Wednesday, March 5, 2014

નાની ઉંમરે સેલિબ્રિટી રાઈટર બનેલો આઈઆઈટિયન

ગંગાની ગોદમાં..
એક યુવાન ખભે થેલા બાંધીને દેશભરની સફરે નીકળી પડે છે. કારણકે તેણે વિવિધતામાં એકતા ધરાવતા આ દેશના એક એક પ્રદેશ, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, સ્થાનિક ભાષાઓ અને વિવિધ પ્રદેશોના ખોરાક વિશે જાણકારી મેળવવી હતી. આ રખડપટ્ટી દરમિયાન ક્યારેક દુર્ગાપૂજાનો આનંદ લૂટવા કોલકાત્તા પહોંચે તો ક્યારેક કુંભમેળામાં ગંગા કિનારે કલાકો સુધી સાધુઓની સાથે બેઠો રહે છે. એક વર્ષ સુધી આ યુવાન કોઈ પણ સવલત અને આગોતરા આયોજન વિના દેશભરમાં ઘૂમે છે અને આપણાં દેશ વિશેની રજે રજ માહિતીઓ ભેગી કરે છે. આ રીતે દેશભરમાં અલગારી રખડપટ્ટી કરનાર તે યુવાન દેશનો નેશનલ બેસ્ટ સેલર પુસ્તકોનો લેખક હતો. આ રખડપટ્ટી દરમિયાન પણ તેના બે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં હતાં પરંતુ તેને તેના લેખનમાં સતત કંઈક ખૂટતું જણાતું હતું. આથી તે આ રીતે પ્રવાસે નીકળે છે. તેના આ અનુભવ પરથી તે ‘Route To Roots’ નામનું પુસ્તક લખી રહ્યો છે.  ‘ગુજરાત ગાર્ડિયન’એ એ યુવા લેખક સાથે વાતો કરીને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ’સાબ આટલા ખ્યાતનામ લેખક હોવા છતાં પણ તને એવી તે શું કમી વર્તાઈ કે તારે આટલો બધો પ્રવાસ કરવો પડ્યો? આ લેખક એટલે દિલ્હીનો હર્ષ સ્નેહાંશુ, જે અમારી સાથે એ લેખક કઈ રીતે બન્યો અને એની હમણાં સુધીની યાત્રા કેવી રહી એ વિશે કેટલીક રસપ્રદ વાતો કરે છે.

આ ચોવીસ વર્ષીય લેખકે નાનપણથી ગુગલ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીમાં કામ કરવાના સપના જોયા હતા પણ ઓગણીસમે વર્ષે તેના જીવનની ગાડીએ અચાનક રૂટ બદલ્યો અને તે લેખક થઈ ગયો. આજે તે સેલિબ્રિટી રાઈટર છે અને તેના પુસ્તકો પર નેશનલ બેસ્ટ સેલરના લેબલ લાગી ગયા છે! નવી દિલ્હીમાં વસતા આ લેખક સાથે અમે જ્યારે વાત કરી ત્યારે પહેલી જ મુલાકાતમાં એણે અમને કોઈ ટિપિકલ આઈઆઈટિયન અથવા એન્જિનિયર હોવાનો પરચો આપી દીધો કારણકે અમે સવારે સાડા અગિયારે એને ફોન જોડ્યો ત્યારે તે ઘસઘસાટ ઊંઘતો હતો!

હર્ષના જીવનમાં પહેલો ટર્નિંગ પોઇન્ટ ૨૦૦૭માં આવ્યો જ્યારે તેણે જેઈઈ પાસ કરીને આઈઆઈટીમાં એડમિશન મેળવ્યું. આઈઆઈટીમાં પ્રવેશ મળ્યા પછી ઝારખંડના ધનબાદ જેવા નાનકડા શહેરમાં રહેતો હર્ષ આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો અને લોકોએ તેના પર શુભેચ્છાઓને વરસાદ કર્યો હતો. આ દરમિયાન તેના પડોશીએ એક દિવસ તેને ચેતન ભગતનું ‘ફાઈવ પોઈન્ટ સમવન- વોટ નોટ ટુ ડુ એટ આઈઆઈટી’ ભેટમાં આપ્યું. હર્ષે તેના જીવનમાં ક્યારેય ફિક્શન વાંચ્યું ન હતું, એણે તો માત્ર વિજ્ઞાનને લગતા પુસ્તકો જ વાંચ્યા હતા. પરંતુ ચેતનના પુસ્તકના સબ ટાઇટલ ‘વોટ નોટ ટુ ડુ એટ આઈઆઈટી’ને કારણે હર્ષે એ પુસ્તક વાંચ્યું અને તેનાથી ખૂબ પ્રભાવિત થયો. તે કહે છે કે, “હું નવમા ધોરણમાં હતો ત્યારથી જ મેં નક્કી કરેલુ કે મારે આઈઆઈટીમાં ભણીને ગુગલ અથવા માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં કામ કરવું છે. મેં આઈઆઈટી માટેની એન્ટ્રન્સ ક્રેક કરી ત્યાં સુધી માત્ર ભણતરનાં થોથા વાંચવા એ જ મારું એકમાત્ર લક્ષ્ય હતું. પરંતુ ચેતન ભગતનું પુસ્તક વાંચ્યા પછી મને એ સમજાયું કે ભણતર ઉપરાંત પણ જીવનમાં કરવા જેવું ઘણું છે. ખરું કહું તો આ પુસ્તક પછી મારા જીવનની દિશા બદલાઈ ગઈ.”

હર્ષ સ્નેહાંશુની પહેલી નવલકથા
ચેતનની નવલકથાએ હર્ષને દિલ્હી આઈઆઈટીનું એવું ઘેલું લગાડ્યું કે એને મુંબઈ આઈઆઈટીમાં એડમિશન મળતું હોવા છતાં એણે દિલ્હી પસંદ કર્યું. કારણકે એને એવું લાગતું હતું કે એ દિલ્હી આઈઆઈટીથી ઘણો પરિચિત છે! અને થયું પણ એવું જ. હર્ષ કહે છે કે, “મેં જ્યારે દિલ્હી કેમ્પસમાં પગ મૂક્યો ત્યારે કેમ્પસની એક એક દીવાલ, વિદ્યાર્થીઓ અને દિવેલીયા મોઢા લઈને ફરતા પ્રોફેસર્સને ઓળખતો હોય એવું મને લાગ્યું.” હવે હર્ષને ફિક્શન અને નોન-ફિક્શન વાંચનનો પણ ચસ્કો લાગ્યો અને આઈઆઈટીમાં પ્રવેશતા જ એણે ડેન બ્રાઉન અને ખાલિદ હુસૈની જેવા લેખકોની નવલકથાઓ વાંચવાની શરૂઆત કરી. આ દરમિયાન તે જ્યારે પણ તેના ઘરે જતો ત્યારે શહેરભરના લોકોના આકર્ષણનું કેન્દ્ર રહેતો અને લોકો, એમાંય વિદ્યાર્થીઓ તેની સાથે ફોટો પડાવવા કે આઈઆઈટી માટેની કેટલીક ટિપ્સ લેવા માટે તલપાપડ રહેતા. તેને થયું કે આઈઆઈટિયન હોવાને કારણે લોકો તેને સાંભળવા માટે ઉત્સુક હોય તો લોકો એના લખાયેલા શબ્દો પણ વાંચશે. આથી તેણે આઈઆઈટીમાં અભ્યાસ વખતે જ બ્લોગ લખવાનું શરૂ કર્યું.

હર્ષના બ્લોગને શરૂઆતમાં થોડી ઘણી વિઝિટ મળતા બધું બરાબર ચાલ્યું પણ પછીથી તેને આ બધુ નીરસ લાગવા માંડયું અને તેણે બ્લોગિંગ બંધ કરવાનો વિચાર કર્યો. આ જ અરસામાં દિલ્હી આઈઆઈટીના બીજા એક પૂર્વ વિદ્યાર્થી તુષાર રાહેજાની ‘ચેતન જેનર’ની ‘એનીથિંગ ફોર યુ મેમ- એન આઈઆઈટીયન્સ લવ સ્ટોરી’ નામની નવલકથા પ્રકાશિત થઈ અને હર્ષે એ વાંચી. એ વાંચ્યા પછી એને પણ થયું કે બ્લોગ પર આવી જ એક નવલકથાની જરૂર છે, જેથી બ્લોગને કંઈક અંશે રસપ્રદ બનાવી શકાય. હમણાં સુધીમાં હર્ષને લોકપ્રિય નવલકથા કઈ રીતે લખવી અને એમાં કયા પ્રકારનો મસાલો ભરવો એ વિશેનો ખ્યાલ આવી ગયો હતો. આથી તેણે બ્લોગ પર દર અઠવાડિયે નવલકથાનું એક પ્રકરણ લખવાનું શરૂ કર્યું, જેનું તેણે નામ રાખ્યું ‘ઉપ્સ!’. અહીં પણ તેણે એક આઈઆઈટિયનની જ લવસ્ટોરી આલેખી હતી. આ પ્રકરણો લખ્યા પછી હર્ષને એટલી તો ખબર હતી કે તેનો બ્લોગ વંચાશે, પરંતુ એને એવો ખ્યાલ ન હતો કે તેના બ્લોગ અને નવલકથાને પ્રચંડ સફળતા મળશે!

બ્લોગ પર સફળતા મળ્યા પછી એના મિત્રોએ તેને નવલકથા માટે કોઈ પ્રકાશક શોધવાની સલાહ આપી. આથી તેણે દિલ્હીના એક ખ્યાતનામ પ્રકાશકને મેઈલ પણ કર્યો. એક તરફ અંગ્રેજીમાં મોટા મોટા ભડવીરોને પ્રકાશક શોધવા માટે મહિના નીકળી જાય છે ત્યારે હર્ષને માત્ર એક જ કલાકમાં પ્રકાશકે સામેથી ફોન કરીને પુસ્તક છાપવા માટેની તૈયારી બતાવી. એનું કારણ એક જ હતું કે એ સમયે દિલ્હીના કેટલાક પ્રકાશકો ચેતન ભગતે શરૂ કરેલા માર્કેટનું પુનરાવર્તન કરીને આર્થિક સફળતા મેળવવા આતુર હતા, જેથી તેઓ પણ આઈઆઈટી અથવા એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા યુવા લેખકોની શોધમાં હતા. આમ, માત્ર ૧૯ વર્ષની ઉંમરે હર્ષનું પહેલું પુસ્તક પ્રકાશિત થયું, જેનું નામ ‘ઉપ્સ’માંથી ‘ઉપ્સ આઈ ફેલ ઈન લવ’ કરી નાંખવામાં આવ્યું હતું. ચેતન ભગતનું પહેલું પુસ્તક (૨૦૦૭) વાંચ્યા પછી માત્ર બે જ વર્ષમાં (૨૦૦૯) હર્ષનું પોતાનું પુસ્તક પ્રકાશિત થયું, જેના મથાળે પણ હવે ‘નેશનલ બેસ્ટ સેલર’નો થપ્પો લાગી ચૂક્યો છે.
જોકે નેશનલ લેવલ પર લેખક તરીકે પ્રસિદ્ધિ મળી હોવા છતાં અહીં તેની કહાનીમાં ટ્વિસ્ટ આવે છે કારણકે તેના આ પુસ્તકની વાર્તાથી તેના પિતા રાજી ન હતા. આ અંગે હર્ષ જણાવે છે કે, “હું આ પુસ્તકથી મારા માતા-પિતાને સરપ્રાઈઝ આપવા માગતો હતો, પુસ્તક જોયા પછી તેમને ઘણી ખુશી પણ થઈ પરંતુ પુસ્તક વાંચ્યા પછી તેમનો પ્રતિભાવ થોડો મોળો હતો. કારણકે પ્રેમચંદ જેવા સાહિત્યકારોને વાંચતા મારા પિતાને મારા પુસ્તકમાં કશું ઊંડાણ ન જણાયું. મને હજુ યાદ છે કે તેમણે ગંભીર સ્વરે કહ્યું હતું કે તેં લેખક બનવા માટે થોડી રાહ જોઈ હોત તો સારું થયું હોત.” હર્ષના પિતાનું માનવું હતું કે, ગલગલિયા કરાવતા નહીં પણ સારા લેખક બનવા માટે સારા સાહિત્યનું વાંચન અને પ્રવાસ કરવો જરૂરી છે.

એકલપંડે ભારતભ્રમણે નીકળેલો હર્ષ
પહેલી નવલકથા પ્રકાશિત થયા પછી બે વર્ષના ગાળામાં હર્ષે ‘ઉપ્સ!’નો બીજો ભાગ ‘આઉચ! ધેટ હર્ટ્સ’ અને ‘શી ઈઝ સિંગલ, આઈ એમ ટેકન એન્ડ વી આર કમિટેડ’ નામની એ જ પ્રકારની નવલકથાઓ લખી, જેમાં અફેક્શન, અફેર અને સેક્સ જેવા મરી મસાલા હોય. જો કે હર્ષના ત્રણ-ત્રણ પુસ્તકો આવી ગયા અને દેશમાં સેલિબ્રિટી લેખક ઓળખ મળી હોવા છતાં હર્ષના પિતા હજુ પણ તેનાથી ખુશ તો ન જ હતા. હર્ષના જણાવ્યા મુજબ તેના પુસ્તકોને લઈને તેમના સંબંધોમાં થોડી ખટાશ પણ આવી અને તેમની વચ્ચે ક્યારેક દલીલબાજી પણ થતી. હર્ષ ક્યારેક તેમને એમ પણ કહી દેતો કે તમારા બોસને કે ઓફિસ સ્ટાફને ગિફ્ટ આપી શકાય એવા પુસ્તકો હું લખી શકું એમ નથી. જોકે હવે તેને તેના પિતાની વાત સાચી લાગે છે આથી તેણે હવે પછી કંઈક ઊંડું અને માત્ર યુવાનો જ નહીં પરંતુ બધા વાંચી શકે એ પ્રકારનું લખવાનું નક્કી કર્યું છે.
હર્ષ અનુભવમાંથી સતત શીખતો રહે છે. આઈઆઈટીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી હર્ષે તેના તેના મિત્ર સાથે ‘ધ વીટ્ટીશિટ.કોમ’ નામની કંપની ચાલુ કરી, જેમાં તેઓ લોકો પાસે વનલાઈનર્સ લખાવીને અથવા જાતે લખીને તેને ટીશર્ટ પર છાપતા હતા. શરૂ શરૂમાં બહુ ગાજેલી તેની આ કંપની બે વર્ષમાં જ બંધ થઈ ગઈ. આ કંપની બંધ થઈ જવા પાછળ ઘણાં બધા કારણો ઉપરાંત જુવાનિયાઓની નાદાનિયત પણ જવાબદાર હતી. આથી પોતે કરેલી ભૂલોનું પુનરાવર્તન કોઈ બીજું નહીં કરે એ માટે તેણે ‘બિકોઝ શિટ હેપન્ડઃ વોટ નોટ ટુ ડુ ઈન અ સ્ટાર્ટ અપ’ લખ્યું. આઈઆઈટીમાંથી પાસ થયાને તેને અઢી વર્ષ થઈ ગયા છે એ દરમિયાન બિઝનેસના નિષ્ફળ પ્રયાસ સિવાય તેણે આ અઢી વર્ષના ગાળામાં માત્ર ને માત્ર વાંચ્યું જ છે. હવે તેને ખ્યાલ આવી ગયો છે કે ઠોસ સંશોધન અને ઊંડી છણાવટ વિના સારું સાહિત્ય લખી શકાતું નથી.

આ માટે તેના પિતાએ પણ તેને સલાહ આપી હતી કે જો સારું લખીને વર્ષો સુધી વાચકોના દિલ પર રાજ કરવુ હોય તો આમ ઘરમાં બેસી રહેવામાં કોઈ ફાયદો નથી. આ માટે તારે ફરવું-રખડવું પડશે. પિતાની સલાહ માનીને હર્ષે ખભે થેલા બાંધ્યા અને એક વર્ષ સુધી કપરામાં કપરી પરિસ્થિતિઓમાં દેશભરમાં ખૂબ રખડ્યો. આ તેના માટે એક નવો અનુભવ હતો કારણકે એણે જોયેલું ભારત તેણે એનસાઇક્લોપિડિયાના થોથાઓમાં વાંચેલા ભારતથી કંઈક અલગ અને અનોખું હતું. તેના આ પ્રવાસના અનુભવો પરથી હવે એ ‘Route To Roots’ નામનું પુસ્તક લખી રહ્યો છે.

હર્ષ કબૂલે છે કે, આજ સુધી તેના જે પુસ્તકો છપાયા એ પુસ્તકનું કન્ટેન્ટ સારું હતું એટલે નહીં પરંતુ તેના માથે આઈઆઈટીનું લેબલ લાગ્યું હતું એટલે છપાયા છે. આજે માત્ર ભારતમાં તેના ૭૦૦૦થી વધુ ફેન છે. હાલમાં તે દિલ્હીની ‘યંગ ઈન્ડિયા ફેલોશિપ’માંથી ઈકોનોમિક્સ અને હિસ્ટરી જેવા વિષયો ભણી રહ્યો છે, જેથી દેશના ઈતિહાસ અને આર્થિક વ્યવસ્થા વિશે એ ઊંડાણમાં માહિતી મેળવી શકે. ભવિષ્યમાં તેણે પત્રકાર બનીને ફૂલ ટાઈમ રાઈટર બનવું છે. ■

No comments:

Post a Comment