મીનળ પટેલને આપણે અનેક વખત નાટકના મંચ પર કે ટેલિવિઝન સ્ક્રીન પર અથવા રૂપેરી પડદે જોયા છે. ગુજરાતીમાં તેમણે ‘સાવ રે અધૂરું મારું આયખું’, ‘પીળુ ગુલાબ અને હું’, ‘સખણા રહે તો સાસુ નહીં’, ‘કન્યાદાન’, ‘આજ રાત’ અને ‘હાય મેરા દિલ’ જેવા અનેક ગુજરાતી અને હિન્દી નાટકો કર્યા છે. અભિનયની સાથોસાથ તેમણે સ્ત્રીઓ માટે યોજાતા કાર્યક્રમો માટે ગીતો પણ લખ્યાં છે. મુંબઈમાં રહેતા મીનળ પટેલની ખાસિયત એ છે કે તેઓ ઝડપથી પરિવર્તન સ્વીકારી લે છે અને બદલાયેલા સમય સાથે અનુસંધાન સાધીને જીવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ ગુજરાત અને મુંબઈમાં કાવ્યપઠન માટે પણ વખણાય છે. આ વર્ષે તેમની અભિનયની કારકિર્દીને અડધી સદી સમાપ્ત થઈ રહી છે ત્યારે તેઓ ‘ગુજરાત ગાર્ડિયન’ સાથે તેમના જીવન અને કારર્કિદીની ખટમધુરી યાત્રાની ગોઠડી માંડે છે. અહીં પ્રસ્તુત છે તેમને સાથેની વાતચીતના કેટલાક અંશો....
ગુજરાતના ખ્યાતનામ સંગીતકારના દીકરી હોવા છતાં તમે અભિનયનું ક્ષેત્ર કેમ પસંદ કર્યું?
અભિનયનું ક્ષેત્ર અમારા કુટુંબ માટે નવું નથી. કારણકે મારા દાદા નાગેન્દ્ર મઝુમદાર ઘણાં ખ્યાતનામ અભિનેતા હતા. તેમણે વડોદરામાં થિયેટર તો કરેલું જ પરંતુ મુંબઈમાં પણ તેમણે સાઈલન્ટ તેમજ બોલકી ફિલ્મોમાં અભિનય અને દિગ્દર્શનની જવાબદારી નિભાવી હતી. વર્ષ ૧૯૪૩માં રિલીઝ થયેલી કે. એલ. સાયગલની ‘તાનસેન’ ફિલ્મ તેમની છેલ્લી ફિલ્મ હતી, જેમાં તેમણે બિરબલનો રોલ કરેલો. એટલે અભિનય મને વારસા જ મળ્યો છે એમ પણ કહી શકાય. મેં અભિનય કરવાનું શરૂ કર્યું ત્યારે મારા પિતાએ ખુશ થઈને મને અભિનયને લગતું એક પુસ્તક ભેટમાં આપેલું, જેના પર તેમણે લખેલું, ‘ટુ ડિયર મીનળ, જેણે ભાઈનો વારસો કાયમ રાખ્યો છે!’ ઉપરાંત પપ્પાએ(નીનુ મઝુમદારે) પણ એકાદ ફિલ્મ અને નાટકમાં અભિનય તો કર્યો જ છે. એટલે અભિનય મારા રક્તકણોમાં જ ભળેલો છે એમ કહું તો પણ ચાલે!
અભિનય ક્યારથી કરો છો?
