Wednesday, September 24, 2014

નાટ્ય સ્પર્ધામાં યુવા પ્રતિભાઓનો દબદબો

'રાફડા'નું એક દૃશ્ય 
સુરત મહાનગરપાલિકાની ૪૨મી નાટ્ય સ્પર્ધા આખરે ગયા શનિવારે સમાપ્‍ત થઈ અને સફળતાપૂર્વક બાર નાટકોનું મંચન કરીને પાલિકાએ તેની સફળતાના પુષ્પગુચ્છમાં એક નવી સિદ્ધિનું ઊમેરણ કર્યું. આ વર્ષની નાટ્ય સ્પર્ધામાં દર્શકોને અનેક નવા રંગો જોવા મળ્યાં, જેમાં નિતનવી વાર્તા, નવા દૃષ્ટિકોણ સાથે નવા પ્રતિભાવાન દિગ્દર્શકો અને કલાકાર પણ જોવા મળ્યાં. આ વર્ષની મુખ્ય ખાસિયત જ એ રહી કે આ વર્ષે સ્પર્ધામાં કુલ ૨૭ નાટકોનું રજીસ્ટ્રેશન થયેલું, જેમાં સ્ક્રુટિનીમાં ચોવીસ ભજવાયા અને એમાંથી પસંદ થયેલા બાર નાટકો સંજીવકુમાર ઓડિટોરિયમમાં ભજવાયા. આટલા બધા નાટકો પ્રસ્તુત કરવા બદલ સુરતના નાટ્યકારોને તો દાદ દેવી જ પડે પરંતુ નાટ્યકલાના કદરદાનોની પણ વિશેષ નોંધ લેવી રહી. કારણકે કુલ ૧૨૦૦ લોકોની બેઠકવ્યવસ્થા ધરાવતા ઓડિટોરિયમની તમામ બેઠકો રોજેરોજ હાઉસફુલ ગઈ. આ કારણે પાછળથી આવતા લોકોએ (આ સંખ્યા બસો વ્યકિતથી ઓછી નહીં હોય!) ઓડિટોરિયમના દાદર પર બેસીને પણ નાટકો નિહાળ્યાં! સુરતના દર્શકો અને નાટ્યકારોની આવી જુગલબંધી જોઈને નિર્ણાયકની ભૂમિકા ભજવવા સુરતના મહેમાન બનેલા નાટ્યકાર ત્રંબક જોષીએ પણ કબૂલ કરવું પડ્યું કે વડોદરાને સંસ્કારી નગરી ભલે કહેવાતી હોય પરંતુ નાટકોનું મક્કા તો સુરત જ છે!

નાટ્ય સ્પર્ધાના અંતિમ દિવસે એટલેકે પરિણામના દિવસે ‘ગુજરાત ગાર્ડિયન’ની ટીમ સંજીવકુમાર ઓડિટોરિયમ પર વિશેષ હાજર રહી અને નાટકોના કલાકારો અને નાટ્યકારો ઉપરાંત સુરતના કેટલાક દર્શકો સાથે વાતો કરી. સ્પર્ધા બાર દિવસ લાંબી ચાલી હોવા છતાં કેટલાક દર્શકોએ એક પણ દિવસ ખાડો નહીં રોજેરોજ નાટકોનો લુફ્ત ઉઠાવ્યો હતો. દર્શકોની આ યાદીમાં માત્ર જુવાનિયા કે આધેડ વયના લોકો જ નહીં પરંતુ લાકડીને ટેકે ચાલતા વયોવૃદ્ધ દર્શકોનો પણ સમાવેશ થતો હતો, જેઓ આટલી ભીડમાં પોતાને પડી શકતી તકલીફોની પરવા કર્યા વિના ઉત્સાહપૂર્વક નાટકો નિહાળવા આવ્યા હતા. નાટ્ય સ્પર્ધા નિહાળવા રોજ આવેલા એક વૃદ્ધ નાટ્યપ્રેમી ગુણવંતરાય પટેલને અમે સ્પર્ધા વિશે પૂછ્યું તો એમણે અમને અસલ સુરતીમાં કહ્યું કે, ‘પાલિકા આપણા હારું આટલું કરતી હોય તો આપણે હો નાગરિક તરીકે આવવું તો પડે જ ને? ને એક હાથે આટલા બધા નાટક હો કાં જોવા મળે?’ વળી એક યુવાન દર્શક કેયુર દેસાઈ નાટ્યસ્પર્ધા માટે કહે છે કે, ‘મારે મારા નાના બાળકોને આપણી સંસ્કૃતિ અને ભવ્ય વિરાસત બતાવવી હતી. આ ઉપરાંત નાટકોના ચાહક તરીકે મને રોજ એવી ઉત્સુકતા રહેતી કે આજના નાટકનો વિષય શું હશે તેમજ કલાકારો કેવા હશે અને તેમનો અભિનય કેવો હશે? દિલથી કહું તો મેં મુંબઈમાં પૃથ્વી અને ભાઈદાસના નાટકો પણ જોયા છે પરંતુ બાર દિવસ સુધી ચાલેલી આવી સ્પર્ધા ક્યાંય જોઈ નથી. રોજ આટલું વિષય વૈવિધ્ય પીરસનાર આ નાટ્યકારો માટે હેટ્સ ઓફ કરવું જ રહ્યું!’

વૈભવ દેસાઈ
આ વર્ષની સ્પર્ધામાં (સોરી મહોત્સવમાં!) ઉત્તમ ગડા લિખિત ‘રાફડા’ નાટક પ્રથમ રહ્યું હતું તો જ્યોતિ વૈદ્ય અને સંકલ્પ કુલકર્ણી લિખિત ‘જુલિયસ સિઝર’ બીજા ક્રમે, રાજેશ પાંડેનું હિન્દી નાટક ‘આઓ તનિક પ્રેમ કરે’ ત્રીજા ક્રમે અને ફરઝાન કરંજીયાનું ‘સંન્યાસ્થ આશ્રમ’ ચોથા ક્રમે રહ્યું હતું. ગયા વર્ષની અને આ વર્ષની સ્પર્ધામાં સામ્યતા એ જોવા મળી કે આ વર્ષે પણ અહીં યુવા પ્રતિભાઓનો દબદબો રહ્યો. ગયા વર્ષે બાવીસ વર્ષના દિગ્દર્શક તથાગત શુક્લએ ‘ખેલંદો’ માટે બાજી મારી હતી તો આ વર્ષે યુવા નાટ્યકાર વૈભવ દેસાઈએ તેમના નાટક ‘રાફડા’ માટે સફળતા હાંસલ કરી છે. નાટક જેને જીન્સમાં જ મળ્યું છે એવા વૈભવ દેસાઈ કલાકાર તરીકે વર્ષોથી નાટકોમાં કામ કરે છે પરંતુ મહાનગરપાલિકાની સ્પર્ધામાં દિગ્દર્શક તરીકે છેલ્લાં ત્રણ વર્ષથી ભાગ લઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૨માં જ્યારે તેમણે આ સ્પર્ધા માટે પહેલી વખત દિગ્દર્શન કરેલું ત્યારે, કાજલ ઓઝા-વૈદ્ય લિખિત ‘વાત એક રાતની’ નામનું તેમનું નાટક સ્ક્રુટિનીમાંથી જ બહાર નીકળી ગયેલું. એક યુવાન દિગ્દર્શક માટે આવી પછડાટ ઘણો અઘાત સર્જી શકે છે પરંતુ વૈભવે આ હારને જરા જુદા દૃષ્ટિકોણથી સ્વીકારી. અને બીજાને દોષ દેવા કરતા તેમણે પોતાની કચાસ પર વધુ ધ્યાન આપી પહેલા કરતા બમણી મહેનત કરીને તેમણે ગયા વર્ષની સ્પર્ધા માટેની તૈયારીઓ આરંભી.

ગયા વર્ષે વૈભવ ‘છેલ્લી તરસ ગંગાજળ માગે’ નામનું નાટક લઈને આવ્યાં હતા, જે નાટક સ્ક્રુટિનીમાં તો સિલેક્ટ થયું જ પરંતુ સ્પર્ધામાં શ્રેષ્‍ઠ નાટકનું ત્રીજું પારિતોષિક જીતવામાં પણ સફળ રહ્યું. આ સફળતા મેળવ્યાં પછી વૈભવને કંઈક સારું કર્યાનો આનંદ થયો પણ તેમને રહી રહીને મનમાં થતું હતું કે સ્પર્ધામાં તેમનો ત્રીજો ક્રમ આવ્યો છે એ વાત તો સારી કહેવાય પરંતુ આનો એક બીજો અર્થ એ પણ થાય કે તમારી આગળ હજુ પણ કોઈક છે, જેઓ તેમના કામને શ્રેષ્‍ઠ સાબિત કરીને તમારાથી આગળ ઊભા રહ્યા છે! આ કારણે તેમનો અજંપો વધુ તેજ થયો અને તેમણે ફરીથી કંઈક શ્રેષ્‍ઠ કરવાની અને ત્રીજા સ્થાન કરતા આગળ વધવાની તૈયારીઓ આરંભી.

‘ગુજરાત ગાર્ડિયન’ સાથેની વાતચીતમાં વૈભવ જણાવે છે કે, ‘છેલ્લી ત્રણ સ્પર્ધામાં મેં બીજાને પછડાટ આપવા અથવા બીજાઓ કરતા સારું બતાવવાની ભાવનાથી ક્યારેય સ્પર્ધાની તૈયારી કરી નથી. પરંતુ મારે મારા આત્મસંતોષ માટે કંઈક કરવું હતું. ચીલાચાલુ બાબતો કરતા રહેવા કરતા લોકોને મારે કંઈક સત્વ કહી શકાય એવું આપવું હતું. આથી બીજાને હરાવવા નહીં પણ મારા આત્મસંતોષ
ખાતર મારે પ્રથમ આવીને મારી કાબેલિયત પુરવાર કરવી હતી.’

સ્પર્ધામાં પ્રથમ રહેલું ‘રાફડા’ નાટક ૨૦૧૪માં પણ સોશિયલ ટેબુ કહી શકાય એવી વિષય વસ્તુ ધરાવતું સાઈકોલોજીકલ-થ્રિલર નાટક હતું, જેમાં માનસી અને વિક્રમ નામના બહેન-ભાઈ વચ્ચે બંધાયેલા શારીરિક સંબંધની વાત કરવામાં આવી છે. નાટકમાં દર્શાવાયા મુજબ ભાઈ-બહેનના શારીરિક સંબંધથી એક દીકરો પણ પેદા થાય છે! આવું ઘૃણાસ્પદ કૃત્ય આચરવા બદલ માનસીનો અંતરાત્મા તેને કોરી ખાય છે, જેના કારણે માનસી સ્ક્રિઝોફેનિક પર્સનાલિટી થઈ જાય છે, જેને પોતે કરેલા ગુનાની સજા ભોગવવી હોય છે. પરંતુ આ માનસિક બીમારીમાં ગુનેગાર પોતાના ગુનાની સજા પોતાને નહીં પરંતુ બીજાને આપતો હોય છે! આમ, આ રીતે આ નાટકના કલાકારો એક તરકટ કરીને એક છોકરીને ફસાવે છે અને બાદમાં તેનું મર્ડર કરીને માનસીને તેના માનસિક પરિતાપમાંથી છૂટકારો અપાવે છે. આ નાટકની મંચ સજ્જામાં કોઈ કચાસ રાખવામાં આવી ન હતી. નાટકનું ડ્યુરેશન બે કલાક અને દસ મિનિટનું હતું અને અહીં મુખ્ય ખાસિયત એ હતી કે હાર્દિક સિંધે, વિરુ ચૌધરી અને વેદાંત બાવાસાહેબ નામના ત્રણ કલાકારોએ નાટકમાં પૂતળાની મૂક ભૂમિકા ભજવી હતી. એટલે થોડી ક્ષણોના હલનચલનને બાદ કરતા આ કલાકારો બે કલાક સુધી સતત એક જ મુદ્રામાં બેસી રહ્યા હતા!

