Wednesday, September 17, 2014

આનેવાલા ટ્રેન્ડ જાનેવાલા હૈ...

આજકાલ તમે એક-બે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર એકાઉન્ટ ધરાવતા હો અથવા અઠવાડિયે-પંદર દિવસે એકાદ ફોટોગ્રાફ અથવા કોઈક ગમી ગયેલી ગુજરાતી કવિતા, કવિના નામ વિના અપલોડ કરતા હો એટલે તમારો સોશિયલ મીડિયા ધર્મ પતી નથી જતો. ઉપરાંત આવું કશુંક કરીને જો તમે એવી ખાંડ ખાતા હો કે તમે સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ છો અને આજના પ્રવાહ સાથે તાલ મિલાવી રહ્યા છો તમે ખોટા છો. ફેસબુક કે વ્હોટ્સ એપ જેવી એકાદ બે સાઈટ્સનો ઉપયોગ કરતા લોકો આઉટડેટેડ ગણાઈ શકે છે કારણકે અહીં જુદા જુદા માધ્યમોમાં રોજ કશુંક બદલાતું રહેતું હોય છે અને રોજ નવું નવું આવે છે. જોકે એ વાત પણ સાચી કે જેમ નવું આવે છે એમ જૂનું ભૂલાતું પણ જાય અને ક્યારેક ગામ ગજવી ગયેલો ટ્રેન્ડ અચનાક હાંસિયામાં ધકેલાઈ જાય. ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સ એપ અને યુટ્યુબ જેવી અતિપ્રચલિત સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર છેલ્લા કેટલાક વર્ષોમાં આવા તો કેટલાય ટ્રેન્ડ્સ આવ્યાં અને કોઈ ચક્રવાતની જેમ થોડો સમય તરખાટ મચાવી ફરી પોતાને રસ્તે પડ્યાં.

આજકાલ ચાલી રહેલી એએલએસ આઈસ બકેટ ચેલેન્જની જ વાત કરીએ તો વાયા હોલિવુડ આપણે ત્યાં આવેલા અને ભારતમાં માત્ર બોલિવુડ પૂરતી સીમિત રહી ગયેલા આ ટ્રેન્ડની ત્રણેક અઠવાડિયા પહેલા જે બોલબાલા હતી તે આજે નથી. સોશિયલ મીડિયામાં ચાલેલા બીજા ફીવર કરતા આ ટ્રેન્ડ થોડો ઓછો ચાલ્યો. બોલિવુડ સેલિબ્રિટીઝને બાદ કરતા ગ્લેમરસ સ્પોર્ટ્સ પર્સનાલિટી કે અન્ય સામાન્ય લોકોને આઈસ બકેટનું પાણી કદાચ વધારે ટાઢું લાગ્યું હોવું જોઈએ કારણકે ફેસબુક-યુટ્યુબ પર ભારતમાંથી જે પ્રતિક્રિયા આવવી જોઈતી હતી એ ન આવી. અને હવે તો સેલિબ્રિટીઝમાં પણ આ ટ્રેન્ડનો પ્રતિસાદ મોળો પડી ગયો છે. ઈન શોર્ટ આઈસ બકેટ પણ હવે ભૂલાવા માંડ્યું છે.