હું રંગભૂમિમાં કઈ રીતે આવી એ પાછળ એક રસપ્રદ વાત છે. આમ તો મેં ઈન્ટરકોલેજીયેટમાં કેટલાક નાટકો કરેલા પરંતુ ૧૯૬૪થી મેં મેઈન સ્ટ્રીમ નાટકો શરૂ કર્યાં. મેં જ્યારે રંગભૂમિ પર અભિનય શરૂ કર્યો ત્યારે રંગભૂમિ આજે છે એવી વ્યવસાયિક ન હતી. ત્યારે રંગભૂમિનો સંક્રાતિકાળ હતો, એટલે કે રંગભૂમિ ઝડપથી નવા પરિવર્તનો સ્વીકારી રહી હતી. મેં તે સમયના ઊંચા ગજાના કલાકારો ચંદ્રવદન અને નિહારિકા ભટ્ટ સાથે નાટકો કરવાનું શરૂ કર્યું. થયું એવું કે હું ગ્રેજ્યુએટ થઈ પછી હું નોકરીની શોધમાં હતી. મુંબઈમાં અંધેરી તરફ મને એકાદ કામચલાઉ નોકરી મળેલી, એવામાં એક વાર મને વિલે પાર્લે સ્ટેશન પર હિંમત જોશી નામના એક કલાકાર મળેલા, જેમણે મને પૂછ્યું કે તારે બેંકમાં નોકરી કરવી છે? તો મેં કહ્યું હા. તો નાટકમાં કામ કરશે? તો મેં એ માટે પણ હા પડી. તે સમયે મહારાષ્ટ્રમાં નાટકો માટેની એક સ્ટેટ કોમ્પિટિશન ચાલતી હતી. આ ઉપરાંત રિઝર્વ બેંક પણ ઈન્ટર બેંક નાટ્યસ્પર્ધા યોજતી, જેમાં મુંબઈની વિવિધ બેંક ભાગ લેતી. એવી જ એક સ્પર્ધામાં હિંમતભાઈની બેંકે પણ ભાગ લીધેલો, જેનું દિગ્દર્શન કાંતિ મડિયા કરી રહ્યાં હતા. આ નાટક માટે તેઓ અભિનેત્રીની શોધમાં હતા એટલે મેં હિંમતભાઈએ આપેલી તક ઝડપી લીધી અને બેંકમાં નોકરી પણ લીધી અને અભિનય કરવાનું પણ શરૂ કર્યું.
નિખાલસતાથી કબૂલ કરું તો તે સમયે મને અભિનયની બહુ જાણકારી કે આવડત ન હતી. આ ઉપરાંત એ સમયે હું ઘણી ગભરું અને શરમાળ પણ હતી. જોકે ત્યારે છોકરીઓ નાટકોમાં બહુ કામ કરતી નહીં પણ હું આ ક્ષેત્રમાં હિંમતભેર આવી અને ધીમેધીમે બધુ શીખતી ગઈ. મેં જે ઈન્ટરબેંક કોમ્પિટિશનમાં ભાગ લીધેલો એમાં મને કોઈ જ ઈનામ પ્રાપ્ત થયું ન હતું પરંતુ ચંદ્રવદન ભટ્ટે મને તેમના નાટકમાં કામ કરવાની તક આપી. આમ, ધીમે ધીમે આવા કેટલાક કલાકારો-નાટ્યકારો સાથે કામ કરતા કરતા હું શીખતી ગઈ અને કામ કરતી ગઈ.
તમે અત્યાર સુધીમાં કેટલા નાટકોમાં કામ કર્યું?
મેં હજુ સુધી એવી કોઈ ગણતરી માંડી નથી તેમજ મારી પાસે કોઈ રોકોર્ડ પણ રાખ્યો નથી. પરંતુ એક વાત સાચી કે મેં હમણાં સુધીમાં અઢળક નાટકોમાં કામ કર્યું છે. અત્યાર સુધીમાં મેં એક મરાઠી નાટક કર્યું છે. આ ઉપરાંત દસ-બાર હિન્દી નાટકો અને પાંચ-છ નાટકો અંગ્રેજીમાં કર્યા છે. ગુજરાતીમાં તો મારા નાટકોની સંખ્યા પચાસ જેટલી હશે જ હશે. (ખડખડાટ હસીને) લોકોને કદાચ મારી ઉંમર વિશે ખબર પડી શકે છે પરંતુ આ વર્ષે મારી અભિનય કારકિર્દીને પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એટલે નાટકોની ચોક્કસ સંખ્યા વિશે મને ખબર નથી, પણ મને એ વાતનો સંતોષ છે કે મેં હમણાં સુધીમાં અનેક પડકારજનક ભૂમિકાઓ ભજવી અને ઘણું સંતોષજનક કામ કર્યું છે.
