Monday, June 18, 2012

Surprise


જન્મદિને

મળેલી ધણી Surprise ગીફ્ટસ

અને

મળેલી અઢળક શુભકામનાઓ વચ્ચે

હુ

કયાંક દબાઇ ગયેલા પેલા શબ્દોને શોધવાનો પ્રયત્ન કરુ છુ.

"દિકરા આજે તો તારી બર્થ ડે કેમ???"

અને શોધવાની મથામણ  કરુ છુ

ખાસ મારા માટે જ બહુ કાળજી પુર્વક સાચવી રખાયેલી દસની એક નોટ.

પણ

ઘણી મથામણો છતાં મને માત્ર  હ્તાશાજ હાથ લાગે છે.

બા તું ય ખરી છે

તારા ગયાની Surprise પછી તે મને એક પણ  Surprise  આપી નથી!!

Saturday, February 4, 2012

વિવાદોની મહારાણી તસ્લીમા નસરીન


      તસ્લીમા નસરીન.આ નામથી ભાગયેજ કોઇ સાહિત્યપ્રેમી અજાણ હશે. 1962માં બાંગ્લાદેશનાં મુસ્લીમ પરિવારમાં જન્મેલી તસ્લીમાં વ્યવ્સાયે ડોકટર હતી પરંતુ તેના લેખનનાં શોખને કારણે પહેલાં ડોકટરીનો વ્યવ્સાય અને ત્યારબાદ પોતાનો દેશ પણ છોડવો પડ્યો.તેણે મુખ્યત્વે કવિતાઓ,નવલકથાઓ,લેખો અને તબક્કાવાર કુલ છ ભાગોમાં આત્મકથાઓ લખી છે.હાલમાં તે ટ્વીટર ઊપર ભારત અને બાંગ્લાદેશ વિરિધી ટ્વીટ્સ કરે છે.છેલ્લા કેટલાક દિવસથી તો મારા જોવામાં સતત આવ્યું છે કે આ બેન દિવસમાં એક વખતતો ભારતને ટ્વીટર ઊપર ભાંડેજ છે.
     તસ્લીમા મુખ્યત્વે પોતાની માતૃભાષા બંગાળીમાં લખે છે છતાં તેના લેખો અને પુસ્તકોનું અંગ્રેજી ઊપરાંત ભારત અને વિશ્વની ઘણી સ્થાનિક ભાષામાં ભાષાંતર થયુ છે.તેનાં પુસ્તકોનું અન્ય ભાષાઓમાં રૂપાંતર થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આ બેન એનાં લેખનને બને એટલુ વિવાદાસ્પદ લખે છે અને એનાથી બને એટલુ એ વિવાદોમાં રહેવાનું પસંદ કરે છે.અને માત્ર એટલા કારણોસરજ એનાં પુસ્તકો વાંચવાનો લોકોને અભરખો થાય છે.

