Saturday, October 19, 2013

ભાઇ, અમારું ટો ઘારી કલ્ચર


ભાઇ ઓણ ઘારી ખાવાના કેની?’

ખાવાના જ કેની. ઘારી વગર રેવાય કે?’

પણ ઘારીના ભાવ બો વધી ગીયા એમ કેય?’

ભાવનું હું? એ તો વયધા કરે. ભાવ વધે એટલે આપણે ખાવાનું થોડું માંડી વાળવાનું?’

હમણાં સુરતીલાલાઓ દેશ-દુનિયાના બાકી બધા મહત્ત્વનાં મુદ્દાઓ બાજુએ રાખીને માત્ર ઘારી અંગેની ગહન ચર્ચાઓમાં જ પડ્યા હશે એ વાતમાં કોઇ બે મત નથી. કારણકે, ચંદની પડવો નજીક છે અને સુરત માટે ચંદની પડવો એટલે ઘારી ખાવા માટેનો વિશેષ ઉત્સવ! આમ પણ આ શહેરનું કલ્ચર જ કંઇક અલગ છે, જ્યાં મોટા ભાગના તહેવારોમાં અને સામાન્ય દિવસે ખાણી-પીણીની ચીજોનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. બાકી, ‘સુરતનું જમણ અને કાશીનું મરણઅમસ્તુ જ થોડું કહેવાય છે?

આ શહેરે આમ તો ગુજરાતને અને દેશને ઘણી બધી વાનગીઓ આપી છે. જેમાં લોચો, ઇદડા અને રસાવાળા ખમણ કે આલુપુરી જેવી વાનગીઓનો સમાવેશ કરી શકાય. પણ એ બધી વાનગીઓમાં ઘારી દેશ-વિદેશમાં અત્યંત વખણાઇ છે. ચંદની પડવાના પંદર વીસ દિવસ પહેલા જ સુરતી લાલાઓ ઘારી ખરીદવા માટે પોતાનાં ચક્રો ગતિમાન કરી દે છે અને દેશદેશાવરમાં રહેતા પોતાનાં ભાઇભાડુંઓને થોકબંધ ઘારી મોકલવાની તજવીજ શરૂ કરી દે છે. ઘારી સુરત શહેરની સંસ્કૃતિમાં વણાઇ ગયેલી વાનગી છે. શરદપૂનમ તો આખા ગુજરાતમાં ઉજવાય છે પરંતુ ઘારી ખાવા માટેનો આ વિશેષ ઉત્સવ માત્ર સુરત અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં જ ઉજવવામાં આવે છે. ચંદની પડવાને દિવસે સુરતનાં લોકો ઘારી સાથે ભૂંસું લઇને શહેરનાં રસ્તાઓ પર ઉતરી પડે છે અને ગૌરવ પથનાં ફૂટપાથ પર અથવા પોતાનાં મકાનને ઘાબે જઇને લહેરીલાલાઓ લહેરથી ઘારી અને ભૂંસાની જિયાફત ઉડાવે છે.

ઘારીનો ઇતિહાસ બહુ જૂનો નથી. લગભગ ૧૫૦થી ૨૦૦ વર્ષ જૂનો જ ગણોને. ઘારી માટે એમ કહેવાય છે કે સુરતનાં દેવશંકર શુક્લ નામના બ્રાહ્મણે સંત નિર્મળદાસજીને પહેલી વખત માવા અને ઘીમાંથી ઘારી બનાવીને ખવડાવી હતી. સંત નિર્મળદાસજીને દેવશંકર શુક્લની ઘારી એટલી બધી ભાવી કે તેમણે આ મીઠાઇ ખાતા ખાતા દેવશંકરને આશીર્વાદ આપ્યાં હતાં કે તમારા દ્વારા બનાવાયેલી આ ઘારી દેશ વિદેશમાં અત્યંત લોકપ્રિય બનશે. અને થયું પણ એવું જ. આજે ચંદની પડવાના તહેવાર નિમિત્તે લગભગ ૨૦ હજાર કિલોથી વધુ ઘારીની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