તમે મેથડ એક્ટર છો?
ના, મેં અભિનયની કોઈ તાલીમ તો લીધી નથી પરંતુ નાટકો કરતા કરતા જાતઅનુભવે જ બધું શીખતી ગઈ. હું હંમેશાં કહેતી હોઉં છું કે હું પ્રેક્ષકોની પ્રયોગશાળામાં તૈયાર થયેલી કલાકાર છું.
તમે તારક મહેતા અને કાંતિ મડિયા જેવા નાટ્યકારો સાથે ઘણું કામ કર્યું છે. એમની સાથેનો અનુભવ
કેવો રહ્યાો?
લોકોમાં તારક મહેતાની ફક્ત કોમેડિયન તરીકેની જ છાપ છે. પરંતુ હું તેમને જરા જુદા દૃષ્ટિકોણથી જોઉં છું. તારક મહેતા થિયેટરને અદ્ભુતપણે તેમજ ગંભીર રીતે સમજે છે, તેમણે મને ખૂબ સુંદર રીતે તૈયાર કરી છે. મુંબઈની ઈન્ટરબેંક નાટ્યસ્પર્ધાઓમાં તેમણે મારા માટે એક્સપરિમેન્ટલ જેવાં નાટકો લખ્યાં અને તેમને ડિરેક્ટ કર્યા. આ ઉપરાંત હું ઉપેન્દ્ર ત્રિવેદીને પણ આ ક્ષણે યાદ કરીશ જેમણે મને ‘પારિજાત’ નામના નાટકમાં તેમની પહેલી હિરોઈન બનાવી. તેમણે મને અભિનયના વિવિધ પહેલુઓની ઘણી સમજણ આપી. અને કાંતિ મડિયાની તો વાત જ શું કરવી? તેઓ એક એવા દિગ્દર્શક હતા, જેઓ એકે એક કલાકારની પાછળ રિતસરની મજૂરી કરતા. એક દિગ્દર્શક તરીકે તેઓ ‘તમે આમ કરો’ કે ‘આમ બોલો’ એટલું જ માત્ર ન કહે. પરંતુ કલાકારના અભિનયને કારણે ઓડિયન્સને શું સંદેશ પહોંચશે અથવા કયા સીનમાં ચોક્કસ કઈ વસ્તુની જરૂર છે એવી ઝીણી ઝીણી માહિતીથી પણ તેઓ મને અવગત કરતા રહેતા. આ કારણે મારામાં અભિનય બાબતે એક ચોક્ક્સ પ્રકારની પકડ આવી અને પરિસ્થિતિને જરા જુદા દૃષ્ટિકોણથી મૂલવવાનો અભિગમ પણ આવ્યો. હું અંગતપણે એવું માનું છું કે કાંતિ મડિયા સાથે કામ કરવાને કારણે હું અંદરથી ઘણી સમૃદ્ધ થઈ છું.
નીનુ મઝુમદારની થોડી સ્મૃતિઓ અમારી સાથે શેર કરશો?
પપ્પાની તો ઘણી સ્મૃતિઓ છે કેટલી શેર કરું? મારી બે મોટી બહેનો રાજુલ મહેતા (ખ્યાતનામ ગાયિકા) અને સોનલ શુક્લ (આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા નારીવાદી કાર્યકર)ના નામ રાશિ પરથી રાખવામાં આવ્યા હતા. પરંતુ મારું નામ મારા જન્મ પહેલા જ નક્કી થઈ ગયું હતું. મારી માતા ત્રીજી વખત ગર્ભવતી બની ત્યારે એટલે કે મારા જન્મ પહેલા અમારા ઘરમાં બે દીકરીઓ થઈ હોવા છતાં પપ્પાને એક દીકરીની ઝંખના હતી. આ કારણે તેમણે મારા જન્મ પહેલા મારી માતાને કહેલું કે આ વખતે જો દીકરી થશે તો એનું નામ આપણે મીનળ રાખીશું અને દીકરો થયો તો એનું નામ ટોડરમલ રાખીશું! હવે ટોડરમલ નામ કંઈ એવું
વખાણવા લાયક નામ ન હતું. પરંતુ પપ્પાને એક દીકરી જોઈતી હતી એટલે દીકરા માટે જાણીજોઈને ટોડરમલ જેવું હાસ્યાસ્પદ નામ રાખેલું!
