Wednesday, September 24, 2014

નાટ્ય સ્પર્ધામાં યુવા પ્રતિભાઓનો દબદબો

'રાફડા'નું એક દૃશ્ય 
સુરત મહાનગરપાલિકાની ૪૨મી નાટ્ય સ્પર્ધા આખરે ગયા શનિવારે સમાપ્‍ત થઈ અને સફળતાપૂર્વક બાર નાટકોનું મંચન કરીને પાલિકાએ તેની સફળતાના પુષ્પગુચ્છમાં એક નવી સિદ્ધિનું ઊમેરણ કર્યું. આ વર્ષની નાટ્ય સ્પર્ધામાં દર્શકોને અનેક નવા રંગો જોવા મળ્યાં, જેમાં નિતનવી વાર્તા, નવા દૃષ્ટિકોણ સાથે નવા પ્રતિભાવાન દિગ્દર્શકો અને કલાકાર પણ જોવા મળ્યાં. આ વર્ષની મુખ્ય ખાસિયત જ એ રહી કે આ વર્ષે સ્પર્ધામાં કુલ ૨૭ નાટકોનું રજીસ્ટ્રેશન થયેલું, જેમાં સ્ક્રુટિનીમાં ચોવીસ ભજવાયા અને એમાંથી પસંદ થયેલા બાર નાટકો સંજીવકુમાર ઓડિટોરિયમમાં ભજવાયા. આટલા બધા નાટકો પ્રસ્તુત કરવા બદલ સુરતના નાટ્યકારોને તો દાદ દેવી જ પડે પરંતુ નાટ્યકલાના કદરદાનોની પણ વિશેષ નોંધ લેવી રહી. કારણકે કુલ ૧૨૦૦ લોકોની બેઠકવ્યવસ્થા ધરાવતા ઓડિટોરિયમની તમામ બેઠકો રોજેરોજ હાઉસફુલ ગઈ. આ કારણે પાછળથી આવતા લોકોએ (આ સંખ્યા બસો વ્યકિતથી ઓછી નહીં હોય!) ઓડિટોરિયમના દાદર પર બેસીને પણ નાટકો નિહાળ્યાં! સુરતના દર્શકો અને નાટ્યકારોની આવી જુગલબંધી જોઈને નિર્ણાયકની ભૂમિકા ભજવવા સુરતના મહેમાન બનેલા નાટ્યકાર ત્રંબક જોષીએ પણ કબૂલ કરવું પડ્યું કે વડોદરાને સંસ્કારી નગરી ભલે કહેવાતી હોય પરંતુ નાટકોનું મક્કા તો સુરત જ છે!

નાટ્ય સ્પર્ધાના અંતિમ દિવસે એટલેકે પરિણામના દિવસે ‘ગુજરાત ગાર્ડિયન’ની ટીમ સંજીવકુમાર ઓડિટોરિયમ પર વિશેષ હાજર રહી અને નાટકોના કલાકારો અને નાટ્યકારો ઉપરાંત સુરતના કેટલાક દર્શકો સાથે વાતો કરી. સ્પર્ધા બાર દિવસ લાંબી ચાલી હોવા છતાં કેટલાક દર્શકોએ એક પણ દિવસ ખાડો નહીં રોજેરોજ નાટકોનો લુફ્ત ઉઠાવ્યો હતો. દર્શકોની આ યાદીમાં માત્ર જુવાનિયા કે આધેડ વયના લોકો જ નહીં પરંતુ લાકડીને ટેકે ચાલતા વયોવૃદ્ધ દર્શકોનો પણ સમાવેશ થતો હતો, જેઓ આટલી ભીડમાં પોતાને પડી શકતી તકલીફોની પરવા કર્યા વિના ઉત્સાહપૂર્વક નાટકો નિહાળવા આવ્યા હતા. નાટ્ય સ્પર્ધા નિહાળવા રોજ આવેલા એક વૃદ્ધ નાટ્યપ્રેમી ગુણવંતરાય પટેલને અમે સ્પર્ધા વિશે પૂછ્યું તો એમણે અમને અસલ સુરતીમાં કહ્યું કે, ‘પાલિકા આપણા હારું આટલું કરતી હોય તો આપણે હો નાગરિક તરીકે આવવું તો પડે જ ને? ને એક હાથે આટલા બધા નાટક હો કાં જોવા મળે?’ વળી એક યુવાન દર્શક કેયુર દેસાઈ નાટ્યસ્પર્ધા માટે કહે છે કે, ‘મારે મારા નાના બાળકોને આપણી સંસ્કૃતિ અને ભવ્ય વિરાસત બતાવવી હતી. આ ઉપરાંત નાટકોના ચાહક તરીકે મને રોજ એવી ઉત્સુકતા રહેતી કે આજના નાટકનો વિષય શું હશે તેમજ કલાકારો કેવા હશે અને તેમનો અભિનય કેવો હશે? દિલથી કહું તો મેં મુંબઈમાં પૃથ્વી અને ભાઈદાસના નાટકો પણ જોયા છે પરંતુ બાર દિવસ સુધી ચાલેલી આવી સ્પર્ધા ક્યાંય જોઈ નથી. રોજ આટલું વિષય વૈવિધ્ય પીરસનાર આ નાટ્યકારો માટે હેટ્સ ઓફ કરવું જ રહ્યું!’