      તેણે તેના લેખનની શરુઆત 1975થી બાંગ્લાદેશનાં મેગેઝીનોમાં કવિતાઓ લખવાથી કરેલી.ત્યારબાદ તેણે ત્યાનાં વર્તમાન પત્રોમાં કોલમો લખવાની શરુ કરી જેમાં તેણે ત્યાનાં મુસ્લીમ સમાજ અને તેમનાં રીતી-રીવાજો અને નારીવાદ ઊપર ખુલ્લેઆમ લખ્યુ જ્યાં તેનો ઠીક-ઠીક વિરોધ થયો અને નસરીન જે છાપામાં લખે એ છાપાની ઓફીસો ઊપર હમલાઓ શરુ થયાં.અને ત્યા સુધીમાં બાંગ્લાદેશ અને પશ્નિમ બંગાળનાં લોકોને તસ્લીમા નસરીન કોણ છે એની ખબર પડી ગઇ હતી.
      ત્યારબાદ 1993માં તેણે ફરી ચર્ચા ચલાવી તેની વિવાદાસ્પદ નવલકથા "લજ્જા"થી.જે નવલકથા બાંગ્લાદેશમાં લઘુમતીમાં રહેતા હિન્દુઓ અને બહુમતીમાં જીવતા મુસ્લીમો વચ્ચેનાં તણાવોની આસપાસ વણાયેલી કથા હતી.એ પુસ્તકે ભારે વિવાદ સર્જ્યો અને તેનાં આ પુસ્તકને બાંગ્લાદેશની સરકારે પ્રતિબંધીત કર્યુ.તેમજ ત્યાનાં મુસ્લીમ સંગઠનોએ તસ્લીમા વિરુધ્ધનો ફતવો જાહેર કર્યો અને સમગ્ર બાંગ્લાદેશમાં તેની વિરુધ્ધમાં દેખાવ પ્રદર્શનો શરુ થયાં તેમજ બાંગ્લાદેશને સજ્જડબંધ રખાયું.બીજી બાજુ બાંગ્લાદેશી હાઇકોર્ટે તેની વિરુધ્ધ લોકોની ધાર્મિક લાગણી દુભાવા બદલનો કેસ ફાઇલ કર્યો અને થોડા સમયનાં ખટલા બાદ તેને દેશનિકાલની ફરજ પાડી.તો બાંગ્લાદેશી સમાચાર પત્રો અને પ્રકાશકોએ એનાં કોઈ પણ પ્રકારનાં લેખનને છાપવાનું બંધ કર્યુ.
      બાંગ્લાદેશમાંથી હાંકી કઢાયેલી તસ્લીમાની હેરાનગતીનો સમય હવે શરુ થઈ ગયો હતો,અને તે ભારત સહિતનાં વિશ્વનાં વિવિધ દેશોમાં નિરાશ્રીત થઇ અહિં થી તહિં રહેવા માટેનાં વલખા મારતી હતી.એ ક્યારેક ફ્રાંસ તો ક્યારેક સ્વિડ્ન તો ક્યારેક અમેરિકા અને ભારતમાં ટુકડે-ટુકડે રહી પરંતુ એ જ્યાં ગઇ ત્યાં એણે ભારે વિરોધોનો સામનો કરવો પડ્યો.અને ભારતમાં તો એ જ્યાં રહિ ત્યાં એની ઊપર હુમલાઓ થયાં અને વિવિધ મુસ્લીમ સંગઠનોએ 5,00000 સુધીનો ફતવો એનાં માથે જાહેર કર્યો.
      વિવાદો તો ઘણાં લેખકો સાથે થયાં છે (જેમકે સલમાન રશ્દી!!) પણ આ બેન તો હાથે કરીને વિવાદનાં મધપૂડા છંછેડે છે અને આટઆટલી પરેશાનીઓ અને હેરાનગતીનો સામનો કરવા છતાં તેની આડાઇ છોડતી નથી.અને એને મનફાવે એમ લોકોની ધાર્મિક લાગણીઓ કે અન્ય બાબતોની પરવા કર્યા વિનાં ગમે એમ બફાટા કર્યે જાય છે અને મનફાવે એમ લખ્યે રાખે છે.અહિં એ સ્વીકારવુ રહ્યુ કે નસરીનનું કેટલુંક સાહિત્ય હ્દયસ્પર્શી છે ખરુ પણ બાકીનાં સાહિત્યનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે આ બેનને વિવાદો સર્જ્વામાં અને સતત વિવાદોમાં રહેવુ ખુબજ પસંદ છે.એટલેજ એ વિવાદો ઊપર વિવાદો કરતીજ રહે છે અને વાંદરાંને દારુ પાવામાં ભારતનાં કહેવાતા માનવ અધીકાર વાળાઓ પણ જરાય પાછા નથી જેઓ તેને સતત પોરસ ચઢાવતાજ રહે છે.
       હાલમાં તે સ્વિડ્નમાં રહે છે તેમજ ત્યાં બેઠી બેઠી બાંગ્લાદેશ અને ભારતનાં પોપડા ઊખેડે છે અને નાની વતોનુ વાતેસર કરે છે.ભારત અને બાંગ્લાદેશને ભાંડીને થાકે ત્યારે એ સમગ્ર પુરુષોની જાત માટે મનફાવે એમ સાવ ઘસાતુ લખે છે(તે પુરુષને સ્ત્રી જાતનો સહુથી મોટો દુશ્મન માને છે!!હવે તમેજ બોલો આવો નારીવાદ સમાજનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી??)તાજેતરમાં તેનુ બાંગ્લાદેશમાં "Nirbasan" નામનુ નવુ પુસ્તક પ્રકાશીત થઇ રહ્યું છે,હવે જોવાનું એ છે કે આ પુસ્તક કેટલી ચકચાર મચાવે છે...!તદ્ઊપરાંત કલકત્તા બુક ફેરમાં નસરીનનાં પુસ્તકો પર પ્રતિબંધ મુકાયો છે એટલે બેન ધૂઆં-પૂઆં છે અને ટ્વીટર ઊપર ગમે એમ ટ્વીટ કર્યે રાખે છે.Getwell Soon Taslima!

Thursday, January 19, 2012

શિખામણ


તેં જ શિખ્વ્યું હતું ને
કે
"જિંદગીમાં કોઇ પણ અભાવમાં જીવવાનું!
કપરા સમયમાં આવી ટેવ કામ આવે."
બા,
આમતો હુ
ડાહ્યા છોકરાની જેમ તારી બધીજ શિખામણો follow કરુ છું.
પણ
તારી આ અભાવમાં જીવવા વાળી શિખામણ મને પચતી નથી,
કારણકે
બીજુ બધુ તો ઠીક છે
પણ
તારાજ અભાવમાં જીવવુ થોડું કપરુ છે.

Friday, November 4, 2011

વાત મેબલ,પારકા,વિકિ અને સોનુનીઃ


 હિમાંશી શેલત મારા પ્રીય વાર્તાકાર;એટલે એમનાં તમામ પુસ્તકો વાંચવાનો મારો ખાસ આગ્રહ!એમનાં લગભગ તમામ પુસ્તકો મળ્યાં પણ એમની બે સ્મરણકથા "વિક્ટર" અને "પ્લેટફોર્મનંબર ચાર" હુ મથીને મરી ગયો પણ ન મળ્યાં એ નજ મળ્યાં.પરંતુ અચાનકજ થોડા દિવસો અગાઉ "ક્રોસવર્ડ" માંથી કોલ આવ્યો કે ભાઇ તમે મહિનાંઓ અગાઉ લખાવેલાં બે પુસ્તકો આવ્યાં છે જે લઇ જાઓ,અને હુ મારતે ઘોડે ત્યાં પહોંચ્યો અને પુસ્તકો ઝબ્બે કરીને પરમ શાંતીનો અનુભવ કર્યો.અને ગણતરીનાં દિવસોમાં વાંચી પણ નાંખ્યા.
  