એક વાર કોઈક પપ્પાનો ઈન્ટરવ્યુ કરી રહ્યું હતું ત્યારે તેમણે પપ્પાને પૂછેલું કે, ‘તમે તમારી દીકરીઓને ઘણી સ્વતંત્રા આપી છે. તો એના વિશે તમારું શું કહેવું છે?’ તો પપ્પાએ ફટ્ દઈને જવાબ આપ્યો કે, ‘મારી દીકરીઓની સ્વતંત્રતા મારા ગજવામાં નથી કે એ હું મનફાવે ત્યારે ગજવામાંથી કાઢીને આપું. જગતમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર રીતે જન્મી છે અને દરેક માણસને તેની ઈચ્છા મુજબનું કામ કરવાની સ્વતંત્રતા મળવી જ જોઈએ!’ હું દસ વર્ષની હતી ત્યારે જ મારી માતા ગુજરી ગયેલી એટલે અમે બધા અમારા પિતાની ઘણાં નજીક હતા. હું તેમને કંઈ પણ પૂછું કે, ‘પપ્પા હું આમ કરું?’ તો તેઓ મને હંમેશાં એમ જ કહેતા કે ‘તને જે યોગ્ય લાગે તે કર.’ ત્યારે પપ્પાનો આવો જવાબ સાંભળીને મને અકળામણ થઈ જતી. પરંતુ હવે મને એ સમજાય છે કે પપ્પા આવો જવાબ આપીને પરિસ્થિતિને અમારી રીતે જ મૂલવતા તેમજ જવાબદારી શીખવવાનો પ્રયત્ન કરતા.
કોલેજમાં હું ગુજરાતી સાહિત્ય અને સાયકોલોજી સાથે બીએ કરતી હતી. એટલે મારે ભાષાના જાતજાતના છંદો શીખવાના આવતા. મને એ છંદો આવડે અને ભણવામાં રસ પડે એ માટે તેઓ મારી પાસે જાતજાતની કવિતાઓ લખાવતા અને મને સાથ આપવા માટે તેઓ પોતે પણ લખતા. સંગીતને કારણે પપ્પાએ અનેક ગીતો લખેલા પરંતુ એ બધા છંદબદ્ધ હતા નહીં. અને પહેલાના સમયમાં છંદ વિના લખતા લોકો પ્રત્યે ઘણાંને સૂગ હતી. અવિનાશ(વ્યાસ) ભાઈ અને મારા પપ્પા માટે કેટલાક લોકો એવું કહેતા કે આ લોકો તો ગીતકાર છે, કવિ નથી! એટલે પપ્પા મને કહેતા કે, ‘આ લોકો આપણને કહે છેને કે આપણે કવિ નથી તો ચાલ આપણે કવિ બનીએ.’ એટલે તેમણે મારી સાથે બેસીને છંદમાં અનેક સોનેટો લખેલા. આવું કરવા પાછળનું કારણ કોઈને બતાવી દેવાનું ન હતું કારણકે કોઈનીય સાથે સ્પર્ધામાં ઉતરી પડવું એ પપ્પાનો સ્વભાવ ન હતો. આ ઉપરાંત તેમને છંદો પણ આવડતા તો ખરા જ પરંતુ અમારી પાસે આવું બધુ કરાવીને તેઓ અમને પ્રોત્સાહિત કરતા રહેતા. પપ્પાની બીજી ખાસિયત એ હતી કે તેઓ તેમણે કોઈ નવી કવિતા લખી હોય અથવા કોઈકની સુંદર કવિતા સાંભળી હોય તો અમારી આગળ તેનું ખૂબ સુંદર પઠન કરતા. એટલે એમની પાસે મને ઉચ્ચારણ અને ભાવની અભિવ્યક્તિ વિશે પણ ઘણું શીખવા મળ્યું.