સેલિબ્રિટીઝ સાથે સંકળાયેલો એક બીજો ટ્રેન્ડ હતો ‘નો મેક-અપ સેલ્ફી’. આ ટ્રેન્ડ પણ આઈસ બકેટની જેમ સામાજિક ઉદ્દેશ માટે ફંડ ઊભું કરવા માટે થયો હતો. આ ટ્રેન્ડમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે જંગી રકમ ઊભી કરવા હોલિવુડની કેટલીક અભિનેત્રીઓએ ટ્વિટર પર તેમના મેક અપ વિનાનાં ચહેરાનો સેલ્ફી ક્લિક કરીને અપલોડ કર્યા હતા. જોકે ભારતમાં આ ટ્રેન્ડ  ટ્વિટરની જગ્યાએ ઈન્સ્ટાગ્રામ પર વધુ ચાલ્યો અને અનેક અભિનેત્રીઓએ તેમના નો-મેક અપ સેલ્ફી અપલોડ કરીને હજારો લાઈક્સ ગાંઠે બાંધી.  હવે અચાનક કોઈકને યાદ આવી જાય તો જવલ્લે જ એકાદ ‘નો-મેક અપ સેલ્ફી’ અપલોડ થાય છે, બાકી આ ટ્રેન્ડ પણ ટ્રેન્ડ્સ આઉટના લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. આમ તો સેલ્ફીના અત્યાર સુધીમાં અનેક વર્ઝન વાઈરલ થયાં છે, જેમાં ‘અર્લી મોર્નિંગ’ સેલ્ફી, ‘ગ્રુપી’ અને ‘બટફી’(સમજણ ન પડી હોય તો ગુગલ કરી લ્યો!) કે ‘પાઉટ’ જેવા અનેક વર્ઝન સમયાંતરે આવતાં-જતાં રહ્યા. સેલ્ફીના ક્રેઝમાંથી ભારતના રાજકારણીઓ પણ છેટાં નથી રહી શક્યાં, જેમણે છાશવારે તેમના સેલ્ફી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે!

આવા જ સેલ્ફીના એક પ્રકાર ‘સેલોટેપ સેલ્ફી’ વિશે ભારતમાં બહુ ઓછાને ખબર હશે પરંતુ અમેરિકા-યુરોપમાં આવા સેલ્ફીનો ટ્રેન્ડ પુરબહારમાં ખીલેલો. આ વર્ષની શરૂઆતમાં વિદેશમાં ખૂબ ગાજેલા સેલોટેપ સેલ્ફીમાં સેબ્રિટીઝ અને સામાન્ય લોકોએ પોતાના મોઢાની ફરતે સેલોટેપ ચોટાડીને પોતાના સેલ્ફી ક્લિક કરીને ઈન્સ્ટા-ટ્વિટર અને એફબી પર અપલોડ કરેલા. આ ટ્રેન્ડ ભલે ૨૦૧૪માં શરૂ થયો હોય પરંતુ તેના મૂળિયાં વર્ષ ૨૦૦૮માં આવેલી હોલિવુડ કોમેડી ફિલ્મ ‘યસ મેન’માં છુપાયેલાં છે. આ ફિલ્મના એક સીનમાં અભિનેતા જીમ કેરીએ તેના ચહેરાની ફરતે સેલોટેપ લગાડી હતી!

સોશિયલ મીડિયાના શરૂઆતના સમયમાં ફ્લેશ મોબ્સે પણ માઝા મૂકી હતી. તેમાં કેટલાક લોકો રેલ્વે સ્ટેશન તેમજ મોલ અથવા જાહેર રસ્તાઓ પર પીક અપ ટાઈમે તેમનો અનફોર્મલ ડાન્સ શરૂ કરી દેતાં, જેમાં ધીમે ધીમે સામાન્ય લોકો પણ જોડાતા જતાં અને તેના ફક્કડ વીડિયો ઊતારીને તેમને યુટ્યુબ પર અપલોડ કરતા. આવા ફ્લેશ મોબ્સના વીડિયોમાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા મુંબઈના વીટી અને ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના ફ્લેશ મોબ્સ યુટ્યુબ પર ઘણા પ્રચલિત થયેલા. યુટ્યુબ પર ખૂબ ચાલેલો આ ટ્રેન્ડ પાછળથી દેશના કેટલાક રેડિયો સ્ટેશનોએ તેમજ કેટલાક એનજીઓ અને સામાન્ય લોકોએ અપનાવી લીધેલો, જ્યાં ગુજરાતના સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોના મોલમાં કે જાહેર રસ્તા પર દર રવિવારે એકાદ ફ્લેશ મોબ થતો અને યુટ્યુબ પર તેની વાહવાહી લૂંટાતી. પાછળથી તો ટેક્સ્ટ મેસેજ (ત્યારે વ્હોટ્સ એપ તેના બાલ્યકાળમાં હતું!) અને ઈમેલ કે ફેસબુક દ્વારા લોકોને શહેરમાં યોજાનારા ફ્લેશ મોબ્સની આગોતરા જાણ કરી દેવામાં આવતી, જેથી ક્યાંક તેમણે યોજેલા ફ્લેશ મોબનું સુરસુરીયું ન થાય!  