  મેં આગળ કિધુ એમ મારા પ્રીય વાર્તાકારોમાં પણ હિમાંશી શેલત મોખરે એટલે એમનાં વિશે કે એમનાં પુસ્તકો વિશે લખવાની બેહદ મજા પડે,પણ અહિંતો કથા માંડવી છે માત્ર "વિક્ટર"નીજ.સરસ મજાનું વાંચવા જેવુ અને વસાવવા જેવુ નાનકડુ પુસ્તક.અને એમાંય પ્રાણી પ્રેમીઓએ તો ખાસ!જોકે પુસ્તકની પ્રસતાવનાંમાંજ હિમાંશીબેન ધરાર લખે છે કે "પ્રાણીઓથી ડરતા કે એમની ઉપેક્ષા કરતા,એમના તરફ ટાઢાબોળ રહેતા સમુદાય માટે આ સામગ્રી નથી." એટલે હવે મારે એ વિશે વધુ લખવાની કે અભિપ્રાય આપવાની જરૂર નથી.
  
  પુસ્તક સાવ નાનુ અને એકી બેઠકે વાંચી જવાય એવુ અને એમાય પુસ્તકપ્રેમી અને પ્રાણીપ્રેમી સમુદાયને તો એ વિશેષ પસંદ પડે.જે વાંચતા વાંચતા આપણે સોફેસ્ટીકેશનની આડમાં ભુલી ગયેલાં નિર્ભેળ ધસમસતાં પ્રેમ અને નાનપણમાં આપણેય પ્રાણીઓ સાથે કરેલી ધિંગામસ્તીની યાદ આવે!આ પુસ્તક કોઇ કાલ્પનિક વાર્તાઓનો સંગ્રહ નથી પરંતુ એમાં તો વાત છે એક વ્યકતિની અબોલ પણ સમજુ(નિસ્વાર્થ!!) પ્રાણીઓ સાથે વિતાવેલાં સુવર્ણ સમયની.જે વાચતાં સ્પષ્ટપણે આપણને સમજાસે કે પ્રેમ કરવાનો કે પ્રેમ આપવાનો ઇજારો કંઇ આપણેજ નથી લઇને બેઠા,આપણાંથી કેટલીય વાતે ઊતરતાં પ્રાણીઓ પ્રેમની બાબતમાં
આપણાથી જોજનો આગળ છે.
  પુસ્તકમાં વાતની માંડણી થાય છે લેખીકાનાં ઘરમાં કોઇએ મોકલેલી ઊંચી ઓલાદની ત્રણ બીલાડીઓથી.એકતો પહેલેથી લેખીકાનાં ધરમાં ટીકો,નાની,શાણી,ટપ્પી અને પારકા નામધારી માર્જારટોળી હાજરા હજુર એમાં આ નવી ત્રણનું ઊમેરણ.અને એય પાછી ઊંચા કુળની!!જેને જોતાજ લેખીકા મોહિ પડ્યાં અને નામ રખાયાં મેબલ,રાશેલ અને થિયોડોર જેવાં ઊચી નસલને શોભે એવાં!પણ લેખીકાને ડર એ પેઠો કે ઘરનાં બીજા મોભી બીલાડાંઓ અને આ નવા નબીરાઓને એક બીજા સાથે પરવડશે કે કેમ??પણ લેખીકાનાં ભારે આશ્ચર્ય વચ્ચે તમામ બીલાડીઓએ સંધી સાધી અને એક-મેકમાં ઓતપ્રોત થઇ અને સાથે મળીને રહેવાનાં એક-મેકને કોલ આપ્યાં.(માણસની બાબતમાં કદાચ આવુ થવુ મુશ્કેલીભર્યુ હોત!)
  
  બીલાડીઓ ખુબ સ્વતંત્ર મિજાજી જીવ હોય છે.એ કુતરાઓની જેમ ધસમસતાં પ્રેમથી આપણને વળગી પડતી નથી.તેમજ બીલાડીને પોતાનું એકાંત બહુ વ્હાલુ હોય છે એમાં એને ખલેલ પરવડે નહિં અને પોતાની કેટલીક વાતો સાવ અંગત રાખે.પણ મેબલ સૌ બીલાડીઓમાં અપવાદ નીકળે છે અને અને પોતાની સુવાવડ લેખીકાએ નીયત કરી આપેલા સ્થળે કરે છે.હિમાંશીબેન મેબલને ઘરની દિકરી સમજે છે અને મેબલની પહેલી સુવાવડ વખતે પોતે પણ વ્યાકુળ થાય છે.મેબલને માટે કોઇક કારણસર "મર્સી કિલીંગ" નો આશરો લેવો પડેલો જેમાં તેનાં મૃત્યુનો દિવસ નક્કી કરતાં લેખીકા ભાંગી પડેલા અને એનાં માટે આંસુ સારેલા.મેબલનાં મૃત્યુનો કિસ્સો બેને પુસ્તકમાં અત્યંત કરુણરીતે આલેખયો છે.
       
    પુસ્તકનાં અન્ય પ્રકરણોમાં તેમનાં ઘરની અન્ય બીલાડીઓનાં રમુજ અને કરુણ કિસ્સાઓનું વર્ણન અત્યંત ભાવપુર્ણ આલેખાયુ છે જેમાં ક્યારેક વાચકને ભારે રમુજ તો ક્યારેક વાચકની આંખોનાં ખુણા ભીનાં થાય છે.ટીકાનામના તેમનાં બીલાડાનાં કાકડી પ્રત્યેનાં પોતાનાં પ્રેમ અને અસલ સુરતી લહેકામાં ગાઠીયાં ખાવાની વાત ખુબ રમુજપ્રેરક હોય છે.જ્યારે બીજી તરફ નાનુ નામનો તેમનો એક બીલાડો એક વખત અચાનકજ કોઇ પણ ચેતવણી વિના ઘરેથી ચાલી નિક્ળે છે ત્યારે વ્યાકુળ બનેલા લેખીકા તેને શોધવા ક્યાનાં ક્યા આંટા મારી આવે છે અને દિવસો સુધી નાનકાની કાગડોળે રાહ પણ જુએ છે.અને પારકા નામના માથાભારે અને ઘરમાં ગંદકી ફેલાવનાર બીલાડાંને જ્યારે તાપીને કાંઠે મુકવા ગયેલાં લેખીકા બહુ કઠોર મને ઘરે પરત ફર્યા હતાં.
   
 વચ્ચે લેખીકાનાં તમામ જીવો માટેનો પ્રેમ વિવિધ ઊદાહરણો વડે જોવા મળે છે અને પ્રણીઓ પર થતા જુલમો વિશે તેઓ લખે છે કે"પ્રાણીઓને ત્રાસ આપતા વિજ્ઞાનના પ્રયોગો દ્વારા ખુલ્લાં પડી ગયેલાં માણસનાં સ્વાર્થ અને જડતાથી હું તરફડતી રહી છું."  એક કિસ્સા વડે લેખીકાનાં સમસ્ત પ્રાણીજગત માટેનાં પ્રેમનું દ્ર્ષ્ટાંત મળે છે. જેમાં શ્યામલનામનાં રુઆબદાર ગુછ્છાદાર કાળા આકર્ષક બીલાડાને રમાડીને લેખીકા પોતાના ઘરે ચિત્તા અને દિપડા ન રાખી શકવાના અફસોસને ઓછો કરે છે.લેખીકાનાં પ્રાણીઓ પ્રત્યેનાં અપાર પ્રેમને કારણે ક્યારેક કાચબા તો ક્યારેક તુટેલી પાંખવાળુ પંખી તો ક્યારેક ભુલુ પડેલુ બકરીનું બચ્ચું તેમને ત્યાં આતીથ્ય માણી આવ્યાં છે. 
  
હિમાંશીબેન સુરતની ગજ્જરવાડીમાં રહેતાં ત્યારે તે જમાનામાં ત્યાં ઘણાં વાંદરાઓ ફરતા અને એ વાંદરાઓ સાથે રમવાની અને તેમને ખવડાવવાની લેખીકાને બેહદ મજા પડતી.એવોજ એક વાનરટોળીથી વિખુટો પડેલો વાનર હિમાંશીબેનની કોલેજમાં આવી ચડ્યો.અને હિમાંશીબેનનાં ચાલુ લેકચરમાં એક બેન્ચ ઉપર ગોઠવાયો.એને જોતાજ પ્રાણી પ્રેમી અધ્યાપીકાએ એનુ બાબુરાવ એવુ નામકરણ કર્યુ!!!બસ, પછી તો એની લેખીકા સાથે જામી અને લેખીકાની રોજ કોલેજ આવાની બાબુરાવ રાહ જોવા માંડ્યો.લેખીકા પણ પોતાના પર્સમાં બાબુરાવમાટે શીંગ-ચણા લાવવાનાં ભુલે નહિ.જોકે બાબુરાવ પણ એક દિવસ લેખીકાને આંચકો આપી ઓચીંતોજ ક્યાંક ગુમ થઇ ગયેલો..
   
      એક દિવસ એક દેશી કુતરો ફરતો ફરતો હિમાંશીબેનને બારણે આવી ચડ્યો,આગંતુકને જોઇને યજમાન ખુશ થયાં અને 'આવો,ભલે પધાર્યા' કરી આવકાર આપ્યો અને ભારે આગતા-સ્વાગ્તા કરી.બસ આગતુંકનેતો ત્યાંજ ફાવી ગયુ અને બેનને ત્યાંજ તબું નાખ્યાં.એના લાલ રંગને કારણે નામ પડ્યુ લાલુ.પણ લાલુનુ વર્તન એવુ કે એનો લાલિયોજ કહેવો પડે.રખડતાં લાલિયાને નવા ઠેકાણે માત્ર ખોરાકજ નહિ પણ અઢળક પ્રેમ પણ મળ્યો એટલે લાલિયાભાઇ તો મેડમની આગળ-પાછળ ફરે.રમુજ તો ત્યારે થાય છે જયારે એક દિવસ લાલિયો મેડમની કોલેજ શોધી કાઢે છે અને મેડમનો ક્લાસ ચાલતો હતો ત્યાં પહોચી જઇ મેડમની સાથે સ્ટેજ ઊપર રજવાડીઠાઠથી ગોઠવાય જાય છે.પછીતો લાલિયાભાઇ દરરોજ મેડમ સાથે કોલેજ જવાની જીદ આદરે અને કોલેજમાં મેડમનાં કુતરાનુ બિરુદ પામે છે.અને લાલિયો આ ક્રમ પોતે જીવે ત્યાં સુધી ચાલુ રાખે છે.તેનાં ગયા બાદ કોલેજ જતી વખતે મેડમની નજર અમસ્તીજ પાછળ ફરી વળે છે 'લાલિયો પાછળતો નથી ને??'
     
   સુરતનાં વસવાટ દરમ્યાન લેખીકા પોતાનાં ઘરે એક આલ્સેશિયન કુતરો લાવે છે.જેનાં વિશાળ કદ ને કારણે તેનુ નામ લિયો રાખવામાં આવે છે.જેને પણ લેખીકા સાથે ભારે માયા!!થોડા વર્ષો બાદ લેખીકા અબ્રામા આવી ગયાં ત્યારે બંન્ને પક્ષે વ્યગ્રતા થાય છે.અને લેખીકા લખે છે કે કેટલીય વખત તેઓ લિયો ને કારણેજ સુરત જાય છે, અને ત્યારે લિયોનો પ્રેમ શબ્દમાં મુક્વુ તેમને મુશ્કેલ લાગે છે.તેઓ એમ પણ નોંધે છે કે તેઓ જ્યારે પરત ફરતા ત્યારે લિયોની આંખમાં ઝળઝળીયાં પણ દેખાતા!
     
   સખ્ય(અબ્રામાં)મા આવ્યા બાદ તેમને પહેલો મિત્ર મળે છે જોલી.લેખીકા ફરવા નિકળે છે ત્યાં એક માજાનો કુતરો તેમને મળે છે અને તેનાં મળતાવડા સ્વભાવને કારણે એનુ નામ જોલી પડે છે.જોલી બે-અઢી મહિનાં તેમની સાથે ગાળીને ક્યાંક ગાયબ થઇ જાય છે.પાછળથી ખબર પડે કે જોલી તો કોઇનો પાળેલો કુતરો હતો.એટલે લેખીકા થોડા નિરાશ થાય છે પણ જોલી સમયાંતરે લેખીકાની મુલાકાત લેવા તેમનાં ઘરે આવે છે અને પોતાનાં પ્રેમનો પરીચય કરાવે છે.આ દરમિયાન રામુ-રાજુ-મોતી વગેરે કુતરાઓ પણ લેખીકાનાં જીવનમાં રંગો પુરે છે.
   
   હવે વારો વિક્ટર્નો,જેણે લેખીકાને પોતાનાં ભરપુર પ્રેમનાં ધોધમાં તરબોડ કર્યા.વિક્ટરને જ્યારે હિમાંશીબેન ધરે લાવે છે ત્યારે તેઓ લખે છે કે "સક્ષાત આનંદ અને ઉષ્માએ અમારે ત્યાં ચાર પગે પ્રવેશ કર્યો." તેમજ "વિકીએ અમારા મકાનને ઘરનો દરરજો આપ્યો." શું શબ્દો છે??કોઇ માણસ કોઇ અન્ય જીવને આટલી હદે ચાહી શકે??અહિ નિયતી એક અણધાર્યો પલટો લે છે અને વિકટરનુ એક અકસ્માતમાં મૃત્યુ થાય છે.જે ઘટનાની હિમાંશીબેન ઊપર ઘેરી અસર થાય છે અને તેઓ ઊંડા દુખમાં ગરક થાય છે.કોઇ પ્રાણીનાં મૃત્યુબાદ આવા શોકમાં ગરક થતી મે મારા જીવનમાં પહેલી વ્યક્તિ જોઇ.વિકટરને દફનાવી આવ્યા બાદ લેખીકાની વ્યથા એમનાંજ શબ્દોમાં"એને ભોંયમાં પોઢાડી ઉપર માટી વાળી ત્યારે ભીતર હાહાકાર વ્યાપી ગયો.ખુબ ચાહતો હતો એ મને જુવાનજોધ દિકરો ફાટી પડ્યાની દાહક વ્યથા લઇ ઘેર આવી હતી એ દિવસે."  
    
   અંતે આવ્યો સોનુ.સોનુ પણ લેબ્રાડોર નસલનો કુતરો.જે આમ થોડો શરમાળ પ્રકૃતિનો પણ લેખીકાનો અત્યંત પ્રીય.(હાલમાં સૌથી નજીક પણ)સમજણની બાબતમાં સોનુ માણસને પણ ગાંઠતો નથી એમ લેખીકા માને છે.હિમાંશીબેનનાં અન્યો પ્રાણીઓને તો નહિ પરંતુ સોનુને મળવાનું સૌભાગ્ય મને સાંપડ્યુ છે.અને એય ત્રણ-ત્રણ વાર!!આપણે એમનાં દિવાનખંડમાં વાતો કરતા હોઇએ ત્યારે સોનુ પણ ત્યા આવીને બેસે અને પોતે પણ આપણી વાતમાં સામેલ હોય એમ દરેક વાત ધ્યાનથી સાંભળે.
     
   આમ આ પુસ્તકમાં પ્રાણીમાત્રનો માણસ ઊપરનો પ્રેમ છતો થાય છે જ્યારે આપણે કહેવાતા બુધ્ધીજીવીઓ પ્રાણીઓની અને અન્ય તમામ જીવોની ઘોર ઉપેક્ષા કરીએ છીએ.એક તરફ આપણે પ્રેમ પામવા આંધળી દોડ મુકી છે જ્યારે બીજી તરફ આપણીજ આસપાસ રહેતા અને આપણ સદૈવ પ્રેમ કરવા તત્પર જીવોની નોંધ સુધ્દ્ધા નથી લેતાં.કેટલાય આલીશાન બંગલાઓમાં કુતરા રાખવામાં આવે છે પરંતુ એ માત્ર પોતાનાં માલ-મલીદાની રક્ષા ખાતરજ.જ્યાં બારણે 'કુતરાથી સાવધાન'નું બોર્ડ મારેલુ હોય છે. આ પુસત્કનાં લેખીકાતો ઘરોની બહાર લટકાવેલા એવા પટિયાની પણ વિરુધ્ધ.
  
   અંતે સો વાતની એક વાત."વિકટર" વાંચવા જેવુ અને વસાવા જેવુ પુસ્તક.. જે વાંચતાં-વંચતાં પ્રાણીઓ પ્રત્યેની આપણી સૂગ અને દ્રષ્ટી બદલાશે.અને આપણે જીવવાની ચૂકી ગયેલાં રંગબેરંગી ક્ષણો ફરી જીવવાનુ મન થશે.

Tuesday, October 18, 2011


એટલેજ મને સંબંધો ફાવતા નથી
કારણકે,
બજારમાં મળતી
સસ્તી અને વધુ પડતી ગળી મિઠાઇઓની જેમ
કેટલાક સંબંધ પણ હદથી વધુ મીઠા અને સસ્તા હોય છે
અને
મિઠાઇઓની જેમજ
સંબંધ ઊપર પણ વિવિધ વરખો ચઢી હોય છે.
જે શરુઆતમાં આકર્ષક લાગે
પણ ધીમે-ધીમે
વરખનું રૂપાડુ પળ ઉખડવા માંડે
અને એની અંદરની કદરુપતા છતી થાય!
એની સાથો-સાથ  આપણી અંદર પણ કંઇક ઊખળે છે.
અને આપણે પણ છોલાઇએ છીએ
સરવાળે દુઃખી થવાનું આપણે પક્ષેજ આવે
એટલેજ મને સંબંધો ફાવતા નથી.

Sunday, August 21, 2011

તો તમે અન્ના નથી



જો તમે હજુય હેલ્મેટ ન પહેરવાનાં ગૂનામાં
પાંડુને પચાસની પત્તી પકડાવો છો
તો તમે અન્ના નથી.
જો ટ્રેનમાં સાદી ટીકીટ લઇને T.Cને લીલીનોટ
આપી રિઝર્વેશનમાં બેસો છો
તો તમે અન્ના નથી.
જો તમે મંદિરોમાં V.I.P લાઈનનાં નામે
પૈસા આપી સિધો પ્રવેશ મેળવો છો
તો તમે અન્ના નથી.
જો R.T.Oનાં દલાલોને પૈસા આપીને
ટેસ્ટ આપ્યા વીનાં લાઇસન્સ મેળવો છો.
તો તમે અન્નાં નથી.
અને માત્ર પ્રસિધ્ધી ખાતરજ રેલીઓ કાઢીને
રસ્તાઓ પર "મે અન્ના હુ"ના નારા લગાવો છો
તો તમે અન્નાં નથી.
                     