વૈભવ દેસાઈ
આ વર્ષની સ્પર્ધામાં (સોરી મહોત્સવમાં!) ઉત્તમ ગડા લિખિત ‘રાફડા’ નાટક પ્રથમ રહ્યું હતું તો જ્યોતિ વૈદ્ય અને સંકલ્પ કુલકર્ણી લિખિત ‘જુલિયસ સિઝર’ બીજા ક્રમે, રાજેશ પાંડેનું હિન્દી નાટક ‘આઓ તનિક પ્રેમ કરે’ ત્રીજા ક્રમે અને ફરઝાન કરંજીયાનું ‘સંન્યાસ્થ આશ્રમ’ ચોથા ક્રમે રહ્યું હતું. ગયા વર્ષની અને આ વર્ષની સ્પર્ધામાં સામ્યતા એ જોવા મળી કે આ વર્ષે પણ અહીં યુવા પ્રતિભાઓનો દબદબો રહ્યો. ગયા વર્ષે બાવીસ વર્ષના દિગ્દર્શક તથાગત શુક્લએ ‘ખેલંદો’ માટે બાજી મારી હતી તો આ વર્ષે યુવા નાટ્યકાર વૈભવ દેસાઈએ તેમના નાટક ‘રાફડા’ માટે સફળતા હાંસલ કરી છે. નાટક જેને જીન્સમાં જ મળ્યું છે એવા વૈભવ દેસાઈ કલાકાર તરીકે વર્ષોથી નાટકોમાં કામ કરે છે પરંતુ મહાનગરપાલિકાની સ્પર્ધામાં દિગ્દર્શક તરીકે છેલ્લાં ત્રણ વર્ષથી ભાગ લઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૨માં જ્યારે તેમણે આ સ્પર્ધા માટે પહેલી વખત દિગ્દર્શન કરેલું ત્યારે, કાજલ ઓઝા-વૈદ્ય લિખિત ‘વાત એક રાતની’ નામનું તેમનું નાટક સ્ક્રુટિનીમાંથી જ બહાર નીકળી ગયેલું. એક યુવાન દિગ્દર્શક માટે આવી પછડાટ ઘણો અઘાત સર્જી શકે છે પરંતુ વૈભવે આ હારને જરા જુદા દૃષ્ટિકોણથી સ્વીકારી. અને બીજાને દોષ દેવા કરતા તેમણે પોતાની કચાસ પર વધુ ધ્યાન આપી પહેલા કરતા બમણી મહેનત કરીને તેમણે ગયા વર્ષની સ્પર્ધા માટેની તૈયારીઓ આરંભી.

ગયા વર્ષે વૈભવ ‘છેલ્લી તરસ ગંગાજળ માગે’ નામનું નાટક લઈને આવ્યાં હતા, જે નાટક સ્ક્રુટિનીમાં તો સિલેક્ટ થયું જ પરંતુ સ્પર્ધામાં શ્રેષ્‍ઠ નાટકનું ત્રીજું પારિતોષિક જીતવામાં પણ સફળ રહ્યું. આ સફળતા મેળવ્યાં પછી વૈભવને કંઈક સારું કર્યાનો આનંદ થયો પણ તેમને રહી રહીને મનમાં થતું હતું કે સ્પર્ધામાં તેમનો ત્રીજો ક્રમ આવ્યો છે એ વાત તો સારી કહેવાય પરંતુ આનો એક બીજો અર્થ એ પણ થાય કે તમારી આગળ હજુ પણ કોઈક છે, જેઓ તેમના કામને શ્રેષ્‍ઠ સાબિત કરીને તમારાથી આગળ ઊભા રહ્યા છે! આ કારણે તેમનો અજંપો વધુ તેજ થયો અને તેમણે ફરીથી કંઈક શ્રેષ્‍ઠ કરવાની અને ત્રીજા સ્થાન કરતા આગળ વધવાની તૈયારીઓ આરંભી.