આ ઉપરાંત હું અને પપ્પા રોજ અમારી બાલ્કનીમાં બેસતા. તો એક વાર અમે વાત કરી રહ્યા હતા તો તેઓ મને કહે કે, ‘મીનળ તું એક કામ કરજે. તું છે ને ભાગીને લગ્ન કરજે. આ માટે હું પહેલા બનાવટી વિરોધ કરીશ અને બે-ત્રણ મહિના પછી હું તને માફ કરી દઈશ!’
તો પછી તમે ભાગીને લગ્ન કર્યા ખરા...?
ના, એવું કશું નહીં થયેલું. આ મારા બીજા લગ્ન છે. મારા પહેલા લગ્ન સફળ થયાં ન હતા. વર્ષો પહેલા હું બનારસ ગયેલી ત્યાં મને એ વ્યક્તિ મળેલી અને અમે ઝડપથી લગ્ન કરી લીધેલા. માણસ તરીકે તેઓ ઘણા સારા હતા, પણ કોઈક કારણસર મારા એ લગ્ન ઝાઝું ટકી શક્યા નહીં. પરતું હું ૩૨ વર્ષની થઈ ત્યારે જયંતિ પટેલે મારી ઓળખાણ અમરિત સાથે કરાવી અને થોડા પરિચય પછી અમે પરણી ગયા. આ ઉપરાંત બાળક પણ જોઈતું હતું એટલે મેં અમરિત સાથે લગ્ન કર્યા.
તમે નીનુ મઝુમદાર પાસે સંગીતની તાલીમ લીધી છે ખરી?
હું ગાઉ છું ખરી અને સારું કહી શકાય એવું ગાઉં છું. પરંતુ મેં ક્યારેય સંગીતની તાલીમ નથી લીધી. પરંતુ પપ્પાએ મારા માટે ખાસ એક ગીત લખેલું અને કંપોઝ કરેલું, જે ઓછા સૂરોમાં રમતું હતું. આથી જે શીખ્યાં ન હોય પરંતુ સારું ગાઈ શકતા હોય એવા લોકો માટે જ તે ગીત હતું એમ કહીએ તો પણ ચાલે. ‘તમે મને પૂછો..’ નામનું એ ગીત મેં ટેલિવિઝન પર પણ ગાયેલું, જે ઘણું પ્રસિદ્ધ થયેલું!
મંચ ઉપર કે કેમેરા સામે અભિનય કરતી વખતે તમને કયા પ્રકારની લાગણી થાય?
તમને એક વાત કહું? હું ઓડિયન્સની સામે કે કેમેરાની સામે હોઉં ત્યારે હું મારી જાતને વધુ જીવંત મહેસૂસ કરું છું. અને જીવંત જ નહીં પરંતુ અભિનય કરતી વખતે હું મારી જાતને ઘણી સુરક્ષિત પણ મહેસૂસ કરું છું. હું જીવનના ઘણાં ચઢાવ ઉતારમાંથી પસાર થઈ છું અને મેં ઘણી વિટંબણાઓનો સામનો કર્યો છે પરંતુ હું જ્યારે અભિનય કરતી હોઉં ત્યારે મને એક જ પ્રકારની લાગણી થાય છે અને એ લાગણી હોય છે આનંદની લાગણી! હું એમ પણ કહીશ કે નાટકોએ મને ઘડી છે અથવા જીવનમાં આવતી વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવાનું પણ હું નાટકો પાસેથી જ શીખી છું. કારણકે અહીં તમે વારંવાર રિહર્સલ કરીને કેટલીક પરિસ્થિતિઓનો સામનો કરવાની કે ક્યારે કઈ રીતે વ્યક્ત થવું એ વિશેની તાલીમ લેતા હો છો. એટલે જીવનમાં પણ કોઈક કપરી પરિસ્થિતિ ઊભી થાય તો તમે એને આસાનીથી હેન્ડલ કરી શકો છો. એટલે જ તો આજે શાળાનાં ડ્રામેટિક્સના ક્લાસીસ ચાલે છે! હું અંગત રીતે એવું માનું છું કે શાળાઓમાં નાટક કે અભિનયની તાલીમ આપવી જ જોઈએ, કારણકે આમ પણ અહીં દરેક માણસ પોતપોતાની ભૂમિકા જ ભજવી રહ્યો છે ને?
