Friday, October 4, 2013

‘માઇન્ડ ચેન્જ’ કરતી ‘વાઇન્ડ ઓફ ચેન્જ’

એક સમય હતો જ્યારે ગુજરાતમાં શોર્ટ ફિલ્મો અથવા ડૉક્યુમેન્ટરી ફિલ્મો આંગળીને વેઢે ગણી શકાય એટલી સંખ્યામાં તૈયાર થતી. તેમાંય તે ફિલ્મો મોટે ભાગે કોઇ સંસ્થા માટે અથવા કોઇ કેમ્પેઇન માટે તૈયાર થતી. ગુજરાતમાં પહેલાં બની ચૂકેલી કેટલીક શોર્ટ ફિલ્મ્સની ગુણવત્તા પર મોટા પ્રશ્નો ઊઠતા, પણ હવે ટ્રેન્ડ બદલાયો છે અને ગુજરાતની નવી પેઢી ઊંચી ગુણવત્તાની એક પરફેક્ટ પેકેજ કહી શકાય એવી દસ્તાવેજી અને શોર્ટ ફિલ્મો તૈયાર કરે છે. હમણાં ગયા સપ્તાહે જ ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટની નેશનલ લેવલની ફિલ્મ મેકિંગની એક સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ બહુ ટૂંકા ગાળામાં એક શોર્ટ ફિલ્મ તૈયાર કરવાની હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સ્પર્ધામાં દેશભરમાંથી ફિલ્મો આવી હતી, જેમાં સુરતની એક ફિલ્મ ગોલ્ડન ફિલ્મ ઓફ ધ યરનો ખિતાબ જીતીને ફર્સ્ટ રનર્સઅપ રહી હતી.

સુરતની એ ફિલ્મ છે, ‘વાઇન્ડ ઓફ ચેન્જ’. આ ફિલ્મના ડિરેક્ટર ચક્ષુ ખાટસૂર્યા અને વિવેક દેસાઈ છે. ઈન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટની સ્પર્ધામાં હરીફાઇ શરૂ થયા બાદ સ્પર્ધકોને વિષય આપવામાં આવતો હોય છે. આમ, વિષય અપાયા બાદ સ્પર્ધકોએ પચાસ કલાકના સમયગાળામાં આખી શોર્ટ ફિલ્મ તૈયાર કરવાની હોય છે. આ ટૂંકા ગાળામાં સ્પર્ધકે ફિલ્મની સ્ક્રિપ્ટિંગથી માંડીને શૂટિંગ, વોઇસઓવર અને એડિટિંગ સુધીની પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું હોય છે. આમ, જ્યારે ઉતાવળે આંબા પકવવાના હોય ત્યારે ગુણવત્તામાં બાંધછોડ કર્યે જ છૂટકો! પરંતુ  ઈન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટની સ્પર્ધા હોય કે પછી અન્ય કોઇ સ્પર્ધા, આ તમામમાં આવતી શોર્ટ ફિલ્મો બિરદાવી શકાય એ સ્તરની આવતી હોય છે.


પચાસ કલાકના ટૂંકા સમયગાળામાં સુરત ખાતે જ સંપૂર્ણપણે તૈયાર થયેલીવાઇન્ડ ઓફ ચેન્જફિલ્મમાં એક રેડિયો સ્ટેશન પર આરજે નૈનાઆઇ એમ ઇન્ડિયાનામનો એક શૉ હોસ્ટ કરતી હોય છે. આ શૉ દરમિયાન શહેરના લોકો નાગરિક તરીકેની પોતાની નૈતિક જવાબદારીઓ અંગેની ચર્ચાઓ કરતા હોય છે. કોઇ ગંદકી નહીં ફેલાવવાની વાત કરે છે તો કોઇ આંતરજ્ઞાતિય લગ્નો વિશેની વાતો કરે છે. આ રેડિયો શૉની લોકપ્રિયતાને પગલે જેમ સામાન્ય રીતે બનતું હોય છે એમ રાજકારણી પણ વહેતી ગંગામાં પગ બોળે છે. આ દરમિયાન એક નનામી વ્યક્તિ પણ નૈનાને ફોન કરીને દેશની સરકારની સામાન્ય માણસ પ્રત્યેની જવાબદારીઓ અંગેની વાત કરે છે. મૂડીવાદી સમાજ વ્યવસ્થામાં એક અદના આદમીનો કઈ રીતે ભરડો લેવાય છે તેની વાતો કરે છે. આ સાથે જ ફિલ્મમાંયસ, ઇન્ડિયા કેન ચેન્જસાથેનો દર્શકોને વ્યાકુળ કરી જતો અંત આવે છે.

'વાઇન્ડ ઓફ ચેન્જ'ની ટીમ ટ્રોફી સાથે 
ફિલ્મના ડિરેક્ટર ચક્ષુ ખાટસૂર્યા ગુજરાત ગાર્ડિયનને જણાવે છે કે, ‘આ ફિલ્મમાં અમે જો કોઇ એક સંદેશ આપ્યો હોય તો તે એ છે કે આપણે કોઈનું ખરાબ વર્તન બદલવા કરતાં આપણી ખુદની માનસિકતામાં ધરમૂળથી બદલાવ આણવો જોઇએ. જેથી દેશમાં આપોઆપ જ પરિવર્તનનો પવન ફુંકાશે. ‘વાઇન્ડ ઓફ ચેન્જપણ લોકોને આ જ સંદેશ આપે છે’. સ્પર્ધામાં મળેલી આ સફળતા બાદ હવેવાઇન્ડ ઓફ ચેન્જની ટીમ શાળા અને કોલેજો માટે એક કેમ્પેઇન પણ કરવાનું વિચારી રહી છે, જે હેઠળ તેઓ બાળકો અને યુવાપેઢીને દેશ પ્રત્યેની આપણી જવાબદારીઓ અને ફરજો અંગેની જાણકારીઓ આપશે. તો ફિલ્મમાં આરજે નૈનાનું પાત્ર ભજવી રહેલી અને રિયલ લાઇફમાં પણ આરજે એવી વિશ્રુતિ શાહ ગુજરાત ગાર્ડિયનને તેમની આખી ટીમની સર્જન પ્રક્રિયા વિશે જણાવતા કહે છે કે, ‘અમારા માટે ઓછી સમય મર્યાદામાં રહીને ગુણવત્તામાં બાંધછોડ કર્યા વિના એકદમ પરફેક્શન સાથે ફિલ્મ તૈયાર કરવાનું કામ અત્યંત કપરું હતું, શોર્ટ ફિલ્મના સર્જનની આખી પ્રકિયા દરમિયાન તમારી સહનશીલતા અને સર્જનાત્મકતાની કસોટી થઈ જતી હોય છે.’

ઓછા સમયમાં આટલા બધા કામ એકસાથે કરવાના હોય ત્યારે ક્યાંક કોઈ ચૂક રહી જ જતી હોય છે. સામાન્ય રીતે ઓછી મુદતમાં તૈયાર થયેલી શોર્ટ ફિલ્મમાં તમારે નાની મોટી બાબતો સામે આંખ આડા કાન કરવા પડે, પણવાઇન્ડ ઓફ ચેન્જમાં વાર્તાતત્ત્વથી લઈને કેમેરાગ્રાફી અને એડિંટિગ કે મ્યુઝિક મર્જિગ સુધીના તબક્કાઓમાં સંતોષકારક કામ થયેલું જણાય છે. આપણે ત્યાં બહુ ઓછો વર્ગ એવો હોય છે જે શોર્ટ ફિલ્મોનો ચાહક હોય છે. ત્યારે સ્થાનિક ધોરણે આ રીતનું ઉત્તમ કામ થાય છે, તેને બિરદાવવું જ ઘટે. બાય ધ વે, ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટની સ્પર્ધામાં આ ફિલ્મને બેસ્ટ યુઝ ઓફ મ્યુઝિકનો એવોર્ડ પણ મળ્યો છે.

No comments:

Post a Comment