'રાફડા'ના દૃશ્યમાં વૈભવ દેસાઈ
વર્ષો પહેલા લેખક ઉત્તમ ગડાએ આ નાટક લખ્યું હતું. નાટ્યકાર હોમી વાડિયાએ પણ આ વાર્તા પર નાટક તૈયાર કર્યું હતું. નાટક વર્ષો પહેલા લખાયેલું હોવાને કારણે વૈભવે આ નાટકમાં કેટલાક સુધારા પણ કર્યા હતા. આ નાટકના પાત્રો ભલેણા-ગણેલા હોવાથી તેમણે નાટકની ભાષા ભદ્રંભદ્ર ન રહેવા દેતા આજના દર્શકોને કનેક્ટ કરી શકે એવી અંગ્રેજીયુક્ત ગુજરાતી રાખી હતી. મૂળ નાટકમાં એક-બે સીન ઘણા બોલ્ડ કહી શકાય એવા હતા આથી મૂળ લેખકના કથાનકને માન મળી રહે અને પોતે પણ ક્ષોભમાં ન મૂકાય એ માટે તેમણે કવિ કિરણ ચૌહાણ પાસે ચાર મિનિટનું એક ગીત લખાવ્યું હતું. આ ઉપરાંત નાટકમાં સ્ક્રિઝોફેનિયા નામની માનસિક બીમારીની વાત આવતી હોવાથી નાટકનો કલાકાર એ પાત્રને યોગ્ય ન્યાય આપી શકે એ માટે વૈભવે સુરતના જાણીતા કવિ અને સાઈકિયાટ્રીસ્ટ મુકુલ ચોકસી સાથે મિટિંગ્સ કરીને તે રોગના લક્ષણો જાણ્યાં અને માનસીનું પાત્ર ભજવતી અભિનેત્રી મનાલી નાતાલી પાસે એ મુજબનો અભિનય કરાવ્યો. ઉલ્લેખનીય છે કે માનસીનું પાત્ર ભજવવા બદલ અભિનેત્રી મનાલી નાતાલીને શ્રેષ્‍ઠ અભિનેત્રીનું પારિતોષિક પણ પ્રાપ્‍ત થયું છે!

‘રાફડા’ને આ સ્પર્ધાના કુલ આઠ ઈનામો પ્રાપ્‍ત થયાં છે. વૈભવ દેસાઈ સાથે વાત કરતા અમને ખબર પડી કે તેમની અભિનેત્રી સુરતથી બહાર ભણતી હોઈ, તેમને અઠવાડિયામાં માત્ર ત્રણ જ દિવસ રિહર્સલ કરવા મળતું હતું. જ્યારે બીજા સ્પર્ધકો સપ્‍તાહના સાતેય દિવસો રિહર્સલ કરતા! ઓછા રિહર્સલ્સ અને સ્પર્ધાના દબાણને કારણે કેટલીક વખત ‘રાફડા’ના કલાકારો ભારે તણાવ અનુભવતા અને એ કારણે તેમને તેમના પાત્રમાંથી બહાર નીકળવામાં પણ મુશ્કેલી થતી હતી! ખેર, બાર નાટકો અને મંજાયેલા કલાકારો-દિગ્દર્શકો વચ્ચેથી હળવેકથી પોતાનો રસ્તો કરીને પ્રથમ ક્રમે પહોંચવા બદલ ‘રાફડા’ની ટીમ અત્યંત ખુશ છે.

‘રાફડા’ની ટીમ તેમની આ સફળતાને તેમની નાટ્યયાત્રાનો પડાવ માત્ર માને છે. આ કલાકારોના જણાવ્યાં મુજબ તેઓ નાટક ભજવતા નથી પરંતુ નાટકને શ્વસે છે અને આ કલા થકી જ તેઓ ધબકે પણ છે! વૈભવ દેસાઈના મત મુજબ તેમના માટે સફળતાના હજુ અનેક આયામો સર કરવાના બાકી છે, તેમણે વધુમાં વધુ ઉત્તમ નાટકો કરવા છે અને નાટ્યકાર પિતા મુકેશ દેસાઈએ તેમને વારસામાં આપેલી નાટ્ય પ્રવૃત્તિ સતત ધમધમતી રાખવી છે! ‘રાફડા’ની સફળતાનો શ્રેય તેઓ તેમના માતાપિતા અલકા અને મુકેશ દેસાઈને તેમજ અભિનેત્રી મનાલી નાતાલી અને મિત્ર વિરલ દેસાઈને આપે છે! નાટકની વાર્તા થોડી યુનિક હોવાને કારણે વૈભવને થોડો ડર હતો કે લોકો આ વાર્તા ન પણ સ્વીકારે પણ લોકો સહિત નિર્ણાયકોએ પણ આ નાટકને સ્વીકાર્યું અને તેને સ્પર્ધાનું સર્વશ્રેષ્‍ઠ નાટક ઘોષિત કર્યું. ■


નાટકોની ગુણવત્તા પર અસર થઈ છે?

સુરત મહાનગરપાલિકાની ૪૨મી નાટ્ય સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા ભજવી ચૂકેલા રમેશ સેવક વર્ષોથી નાટક સાથે જોડાયેલું નામ છે. આ વર્ષની નાટ્ય સ્પર્ધા વિશે તેમનું માનવું છે સ્પર્ધામાં બાર નાટકો આવ્યા એ વાત સારી છે પણ સ્પર્ધામાં એક-બે નાટકો ઓછા હોત તો કંઈ ખાટુંમોળું ન થાત. આ ઉપરાંત એક-બે નાટકો માટે તેમને એવી પણ ફરિયાદ હતી કે એ નાટકોએ સ્ક્રુટિનીમાં જે પ્રદર્શન બતાવ્યું એ પ્રદર્શન તેઓ સ્પર્ધામાં બતાવી શક્યાં ન હતા. ‘ગુજરાત ગાર્ડિયન’ને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ સ્પર્ધા બારેબાર નાટકો વચ્ચે ન થતાં ગણતરીના કેટલાક નાટકો પૂરતી જ યોજાઈ હતી એમ કહીએ તો ચાલે! તેમના જણાવ્યાં અનુસાર આમ થવા પાછળ કેટલાક નાટકોની ગુણવત્તા જવાબદાર હતી. તેમના મત મુજબ સુરતમાં અત્યંત પ્રતિભાશાળી નાટ્યકારો અને કલાકારો કાર્યરત છે. પરંતુ આપણી કઠણાઈ એ છે કે અહીં નાટકો સાથે સંકળાયેલા કેટલાક ગ્રુપ્સ તૂટ્યા અને વિખેરાયા છે, જેની સીધી અસર નાટકોની ગુણવત્તા પર પડી છે!

Wednesday, September 17, 2014

આનેવાલા ટ્રેન્ડ જાનેવાલા હૈ...

આજકાલ તમે એક-બે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર એકાઉન્ટ ધરાવતા હો અથવા અઠવાડિયે-પંદર દિવસે એકાદ ફોટોગ્રાફ અથવા કોઈક ગમી ગયેલી ગુજરાતી કવિતા, કવિના નામ વિના અપલોડ કરતા હો એટલે તમારો સોશિયલ મીડિયા ધર્મ પતી નથી જતો. ઉપરાંત આવું કશુંક કરીને જો તમે એવી ખાંડ ખાતા હો કે તમે સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ છો અને આજના પ્રવાહ સાથે તાલ મિલાવી રહ્યા છો તમે ખોટા છો. ફેસબુક કે વ્હોટ્સ એપ જેવી એકાદ બે સાઈટ્સનો ઉપયોગ કરતા લોકો આઉટડેટેડ ગણાઈ શકે છે કારણકે અહીં જુદા જુદા માધ્યમોમાં રોજ કશુંક બદલાતું રહેતું હોય છે અને રોજ નવું નવું આવે છે. જોકે એ વાત પણ સાચી કે જેમ નવું આવે છે એમ જૂનું ભૂલાતું પણ જાય અને ક્યારેક ગામ ગજવી ગયેલો ટ્રેન્ડ અચનાક હાંસિયામાં ધકેલાઈ જાય. ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સ એપ અને યુટ્યુબ જેવી અતિપ્રચલિત સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર છેલ્લા કેટલાક વર્ષોમાં આવા તો કેટલાય ટ્રેન્ડ્સ આવ્યાં અને કોઈ ચક્રવાતની જેમ થોડો સમય તરખાટ મચાવી ફરી પોતાને રસ્તે પડ્યાં.

આજકાલ ચાલી રહેલી એએલએસ આઈસ બકેટ ચેલેન્જની જ વાત કરીએ તો વાયા હોલિવુડ આપણે ત્યાં આવેલા અને ભારતમાં માત્ર બોલિવુડ પૂરતી સીમિત રહી ગયેલા આ ટ્રેન્ડની ત્રણેક અઠવાડિયા પહેલા જે બોલબાલા હતી તે આજે નથી. સોશિયલ મીડિયામાં ચાલેલા બીજા ફીવર કરતા આ ટ્રેન્ડ થોડો ઓછો ચાલ્યો. બોલિવુડ સેલિબ્રિટીઝને બાદ કરતા ગ્લેમરસ સ્પોર્ટ્સ પર્સનાલિટી કે અન્ય સામાન્ય લોકોને આઈસ બકેટનું પાણી કદાચ વધારે ટાઢું લાગ્યું હોવું જોઈએ કારણકે ફેસબુક-યુટ્યુબ પર ભારતમાંથી જે પ્રતિક્રિયા આવવી જોઈતી હતી એ ન આવી. અને હવે તો સેલિબ્રિટીઝમાં પણ આ ટ્રેન્ડનો પ્રતિસાદ મોળો પડી ગયો છે. ઈન શોર્ટ આઈસ બકેટ પણ હવે ભૂલાવા માંડ્યું છે.

સેલિબ્રિટીઝ સાથે સંકળાયેલો એક બીજો ટ્રેન્ડ હતો ‘નો મેક-અપ સેલ્ફી’. આ ટ્રેન્ડ પણ આઈસ બકેટની જેમ સામાજિક ઉદ્દેશ માટે ફંડ ઊભું કરવા માટે થયો હતો. આ ટ્રેન્ડમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે જંગી રકમ ઊભી કરવા હોલિવુડની કેટલીક અભિનેત્રીઓએ ટ્વિટર પર તેમના મેક અપ વિનાનાં ચહેરાનો સેલ્ફી ક્લિક કરીને અપલોડ કર્યા હતા. જોકે ભારતમાં આ ટ્રેન્ડ  ટ્વિટરની જગ્યાએ ઈન્સ્ટાગ્રામ પર વધુ ચાલ્યો અને અનેક અભિનેત્રીઓએ તેમના નો-મેક અપ સેલ્ફી અપલોડ કરીને હજારો લાઈક્સ ગાંઠે બાંધી.  હવે અચાનક કોઈકને યાદ આવી જાય તો જવલ્લે જ એકાદ ‘નો-મેક અપ સેલ્ફી’ અપલોડ થાય છે, બાકી આ ટ્રેન્ડ પણ ટ્રેન્ડ્સ આઉટના લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. આમ તો સેલ્ફીના અત્યાર સુધીમાં અનેક વર્ઝન વાઈરલ થયાં છે, જેમાં ‘અર્લી મોર્નિંગ’ સેલ્ફી, ‘ગ્રુપી’ અને ‘બટફી’(સમજણ ન પડી હોય તો ગુગલ કરી લ્યો!) કે ‘પાઉટ’ જેવા અનેક વર્ઝન સમયાંતરે આવતાં-જતાં રહ્યા. સેલ્ફીના ક્રેઝમાંથી ભારતના રાજકારણીઓ પણ છેટાં નથી રહી શક્યાં, જેમણે છાશવારે તેમના સેલ્ફી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે!

