Saturday, September 28, 2013

ધ ગુડ રોડનાં રોડમાં રોડાં કેમ?

ધ ગુડ રોડ’. ગયા સપ્તાહે આ ફિલ્મ ૨૦૧૪માં યોજાનારા ઓસ્કાર ફિલ્મમહોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી તેની જાહેરાતો થતાં જ ગુજરાતભરમાં હલચલ મચી ગઈ. ગુજરાત આખામાં આ વિશે ચર્ચાઓ થઈ ગઈ કે આ ફિલ્મ ઓસ્કારમાં જવા માટે કેટલી પાત્રતા ધરાવે છે?, અથવા તેમાં ગુજરાતનું અવળુ ચિત્રણ થઇ રહ્યું છે અથવા તેમાં એડિટિંગ કે સંવાદોના ઠેકાણા નથી ને બ્લા..બ્લાબ્લાએડિંટિંગ કે સંવાદોના ઠેકાણા નથી એ વાતમાં એક અર્થ એવો પણ થઈ શકે કે ફિલ્મ વિવેચકોની વાત સાચી છે અને તો આપણી ઓસ્કારની ફિલ્મ સિલેકશન કમિટીને ફિલ્મો વિશે ઝાઝું જ્ઞાન નથી! આ નિર્ણય હવે વાચકોએ જ કરવો રહ્યો. રહી વાત ગુજરાતના ચિત્રણની તો ભલા, આ એક કાલ્પનિક ફિલ્મ હતી. કાલ્પનિક વાર્તાઓ અને બીજી કેટલીય કાલ્પનિક ફિલ્મો કે જેને વાસ્તવિકતા સાથે દૂર દૂર સુધી સંબંધ ન હોય એવી તમામ ફિલ્મો ભારે ટેસથી જોઈને માણનારોઓને એ તમામ ફિલ્મો અને નવલકથાઓ પચી ગઈ અને આ ફિલ્મ જોયા પછી કેમ ખાટા ઓડકાર આવે છે?

અને આમ પણ ઓસ્કારમાં જે  ફિલ્મો ગઈ છે તેમાં ભારતની ગરીબી અને ભારતના લોકોનું પેટિયું રળવાના વિવિધ નુસ્ખાઓ નથી દર્શાવાયા? દુનિયા આખીમાં આમેય ભારત વિશેની છાપ બહુ સારી કહી શકાય એવી નથી. એટલેસ્તો ગયા ૧૬ ડિસેમ્બરની ઘટના બાદ વિદેશીઓ ભારત ફરવા આવતા પણ ગભરાય છે. એટલે એ વિશે ફિલ્મ બહાર નહી મોકલવાથી કોઇ ધરખમ સુધારા નથી થઇ જવાનાં. એ માટે આપણી સમાજ વ્યવસ્થા અને સૂગ ચઢે એવી માનસિકતામાં ધરખમ સુધારાઓ આણવા પડશે. ‘ધ ગુડ રોડફિલ્મની વાર્તા વિશે તો છેલ્લાં એક અઠવાડિયામાં માધ્યમોમાં ઘણું બધુ લખાઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં ત્રણ વાર્તાઓની એકબીજા સાથે ગૂંથણી કરવામાં આવી છે. જેમાં એક વાર્તામાં એક મધ્યમ વર્ગીય પરિવાર ગુજરાતમાં વેકેશન માટે આવે છે ત્યારે એક ધાબા પર તેમનું બાળક ખોવાઇ જાય છે તો બીજી એક વર્તામાં પૂનમ નામની એક ૧૧ વર્ષની છોકરીની કથા છે તો ત્રીજી વાતમાં પપ્પુ નામનાં એક ટ્રક ડ્રાઇવરની વાત કરવામાં આવી છે.



