Tuesday, October 8, 2013

ઉત્કૃષ્ટ નાટકોની ભરમાર સન્ડે ટુ સન્ડે

વ્હેન ગોડ સેઇઝ ચીયર્સનું એક દ્રશ્ય
અમદાવાદ સહિત ગુજરાતભરનાં નાટ્યરસિકોને દેશનાં શ્રેષ્ઠત્તમ નાટકો માણવાનો લાભ મળી રહે એ માટે અમદાવાદ સ્થિત દર્પણ એકેડમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સેગયાં વર્ષથી એક અદભુત કાર્યક્રમ હાથ ધર્યો છે. આ કાર્યક્ર્મ હેઠળ સતત એક અઠવાડિયા સુધી દેશભરનાં દિગ્ગજ નાટ્યકારો અને નાટ્યકલાકારો અમદાવાદ ખાતે ભેગા થાય છે અને નાટ્યરસિકોનાં એક મોટા વર્ગને દેશનાં અદભુત નાટકોની મિજલસ કરાવે  છે. દર્પણ એકેડમી દ્વારા ઉજવવામાં આવતો આ કાર્યક્રમ છેસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલ’, જે હેઠળ એક રવિવારથી બીજા રવિવાર સુધીનાં દિવસોમાં આઠ નાટકોની ભજવણી કરવામાં આવતી હોય છે.

આ વર્ષે હજુ હમણાં જસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલભજવાઇ ગયો. જેમાં ગુજરાત સહિત મુંબઇ, કલકત્તા અને હૈદરાબાદ જેવાં શહેરોનાં રંગકર્મીઓએ વારાફરતી રોજ પોતાનાં એક એક નાટક ભજવ્યા અને વરસતા વરસાદની વચ્ચે દર્શકોને નાટકોનાં રસમાં તરબોળ કરીને એકથી એક અદભુત નાટકોની ભેટ આપી. દર્પણ એકેડમી અનેસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલસાથે સંકડાયેલા અભિનય બેંકર ગુજરાત ગાર્ડિયનને જણાવે છે કે, ‘આ નાટ્ય મહોત્સવનું આયોજન કરવાનો મુખ્ય આશય જ એ છે કે રંગભૂમિના ચાહકોને એક જ સ્થળે રાજ્ય ઉપરાંત દેશ-વિદેશનાં સારામાં સારા નાટકો માણવાનો લ્હાવો આપી શકાય. આ સાથે જ દેશની વિવિધ સંકૃતિઓનો સમન્વય પણ થાય જેનો સીધો લાભ નાટ્યરસિકોને મળી રહે.’  

ખેર, અમદાવાદ ખાતે હાજર નાટ્યરસિકોએ તો આ તમામ નાટકોનો લુફ્ત ઉઠાવ્યો પણ એ લોકોનું શું જેઓસન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલમાં નથી પહોંચી શક્યાં? વેલ, તેઓ માટે પ્રસ્તુત છે આ તમામ નાટકોની ઝાંખી જેથી મહોત્સવમાં નહીં પહોંચી શકેલા નાટ્ય ચાહકોને પણ ત્યાં ભજવાયેલા નાટકો વિશે યોગ્ય જાણકારી મળી રહે. આ નાટ્ય મહોત્સવમાં ભજવાયેલા તમામ નાટકો સામાન્ય રીતે ભજવાતા નાટકોથી થોડાં હટકે કહી શકાય એવાં હતાં.
વન ઓન વન
વન ઓન વનનું એક દ્રશ્ય
સન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલનાં પહેલા દિવસે એટલેકે ૨૯મી સપ્ટેમ્બરે નટરાણી ખાતે સૌથી પહેલાંવન ઓન વનનાટક ભજવાયુ હતું. આ નાટકની મુખ્ય ખાસિયત એ હતી કે તેમાં જુદાં જુદાં દસ કલાકારોએ અલગ અલગ દસ મોનોલોગ રજૂ કર્યાં હતાં. નાટકની અંદર તમામ પાત્રો અલગ અને તમામની વાત પણ અલગ. આ તમામમાં જો કોઇ સામ્યતા રહેલી હોય તો એ મુંબઇ શહેર છે! ‘વન ઓન વનનાટકનું દરેક પાત્ર મુંબઇ શહેર સાથે કોઇને કોઇ સંબંધ ધરાવે છે. આ નાટકમાં કોઇ પાત્ર મૂળ મુંબઇ શહેરનું જ છે તો કોઇક બહારથી હિજરત કરીને મુંબઇ આવે છે. કોઇ બોલિવુડમાં પોતાની કારકિર્દી બનાવવા આવ્યું છે તો આ નાટકમાં એક પાત્ર ખુદ મુંબઇ શહેરની સ્ટ્રીટ લાઇટનું જ છે! હિંદી, ઇંગ્લિંશ અને હિંગ્લીશ એમ કુલ ત્રણ ભાષામાં ભજવાયેલું આ નાટક વ્યંગ અને કટાક્ષથી ભરપૂર હતું. આ નાટક કોઇ વ્યક્તિ દ્વારા લિખિત કે નિર્મિત નથી. વન ઓન વનમાં રજીત કપૂર, અમિત મિસ્ત્રી, અનુરાધા મેનન અને ઝફર કરાંચીવાલા જેવાં રાષ્ટ્રીય કક્ષાનાં કલાકારોએ મોનોએક્ટિંગ કરી હતી તો કુણાલ રોય કપૂર, રણજીત કપૂર અને નાદીર ખાન જેવાં દિગ્દર્શકોએ તેનાં દિગ્દર્શનની કમાન સંભાળી હતી.

વ્હેન ગોડ સેઇઝ ચીયર્સ
જીવનની રોજ બરોજની ઘટમાળથી થાકેલો એક માણસ બારમાં બેઠે બેઠો વાઇનનાં ઘૂંટડા ગટગટાવે છે અને અચાનક એક માણસ ત્યાં આવીને તેનો જામ પોતાનાં હાથમાં લઇ લે છે. આથી પીવા બેસેલો માણસ ખિન્નાઇને તેને પૂછે છે કે યે ક્યાં બેહુદગી હે. તો પેલો માણસ પીવા બેસેલી વ્યક્તિને પોતાની ઓળખાણ આપતા કહે છે કે તે પોતે ભગવાન છે. નાટ્યમહોત્સવને બીજે દિવસે વ્હેન ગોડ સેઇઝ ચીયર્સ નાટક ભજવાયું હતું, જેમાં દારુ પીનાર વ્યક્તિનું પાત્ર અભિનેતા સાયરસ દસ્તૂરે ભજવ્યું હતું તો ભગવાનનું પાત્ર ભજવ્યું હતું ટોમ અલ્ટરે!
નાટકની શરૂઆતનાં તબક્કામાં ભગવાને એટલેકે ટોમ અલ્ટરે પીનાર વ્યક્તિ પાસે પોતે ભગવાન છે એની ભાંગજડ કરવી પડે છે. બાદમાં ભગવાન અને માણસ વચ્ચેનાં રસપ્રદ સંવાદોથી ધીમે ધીમે નાટકનો ઉઘાડ થાય છે. નાટકમાં પીનાર વ્યક્તિ ઇશ્વરને હાલમાં ખાડે ગયેલું સમાજકારણ અને રાજકારણને સુધારી આપવાની વાત કરે છે. તો ભગવાન માણસની આગળ સાંપ્રત સમયમાં માણસે પૃથ્વી પર કરેલાં પરિવર્તનો અને ઉપદ્રવો પર કટાક્ષબાણ છોડે છે અને તેને જણાવે છે કે તેની જવાબદારી માત્ર પૃથ્વી અને માણસનાં સર્જનની હતી. આ પછી જે ખુવારીઓ થઇ છે એ ખુવારીઓ માટે માણસ જવાબદાર છે આથી તેને સુધારવાનું કામ પણ માણસનું જ છે. લગભગ સવા કલાકના આ નાટકમાં ટોમ અલ્ટર અને સાયરસ દસ્તૂર પોતાનાં અદભુત સંવાદો દ્વારા દર્શકોને વ્યાકુળ કરી દે છે.

દાસ્તાન ઢાઇ આખર કી
દાસ્તાન ઢાઇ આખર કી
નાટ્ય મહોત્સવનું ત્રીજુ નાટક હતું દાસ્તાન ઢાઇ આખર કી. દિલ્હીનાં લેખક અને અભિનેતા અંકિત ચઢ્ઢા દ્વારા અભિનિત આ નાટકમાં દાસ્તાનગોઇપદ્ધતિથી નાટકની ભજવણી કરવામાં આવી હતી. ‘દાસ્તાનગોઇએ ફારસી શબ્દ છે, જ્યાંગોઇશબ્દનો અર્થ દાસ્તાન કરવાની એક વિશિષ્ટ ઢબ એમ થાય છે. સાંપ્રત સમયમાં દાસ્તાનગોઇ શબ્દ અને લોકકથાપ્રકાર બંન્ને લુપ્ત થઇ રહ્યાં છે ત્યારે અંકિત ચઢ્ઢાએ આ નાટકમાં કબીરનાં જીવન પર દાસ્તાનગોઇ કરીને રસપ્રદ નાટકની સાથોસાથ એક વીસરાઇ રહેલા વારસાને ફરી ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો. અંકિતે આખીદાસ્તાનગોઇમાત્ર એક જ જગ્યાએ બેસીને રજૂ કરી હતી, જેમાં દર્શકો અભિનેતાનાં ઉર્દુ ઉચ્ચારણો પર આફરીન પોકારી ઉઠયા હતાં.