આ ઉપરાંત બીજો એક યુટ્યુબ ટ્રેન્ડ હતો ‘હાર્લેમ શેક’ વીડિયોનો! ફ્લેશ મોબ્સના જ ગોત્રના આ ટ્રેન્ડને વીડિયોના મેમે તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં યુટ્યુબ પર ધૂમ મચાવી ગયેલા ટ્રેન્ડની શરૂઆત ન્યુયોર્કના ડીજે બાઉરે કરી હતી. આમાં જુવાનિયાઓ ‘હાર્લેમ શેક’ના ગીત પર માથે હેલ્મેટ પહેરીને બંને હાથ ફેલાવીને હાસ્યાસ્પદ ડાન્સ કરતા. સોશિયલ મીડિયામાં ‘હાર્લેમ શેક’નો ક્રેઝ એટલો બધો વધી ગયેલો કે લોકો કોઈ પણ જગ્યાએ તેમનો વીડિયો શૂટ કરીને યુટ્યુબ પર રોજ સેંકડોની સંખ્યામાં અપલોડ કરતા. આપણે ત્યાં કોલેજ હોસ્ટેલ્સમાં આ વીડિયો ઘણા પ્રચલિત થયેલા, જ્યાં રાત્રે હોસ્ટેલ રૂમમાં અભ્યાસ કરી રેહેલા વિદ્યાર્થીઓ ‘હાર્લેમ શેક’ ડાન્સ કરીને શૂટ કરતા. ઉપરાંત લોકોએ અંડર વોટર ‘હાર્લેમ શેક’ કર્યું હોય કે ન્યુડ ‘હાર્લેમ શેક’ કર્યું હોય એના પણ સંખ્યાબંધ ઉદારણો મળ્યાં છે. યુટ્યુબ પર ભારતમાં તૈયાર ‘હાર્લેમ શેક’ વીડિયોની ભરમાર જોવા મળે છે.

યુટ્યુબ વીડિયોની વાત થઈ રહી છે ત્યારે ‘ઓપન ગંગનમ સ્ટાઈલ’ અને ‘કોલાવરી’ને નહીં ભૂલી શકાય. આજે ભલે આ બંને વીડિયો લોકોના દિલોદિમાગમાંથી નીકળી ગયા હોય પરંતુ બેએક વર્ષ પહેલા આ વીડિયોને વર્લ્ડ વાઈડ વાઈરલનું સ્ટેટ્સ મળેલું. રજનીકાંતના જમાઈ ધનુષે મજાકમાં ગાયેલું ‘કોલાવરી’ ભારતમાં દરેક લોકોની જીભે તો ચઢેલું જ પણ અનેક લોકોએ તેમના કોલાવરી વર્ઝન તૈયારી કરીને યુટ્યુબ પર અપલોડ કરેલા, જેને હજારો વ્યુ મળતા. અને ‘ગંગનમ સ્ટાઈલે’ તો એવી ધૂમ મચાવેલી કે ક્રિકેટર ક્રિસ ગેલથી લઈને દેશ કા બચ્ચાં બચ્ચાં આ ડાન્સના દિવાના થઈ ગયેલા. અરે ગુજરાતની નવરાત્રીમાં પણ કેટલાક લોકોએ તેમના ડોઢિયામાં ‘ગંગનમ સ્ટાઈલ’નો અખતરો કરી જોયેલો!

મેમેની વાત કરીએ તો વિદેશમાં અને ભારતમાં જુદા જુદા સમયે હોલિવુડ-બોલિવુડ કે ક્રિકેટમાં બનેલી કેટલીક ઘટનાઓ પર મેમે બનતા રહ્યા છે. ભારતમાં મેમે માટે આલિયા ભટ્ટ અને બાબુજી હજુ પણ હોટ ફેવરિટ છે ત્યારે વિદેશમાં એક સમયે ‘સેડ બેટમેનના’ મેમે ખૂબ ચગેલા. એક વાર બેટમેન ફિલ્મના શૂટિંગ વખતે અભિનેતા બેન એફલેકે તેના બેટમેનના ગેટ અપમાં ઉદાસ ચહેરે પોઝ આપેલો અને તે ફોટો ક્યાંક અપલોડ કરેલો. જોતજોતામાં આ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો અને પછી આ ફોટોગ્રાફ પરથી ‘સેડ બેટમેન’ની ફની મેમે સિરીઝ તૈયાર થવાની શરૂ થઈ. ભારતમાં પણ કેટલાક લોકોએ વડાપાંવની લારી ચલાવતા લોકો કે ગેરેજમાં કામ કરતા લોકોના ફોટો એડિટ કરીને ‘સેડ બેટમેન’ના મેમે તૈયાર કરેલા.

સોશિયલ મીડિયા એવું માધ્યમ છે, જ્યાં બધુ ઝડપથી બદલાતું રહેતું હોય છે. અહીં કોઈ પણ બાબતનો ‘ટ્રેન્ડ’ તરીકે જેટલી સહજતાથી સ્વીકાર થાય છે એટલી જ સહજતાથી એ બધા ટ્રેન્ડ્સને ભૂલી પણ જવામાં આવે છે. આપણા સ્માર્ટ ફોન અને કમ્પ્યુટરમાં જેમ ઓટો અપડેટ આવતી રહેતી હોય એમ આપણે આપણા મગજને પણ ઓટો અપડેટ મોડમાં મૂકી દેવું પડે, જેથી બદલાતા રહેતા પ્રવાહો સાથે પરિચય કેળવી શકાય અને ક્યારેક મન થાય તો એ પ્રવાહમાં ધુબાકો લગાવીને માથાબોળ ભીંજાઈ પણ શકાય. સોશિયલ મીડિયામાં માત્ર ટ્રેન્ડ્સ જ નહીં પરંતુ અભિવ્યક્તિના માધ્યમો પણ બદલાતા રહે છે એક સમયે માત્ર ઓરકુટ, બીબીએમ અને યાહુ મેસેન્જરની ચેટ રૂમમાં બાથોડિયાં ભરતા ભારતીયો આજે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ ઉપરાંત પીનટ્રેસ, વીન, લિન્ક્ડ ઈન તેમજ વ્હોટ્સ એપ અને વી ચેટ પર ચોવીસ કલાક ઓનલાઈન રહે છે, જેના પગલે જ પરિવર્તન નહીં સ્વીકારી શકેલા અને પોતાની માન્યતાઓ પર જ મક્કમ રહેલા ઓરકુટ, બીબીએમ અને યાહુ મેસેન્જરની આજે દયનીય સ્થિતિ છે. આઈસ બકેટ પછી હવે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવવા બીજા એકાદ ટ્રેન્ડની સ્ક્રિપ્ટ લખાઈ જ ગઈ હશે. તો ક્યાંક કોઈ ટ્રેન્ડ અમસ્તો જ વાઈરલ થઈ જશે. આ માટે જસ્ટ સ્ટે ટ્યુન્ડ એન્ડ કિપ એન્જોઈંગ! ■

No comments:

Post a Comment