દેવશંકર શુક્લાએ ૧૮૩૮માં સુરતનાં લાલગેટ પાસેદેવશંકર ઘારીવાળાનાં ટ્રેડમાર્ક હેઠળ ઘારી અને ફરસાણની દુકાન શરૂ કરી. હતી ઘારીનાં ઇતિહાસ સાથે એક બીજો પણ રસપ્રદ કિસ્સો સંકળાયેલો છે. ૧૮૫૭નાં આપણાં પહેલા વિપ્લવ વખતે તાત્યા ટોપે તેમનાં સૈન્ય સાથે થોડાં દિવસ સુધી સુરત ખાતે રોકાયા હતાં. આ દરમિયાન દેવશંકર શુક્લએ તાત્યા ટોપેની મહેમાનનવાજી કરતા તેમને ઘારી ખવડાવી હતી. તાત્યા ટોપેને દેવશંકર શુક્લાની ઘારી એટલી બધી ભાવી કે તેમણે દેવશંકરને તેમનાં સૈન્યને પણ ઘારી ખવડાવવાની વિનંતી કરી. ખાવા કરતા ખવડાવવાનાં શોખીન અને મહેમાન નવાજીમાં અવ્વલ એવાં સુરતી મિજાજના દેવશંકર શુક્લાએ બીજા દિવસે તેમનાં સૈન્યને પણ ઘારી ખવડાવી. આ દિવસ હતો આશો વદ પડવાનો એટલેકે ચંદની પડવાનો. આથી ત્યારથી સુરતમાં ઘારી ખાઇને ચંદી પડવાનો ઉત્સવ ઉજવવાની શરૂઆત થઇ હતી.

જોકે ચંદની પડવાના તહેવાર વિશે એક લોકવાયકા એવી પણ છે કે સુરતનાં ખલાસીઓનું .ખાવા માટે જાય છે. જોકે આ વાયકામાં તથ્ય કેટલુ છે એ વિશે કંઇ નક્કી નથી. પરંતુ એક વાત સાચી કે શરૂઆતનાં વર્ષોમાં સુરતનાં લોકો મરણ વખતે જ ઘારી ખાતા. પણ સમય જતાં આ પ્રથામાં મસમોટું ગાબડું પડ્યું અને સુરતી લાલાઓએ દુખદ પ્રસંગોએ ખવાતી ઘારીને ચંદી પડવાના ઉત્સવ સાથે સાંકળીને ઘારીપર્વ જ ઊજવવાનું શરૂ કરી દીધુ!

શરૂઆતી વર્ષોમાં રવા અને ઘીમાંથી સાદી ઘારી બનતી હતી. પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ ઘારીની બનાવટમાં  પણ જાતજાતનાં પ્રયોગો થતા રહ્યાં, જેને પગલે આજે બજારમાં ત્રણ ચાર પ્રકારની ઘારીઓ ઉપલ્બધ છે. હમણાં મુખ્યત્વે બજારમાં ત્રણ પ્રકારની ઘારીઓ મળે છે. જેમાં એક સાદી એલચી ઘારી, બદામ પિસ્તા ઘારી અને કેસર બદામ પિસ્તા ઘારી મુખ્ય છે. આ ઉપરાંત બાળકોને ભાવે એવી ચોકલેટ ઘારી અને મેંગો મેજીક જેવી ઘારીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. મજાની વાત એ છે કે ડાયાબિટીસનો ભોગ બનેલા અને મીઠી વાનગીઓના શોખીન સુરતી લાલાઓના ચંદની પડવાના રંગમાં ભંગ પડે એ માટે છેલ્લાં કેટલાક વર્ષોથી સુગર ફ્રી ઘારી પણ મળે છે. એટલે ડાયાબિટીસ હોય તો શું થઇ ગયું? અમે તો ઘારી ખાવાના એટલે ખાવાના જ.