સો મેની સોક્સ
નાટ્ય મહોત્સવનાં ચોથા દિવસે દિગ્દર્શક કસાર ઠાકોર  ‘સો મેની સોક્સનામનું એક જુદાં જ મૂળનું નાટક લઇને આવે છે. આ નાટકની અંદર તિબેટીયન રેફ્યુજીઓની વ્યથાની કથા વર્ણવામાં આવી છે. દિલ્હીની તિબેટીયન રેફ્યુજી કોલોનીમાં એક તિબેટીયન મહિલાને ગોળી વાગતા તે કોમામાં સરી પડે છે, અને બાદમાં આ તિબેટીયન પરિવારે કેટલીય હાલાકીઓનો ભોગ બનવુ પડે છે. આ નાટકની એક વિશેષતા એ હતી કે નાટકનાં પાત્રો મંચ પર જ પોતાનો ગેટઅપ બદલી લેતા હતાં. એક પાત્ર તેનું ગેટઅપ બદલતું હોય ત્યારે બાકીનાં બે પાત્રો એટલી બખૂબીથી અભિનય કરે છે કે દર્શકોને એની જાણ સુદ્ધાં નથી થતી કે મંચ પરનું ત્રીજુ પાત્ર તેનું ગેટઅપ બદલી રહ્યું છે. આ નાટક જ્યારે ભજવાઇ રહ્યું હતુ ત્યારે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. નટરાણીનાં મંચથી પરિચિત લોકોને ખબર જ હશે કે નટરાણીનો મંચ ઓપન એર છે. આમ, જ્યારે તાડામાર વરસાદ તૂટી પડે ત્યારે નાટક અધવચ્ચે બંધ કર્યે જ છૂટકો! પણ કલાકારોએ વરસતા વરસાદમાં પણ પોતાનો અભિનય ચાલુ રાખ્યો  અને ખરા અર્થમાં નાટ્યચાહક કહી શકાય એવા લોકોએ મોટી સંખ્યામાં આ નાટક નિહાળ્યું પણ ખરું!


મેકબેથ ઇન ચોલીએટ્ટમ
કલ્ચર ગાર્ડિયનનાં વાચકોમેકબેથ ઇન ચોલીએટ્ટમથી સુપેરે પરિચિત હશે જ કારણકે અહીં અગાઉ પણ આ વિશે લખાઇ ચૂક્યું છે. નાટ્યમહોત્સવને પાંચમે દિવસે ભજવાયેલા આ નાટકમાં કલાકાર એટ્ટુમનોર પી કાનન કથ્થક નૃત્યની અંદર શેક્સપિયર કૃતમેકબેથલઇને આવ્યાં હતાં. સામાન્ય રીતે અંગ્રેજી નાટકો પ્રાદેશિક ભાષામાં લાવવામાં આવે છે ત્યારે તેમાં પ્રદેશ મુજબ થોડાં ઘણાં ફેરફારો કરવામાં આવતા હોય છે. પરંતુમેકબેથ ઇન ચોલીએટ્ટમમાં મૂળ નાટકનાં સંવાદો જેમનાં તેમ રાખી તેને ભજવવામાં આવ્યાં હતાં. જોકે અહીં નૃત્યકારે માત્ર પોતાનાં હાવભાવ વડે જ દર્શકોને વશીભૂત કર્યા હતાં. બાકી મેકબેથનાં સંવાદો અને સંગીત અગાઉથી જ એકોર્ડ કરીને બેકગ્રાઉન્ડમાં વગાડવામાં આવ્યાં હતાં.


