નાટક હિન્દી હતું અને બીજું બહુમાન મળ્યું ગુજરાતીને!
આ માટે તેમણે દિગ્દર્શકો પોતે જ નક્કી કર્યા, જેમાં સુનિલ શાનબાગને ગુજરાતીની જવાબદારી સોંપાઈ. ત્યાં અમે ‘મારો પિયુ ગયો રંગુન’ કરીને નાટક ભજવ્યું. ગુજરાતી તરીકે આપણને સૌને હરખ થવો જોઈએ કે ‘ધ ગાર્ડિયન’એ અમારા એ નાટક વિશે રિવ્યુ કરેલો અને ચાર સ્ટાર આપીને લખેલું કે ‘પ્રોબ્લેમ ઈઝ સોલ્વ્ડ’. કારણકે અમારું એ નાટક શેક્સપિયરનું પ્રોબ્લેમ નાટક ગણાતું! પરંતુ આપણી કમનસીબી એ છે કે ગુજરાતીમાં કોઈ પણ માધ્યમોએ તેની નોંધ ન લીધી. ત્યાર પછી તો હમણાં ૨૦૧૪માં અમને ત્યાં ફરીથી બોલાવાયા. આવું પણ પહેલી વખત જ થયું કે હિન્દુસ્તાનના કોઈ નાટકથી પ્રભાવિત થઈને તેને ફરીથી બોલાવાયું હોય! બીજી વખત અમે ‘મારો પિયુ ગયો રંગુન’ના પાંચ શૉ કર્યાં. એ નાટકના છેલ્લા શૉમાં બોન્ડ સિરિઝની ફિલ્મમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી લેડી જુડી ડેન્ચ આવેલી. જુડીને ગુજરાતી તો કેમ સમજાય? (જોકે ત્યાં સબટાઈટલની સુવિધા હતી!) પણ અમારો અભિનય જોઈને એટલી પ્રભાવિત થઈ કે એ અમને બેકસ્ટેજમાં મળવા પણ આવી અને તેણે અમારી સાથે અડધો પોણો કલાક કાઢ્યો.
તમે હિન્દી અને ગુજરાતી એમ બંને નાટકોમાં કામ કર્યું છે. અન્ય ભાષાના પ્રેક્ષકો અને ગુજરાતી પ્રેક્ષકો વચ્ચે ભેદ શું?
કલાની બાબતે આપણે થોડા ઊંણાં ઉતરીએ છીએ. મેં આગળ કહ્યું એમ ‘મારો પિયુ ગયો રંગુન’ની ક્યાંય નોંધ સુદ્ધા ન લેવાઈ. નાટકની વાત કરીએ તો ગુજરાતી પ્રજાની વિચિત્રતા એ છે કે તેમને નાટક નહીં ગમે તો તેઓ પૈસા પાછા આપોની બુમરાણ મચાવે. તમે ફિલ્મ જોવા જાઓ અને ફિલ્મ ન ગમે તો એવું કરો? કે રેસ્ટોરન્ટમાં જાઓ અને ખાવાનું ન ભાવે પૈસા પાછા માગો છો? તો નાટકો પર આવું જોરજુલમ કેમ? પણ નાટકોની બાબતે આપણે ત્યાં ‘નબળો માટી બૈયર પર શૂરો’ જેવો ઘાટ છે.
વળી, હાલમાં થોડા વર્ષોથી ગુજરાતીમાં એક નવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બધા મંડળ-‘કમંડળ’ વાળા અમને પૂછે કે, ‘નાટક કોમેડી છે? અમે દિવસભરના કામથી એટલા થાકી જઈએ છીએ કે નાટકમાં અમારે બહુ વિચાર નથી કરવો.’ હું એમને કહું કે ભલા, તમારે વિચાર નથી કરવો એમ નથી પરંતુ એક પ્રેક્ષક તરીકે તમને વિચારતા જ નથી આવડતું! આપણે ત્યાં આ પરિબળ ઘણું ખરાબ છે. એટલે જ તો રાષ્ટ્રીય સ્તરે આપણા નાટકો કે ફિલ્મો જતાં નથી. બીજું એ કે આપણે ત્યાં વાડાબંધી વધુ પ્રવર્તે છે. વાડાબંધીને કારણે જ અમારા નાટક વિશે ક્યાંય નહીં લખાયું કારણકે તેઓ એમ માને કે આ તો મુંબઈવાળા છે અમે એમના વિશે શું કામ લખીએ? અરે ભાઈ, અમારી ભાષા તો ગુજરાતી જ ને? નાટક તો ગુજરાતીમાં જ ભજવાયેલુંને? તો ફુલ લેન્થનો એક આર્ટિકલ ન થઈ શકે? મહારાષ્ટ્રનું કોઈ નાટક જર્મની જાય તો અછોવાના થઈ જાય.
ક્યારેક આપણી પ્રજા એવું બહાનું કાઢે કે નાટક જોવાની ઈચ્છા તો હતી પરંતુ થિયેટર બહું દૂર પડે છે. તો ભાઈ શું અમે તમારા ડ્રોઈંગ રૂમમાં નાટક ભજવીએ? એટલે કલા પ્રત્યેની આપણી લાપરવાહી અને નિષ્ક્રિયતા જ આપણી આડે આવે છે.
તમે અર્પણા નામનું એક ગ્રુપ ચલાવો છો. આ હેઠળ તમે કઈ પ્રવૃત્તિઓ કરો છો?
એક વાર સત્યદેવ દુબેએ અમને કહ્યું કે તમે તમારું એક ગ્રુપ શરૂ કરો તો તમારો ગ્રોથ થાય. કારણકે જો તમે મારી નીચે જ કામ કરતા રહેશો તો તમારો વિકાસ અટકી જશે. એટલે સુનિલ શાનબાગ, આકાશ ખુરાના અને શિશિર શર્મા અને હું એમ ચારે જણાંએ મળીને અર્પણા શરૂ કર્યું. અર્પણા હેઠળ અમે અનેક હિન્દી અને ગુજરાતી નાટકો તૈયાર કર્યા.
તમે કેટલી ફિલ્મોમાં કામ કર્યું?
ઘણી બધી. મેં ‘સત્યા’ ફિલ્મમાં ઉર્મિલા માતોંડકરના પિતાનું પાત્ર ભજવેલું. આ ઉપરાંત નસીરુદ્દીન (શાહ)ની મિત્રતાને કારણે મેં ‘યુ હોતા તો ક્યાં હોતા’ ફિલ્મ કરી. તાજેતરમાં જ મેં પ્રકાશ ઝાની અપકમિંગ ફિલ્મ ‘પરિવાર ટાઈમ્સ’માં પણ એક રસપ્રદ ભૂમિકા ભજવી છે. સિરિયલોમાં હરકિશન મહેતાની વાર્તા પરથી તૈયાર થયેલી ‘મુક્તિ-બંધન’, ‘મધુબાલા’, ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘સાવધાન ઈન્ડિયા’ જેવી ઘણી સિરિયલ્સમાં કામ કર્યું છે. આ ઉપરાંત કેટલીક જાણીતી એડ્સમાં પણ મેં કામ કર્યું છે. જેમકે હાલમાં ઓનએર છે એ લૂફ્થાન્ઝા અને મેકડોનલ્ડસ જેવી મોટી બ્રાન્ડ માટે કામ કર્યું છે.
'મુક્તિ બંધન' સિરિયલના સેટ પર મીનળ પટેલ અને સાથી કલાકારો સાથે |
જીવનમાં નાટક ન હોય તો પણ ઉત્કર્ષ મઝુમદાર તો બચે બચે ને બચે જ! મારી પત્ની હંમેશાં એમ કહેતી હોય છે કે, ‘હું ઉત્કર્ષની બીજી પત્ની છું. એની પહેલી પત્ની તો નાટકો જ છે.’ એટલે એક રીતે નાટકો મારા જીવનનો અભિન્ન અંગ છે એ વાત સાચી. પરંતુ હું એ પત્ની ન હોય તોય જીવું તો ખરો જ. નાટકની જગ્યાએ કંઈક બીજું અર્થસભર કામ શોધી કાઢું. ધ લોસ્ટ વિલ બી ટેરિબલ પણ આઈ વિલ બી સરવાઈવ. મારા જીવનમાં કોઈ એક વસ્તુ વિના જીવી જ ન શકાય એવો અભિગમ મેં રાખ્યો નથી. વળગણનો અભિગમ મેં રાખ્યો નથી.
તમારા પ્રિય નાટ્યકારો કયા?
હિન્દીમાં ગિરિશ કર્નાર્ડ, મોહન રાકેશ, બાદલ સરકાર અને વિજય તેંદુલકર મારા પ્રિય નાટ્યકાર અને ઘર આંગણાના નાટ્યકારોમાં મને સિતાંશુ યશશ્ચંદ્ર અને મધુ રાયના નાટકો ગમે.
નાટક ઉપરાંત તમને કોઈ શોખ?
મને વાંચવાનો જબરો શોખ છે. હું શૂટિંગમાં જાઉં ત્યારે પણ મારા થેલામાં એક પુસ્તક તો હોય જ. શૂટિંગ વખતે તો કશું જ નિશ્ચિત નથી હોતું. કારણકે તમારો નવ વાગ્યાનો કોલ ટાઈમ હોય તો એવું જરૂરી નથી કે તમારું શૂટ નવ વાગ્યે ચાલુ જ થઈ જાય. કામ શરૂ થતાં દસ પણ વાગે અને બપોર પણ થાય. એટલે આવા સમયે હું ખોટી ફરિયાદો કે ગોસિપ કરવામાં નથી પડતો અને બાકી બધી મુશ્કેલીઓથી અલિપ્ત થઈને મારા વાંચનમાં ડૂબી જાઉં. બીજું મને ઈન્ટરનેટ પર સર્ફિંગ કરતા રહેવાનો પણ શોખ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ફેસબુક પર હું મારા તમામ મિત્રોને બર્થડે વિશ કરું! કારણકે ફેસબુક પર તો ફેસબુક પર પણ ફ્રેન્ડ થયાં તો મિત્રતા તો નિભાવી પડેને? આ ઉપરાંત મને ખાવા-પીવાનો અને ફરવાનો પણ શોખ છે.
અભિનયમાંથી નવરાશ મળે તો તમે શું કરો?
અભિનયમાંથી ક્યારેય નવરાશ મળતી નથી. એ તો સતત ચાલતી પ્રક્રિયા છે.
અભિનય વિશે તમારી મેથડ કઈ?
કોઈ રેસ્ટોરન્ટમાં જઈને ગ્રાહક બિરિયાની માગે ત્યારે આપણે શું કરવાનું? આપણે તેને બિરિયાની જ આપવાની હોયને? પુલાવ અથવા ખિચડી થોડી અપાય? ગ્રાહકને બિરિયાની જોઈએ, તમે બિરિયાની કઈ રીતે બનાવો છો એની સાથે તેને કોઈ નિસ્બત નથી. તે જ રીતે અભિનયમાં પણ એવું જ છે. દર્શકોને તો માત્ર પરિણામ સાથે નિસ્બત હોય કલાકારે કઈ મેથડ વાપરી છે એની સાથે નહીં. જે સમયે જે મેથડ કામ લાગતી હોય એ ફોર્મ્યુલાનો હું ઉપયોગ કરું અને અભિનય કરું. કોઈ પણ એક બાબતમાં બંધાઈ જવામાં મને રસ નથી.
જીવનમાં કંઈક નહીં કરી શક્યાનો વસવસો?
હા, મને ક્લાસિકલ સિંગર નહીં બની શકવાનો ઘણો વસવસો છે. મારે ક્લાસિકલ વોકલિસ્ટ બનવું હતું. મેં શરૂઆતમાં સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી હતી પરંતુ પાછળથી મેં એ છોડી દીધું.
હજું કોઈક એવો પ્રોજેક્ટ ખરો, જે કરવાની ઘણી ઈચ્છા હોય?
આ ક્ષણે તો એવું કોઈ આયોજન નથી. પરંતુ વિચારો સતત આવ્યાં કરે કે આના પર થઈ શકે અથવા પેલા પર કંઈક કરી શકાય. પરંતુ કોઈ બાબતને નક્કર સ્વરૂપ મળ્યું નથી.
તમારો લાઈફ ફંડા શું છે?
મારો ફંડા એ જ કે તમારે તમારા જીવનની ચાવી અન્ય કોઈના હાથમાં આપવી નહીં. એટલે એ જ કે કોઈને ટીખળ સૂઝે અને એ મને ‘એ બુઢ્ઢા’ એમ કહે તો હું ઉશ્કેરાઉ નહીં. કોઈની ઈચ્છા મુજબ આપણે શું કામ વર્તવાનું? બીજું એ કે હું ખોટી દલીલબાજીમાં નથી ઉતરતો. ■
નોંધઃ આ મુલાકાતમાં મારી ભૂલને કારણે ઉત્કર્ષ મઝુમદારની જગ્યાએ મજુમદાર થઈ ગયું હતું. અને સત્યદેવ દુબેની જગ્યાએ સત્યજીત તેમજ સત્યેન્દ્ર દુબે થઈ ગયું હતું. ઉત્કર્ષ ભાઈએ એ તરફ મારું ધ્યાન દોર્યુ એ બદલ હું એમની ક્ષમા સાથે તેમનો આભાર માનું છું. ઈન્ટરવ્યુમાં ઉલ્લેખ થયો એમ ઉત્કર્ષભાઈ પોતે પણ કોલમિસ્ટ છે એટલે લેખનનો તેમને સારો એવો અનુભવ છે, આ અનુભવને કારણે તેમણે મને કેટલીક લાખેણી સલાહ આપી, જે પત્રકાર તરીકે મને મારા કામમાં ઘણી ઉપયોગી નીવડી શકે છે. ઉત્કર્ષભાઈ સાથેના કેટલાક સંસ્મરણો વિશે બ્લોગ પર એક અલગ લેખ લખવાની ઈચ્છા છે... હમણાં આ મુલાકાત વાંચીને પ્રતિભાવ આપશો તો ગમશે...
બહુજ સરસ મુલાકાત
ReplyDelete