‘ગુજરાત ગાર્ડિયન’ સાથેની વાતચીતમાં વૈભવ જણાવે છે કે, ‘છેલ્લી ત્રણ સ્પર્ધામાં મેં બીજાને પછડાટ આપવા અથવા બીજાઓ કરતા સારું બતાવવાની ભાવનાથી ક્યારેય સ્પર્ધાની તૈયારી કરી નથી. પરંતુ મારે મારા આત્મસંતોષ માટે કંઈક કરવું હતું. ચીલાચાલુ બાબતો કરતા રહેવા કરતા લોકોને મારે કંઈક સત્વ કહી શકાય એવું આપવું હતું. આથી બીજાને હરાવવા નહીં પણ મારા આત્મસંતોષ
ખાતર મારે પ્રથમ આવીને મારી કાબેલિયત પુરવાર કરવી હતી.’

સ્પર્ધામાં પ્રથમ રહેલું ‘રાફડા’ નાટક ૨૦૧૪માં પણ સોશિયલ ટેબુ કહી શકાય એવી વિષય વસ્તુ ધરાવતું સાઈકોલોજીકલ-થ્રિલર નાટક હતું, જેમાં માનસી અને વિક્રમ નામના બહેન-ભાઈ વચ્ચે બંધાયેલા શારીરિક સંબંધની વાત કરવામાં આવી છે. નાટકમાં દર્શાવાયા મુજબ ભાઈ-બહેનના શારીરિક સંબંધથી એક દીકરો પણ પેદા થાય છે! આવું ઘૃણાસ્પદ કૃત્ય આચરવા બદલ માનસીનો અંતરાત્મા તેને કોરી ખાય છે, જેના કારણે માનસી સ્ક્રિઝોફેનિક પર્સનાલિટી થઈ જાય છે, જેને પોતે કરેલા ગુનાની સજા ભોગવવી હોય છે. પરંતુ આ માનસિક બીમારીમાં ગુનેગાર પોતાના ગુનાની સજા પોતાને નહીં પરંતુ બીજાને આપતો હોય છે! આમ, આ રીતે આ નાટકના કલાકારો એક તરકટ કરીને એક છોકરીને ફસાવે છે અને બાદમાં તેનું મર્ડર કરીને માનસીને તેના માનસિક પરિતાપમાંથી છૂટકારો અપાવે છે. આ નાટકની મંચ સજ્જામાં કોઈ કચાસ રાખવામાં આવી ન હતી. નાટકનું ડ્યુરેશન બે કલાક અને દસ મિનિટનું હતું અને અહીં મુખ્ય ખાસિયત એ હતી કે હાર્દિક સિંધે, વિરુ ચૌધરી અને વેદાંત બાવાસાહેબ નામના ત્રણ કલાકારોએ નાટકમાં પૂતળાની મૂક ભૂમિકા ભજવી હતી. એટલે થોડી ક્ષણોના હલનચલનને બાદ કરતા આ કલાકારો બે કલાક સુધી સતત એક જ મુદ્રામાં બેસી રહ્યા હતા!

'રાફડા'ના દૃશ્યમાં વૈભવ દેસાઈ
વર્ષો પહેલા લેખક ઉત્તમ ગડાએ આ નાટક લખ્યું હતું. નાટ્યકાર હોમી વાડિયાએ પણ આ વાર્તા પર નાટક તૈયાર કર્યું હતું. નાટક વર્ષો પહેલા લખાયેલું હોવાને કારણે વૈભવે આ નાટકમાં કેટલાક સુધારા પણ કર્યા હતા. આ નાટકના પાત્રો ભલેણા-ગણેલા હોવાથી તેમણે નાટકની ભાષા ભદ્રંભદ્ર ન રહેવા દેતા આજના દર્શકોને કનેક્ટ કરી શકે એવી અંગ્રેજીયુક્ત ગુજરાતી રાખી હતી. મૂળ નાટકમાં એક-બે સીન ઘણા બોલ્ડ કહી શકાય એવા હતા આથી મૂળ લેખકના કથાનકને માન મળી રહે અને પોતે પણ ક્ષોભમાં ન મૂકાય એ માટે તેમણે કવિ કિરણ ચૌહાણ પાસે ચાર મિનિટનું એક ગીત લખાવ્યું હતું. આ ઉપરાંત નાટકમાં સ્ક્રિઝોફેનિયા નામની માનસિક બીમારીની વાત આવતી હોવાથી નાટકનો કલાકાર એ પાત્રને યોગ્ય ન્યાય આપી શકે એ માટે વૈભવે સુરતના જાણીતા કવિ અને સાઈકિયાટ્રીસ્ટ મુકુલ ચોકસી સાથે મિટિંગ્સ કરીને તે રોગના લક્ષણો જાણ્યાં અને માનસીનું પાત્ર ભજવતી અભિનેત્રી મનાલી નાતાલી પાસે એ મુજબનો અભિનય કરાવ્યો. ઉલ્લેખનીય છે કે માનસીનું પાત્ર ભજવવા બદલ અભિનેત્રી મનાલી નાતાલીને શ્રેષ્‍ઠ અભિનેત્રીનું પારિતોષિક પણ પ્રાપ્‍ત થયું છે!