આજની ગુજરાતી રંગભૂમિ વિશે તમે શું અભિપ્રાય ધરાવો છો?
મેં ગુજરાતી રંગભૂમિમાં ઘણું કામ કર્યું છે અને આ રંગભૂમિએ મને ઘણું બધું આપ્યું છે. ઉપરાંત મને આ રંગભૂમિ માટે કોઈ ફરિયાદ પણ નથી. પરંતુ એક વાત ચોક્કસ કહીશ કે આપણી રંગભૂમિ ઘણી વ્યવસાયિક બની શકે છે. આ ઉપરાંત આપણે ત્યાં કોઈ કંઈ જુદું નથી કરતું. અલબત્ત જે કંઈ ચાલી રહ્યું છે એ બધુ ખોટું તો નથી જ. પરંતુ હું એવું માનું છું કે આપણે આ રંગભૂમિમાંથી નામ અને દામ કમાતા હોઈએ તો આપણે પણ રંગભૂમિને કંઈક આપવું જોઈએ. એટલે કે આપણે ચાર નાટકો અત્યંત સફળતાપૂર્વક કર્યા હોય તો એક નાટક અન્ય નાટકોથી જરા જુદું કરવું જોઈએ. અલબત્ત મનોજ શાહ અને પ્રીતેશ સોઢા જેવા કેટલાક નાટ્યકારો આજે પણ કંઈક જુદું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં તેઓ સફળ પણ થયાં છે. આવા નાટકોમાં પૈસા ભલે હોય કે ન હોય પરંતુ આવું કરવામાં જે સંતોષ મળે છે ને એ ગજબ અને અવર્ણનીય હોય છે.
વાડાબંધી વિશે તમે શું માનો છો?
અમે મુંબઈના કલાકારો-નાટ્યકારોએ તો ક્યારેય વાડાબંધી કરી જ નથી. જ્યારે પણ ગુજરાતથી કોઈ કલાકાર મુંબઈ આવે ત્યારે અમે અમારી બાહો ખોલીને તેમનું સ્વાગત કરીએ છીએ. પરંતુ અમે ત્યાં કંઈ પણ કરવા જઈએ ત્યારે ત્યાંના કલાકારો વાંધો લેતા હોય છે. અમે મુંબઈમાં હોઈએ ત્યારે અમને એવું કહેવાય કે આ મહારાષ્ટ્ર છે અને અમે તો ગુજરાતી છીએ. અને અમે જ્યારે ગુજરાતમાં શૉ કરવા જઈએ તો ત્યાંના કલાકારો અમને અમે મુંબઈના છીએ એમ કહીને બોલાવે છે. તો અમે જઈએ ક્યાં? મુંબઈમાં અમે સ્પર્ધામાં ક્યારેય નથી ઉતરતા, અમે તમામની ટેલેન્ટ તેમજ તેમની કલાની કદર કરીએ છીએ, જ્યારે ગુજરાતમાં કેટલેક ઠેકાણે એવું જોવા મળતું નથી.
એવા કોઈ અભિનેતા ખરા કે તેમની સાથે તમને કામ કરવાની ઈચ્છા હોય?