જ્ઞાન કોરિયા
ગુજરાત ગાર્ડિયને જ્યારે ધ ગુડ રોડના ડિરેક્ટર જ્ઞાન કોરિયાને આ ફિલ્મ વિશે ગુજરાતમાં વકરેલા વિવાદ અંગે પૂછ્યું તો તેમણે આ અંગે કોઇ પણ પ્રતિભાવ આપવાની મનાઇ કરી હતી. તેમણે સ્પષ્ટપણે માત્ર એટલું જણાવ્યું હતું કે તેમનું કામ ફિલ્મ બનાવવાનું હતું, જેમાં તેમણે તેમનાથી બનતુ કર્યું છે. બાકી વિવાદો સાથે તેમને કોઇ લેવાદેવા નથી. જોકે તેમણે ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, ‘આ માત્ર ગુજરાતી ફિલ્મ નથી, પણ ગુજરાતની પૃષ્ઠભુમિનું કથાકેન્દ્ર ધરાવતી એક યુનિવર્સલ ફિલ્મ છે. ઉપરાંત આ એક ફિકશન સ્ટોરી છે જેના પાત્રો ગુજરાતી છે. આથી તે તમામ લોકો ગુજરાતી બોલે છે. આ ફિલ્મ ઓસ્કારમાં જાય એ અમારા માટે જ નહીં, પરંતુ આખા ગુજરાત અને દેશ માટે ગર્વની વાત હોવી જોઇએ.’

નિર્દેશક જ્ઞાનની ફિલ્મધ ગુડ રોડમાં મુખ્ય કલાકારો ઉપરાંતના ઘણા એકટર ગુજરાતી છે. જેમાંના એક પ્રિયંક ઉપાધ્યાય પણ છે. અભિનેતા તરિકેની પોતાની પહેલી જ ફિલ્મ ઓસ્કારમાં જઇ રહી છે એ માટે અમદાવાદનાં અભિનેતા પ્રિયંક ઉપાધ્યાય અત્યંત ખુશ છે. પ્રિયંક ધ ગુડ રોડમાં ટ્રક ક્લિનર તરીકેની ભૂમિકા ભજવી રહ્યાં છે. પ્રિયંકે આ ફિલ્મ માટે ઓડિશન ચાલી રહ્યાં છે એવું સાંભળતા જ કોઇ પણ અભિનેતાની જેમ પ્રિયંક પણ અમદાવાદ ખાતે ઓડિશન આપવા ગયો અને સિલેક્ટ થઇ ગયો. સિલેકશન બાદ બીજું બધું બાજુએ રાખીને પ્રિયંકે પોતે અભિનય કેટલો ઉત્તમ કરી શકે એ ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. આજે પણ જ્યારે આ ફિલ્મની ઓસ્કારમાં એન્ટ્રીને કારણે જે વાતો થઇ રહી છે એ તરફ પણ બહું ધ્યાન આપતા નથી. પ્રિયંકગુજરાત ગાર્ડિયનને જણાવે છે કે, ‘આપણે ત્યાં દરેક વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આથી લોકોધ ગુડ રોડનેવખોડી રહ્યાં છે એ અંગે મને કોઈ દુઃખ નથી. ફિલ્મ જોનાર દરેક વ્યક્તિને તેનો ફિલ્મ વિશે પ્રતિભાવ આપવાનો પૂરેપૂરો અધિકાર છે. પણ તમામ લોકોએ એ વાત પણ સ્વીકારવી જોઇએ કે આ એક કાલ્પનિક વાત છે.’

પ્રિયંક ઉપાધ્યાય
કેટલાક લોકો આ ફિલ્મમાં અભદ્ર ભાષા વપરાઈ છે અને બીભત્સ સીન દર્શાવવામાં આવ્યા છે એવી પણ ચર્ચા કરી રહ્યા છે. ઉપરાંત ક્યાંક ક્યાંક એમ પણ ચર્ચા થઈ કે ફિલ્મના પાત્રોએ યોગ્ય લહેકામાં કે પાત્રની માગ મુજબ ગુજરાતી ભાષા બોલી શક્યા નથી. આ માટે એનએફડીસી (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) માટે જેમણે આ ફિલ્મ પ્રોડ્યુઝ કરી છે તેમજ આ ફિલ્મમાં ડીઓપી (ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી)ની ભૂમિકા ભજવી છે એવા અમિતાભ સિંઘે એવું જણાવ્યું હતું કે, ‘અમે એક એમએમ સીનમાં પણ અશ્લીલતા દર્શાવી નથી. ફિલ્મના તમામ પાત્રો તેમના પાત્ર અને પરિવેશ મુજબની જ ભાષા બોલે છે, જે સ્ક્રિપ્ટની માગ છે. ‘ધ ગુડ રોડની સ્ટોરી ડેવલ્પમેન્ટથી લઈને મ્યુઝિક અને એડિટિંગ સુધીની પ્રક્રિયા સાથે સંકળાયેલા અમિતાભ સિંઘ અમને કહે છે કે, ‘જે વ્યક્તિ છેલ્લી ત્રણ પેઢીથી ગુજરાતમાં રહેતું જ નથી એ પાત્ર માત્ર ગુજરાતી હોવાને નાતે અદ્દલ ગુજરાતી લહેકામાં વાત કઈ રીતે કરી શકે? વાસ્તવમાં પણ એવું બને છે ખરું?’