‘રાફડા’ને આ સ્પર્ધાના કુલ આઠ ઈનામો પ્રાપ્‍ત થયાં છે. વૈભવ દેસાઈ સાથે વાત કરતા અમને ખબર પડી કે તેમની અભિનેત્રી સુરતથી બહાર ભણતી હોઈ, તેમને અઠવાડિયામાં માત્ર ત્રણ જ દિવસ રિહર્સલ કરવા મળતું હતું. જ્યારે બીજા સ્પર્ધકો સપ્‍તાહના સાતેય દિવસો રિહર્સલ કરતા! ઓછા રિહર્સલ્સ અને સ્પર્ધાના દબાણને કારણે કેટલીક વખત ‘રાફડા’ના કલાકારો ભારે તણાવ અનુભવતા અને એ કારણે તેમને તેમના પાત્રમાંથી બહાર નીકળવામાં પણ મુશ્કેલી થતી હતી! ખેર, બાર નાટકો અને મંજાયેલા કલાકારો-દિગ્દર્શકો વચ્ચેથી હળવેકથી પોતાનો રસ્તો કરીને પ્રથમ ક્રમે પહોંચવા બદલ ‘રાફડા’ની ટીમ અત્યંત ખુશ છે.

‘રાફડા’ની ટીમ તેમની આ સફળતાને તેમની નાટ્યયાત્રાનો પડાવ માત્ર માને છે. આ કલાકારોના જણાવ્યાં મુજબ તેઓ નાટક ભજવતા નથી પરંતુ નાટકને શ્વસે છે અને આ કલા થકી જ તેઓ ધબકે પણ છે! વૈભવ દેસાઈના મત મુજબ તેમના માટે સફળતાના હજુ અનેક આયામો સર કરવાના બાકી છે, તેમણે વધુમાં વધુ ઉત્તમ નાટકો કરવા છે અને નાટ્યકાર પિતા મુકેશ દેસાઈએ તેમને વારસામાં આપેલી નાટ્ય પ્રવૃત્તિ સતત ધમધમતી રાખવી છે! ‘રાફડા’ની સફળતાનો શ્રેય તેઓ તેમના માતાપિતા અલકા અને મુકેશ દેસાઈને તેમજ અભિનેત્રી મનાલી નાતાલી અને મિત્ર વિરલ દેસાઈને આપે છે! નાટકની વાર્તા થોડી યુનિક હોવાને કારણે વૈભવને થોડો ડર હતો કે લોકો આ વાર્તા ન પણ સ્વીકારે પણ લોકો સહિત નિર્ણાયકોએ પણ આ નાટકને સ્વીકાર્યું અને તેને સ્પર્ધાનું સર્વશ્રેષ્‍ઠ નાટક ઘોષિત કર્યું. ■


નાટકોની ગુણવત્તા પર અસર થઈ છે?

સુરત મહાનગરપાલિકાની ૪૨મી નાટ્ય સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા ભજવી ચૂકેલા રમેશ સેવક વર્ષોથી નાટક સાથે જોડાયેલું નામ છે. આ વર્ષની નાટ્ય સ્પર્ધા વિશે તેમનું માનવું છે સ્પર્ધામાં બાર નાટકો આવ્યા એ વાત સારી છે પણ સ્પર્ધામાં એક-બે નાટકો ઓછા હોત તો કંઈ ખાટુંમોળું ન થાત. આ ઉપરાંત એક-બે નાટકો માટે તેમને એવી પણ ફરિયાદ હતી કે એ નાટકોએ સ્ક્રુટિનીમાં જે પ્રદર્શન બતાવ્યું એ પ્રદર્શન તેઓ સ્પર્ધામાં બતાવી શક્યાં ન હતા. ‘ગુજરાત ગાર્ડિયન’ને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ સ્પર્ધા બારેબાર નાટકો વચ્ચે ન થતાં ગણતરીના કેટલાક નાટકો પૂરતી જ યોજાઈ હતી એમ કહીએ તો ચાલે! તેમના જણાવ્યાં અનુસાર આમ થવા પાછળ કેટલાક નાટકોની ગુણવત્તા જવાબદાર હતી. તેમના મત મુજબ સુરતમાં અત્યંત પ્રતિભાશાળી નાટ્યકારો અને કલાકારો કાર્યરત છે. પરંતુ આપણી કઠણાઈ એ છે કે અહીં નાટકો સાથે સંકળાયેલા કેટલાક ગ્રુપ્સ તૂટ્યા અને વિખેરાયા છે, જેની સીધી અસર નાટકોની ગુણવત્તા પર પડી છે!

No comments:

Post a Comment