Thursday, March 13, 2014

યે પેરોલ કા જુગાડ ક્યાં હૈ?

ગયા સપ્‍તાહે વ્હોટ્સએપ પર એક મેસેજ ફરતો થયેલો કે સુબ્રતો રોય સંજય દત્તને પૂછે છે કે “ભાઈ યે પેરોલ કા ક્યા જુગાડ હે?” ત્યારે સંજય દત્ત જવાબ આપે છે કે, “મુજે તો પેરોલ કે લિયે ‘માન્યતા’ પ્રાપ્‍ત હુઈ હે!” હજુ તો સુબ્રતો રોય પર યોગ્ય રીતે અદાલતી કાર્યવાહી શરૂ નથી થઈ અને તેમને કોઈ સજા પણ નથી સંભળાવાઈ. તેથી સુબ્રતો રોય હજુ પેરોલના ચક્કરમાંથી બહાર છે. આ તો એક રમૂજ હતી. પરંતુ થોડો ગહન વિચાર કરીએ તો વગદાર કેદીઓ માટે પેરોલ એ મુકરર સજામાંથી મુક્તિ મેળવવાના ‘જુગાડ’થી વધુ કંઈજ નથી. આ વાત અનેકવાર સો ટકા સાચી સાબિત થઈ છે અને તેનું તાજું ઉદાહરણ સંજય દત્તને ગણી શકાય. જોકે સંજય દત્તના ચાહકો અને તેના પ્રત્યે સહાનુભૂતિ રાખનારા લોકોને કદાચ આ વાત ગળે નહીં ઉતરે!

ભારતીય દંડ સંહિતાના પ્રિઝન એક્ટ ૧૯૦૦માં ગુનેગારોને પેરોલ પર મુક્ત કરવાની જોગવાઈ છે, જે હેઠળ જેલના અધિકારીઓ, સિનિયર પોલીસ અધિકારીઓ અને જિલ્લા ન્યાયાધીશનું એક પેરોલ બોર્ડ ગુનેગારે કોઈ કારણોસર કરેલી પેરોલ અરજી પર વિચાર કરીને તેને રજા આપવી કે નહીં તેના નિર્ણયો કરતું હોય છે. વર્ષ ૧૯૮૪માં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, કેદીએ પેરોલ પર છૂટવા કરેલી અરજીના પંદર દિવસની અંદર તેના પેરોલનો નિર્ણય થઈ જવો જોઈએ. આ ચુકાદામાં અદાલતે એમ પણ જણાવ્યું હતું કે, ગંભીર બીમારી, સ્વજનના મૃત્યુના કિસ્સામાં કેદીએ કોઈ કારણસર તાત્કાલિક બહાર જવું પડે એમ હોય તો જવાબદાર અધિકારીઓએ ઝડપથી પ્રકિયા હાથ ધરવી જોઈએ. સામાન્ય કિસ્સામાં છથી સાત દિવસમાં પેરોલ અરજી પર સુનાવણી થઈ જતી હોય છે.

જાણીતા ક્રિમિનલ લોયર અમિત કુમારના જણાવ્યાનુસાર, ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કેદીને પેરોલ પર મુક્ત કરવાની જોગવાઈ જ નથી. આ ઉપરાંત બધા કિસ્સામાં ગુનેગારોને પેરોલ પર હવાફેર કરી આપવાની મંજૂરી પણ નથી મળતી. જો અદાલતને અરજદારની દલીલ પાયાવિહોણી લાગે તો તેની અરજી ફગાવી પણ શકે છે. પણ જો કેદીની અરજી નકારી કઢાઈ હોય તો જેમ સામાન્ય કિસ્સામાં બને છે એમ અરજદાર અદાલતના નિર્ણયને ઉપલી અદાલતમાં પડકારી શકે છે. આવા એક કિસ્સામાં દિલ્હી હાઈકોર્ટે ગુરદીપ બગ્ગા નામના એક કેદીની પેરોલ અરજી ફગાવી કાઢી હતી. બગ્ગાએ બીમાર માતાની ચાકરી કરવા માટે બે વર્ષના પેરોલની માગણી કરી હતી. પરંતુ અદાલતના ધ્યાનમાં આવ્યું કે તેના ઘરમાં બીમાર માતાનું ધ્યાન રાખવા બે મોટી બહેનો હાજર છે. તેથી અદાલતે બગ્ગાની ત્યાં કોઈ જરૂરિયાત નથી એમ કહીને તેને ઘરે જવાની મંજૂરી આપી ન હતી. વકીલાતના અભ્યાસક્રમમાં છાશવારે આવતા આવા કેસ સ્ટડીની ચર્ચા અહીં એટલા માટે કરવી પડી કે, પેરોલની અરજી માત્ર સામાન્ય કેદીના કિસ્સામાં જ નકારવામાં આવે છે કે ‘આમ અને ખાસ’ કેદી જેવો ભેદ નહીં રાખીને તમામ કેદીઓની અરજી પર સમાન વિચાર કરવામાં આવે છે?

સંજય દત્ત પાસે પણ તેમની પત્ની માન્યતાની બીમારીનું કારણ છે. આશરે બે વર્ષ પહેલા જ જોડિયા બાળકોની માતા બનેલી માન્યતા માટે બીમારી સાથે નાના બાળકોને એકસાથે સંભાળવાનું મુશ્કેલ હોઈ સંજય દત્ત પાસે પેરોલ લેવા સિવાય છૂટકો ન હતો. પરંતુ બધા સેલિબ્રિટી કે વગદાર કેદીઓના કિસ્સામાં આવું બનતું નથી. તેઓ પેરોલનો ઉપયોગ યેનકેન પ્રકારે હવાફેર કરવા માટે જ કરતા હોય છે. આ માટે અમિત કુમાર કહે છે કે, “પેરોલની જોગવાઈનું અર્થઘટન એવું પણ થઈ શકે છે કે કેટલાક લોકો તેમની સત્તા કે વગનો દુરુપયોગ કરે છે. આને કારણે પ્રભાવશાળી લોકો આ જોગવાઈનો ખોટો ફાયદો ઉઠાવે છે અને બાકીના સામાન્ય કેદીઓ જેલમાં જ સડે છે.” વર્ષ ૧૯૯૩માં મુંબઈ બોમ્બ વિસ્ફોટ કેસમાં દોષી સાબિત થયેલા અને પાંચ વર્ષની કેદની સજા પામેલા અભિનેતા સંજય દત્ત પ્રત્યે મહારાષ્ટ્ર સરકારે દાખવેલા કૂણાં વલણને લઈને બોમ્બે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. ગયા વર્ષે સંજય દત્તની સજાની સુનાવણી થઈ એ પછી આ સેલિબ્રિટી કેદી કુલ ૩૦૭ દિવસમાંથી ૧૧૮ દિવસ બહાર રહ્યો છે. આમ, આવા કેદીઓને વારંવાર મળતી પેરોલને કારણે તેમને મળતી સજાની ગંભીરતા કેટલી રહી એ વિશે સવાલ છે.

જેસિકા લાલ મર્ડરકેસનો દોષી મનુ શર્મા
આ સજામાં પેરોલની સુવિધાનો લાભ ઉઠાવી ચૂકેલા વગદારોમાં સૌથી પહેલો ક્રમ જેસિકા લાલ મર્ડર કેસના મુખ્ય દોષી અને ચંદીગઢના કોંગી નેતા વિનોદ શર્માના પુત્ર મનુ શર્માનો આવે. રીઢા ગુનેગારની વ્યાખ્યામાં સમાવી શકાય એવો મનુ શર્મા અનેક વખત નજીવા કારણોસર પેરોલની મજા લેતો હતો. વર્ષ ૨૦૦૯માં મનુ શર્મા એક વાર દાદીની અંતિમ ક્રિયામાં જવાનું કહીને અને એક વાર માતાની બીમારીનું કારણ ધરીને જેલની બહાર આવ્યો હતો. પરંતુ જે દાદીની અંતિમ ક્રિયા માટે એ બહાર આવ્યો હતો એ દાદી તો વર્ષ ૨૦૦૮માં જ સ્વર્ગે સિધાવી ગયા હતા, તો બીમાર માતા ચંદીગઢમાં યોજાનારી આઈપીએલ જેવી જ કોઈ ક્રિકેટ મેચ માટે પ્રેસ કોન્ફરન્સ કરવામાં વ્યસ્ત હતા. આટલું ઓછું હોય એમ મનુ શર્મા પેરોલ લઈને નાઈટ ક્લબમાં ઝુમતો પણ ઝડપાઈ ગયો હતો!

આ દેશમાં એવા કેટલાય કિસ્સા છે, જેમાં અનેક નબીરા વર્ષો સુધી ચાલતી ન્યાયિક પ્રક્રિયાનો લાભ લઈને પહેલાં સરેરામ રખડ્યા છે અને દોષી પુરવાર થઈને વારંવાર પેરોલ પર છૂટ્યાં છે. જેસિકા લાલ મર્ડર કેસનો બીજો દોષિત અને ઉત્તરપ્રદેશના રાજકારણી ડી.પી. યાદવનો પુત્ર વિકાસ યાદવ ૩૦ મે, ૨૦૦૮થી આઠમી ફેબ્રુઆરી, ૨૦૦૮ સુધીના બાવીસ મહિનામાં કુલ ૬૬ વખત પેરોલ પર છૂટીને દિલ્હીમાં રખડપટ્ટી કરી ચૂક્યો છે. સજામાં પેરોલની જોગવાઈ હોવી એ માનવ અધિકારની દૃષ્ટિએ યોગ્ય છે અને કાયદા કે બંધારણમાં આવી જોગવાઈ હોવી જ જોઈએ. કોઈ પણ ગુનેગારને ફક્ત તેના અપરાધને કારણે મૂળભૂત અધિકારોથી વંચિત ન જ રાખી શકાય. પરંતુ આપણી ભ્રષ્ટ સિસ્ટમ દેશના વગદાર અને પ્રભાવશાળી લોકોને પેરોલનો કંઈક વધારે પડતો જ લાભ આપે છે. બળાત્કાર કે હત્યાના દોષિતો પેરોલનો લાભ લઈને સમાજમાં ખુલ્લેઆમ ફરતા હોય એ તેમના ગુનાનો ભોગ બનનારા પીડિતોનું અને ન્યાય પ્રક્રિયાનું અપમાન છે.

સંજય દત્ત ખ્યાતનામ અભિનેતા છે એટલે તે લોકોની સહાનુભૂતિનો હક્કદાર બન્યો અને તેના પેરોલના સમાચારો ચમક્યા ત્યારે દેશભરની ટીવી ચેનલો પર રાત્રે આ વિષયે ચર્ચા પણ થઈ. પરંતુ તેના બદલે કોઈ સામાન્ય ગુનેગાર હોત તો તેને સાચું કારણ હોવા છતાં આટલા ઝડપથી અને આટલા બધા દિવસની પેરોલ મળી શકી હોત? જવાબ સ્પષ્ટ છે, ના. કાયદો કે ન્યાય પ્રક્રિયા આમ તો બધા માટે સમાન છે પરંતુ વગદાર લોકો મોટા વકીલોની મદદથી પેરોલનો મનફાવે એમ ઉપયોગ કરે છે.

જેલમાં કેદીઓનો ભરાવો અટકાવવા પેરોલ!


આપણે ત્યાં વર્ષ ૧૯૯૬માં સર્વોચ્ચ ન્યાયાલયે એવી ટિપ્પણી કરી હતી કે આપણી જેલોમાં કેદીઓનો વધુ પડતો ભરાવો થઈ જવાથી જેલ અધિકારીઓને પડતી હાલાકીને નાથવા કેદીઓને વધુમાં વધુ પેરોલ મળવી જોઈએ. એ તો ઠીક સર્વોચ્ચ અદાલતે દેશની તમામ જેલ ઓથોરિટીને એવી સલાહ પણ આપી હતી કે, આ માટે અરજદાર કેદીઓ પર પેરોલના બોન્ડનું ભારણ બને એટલું ઓછું કરવું જેથી કેદીઓને પેરોલ લેવામાં સરળતા રહે! આ બાબતે અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય આપણા કરતાં પણ આગળ છે કારણકે તાજેતરમાં જ રજૂ કરવામાં એક આંકડા મુજબ ગયા વર્ષે કેલિફોર્નિયાની જેલોમાં કેદીઓના વધુ પડતા ભરાવાને કારણે ૧૪૦૦ જેટલા કેદીઓને પેરોલ પર છોડવામાં આવ્યા હતા.

No comments:

Post a Comment