આવા જ સેલ્ફીના એક પ્રકાર ‘સેલોટેપ સેલ્ફી’ વિશે ભારતમાં બહુ ઓછાને ખબર હશે પરંતુ અમેરિકા-યુરોપમાં આવા સેલ્ફીનો ટ્રેન્ડ પુરબહારમાં ખીલેલો. આ વર્ષની શરૂઆતમાં વિદેશમાં ખૂબ ગાજેલા સેલોટેપ સેલ્ફીમાં સેબ્રિટીઝ અને સામાન્ય લોકોએ પોતાના મોઢાની ફરતે સેલોટેપ ચોટાડીને પોતાના સેલ્ફી ક્લિક કરીને ઈન્સ્ટા-ટ્વિટર અને એફબી પર અપલોડ કરેલા. આ ટ્રેન્ડ ભલે ૨૦૧૪માં શરૂ થયો હોય પરંતુ તેના મૂળિયાં વર્ષ ૨૦૦૮માં આવેલી હોલિવુડ કોમેડી ફિલ્મ ‘યસ મેન’માં છુપાયેલાં છે. આ ફિલ્મના એક સીનમાં અભિનેતા જીમ કેરીએ તેના ચહેરાની ફરતે સેલોટેપ લગાડી હતી!

સોશિયલ મીડિયાના શરૂઆતના સમયમાં ફ્લેશ મોબ્સે પણ માઝા મૂકી હતી. તેમાં કેટલાક લોકો રેલ્વે સ્ટેશન તેમજ મોલ અથવા જાહેર રસ્તાઓ પર પીક અપ ટાઈમે તેમનો અનફોર્મલ ડાન્સ શરૂ કરી દેતાં, જેમાં ધીમે ધીમે સામાન્ય લોકો પણ જોડાતા જતાં અને તેના ફક્કડ વીડિયો ઊતારીને તેમને યુટ્યુબ પર અપલોડ કરતા. આવા ફ્લેશ મોબ્સના વીડિયોમાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા મુંબઈના વીટી અને ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના ફ્લેશ મોબ્સ યુટ્યુબ પર ઘણા પ્રચલિત થયેલા. યુટ્યુબ પર ખૂબ ચાલેલો આ ટ્રેન્ડ પાછળથી દેશના કેટલાક રેડિયો સ્ટેશનોએ તેમજ કેટલાક એનજીઓ અને સામાન્ય લોકોએ અપનાવી લીધેલો, જ્યાં ગુજરાતના સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોના મોલમાં કે જાહેર રસ્તા પર દર રવિવારે એકાદ ફ્લેશ મોબ થતો અને યુટ્યુબ પર તેની વાહવાહી લૂંટાતી. પાછળથી તો ટેક્સ્ટ મેસેજ (ત્યારે વ્હોટ્સ એપ તેના બાલ્યકાળમાં હતું!) અને ઈમેલ કે ફેસબુક દ્વારા લોકોને શહેરમાં યોજાનારા ફ્લેશ મોબ્સની આગોતરા જાણ કરી દેવામાં આવતી, જેથી ક્યાંક તેમણે યોજેલા ફ્લેશ મોબનું સુરસુરીયું ન થાય!  

આ ઉપરાંત બીજો એક યુટ્યુબ ટ્રેન્ડ હતો ‘હાર્લેમ શેક’ વીડિયોનો! ફ્લેશ મોબ્સના જ ગોત્રના આ ટ્રેન્ડને વીડિયોના મેમે તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં યુટ્યુબ પર ધૂમ મચાવી ગયેલા ટ્રેન્ડની શરૂઆત ન્યુયોર્કના ડીજે બાઉરે કરી હતી. આમાં જુવાનિયાઓ ‘હાર્લેમ શેક’ના ગીત પર માથે હેલ્મેટ પહેરીને બંને હાથ ફેલાવીને હાસ્યાસ્પદ ડાન્સ કરતા. સોશિયલ મીડિયામાં ‘હાર્લેમ શેક’નો ક્રેઝ એટલો બધો વધી ગયેલો કે લોકો કોઈ પણ જગ્યાએ તેમનો વીડિયો શૂટ કરીને યુટ્યુબ પર રોજ સેંકડોની સંખ્યામાં અપલોડ કરતા. આપણે ત્યાં કોલેજ હોસ્ટેલ્સમાં આ વીડિયો ઘણા પ્રચલિત થયેલા, જ્યાં રાત્રે હોસ્ટેલ રૂમમાં અભ્યાસ કરી રેહેલા વિદ્યાર્થીઓ ‘હાર્લેમ શેક’ ડાન્સ કરીને શૂટ કરતા. ઉપરાંત લોકોએ અંડર વોટર ‘હાર્લેમ શેક’ કર્યું હોય કે ન્યુડ ‘હાર્લેમ શેક’ કર્યું હોય એના પણ સંખ્યાબંધ ઉદારણો મળ્યાં છે. યુટ્યુબ પર ભારતમાં તૈયાર ‘હાર્લેમ શેક’ વીડિયોની ભરમાર જોવા મળે છે.

યુટ્યુબ વીડિયોની વાત થઈ રહી છે ત્યારે ‘ઓપન ગંગનમ સ્ટાઈલ’ અને ‘કોલાવરી’ને નહીં ભૂલી શકાય. આજે ભલે આ બંને વીડિયો લોકોના દિલોદિમાગમાંથી નીકળી ગયા હોય પરંતુ બેએક વર્ષ પહેલા આ વીડિયોને વર્લ્ડ વાઈડ વાઈરલનું સ્ટેટ્સ મળેલું. રજનીકાંતના જમાઈ ધનુષે મજાકમાં ગાયેલું ‘કોલાવરી’ ભારતમાં દરેક લોકોની જીભે તો ચઢેલું જ પણ અનેક લોકોએ તેમના કોલાવરી વર્ઝન તૈયારી કરીને યુટ્યુબ પર અપલોડ કરેલા, જેને હજારો વ્યુ મળતા. અને ‘ગંગનમ સ્ટાઈલે’ તો એવી ધૂમ મચાવેલી કે ક્રિકેટર ક્રિસ ગેલથી લઈને દેશ કા બચ્ચાં બચ્ચાં આ ડાન્સના દિવાના થઈ ગયેલા. અરે ગુજરાતની નવરાત્રીમાં પણ કેટલાક લોકોએ તેમના ડોઢિયામાં ‘ગંગનમ સ્ટાઈલ’નો અખતરો કરી જોયેલો!

મેમેની વાત કરીએ તો વિદેશમાં અને ભારતમાં જુદા જુદા સમયે હોલિવુડ-બોલિવુડ કે ક્રિકેટમાં બનેલી કેટલીક ઘટનાઓ પર મેમે બનતા રહ્યા છે. ભારતમાં મેમે માટે આલિયા ભટ્ટ અને બાબુજી હજુ પણ હોટ ફેવરિટ છે ત્યારે વિદેશમાં એક સમયે ‘સેડ બેટમેનના’ મેમે ખૂબ ચગેલા. એક વાર બેટમેન ફિલ્મના શૂટિંગ વખતે અભિનેતા બેન એફલેકે તેના બેટમેનના ગેટ અપમાં ઉદાસ ચહેરે પોઝ આપેલો અને તે ફોટો ક્યાંક અપલોડ કરેલો. જોતજોતામાં આ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો અને પછી આ ફોટોગ્રાફ પરથી ‘સેડ બેટમેન’ની ફની મેમે સિરીઝ તૈયાર થવાની શરૂ થઈ. ભારતમાં પણ કેટલાક લોકોએ વડાપાંવની લારી ચલાવતા લોકો કે ગેરેજમાં કામ કરતા લોકોના ફોટો એડિટ કરીને ‘સેડ બેટમેન’ના મેમે તૈયાર કરેલા.

સોશિયલ મીડિયા એવું માધ્યમ છે, જ્યાં બધુ ઝડપથી બદલાતું રહેતું હોય છે. અહીં કોઈ પણ બાબતનો ‘ટ્રેન્ડ’ તરીકે જેટલી સહજતાથી સ્વીકાર થાય છે એટલી જ સહજતાથી એ બધા ટ્રેન્ડ્સને ભૂલી પણ જવામાં આવે છે. આપણા સ્માર્ટ ફોન અને કમ્પ્યુટરમાં જેમ ઓટો અપડેટ આવતી રહેતી હોય એમ આપણે આપણા મગજને પણ ઓટો અપડેટ મોડમાં મૂકી દેવું પડે, જેથી બદલાતા રહેતા પ્રવાહો સાથે પરિચય કેળવી શકાય અને ક્યારેક મન થાય તો એ પ્રવાહમાં ધુબાકો લગાવીને માથાબોળ ભીંજાઈ પણ શકાય. સોશિયલ મીડિયામાં માત્ર ટ્રેન્ડ્સ જ નહીં પરંતુ અભિવ્યક્તિના માધ્યમો પણ બદલાતા રહે છે એક સમયે માત્ર ઓરકુટ, બીબીએમ અને યાહુ મેસેન્જરની ચેટ રૂમમાં બાથોડિયાં ભરતા ભારતીયો આજે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ ઉપરાંત પીનટ્રેસ, વીન, લિન્ક્ડ ઈન તેમજ વ્હોટ્સ એપ અને વી ચેટ પર ચોવીસ કલાક ઓનલાઈન રહે છે, જેના પગલે જ પરિવર્તન નહીં સ્વીકારી શકેલા અને પોતાની માન્યતાઓ પર જ મક્કમ રહેલા ઓરકુટ, બીબીએમ અને યાહુ મેસેન્જરની આજે દયનીય સ્થિતિ છે. આઈસ બકેટ પછી હવે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવવા બીજા એકાદ ટ્રેન્ડની સ્ક્રિપ્ટ લખાઈ જ ગઈ હશે. તો ક્યાંક કોઈ ટ્રેન્ડ અમસ્તો જ વાઈરલ થઈ જશે. આ માટે જસ્ટ સ્ટે ટ્યુન્ડ એન્ડ કિપ એન્જોઈંગ! ■

Thursday, September 11, 2014

રંગભૂમિની પ્રયોગશાળામાં ઘડાયેલી અભિનેત્રી

મીનળ પટેલને આપણે અનેક વખત નાટકના મંચ પર કે ટેલિવિઝન સ્ક્રીન પર અથવા રૂપેરી પડદે જોયા છે. ગુજરાતીમાં તેમણે ‘સાવ રે અધૂરું મારું આયખું’, ‘પીળુ ગુલાબ અને હું’, ‘સખણા રહે તો સાસુ નહીં’, ‘કન્યાદાન’, ‘આજ રાત’ અને ‘હાય મેરા દિલ’ જેવા અનેક ગુજરાતી અને હિન્દી નાટકો કર્યા છે. અભિનયની સાથોસાથ તેમણે સ્ત્રીઓ માટે યોજાતા કાર્યક્રમો માટે ગીતો પણ લખ્યાં છે. મુંબઈમાં રહેતા મીનળ પટેલની ખાસિયત એ છે કે તેઓ ઝડપથી પરિવર્તન સ્વીકારી લે છે અને બદલાયેલા સમય સાથે અનુસંધાન સાધીને જીવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ ગુજરાત અને મુંબઈમાં કાવ્યપઠન માટે પણ વખણાય છે. આ વર્ષે તેમની અભિનયની કારકિર્દીને અડધી સદી સમાપ્‍ત થઈ રહી છે ત્યારે તેઓ ‘ગુજરાત ગાર્ડિયન’ સાથે તેમના જીવન અને કારર્કિદીની ખટમધુરી યાત્રાની ગોઠડી માંડે છે. અહીં પ્રસ્તુત છે તેમને સાથેની વાતચીતના કેટલાક અંશો....

ગુજરાતના ખ્યાતનામ સંગીતકારના દીકરી હોવા છતાં તમે અભિનયનું ક્ષેત્ર કેમ પસંદ કર્યું?

અભિનયનું ક્ષેત્ર અમારા કુટુંબ માટે નવું નથી. કારણકે મારા દાદા નાગેન્દ્ર મઝુમદાર ઘણાં ખ્યાતનામ અભિનેતા હતા. તેમણે વડોદરામાં થિયેટર તો કરેલું જ પરંતુ મુંબઈમાં પણ તેમણે સાઈલન્ટ તેમજ બોલકી ફિલ્મોમાં અભિનય અને દિગ્દર્શનની જવાબદારી નિભાવી હતી. વર્ષ ૧૯૪૩માં રિલીઝ થયેલી કે. એલ. સાયગલની ‘તાનસેન’ ફિલ્મ તેમની છેલ્લી ફિલ્મ હતી, જેમાં તેમણે બિરબલનો રોલ કરેલો. એટલે અભિનય મને વારસા જ મળ્યો છે એમ પણ કહી શકાય. મેં અભિનય કરવાનું શરૂ કર્યું ત્યારે મારા પિતાએ ખુશ થઈને મને અભિનયને લગતું એક પુસ્તક ભેટમાં આપેલું, જેના પર તેમણે લખેલું, ‘ટુ ડિયર મીનળ, જેણે ભાઈનો વારસો કાયમ રાખ્યો છે!’ ઉપરાંત પપ્પાએ(નીનુ મઝુમદારે) પણ એકાદ ફિલ્મ અને નાટકમાં અભિનય તો કર્યો જ છે. એટલે અભિનય મારા રક્તકણોમાં જ ભળેલો છે એમ કહું તો પણ ચાલે!

અભિનય ક્યારથી કરો છો?

હું રંગભૂમિમાં કઈ રીતે આવી એ પાછળ એક રસપ્રદ વાત છે. આમ તો મેં ઈન્ટરકોલેજીયેટમાં કેટલાક નાટકો કરેલા પરંતુ ૧૯૬૪થી મેં મેઈન સ્ટ્રીમ નાટકો શરૂ કર્યાં. મેં જ્યારે રંગભૂમિ પર અભિનય શરૂ કર્યો ત્યારે રંગભૂમિ આજે છે એવી વ્યવસાયિક ન હતી. ત્યારે રંગભૂમિનો સંક્રાતિકાળ હતો, એટલે કે રંગભૂમિ ઝડપથી નવા પરિવર્તનો સ્વીકારી રહી હતી. મેં તે સમયના ઊંચા ગજાના કલાકારો ચંદ્રવદન અને નિહારિકા ભટ્ટ સાથે નાટકો કરવાનું શરૂ કર્યું. થયું એવું કે હું ગ્રેજ્યુએટ થઈ પછી હું નોકરીની શોધમાં હતી. મુંબઈમાં અંધેરી તરફ મને એકાદ કામચલાઉ નોકરી મળેલી, એવામાં એક વાર મને વિલે પાર્લે સ્ટેશન પર હિંમત જોશી નામના એક કલાકાર મળેલા, જેમણે મને પૂછ્યું કે તારે બેંકમાં નોકરી કરવી છે? તો મેં કહ્યું હા. તો નાટકમાં કામ કરશે? તો મેં એ માટે પણ હા પડી. તે સમયે મહારાષ્ટ્રમાં નાટકો માટેની એક સ્ટેટ કોમ્પિટિશન ચાલતી હતી. આ ઉપરાંત રિઝર્વ બેંક પણ ઈન્ટર બેંક નાટ્યસ્પર્ધા યોજતી, જેમાં મુંબઈની વિવિધ બેંક ભાગ લેતી. એવી જ એક સ્પર્ધામાં હિંમતભાઈની બેંકે પણ ભાગ લીધેલો, જેનું દિગ્દર્શન કાંતિ મડિયા કરી રહ્યાં હતા. આ નાટક માટે તેઓ અભિનેત્રીની શોધમાં હતા એટલે મેં હિંમતભાઈએ આપેલી તક ઝડપી લીધી અને બેંકમાં નોકરી પણ લીધી અને અભિનય કરવાનું પણ શરૂ કર્યું.

નિખાલસતાથી કબૂલ કરું તો તે સમયે મને અભિનયની બહુ જાણકારી કે આવડત ન હતી. આ ઉપરાંત એ સમયે હું ઘણી ગભરું અને શરમાળ પણ હતી. જોકે ત્યારે છોકરીઓ નાટકોમાં બહુ કામ કરતી નહીં પણ હું આ ક્ષેત્રમાં હિંમતભેર આવી અને ધીમેધીમે બધુ શીખતી ગઈ. મેં જે ઈન્ટરબેંક કોમ્પિટિશનમાં ભાગ લીધેલો એમાં મને કોઈ જ ઈનામ પ્રાપ્‍ત થયું ન હતું પરંતુ ચંદ્રવદન ભટ્ટે મને તેમના નાટકમાં કામ કરવાની તક આપી. આમ, ધીમે ધીમે આવા કેટલાક કલાકારો-નાટ્યકારો સાથે કામ કરતા કરતા હું શીખતી ગઈ અને કામ કરતી ગઈ.

તમે અત્યાર સુધીમાં કેટલા નાટકોમાં કામ કર્યું?

મેં હજુ સુધી એવી કોઈ ગણતરી માંડી નથી તેમજ મારી પાસે કોઈ રોકોર્ડ પણ રાખ્યો નથી. પરંતુ એક વાત સાચી કે મેં હમણાં સુધીમાં અઢળક નાટકોમાં કામ કર્યું છે. અત્યાર સુધીમાં મેં એક મરાઠી નાટક કર્યું છે. આ ઉપરાંત દસ-બાર હિન્દી નાટકો અને પાંચ-છ નાટકો અંગ્રેજીમાં કર્યા છે. ગુજરાતીમાં તો મારા નાટકોની સંખ્યા પચાસ જેટલી હશે જ હશે. (ખડખડાટ હસીને) લોકોને કદાચ મારી ઉંમર વિશે ખબર પડી શકે છે પરંતુ આ વર્ષે મારી અભિનય કારકિર્દીને પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એટલે નાટકોની ચોક્કસ સંખ્યા વિશે મને ખબર નથી, પણ મને એ વાતનો સંતોષ છે કે મેં હમણાં સુધીમાં અનેક પડકારજનક ભૂમિકાઓ ભજવી અને ઘણું સંતોષજનક કામ કર્યું છે.

તમે મેથડ એક્ટર છો?

ના, મેં અભિનયની કોઈ તાલીમ તો લીધી નથી પરંતુ નાટકો કરતા કરતા જાતઅનુભવે જ બધું શીખતી ગઈ. હું હંમેશાં કહેતી હોઉં છું કે હું પ્રેક્ષકોની પ્રયોગશાળામાં તૈયાર થયેલી કલાકાર છું.

તમે તારક મહેતા અને કાંતિ મડિયા જેવા નાટ્યકારો સાથે ઘણું કામ કર્યું છે. એમની સાથેનો અનુભવ 
કેવો રહ્યાો?

લોકોમાં તારક મહેતાની ફક્ત કોમેડિયન તરીકેની જ છાપ છે. પરંતુ હું તેમને જરા જુદા દૃષ્ટિકોણથી જોઉં છું. તારક મહેતા થિયેટરને અદ્‍ભુતપણે તેમજ ગંભીર રીતે સમજે છે, તેમણે મને ખૂબ સુંદર રીતે તૈયાર કરી છે. મુંબઈની ઈન્ટરબેંક નાટ્યસ્પર્ધાઓમાં તેમણે મારા માટે એક્સપરિમેન્ટલ જેવાં નાટકો લખ્યાં અને તેમને ડિરેક્ટ કર્યા. આ ઉપરાંત હું ઉપેન્દ્ર ત્રિવેદીને પણ આ ક્ષણે યાદ કરીશ જેમણે મને ‘પારિજાત’ નામના નાટકમાં તેમની પહેલી હિરોઈન બનાવી. તેમણે મને અભિનયના વિવિધ પહેલુઓની ઘણી સમજણ આપી. અને કાંતિ મડિયાની તો વાત જ શું કરવી? તેઓ એક એવા દિગ્દર્શક હતા, જેઓ એકે એક કલાકારની પાછળ રિતસરની મજૂરી કરતા. એક દિગ્દર્શક તરીકે તેઓ ‘તમે આમ કરો’ કે ‘આમ બોલો’ એટલું જ માત્ર ન કહે. પરંતુ કલાકારના અભિનયને કારણે ઓડિયન્સને શું સંદેશ પહોંચશે અથવા કયા સીનમાં ચોક્કસ કઈ વસ્તુની જરૂર છે એવી ઝીણી ઝીણી માહિતીથી પણ તેઓ મને અવગત કરતા રહેતા. આ કારણે મારામાં અભિનય બાબતે એક ચોક્ક્સ પ્રકારની પકડ આવી અને પરિસ્થિતિને જરા જુદા દૃષ્ટિકોણથી મૂલવવાનો અભિગમ પણ આવ્યો. હું અંગતપણે એવું માનું છું કે  કાંતિ મડિયા સાથે કામ કરવાને કારણે હું અંદરથી ઘણી સમૃદ્ધ થઈ છું.

નીનુ મઝુમદારની થોડી સ્મૃતિઓ અમારી સાથે શેર કરશો?

પપ્પાની તો ઘણી સ્મૃતિઓ છે કેટલી શેર કરું? મારી બે મોટી બહેનો રાજુલ મહેતા (ખ્યાતનામ ગાયિકા) અને સોનલ શુક્લ (આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા નારીવાદી કાર્યકર)ના નામ રાશિ પરથી રાખવામાં આવ્યા હતા. પરંતુ મારું નામ મારા જન્મ પહેલા જ નક્કી થઈ ગયું હતું. મારી માતા ત્રીજી વખત ગર્ભવતી બની ત્યારે એટલે કે મારા જન્મ પહેલા અમારા ઘરમાં બે દીકરીઓ થઈ હોવા છતાં પપ્પાને એક દીકરીની ઝંખના હતી. આ કારણે તેમણે મારા જન્મ પહેલા મારી માતાને કહેલું કે આ વખતે જો દીકરી થશે તો એનું નામ આપણે મીનળ રાખીશું અને દીકરો થયો તો એનું નામ ટોડરમલ રાખીશું! હવે ટોડરમલ નામ કંઈ એવું
વખાણવા લાયક નામ ન હતું. પરંતુ પપ્પાને એક દીકરી જોઈતી હતી એટલે દીકરા માટે જાણીજોઈને ટોડરમલ જેવું હાસ્યાસ્પદ નામ રાખેલું!

એક વાર કોઈક પપ્પાનો ઈન્ટરવ્યુ કરી રહ્યું હતું ત્યારે તેમણે પપ્પાને પૂછેલું કે, ‘તમે તમારી દીકરીઓને ઘણી સ્વતંત્રા આપી છે. તો એના વિશે તમારું શું કહેવું છે?’ તો પપ્પાએ ફટ્ દઈને જવાબ આપ્યો કે, ‘મારી દીકરીઓની સ્વતંત્રતા મારા ગજવામાં નથી કે એ હું મનફાવે ત્યારે ગજવામાંથી કાઢીને આપું. જગતમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર રીતે જન્મી છે અને દરેક માણસને તેની ઈચ્છા મુજબનું કામ કરવાની સ્વતંત્રતા મળવી જ જોઈએ!’ હું દસ વર્ષની હતી ત્યારે જ મારી માતા ગુજરી ગયેલી એટલે અમે બધા અમારા પિતાની ઘણાં નજીક હતા. હું તેમને કંઈ પણ પૂછું કે, ‘પપ્પા હું આમ કરું?’ તો તેઓ મને હંમેશાં એમ જ કહેતા કે ‘તને જે યોગ્ય લાગે તે કર.’ ત્યારે પપ્પાનો આવો જવાબ સાંભળીને મને અકળામણ થઈ જતી. પરંતુ હવે મને એ સમજાય છે કે પપ્પા આવો જવાબ આપીને પરિસ્થિતિને અમારી રીતે જ મૂલવતા તેમજ જવાબદારી શીખવવાનો પ્રયત્ન કરતા.

કોલેજમાં હું ગુજરાતી સાહિત્ય અને સાયકોલોજી સાથે બીએ કરતી હતી. એટલે મારે ભાષાના જાતજાતના છંદો શીખવાના આવતા. મને એ છંદો આવડે અને ભણવામાં રસ પડે એ માટે તેઓ મારી પાસે જાતજાતની કવિતાઓ લખાવતા અને મને સાથ આપવા માટે તેઓ પોતે પણ લખતા. સંગીતને કારણે પપ્પાએ અનેક ગીતો લખેલા પરંતુ એ બધા છંદબદ્ધ હતા નહીં. અને પહેલાના સમયમાં છંદ વિના લખતા લોકો પ્રત્યે ઘણાંને સૂગ હતી. અવિનાશ(વ્યાસ) ભાઈ અને મારા પપ્પા માટે કેટલાક લોકો એવું કહેતા કે આ લોકો તો ગીતકાર છે, કવિ નથી! એટલે પપ્પા મને કહેતા કે, ‘આ લોકો આપણને કહે છેને કે આપણે કવિ નથી તો ચાલ આપણે કવિ બનીએ.’ એટલે તેમણે મારી સાથે બેસીને છંદમાં અનેક સોનેટો લખેલા. આવું કરવા પાછળનું કારણ કોઈને બતાવી દેવાનું ન હતું કારણકે કોઈનીય સાથે સ્પર્ધામાં ઉતરી પડવું એ પપ્પાનો સ્વભાવ ન હતો. આ ઉપરાંત તેમને છંદો પણ આવડતા તો ખરા જ પરંતુ અમારી પાસે આવું બધુ કરાવીને તેઓ અમને પ્રોત્સાહિત કરતા રહેતા. પપ્પાની બીજી ખાસિયત એ હતી કે તેઓ તેમણે કોઈ નવી કવિતા લખી હોય અથવા કોઈકની સુંદર કવિતા સાંભળી હોય તો અમારી આગળ તેનું ખૂબ સુંદર પઠન કરતા. એટલે એમની પાસે મને ઉચ્ચારણ અને ભાવની અભિવ્યક્તિ વિશે પણ ઘણું શીખવા મળ્યું.

આ ઉપરાંત હું અને પપ્પા રોજ અમારી બાલ્કનીમાં બેસતા. તો એક વાર અમે વાત કરી રહ્યા હતા તો તેઓ મને કહે કે, ‘મીનળ તું  એક કામ કરજે. તું છે ને ભાગીને લગ્ન કરજે. આ માટે હું પહેલા બનાવટી વિરોધ કરીશ અને બે-ત્રણ મહિના પછી હું તને માફ કરી દઈશ!’

તો પછી તમે ભાગીને લગ્ન કર્યા ખરા...?

ના, એવું કશું નહીં થયેલું. આ મારા બીજા લગ્ન છે. મારા પહેલા લગ્ન સફળ થયાં ન હતા. વર્ષો પહેલા હું બનારસ ગયેલી ત્યાં મને એ વ્યક્તિ મળેલી અને અમે ઝડપથી લગ્ન કરી લીધેલા. માણસ તરીકે તેઓ ઘણા સારા હતા, પણ કોઈક કારણસર મારા એ લગ્ન ઝાઝું ટકી શક્યા નહીં. પરતું હું ૩૨ વર્ષની થઈ ત્યારે જયંતિ પટેલે મારી ઓળખાણ અમરિત સાથે કરાવી અને થોડા પરિચય પછી અમે પરણી ગયા. આ ઉપરાંત બાળક પણ જોઈતું હતું એટલે મેં અમરિત સાથે લગ્ન કર્યા.

તમે નીનુ મઝુમદાર પાસે સંગીતની તાલીમ લીધી છે ખરી?

હું ગાઉ છું ખરી અને સારું કહી શકાય એવું ગાઉં છું. પરંતુ મેં ક્યારેય સંગીતની તાલીમ નથી લીધી. પરંતુ પપ્પાએ મારા માટે ખાસ એક ગીત લખેલું અને કંપોઝ કરેલું, જે ઓછા સૂરોમાં રમતું હતું. આથી જે શીખ્યાં ન હોય પરંતુ સારું ગાઈ શકતા હોય એવા લોકો માટે જ તે ગીત હતું એમ કહીએ તો પણ ચાલે. ‘તમે મને પૂછો..’ નામનું એ ગીત મેં ટેલિવિઝન પર પણ ગાયેલું, જે ઘણું પ્રસિદ્ધ થયેલું!

મંચ ઉપર કે કેમેરા સામે અભિનય કરતી વખતે તમને કયા પ્રકારની લાગણી થાય?

તમને એક વાત કહું? હું ઓડિયન્સની સામે કે કેમેરાની સામે હોઉં ત્યારે હું મારી જાતને વધુ જીવંત મહેસૂસ કરું છું. અને જીવંત જ નહીં પરંતુ અભિનય કરતી વખતે હું મારી જાતને ઘણી સુરક્ષિત પણ મહેસૂસ કરું છું. હું જીવનના ઘણાં ચઢાવ ઉતારમાંથી પસાર થઈ છું અને મેં ઘણી વિટંબણાઓનો સામનો કર્યો છે પરંતુ હું જ્યારે અભિનય કરતી હોઉં ત્યારે મને એક જ પ્રકારની લાગણી થાય છે અને એ લાગણી હોય છે આનંદની લાગણી! હું એમ પણ કહીશ કે નાટકોએ મને ઘડી છે અથવા જીવનમાં આવતી વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવાનું પણ હું નાટકો પાસેથી જ શીખી છું. કારણકે અહીં તમે વારંવાર રિહર્સલ કરીને કેટલીક પરિસ્થિતિઓનો સામનો કરવાની કે ક્યારે કઈ રીતે વ્યક્ત થવું એ વિશેની તાલીમ લેતા હો છો. એટલે જીવનમાં પણ કોઈક કપરી પરિસ્થિતિ ઊભી થાય તો તમે એને આસાનીથી હેન્ડલ કરી શકો છો. એટલે જ તો આજે શાળાનાં ડ્રામેટિક્સના ક્લાસીસ ચાલે છે! હું અંગત રીતે એવું માનું છું કે શાળાઓમાં નાટક કે અભિનયની તાલીમ આપવી જ જોઈએ, કારણકે આમ પણ અહીં દરેક માણસ પોતપોતાની ભૂમિકા જ ભજવી રહ્યો છે ને?

આજની ગુજરાતી રંગભૂમિ વિશે તમે શું અભિપ્રાય ધરાવો છો?

મેં ગુજરાતી રંગભૂમિમાં ઘણું કામ કર્યું છે અને આ રંગભૂમિએ મને ઘણું બધું આપ્યું છે. ઉપરાંત મને આ રંગભૂમિ માટે કોઈ ફરિયાદ પણ નથી. પરંતુ એક વાત ચોક્કસ કહીશ કે આપણી રંગભૂમિ ઘણી વ્યવસાયિક બની શકે છે. આ ઉપરાંત આપણે ત્યાં કોઈ કંઈ જુદું નથી કરતું. અલબત્ત જે કંઈ ચાલી રહ્યું છે એ બધુ ખોટું તો નથી જ. પરંતુ હું એવું માનું છું કે આપણે આ રંગભૂમિમાંથી  નામ અને દામ કમાતા હોઈએ તો આપણે પણ રંગભૂમિને કંઈક આપવું જોઈએ. એટલે કે આપણે ચાર નાટકો અત્યંત સફળતાપૂર્વક કર્યા હોય તો એક નાટક  અન્ય નાટકોથી જરા જુદું કરવું જોઈએ. અલબત્ત મનોજ શાહ અને પ્રીતેશ સોઢા જેવા કેટલાક નાટ્યકારો આજે પણ કંઈક જુદું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં તેઓ સફળ પણ થયાં છે. આવા નાટકોમાં પૈસા ભલે હોય કે ન હોય પરંતુ આવું કરવામાં જે સંતોષ મળે છે ને એ ગજબ અને અવર્ણનીય હોય છે.

વાડાબંધી વિશે તમે શું માનો છો?

અમે મુંબઈના કલાકારો-નાટ્યકારોએ તો ક્યારેય વાડાબંધી કરી જ નથી.  જ્યારે પણ ગુજરાતથી કોઈ કલાકાર મુંબઈ આવે ત્યારે અમે અમારી બાહો ખોલીને તેમનું સ્વાગત કરીએ છીએ. પરંતુ અમે ત્યાં કંઈ પણ કરવા જઈએ ત્યારે ત્યાંના કલાકારો વાંધો લેતા હોય છે. અમે મુંબઈમાં હોઈએ ત્યારે અમને એવું કહેવાય કે આ મહારાષ્ટ્ર છે અને અમે તો ગુજરાતી છીએ. અને અમે જ્યારે ગુજરાતમાં શૉ કરવા જઈએ તો ત્યાંના કલાકારો અમને અમે મુંબઈના છીએ એમ કહીને બોલાવે છે. તો અમે જઈએ ક્યાં? મુંબઈમાં અમે સ્પર્ધામાં ક્યારેય નથી ઉતરતા, અમે તમામની ટેલેન્ટ તેમજ તેમની કલાની કદર કરીએ છીએ, જ્યારે ગુજરાતમાં કેટલેક ઠેકાણે એવું જોવા મળતું નથી.
'મારો પિયુ ગયો રંગુન' નાટકમાં મીનળ પટેલ

એવા કોઈ અભિનેતા ખરા કે તેમની સાથે તમને કામ કરવાની ઈચ્છા હોય?

મને અમિતાભ બચ્ચન સાથે થોડી ક્ષણો માટે એકાદ સીન પણ કરવા મળશે તો હું ઘણી રાજી થઈશ. જોકે મિલન લુથારીયાની વર્ષ ૨૦૦૪માં આવેલી ‘દીવાર’ નામની ફિલ્મમાં મને નાનકડી ભૂમિકા મળેલી, જે ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતા. પરંતુ તેમની સાથે મને કામ કરવાની તક ન મળી. આમ તો મેં અરવિંદ જોશી સાથે પણ કામ કર્યું છે પરંતુ ફરીથી જો તક મળે તો હું એમની સાથે પણ કામ કરવાનું પસંદ કરીશ.

નવા નાટ્યકારો સાથે કામ કરવાનું કેવું લાગે છે?

નવા નાટ્યકારો સાથે કામ કરવાનો ફાયદો એ છે કે તેમની પાસે ફ્રેશ આઈડિયા હોય છે. એટલે તમને કામમાં એકવિધતા નહીં લાગે. આ ઉપરાંત મેં પોતે પણ ક્યારેય એવો અભિગમ નથી રાખ્યો કે મેં નાટકોમાં વધારે વર્ષો કાઢ્યા છે એટલે મને વધારે આવડે છે. કલાકારે તો આમ પણ પ્રત્યેક ક્ષણે નવું નવું શીખતા રહેવું પડે ને?

તમારા જીવનમાંથી અભિનયની બાદબાકી કરવામાં આવે તો શું બચે?

તો હું જીવી જ નહીં શકું. મને કેટલાક લોકો પૂછે છે કે તમે આ ઉંમરે પણ કામ કરતા રહો છો તો તમે આટલી તાજગી લાવો છો ક્યાંથી? તો હું તેમને કહું છું કે અભિનય કરું છું એટલે જ મારામાં નવી તાજગીનો સંચાર થાય છે અને એટલે જ તો હું જીવી પણ રહી છું!

તમે કાવ્ય પઠન જેવા સાહિત્યના ઘણા બધા કાર્યક્રમો સાથે સંકળાયેલા છો. તમને વાંચવાનો શોખ છે ખરો?

એક જમાનામાં મને વાંચવાનો બહુ જ શોખ હતો. પરંતુ હવે એટલું બધુ વંચાતું નથી. પરંતુ સાહિત્યના કાર્યક્રમો સાથે સંકળાયેલી છું એટલે એ રીતે હમણાં થોડુંઘણું  વાંચવાનું થયાં કરે છે. જોકે ભાષા સાથે નાતો હજુ પણ પહેલા જેવો જ અતૂટ છે.

તમને નવરાશ મળે તો શું કરો?

જુઓ, હું જિંદગીના છેલ્લાં તબક્કામાં જીવું છું. નાટકની ભાષામાં કહું તો અમારા નાટકનો છેલ્લો અંક શરૂ થઈ ગયો છે એટલે હાલમાં હું મનભરીને જીવી લેવામાં માનું છું. મને નવરાશ મળે તો હું ક્લબમાં પણ જાઉં અને જેટલી થાય એટલી મોજમસ્તી પણ કરું. આ ઉપરાંત સમય મળે  ત્યારે બે-ત્રણ અખબારોના સુડોકુ અને ક્રોસવર્ડ ભરવાનું પણ મને ઘણું ગમે છે.

વીતેલો સમય ફરીથી જીવવા મળે તો તમે શું કરવાનું પસંદ કરો?
તો તો હું સૌથી પહેલા સંગીત જ શીખું! જો પુનર્જન્મ જેવું કશું હોય તો મારે ફરીથી નીનુ મઝુમદારની દીકરી જ થવું છે અને એમની પાસે સંગીતની તાલીમ લઈને માત્ર ને માત્ર ગાવું છે. ■

Tuesday, September 2, 2014

ગુજરાતીઓને પ્રેક્ષક તરીકે વિચારતા જ નથી આવડતું

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને ઉત્કર્ષ મઝુમદાર
ઉત્કર્ષ મઝુમદારને આપણે નાટકો સહિત ફિલ્મો, ટેલિવિઝન સિરિયલ અને ટીવીની જાહેરાતોમાં અનેક વખત જોયાં છે. આ કલાકાર અભિનયને લઈને ઘણા ગંભીર છે પરંતુ જીવન અત્યંત હળવાશથી જીવે છે. તેઓ કોઈ પણ વાત, વસ્તુ કે વ્યક્તિને મરણિયા થઈને વળગી રહેવામાં માનતા નથી.  ઉત્કર્ષ મઝુમદારે હિન્દી, અંગ્રેજી તેમજ ગુજરાતી નાટકોમાં માતબર કામ કરીને અભિનયના ક્ષેત્રમાં ખુદની અલગ ઓળખ ઊભી કરી છે. અંગ્રેજીમાં તેમણે 'ગોઈંગ સોલો' તેમજ 'વેડિંગ આલબમ' જેવા કેટલાક ઉત્કૃષ્ટ નાટકોમાં અભિનય કર્યો છે. તેઓ ફારુક શેખ, અમરીશ પુરી, નસીરુદ્દીન શાહ જેવા અનેક ઊંચા દરજ્જાના કલાકારો સાથે કામ કરી ચૂક્યાં છે. શ્યામ બેનેગલની એક ફિલ્મ ઉપરાંત અત્યંત પ્રશંસા પામેલી સિરિયલ ‘સંવિધાન’માં તેમણે સરદાર પટેલની ભૂમિકા ભજવી હતી. હાલમાં પણ તેઓ કેટલાક પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા છે. થોડા દિવસ પહેલા ‘ગુજરાત ગાર્ડિયન’એ મુંબઈમાં તેમના ઘરે તેમની વિશેષ મુલાકાત લીધી હતી, જેના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે....


નાટકની દુનિયામાં પ્રવેશ ક્યારે થયો? પહેલું પરફોર્મન્સ ક્યારે આપ્યું?

હું મારા શાળાજીવનથી જ નાટ્યક્ષેત્ર સાથે સંકળાયેલો છું. મેં ધીરુબહેન પટેલ લિખિત ‘અંડેરી ગંડેરી ટીપરી’ નામનું બાળનાટક સૌથી પહેલું ભજવેલું. આ એક મ્યુઝિકલ પ્લે હતું, જેના અમે તે જમાનામાં ૨૫ શૉ કરેલા. આ ઉપરાંત સ્કૂલમાં મારો એક પારસી મિત્ર હતો, જેની સાથે અમે ટીચર્સ ડેના દિવસે પારસી સ્કીટ કરતા. તે સમયે પારસી નાટકો કરવાની મને ખૂબ મજા આવતી કારણકે એક તો પારસી નાટક રમૂજી હોય એટલે તમને રિસ્પોન્સ સારો મળે. અને બીજું એ કે અમે પેલા પારસી મિત્રને ત્યાં રિહર્સલ કરતા એટલે તેને ત્યાં નિતનવું પારસી ખાવાનું મળે એ વધારાનું! આમ, મારી અભિનય યાત્રા શરૂ થઈ.

હું કોલેજમાં આવ્યો ત્યારે મીનળ પટેલ મને ચંદ્રકાન્ત ઠક્કર પાસે લઈ ગયા. ચંદ્રકાન્તભાઈ એ વખતે આબિદ સુરતીનું ‘હિપ્પી હિપ્પી હૂરરે’ તૈયાર કરી રહ્યા હતા, જેમાં તેમણે મને પસંદ કર્યો. વર્ષ ૧૯૭૦માં ભજવાયેલું આ નાટક મારું પહેલું પ્રોફેશનલ નાટક હતું. સામાન્ય રીતે એવું થતું હોય છે કે, બધા કલાકારો પહેલા ઈન્ટર કોલેજીયેટમાં આવે અને પછી પ્રોફેશનલમાં આવે. પરંતુ મારા કિસ્સામાં ઊંધું થયું, હું પ્રોફેશનલ નાટકોમાં પહેલા આવ્યો!

કોલેજ કાળની વાત કરું તો હું ઝેવિયર્સમાં ભણતો, તેઓ સ્પર્ધામાં ગુજરાતી નાટકો કરતા નહીં. પરંતુ મારે ગુજરાતી નાટકો કરવા હતા. એ દરમિયાન પ્રવીણ સોલંકી મારી મદદે આવ્યા, જેમણે મને મફતમાં નાટક તો આપ્યું જ પરંતુ તેને ડિરેક્ટ પણ કર્યું. પરંતુ એ નાટક દરમિયાન થયું એવું કે અમારી અભિનેત્રી યોગ્ય સમયે મંચ પર આવી શકી નહીં. આથી અમારું નાટક બેસી ગયું અને લોકોએ હુરિયો બોલાવાનું શરૂ કરી દીધું. આવું જ કંઈક મારા બીજા નાટક સાથે પણ થયું. આ કારણે ગુજરાતી નાટકોની ઈન્ટર કોલેજીયેટમાં મારું કશું જામતું ન હતું. એક તરફ હું ઝેવિયર્સના હિન્દી નાટકોમાં સારી નામના મેળવી રહ્યો હતો. ફારુખ શેખના દિગ્દર્શન હેઠળ મેં ‘કાયાકલ્પ’ નામનું નાટક કરેલું તેમજ અમારા એક પ્રોફેસર જગદંબાપ્રસાદ દીક્ષિતે હિન્દીમાં તૈયાર કરેલા ‘વેઈટિંગ ફોર ગોદો’માં પણ મેં નામના મેળવેલી. પરંતુ તમે વિદ્યાર્થી હો ત્યારે તમને એવી ઈચ્છા હોય કે ઈન્ટર કોલેજીયેટમાં તમારો વટ પડવો જોઈએ.

'ઈમેજ' પબ્લિકેશનના કાર્યક્રમમાં ઉત્કર્ષ મઝુમદાર
આથી ગુજરાતી નાટકો કરવા માટે મારે જુનિયર કોલેજનું એક વર્ષ રિપીટ કરવું હતું. આ માટે મને કોલેજના સત્તાવાળા પરવાનગી આપતા ન હતા. એટલે હું કોલેજના વાઈસ પ્રિન્સીપલને મળવા ગયો. મારી જિદ જોઈને તેમણે કહ્યું કે, ‘તું આ રીતે તારું વર્ષ કેમ બગાડે છે? તને ખબર છે આ એક વર્ષ તારા જીવનમાં ઘણા બદલાવ લાવી શકે છે.’ તો મેં કહ્યું કે, ‘અફકોર્સ, એ બદલાવો માટે જ હું એક વર્ષ પાછું કરવા માગું છું!’ જોકે તેમણે કમને ફરીથી જુનિયરમાં એડમિશન આપ્યું અને મેં એ વર્ષે આયર્નેસનું ‘ધ લેસન’ નામનું નાટક કરેલું જે ઘણું હીટ ગયેલું.

સત્યદેવ દુબે અને સિતાંશુ યશશ્ચંદ્ર સાથે તમે શરૂઆતમાં સારું કામ કર્યું છે. એ વિશે કંઈક જણાવો. 
વર્ષ ૧૯૭૩માં હું ગિરિશ દેસાઈ સાથે ‘નોખી માટી, નોખા માનવી’ નામનું એક પ્રોફેશનલ નાટક કરી રહ્યો હતો. એક દિવસ ગિરિશભાઈ મને સત્યદેવ દુબે પાસે લઈ ગયા. તે સમયે દુબે ‘સખારામ બાઈન્ડર’ નામનું એક ગુજરાતી નાટક કરી રહ્યા હતા, પાછળથી હું એ નાટકના પ્રોડક્શન સાથે પણ સંકળાયો. એવામાં એક વાર દુબેસર મારી પાસે આવ્યાં અને મને કહે, ‘યુ આર ડુઈંગ માય નેક્સ્ટ પ્લે.’ દુબે આજે તો નાટકોની દુનિયાનું માઈલસ્ટોન નામ છે જ પરંતુ ત્યારે પણ તેઓ સારી એવી ખ્યાતિ ધરાવતા. આમ, મને તેમણે સામેથી તક આપી અને મેં એમની સાથે ‘અચ્છા, એક બાર ઓર’ નામનું નાટક કર્યું, જેમાં ચિત્રા પાલેકર અને અમરીશ પુરી પણ હતા. આ પછી મેં સત્યદેવ દુબે સાથે હિન્દીમાં અનેક નાટકો કર્યા.

મેં આગળ કહ્યું એમ માત્ર આંતરકોલેજ નાટ્યસ્પર્ધા માટે મેં જુનિયર કોલેજમાં એક વર્ષ રિપીટ કરેલું. તે વર્ષે નાટક ભજવવા માટે હું ફરીથી પ્રવીણ સોલંકી પાસે ગયો. પ્રવીણભાઈએ મને અરવિંદ ઠક્કર પાસે મોકલ્યો, જેમણે મને આયર્નેસનું ‘ધ લેસન’ નાટકનું પુસ્તક આપ્યું. હું એ નાટક વાંચી ગયો પરંતુ અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી હોવા છતાં મને એ નાટક સમજાયું નહીં. નાટકના શબ્દો મને સમજાય પરંતુ તેનો ગૂઢાર્થ હું સમજી શક્યો નહીં. પણ મને એટલી ખબર હતી કે આ નાટકમાં કંઈક વિશેષ તો છે જ એટલે મેં આ નાટક કરવું જ છે એવી ગાંઠ વાળી. અરવિંદ ઠક્કર મને કહે છે તું આનું રૂપાંતર કોની પાસે કરાવશે? એટલે મેં કહ્યું મારા ધ્યાનમાં એક માણસ છે. અને તે માણસ એટલે સિતાંશુ યશશ્ચંદ્ર! સિતાંશુભાઈ મારા સગામાં પણ થાય એટલે હું તેમની પાસે ગયો અને નાટકના રૂપાંતર વિશે વાત કરી. તેઓ કહે, ‘હું તને રૂપાંતર કરી તો આપું પરંતુ મેં આજ સુધી કોઈ નાટક લખ્યું જ નથી.’ મેં કહ્યું, ‘તો હવે શરૂ કરો.’ પણ તેઓ એકના બે ના થાય. એટલે મેં કહ્યું ભલે, તો હું હજુ ત્રણ વ્યક્તિ પાસે જઈશ. સિતાંશુ યશશ્ચંદ્ર, એસ. વાય મહેતા અને સિતાંશુ મહેતા! એટલે તેઓ હસી પડ્યાં અને નાટકનું ગુજરાતી રૂપાંતર કરવા તૈયાર થયાં. તમે માનશો નહીં પણ સિતાંશુભાઈએ એ નાટકનું એવું અદભુત રૂપાંતરણ કર્યું કે તમને એમ જ લાગે કે આ નાટક મૌલિક જ છે! તે નાટક એટલે આયર્નેસનું ‘ધ લેસન’, જે તે સમયે બહું ગાજેલું અને અમે ઈતિહાસ સર્જેલો. મારા પછી તો આ નાટક અનેક નામી લોકોએ ભજવ્યું પણ શરૂઆત મેં કરેલી. આમ સિતાંશુને નાટકો લખતા પણ મેં કરેલા.

ત્યારબાદ સિતાંશુભાઈએ ‘આ માણસ મદ્રાસી લાગે છે’ નામનું એક મૌલિક નાટક લખ્યું. સત્યદેવ  દુબે અમને કહે કે આપણે આ નાટક કરવું જ છે. એ નાટકમાં તેમણે મને સહદિગ્દર્શક તરીકે પસંદ કર્યો. આવી રીતે દુબેજીએ મને દિગ્દર્શક તરીકે પણ તૈયાર કર્યો. કારણકે નવાનિશાળીયા જેવા મને તેમણે નાટકના સેટથી સીન ગોઠવવા જેવી કેટલીક મહત્ત્વની જવાબદારી સોંપવા માંડી. આવા કામ કરતી વખતે હું જરા પણ ખચકાઉં તો તેઓ મને ઉત્સાહ આપતા અને કેટલીક બાબતો મને મારી રીતે કરીને મને શીખવા દેતા.

તમે દૂરદર્શન સાથે પણ સંકળાયેલા હતા. ત્યાં તમે કયા પ્રકારના કામ કર્યા?

મેં ઝેવિયર્સમાંથી જ ડિપ્લોમા ઈન માસકોમ્યુનિકેશનનો કોર્સ કર્યો અને તરત દૂરદર્શનમાં જોડાયો. વર્ષ ૧૯૯૧ સુધી મેં દૂરદર્શનમાં મુંબઈ, અમદાવાદ અને રાજકોટ કેન્દ્ર પર વિવિધ જવાબદારીઓ સંભાળી. મેં ‘આવો મારી સાથે’નું સંચાલન પણ કર્યું. અહીં મેં દાદાભાઇ નવરોજી પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર કરેલી. તમને જાણીને આશ્ચર્ય થશે કે મારી પહેલા દાદાભાઈ નવરોજી પર કોઈએ ફિલ્મ કે ડૉક્યુમેન્ટરી જેવું કંઈ બનાવેલું નહીં એટલે બધી માહિતી મેળવવા મારે અઢળક સંશોધન કરવું પડેલું. મારું એ કામ અત્યંત વખણાયેલું અને દૂરદર્શનના નેશનલ નેટવર્ક પરથી તે ફિલ્મ પ્રસારિત કરવામાં આવેલી. નીનુ (મઝુમદાર) કાકા સાથે પણ કેટલાક કાર્યક્રમો કરેલા. આ ઉપરાંત નેશનલ પ્રોગ્રામ ઓફ ડાન્સ પણ કર્યા છે, જે દિલ્હીથી પ્રસારિત થતાં. જોકે પાછળથી મેં નાટકો અને અન્ય કેટલીક પ્રવૃત્તિઓ માટે દૂરદર્શનની અતિસુરક્ષિત નોકરી છોડી દીધી. નોકરી છોડતી વખતે મનમાં ભવિષ્યની ચિંતા હતી પરંતુ એમાં મને મારી પત્નીએ ખૂબ સાથ આપ્યો. તેમણે મને મારું ગમતું કામ કરવા માટે ઘણો પ્રોત્સાહિત કર્યો. હું એક પંજાબી સ્ત્રીને પરણ્યો છું, જેમનું નામ નિશ્ચિંત છે. નિશ્ચિંતને પરણીને હું ખરેખર નિશ્ચિંત થયો છું!

આ બધા વચ્ચે તમે કોલમો પણ લખતા રહ્યાા છો. લેખનની શરૂઆત ક્યારે કરી?

આમ તો મારી પ્રકૃતિ થોડી આળસુ. પરંતુ મારા કઝિન સોનલ શુક્લ -જેઓ છાપામાં લોકપ્રિય કોલમો લખતા હતા- તેઓ મને કહેતા રહેતા કે ઉત્કર્ષ તું પણ કંઈક લખ. પણ હું ‘હા હા લખીશુંને,’ એમ કહીને લખવાનું ટાળ્યાં કરતો. પણ એક દિવસ તેમણે મને ફોન કરીને કહ્યું કે, ‘ઉત્કર્ષ જન્મભૂમિમાં ‘આહ મુંબઈ, વાહ મુંબઈ’ નામની આપણી કોલમ ચાલુ થઈ ગઈ છે.’ મેં જોયું તો એમાં ઉત્કર્ષ મઝુમદાર- સોનલ મઝુમદારની બાયલાઈન હતી. મેં સોનલબેનને કહ્યું કે, ‘આવું ન ચાલે, મેં તો કંઈ લખ્યું જ નથી. પછી બાયલાઈન કેવી?’ તો સોનલબેન કહે, ‘એવું હોય તો હવેથી તું લખવાનું કર!’ આમ મારું લખવાનું શરૂ થયું. ક્યારેક મને લાગે છે કે સત્યદેવ દુબે અને સોનલ શુક્લ જેવા લોકોએ મારી ઘણી ચિંતા કરી અને તેમણે મારી પ્રગતિ માટે ઘણું કર્યું!
એ કોલમ વખતે મેં લખવાનું નક્કી તો કર્યું પરંતુ ત્રણ દિવસ સુધી કશું લખી જ ન શક્યો. હું ભારે વિમાસણમાં પડ્યો કે મને તો ગર્વ
હતો કે હું બહું સારું લખી શકું છું કે હું ભાષા બહું સરસ જાણું છું પરંતુ લખવા બેઠો ત્યારે લેખના શ્રીગણેશ ક્યાંથી કરવા એની જ કોઈ ગમ પડે નહીં. આ ઘટના પછી મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયા અને મારો બધો અહમ ઓગળી ગયો. પરંતુ હું મથ્યો અને ગમે એમ કરીને લખવાનું શરૂ કર્યું. આ રીતે હું કોલમિસ્ટ બન્યો. ત્યારબાદ મેં ‘મુંબઈ સમાચાર’માં પણ વર્ષો સુધી લખ્યું છે. હાલમાં હું ‘ભેળપૂરી’ નામની એક સિન્ડિકેટ કોલમ લખું છું, જેમાં હું તમામ વિષયો પર લેખો લખું છું.

એવો કોઈ વિષય અથવા વ્યક્તિ ખરી કે જેના તરફ તમને સતત આકર્ષણ રહ્યું હોય?

મને નરસિંહ મહેતા અને કબીરનું ઘણું આકર્ષણ રહ્યું છે. તેમણે સંસાર અસાર છે એવું ક્યારેય નથી કહ્યું અને સંસારમાં રહીને બધા પડકારો સ્વીકાર્યા અને કામ કરતા રહ્યા. તેઓ ક્યારેય સંસારિક જવાબદારીથી ભાગ્યા નહીં. અને એ સમયે રાજસત્તા, ધર્મસત્તા અને સમાજસત્તા સામે બંડ પોકારવું એ કાચાપોચાનું કામ નથી. એટલે મારા મનમાં સતત ચાલતું કે નરસિંહને લઈને કશુંક કરવું જોઈએ. એટલે મેં સિતાંશુભાઈનો એ માટે એપ્રોચ કર્યો. એવામાં પૃથ્વી થિયેટરમાં ‘મ્યુઝિકલ ફેસ્ટિવલ’નું આયોજન થયું હતું આથી મેં સિતાંશુભાઈને કહ્યું કે આમાં આપણે નાટક કરવું જ છે. એટલે સિતાંશુભાઈએ મને એક ડ્રાફ્ટ લખીને મોકલ્યો, જે મને ગમ્યો નહીં. એટલે એમણે બીજો ડ્રાફ્ટ લખ્યો. બીજો ડ્રાફ્ટ વાંચીને હું તો ખુશખુશાલ થઈ ગયો કારણકે સિતાંશુભાઈએ આખું નાટક ઝૂલણાં છંદમાં લખ્યું હતું. જોકે આ નાટકમાં અભિનેતા તરીકે મારી કપરી પરીક્ષા થઈ, કારણકે નાટક છંદમાં લખાયેલું હતું એટલે મારે એકેએક શબ્દ બરાબર યાદ રાખવાનો હતો. બીજા નાટકોમાં તો તમે ક્યાંક ભૂલી જાઓ તો ઓગણીસ વીસ કરી શકો, પરંતુ આમાં એવું કરવા ગયા તો નાટકનું આખું બંધારણ અને તેનો લય તૂટી જાય. પણ મેં એ ચેલેન્જ પણ સ્વીકારી. ‘જાગીને જોઉં તો નરસૈયો, એક મ્યુઝિકલ ગાથા’ નામનું એ નાટક ખૂબ વખણાયું હતું.

તમને લંડનથી પણ એક નાટક ભજવવા માટે વિશેષ આમંત્રણ મળેલું...

૨૦૧૨માં જ્યારે લંડનમાં ઓલમ્પિક્સ ચાલી રહ્યા હતા ત્યારે ‘ગ્લોબ થિયેટર’ના કેટલાક લોકોએ ત્યાં કલ્ચરલ ઓલમ્પિક્સનું કરવાનું વિચાર્યું. આ હેઠળ તેમણે નક્કી કર્યું કે શેક્સપિયરના સાડત્રીસ નાટકો છે એ તમામ નાટકો ભજવીએ. આ માટે તેમણે દરેક દેશોને તેમની રાષ્ટ્રીય ભાષામાં શેક્સપિયરનું નાટક ભજવવાનું આમંત્રણ આપ્યું. પરંતુ આમાં તેમણે એક અપવાદ કર્યો અને હિન્દુસ્તાનમાંથી બે ભાષામાં નાટકો લીધા જેમાં એક નાટક હિન્દી હતું અને બીજું બહુમાન મળ્યું ગુજરાતીને!

આ માટે તેમણે દિગ્દર્શકો પોતે જ નક્કી કર્યા, જેમાં સુનિલ શાનબાગને ગુજરાતીની જવાબદારી સોંપાઈ. ત્યાં અમે ‘મારો પિયુ ગયો રંગુન’ કરીને નાટક ભજવ્યું. ગુજરાતી તરીકે આપણને સૌને હરખ થવો જોઈએ કે ‘ધ ગાર્ડિયન’એ અમારા એ નાટક વિશે રિવ્યુ કરેલો અને ચાર સ્ટાર આપીને લખેલું કે ‘પ્રોબ્લેમ ઈઝ સોલ્વ્ડ’. કારણકે અમારું એ નાટક શેક્સપિયરનું પ્રોબ્લેમ નાટક ગણાતું! પરંતુ આપણી કમનસીબી એ છે કે ગુજરાતીમાં કોઈ પણ માધ્યમોએ તેની નોંધ ન લીધી. ત્યાર પછી તો હમણાં ૨૦૧૪માં અમને ત્યાં ફરીથી બોલાવાયા. આવું પણ પહેલી વખત જ થયું કે હિન્દુસ્તાનના કોઈ નાટકથી પ્રભાવિત થઈને તેને ફરીથી બોલાવાયું હોય! બીજી વખત અમે ‘મારો પિયુ ગયો રંગુન’ના પાંચ શૉ કર્યાં. એ નાટકના છેલ્લા શૉમાં બોન્ડ સિરિઝની ફિલ્મમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી લેડી જુડી ડેન્ચ આવેલી. જુડીને ગુજરાતી તો કેમ સમજાય? (જોકે ત્યાં સબટાઈટલની સુવિધા હતી!)  પણ અમારો અભિનય જોઈને એટલી પ્રભાવિત થઈ કે એ અમને બેકસ્ટેજમાં મળવા પણ આવી અને તેણે અમારી સાથે અડધો પોણો કલાક કાઢ્યો.

તમે હિન્દી અને ગુજરાતી એમ બંને નાટકોમાં કામ કર્યું છે. અન્ય ભાષાના પ્રેક્ષકો અને ગુજરાતી પ્રેક્ષકો વચ્ચે ભેદ શું?

કલાની બાબતે આપણે થોડા ઊંણાં ઉતરીએ છીએ. મેં આગળ કહ્યું એમ ‘મારો પિયુ ગયો રંગુન’ની ક્યાંય નોંધ સુદ્ધા ન લેવાઈ. નાટકની વાત કરીએ તો ગુજરાતી પ્રજાની વિચિત્રતા એ છે કે તેમને નાટક નહીં ગમે તો તેઓ પૈસા પાછા આપોની બુમરાણ મચાવે. તમે ફિલ્મ જોવા જાઓ અને ફિલ્મ ન ગમે તો એવું કરો? કે રેસ્ટોરન્ટમાં જાઓ અને ખાવાનું ન ભાવે પૈસા પાછા માગો છો? તો નાટકો પર આવું જોરજુલમ કેમ? પણ નાટકોની બાબતે આપણે ત્યાં ‘નબળો માટી બૈયર પર શૂરો’ જેવો ઘાટ છે.

વળી, હાલમાં થોડા વર્ષોથી ગુજરાતીમાં એક નવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બધા મંડળ-‘કમંડળ’ વાળા અમને પૂછે કે, ‘નાટક કોમેડી છે? અમે દિવસભરના કામથી એટલા થાકી જઈએ છીએ કે નાટકમાં અમારે બહુ વિચાર નથી કરવો.’ હું  એમને કહું કે ભલા, તમારે વિચાર નથી કરવો એમ નથી પરંતુ એક પ્રેક્ષક તરીકે તમને વિચારતા જ નથી આવડતું! આપણે ત્યાં આ પરિબળ ઘણું ખરાબ છે. એટલે જ તો રાષ્ટ્રીય સ્તરે આપણા નાટકો કે ફિલ્મો જતાં નથી. બીજું એ કે આપણે ત્યાં વાડાબંધી વધુ પ્રવર્તે છે. વાડાબંધીને કારણે જ અમારા નાટક વિશે ક્યાંય નહીં લખાયું કારણકે તેઓ એમ માને કે આ તો મુંબઈવાળા છે અમે એમના વિશે શું કામ લખીએ? અરે ભાઈ, અમારી ભાષા તો ગુજરાતી જ ને? નાટક તો ગુજરાતીમાં જ ભજવાયેલુંને? તો ફુલ લેન્થનો એક આર્ટિકલ ન થઈ શકે? મહારાષ્ટ્રનું કોઈ નાટક જર્મની જાય તો અછોવાના થઈ જાય.
ક્યારેક આપણી પ્રજા એવું બહાનું કાઢે કે નાટક જોવાની ઈચ્છા તો હતી પરંતુ થિયેટર બહું દૂર પડે છે. તો ભાઈ શું અમે તમારા ડ્રોઈંગ રૂમમાં નાટક ભજવીએ? એટલે કલા પ્રત્યેની આપણી લાપરવાહી અને નિષ્ક્રિયતા જ આપણી આડે આવે છે.

તમે અર્પણા નામનું એક ગ્રુપ ચલાવો છો. આ હેઠળ તમે કઈ પ્રવૃત્તિઓ કરો છો?

એક વાર સત્યદેવ દુબેએ અમને કહ્યું કે તમે તમારું એક ગ્રુપ શરૂ કરો તો તમારો ગ્રોથ થાય. કારણકે જો તમે મારી નીચે જ કામ કરતા રહેશો તો તમારો વિકાસ અટકી જશે. એટલે સુનિલ શાનબાગ, આકાશ ખુરાના અને શિશિર શર્મા અને હું એમ ચારે જણાંએ મળીને અર્પણા શરૂ કર્યું. અર્પણા હેઠળ અમે અનેક હિન્દી અને ગુજરાતી નાટકો તૈયાર કર્યા.

તમે કેટલી ફિલ્મોમાં કામ કર્યું?

ઘણી બધી. મેં ‘સત્યા’ ફિલ્મમાં ઉર્મિલા માતોંડકરના પિતાનું પાત્ર ભજવેલું. આ ઉપરાંત નસીરુદ્દીન (શાહ)ની મિત્રતાને કારણે મેં ‘યુ હોતા તો ક્યાં હોતા’ ફિલ્મ કરી. તાજેતરમાં જ મેં પ્રકાશ ઝાની અપકમિંગ ફિલ્મ ‘પરિવાર ટાઈમ્સ’માં પણ એક રસપ્રદ ભૂમિકા ભજવી છે. સિરિયલોમાં હરકિશન મહેતાની વાર્તા પરથી તૈયાર થયેલી ‘મુક્તિ-બંધન’, ‘મધુબાલા’, ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘સાવધાન ઈન્ડિયા’ જેવી ઘણી સિરિયલ્સમાં કામ કર્યું છે. આ ઉપરાંત કેટલીક જાણીતી એડ્સમાં પણ મેં કામ કર્યું છે. જેમકે હાલમાં ઓનએર છે એ લૂફ્થાન્ઝા અને મેકડોનલ્ડસ જેવી મોટી બ્રાન્ડ માટે કામ કર્યું છે.

'મુક્તિ બંધન' સિરિયલના સેટ પર મીનળ પટેલ અને સાથી કલાકારો સાથે
તમારા જીવમાંથી નાટકો બાદ કરી દેવામાં આવે તો શું બચે?

જીવનમાં નાટક ન હોય તો પણ ઉત્કર્ષ મઝુમદાર તો બચે બચે ને બચે જ! મારી પત્ની હંમેશાં એમ કહેતી હોય છે કે, ‘હું ઉત્કર્ષની બીજી પત્ની છું. એની પહેલી પત્ની તો નાટકો જ છે.’ એટલે એક રીતે નાટકો મારા જીવનનો અભિન્ન અંગ છે એ વાત સાચી. પરંતુ હું એ પત્ની ન હોય તોય જીવું તો ખરો જ. નાટકની જગ્યાએ કંઈક બીજું અર્થસભર કામ શોધી કાઢું. ધ લોસ્ટ વિલ બી ટેરિબલ પણ આઈ વિલ બી સરવાઈવ. મારા જીવનમાં કોઈ એક વસ્તુ વિના જીવી જ ન શકાય એવો અભિગમ મેં રાખ્યો નથી. વળગણનો અભિગમ મેં રાખ્યો નથી.

તમારા પ્રિય નાટ્યકારો કયા?

હિન્દીમાં ગિરિશ કર્નાર્ડ, મોહન રાકેશ, બાદલ સરકાર અને વિજય તેંદુલકર મારા પ્રિય નાટ્યકાર અને ઘર આંગણાના નાટ્યકારોમાં મને સિતાંશુ યશશ્ચંદ્ર અને મધુ રાયના નાટકો ગમે.

નાટક ઉપરાંત તમને કોઈ શોખ?

મને વાંચવાનો જબરો શોખ છે. હું શૂટિંગમાં જાઉં ત્યારે પણ મારા થેલામાં એક પુસ્તક તો હોય જ. શૂટિંગ વખતે તો કશું જ નિશ્ચિત નથી હોતું. કારણકે તમારો નવ વાગ્યાનો કોલ ટાઈમ હોય તો એવું જરૂરી નથી કે તમારું શૂટ નવ વાગ્યે ચાલુ જ થઈ જાય. કામ શરૂ થતાં દસ પણ વાગે અને બપોર પણ થાય. એટલે આવા સમયે હું ખોટી ફરિયાદો કે ગોસિપ કરવામાં નથી પડતો અને બાકી બધી મુશ્કેલીઓથી અલિપ્ત થઈને મારા વાંચનમાં ડૂબી જાઉં. બીજું મને ઈન્ટરનેટ પર સર્ફિંગ કરતા રહેવાનો પણ શોખ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ફેસબુક પર હું મારા તમામ મિત્રોને બર્થડે વિશ કરું! કારણકે ફેસબુક પર તો ફેસબુક પર પણ ફ્રેન્ડ થયાં તો મિત્રતા તો નિભાવી પડેને? આ ઉપરાંત મને ખાવા-પીવાનો અને ફરવાનો પણ શોખ છે.

અભિનયમાંથી નવરાશ મળે તો તમે શું કરો?

અભિનયમાંથી ક્યારેય નવરાશ મળતી નથી. એ તો સતત ચાલતી પ્રક્રિયા છે.

અભિનય વિશે તમારી મેથડ કઈ?

કોઈ રેસ્ટોરન્ટમાં જઈને ગ્રાહક બિરિયાની માગે ત્યારે આપણે શું કરવાનું? આપણે તેને બિરિયાની જ આપવાની હોયને? પુલાવ અથવા ખિચડી થોડી અપાય? ગ્રાહકને બિરિયાની જોઈએ, તમે બિરિયાની કઈ રીતે બનાવો છો એની સાથે તેને કોઈ નિસ્બત નથી. તે જ રીતે અભિનયમાં પણ એવું જ છે. દર્શકોને તો માત્ર પરિણામ સાથે નિસ્બત હોય કલાકારે કઈ મેથડ વાપરી છે એની સાથે નહીં. જે સમયે જે મેથડ કામ લાગતી હોય એ ફોર્મ્યુલાનો હું ઉપયોગ કરું અને અભિનય કરું. કોઈ પણ એક બાબતમાં બંધાઈ જવામાં મને રસ નથી.

જીવનમાં કંઈક નહીં કરી શક્યાનો વસવસો?

હા, મને ક્લાસિકલ સિંગર નહીં બની શકવાનો ઘણો વસવસો છે. મારે ક્લાસિકલ વોકલિસ્ટ બનવું હતું. મેં શરૂઆતમાં સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી હતી પરંતુ પાછળથી મેં એ છોડી દીધું.

હજું કોઈક એવો પ્રોજેક્ટ ખરો, જે કરવાની ઘણી ઈચ્છા હોય?

આ ક્ષણે તો એવું કોઈ આયોજન નથી. પરંતુ વિચારો સતત આવ્યાં કરે કે આના પર થઈ શકે અથવા પેલા પર કંઈક કરી શકાય. પરંતુ કોઈ બાબતને નક્કર સ્વરૂપ મળ્યું નથી.

તમારો લાઈફ ફંડા શું છે?

મારો ફંડા એ જ કે તમારે તમારા જીવનની ચાવી અન્ય કોઈના હાથમાં આપવી નહીં. એટલે એ જ કે કોઈને ટીખળ સૂઝે અને એ મને ‘એ બુઢ્ઢા’ એમ કહે તો હું ઉશ્કેરાઉ નહીં. કોઈની ઈચ્છા મુજબ આપણે શું કામ વર્તવાનું? બીજું એ કે હું ખોટી દલીલબાજીમાં નથી ઉતરતો. ■

નોંધઃ આ મુલાકાતમાં મારી ભૂલને કારણે ઉત્કર્ષ મઝુમદારની જગ્યાએ મજુમદાર થઈ ગયું હતું. અને સત્યદેવ દુબેની જગ્યાએ સત્યજીત તેમજ સત્યેન્દ્ર દુબે થઈ ગયું હતું.  ઉત્કર્ષ ભાઈએ એ તરફ મારું ધ્યાન દોર્યુ એ બદલ હું એમની ક્ષમા સાથે તેમનો આભાર માનું  છું. ઈન્ટરવ્યુમાં ઉલ્લેખ થયો એમ ઉત્કર્ષભાઈ પોતે પણ કોલમિસ્ટ છે એટલે લેખનનો તેમને સારો એવો અનુભવ છે, આ અનુભવને કારણે તેમણે મને કેટલીક લાખેણી સલાહ આપી, જે પત્રકાર તરીકે મને મારા કામમાં ઘણી ઉપયોગી નીવડી શકે છે. ઉત્કર્ષભાઈ સાથેના કેટલાક સંસ્મરણો વિશે બ્લોગ પર એક અલગ લેખ લખવાની ઈચ્છા છે... હમણાં આ મુલાકાત વાંચીને પ્રતિભાવ આપશો તો ગમશે...