Tuesday, March 25, 2014

ખુશવંત સિંઘે જાતે જ પોતાની મૃત્યુનોંધ લખી હતી!

અહીં જે વ્યક્તિ સૂતી છે એણે માણસ કે ભગવાન કોઈને પણ છોડ્યા ન હતા, એ માત્ર જમીનની સપાટી પરનો કણ હતો. આથી એની પાછળ તમારા આંસુ ખર્ચ કરશો નહીં. તેને સૂગ ચઢે એવી ગંદી વાતો લખવાની ઘણી મજા આવતી હતી. આથી ઇશ્વરનો આભાર માનજો કે તે બંદુકનો દીકરો મૃત્યુ પામ્યો છે.
દેશના જાણીતા લેખક અને પત્રકાર ખુશવંત સિંઘે ગત સપ્તાહે આ દુનિયાની વિદાય લીધી. પરંતુ વર્ષો પહેલા મૃત્યુની પૂર્વ તૈયારીના ભાગરૂપે તેમણે ઉપરની મૃત્યુનોંધ લખીને તૈયાર રાખી હતી. જોકે એમણે તો એક-બે કબ્રસ્તાન વાળા સાથે પણ તેમની કબર ક્યાં તૈયાર કરવી એ માટેની વાતાઘાટો કરી જોયેલી. પણ કબ્રસ્તાનવાળા અને ખુશવંત સિંઘ એમ બંને પાર્ટીઓને એકબીજાની શરતો પસંદ ન આવતા તેમણે કબ્રસ્તાનમાં પોઢવાનો વિચાર માંડી વાળ્યો હતો.

૨ ફેબ્રુઆરી ૧૯૧૫ના રોજ પંજાબના હદાલી(આજના પાકિસ્તાન) ખાતે જન્મેલા ખુશવંત સિંઘ પૈસા અને દિલ બંને બાબતે ઘણાં અમીર હતા. તેમની જન્મભૂમિ પાકિસ્તાનમાં હોવાને કારણે તેમને પાકિસ્તાન માટે હંમેશાં સોફ્ટ કોર્નર રહ્યો છે. આ કારણે દેશમાં તેમની ઘણી  ટીકા પણ થઈ છે પરંતુ ટીકાઓની ચિંતા કરે એ બીજા ખુશવંત પાજી નહીં! તેમના પિતા એટલેકે દિલ્હીના અંગ્રેજો કે જમાને કે બિલ્ડર શોભા સિંઘની એવી ઈચ્છા હતી કે તેમનો દીકરો ખુશવંત વકીલ બને. પિતાની ઈચ્છાને માન આપીને તેમણે લંડન જઈને વકીલાત કરી અને આઠ વર્ષ સુધી લાહોર હાઇકોર્ટમાં પ્રેક્ટિસ પણ કરી. પણ તેમનું મન રહી રહીને લેખન તરસ ખેંચાતું હતું આથી વકીલાત ઉપરાંત ભારતીય વિદેશ મંત્રાલયની મોભાદાર નોકરી છોડીને ૧૯૫૧થી પત્રકારત્વમાં ઝંપલાવ્યું અને પછી જે બન્યું એ બધુ હવે ઈતિહાસ તરીકે લેખાય છે.

‘ઇલ્સ્ટ્રેટેડ વીકલી ઓફ ઈન્ડિયા’ની તેમની પ્રખ્યાત કોલમ ‘વિથ મેલિસ ટુવર્ડ્ઝ વન એન્ડ ઓલ’માં ભલભલાને અડફટે ચઢાવ્યા છે. ચાળીસ વર્ષોથી વધુ ચાલેલી તેમની આ કોલમ દેશના વિવિધ અંગ્રેજી અને પ્રાદેશિક અખબારોમાં પ્રકાશિત થતી રહી છે. અત્યાર સુધીમાં તેમનું અખબારી લેખન અને સાહિત્ય જેટલું ચર્ચાયું છે એનાથી વધુ ચર્ચા ખુશવંત સિંઘ માટે થઈ હશે. કારણકે સ્વાભાવિકપણે તેઓ આકર્ષક અને બહુમુખી વ્યક્તિત્વના માલિક હતા. સામાન્ય રીતે ભારતના લેખકો ધર્મ, જાતિ કે સેક્સ જેવા વિષયો પર ઝડપથી લખવા તૈયાર થઈ શકતા નથી અને જો લખવાની હિંમત પણ કરે તો સ્પષ્ટ વાતો ન લખતા ગોળ ગોળ વાતો કરતા હોય છે. પરંતુ ખુશવંતે મોટેભાગે આવા વિષયો પર બેધડક અને સીધી ભાષામાં પોતાની કલમ ચલાવી છે. તેમના પર સાહિત્યમાં કામુક વર્ણનોનો વધુ પડતો ઉપયોગ કરતા લેખકનો થપ્પો લાગ્યો છે પરંતુ તેમણે ક્યારેય આ બાબતને નકારી નથી. બલ્કે એમણે તો એમની આત્મકથામાં પણ પોતે દરેક દેશની સ્ત્રીઓ સાથે શરીર સંબંધ બાંધ્યા છે અને આ ઉંમરે(૯૦ વર્ષની ઉંમરે!) પણ તેઓ સેક્સના વિચારો કરે છે અને દીવાસ્વપ્નો જુએ છે એવી કબૂલાત કરી હતી. બોલો, આવી તાકાત ભારતના કયા લેખકમાં હતી કે છે?

ખુશવંત સિંઘની મુખ્ય ખાસિયત એ હતી કે તેઓ કોઈ પણ વિચાર અથવા માન્યતાને જડસુઓની વળગી રહેતા ન હતા. ૧૯૭૫ની ઈમરજન્સીને તેમણે આપેલા જાહેર સમર્થન બાદ તેમને ઈન્દિરા ગાંધીના ચમચા કે ખુશામત સિંઘના નામે ઓળખવામાં આવતા. જોકે આ એક વાસ્તવિકતા પણ હતી કે તેઓ ગાંધી પરિવારના ઘણાં નજીક હતાં. પરંતુ સુવર્ણ મંદિરમાં થયેલા ઓપરેશન બ્લૂસ્ટાર અને અને ૧૯૮૪ના શીખ હત્યાકાંડ પછી તેઓ ઈન્દિરા અને રાજીવ ગાંધી વિશે વિરોધી મત ધરાવતા થઈ ગયેલા. આ મુદ્દે તેઓ એવા તો ભડક્યા હતા કે તેમણે તેમનો પદ્મભૂષણ પણ સરકારને પરત કરી દીધો હતો. થોડાં વર્ષો પહેલા પણ જ્યારે વરુણ ગાંધીએ મુસ્લિમો વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરેલું ત્યારે તેમણે તેને ગટરની ભાષા કહીને વખોડી કાઢ્યું હતું. અને તેમનો ઉછેર બરાબર નથી થયો એવું વિધાન કર્યું હતું.

જીવનના અંત સુધી તેઓ ધર્મ અને ઇશ્વર જેવી વસ્તુઓને તૂત ગણતા રહ્યા. પરંતુ આ જ માણસે શીખ ધર્મની રજેરજ માહિતીને સમાવી લેતું ‘અ હિસ્ટરી ઓફ શીખ્સ’ પુસ્તક બે ભાગમાં લખ્યું છે. શીખ ધર્મ ઉપરાંત તેઓ જૈન, હિન્દુ, ઈસલામ કે ખ્રિસ્તી ધર્મ વિશે ઊંડુ જ્ઞાન ધરાવતા હતા. તેમના ઘરના અભ્યાસ ખંડમાં તેમણે માત્ર બે જ વ્યક્તિના ફોટા રાખ્યા છે, એક ગાંધીજી અને બીજા મધર ટેરેસા! પણ ગાંધીજીના જીવનથી અત્યંત પ્રભાવિત એવા ખુશવંત સિંઘને રોજ રાત્રે ત્રણ પેગ નહીં પીએ ત્યાં સુધી ચેન પડતું ન હતું! તેમના અવસાનના સમાચાર આવ્યા બાદ અમે તેમના હાથ નીચે પત્રકારત્વની તાલીમ પામેલા અને સુરતમાં સ્થાયી થયેલા શ્રીમતી બલબીર રૈનાનો સંપર્ક કર્યો હતો. તેમને અમે ખુશવંત સિંઘના શરાબના શોખ વિશે પૂછ્યું ત્યારે ‘ગુજરાત ગર્ડિયન’ને તેમણે જણાવ્યું કે, ‘દિલ્હીના સુજાનસિંઘ પાસેના તેમના ઘરમાં તેઓ રોજ સાંજે બારી પાસે બેસી જતા અને બગીચામાં રમતા બાળકોને જોતા જોતા શરાબની મજા લેતા હતા. શરાબ પીતી વખતે તેમને એકદમ એકાંત જોઈતું અને તેઓ કોઈની પણ કંપની ચલાવી લેતા નહીં. શરાબ સિવાય જો તેમણે કોઈને બહુ પ્રેમ કર્યો હોય તો એ ઉર્દુ ભાષા હતી. આ ઉપરાંત તેમને કૂતરા અને બાળકો પણ ઘણાં પસંદ હતા.’

એકાંત અને મૌન માટે ઘણો ઊંચો અભિપ્રાય ધરાવતા ખુશવંત સિંઘ મોટે ભાગે એકલા રહેવાનું પસંદ કરતા હતા. પોતે ૯૯ વર્ષ સુધી જીવી શક્યા એનો શ્રેય પણ તેઓ તેમના એકાંતવાસને જ આપતા હતા. તેઓ આટલુ લાંબુ અને ઉચ્ચ સ્તરનું જીવન જીવ્યા પણ તેમને નજીકના કે જિગરજાન કહી શકાય એવા ઘણાં ઓછા મિત્રો હતા. છેલ્લાં કેટલાક વર્ષોમાં મોટા ભાગનો સમય તેઓ વાંચનમાં અથવા સંગીત સાંભળવામાં કાઢતા હતા. જીવનના અંતિમ શ્વાસ સુધી લખવું છે એવી તેમની ઇચ્છા હતી પરંતુ અસ્વસ્થતાને કારણે લખી શક્યા નહોતા. મૃત્યુની આગલી રાત્રે પણ તેમણે થોડો શરાબ પીધો હતો મૃત્યુના દિવસે સવારે તેઓ તેમની પ્રિય ક્રોસવર્ડની રમત પણ રમ્યા હતા. તેમને નવરા બેસી રહેવું પસંદ ન હતું. જીવનની છેલ્લી ઘડી સુધી તેઓ પ્રવૃત્ત પણ રહ્યા હતા. ચૂંટણીને કારણે રાજકારણના ઢગલાબંધ સમાચારો વચ્ચે ખુશવંત સિંઘના અવસાનના સમાચાર ભલે હાંસિયામાં ધકેલાઈ ગયા હોય પરંતુ તેમનું કામ અને જીવન જીવવાનો અભિગમ ક્યારેય નહીં ભૂલાય. ભારતીય પત્રકારત્વ અને સાહિત્ય જગતમાં હંમેશાં તેમનું નામ અમર રહેશે. ■

ખુશવંત સરદારજીઓ પર વ્યંગ કરતા


ખુશવંત સિંઘનું પહેલું પુસ્તક ‘ધ માર્ક ઓફ વિષ્ણુ એન્ડ અધર સ્ટોરીઝ’ ૧૯૫૦માં પ્રકાશિત થયું હતું. તેમના ‘ધ હિસ્ટરી ઓફ શીખ્સ’, ‘ટ્રેન ટુ પાકિસ્તાન’, ‘આઇ શેલ નોટ હિયર ધ નાઇટએંગલ’, ‘ટ્રેજેડી ઓફ પંજાબ’, ‘દિલ્હી’, ‘સેક્સ, સ્કોચ એન્ડ સ્કોલરશિપ’, ‘ધ કંપની ઓફ વુમન’ અને ‘ડેથ એટ માય ડોર સ્ટેપ’ જેવાં પુસ્તકો અત્યંત વંચાયા અને વખણાયા છે. ૨૦૦૨માં તેમણે ‘ટ્રુથ, લવ એન્ડ લીટલ મેલિસ’ નામની આત્મકથા પ્રકાશિત કરી હતી, જેમાં તેમણે તેમના જીવનની અંતરંગ ઘટનાઓ ઉપરાંત આઝાદી પહેલાના ભારત અને ત્યાર બાદ ઝડપથી બદલાઈ ગયેલા ભારતનું અદભુત નિરૂપણ કર્યું છે. તેઓ પોતે શીખ હતા તે છતાં તેઓ સરદારજીઓ પર વ્યંગ કરતા. સંતા-બંતા સિરિઝના જોક્સની શરૂઆત તેમણે કરી હતી. ભારત પાકિસ્તાનના ભાગલા વખતે મોહમ્મદ અલી ઝીણાએ તેમને પાકિસ્તાન રહી જવા માટે લાહોર હોઈકોર્ટના જજ બનાવવાની ઓફર કરી હતી. પરંતુ તેમણે ઝીણાની ઓફરને નકારી દીધી હતી. તેમને ૧૯૮૦થી ૧૯૮૬ સુધી રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૦૬માં તેમને  પંજાબ રત્ન અને ૨૦૦૭માં દેશના બીજા સર્વોચ્ચ સન્માન પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇશ્વરમાં ન માનતા હોવા છતાં તેઓ ઇશ્વરને ‘બડે મિયાં’ના નામે સંબોધતા અને તેઓ જ્યારે પણ નકારાત્મકતાથી ઘેરાતા ત્યારે ગુરુદ્વારામાં જઈને બેસતા હતા.

No comments:

Post a Comment