સીતાઝ ડૉટર
મલ્લિકા સારાભાઇ બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે, નૃત્ય હોય, અભિનય હોય કે સામાજીક નિસ્બત આ તમામ ક્ષેત્રે તેમણે સદૈવ અગ્રેસર ભૂમિકા ભજવી છે. નાટ્યમહોત્સવને છઠ્ઠે દિવસે મલ્લિકા સારાભાઇએ તેમનું વિશ્વપ્રસિદ્ધસીતાઝ ડૉટરરજૂ કર્યું હતું. અહીં એ કહેવાની જરૂર નથી કે સોલો પર્ફોર્મન્સ ધરાવતું આ નાટક જોયા બાદ દર્શકોનાં પ્રતિભાવ કેવા રહ્યાં હશે. જોકે ત્રેવીસ વર્ષ જૂનાં આ નાટકમાં સાંપ્રત સમયની કેટલીક ઘટનાઓને આવરીને તેમાં કેટલાંક બદલાવ કરવામાં આવ્યાં હતાં. નાટકની શરૂઆતમાં ભગવાન રામે એક ધોબીનાં આક્ષેપ બાદ સીતાની અગ્નિપરીક્ષા લેવાનું નક્કી કર્યું ત્યારે સીતાએ જે મનોવેદના અનુભવી હતી તેનું મલ્લિકા સારાભાઇએ તાદ્શ વર્ણન કર્યુ હતું, જ્યાં બાદમાં ધીમે ધીમે નાટક વર્તમાન સમયમાં સ્ત્રીઓ સાથે થઇ રહેલા સામાજીક અન્યાય સુધી આવી પહોંચે છે. નાટકમાં મલ્લિકા સારાભાઇ વારાફરતી જુદી જુદી વાર્તાઓ નેરેટ કરે છે અને બાદમાં તેમણે પોતે જ તમામ વાર્તાનાં પાત્રોનો અભિનય પણ કર્યો હતો.


ઇસ્મત કી ઓરત
સાતમે દિવસે હૈદરાબાદનું સૂત્રધાર ગ્રુપઇસ્મત કી ઓરતનાટક લઇને આવ્યું હતું. ડિરેક્ટર વિનય વર્માનાં  આ નાટકમાં ઉર્દુનાં પ્રખ્યાત વાર્તાકાર ઇસ્મત ચુગતાઇની વાર્તાઓનાં સ્ત્રી પાત્રો વિશેની વાતો કરવામાં આવી હતી. આ નાટકમાં ઇસ્મત ચુગતાઇની ત્રણ જુદી જુદી વાર્તાઓ ત્રણ જુદા જુદા પાત્રો દ્વારા ભજવવામાં આવી હતી. જેમાં સમાજનું સત્ય અને સમાજનો જુદા જુદા વર્ગની સ્ત્રી તરફનો દ્રષ્ટિકોણ અત્યંત બખૂબીથી દર્શાવાયો હતો.

 

ટુ વુમનઃ જ્ઞાન એન્ડ કાદમ્બરી

 

સન્ડે ટુ સન્ડે થીએટર ફેસ્ટિવલને અંતિમ દિવસે અરુણા ચક્રવર્તીનું ટુ વુમનઃ જ્ઞાન એન્ડ કાદમ્બરી રજૂ થયું હતું. અરુણા ચક્રવર્તીની જ નવલકથા જોડાસાન્કોપર આધારિત આ નાટકમાં ટાગોરનાં પરિવાર સાથે સંબંધ ધરાવતી બે સ્ત્રીઓની વાત આલેખવામાં આવી હતી. આ બંને સ્ત્રીઓ તેમનાં પ્રદેશનાં અત્યંત પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવતી હોવાને કારણે તેમણે જાહેર જીવનમાં રાખવી પડતી તકેદારીઓની વાત કરવામાં આવી છે. તો ક્યાંક આ નાટકમાં પ્રતિષ્ઠિત પરિવારની સ્ત્રીઓ પણ સામાન્ય સ્ત્રીઓ જેવી જ લાગણીઓ અને સબંધોનાં માપદંડો ધરાવતી દર્શાવાઇ હતી.

 

ગયા વર્ષથી શરૂ થયેલાં આ નાટ્યમહોત્સવ શરૂ કરવા પાછળદર્પણનાં મલ્લિકા સારાભાઇ, યાદવન ચંદ્રન, પ્રિયંકા રામ અને અભિનય બેંકર જેવા અનેક લોકોએ તેમનું અનન્ય યોગદાન આપ્યું છે.

નોંધઃ અહીં લેવાયેલા ત્રણેય ફોટોગ્રાફ્સ ઝેનિથ બેંકરનાં છે.


1 comment:

  1. khub sundar natak chhe badha- wish if i would have got a chance to see them live...!!! well written - great work:)

    ReplyDelete