અમિતાભ એવું માને છે કે ગુજરાતી લોકોની વ્યાવહારિક સૂઝ અને સાહિત્ય તેમજ સંસ્કૃતિ અંગેનું જ્ઞાન ઘણું જ ઊંચુ છે. આથી ગુજરાતના લોકોને જ નક્કી કરવા દો કે આ ફિલ્મમાં કંઈ પણ ઉતરતી કક્ષાનું અથવા વિવાદાસ્પદ છે કે નહીં? બાકી, ઘ ગુડ રોડની આખી ટીમે ક્યારેય ગુજરાતને અવળુ ચિતરવાનો કે કોઇનુંય દિલ દુભાવવાનો પ્રયત્ન કયારેય નથી કર્યો. ફિલ્મમાં જે કંઈ પણ દર્શાવાયું છે એ માત્ર ને માત્ર સ્ક્રિપ્ટની માગ હતી.

ખેર, ફિલ્મોને લઈને ઉભા થતા વિવાદો આપણા માટે નવા નથી. ફિલ્મના જાણકારોને અને ફિલ્મ વિવેચકોને આ ફિલ્મ પસંદ ન આવી હોય એવું બની શકે, પણ આટલા મોટા પ્લેટફોર્મ પર ગોબાચારી થયાની કે એનએફડીસી દ્વારા પ્રોડ્યુસ થઇ છે એટલે ઓસ્કારમાં તેનો રસ્તો સાફ થઈ ગયાની વાત થોડી પાયા વિહોણી લાગે છે. નહીંતર ધ લંચબોક્સઓસ્કારમાં જવી જોઇએ એની તરફેણમાં ઉતરી પડેલી લોબીને એ પણ ખ્યાલ તો હશે જ કેધ લંચબોક્સપણ એનએફડીસીનું જ સંતાન છે. છેલ્લા એક અઠવાડિયામાં આ ફિલ્મને લઇને ફિલ્મ વિવેચકોએ ફલાણાનાં ઠેકાણાં નથી ને ઢીકણું બરાબર નથીનો ભારે શોરબકોર મચાવ્યો છે.  


ફિલ્મ જાણકારો તેમની જાણકારી મુજબના પ્રતિભાવો આપે એ ઠીક છે, પણ જે લોકો ફિલ્મ જોયા વિના જ સોશિયલ મિડિયા પર તલવાર કાઢીને બેઠા છે એ લોકોને એક જ સલાહ આપવી કે લોકોના પ્રતિભાવોને પોતાના માનીને ચાલવામાં કોઈ જ માલ નથી. અને રહી વાત સંસ્કૃતિ અને તેના સંરક્ષણ કે બીભત્સતાની તો આ ફિલ્મને વખોડવા ઉપરાંત પણ સમાજમાં બીજી કેટલીક વાતો છે જેમાં ધરખમ સુધારા આણવાના બાકી છે. બાકી ગુજરાતની ફિલ્મો સિનેમા ગૃહો સુધી પણ જઈ શકતી નથી ત્યાં જો કોઇ નવાં જ વિષયવસ્તુ વાળી કોઇ ગુજરાતી ફિલ્મ ઓસ્કાર સુધી પહોંચે તો આ ઓચ્છવની જ વાત છે. ઇતિ અસ્તુ!

1 comment: