Tuesday, October 8, 2013

પશ્ચિમનાં સૂરોનાં ખરા ઉસ્તાદઃ ઝુબીન મહેતા

હમણાં થોડાં દિવસો અગાઉ કાશ્મીરમાં સંગીતનાં એક કાર્યક્રમને લઇ ભારે વિવાદ મચ્યો હતો. કાશ્મીરનાં વિરોધ પક્ષો અને અલગતાવાદીઓએ ગઇ સાતમી સપ્ટેમ્બરે યોજાનારાં એક કાર્યક્રમને અટકાવવા માટે ભારે મથામણ કરી હતી. કાશ્મીર ખીણમાં યોજાઇ ગયેલો તે કાર્યક્રમ હતો વિશ્વ વિખ્યાત મ્યુઝિક કંડકટર ઝુબીન મહેતાનોઅહેસાસ--કાશ્મીર’! જેને યોજવા પાછળનો મુખ્ય હેતુ જ એ હતો કે છેલ્લાં કેટલાક વર્ષોથી ખીણમાં ચાલી રહેલા તણાવને સંગીતનાં માધ્યમથી ઓછો કરી શકાય. પરંતુ જેની પ્રકૃતિમાં જ શાંતિ પામવુ નથી લખ્યું એવા અલગતાવાદીઓએ અને અન્ય વિઘ્નસંતોષીઓએ તેમાં વિરોધનાં સૂર રેલાવવા છતાં તેમને સફળતા હાંસલ થઇ ન હતી. શ્રીનગરમાં દાલ સરોવર નજીકનાં શાલીમાર ગાર્ડનમાં યોજાયેલા ઝુબીન મહેતાના આ કાર્યક્રમને અસાધારણ સફળતા મળી હતી, સેંકડો હિંદુ-મુસ્લિમોએ સાથે બેસીને સંગીતનાં આ જલસાની મિજલસ માણી હતી.


અહેસાસ--કાશ્મીરકાર્યક્રમને લઇને કાશ્મીરમાં થયેલાં વિવાદની સાથે ઝુબીન મહેતાનું નામ ફરી માધ્યમોમાં ઝળક્યું છે. જોકે આખાય વિવાદમાં ઝુબીન મહેતાની ભૂમિકા અત્યંત કાબિલેદાદ રહી હતી. કારણકે સામાન્ય રીતે જ્યારે આવા કોઇ વિવાદો વકરે છે ત્યારે કલાકારો પણ અળવીતરા વિધાનો કરીને વિવાદની આગમાં  ધુમાળામાં ફૂંક મારવાનું કામ કરવામાંથી બાકાત નથી રહી શકતાં.  પરંતુ ઝુબીન મહેતા ખુદ આખા વિવાદથી થોડાં છેટા રહ્યાં અને કશુંય બોલ્યા વિના કાશ્મીરના લોકોને એક ઉત્તમ કક્ષાનો સંગીતનો જલસો કરાવી ગયા. તો ઠીક, જતાં જતાં એમ પણ કહેતા ગયા કે કાશ્મીર તેમને ફરી બોલાવશે તો તેઓ ફરીથી કાશ્મીર આવવાનું પસંદ કરશે. વેસ્ટર્ન મ્યુઝિક પસંદ કરતી અને તેનાં તાલે ઠુમકા લગાવતી આજની યુવા પેઢી કદાચ ઝુબીન મહેતાનાં નામથી અપરિચિત પણ હોઇ શકે છે પરંતુ ઝુબીન મહેતા આંતરરાષ્ટ્રીય સંગીતમાં ઘણું મોટુ અને સન્માનનીય નામ છે.

૧૯૩૬ની ૨૯મી એપ્રિલે મુંબઇનાં પારસી પરિવારમાં જન્મેલા ઝુબીન મહેતાને સંગીત વારસામાં જ મળ્યું હતું. બોમ્બે સિમ્ફની ઓર્કેસ્ટ્રાનાં શોધક અને અંગ્રેજોનાં જમાનાનાં વાયોલિન વાદક એવા સંગીતકાર પિતા મેહલી મહેતા પાસેથી તેમણે પ્રારંભિક સંગીતની તાલીમ લીધી હતી. બાદમાં પ્રી-મેડિકલની તૈયારીઓ કરતા કરતા ૧૯૫૪માં એક દિવસ ઝુબીન મહેતાએ માત્ર સંગીતમાં જ કારકિર્દી બનાવવાનાં આશયથી ઓસ્ટ્રિયાના વિયેનાની વાટ પકડી અને ત્યાં વિધિવત સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. વિયેનાની પ્રખ્યાત એવી એકેડેમી ઓફ મ્યુઝિકમાંથી આજે પણ જેને સમજવાનું તો ઠીક પણ તેને માણવા માટે પણ થોડું માથુ ખંજવાળવુ પડે એવાં વેસ્ટર્ન ક્લાસિકલ સંગીતનો તેમણે અભ્યાસ શરૂ કર્યો અને જોતજોતામાં તેમાં પારંગત પણ થયાં. ૧૯૬૧નું વર્ષ આવે ત્યાં સુધીમાં તો ૨૫ વર્ષનાં યુવાન ઝુબીને મ્યુઝિક કંડક્ટર તરીકે કાઠું કાઢ્યું હતું. તેઓ ઓસ્ટ્રિયા, જર્મની અને ઇઝરાયેલ જેવાં દેશોનાં વિવિધ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રામાં કંડક્ટર તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યાં હતાં.

હમણાં સુધીમાં ઝુબીન વિશ્વનાં ખ્યાતનામ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રામાં મ્યુઝિક ડિરેક્ટરની ભૂમિકા ભજવી ચૂકયાં છે. તેઓ સંગીતનાં જે ક્ષેત્રમાં એટલેકે વેસ્ટર્ન ક્લાસિકલ સંગીતનાં ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે એમાં મ્યુઝિક કંડક્ટર અને ડિરેકટર પર જ બધો મદાર રાખવામાં આવતો હોય છે, જેમાં એક વ્યક્તિએ બહુ મોટા એવા વૃંદને એકસાથે સાચવવાનું હોય છે. જો એક વ્યક્તિથી પણ આમતેમ થઇ જાય તો આખા કાર્યક્રમમાં ઉથલપાથલ મચી શકે છે. આમ, આ માટે સંગીતનાં જ્ઞાનની સાથે કુશળ વહીવટનું જ્ઞાન હોવું પણ એકદમ જરૂરી છે. આ બાબતે ઝુબીન એકદમ સવાયા સાબિત થયાં છે, જ્યાં ડઝનબંધ ઓર્કેસ્ટ્રામાં કંડકટરની ભૂમિકા ભજવીને જાતજાતનાં સંગીતકારો સાથે તેમણે ખૂબ જ કુશળતાથી કામ પાર પાડીને અદભુત સંગીત પીરસ્યું છે.

૧૯૬૧થી ૧૯૬૯ સુધી તેઓ કેનેડાનાં પ્રખ્યાત મોન્ટ્રીયલ સિમ્ફની ઓર્કેસ્ટ્રાનાં ડિરેક્ટર રહ્યાં હતાં. આ દરમિયાન તેમનાં જીવનમાં એક એવો તબક્કો પણ આવ્યો હતો જ્યારે વિયેનામાં તેમની પાસે કોઇ કામ ન હતું. પરંતુ તેમનાં કપરા દિવસો દરમિયાન ઇઝરાયેલથી તેમનાં પર એક ટેલિગ્રામ આવે છે કે જો તેમનાંથી ઇઝરાયેલ અવાતુ હોય તો આવી જવું. આથી તેઓ તેમનાં પરિવાર સાથે તાબડતોબ ઇઝરાયેલ પહોંચે છે અને ઇઝરાયેલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાનાં ડિરેક્ટર બને છે.

ઇઝરાયેલમાં વર્ષો સુધી સંગીતમાં તેમણે આપેલા વિશિષ્ટ પ્રદાનને કારણે ૧૯૯૧માં ઇઝરાયેલની સરકારે તેમને  ઇઝરાયેલી પ્રેસિડેન્શિયલ એવોર્ડ ઓફ ડિસ્ટિંક્શનનાં એવોર્ડથી નવાજ્યાં હતાં. આ એવોર્ડ એનાયત કરતી વખતે ઇઝરાયેલનાં તત્કાલીન રાષ્ટ્રપતિ શિમોન પેરેસે તેમના માટે કહ્યું હતું કે, ‘તેઓ ભલે એક સંગીતકાર તરીકે અહીં આવ્યાં હોય પરંતુ આજ સુધી ઇઝરાયેલનાં સંગીતમાં તેમનાં જેટલું પ્રદાન કોઇએ નથી આપ્યું. તેમનાં આ પ્રદાનને કારણે ઇઝરાયેલ હંમેશા તેમનું આભારી રહેશે.’
હમણાં સુધીમાં ઝુબીન મહેતાએ વિશ્વભરમાં કુલ ૩૦૦૦ જેટલાં શૉ કર્યાં છે. ૧૯૭૮થી તેમણેન્યુયોર્ક ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાનું સુકાનપદ સંભાળ્યુ હતું. જે તેમણે છેક ૧૯૯૧ સુધી એટલેકે સતત તેર વર્ષ સુધી સુપેરે સંભાળ્યું હતું. આ સાથે જ વેસ્ટર્ન ઓર્કેસ્ટ્રાના ઇતિહાસમાં તેમણે એક નવો વિક્રમ સર્જયો હતો, કારણ કે એ પહેલાં(પછી પણ!) સતત તેર વર્ષ સુધી કોઇ ડિરેક્ટર પદ પર રહી શક્યુ ન હતું. વૈશ્વિક સ્તર પર આટલી બધી નામના મળવા છતાં ઝુબીન મહેતા એકદમ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી છે. તેમની સફળતા માટે સાવ નિખાલસતાથી કહે છે કે તેમને અજાણતામાં જ આટલી બધી સફળતા મળી હતી. બાકી તેમણે સફળતા તરફ ક્યારેય તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું ન હતું. તેમનાં મતે તો તેમણે તેમનું બધું ધ્યાન તેમનાં સંગીત પર જ કેન્દ્રિત કર્યું હતું.

સંગીતમાં તેમનાં પ્રદાનને પગલે ભારત સરકારે તેમને ૧૯૬૬માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતાં તો ૨૦૦૧માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તો હમણાં જ તેઓ કાશ્મીરનાં કાર્યક્રમ માટે આવેલા ત્યારે આપણાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા તેમને ટાગોર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. હાલમાં ઝુબીન મહેતા ૭૭ વર્ષનાં છે અને છતાં તેઓ વિશ્વભરમાં વિવિધ જ્ગ્યાએ સંગીતનાં શૉ કરે છે. આટલી ઉંમરે પણ તેઓ એકદમ ફિટ અને તરોતાજા છે. આ કદાચ તેમનાં સંગીતની જ કમાલ હશે કે શારીરિક રીતે વૃદ્ધ લાગતી આ વ્યક્તિ હજુય એક જુવાનીયા જેવી તાજગી અને કાર્યક્ષમતા ધરાવે છે.


ઝુબીનનું ઇન્ડિયા કનેકશન

ઝુબીન મહેતા દર બે વર્ષે અચૂકપણે ભારતની મુલાકાત લે છે. તેઓ મુંબઇમાં તેમનાં સંગીતકાર પિતાની યાદમાં મેહલી મહેતા મ્યુઝિક ફાઉન્ડેશનનામની એક સંગીત એકેડમી પણ ચલાવે છે. આ મ્યુઝિક એકેડમી દ્વારા તેઓ તેમનાં પિતાનું ઋણ અદા કરે છે. તેમનાં પિતાની હંમેશાથી એક ઇચ્છા હતી કે ભારતનાં વિદ્યાર્થીઓને પણ વેસ્ટર્ન કલાસિકલ મ્યુઝિક શિખવાની તક મળે. જેથી આ મ્યુઝિક એકેડમીમાં બાળકોને પશ્ચિમી પારંપરિક સંગીતની તાલીમ આપવામાં આવે છે. હાલમાં જ કાશ્મીરનાં કાર્યક્રમ માટે તેઓ જ્યારે ભારત આવ્યાં હતાં ત્યારે તેઓ મુંબઇમાં પોતાની સ્કૂલ સેંટ મેરીની મુલાકાતે પણ ગયાં હતાં. આ દરમિયાન તેમણે સ્કૂલનાં બાળકો સાથે તેમનાં કેટલાંક બાળપણનાં સંભારણા રજૂ કર્યાં હતાં. આ દરમિયાન તેમણે હિન્દી ન શીખી શક્યાની દિલગીરી વ્યકત કરી હતી. ઉપરાંત બાળકો આગળ તેમણે ભારત અને ખાસ કરીને મુંબઇ શહેરનાં પેટ ભરીને વખાણ કર્યા હતાં. સ્કૂલનાં બાળકો સાથે ભાંગ્યા તૂટયા હિન્દીમાં વાત કરતી વખતે તેઓ અત્યંત ભાવુક પણ થઇ ગયાં હતાં.

1 comment:

  1. ur writing has always inspired me... :)
    good command on words:)keep up the great work

    ReplyDelete