મને અમિતાભ બચ્ચન સાથે થોડી ક્ષણો માટે એકાદ સીન પણ કરવા મળશે તો હું ઘણી રાજી થઈશ. જોકે મિલન લુથારીયાની વર્ષ ૨૦૦૪માં આવેલી ‘દીવાર’ નામની ફિલ્મમાં મને નાનકડી ભૂમિકા મળેલી, જે ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતા. પરંતુ તેમની સાથે મને કામ કરવાની તક ન મળી. આમ તો મેં અરવિંદ જોશી સાથે પણ કામ કર્યું છે પરંતુ ફરીથી જો તક મળે તો હું એમની સાથે પણ કામ કરવાનું પસંદ કરીશ.
નવા નાટ્યકારો સાથે કામ કરવાનું કેવું લાગે છે?
નવા નાટ્યકારો સાથે કામ કરવાનો ફાયદો એ છે કે તેમની પાસે ફ્રેશ આઈડિયા હોય છે. એટલે તમને કામમાં એકવિધતા નહીં લાગે. આ ઉપરાંત મેં પોતે પણ ક્યારેય એવો અભિગમ નથી રાખ્યો કે મેં નાટકોમાં વધારે વર્ષો કાઢ્યા છે એટલે મને વધારે આવડે છે. કલાકારે તો આમ પણ પ્રત્યેક ક્ષણે નવું નવું શીખતા રહેવું પડે ને?
તમારા જીવનમાંથી અભિનયની બાદબાકી કરવામાં આવે તો શું બચે?
તો હું જીવી જ નહીં શકું. મને કેટલાક લોકો પૂછે છે કે તમે આ ઉંમરે પણ કામ કરતા રહો છો તો તમે આટલી તાજગી લાવો છો ક્યાંથી? તો હું તેમને કહું છું કે અભિનય કરું છું એટલે જ મારામાં નવી તાજગીનો સંચાર થાય છે અને એટલે જ તો હું જીવી પણ રહી છું!
તમે કાવ્ય પઠન જેવા સાહિત્યના ઘણા બધા કાર્યક્રમો સાથે સંકળાયેલા છો. તમને વાંચવાનો શોખ છે ખરો?
એક જમાનામાં મને વાંચવાનો બહુ જ શોખ હતો. પરંતુ હવે એટલું બધુ વંચાતું નથી. પરંતુ સાહિત્યના કાર્યક્રમો સાથે સંકળાયેલી છું એટલે એ રીતે હમણાં થોડુંઘણું વાંચવાનું થયાં કરે છે. જોકે ભાષા સાથે નાતો હજુ પણ પહેલા જેવો જ અતૂટ છે.
તમને નવરાશ મળે તો શું કરો?
જુઓ, હું જિંદગીના છેલ્લાં તબક્કામાં જીવું છું. નાટકની ભાષામાં કહું તો અમારા નાટકનો છેલ્લો અંક શરૂ થઈ ગયો છે એટલે હાલમાં હું મનભરીને જીવી લેવામાં માનું છું. મને નવરાશ મળે તો હું ક્લબમાં પણ જાઉં અને જેટલી થાય એટલી મોજમસ્તી પણ કરું. આ ઉપરાંત સમય મળે ત્યારે બે-ત્રણ અખબારોના સુડોકુ અને ક્રોસવર્ડ ભરવાનું પણ મને ઘણું ગમે છે.
વીતેલો સમય ફરીથી જીવવા મળે તો તમે શું કરવાનું પસંદ કરો?
તો તો હું સૌથી પહેલા સંગીત જ શીખું! જો પુનર્જન્મ જેવું કશું હોય તો મારે ફરીથી નીનુ મઝુમદારની દીકરી જ થવું છે અને એમની પાસે સંગીતની તાલીમ લઈને માત્ર ને માત્ર ગાવું છે. ■

'મારો પિયુ ગયો રંગુન' નાટકમાં મીનળ પટેલ |

No comments:
Post a Comment