Saturday, August 13, 2011

અટકળ


 રાત પડે અને વિચારો એનો ભરડો લે,અજગરની જેમ એને ભીંસમાં લે.અલાઊદિનનાં જાદુઇ ચિરાગ માંથી ધુમાડો નિકળે અને પછી જીન નિકળે એમ એક પછી એક વિચારો એનાં મનમાં ઉદભવે!!વાત એકજ પણ વિચારો અનેક!આખરે શું બીના બની હશે?અને સાચી વાત શું?અમસ્તોજ કોઇનો પગ લપસી જાય?અને પચાસ-સાઠ લોકોમાં માત્ર એની સાથેજ આવુ થાય?
   મારે એનાં રુમની સરખી તપાસ કરાવવી જોઇતી હતી.કદાચ કોઇ સ્યુસાઈડનોટ લખી હોય અને ટેબલનાં ડ્રોઅરમાં કે કોઇ પુસ્તકમાં એ કાગળ મૂકયું હોય? પણ ત્યારે એવું વિચારવાની મારી કોઇ હાલત હતીજ કયાં?જુવાન જોધ દિકરી મૃત્યુ પામે તો એનાં મા-બાપ કંઇ હોશ-હવાસમાં હોય???કે દિકરીનું શબ પડ્યું હોય અને મા-બાપ તપાસની માથાઝીંકમાં પડે?? હવે તો ધણુ મોડુ થઇ ગયું.હવે તો એની રુમમાં એની જગ્યાએ કોઇક બીજી એના જેવીજ છોકરી આવી ગઇ હશે.
   થોડા વિચારો બાદ એનુ મન ફરી બીજી દિશામાં ફંટાઇ જાય અને બીજા તર્કોમાં પડે.એનું ખૂનતો થયુ નહિ હોય ને?કોઇએ પાછળથી ધક્કો મારી દિધો હશે અને આખી વાતને અકસ્માતમાં ખપાવી દિધી હશે.કોઇએ વેર વાળ્યું હશે આગળ પાછળનું.આમેય છોકરી પણ બહુ આઝાદ પહેલેથી,નાનપણથી બરખા દત્ત જેવી જર્નાલિસ્ટ થવાનાં સપના જોતી.સ્ત્રી શોષણ અને સ્ત્રી સશકિતકરણ જ વાતો હર હંમેશ, અને એટલેજ ઊપરવટ થઇને ગઇ જર્નાલિઝમ કરવાં.કયાંક કંઇ કાળુ-ધોળુ ભાળ્યું હશે અને એને ઊઘાડુ પાડવાની ચાનક ચડી હશે જેમાં એનું કોઇએ ઢીમ ઢાળી દિધું.રાક્ષસોને તો બધુ પરવડે,એમાં એક મુઠ્ઠીભર હાડકાની છોકરીને પતાવવાની એટલેતો ડાબા હાથનો ખેલ!
   ના પાડી હતી મે પરેશને.એકની એક દિકરી છે,આટલે દુર નથી મોકલવી.આમેય એનો સ્વભાવ ઊગ્ર,રસ્તામાં કોઇ માણસ કુતરાને ફટકારે તો એની સાથે લડવા બેસે એવી.વેચાતી બબાલ માથે લેવાની એને ટેવ.એમાં આટલે દુર મોકલાય? ગ્રેજ્યુએટતો થઇ,હજુ કેટલુ ભણાવવાની?ક્યાંય નથી મોકલવી છાતી ઊપરજ રાખવી છે.
    ...પણ મારી વાતમાં સમજે એ બીજા;આ બાપ-દિકરી નહિ!લઇ આવ્યાં એડમિશન અને પોટલાં બાંધીને નિક્ળ્યાં બરખા દત્ત બનવાં...
   આપઘાત કર્યો હશે એણે??પણ એ કંઇ એવી પોકળ ન હતી કે સામે ચાલીને મોતને શરણે જાય.નિડર હતી મારી દિકરી!સમસ્યાની સામે લડત આપીને એનાં તળીયાં સુધી એ પહોંચતી.એમ અડધે રસ્તે નમતુ ના જોખે.પણ કદાચ આપઘાત કર્યોય હોય તો?છોકરી આમ હતી સાવ અલ્લડ પણ આમ ખુબ સંવેદનશીલ.કંઇક એવુ બન્યુય હોય જે જીરવી ન શકી હોય.પણ એવી કઇ વાત હોઇ શકે જે આવી નિડર છોકરીને આપઘાત કરવા પ્રેરે??
    ક્યાંક કોઇ લફડુ?પ્રેમભંગ કે જુવાનીનાં જોશમાં લેવાય ગયેલુ કોઇ આડુ-અવળું પગલુ?? છીં છીં મારુ સંતાન આવુ તો નજ કરે.મારા એવા સંસ્કારજ નહિને!અને કદાચ એવુ કંઇ થયુ પણ હોય તો એતો સાવ ખુલ્લી બાજી રમનારી છોકરી!ઢાંક પીછોળા એને આવડેજ નહિ.અને આવી કોઇ બાબત તો એને મન કોઇ નજીવી વાત,એમાં કંઇ એ મોત વહાલું કરે નહિ.
   એનાં મરવાનાં બે દિવસ અગાઊજ એનો ફોન આવેલો.ત્યારે એમની વચ્ચે થએલી વાત એણે ફરી એનાં મગજમાં દોહરાવી જોઇ.ક્યાંક કોઇ કારણ મળે???
   'ડેડા મારુ નેશનલ ન્યુઝચેનલમાં પ્લેસમેંટ થઇ ગયુ છેએએએ....'ત્યારે એ પરેશની બાજુમાંજ બેઠેલી.અને દિકરી ખુબ ખુશ જંણાતી હતી.
   'એમ??!!કોંગો...કોંગો...આખરે તારી જીત થઇ,તે કરી બતાવ્યું.મારી દિકરી હવે રિપોર્ટિગ કરશે અને એ પણ નેશનલ ન્યુઝચેનલ ઊપર......વાહ..વાહ..આનંદો.' બંન્ને બાપ-દિકરી ઊછાળા મારતા હતાં.એને પણ ખુશી થઇ.
   'યાહ ડેડા..'
   'બેટા એક વાર બોલી બતાવને.. જો તારે રિપોર્ટ કરવાનો હોય તો તુ કેવી રીતે કરે??'
   "આજ ફિર દહેજકી આડ મેં એક યુવતીકો જલાયા ગયા..આખીર ક્યું? સરકાર ઇસ દિશામેં કોઇ ઠોસ કદંબ ક્યુ નહિ ઊઠા રહિ?? ક્યાં સભી કાયદે પન્નો પરહિ રહેગેં? આખીર કબ-તક ચલેગા યે સબ?ઓર કિતની ઓર જાને જાયેગી યે દહેજકિ આગમેં દેખનાં રહા..ગુજરાતસે નંદિની પરેશ ભટ્ટ કીં રિપોર્ટ."
   'અરે વાહ મેરી જાન વાહ..કહેવા પડે જા..લે વાત કર તારી ભવા સાથે.' અને પરેશે એને ફોન આપેલો. એની દિકરી એને ભવા કહેતી.નાની હતી ત્યારે પરેશ એને ભાવના કહેતો તે સાંભળતી અને એનુ સાંભળી સાંભળીને એંણે એનુ ભવા કરી નાંખેલુ.
   'હેય ભવા,મજામાં?'
   'એકદમ મજામં.. તારુ કેમ?'
   'હુ તો એકદમ ખુશ ભવા... આખરે હુ સફળ થઇ'
   'હા બેટા,એને માટે તને ખુબ-ખુબ અભિનંદન.અને સાથો સાથ મંગલ ભવિષ્યની શુભકામનાંઓ.'
   'થેંક્યુ ભવા.અને હા સાંભળ પરમ દિવસે અમે કોલેજમાંથી ટુરમાં જઇએ છીએ,માઊન્ટઆબુ જઇએ છીએ અમે બધા.હવે કોલેજની આ લાસ્ટ ટુર પછી પરિક્ષાઓ હશે અને પછી કોણ કયાં હોય એનો કોઇ પત્તો નહિ,એટલે પરિક્ષા પહેલાંજ જવાનુ નક્કિ કર્યુ.અને પછી રિડિંગ વેકેશન છે એટલે ત્યાંથી સીધી ઘરેજ આવીશ.'
   'હા વાંધો નહિ... અને સાંભળ, તું..'
   'અરે ભવા આપણે પછી વાત કરીશું,મારે થોડું કામ છે.હુ તને પછી ફોન કરું,પ્લીઝ બાય...' અને લાઇન કટ.
   અરે!ખરી છે આ છોકરી તો!વાવાઝોડુ જેવું આવે અને ઘડિમાં નિકળી જાય.મારી વાત પણ આખી ન સાંભળી.એવુ એ ત્યારે બબડેલી.
   ....તો એની વાત ઊપરથી તો એવુ કશું જણાતું ન હતું કે એ જરાય દુખી હોય કે વિચલીત હોય.એ તો હંમેશની જેમજ હતી,તાજગી અને તરવરાટથી ભરેલી છલોછલ!માણસ જો કોઇ આપત્તિમાં હોય તો એનાં અવાજમાં થોડી નરમાશ હોય.પણ એની વાતોમાં તો એવુ કંઇજ જણાતું ન હતુ.તો આપઘાતનું તો એવુ કોઇ કારણ જણાતુ નથી.
   અને બે દિવસ પછીતો પરેશ ઊપર એની કોલેજમાંથી ફોન આવેલો કે તમારી દિકરીનું ભેખડ ઊપરથી પગ લપસી જવાને કારણે મોત થયુ છે.અને અમે તાબતોડ પહોચેંલાં.
   તો આખરે સાચુ શું??? અકસ્માત-આપઘાત કે ખુન??? જાણવુ તો જોઇતુજ હતું.પૈસો નાંખતે તો માલુમ પડતે.તપાસ સરખી કરાવવી જોઇતી હતી, પણ પરેશે ઢીલ છોડેલી.
   -હવે શું ભાવના?? દિકરી તો ગઇ જ ને??? તપાસ કરાવવાથી આવશે પા્છી?

   અને પછી વાત પર પડદો પડી ગયેલો.
   પણ સાલુ આખરે બનેલુ શું?? ફરી એજ વિચાર!એ થોડી સળવળી;પથારીમાં પડખુ ફેરવ્યું.આંખોને સજ્જડ બંધ કરી અને ઊંઘવાનો પ્રયત્ન કર્યો.પણ પેલો "આખરે બનેલુ શું?" નો વિચાર એનો પીછો છોડતો ન હતો.
   એ પથારી માંથી ઊભી થઇ,ડ્રોઇંગરુમ માંથી ટીવીનો ઝાંખો પ્રકાશ આવતો હતો.પરેશ બીજા દિવસની સવાર મોડી થાય એટલા માટે મોડે સુધી ટીવી જોતો.એણે લાઇટ ઓન કરી અને કબાટમાંથી એક ગોળી કાઢી અને પાણી સાથે ગળે ઊતારી.ફરી લાઇટ ઓફ કરીને પથારીમાં પડી અને અને એનાં વિચારોને આવતી કાલ સુધી આરામ આપ્યો.