જોકે કોઇ વાર્તાની રાજકુમારીની જેમ દિવસે ન વધે એટલી રાતે અને રાતે ન વધે એટલી દિવસે વધતી જ જતી મોંઘવારીની અસર ઘારી પર પણ થઇ છે. ચાલુ વર્ષે બજારમાં ૪૬૦થી ૪૮૦ રૂપિયા કિલો સુધીની ઘારી બજારમાં ઉપલબ્ધ છે. આ વર્ષે ઘારીનાં ભાવમાં કીલો દીઠ ૪૦ થી ૫૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. પણ આ ભાવ વધારો કંઇ નવો નથી. ભાવો તો દર વર્ષે જ વધતા જ હોય છે. પરંતુ એનાથી સુરતનાં લોકોને કંઇ બહુ ફરક પડતો નથી. અહીં જથ્થાબધ ઘારી ખરીદાય છે અને ખવાય છેસુરત સહિત ગુજારાતભરમાં પોતાની ઘારી માટે પ્રખ્યાત એવા શાહ જમનાદાસ ઘારીવાલાનાં કુંજન ઘારીવાલાએ ગુજરાત ગાર્ડિયનને જણાવ્યું હતું કે, ‘સાર્વત્રિક વધતી મોંઘવારીને પગલે સ્વભાવિક છે કે ઘારી અને મીઠાઇઓનાં ભાવમાં પણ વધારો થાય, જેની સીધી અસર ગ્રાહકોની ખરીદી પર પણ થાય. પરંતુ કોઇ પણ વસ્તુ પર સીધો કાપ મૂકવો સુરતીઓનો સ્વભાવ નથી. એટલે કિલો ઘારી ખરીદતો ગ્રાહક પાંચસો ગ્રામ લેશે, પણ સમૂળગી જ ઘારી નહીં ખાય એવું તો નહીં જ બને.’

ગયા વર્ષનાં આંકડા મુજબ ગયે વર્ષે સુરતનાં લોકો ચંદની પડવાનાં તહેવાર નિમિત્તે કુલ આઠ કરોડ રૂપિયાની એક લાખ વીસ હજાર કિલો ઘારી અને ભૂંસુ પેટમાં પધરાવી ગયા હતાં. ચંદની પડવાનાં ઉત્સવને સુરતી લોકોએ તેમની અનોખી ઉજવણી વડે એટલો તો પ્રખ્યાત કરી દીધો છે કે હવે કારતક વદ એકમ એટલેકે ચંદની પડવાના દિવસે ગુજરાતી કેલેન્ડરોમાંસુરત-ડુમસ ઉત્સવપણ લખાયેલું હોય છે. ખાણી પીણી માટેનો આ એકમાત્ર એવો ઉત્સવ હશે કે આ દિવસે સુરત પોલીસે સુરતનાં રસ્તાઓ પર અને ખાસ કરીને ગૌરવપથ તરફનાં વિસ્તારોમાં વિશેષપણે બંદોબસ્ત ગોઠવવો પડતો હોય છે.

સુરતનાં લોકોને ઘારીનો એવો તો ક્રેઝ છે કે અહીંના લોકો શરદ પૂનમનાં દિવસથી ઘારી ખાવાનું શરૂ કરી દે છે અને ચંદની પડવાના બીજા દિવસ સુધી તેઓ ઘારી ખાય છે. હવે આ વર્ષે કેટલી ઘારી ખવાશે એ જોવું રહ્યું. પરંતુ આ શનિવારે ચંદની પડવો આવી રહ્યો છે અને બજારોમાં મીઠાઇવાળાઓને ત્યાં ઘારીનાં એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયાં છે. અને વિદેશમાં વસતા સુરતી લાલાઓ અને ગુજરાતીઓને માટે જથ્થાબંધ ઘારી પહોંચી પણ ગઇ છે. આ વર્ષે ઘારી વધુ માત્રામાં ખવાશે કે ઓછી એ તો પછીનો મુદ્દો છે પણ આ વખતે ઘારી બહું જ ટેસથી અને જલસાભેર ખવાશે એ વાત પાકી. કારણકે આ વર્ષે ચંદની પડવો વિકએન્ડમાં આવી રહ્યો છે આથી સુરતી લોકો વિકએન્ડનો પૂરેપૂરો લાભ ઊઠાવશે.


તમે સુરતમાં રહેતા હો અને મૂળ સુરતના નહીં હો તો તમે પણ અસલ સુરતીઓની જેમ કંદોઇની દુકાને જઇને ઘારી ખરીદજો અને અદ્લ સુરતી સ્ટાઇલમાં ચંદ્રની શીતળ ચાંદનીમાં શહેરનાં ફૂટપાથો પર બેસીને ભૂંસુ અને કોલ્ડ્રિંક્સની મિજલસ માણજો. આખરે કોઇ પણ શહેરને જાણવું હોય અને માણવું હોય તો તે શહેરનાં કલ્ચરથી સુપેરે પરિચિત થવું પડે. અને ભાઇ, અમારું કલ્ચર ટો ખાણીપીણીનું છે. લોચા ખમણનું અને ઘારીનું છે! અમારી વાત તો ખાવાથી જ શરૂ થાય ને પતે હો ખાવાથી જ!

1 comment: